Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

VIRTUE MINE HONOUR… સદગુણ એ જ મારું સન્માન છે

  • પ્રકાશન તારીખ27 Jul 2018
  •  

પ્રકરણ - ૧૪
પ્રશ્નાર્થ, આઘાત, અચરજ અને મૂંઝવણ... વિલીની આંખોમાં એ દરેક ભાવ એકસાથે તરી આવ્યા. બેબાકળા ચહેરે ફાઈલ તરફ હાથ લંબાવીને એ જેમ્સની સામે જોઈ રહ્યો હતો, પણ તેના ગળામાંથી અવાજ સુદ્ધાં નીકળતો ન હતો.

અચરજથી ફાટાફાટ થતો જેમ્સ પણ ઘડીક ફાઈલ તરફ તો ઘડીક વિલી તરફ જોતો રહ્યો હતો.

વધુ એક મૅક્લિન એસ્ટેટ હજારો કિલોમીટર છેટે પશ્ચિમ ભારતની ઘાટીઓમાં ય વસતું હતું તેનો અચંબો બેયને મૂંઝવી કરી રહ્યો હતો.

વધુ એક મૅક્લિન એસ્ટેટ હજારો કિલોમીટર છેટે પશ્ચિમ ભારતની ઘાટીઓમાં ય વસતું હતું તેનો અચંબો બેયને મૂંઝવી કરી રહ્યો હતો.

- પણ બેયની મૂંઝવણનું કારણ અલગ હતું.

જેમ્સને અચંબાની સમાંતરે પારાવાર ગૌરવ થતું હતું. આહ...! આને કહેવાય ખરો મૅક્લિન બચ્ચો! વતનથી આટલે દૂર જવા છતાં વતનની માટીની મહેંક ભૂલ્યો નહિ અને ત્યાં પણ આરામગાહને વતનના નામે ઓળખાવી દીધું. સેલ્યુટ ટૂ માય ઓનરેબલ એન્સેસ્ટર... સેલ્યુટ આર્થર મૅક્લિન સર...!

એ મનોમન બિરદાવળીઓ લલકારી રહ્યો હતો ત્યારે વિલીના મનમાં ફફડાટ જાગતો હતો. મૅક્લિન એસ્ટેટ આખી દુનિયામાં બે હોય કે બાવીશ હોય, વિલીને કશો ફરક પડતો ન હતો. આર્થર દાદો પરાક્રમી હતો અને બધી વાતે પૂરો હતો એ ય કબૂલ. સાલા મારા પૂર્વજોમાં બધા એકબીજાના માથાં ભાંગે એવા શોખીન છે. એક હું જ...

પૂર્વજોની પરાક્રમકથા સાંભળીને એ મનોમન મોળો પડી રહ્યો હતો, પણ તેને મુંઝવતી બાબત એ હતી કે આમાં તેનું નિરાકરણ ક્યાં? પેઢીઓથી ચાલી આવતી આ બદહાલી, પેઢીઓથી થતાં અપમૃત્યુ અને સૌથી વિશેષ તો એ બિહામણું સપનું... આમાં આર્થરની વાતમાં એનો છેડો તો ક્યાંય મળતો નથી.

‘હેઈઈઈ....’ ઓચિંતો જ એ ડોળા ફાડીને જેમ્સની તરફ જોઈ બરાડી ઊઠ્યો, પણ એ જ સેકન્ડે અટકી ગયો.

‘હા બોલ...’ વિલીની આતુરતા પારખીને જેમ્સે હોંકારો ભણ્યો, પણ વિલી સ્તબ્ધપણે તાકી રહ્યો હતો. એ મારા તરફ જોઈ રહ્યો છે કે કશાંક ઊંડા વિચારમાં ડૂબી ગયો છે? જેમ્સને સમજાતું ન હતું.

‘અરે બોલ ને...’ જેમ્સે તેને ઝકઝોર્યો.

‘ઈયાન કહેતો હતો કે...’ મનોમન સ્વગતોક્તિ કરતો હોય એમ વિલી બોલી રહ્યો, ‘મારો બાપ છેલ્લે તેને મળ્યો ત્યારે કશીક લાંબી ટ્રિપ પર જવાની વાત કરતો હતો...’ પછી તદ્દન સભાનપણે જેમ્સની સાવ લગોલગ જઈને તેણે ઉમેર્યું, ‘એ લાંબી ટ્રિપ એટલે ઈન્ડિયાની આ મૅક્લિન એસ્ટેટ તો નહિ હોય ને?’

જેમ્સ મૌન, સ્થિર આંખે તેને જોઈ રહ્યો. ઈન્ડિયામાં પણ એક મૅક્લિન એસ્ટેટ હતી એ જાણીને તેના મગજમાં ય ઘોડા દોડવા માંડ્યા હતા. આખું ય કમઠાણ ક્યાંક...

પણ એ બોલ્યો નહિ.

બે વત્તા બે કરવા માટે કેલક્યુલેટરની જરૂર પડે એટલાં નાદાન એ બેમાંથી કોઈ ન હતા. ડગ્લાસ પોતાની બદહાલીનું કારણ જાણવા અને નિરાકરણ શોધવા ખાસ્સો ઊંડો ઊતર્યો હતો. હવે એ જ ચીલે આગળ વધવાનું હતું. એ ચીલો કદાચ ભારત ભણી લંબાતો હોય તો પણ...

બહારથી ઠંડોગાર પવન ફૂંકાતો હતો. રેવનની ડાળીઓના વિંઝણે હિમનાં પોચાં ફોરાં છેક પરસાળ સુધી ફેંકાતાં હતાં. વિલીએ બારી, દરવાજા વ્યવસ્થિત વાસીને ફાયર પ્લેસમાં લાકડાં સંકોર્યાં અને બંનેએ ફરીથી બેઠક ગોઠવી.
*** *** ***

ઈરમા તેજતર્રાર છોકરી હતી, આર્થર જેવા ખેપાનીને પણ જીરવવી મુશ્કેલ પડે એવી. મિલ્ટનની કવિતાઓ, શેક્સપિયરના સંવાદો, જુલિયન નોર્વિક જેવી તાર્કિક કવિયત્રીની ઉપમાઓમાં જીવતી ઈરમા જેટલી ભાવુક હતી એટલી જ ચબરાક.

પાતળો, એકવડિયો પણ તંદુરસ્ત બાંધો, પીગળેલા મીણની પીંછી ફેરવી હોય એવી નજાકતથી ભર્યોભર્યો ગોરો ચહેરો, પાતળા હોઠ પર બુદ્ધિમત્તાની બાંગ પોકારતું અણીયાળું નાક, બાંધેલી પોનીમાંથી સતત સરી જઈને ગાલ સાથે અડપલાં કરી જતાં ભુખરા વાળ અને કાનમાં મોરપિંછ ફરતું હોય એવો મીઠો અવાજ...

બાળપણમાં પિતાની લશ્કરી કારકિર્દીના કારણે વતનથી ક્યાંય દૂર એશિયામાં બર્મા, ચીન, જાપાનમાં ઉછરેલી ઈરમા 12 વર્ષની થઈ પછી ઈંગ્લેન્ડ જતી રહી હતી. સ્ટડી પૂરો કરીને લોન્ગ વેકેશન પર પરિવાર પાસે પરત આવી ત્યારે નાનકડી મીઠડી છોકરીમાંથી એ બેહદ ખૂબસુરત, શાલીન યુવતી બની ચૂકી હતી. તેની શુદ્ધ અંગ્રેજિયત અને એટિકેટ માટે કેન્ટોન્ટમેન્ટની તેની હમઉમ્ર છોકરીઓ ઈર્ષ્યાથી જોતી અને જવાન અફસરો તેનાંથી લઘુતાગ્રંથિ અનુભવતા.

પિતા અને ભાઈના કારણે આર્થરને એ આમ તો ઓળખતી. કેન્ટોન્મેન્ટમાં યોજાતી પાર્ટીઓમાં આર્થરની છાપ છેલબટાઉ જેવી હતી. મોડે સુધી એ પાર્ટીઓમાં શરાબ ઢીંચ્યા કરતો. ડાન્સમાં ભાગ્યે જ જોડાતો, પણ સિનિયર ઓફિસર્સ જોડે બહુ જ શાલીનતાથી પેશ આવતો, પણ હમઉમ્રને ભાગ્યે જ ગણકારતો.

વર્તણૂકમાં એ ઉછાંછળો હતો. ઉદ્દંડ અને તોછડો ય હતો, પણ તોય ઈરમાને બે-ચાર અછડતી મુલાકાતોમાં આર્થર તેની વર્તણૂકનાં બાહ્ય આવરણો હેઠળ અલગ હોવાનો અહેસાસ થતો હતો. નાતાલ પર્વે પ્રેયર મીટમાં એ બોલવા ઊભો થયો ત્યારે તેના અવાજમાં આત્મવિશ્વાસ અને વિચારોમાં વર્તાતું ઊંડાણ ઈરમાને અનોખાં લાગ્યાં હતાં.

ફોર્ટ વિલિયમ કેન્ટમાં યોજાયેલા એક મેળાવડામાં આખરે એ બંને સામસામે આવી જ ગયાં. ઔપચારિક વાતો પછી તેણે ઈરમાને પૂછ્યું હતું, ‘મેં સાંભળ્યું છે કે તને કેન્ટોન્મેન્ટ (બ્રિટિશ છાવણી)ની જિંદગી ખાસ સોરવતી નથી…’

ઘડીક એ ચોંકી હતી, પછી તરત તેણે હસીને જવાબ આપ્યો હતો, ‘હું બહુ મળતાવડી નથી એટલે લોકોને એવું લાગતું હોય...’

‘પણ તને પોતાને શું લાગે છે?’

‘Solitude sometimes is best society…’ (ક્યારેક એકાંત જ આપણો શ્રેષ્ઠ સાથી હોય છે)

‘કવિ જ્હોન મિલ્ટન?’ આર્થરે પૂછ્યું એટલે ઈરમા તાજુબીથી તેને જોઈ રહી.

‘તને ખબર છે? રિઅલી?’ અદ્દલ ખડ્ડુસ લડાકુની છાપ ધરાવતો આર્થર સહજ વાક્ય તરીકે ઈરમાએ બોલી નાંખેલી પંક્તિ પારખી ગયો એથી ઈરમાને માનવામાં આવતું ન હતું.

‘યાહ...’ ઈરમાના ચહેરા પર વર્તાતી તાજુબી જોઈને આર્થરને વધુ પાનો ચડ્યો. એ બેહદ તેજસ્વી હતો, પણ એટલો જ ભાવશૂન્ય હતો. છોકરીઓમાં તેની દિલચશ્પી માત્ર આવેગ ઠારવા પૂરતી જ હતી. ઈરમાને પણ એ એવી જ આદતથી નાણી રહ્યો હતો. તેણે ધીમા અવાજે કહ્યું, ‘ડોન્ટ શેઅર ઈટ બટ, કોલેજમાં હું પેરેડાઈઝ લોસ્ટની પંક્તિઓનું પઠન કરવા માટે જાણીતો હતો...’

‘માય ગોડ...’ ઈરમાને પહેલી વાર અહીં કેમ્પમાં કોઈ જવાન વાત કરવા જેવો લાગ્યો હતો, ‘તો અહીં કેમ આવો તોછડો અને ઘમંડી થઈને ફરે છે?’

પોતાની પ્રચલિત છાપ ઈરમાના મન પર પણ એવી જ અંકાયેલી છે એ જાણીને આર્થર ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યમાં વર્તાતી બેફિકરાઈ ઈરમા જોઈ રહી.

‘માય બ્યુટિફૂલ લેડી...’ તેણે ઈરમાની આંખમાં આંખ પરોવીને કહ્યું, ‘કવિતાઓ, નાટકો, કથાઓનો મારો સમય પૂરો થયો. હવે તો મારે કથાઓ સર્જવાની છે... અમારો સ્કોટિશ કવિ કહે છે...’

ઈરમાના ચાળા પાડતો હોય તેમ હવામાં તાકીને ભાવવિભોર ચહેરે તેણે પઠન કર્યું, ‘ઓ માય ડેઈટી… માય ફોર્ચ્યુન, આઈ આસ્ક યુ... મારી નિયતિને હું પૂછું છું... રડવાનું વરદાન માત્ર સ્ત્રીઓને જ કેમ? કેમ અમારે પુરુષોએ અમારું દર્દ અમારી સખ્તાઈ હેઠળ ઢાંકી રાખવું પડે છે? મારી નિયતિ સ્મિત વેરે છે અને કહે છે.. તું સ્કોટલેન્ડનો ફરજંદ છે... સખ્તાઈ એ તારો સદગુણ છે... એન્ડ આઈ બિલિવ... VIRTUE MINE HONOUR… સદગુણ એ જ મારું સન્માન છે...’

‘આહાઆઆઆ...’ ઈરમાનું મોં ખુલ્લું રહી ગયું, ‘આ કવિ કોણ?’

‘એ કવિ...’ આર્થરના ચહેરા પર ઘડીભર મૂંઝવણ તરી આવી, ‘અમારો સ્કોટલેન્ડનો બહુ ફેમસ કવિ થઈ ગયો... એલન મૅકેન્ઝી... યુરોપિયન રેનેસાઁ (નવજાગૃતિકાળ) વખતે...’

‘ડોન્ટ ટેલ મી...’ ઈરમાના ચહેરા પર અવિશ્વાસના ભાવ હતા, ‘નવજાગૃતિકાળનું સાહિત્ય હું ભણી છું, આવો કોઈ કવિ મેં વાંચ્યો નથી’

‘સો વોટ? તું કંઈ પોએટ્રીની ઓથોરિટી છે કે તને ખબર ન હોય એટલે તેનું અસ્તિત્વ જ ન હોય?’

‘અરે પણ... મને...’ ઈરમા ગજબની કવિતાઘેલી હતી, ‘હું ભણી હોઉં એવા યુગના એક કવિનું નામ મને ભૂલાઈ જાય?’ તેના ગોરા, નમણાં ચહેરા પર સખ્તાઈ બંધાઈ ગઈ, ‘આઈ નીડ ટૂ રિફર ઈટ અગેઈન...’

આર્થર ક્યાંય સુધી ક્ષોભથી લાલઘૂમ થઈ રહેલાં તેનાં રૂપને જોતો રહ્યો અને ઈરમા મોટી, ભાવવાહી આંખોથી તેનાં તરફ તાકી રહી. કવિતાના મામલે એક ફૌજી આજે તેને પરાસ્ત કરી રહ્યો હતો એ તે સાંખી શકતી ન હતી.

‘માય બ્યુટિફૂલ લેડી, એલન મૅકેન્ઝી તો કવિનું પેન નેમ (તખલ્લુસ) છે...’

‘ઓહ... તો રિઅલ નેઈમ?’ હવે તો પોતે જાણતી જ હશે એવી આશાએ ઈરમાએ પૂછ્યું.

‘આર્થર મૅક્લિન...’ હવે એ શી વાતે ય હસવાનું રોકી શકતો ન હતો, ‘અહીં ઊભાં ઊભાં જ મેં એ પંક્તિ જોડી કાઢી હતી...’

‘યુ સ્કાઉન્ડ્રલ...’ ગિન્નાયેલી ઈરમાએ ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ આર્થરના મોં પર ઉછાળી દીધો અને પછી મોટો જગ ઊઠાવ્યો એટલે ખડખડાટ હસતો આર્થર ટેબલની પાછળ લપાયો તો ઈરમાએ ત્યાં જઈને ઠંડા પાણીનો આખો જગ તેના માથા પર રેડી દીધો. તેનાં વાળ ખેંચ્યા અને વેસ્ટકોટમાંથી જકડીને તેને હચમચાવી નાંખ્યો.

- અને કંપની સરકારના અફસરો, તેમની ઓરતો આંખો ફાડીને, તાજુબીભેર આ કવિતાઘેલી છોકરી અને ઘમંડી, ઉદ્દંડ અફસરનો કમેળિયો કલશોર જોઈ રહ્યાં.

એ રાત્રે હુગલીના પાણીમાં જાણે પ્રાણ ફૂંકાયો હતો. આર્થરે કાંઠા પરથી એક હોડી છોડાવી હતી અને મલ્લાહને નીચે ઉતારી પોતે જ હલેસાં હાંકવા બેઠો હતો. હોડીના પાટડા પર બેય પગ લાંબા કરીને ઈરમા હુગલીના ઠંડાગાર પાણીમાં હાથ ઝબોળી રહી હતી.

ઈરમા તેજતર્રાર છોકરી હતી, આર્થર જેવા ખેપાનીને પણ જીરવવી મુશ્કેલ પડે એવી. મિલ્ટનની કવિતાઓ, શેક્સપિયરના સંવાદો, જુલિયન નોર્વિક જેવી તાર્કિક કવિયત્રીની ઉપમાઓમાં જીવતી ઈરમા જેટલી ભાવુક હતી એટલી જ ચબરાક.

આકાશમાં એ રાતે બેઉના સંવેદનોના ખભે હાથ મૂકીને જાણે ફરવા નીકળ્યો હતો ચંદ્ર, અને હૈયાના ધબકારમાં સંભળાતો હતો શરમાતી નદીનો મૌન ખળભળાટ...

ઈરમા મધુર કંઠે ગાઈ રહી હતી,

I sung of Chaos and Eternal Night,
Taught by the heav'nly Muse to venture down
The dark descent, and up to reascend... (અરાજક અને અનંત કાળરાત્રિનું મેં ગીત ગાયું છે... જગતનિયંતાની મહેરથી મારે આ નિબીડ અંધકાર ઉલેચીને પરમત્વને પામવું છે)

ગોરી, લિસ્સી પીંડી પરથી છેક ઢીંચણ સુધી ઊંચકાયેલું ફ્રોક, ફ્રોકની ફ્રિલ વચ્ચે હાંફતો સ્તનોનો ઊભાર અને નકશીદાર ચહેરા પર ઉછળતી અલ્લડતા... આર્થર મંત્રમુગ્ધ થઈને તેને જોઈ રહ્યો.

છૂટતા કિનારા અને હોડીના સંબંધ જેવો પ્રણય પાંગરવાની એ ક્ષણ હતી...

*** *** ***

મળસ્કા સુધી ફાઈલનાં પાનાઓમાં ડૂબેલા રહેલા જેમ્સ અને વિલીની આંખોમાં અઢળક સવાલોની સપાટી પર હવે ઘેન ઘેરાયું હતું. એકધારો વ્હિસ્કી પી રહેલો જેમ્સ પણ હવે ઝોકે ચડ્યો હતો. વિલીએ ફાઈલ બંધ કરી. બહારનો જરાક અમથો ઉજાસ બારણાની ફાંટમાંથી ડોકિયાં કરતો હતો. વિલીએ એક બ્લેન્કેટ સોફા પર અધૂકડા લૂઢકીને ઊંઘી ગયેલા જેમ્સને ઓઢાડ્યો અને બીજા સોફા પર પોતે લંબાવ્યું.

*** *** ***

પહેલાં જેમ્સ ઝબકીને બેઠો થયો, અને પછી તરત વિલી. બેય સવાલભરી નજરે એકમેકને તાકી રહ્યા.

હજુ માંડ બેયની આંખ મળી હતી, ત્યાં બહાર કોઈ જોરજોરથી બારણું ભભડાવતું હતું.

(ક્રમશઃ)
dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP