Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

ક્લાઈવની પાસેથી આર્થર થાક ઉતારવાના બે પ્રકારો શીખ્યો હતોઃ શિકાર અને ઐયાશી

  • પ્રકાશન તારીખ26 Jul 2018
  •  

‘વેઈટ...’ જેમ્સે ફાઈલ પર હાથ મૂકીને વિલીને પાનું ફેરવતો રોક્યો, ‘ડગ્લાસે સાચે જ ઘણી ખણખોદ કરી છે...’
‘યાહ...’ વિલીએ પણ ઊભા થઈને એકધારા અધૂકડા બેસવાથી જકડાઈ ગયેલા શરીરને તંગ કરીને છટપટાવ્યું, ‘હજુ તો આપણે આ એક જ ફાઈલ જોઈ છે. એ સિવાય પણ ઘણું છે, જે આપણે હવે ઝીણી નજરે જોવું પડશે’


‘બીજું શું શું છે હજુ’ જેમ્સે ટેબલ પરથી વ્હિસ્કીની બોટલ ઊઠાવી અને બંનેના પેગ ભર્યા.
‘ઘણી બધી ફાઈલો છે. આમાંથી તો...’ તેણે પટારા તરફ આંગળી ચિંધી, ‘શેઅર સર્ટિફિકેટની નકલ, રદ થઈ ગયેલા જૂના પાવર ઓફ એટર્ની અને એવું બધું જ છે, પણ પહેલાં આપણે આ ફાઈલ પૂરી કરીએ...’

પોતાનો પૂર્વજ દૂર દેશાવરમાં મોટો હાકેમ થઈ ચૂક્યો હતો એ જાણીને વિલીને તાજુબી થઈ રહી હતી. એ પોતે કાયમ લઘુતાગ્રંથિમાં જીવ્યો હતો. નિષ્ફળતાઓના ભારને જીરવી શકતો ન હતો.

પોતાનો પૂર્વજ દૂર દેશાવરમાં મોટો હાકેમ થઈ ચૂક્યો હતો એ જાણીને વિલીને તાજુબી થઈ રહી હતી. એ પોતે કાયમ લઘુતાગ્રંથિમાં જીવ્યો હતો. નિષ્ફળતાઓના ભારને જીરવી શકતો ન હતો, અને તેનાં પ્રતાપી પૂર્વજો અજાણી ભોમકામાં જઈને ઝંડા ખોડી આવ્યા હતા. તેણે ઊંડો શ્વાસ લીધો અને મનોમન પોરસાઈ રહ્યો.
જેમ્સ તો જન્મ્યો ત્યારથી જ કૂળાભિમાનથી પોરસાયેલો હતો એટલે તેના સ્કોટિશ અહંને તો આર્થર વિશે જાણીને વધુ પોષણ મળી રહ્યું હતું.


‘ચિઅર્સ ટૂ ધ બ્રેવ મૅક્લિન્સ...’ વ્હિસ્કીનો ઘૂંટ ગળા નીચે ઉતારીને તેણે ડોળા તગતગાવ્યા. નો આઈસ, નો સોડા, નો વોટર... સ્કોચ શરાબ તો કોરો જ પીવો જોઈએ. તેમાં કંઈપણ ઉમેરો એ શરાબ બનાવવાના સદીઓ પૂરાણા સ્કોટિશ કૌશલ્યની તૌહિન છે એવું એ માનતો.
‘આપણે હજુ ય આપણી આસપાસના મર્યાદિત વર્તુળમાંય ફિફાં ખાંડીએ છીએ ત્યારે આપણાં વડવાઓ છેક ક્યાં સુધી જઈને પરાક્રમો કરી આવ્યા હતા.. શું એ જમાનો હશે દોસ્ત...!’


જેમ્સ તો અમસ્તો ય ફૂલ ટાઈમ સ્કોટિશ લડાકુઓની કહાનીઓ વચ્ચે જ જીવતો હતો. હવે આર્થર મૅક્લિનની ગાથા સાંભળીને તેને વધુ પાનો ચડતો હતો.
‘યસ, પણ...’ વિલી ય પ્રભાવિત તો થઈ જ રહ્યો હતો, પણ મૂળ વાતનો તંત એ છોડે એમ ન હતો, ‘આપણી પ્રાયોરિટી અત્યારે આર્થરનું જીવનચરિત્ર વાંચવાની નહિ, પરંતુ તેમાંથી મારી સમસ્યાનું કારણ અને નિરાકરણ શોધવાની છે. મારા બાપે પણ કદાચ એ હેતુથી જ આ કમઠાણ એકઠું કર્યું છે...’


‘અફકોર્સ યસ, પણ ત્યાં સુધી પહોંચવા માટે ય એ પૂરું તો કરવું પડશે ને...’ પછી તેણે વ્હિસ્કીના ગ્લાસ ભણી હાથ લંબાવ્યો, ‘... અને એ પહેલાં આ પૂરું કર, પછી ફટાફટ કશું ખાઈને ફરીથી આગળ વધીએ.’
તદ્દન વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતા એક જ વંશના એ બે જણા એ તોફાની, મેઘલી રાતે એક જ દિશામાં વિચારતા, વિહરતા થઈ ગયા હતા.
અને બહાર મૅક્લિન એસ્ટેટની સૂમસામ સડક પર પવનના તોફાની વાયરામાં હિમની બૌછાર વિંઝાઈ રહી હતી.

*** *** ***


મુંબઈ એ વખતે હજુ અલગ પ્રોવિન્સ કે પ્રેસિડેન્સીનો દરજ્જો પામ્યું ન હતું, પણ તેનું વ્યાપારી મહત્વ ખંધા અંગ્રેજો ક્યારના પામી ચૂક્યા હતા. પશ્ચિમે સુરત, ખંભાતના બંદરો કાંપથી પૂરાઈ રહ્યા હતા. વળી, પશ્ચિમ કાંઠે જોરાવર બની રહેલાં પોર્ટુગિઝને લીધે એ બંદરો સલામત પણ રહ્યા ન હતા.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મૂળ ઉદ્દેશ તો વેપારનો જ હતો. પરંતુ અત્યંત મહત્વાકાંક્ષી ક્લાઈવે પ્લાસીનું યુદ્ધ જીતીને અહીં કાયમી શાસનનો રસ્તો બતાવીને સૌની દાઢ સળકાવી દીધી હતી. પ્લાસી વિજયને હજુ પૂરો એક દાયકો ય થયો ન હતો. એટલે વેપારી હિતો જ હજુ ય અગ્રતાક્રમે હતા. કલકત્તા, મદ્રાસ પર ગમે તેટલો મજબૂત કબજો હોય તો પણ ત્યાં સુધી પહોંચવા માટે આખા ય હિન્દનો ચકરાવો મારવો પડતો હતો. ભવિષ્યમાં ક્લાઈવની ઈમ્પિરિયલ બ્લુ પ્રિન્ટને અમલમાં મૂકવા માટે પણ પશ્ચિમ કાંઠા પર કંપની સરકારની આણ ફરતી હોય એ જરૂરી હતું.


મુંબઈની જવાબદારી સોંપાવાની છે એ જાણીને આર્થરે એક વરસની રજા લીધી. વતન પરત આવ્યો અને લગ્ન કર્યા. હવે તેની સાથે પત્ની ઈરમા પણ હતી. ઈરમાનો બાપ પણ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરી ચૂક્યો હતો અને તેનો ભાઈ પણ અવધમાં ફરજ બજાવતો હતો. એટલે ઈરમા માટે પણ હિન્દુસ્તાન ખાસ અજાણ્યું ન હતું.
ઈંગ્લેન્ડથી પરત આવીને આર્થરે પાયધુનીમાં પહેલી વ્યવસ્થિત ફેક્ટરી સ્થાપી અને અહીંથી જ સમગ્ર કાંઠાનો વહીવટ કરવા માંડ્યો. તેને અપાયેલો એજન્ડા સાફ હતો. મુંબઈના બારાને વિકસાવવું અને પોર્ટુગિઝથી ચડિયાતું, સલામત નાકું બનાવવું.


એ વખતે ખરેખર તો એ મુંબઈ નહિ, પણ ગંધાતા, મચ્છરિયા, રોગિષ્ઠ એવા સાત ટાપુઓનો સમૂહ હતો. દરિયો પૂરીને તેને જોડવાની મહત્વાકાંક્ષી યોજના અમલમાં આવવાને હજુ પાંચ દાયકાની વાર હતી. મરાઠાઓ પણ જમીન માર્ગે હજુ મુંબઈથી દૂર હતા.
એ વખતે પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદશાહ અબ્દાલીના દુર્રાની સૈનિકો સામે ભૂંડે હાલ પરાસ્ત થઈને મરાઠાઓનું ઝનુન જરાક ઓસર્યું હતું. હિન્દુસ્તાનનો ઈતિહાસ બદલવાની મહામોલી તક જરાક માટે ગુમાવી દેવાના આઘાતથી ભાઉ, દેશમુખ, શિંદે, ઘોરપડે, હોલકર સરદારો ઘડીભર હામ ગુમાવી બેઠા હતા.


સમર્થ યોદ્ધા સદાશિવરાવ ભાઉ, પેશ્વાઈનો તેજસ્વી વારસદાર વિશ્વાસરાવ, કૂટનીતિમાં ચાણક્યનો અવતાર ગણાતા દાજીરાવ, ત્ર્યંબકરાવ, વિઠોજી, શ્રીપંત... પાણીપતના મેદાન પર મરાઠાઓના એટએટલાં રત્નો રોળાઈ ગયા હતા કે તેની કળ વળતાં હજુ વાર લાગે તેમ હતી.
વિશ્વાસરાવના મોત પછી માત્ર 12 વર્ષમાં પેશ્વાની ગાદી પર બે ચહેરા બદલાયાઃ માધવરાવ અને નારાયણરાવ. નારાયણરાવ પેશ્વા બન્યો ત્યારે તેની ઉંમર હતી 17 વર્ષ.
મરાઠા માનસિકતા સમજવા માટે આર્થરે ભારે મહેનત કરી. સૌથી પહેલાં તેણે પેશ્વાઈની ઝીણામાં ઝીણા વિગતોના ચાર્ટ બનાવ્યા. મુલક અજાણ્યો, નામો અજાણ્યા, પરંપરા ય અજાણી. તેમ છતાં ચબરાક આર્થરને એ સમજતાં વાર ન લાગી. આખરે તો એ પોતે પણ કંઈક અંશે એવી જ સ્કોટિશ વંશ પરંપરાનું ફરજંદ હતો.


નારાયણરાવના વાલી તરીકે તેનો કાકો રાઘોબા યાને રઘુનાથરાવ વહીવટ ચલાવતો હતો. આર્થરે સૌથી પહેલાં તેની સાથે દોસ્તી કેળવવા માંડી. પેશ્વા હજુ પણ દખ્ખણમાં મૈસુર જીતવાનો મોહ છોડે તેમ નથી તેની ખાતરી થયા પછી તેણે ભારે ચૂપકીદીપૂર્વક દક્ષિણે કોંકણ તરફ પેશકદમી કરવા માંડી. કોંકણમાં સેનગઢમાં બ્રિટિશ ચોકી સ્થાપ્યા પછી પેશ્વાના ગઢ એવા પુણેમાં જ સેંધ મારી અને સતારા ફરતી સહ્યાદ્રીની ઘાટીઓમાં વેકેશન હાઉસના નામે અંગ્રેજિયતનો પગપેસારો કરવા માંડ્યો.


અહીં સુધી તેની ચાલ પેશ્વાને નિર્દોષ લાગતી રહી. ખંધો આર્થર પેશ્વાના દરબારમાં નિયમિત રીતે ખિદમત મોકલતો રહે. રાઘોબા જોડે ગોઠડી ય કરતો રહે. મરાઠા સરદારોને ય સાચવતો રહે અને બીજી તરફ બ્રિટિશ હકુમતની આગેકૂચ પણ વધારતો રહે.
એ આકરી મહેનત કરનારો નોંખી કિસમનો હાકેમ હતો. આરામદાયક ઓફિસમાં બેસીને હુકમો છોડનારો ન હતો. નકશાઓમાં વ્યુહાત્મક સ્થાનોની આંકણી કરે, કઈ જગ્યાએ થાણું નાંખવું જોઈએ, ક્યાં કિલ્લેબંધી કરવી પડશે અને ક્યાં કસ્ટમ હાઉસ હોવું જોઈએ તેનાં ટપકા કરે, જે-તે સ્થળના ભૂગોળ, ઈતિહાસથી માહિતગાર થાય અને પછી ઘોડા પર ખદ્દડ જીન નાંખીને કાફલો લઈ જાતતપાસ પર નીકળી પડે.


અડાબીડ ટેકરીઓથી ઘેરાયેલા પાંચ ગામોનું ઝુમખું તેને ગજબ ગમી ગયું હતું. ધાંડેગઢ, ગોડાવળી, અમરાળ, ખીણઘર અને તાઈઘાટ. પાંખી વસ્તી ધરાવતા આ પાંચો ગામોને જોડતી સાંકડી સડક, ગામની ભાગોળ ફરતું જંગલ, જંગલનો ઢાળ ઉતરતી ખીણ, ખીણમાં ધસમસતી નદી અને નદીના તોફાનને બાથમાં લેવા મથતાં સહ્યાદ્રીના ભીષણ પહાડો...


પહેલી જ નજરે આર્થર આ સ્થળના પ્રેમમાં પડી ગયો. અદ્દલ સ્કોટલેન્ડ જેવા જ લાગતાં આ સ્થળમાં વતનવછોયા આર્થરને ઘરઆંગણાનો અહાંગરો સોરવતો લાગ્યો.
સતારાની હદમાં આવતું આ સ્થળ પેશ્વાની હકુમત ગણાય, પણ પેશ્વાની નબળાઈ જાણી ગયેલા આર્થરે તેનો ય તોડ કાઢ્યો. રાઘોબાને સાધીને તેણે આ પાંચ ગામો ઉપરાંત પાસેના કેટલાંક વિસ્તારની મનસબદારી ખુદના નામે લીધી. એ પોતે કંપની સરકારનો હાકેમ હતો, પણ આ પાંચ ગામ પૂરતો એ પેશ્વાનો મહેસુલી અધિકારી બની રહ્યો. આર્થરની ચાલ પામવાનું લાલચુ રાઘોબાનું ગજુ ન હતું. તેણે તો સોનાની તાસક પર આ પ્રદેશ ધરી પણ દીધા.


ગુરુ રોબર્ટ ક્લાઈવની પાસેથી આર્થર પણ થાક ઉતારવાના બે પ્રકારો શીખ્યો હતોઃ શિકાર અને ઐયાશી. એ માટે તેને આ સ્થાન બહુ જ યોગ્ય લાગ્યું હતું. સહ્યાદ્રીના જંગલોમાં બેશુમાર દીપડાં, જંગલી વરૂ, ઝરખ અને ક્યારેક વાઘ પણ મળી જતા. જોકે, આ સ્થાન ગમવા પાછળ અહીંના સૌંદર્ય કે શિકારની સવલત કરતાં ય વધુ બીજું એક કારણ જવાબદાર હતું.


ઠંડી રાત્રે પથારી ગરમ કરવા માટે અહીંની દેહાતી છોકરીઓનો તેને ભારે ચસ્કો લાગ્યો હતો. ઐયાશ તો એ પહેલેથી હતો. બંગાળના કાલીઘાટ કે કાસિમગંજની ક્લાઈવની કોઠીઓમાં રાત-રાતભર યોજાતા મુજરાઓમાં કંઈક વાર એ બેકાબુ બનતો.
હવે અહીં તો એ પોતે જ સર્વેસર્વા હતો, અહીંનો ક્લાઈવ એ પોતે જ હતો. એટલે અહીં તેની ઐયાશીએ પણ માઝા મૂકવા માંડી. તેના પાગિયાઓ જંગલોમાં વસતાં બેબસ આદિવાસીઓના કૂબામાં ફરતા રહે અને આર્થરની પસંદગીની છોકરીઓ શોધતા રહે. એવી જ કોઈ છોકરીને ઉઘાડેછોગ ઊઠાવીને આર્થરના કેમ્પ પર લાવવામાં આવે. અહીં બે-ત્રણ દિવસ સુધી તો તેને આર્થરની દાસીઓ નવડાવી-ધોવડાવીને આર્થરને માફક બનાવે. પછી આર્થરની મોજ શરૂ થાય.


દિવસભર આકરી દડમજલ કર્યા પછી સાંજ ઢળે એ સાથે આર્થરની નવાબીનો આરંભ થતો. ચોગાનની પાછળ મોટા હોજમાં સુગંધી અત્તરોની શીશીઓ ઠલવાય. ત્રણ અનુચરો તેને તેલમાલીશ કરી આપે પછી નવાબ આર્થર મૅક્લિન હોજમાં પડે. સજ્જડ થઈ ગયેલી એક એક માંસપેશીનો મસાજ થાય એ રીતે અનુચરો તેને નવડાવે.
વરંડામાં આલિશાન ઢોલિયો ઢળાય. ખાસ ઈંગ્લેન્ડથી મંગાવેલા પૂરાણા સ્કોચની બાટલી ખૂલે. ફરતા મેજ પર મિનાકારી કરેલી તશ્તરીઓમાં લિજ્જતદાર માંસ પિરસાય, અને ગભરાતી, ડરતી, છટપટાતી અબૂધ છોકરીને બાથમાં ઘાલીને નવાબ આર્થરની મિજલસનો આરંભ થાય.


ક્યારેક પૂણે કે સતારાથી ખાસ પેશેવર તવાયફોનો જલસો અહીં જામે. મોરલા જેવા કંઠે ગવાતી ઠુમરીઓના સૂર સહ્યાદ્રીને ઘેરી વળે અને નવાબી અચકન, માથા પર બનાતની લીલી નવાબી ટોપી અને પીંછાનું ફૂમતું પહેરીને શરાબના નશામાં ચૂર થયેલો આર્થર નાચવા લાગે.


આર્થરને આ જિંદગી બરાબર માફક આવી ગઈ હતી. બે મહિના મુંબઈના ચીકણા, ભેજવાળા, રોગિષ્ઠ હવામાનમાં આકરી મહેનત કરવાની અને પછી અહીં આવીને મહિના સુધી જલસા કરવાના. અહીં તાઈઘાટ અને અમરાળની વચ્ચે ખીણની ધાર પર ખાસ્સી વિશાળ જગ્યા સમથળ કરીને તેણે અદ્દલ સ્કોટિશ હાઈલેન્ડ ટાઈપથી અહીં પહોળા ઘાટનો બે માળનો બંગલો બંધાવ્યો. ખુલ્લી જગ્યામાં ખાસ સ્કોટલેન્ડથી મંગાવીને ઓક, પાઈન અને રેવન વૃક્ષો વાવ્યા.
અને એ સ્થળને નામ આપ્યું મૅક્લિન એસ્ટેટ.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP