Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'તેને તારા કારણે જ સપનાનો ડર હતો...'

  • પ્રકાશન તારીખ02 Aug 2018
  •  

પ્રકરણ - ૨૦

ઈંગ્લેન્ડ પરત ગયા પછી દસેક વર્ષ સુધી આર્થરની માનસિક સ્થિતિ ડામાડોળ રહી. ગમે ત્યારે એ શૂન્યમનસ્ક બની જતો, ગમે ત્યારે અસંબદ્ધ લવારીએ ચડી જતો. રાત્રે ઊંઘી શકતો નહિ અને દિવસે એકચિત્ત થઈ શકતો નહિ. પણ, આખરે તો એ યોદ્ધો હતો, એક ઝુઝાર લડાકુ હતો. સઘન સારવાર અને કાળજી પછી એ એમાંથી બહાર આવ્યો. આટલો વખત તેની ચાકરી કરનારી એન્ના નામની અંગ્રેજ સ્ત્રી સાથે જ તેણે પાછલી વયે લગ્ન કર્યાં. એ લગ્નથી તેને એક દીકરો થયો. તેનું નામ એડવર્ડ.


એ સુખી જરૂર હતો, પણ તેની જિંદગીમાં સુકુન કેટલું હતું એ કદાચ આર્થર સિવાય કોઈ જાણતું ન હતું. જીવ્યો ત્યાં સુધી એ હિન્દુસ્તાનને ભૂલી શકતો ન હતો અને મર્યો ત્યાં સુધી એ હિન્દુસ્તાનને યાદ પણ કરી શકતો ન હતો. ઈરમા અને વ્હાલસોયા વિલિયમ તેના હૈયે જડાઈ ગયા હતા. બીજી પત્ની એન્નામાં એ ઈરમાને જોવા મથતો રહ્યો. દીકરા એડવર્ડમાં એ સવા વરસે કરપીણ મોતને ભેટેલા વિલિયમને શોધતો રહ્યો. હિન્દની એ બરછટ, તોફાની, ધગધગતી અને સાહસિક જિંદગીને એ ભૂલવા મથતો હતો, અને ભૂલી શકતો ન હતો.

આર્થર બેહદ વિચક્ષણ હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે તેણે આપેલી સેવાઓ પણ અમૂલ્ય હતી

આર્થર બેહદ વિચક્ષણ હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે તેણે આપેલી સેવાઓ પણ અમૂલ્ય હતી. એટલે શાહી પરિવારે પણ પૂરા માન-સન્માનથી તેની કાળજી લીધી હતી. એ સ્વસ્થ થયો પછી રાણીના ઈસ્ટર્ન કોલોનીના મિલિટરી એડવાઈઝર તરીકે રોકવામાં આવ્યો. એ પછી તેણે આફ્રિકન દેશોમાં સ્થપાયેલી બ્રિટિશ કોલોની દૃઢ બનાવવા માટે નીતિઓ ઘડવાનું કામ કર્યું અને રાણીના ડિપ્લોમેટ જેવો માનવંતો હોદ્દો ભોગવીને પાકટ વયે મર્યો.


આર્થર મેલેટ મૅક્લિનનો દીકરો એડવર્ડ, અને એડવર્ડનો વંશ એટલે હેન્રી, ડગ્લાસ અને હવે વિલિયમ મૅક્લિન, જે કાળોતરો અભિશાપ લોહીમાં લઈને જન્મ્યા હતા અને તેની તેમને ખબર સુદ્ધાં ન હતી. ખબર પડતી હતી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ જતું હતું.
વિલિયમને ય હવે એ ખબર પડી રહી હતી.
*** *** ***

લંડન પહોંચીને તરત ઈયાન કામે લાગી ગયો હતો. કેટલાંક કોમન ફ્રેન્ડ્સ કે બિઝનેસ એસોસિએટ્સની મદદથી તેણે એમિલિયાનો પતો લગાવી લીધો. એ આજે ય કશું જ કરતી ન હતી. અથવા કહો કે, એ જ કરતી હતી જે તેણે કાયમ કર્યું હતું.


રૂપની માદક જાળ પાથરો, ધનિકોને તેમાં ફસાવો. શક્ય બને ત્યાં સુધી તેને ખંખેરો. બેમાંથી જે વહેલું કંટાળે ત્યારે એ સંબંધ પૂરો. પછી નવેસરથી જાળ પાથરવાની. શિકાર પસંદ કરવાની તેની ખાસિયત નિરાળી હતી. એ પચાસ વટી ગયેલા સેલ્ફમેડ માલેતુજારોને જ પસંદ કરતી. તેનું ગણિત સ્પષ્ટ રહેતું.


આપબળે આગળ વધેલા આવા લોકોની જવાની કાળઝાળ મહેનત કરવામાં જ વીતી હોય. દરેક જાતના અભાવો વચ્ચે તેમણે પોતાની જાતને લક્ષ્ય તરફ દોડતી રાખી હોય. પણ હવે બે પાંદડે થયા પછી પરાણે તાણીને બાંધેલા સિંદરીના વળ છૂટા પડે એમ દબાવેલી ઐહિક અભિપ્સાઓ લબકારા મારવા લાગી હોય. એમિલિયાને એ અભિપ્સાઓ પંપાળવામાં, ભડકાવવામાં અને ઠારવામાં જબરી ફાવટ હતી. એ આવા લોકોને સુગર ડેડી કહેતી.


ડગ્લાસ એકેય રીતે સુગર ડેડી માટેના એમિલિયાના માપદંડોમાં ફીટ બેસે એમ ન હતો. એ હેન્ડસમ હતો, જવાન હતો, પણ ધનિક ન હતો.


એમ છતાં એ બેય વચ્ચે દોસ્તી જામી. એમિલિયા બધી વાતે પૂરી હતી તો ડગ્લાસ પણ કાચો ખેલાડી ન હતો. વર્મોર શિપિંગ કંપનીના જાડિયા સીઈઓ લૂઈસ વર્મોરની ગર્લફ્રેન્ડ તરીકે તેણે એમિલિયાને પહેલી વાર જોઈ ત્યારે જ તેને સમજાઈ ગયું હતું કે લોહચુંબકના કટકા જેવી આ છોકરી જાડિયા લૂઈસની નહિ, પણ તેની આર્થિક તાકાતની ગર્લફ્રેન્ડ છે.


માલેતુજારોની અભિપ્સા ઠારી શકતી એમિલિયાને પોતાની એષણાઓ માટે એવા પુરુષની આવશ્યકતા રહેતી જે તેને છટપટાવે, કસી રાખે, તડપાવે અને પછી તડપ અસહ્ય બને ત્યારે ચરમતૃપ્તિનો આહ્લાદક અહેસાસ આપે. મજબૂત બાંધો અને તોછડો મિજાજ ધરાવતો ડગ્લાસ એ હેતુથી તેને કામનો આદમી લાગ્યો હતો.


બીજી, ત્રીજી અને ચોથી મુલાકાતમાં તો તેણે પરચો ય જોઈ લીધો. વર્મોરના જ ફ્લેટમાં તેની ગેરહાજરીમાં ડગ્લાસે એમિલિયાને પસ્ત કરી દીધી. થાક અને તૃપ્તિના ઘેનથી ઘેરાયેલી આંખો તળે એમિલિયા અને ડગ્લાસ વચ્ચે અતૂટ દોસ્તીનો આરંભ થયો.


ડગ્લાસના ઈશારે એમિલિયા શ્રીમંતોના ફાયનાન્સ પોર્ટફોલિયો લાવવા માંડી. શરૂઆતમાં ઈયાનને ય નવાઈ લાગતી કે આવડી મોટી કંપનીનું ઈન્વેસ્ટમેન્ટ આપણને કેમ મળે છે? પછી તેને સમજાયું. ડગ્લાસ માણસ પારખવામાં અને પોતાની જરૂરિયાત મુજબનો ઉપયોગ કરવાામાં એક્કો હતો.


એસ્ટોન ક્લબના પાર્કિંગમાં પહોંચીને ત્રણેય નીચે ઉતર્યા અને ઈયાને જગુઆરની ચાવી હોટેલ સ્ટાફને સોંપી. એસ્ટોન ક્લબ એ કિંગસ્ટન વિસ્તારની બહુ જાણીતી જગા હતી. વિલી પોતે અનેકવાર અહીંથી પસાર થયો હતો, પણ લંડનની હાઈ સોસાયટીની આ ક્લબમાં પગ મૂકવાનું તેનું કદી ગજું ન હતું.


'સ્ટે કૂલ...' ઈયાને ધીમા અવાજે ફરીથી કહ્યું. એ આખાય રસ્તે એમિલિયા અને ડગ્લાસની યુતિ વિશે બંનેને માહિતી આપી રહ્યો હતો, 'પનારો પાડવા માટે બહુ અઘરી ઓરત છે, પણ ડગ્લાસ માટે તેને નૈસર્ગિક અહોભાવ હતો. ડગ્લાસ મદદની આશાએ એ વારંવાર તેને મળતો હતો એ મને ખબર છે. શક્ય છે કે તે ડગ્લાસના આખરી દિવસો વિશે મારા કરતાં વધુ જાણતી હોય અને તેની વાતમાંથી આપણને કંઈક કડી મળે.'


ઘૂઘવતા દરિયાની ભૂરાશનો અર્ક આંજ્યો હોય એવી ભૂરી, મોટી, પારદર્શક આંખો. શરીરના પ્રત્યેક વળાંકને સિફતપૂર્વક ઉજાગર કરે એવો ચુસ્ત ડ્રેસ. હાઈલાઈટ કરેલા ખભા સુધી લંબાતા વાળ અને નજરમાં ઠારી નાંખે એવી બેપરવાઈ.


પચાસને પાર કરી ગયેલી એમિલિયાનો ઠસ્સો સહેજે ય ઓછો થયો ન હતો.


'વ્હાય યુ આર ઈન્વોલ્વિંગ મી ઈન સચ ઓલ્ડ ઈસ્યુ?' શરૂઆતમાં ઈયાન એકલો જ તેને મળ્યો ત્યારે એમિલિયાએ ભારે ઠંડો પ્રતિસાદ આપ્યો હતો.


જવાબમાં ઈયાને બહુ ધીરજપૂર્વક તેને સમગ્ર ઘટનાક્રમ કહ્યો. ડગ્લાસને તો આપણે બચાવી ન શક્યા, પણ હવે તેનો દીકરો વિલિયમ પણ એવા જ ભેદી ઘટનાક્રમની લપસણી ધાર પર ઊભો છે અને એ માટે તારી જરૂર ફક્ત એટલી છે કે ડગ્લાસના આખરી દિવસો વિશે, તેની વાતો વિશે તું જે કંઈ જાણતી હોય એ કહે. શક્ય છે કે વિલિયમને તેમાંથી કંઈક રસ્તો મળી આવે. આટલું કહેવા માટે ઈયાને તેની તમામ આવડત કામે લગાડી દીધી.


આખરે એ મળવા સંમત થઈ.
વિલીને તેણે જોયો... ઘડીક જોતી જ રહી.


ભૂરું ડેનિમ, સ્ટોનવોશ્ડ લેધરનો બ્લેક વિન્ટર કોટ, બ્રાઉન શૂઝ, સોનેરી ઝાંય ધરાવતા સીધા લાંબા અને અવ્યવસ્થિત વાળ, પાતળા હોઠ, જરાક સરખી ય ચરબી વગરનો તંગ ચહેરો અને ઝીણી, સહેજ ભુખરી આંખોમાં વર્તાતો અજીબ ખૌફ...


એમિલિયા પોતાને બહુ ઝીણવટપૂર્વક જોઈ રહી છે એ પારખીને વિલી બેહદ સભાન થઈ રહ્યો હતો.


'તું ડગ્લાસની કાર્બન કોપી જેવો જ લાગે છે...' એમિલિયાએ વિલીને પગથી માથા સુધી નિહાળીને કહ્યું.


તેની આંખોમાં ગજબનું કામણ હતું. વિલી ઘડીભર તેની આંખોમાં તાકીને પછી નીચું જોઈને જરાક શરમાઈ ગયો.
'એઝ આઈ ટોલ્ડ યુ...' ઓળખાણ-પીછાણ પછી ક્યાંય સુધી હવામાનની, એસ્ટોન ક્લબમાં યોજાયેલા સિંગર રિકી માર્ટિનના શોની અને એવી બધી વાતો થતી રહી. પછી ઈયાને મૂળ વાત મૂકી હતી, 'વિલિયમ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ લાસ્ટ ફેઝ ઓફ હિઝ ફાધર...'


'યાહ... પુઅર મેન...' એમિલિયાના અવાજમાં સાચુકલો ભાવ હતો કે કેળવાયેલો દંભ એ નક્કી થઈ શકતું ન હતું, 'આખરી દિવસોમાં એ બેહદ તંગ હતો. નાદારી નોંધાવી ચૂક્યો હતો અને નવી કોઈ તક મળે તેમ ન હતી. મેં ય થોડીક મદદ કરી હતી, બટ ઈટ વોઝ નોટ ઈનફ...'


તેણે એક જ નજરે ત્રણેયની તરફ જોઈ લીધું, 'એ માણસ જરાય ખોટો ન હતો, પણ શી ખબર છેલ્લે છેલ્લે તેણે ગજબનાક ગલતીઓ કરવા માંડી હતી...'


'હા...' ઈયાને તેને પંપાળીને વાત આગળ વધારવાની પેરવી કરવા માંડી, 'મને ય તેણે કહ્યું હતું કે તેને કશાક બિહામણા સપનાનો ખૂબ જ ડર લાગતો હતો...'


'તારું જ...' એમિલિયાએ વિલિયમ તરફ આંગળી ચિંધી, 'તેને તારા કારણે જ સપનાનો ડર હતો...'


'મારા કારણે?' અચાનક આ નવો ફણગો ફૂટ્યો એટલે વિલી ચોંક્યો. જેમ્સે તરત તેની પીઠ પર હાથ મૂકીને સંયમિત રહેવા ઈશારો કર્યો.


'તેને સપનામાં કોઈ સ્ત્રી દેખાતી હતી... એણે ઘણી વાર મારી પાસે વર્ણન કર્યું છે. એ કહેતો ત્યારે મને ય ઘડીભર ડર લાગી જતો એટલે પછી હું તો સાંભળતી જ નહિ તેની વાત...'


'સપનામાં સ્ત્રી દેખાતી હતી, મતલબ?' અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલાં જેમ્સે પહેલી વાર સવાલ કર્યો.
'નદીના લોહીયાળ પાણી... તેમાં ઊંધા પગલે ચાલી જતી કોઈ સ્ત્રી... તેનો ભયાનક ચહેરો... કારમી આંખો... ગોડ નોઝ વોટ એલ્સ...' તેણે મોઢું બગાડીને ચહેરો ઝાટકી નાંખ્યો.


'પણ એમાં વિલીના કારણે ડર કેમ?'


'એ ઓરત અત્યંત ડરામણા અવાજે વિલીના નામનો ચિત્કાર કરતી હતી...'


જેમ્સ અને ઈયાન સ્તબ્ધ થઈને વિલી તરફ જોઈ રહ્યા. વિલી એ વખતે નીચું જોઈને ભાવ છૂપાવવાની કોશિષ કરી રહ્યો હતો.


'પણ હું જાણું છું ત્યાં સુધી...' ઈયાને વાતને વધુ એક ઠોંસો માર્યો, 'એ કંઈક લોંગ ટૂર પર જવા માંગતો હતો. મારી પાસે તેણે મદદ પણ માંગી હતી...'


'હા, તેને ઈન્ડિયા જવું હતું...' એ સહજ રીતે જ કહી રહી હતી પણ હવે કંઈક નવી વાત આવી રહી હતી એટલે ત્રણેયે કાન સરવા કર્યા, 'મારી પાસે ય મદદ માંગી હતી, પણ મને તેની આવી વાતોમાં સહેજ પણ શ્રદ્ધા થતી ન હતી. એટલે હું તેને ધમકાવી નાંખતી. કારોબાર નવેસરથી શરૂ કરવા કહેતી અને એ માયુસ થઈને જતો રહેતો, પણ એ ભયંકર છળેલો રહેતો હતો એ તો મને બરાબર યાદ છે...'


'તેને ઈન્ડિયા કેમ જવું હતું? એ વિશે તેણે કશું કહ્યું હતું ખરું?'


'એ મને એક્ઝેક્ટ તો ખબર નથી પણ...' એમિલિયાએ હવામાં નજર નાંખીને યાદ કરવાની કોશિષ કરવા માંડી, 'એ કહેતો હતો કે ઈન્ડિયા જવાથી તેની સઘળી મુસીબત દૂર થઈ શકે તેમ છે...'


'પણ એવું તેને કેમ લાગતું હતું? શેનાં આધારે તે એવું માનતો હતો?'


'યુ સી...' એમિલિયા પોતાનું જીવનદર્શન સમજાવવા માંડી, 'માણસ મુસીબતમાં હોય ત્યારે ય તેને ભરમાવીને ગેરલાભ લેનારા ઓછા નથી હોતા.'


'એટલે? સમજાયું નહિ...' ત્રણેયના ચહેરા પર અકળામણ હતી.


'આઈ ડોન્ટ નો ધ ગાય ઓર હિઝ નેઈમ બટ...' એમિલિયા ખરેખર મગજ કસી રહી હતી, 'પહેલી વાર તેણે મને ઈન્ડિયા જવાની વાત કહી અને મદદ માંગી ત્યારે તેની સાથે નોબલ રેકર્ડ ઓફિસનો એક આદમી હતો... એન્ડ હી વોઝ ઈન્ડિયન'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP