Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'મૅક્લિન્સની તમામ કઠણાઈની શરૂઆત અહીંથી થઈ હોવી જોઈએ'

  • પ્રકાશન તારીખ22 Jul 2018
  •  

પ્રકરણ – 9
જો રોયલ આર્કાઈવમાં આ બધી વિગતો હોય તો એ નેટ પર પણ મળી શકવી જોઈએ. આજ સુધી પોતાના બાપના નામ કે વંશ વિશે સદંતર બેપરવા રહેલા વિલીએ જિંદગીમાં પહેલી જ વાર ગૂગલ પર મૅક્લિન વિશે સર્ચ કરવા માંડ્યું. રોયલ આર્કાઈવ, લંડન પણ ચેક કરી જોયું. વેબસાઈટમાં સ્કોટિશ કૂળની વંશાવળી માટેની હાઈપર લિન્ક જોઈને એ તાજુબ થઈ ગયો.

એ લિન્ક પર જઈને તેણે ક્લિક કર્યું. ચોપડામાં હતી એ જ વિગતો શબ્દશઃ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ હતી. પાદરીએ કહ્યું એ બરાબર જ હતું. આ રજિસ્ટર ખરેખર તો રોયલ આર્કાઈવની જ પ્રોક્સી હતું.

‘રોયલ આર્કાઈવનું આખું ય પેઢીનામું ઓનલાઈન અવેઈલેબલ છે...’ પહેલી વાર તેણે આ બે બુઢ્ઢાઓને ચકિત કરી દીધા તેનો આનંદ અવાજમાં રણકતો હતો, ‘અહીં આપણે જોઈ એ વિગતો તો છે જ, અહીં નથી એવી વિગતો પણ ઓનલાઈન મળે છે...’

હેન્રી મૅક્લિનનો બાપ ફ્રેડરિક, ફ્રેડરિકનો બાપ ગ્રેહામ.. એમ છેક એડવર્ડ સુધીની નોંધ હતી, જે તેણે હમણાં જ જાણી હતી. પરંતુ રજિસ્ટરમાં જે વિગત ન હતી એ વેબસાઈટ પર તો હતી જ.

એડવર્ડ પછીનું પહેલું જ નામ વાંચીને તે હરખભેર બરાડી ઊઠ્યો, ‘હી વોઝ આર્થર... આર્થર મૅક્લિન...!!’

*** *** ***

તેનાં ઊંચા અવાજથી ચર્ચની નિરવ સ્તબ્ધતા ઘડીભર ડહોળાઈ ઊઠી, પણ પાદરી અને જેમ્સ બંને તેની ઉત્તેજનાનું કારણ સમજી શકે તેમ હતા.

‘રોયલ આર્કાઈવનું આખું ય પેઢીનામું ઓનલાઈન અવેઈલેબલ છે...’ પહેલી વાર તેણે આ બે બુઢ્ઢાઓને ચકિત કરી દીધા તેનો આનંદ અવાજમાં રણકતો હતો, ‘અહીં આપણે જોઈ એ વિગતો તો છે જ, અહીં નથી એવી વિગતો પણ ઓનલાઈન મળે છે...’

જેમ્સના ચહેરા પરની ઉત્સુકતા સામે જરાક મલકીને તેણે મોબાઈલનો સ્ક્રિન સ્ક્રોલ કરવા માંડ્યો.

‘એડવર્ડ મૅક્લિનનો બાપ આર્થર મૅક્લિન હતો. ઈસ. 1743માં તેનો જન્મ થયો હતો અને 1817 સુધી એ જીવ્યો હતો.

લંડનનો એ પ્રસિદ્ધ હસ્તી હતો. ક્વિન વિક્ટોરિયાનો ડિપ્લોમેટિક એડવાઈઝર હતો. તેની ફરજપરસ્તી અને પરાક્રમોના શિરપાવ સ્વરૂપે રાણીએ તેને અર્લનો ખિતાબ આપ્યો હતો. લંડન, એડિનબર્ગ ઉપરાંત અન્યત્ર પણ તેની પ્રોપર્ટી હતી. ભરીભાદરી જિંદગી જીવીને એ અવસ્થાના કારણે મૃત્યુ પામ્યો હતો. તેની પાછળ બીજી પત્ની ડોરોથી અને પુત્ર એડવર્ડને છોડી ગયો છે. તેની અંત્યેષ્ટિ પૂરા શાહી સન્માન સાથે સંપન્ન થઈ છે. અર્લનો ખિતાબ મેળવ્યો હોવાથી શાહી રસમ મુજબ તેની અંતિમવિધિ વેસ્ટમિન્સ્ટર એબેના ઉમરાવો માટેના કબ્રસ્તાનમાં થઈ અને અહીં જ તેની નોંધ લેવામાં આવી છે.’

વિલીએ સ્ક્રીન પરથી નજર હટાવી ત્યારે તેના ચહેરા પર રીતસરનો હાશકારો હતો. આર્થર પછીની ૬ પેઢી યુવાન વયે ખુવાર થઈને મોતને ભેટી હતી, પણ આર્થરે પૂરા 74 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.

મોબાઈલમાં વિલી આટલી વિગતો વાંચી રહ્યો એ સઘળી ઘડી પાદરી અને જેમ્સ આતુર આંખે તેને સાંભળી રહ્યા હતા.

‘ઓહો... વોઝ હી અર્લ ઓફ એડિનબર્ગ? અર્લ આર્થર મૅક્લિન..?’ જેમ્સના ચહેરા પર અહોભાવ તરી આવ્યો, ‘તો આવું સન્માન તેને એમ ને એમ તો ન મળ્યું હોય... તેની સિદ્ધિઓ વિશે શું લખ્યું છે?’

‘બસ, આટલું જ લખ્યું છે...’ આર્થર અર્લ ઓફ એડિનબર્ગ હોય કે પર્લ હાર્બર હોય, વિલીને તો ફક્ત એટલું સમજાયું હતું કે તેનાં પૂર્વજોમાં આ એક એવો મૅક્લિન હતો જે પૂરી જિંદગી ભરપૂર શાનોશૌકતથી જીવ્યો હતો. મતલબ કે બાકીના મૅક્લિન્સની તમામ કઠણાઈની શરૂઆત કદાચ અહીંથી થઈ હોવી જોઈએ.

‘આટલું એટલે કેટલું?’

‘હમણાં મેં વાંચ્યું એટલું...’ જેમ્સને ધરવ કેમ નહોતો થતો એ વિલીને સમજાતું ન હતું.

‘ફરીથી વાંચ...’ જેમ્સ તેની વધુ નજીક ખસ્યો અને જાણે બહેરો હોય તેમ કાન બરાબર સરવા કરીને ધ્યાનસ્થ થઈને બેઠો.

વિલીએ ફરીથી આર્થર મૅક્લિન વિશે જે કંઈ નોંધ હતી એ વાંચી.

‘ફરજપરસ્તી અને પરાક્રમ...’ જેમ્સના ચહેરા પર અવઢવ તરી આવી, ‘ફરજપરસ્તી તો જાણે સમજ્યા, પણ પરાક્રમ ક્યાં? કેવું પરાક્રમ?’

વિલી મૌન રહ્યો. એવું તો અહીં કંઈ લખ્યું ન હતું, અને તેનો મતલબ પણ ક્યાં કંઈ હતો?

'રજિસ્ટરમાં તેના છેલ્લા હોદ્દાની કે છેલ્લી સ્થિતિની જ નોંધ હોય...' હવે પોતાનું કામ પૂરું થયું એમ ધારીને પરવારી રહેલાં પાદરીએ કહ્યું, 'વધુ વિગતો મેળવવા માટે અર્લ રજીસ્ટ્રીમાં કે પછી કડીબદ્ધ ઈતિહાસ જાણવા માટે સોલ્ટ ટાવરમાં આવેલી નોબલ રેકર્ડ ઓફિસમાં જવું પડે'

‘આર્થરનો સમય ક્યો હતો?’ જેમ્સ મનોમન કશીક ગડ બેસાડવા મથતો હતો.

‘1743માં જન્મ્યો અને 1817માં મૃત્યુ...’

‘ત્યારે સ્કોટલેન્ડ તો ઈંગ્લેન્ડનો હિસ્સો બની ચૂક્યું હતું... ઈટ વોઝ ધ બિગિનિંગ ઓફ યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન...’ જેમ્સની કાયમની અટકેલી ઘડિયાળ હોંશભેર ઊંધા કાંટે ફરવા માંડી હતી, ‘એ ડિપ્લોમેટ હતો એટલે કદાચ વોરિઅર તો નહિ હોય. તો પછી... 1775ની રશિયન સંધિમાં સામેલ હશે? ડિપ્લોમેટ તરીકે ટ્રેડિંગની જવાબદારી ય હોઈ શકે... તો કદાચ આફ્રિકન હબસીઓના નેધરલેન્ડ સાથેના વેપારની સંધિમાં ય સંકળાયેલો હોઈ શકે. એ સંધિથી બ્રિટનને બહુ મોટો આર્થિક ફાયદો થયો હતો...’

‘એ કોણ હતો તેનાં કરતાં ય મને સંતોષ એ વાતનો થયો છે કે તે ઘણું લાંબું જીવ્યો હતો...’ કોયડાના એક છેડા સુધી પહોંચ્યાની રાહત વિલીના ચહેરા પર સ્પષ્ટ વંચાતી હતી.

બહાર સાંજ ઘેરાઈ રહી હતી. ઘનઘોર વાદળોને લીધે દિવસ વહેલો સંકોરાઈ જતો હતો. ચર્ચમાં હવે ચહલપહલ વધી હતી. આ સાયં પ્રાર્થનાનો સમય હતો. અલ્ટાર બોક્સ પાસે ઊભેલા પાદરીએ પ્રેયર ગાઉન પહેરી લીધો હતો. એક-બે માણસો પ્રતિમા સામેની નાનકડી પાળી પર રંગીન સુગંધી મીણબત્તી જલાવીને સ્ટેન્ડમાં ગોઠવી રહ્યા હતા. ડિસ્ટીલરીના કર્મચારીઓના પરિવારો શિસ્તપૂર્વક બેન્ચ પર ગોઠવાઈ ચૂક્યા હતા.

જેમ્સ કશું બોલ્યા વગર પ્રેયર બેન્ચ પર બેઠો. ગળા ફરતું બાંધેલું ટાર્ટન ઉતારીને તેણે ભાવપૂર્વક ચૂમ્યું અને પછી ખોળામાં મૂક્યું. હેટ ઉતારીને બગલમાં દબાવી અને આંખો બંધ કરી. તેનું જોઈને વિલી પણ બાજુમાં ગોઠવાયો. પાદરીએ પ્રાર્થના શરૂ કરી.

Blessed Virgin Mary,
who can worthily repay you with praise
and thanks for having rescued a fallen world
by your generous consent!

બંધ આંખે જેમ્સ પરમ શ્રદ્ધાથી હોઠ ફફડાવતો પ્રાર્થના કરી રહ્યો હતો. પાછળ બેઠેલાં પરિવારો પણ ઝીણા અવાજે સૂર પૂરાવતા હતા. એ વાતાવરણની અસર કહો કે સંજોગોનો ભાર, ભાગ્યે જ ચર્ચમાં જતાં કે ધાર્મિક વિધિ-વિધાનમાં શ્રદ્ધા ધરાવતા વિલીથી પણ મૌન રહી શકાયું નહિ. સામે પડેલી પ્રેયર બુકમાં જોઈને તેણે ય બોલવા માંડ્યું,

મા, તું દયાની દેવી છે... મારાથી ભૂલ થઈ છે... તારી આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું છે... સંતાન તરીકે તારી મારા પ્રત્યેની અપેક્ષા પૂર્ણ કરવામાં ઊણો ઊતર્યો છું... મને ક્ષમા કરજે મા... જેવો છું તેવો, આખરે તારું જ સંતાન છું... તારા વ્હાલસોયાં પાલવથી મારા પાપોને, મારી ક્ષતિઓને ભૂંસી દે અને મને તારા સ્નેહાળ માતૃત્વને લાયક બનાવ, મા...

યંત્રવત્ પ્રાર્થના બોલી રહેલો વિલી બુકમાં પ્રાર્થના સાથે છપાયેલા ચિત્રને જોઈ રહ્યો હતો. આકાશના યશોજ્જવલ રંગો વચ્ચે મધર મેરી કરૂણાભરી નજરે જોઈ રહી હતી અને ધરતી પરથી તેના સંતાનો બે હાથ આકાશ તરફ ફેલાવીને તેની સ્તુતિ કરી રહ્યા હતા.

એ એકીટશે તાકીને ચિત્ર તરફ જોઈ રહ્યો. લાલ, ભૂરા બેકગ્રાઉન્ડને એકધારો એ નિરખી રહ્યો હતો અને અચાનક તેને આકાશના રંગો ઓઢીને વહેતી સોહામણી નદીનો આભાસ થયો. નદીના પાણી પર ઊઠતાં પગલાં... નદીના ધસમસતા વહેણ તરફ ચાલી જતી પીળાશ પડતી મેક્સી પહેરેલી એક સ્ત્રી અને...

તેણે એક ઝાટકે પ્રેયર બુક બંધ કરી દીધી અને ભયાર્ત ચહેરે આસપાસ જોઈને સ્વસ્થતા ધારણ કરવા માંડી. આજે ધોળે દિવસે ય તેને એ સપનાનો આભાસ થયો હતો, પણ આજે ખબર નહિ...

વિલી હતપ્રભ થઈને હવામાં તાકી રહ્યો હતો ત્યારે તેની બાજુમાં બેઠેલો જેમ્સ બંધ આંખે ભાવપૂર્વક ધીમા અવાજે બોલી રહ્યો હતો,

હું તારું જ સંતાન છું... મારી રક્ષા કર અને તારા જ્યોતિર્મય ઉજાસ તરફ મને દોરી જા, હે મા! આમેન...

*** *** ***

‘આર્થર મૅક્લિન કોણ હતો એ જાણવું જરાય મુશ્કેલ નથી...’ પાછા ફરતા આખા ય રસ્તે બંને વચ્ચે ચર્ચા જારી રહી હતી, પણ જેમ્સ સંમત થતો ન હતો, ‘આર્થરનો દીકરો એડવર્ડ પણ નાની ઉંમરે ખુવાર થઈને મોતને ભેટ્યો હતો. તેનો અર્થ આપણે એવો તારવી શકીએ કે આર્થરના જીવનમાં કશુંક એવું બન્યું હોવું જોઈએ જેને માઠાં પરિણામો તેના પછીની દરેક પેઢીએ ભોગવવાનાં થતાં હોય...’

‘પણ જો આર્થરના જીવનમાં જ કશું એવું બન્યું હોય તો તેણે પોતે કેમ દુષ્પરિણામો ન ભોગવ્યાં?’ વિલી હજુ ય અસમંજસમાં હતો, ‘મારી દૃષ્ટિએ આર્થર કરતાં ય વધુ અથવા એટલિસ્ટ આર્થર જેટલો જ એડવર્ડ પણ શકમંદ છે. શક્ય છે કે એડવર્ડની જિંદગીમાં પણ એવું કંઈક બન્યું હોય અને એનાંથી જ શરૂઆત થઈ હોય’

વિલીના તર્કમાં વજુદ તો હતું જ.

‘રાઈટ...’ જેમ્સે હકાર ભણ્યો, ‘પરંતુ એડવર્ડ ખાસ લાંબું જીવ્યો નથી. વળી, એ મૅક્લિન એસ્ટેટમાં જ ઉછર્યો હતો. એટલે તેની માહિતી પણ મળી જ શકશે.’

‘પણ મને સવાલ એ છે કે સપનાનો ઉલ્લેખ માત્ર મારા ફાધર અને ગ્રાન્ડફાધરમાં જ કેમ છે? આગળની દરેક પેઢીમાં નહિ તોય કોઈ એકાદમાં તો હોવું જોઈએ ને?’

‘એટલાં ઊંડા ઉતરવાનું તો આપણાંથી શક્ય નહિ બને...’ સપાટાભેર ચાલ્યા જતા જેમ્સની ચાલ જરા ધીમી પડી, ‘તું કોઈ રીતે ઈયાન સ્ટુઅર્ટના સંપર્કમાં છે?’

‘મા, તું દયાની દેવી છે... મારાથી ભૂલ થઈ છે... તારી આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું છે... સંતાન તરીકે તારી મારા પ્રત્યેની અપેક્ષા પૂર્ણ કરવામાં ઊણો ઊતર્યો છું... મને ક્ષમા કરજે મા...’

‘ના ખાસ તો નહિ, દોઢ-બે વર્ષ પહેલાં એક વાર મળ્યો હતો. મારા ફાધરનો એ નાયબ અધિકારી હતો અને એમના આખરી દિવસોમાં તે વધારે નજીક હતો. તેણે જ બધી વિધિ પૂરી કરી હતી અને મને ફોસ્ટર હોમમાં મૂક્યો હતો. હું સમજણો થયો ત્યાં સુધી તો એ નિયમિત રીતે મને મળવા આવતો, પણ પછી એ ઘટી ગયું અને મને એની જરૂર પણ ન રહી હતી... આઈ વોઝ ઓલ હેપી એટ માય સાઈડ...’

‘તું તેને ફોન કરીને તારા બાપને આવતાં સપનાં વિશે પૂછી શકે?’

અડધી કલાક પછી...

મકાન પર પહોંચીને બંને ફ્રેશ થયા. રસ્તામાં ડિસ્ટીલરીની કેન્ટિનમાંથી લીધેલ રોસ્ટ બીફ, પોર્ક અને ચિકન ગ્રેવી વિલીએ ટ્રેમાં કાઢ્યા અને ગ્લાસમાં વાઈન ભર્યો.

‘ડિનર પછી...’ જેમ્સે તાકિદભેર કહ્યું, ‘પહેલાં તું ઈયાન સાથે વાત કર...’

દિવસભરની રઝળપાટને લીધે ભુખાળવા થયેલા વિલીએ ક-મને મોબાઈલમાં ઓનલાઈન ડિરેક્ટરી ચેક કરવા માંડી. અસંખ્ય ઈયાન સ્ટુઅર્ટમાંથી એડ્રેસના આધારે નંબર મેળવ્યો અને ડાયલ કર્યો. જેમ્સ આતુર નજરે તેને જોઈ રહ્યો હતો. રિંગ જતી તેને સંભળાતી હતી. અચાનક રિંગ કટ થઈ એટલે ધડકતા હૈયે વિલીએ પૂછ્યું, ‘માયસેલ્ફ વિલિયમ મૅક્લિન, મે આઈ ટોક વિથ મિ. સ્ટુઅર્ટ?’

(ક્રમશઃ)
dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP