Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

અહીં તરફડિયાં મારતી એક એવી કહાની તેની રાહ જોઈ રહી હતી, જેની તેને ખબર સુદ્ધાં ન હતી

  • પ્રકાશન તારીખ24 Jul 2018
  •  

પ્રકરણ-1

ભારે સ્નોફોલ પછી હવે ઝરમર વરસાદ વરસતો હતો. નોર્થ સ્કોટિશ હાઈલેન્ડની આ કાયમી તાસિર હતી. કોઈપણ મોસમમાં અહીં હવામાન પલટાતાં જરા ય વાર ન લાગે. સ્નોફોલ થતો હોય અને ઓવરકોટ ચડાવીને નીકળો તો થોડી વારમાં ગ્રેમ્પિઅનની પહાડીમાંથી સૂસવતાં ઠંડા પવનને બદલે ધારદાર તડકો ચડી આવે.


આજીવન સ્કોટલેન્ડને તરસતો રહેલો તેનો બાપ આ પિતૃભૂમિનો ખરો આશક હતો. સ્કોટલેન્ડ વિશે ઘસાતો એક શબ્દ પણ સાંભળી કે સાંખી ન શકે. એડિનબર્ગ, ગ્લાસગો કે સમગ્ર સ્કોટલેન્ડના હવામાનને કોઈ વખોડે એટલે તરત તાડુકીને એ કહેતો, ‘માઈન્ડ વેલ, ધેર ઇઝ નો બેડ વેધર થિન્ગ ઇન સ્કોટલેન્ડ, હવામાન તો બરાબર જ હોય છે, બની શકે કે તમે કપડાં ખોટાં પહેર્યાં હોય!’


પોતાના કપડાં તો ખોટાં નથી ને એ વિચારે તેણે ફરીવાર ઓવરકોટનો વેસ્ટબેલ્ટ ટાઈટ કર્યો. ગળામાંથી જોશભેર ઉચ્છવાસ ફેંકીને બંને હાથની હથેળીઓમાં જરાક ગરમાવો ફૂંક્યો અને લેધર ગ્લવ્ઝ ચડાવ્યાં.

“ધીસ સ્ટુપિડ રેઈન....” મનોમન બબડીને કટાણા મોંએ તેણે છત્રી ઊઠાવી અને ફરી એકવાર આશાભરી નજરે બુઢ્ઢા જેમ્સ તરફ જોયું. બહાર ઠંડાગાર પવનના સૂસવાટા વચ્ચે આમતેમ ફંગોળાતી રોવન વૃક્ષની ડાળીઓના બિહામણા ઓળા બારીના કાચ પર ઝળુંબતા હતા. બુઢ્ઢો તો એવી જ બેફિકરાઈથી સ્કોચના ઘૂંટડા ગળે ઉતારી રહ્યો હતો.


‘વોટ અ પ્લેઝન્ટ વેધર, બોય...’ તેણે ગ્લાસ સહેજ ઊંચો કરીને પૂછ્યું, ‘વધુ એક પેગ ફાવશે? તારે તો ઘરે જઈને હવે ઊંઘી જ જવાનું છે ને...’ બુઢ્ઢાના અદ્દલ સ્કોટિશ ઘમંડથી તેને હવે રીતસર ધૂંધવાટ થતો હતો. તિરસ્કારથી મોં મચકોડીને તેણે નનૈયો ભણી દીધો.

કરેણના ફૂલ જેવી પીળી જમીન, કાળાશ પડતા અણઘડ પથ્થરોના કિલ્લાનુમા મકાનો, મકાનોનાં વિશાળ ઓરડાની દિવાલો પર લટકતી બંદૂકો અને સાંકડી ચીમનીમાંથી ફેંકાઈને બહાર ખુલ્લી હવામાં ઘૂમરાતી મધ્યયુગના સ્કોટિશ લડાકુઓની કહાની...

‘તારી ઉંમરે તો આવા વેધરમાં અમે એક લીટર ક્લાન મેકગ્રેગર ઢીંચીને નદીના તોફાની વહેણમાં રાફ્ટિંગ કરતા...’


સતત સ્કોટિશ લડવૈયાઓની જ વાતો, બહાદુરીના નામે નકરી શેખી અને સ્કોટિશ સર્વોપરિતાના મિથ્યાભિમાનની એકધારી વાતોથી એ તંગ આવી ગયો હતો. પહેલી જ મુલાકાત છતાં બુઢ્ઢો જેમ્સ મૅક્લિન તેને જરા ય ગમ્યો ન હતો.

આમ તો એડિનબર્ગનું કશું જ તેને ગમતું નહીં... હવામાન પણ નહીં અને માણસ પણ નહીં. વરસાદ તો લંડનમાં ય પડતો. એકધારો પડ્યા કરતો. પરંતુ લંડનની પથરીલી સડકો પર તાલબદ્ધ અથડાઈને બુંદ બુંદ સિકરમાં વહી જતા વરસાદનું એક મધુરું સંગીત હતું. માટે એ વરસાદ પોતીકો લાગતો. અહીં એડિનબર્ગથી દૂર મૅક્લિન એસ્ટેટની પીળી માટીમાં વરસાદ જાણે બેપરવાઈથી રગદોળાતો હોય તેમ તેને લાગતું.

કરેણના ફૂલ જેવી પીળી જમીન, કાળાશ પડતા અણઘડ પથ્થરોના કિલ્લાનુમા મકાનો, મકાનોનાં વિશાળ ઓરડાની દિવાલો પર લટકતી બંદૂકો અને સાંકડી ચીમનીમાંથી ફેંકાઈને બહાર ખુલ્લી હવામાં ઘૂમરાતી મધ્યયુગના સ્કોટિશ લડાકુઓની કહાની... સમગ્ર સ્કોટલેન્ડ, એડિનબર્ગ અને મૅક્લિન એસ્ટેટ તેને ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં થીજી ગયેલી તસવીર જેવા લાગતા, જેને આ બુઢ્ઢો જેમ્સ મૅક્લિન તલવારની ધારે પરાણે બહાર લાવવા મથતો હતો. જ્યારે કે લંડન વર્તમાનમાં જીવતું, ધબકતું શહેર હતું. એટલે જ તેને લંડન ગમતું હતું અને અહીં સોરવતું ન હતું.

“ઇટ્સ યોર એન્સેસ્ટ્રલ લેન્ડ... તમે આજકાલના જવાનિયાઓ વડવાઓની ભૂમિ, દાદા-પરદાદાની એક વખતની જાગીર અને પૂર્વજોના ભવ્ય ઈતિહાસ પ્રત્યે સાવ બેપરવા રહો છો..." નમતી બપોરે એ જ્યારે જેમ્સને મળવા માટે અહીં પહોંચ્યો ત્યારે બુઢ્ઢાએ તેને કડક અવાજે ઠપકો આપ્યો હતો. તેનો વાંક ફક્ત એટલો જ હતો કે મળતી વખતે તેણે પોતાની ઓળખ સ્કોટિશ સ્ટાઈલથી નહોતી આપી.

“માયસેલ્ફ વિલી... વિલી મૅક્લિન....” શાલિનતાથી ઝૂકીને તેણે નમ્ર અવાજે કહ્યું હતું. મૅક્લિન એસ્ટેટની તેની આ પૈતૃક જાગીરમાં આવી બધી નાટકબાજી, દેખાડા હજુ ય કરવા પડે છે એવું ડૅડ બાળપણમાં તેને ક્યારેક કહેતા એ તેને આછું-પાતળું યાદ હતું.


પણ તો ય બુઢ્ઢાએ તેની પદુડી લઈ નાંખી હતી, “વોટ વિલી? વિલી એટલે શું? કોનો દીકરો?”


કરચલિયાળા ચહેરા પર ઓપતી ઘેઘુર દાઢી, પરંપરાગત સ્કોટિશ યોદ્ધાઓની ઓળખ સમું લાલ, કાળા ચોકઠાંવાળું ગળા ફરતું સફાઈભેર બાંધેલું ટાર્ટન, કરડી આંખોમાંથી વહેતો વણબોલાયેલો ડારો, તોફાની જવાનીની સાહેદી પૂરતા પહોળા ખભા અને ખુરદરી હથેળીમાં વર્તાતી તાકાત... બુઢ્ઢો જેમ્સ મૅક્લિન જાણે સત્તરમી સદીની રોયલ હાઈલેન્ડ રેજિમેન્ટના આદમકદ ભીંતચિત્રોમાંથી બહાર ધસી આવ્યો હોય એવો લાગતો હતો. ચહેરાની ઝુર્રીઓ કે વાળની સફેદી તેને સિત્તેરની પાર ખેંચી જતી હતી, પણ તરાશેલા સિસમ જેવા સ્નાયુઓના ગઠ્ઠા તેને પાછો જુવાની ભણી તાણવા મથતા હતા. એક જમાનામાં સ્કોટલેન્ડ યાર્ડની મશહુર પોલીસનો એ સાર્જન્ટ હતો. જેવો ખુર્રાંટ એવો જ સનકી. જેટલો જડસુ એટલો જ મિજાજી.


“યાહ... આઈ મિન... આઈ એમ વિલિયમ... વિલિયમ... સન ઓફ ડગ... ડગ્લાસ મૅક્લિન, મેં તમને લેટર લખ્યો હતો... આઈ હેવ ટેકન પ્રાયોર અપોઈન્ટમેન્ટ" બુઢ્ઢાના દમામથી થોથવાઈ જતી જીભે તેણે જવાબ વાળ્યો હતો.


“ડગ્લાસ મૅક્લિન...” તેણે હવામાં તાકીને ઘડીક ડોકુ ધૂણાવ્યા કર્યું, “સન ઓફ?”


“સન ઓફ હેન્રી મૅક્લિન... એન્ડ હેન્રી વોઝ ધ સન ઓફ...”

ઔદ્યોગિક ક્રાંતિની પાછોતરી હવામાં ઘસાવાનું શરૂ થયેલું શૂરવીરતાનું એ ગૌરવ હવે તો ક્યાંય તળિયે જઈ પહોંચ્યું હતું અને એક સમયે સમગ્ર યુરોપમાં જેમની બહાદુરીની હાક વાગતી હતી એ સ્કોટિશ લડવૈયાઓના ખાનદાનની નવી પેઢી ક્યારની ગ્લાસગો, લિવરપુલ અને લંડનની શેરીઓમાં નોકરી માટે જૂતાં ઘસતી થઈ ગઈ હતી.

“ઓહહહ, તો તું વિક્ટર મૅક્લિનના વંશનો છે...” તેણે તરત પહોળી, વજનદાર હથેળીથી તેનો ખભો દાબ્યો. તેના ગોરા, લાલ ચહેરા પર અહોભાવ તરી આવ્યો, “ધ ગ્રેટ વિક્ટર મૅક્લિન ઓફ મેલેટ... અ પ્યોર સ્કોટિશ બ્લડ. ઓહ જીસસ..." તેણે છાતી પર ક્રોસની સાઈન કરીને અછડતી ગરદન ઊંચી કરી હવામાં જોયું, "તારો દાદો હેન્રી મારાથી દસેક વર્ષ મોટો, બટ આઈ નો હિમ... ડૂ યુ નો, હિ વોઝ અ વન્ડરફૂલ શૂટર... અહીં મૅક્લિન એસ્ટેટની કેટલીય ભીંતો પર તને તારા દાદાની નિશાનબાજીના વિંધાં જોવા મળશે. વી આર મૅક્લિન્સ, બોય... તારી અને મારી રગોમાં દોડતું ખૂન ભવ્ય વારસો ધરાવે છે. તને આ બધી ખબર હોવી જોઈએ.”


એક શ્વાસે આટલું ભાષણ ઠપકારી દીધા પછી વ્હાલપૂર્વક બાથમાં ભીંસીને જેમ્સ તેને ઘરમાં દોરી ગયો હતો.


તેની બોઝિલ, પીંજેલા રૂની પૂણી જેવી પાંપણોની ભીતર જાણે હજુ ય સોળમી સદીના જંગ ખેલાતા હતા. સ્કોટિશ કુળાભિમાનની એ મિસાલ હતો. મૅકગ્રેગર, મૅકેન્ઝી, લોગાન કે કિનકેઈડ સાખના લડાકુ વંશોની ખાંડાની ધારે ખણખણતી પેઢીનો એ છેલ્લો દીવાધર હતો.
*** *** ***


પણ શું સ્કોટલેન્ડ, શું એડિનબર્ગ કે શું મૅક્લિન એસ્ટેટ... ઔદ્યોગિક ક્રાંતિની પાછોતરી હવામાં ઘસાવાનું શરૂ થયેલું શૂરવીરતાનું એ ગૌરવ હવે તો ક્યાંય તળિયે જઈ પહોંચ્યું હતું અને એક સમયે સમગ્ર યુરોપમાં જેમની બહાદુરીની હાક વાગતી હતી એ સ્કોટિશ લડવૈયાઓના ખાનદાનની નવી પેઢી ક્યારની ગ્લાસગો, લિવરપુલ અને લંડનની શેરીઓમાં નોકરી માટે જૂતાં ઘસતી થઈ ગઈ હતી. ખુદ વિલિયમ પણ તેમાંથી બાકાત ન હતો, જેને પ્રતાપી પૂર્વજોનો ભવ્ય ભૂતકાળ સ્મરવા કરતાં પોતાના વરવા વર્તમાનને સુધારવાની વધુ આવશ્યકતા હતી.


ડેટા એનાલિસ્ટ તરીકેની કારકિર્દીમાં 32 વર્ષે ય વિલિયમ ક્યાંય ઠરીઠામ થઈ શકતો ન હતો. 10 વરસમાં તેણે 12 નોકરી બદલી હતી, કહો કે દરેક નોકરીમાંથી તેને કાઢી મૂકાયો હતો. ક્યાંક છબરડા થયા હતા, ક્યાંક ફાયનાન્શિયલ ફ્રોડમાં તેના નામે ખોટું આળ ચડ્યું હતું તો ક્યાંક ઓફિસ પોલિટિક્સમાં એ અંટાઈ ગયો હતો. કેટલીક છોકરીઓ સાથે તેને નિકટતા ઊભી થઈ હતી અને એ બધી જ તેને બહુ બૂરી રીતે તરછોડી ગઈ હતી. એક છોકરીએ તો તેને લૂઝર, ફેઈલ્ડ, નિષ્ફળ કહીને પડતો મૂક્યો હતો, તો બીજી છોકરી વળી તેના જ ઘરમાં, તેના જ એક દોસ્ત સાથે સેક્સ માણતાં રંગે હાથ પકડાઈ હતી. એ પછી ય લાજવાને બદલે ગાજીને તેણે કહ્યું હતું, “તારામાં એ મર્દાનગી જ ક્યાં છે?”


છૂટી ગયેલી નોકરી, મિત્રોમાં તેના નામે થતાં ખિખિયાટા, ભારે આર્થિક સંકડામણ અને સતત માથા પર લટકતી ભાડાની ઉઘરાણી... ચારેબાજુએથી ઘેરાયેલા વિલિયમને છેલ્લા કેટલાંક મહિનાઓથી એક બિહામણા સપનાએ પણ પજવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં એ ભયાનક સપનું ક્યારેક જ આવતું. તીવ્ર ડિપ્રેશનને લીધે આવું થાય છે એમ તેણે મન મનાવ્યું. પણ પછી તો એ સપનાનો અંતરાલ અને ભયાવહતા બંને વધ્યાં ત્યારે તેણે સાઈકિયાટ્રિસ્ટને ય કન્સલ્ટ કરી જોયા. તો ય સપનાએ કેડો ન છોડ્યો. હવે તો અંધારું ઘેરાય અને રાત પડે ત્યાં જ સપનાના આગોતરા ભારથી એ ગભરાવા લાગ્યો હતો અને ધોળે દિવસે ય સાવ નવરાધૂપ બેઠેલા તેને પોતાની આસપાસ ભયનો ઓથાર ઝળુંબતો વર્તાતો હતો.


સ્કોટલેન્ડની તેની આ બાપદાદાની મૅક્લિન એસ્ટેટ પર બહુ ઊંચી આશાએ એ આવ્યો હતો. બાળપણમાં એક વાર તેના બાપ સાથે આવ્યા પછી લગભગ બે દાયકા બાદ તેણે અહીં પગ મૂક્યો હતો.

પણ એ તેની ભૂલ હતી. બહુ જ મોટી ભૂલ હતી. કારણ કે, અહીં તરફડિયાં મારતી એક એવી કહાની તેની રાહ જોઈ રહી હતી, જેની તેને ખબર સુદ્ધાં ન હતી.
(ક્રમશઃ)

dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP