Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

આ ત્રણ અહીં વંશાવળીના સદીઓ જૂના ભમ્મરિયા કૂવામાં અજવાળું શોધવા મથતા હતા

  • પ્રકાશન તારીખ21 Jul 2018
  •  

પ્રકરણ – 8

'ફેમિલી ટ્રી મુજબ તો તમારા બંનેની બ્રાન્ચ ૧૦મી પેઢીએ ભેગી થાય છે' પાદરીએ ચશ્માં નીચે ઉતારીને ચોપડો સહેજ આઘો ખસેડ્યો અને ચોપડામાંથી જોઈને એક કાગળ પર કરેલું ચિતરામણ બંનેની સામે ધર્યું, 'વિક્ટર મૅક્લિનના ચાર દીકરા. મેથ્યુ, હેન્રી પહેલો, વિક્ટર બીજો અને જ્હોન. એ પૈકી તમે બંને જ્હોન મૅક્લિનના વંશજ છો.'


જેમ્સને કેટલીક પ્રાથમિક વિગત ખબર હતી, પરંતુ વિલી માટે આ બધી માહિતી તદ્દન નવી અને વિશિષ્ટ હતી. નાની ઉંમરે બાપ ગુમાવી દીધા પછી બાપનું નામ પણ સત્તાવાર દસ્તાવેજો પૂરતું જ તેનાં માટે સિમિત રહી ગયું હતું. ત્યારે પૂર્વજો અને કુટુંબનો આંબો અને પરંપરાની તો તેને પરવા હોય જ શાની?

'જ્હોન મૅક્લિનનો દીકરો ગિલ્બર્ટ, જે સૌપ્રથમ વખત દરિયાપાર ડેન્માર્ક પર આક્રમણ કરવા માટે ઈતિહાસ પ્રસિદ્ધ છે. ગિલ્બર્ટનો દીકરો આર્કિબાલ્ડ એ તમારો બંનેનો વડદાદો થાય.’

'જ્હોન મૅક્લિનનો દીકરો ગિલ્બર્ટ, જે સૌપ્રથમ વખત દરિયાપાર ડેન્માર્ક પર આક્રમણ કરવા માટે ઈતિહાસ પ્રસિદ્ધ છે. ગિલ્બર્ટનો દીકરો આર્કિબાલ્ડ એ તમારો બંનેનો વડદાદો થાય. અહીં સુધી તમારી બંનેની શાખા ભેગી છે, પરંતુ આર્કિબાલ્ડના બે દીકરા. એથન અને જીન. એથનના વંશમાં અગિયારમી પેઢીએ જેમ્સ આવે છે અને જીન મૅક્લિનના વંશમાં નવમી પેઢીએ વિલિયમ આવે છે.'


ચર્ચની બહાર રોજ કરતાં વધારે ચહલપહલ હતી. ડિસ્ટીલરીના કોઈ કર્મચારીના સંતાનના બેપ્ટિઝમ નિમિત્તે કશુંક ગેધરિંગ હતું. એ કલબલાટથી દૂર પાદરીના અલ્ટર બોક્સ પાસે ટેબલ પર ચોપડાઓનો પથારો કરીને એ ત્રણે ય ઊભા હતા. ચર્ચમાં કામ કરતાં આદમીઓ પોતપોતાના કામસર અંદર-બહાર કરતા રહેતા હતા.


- અને આ ત્રણ અહીં વંશાવળીના સદીઓ જૂના ભમ્મરિયા કૂવામાં અજવાળું શોધવા મથતા હતા.


‘ધેટ્સ ગુડ...’ પાદરીની વાતને ધ્યાનથી સાંભળી રહેલાં જેમ્સે આખરે કહ્યું, ‘તો હવે આપણે જીન મૅક્લિનથી વિલિયમ સુધીની આખી લાઈન ચેક કરવાની રહી. ક્યાંથી અપમૃત્યુનો સિલસિલો શરૂ થાય છે એ ખબર પડવી જોઈએ.’


‘યસ...’ પાદરીએ પાનાંઓ ઉથલાવવા માંડ્યાં, ‘આપણે ઊંધેથી શરૂ કરીએ... વિલીનો બાપ ડગ્લાસ અને ડગ્લાસનો બાપ હેન્રી, ત્યાં સુધી તો આપણે ગઈકાલે ચેક કર્યું...’


‘યસ...’ જેમ્સે નોટપેડ અને પેન તરફ હાથ લંબાવ્યો, ‘યુ કિપ ચેકિંગ ધ રેકર્ડ... હું અહીં ઉતારો કરતો જાઉં છું...’


બે મજલા ઊંચું ચર્ચનું અલ્ટાર બોક્સ (ગર્ભગૃહ), વચ્ચે બાળ જીસસ અને મધર મેરીની ભાવવાહી પ્રતિમા, ફરતી જીસસના જીવનના વિભિન્ન પ્રસંગોનું કથન કહેતી પથ્થરમાં કોતરેલી વિથિકા, ખાસ્સી ઊંચાઈ અને એટલી જ પહોળાઈમાં પડઘાતા મૌનની સ્તબ્ધતા અને તેની વચ્ચે વળ ખાતી આ ત્રણ જણાંની આતુરતા... ચર્ચમાં આ પહેલાં કદાચ કોઈએ હોલી એન્સેસ્ટ્રી બૂક આટલી તલ્લિનતાથી નહિ જોઈ હોય!


પાદરી એક પછી એક પાના ઉથલાવતો રહ્યો, નામ બોલતો રહ્યો, ચોપડામાં થયેલી પ્રાથમિક નોંધ કહેતો ગયો. ઉતારો કરવાનો મહાવરો હોય તેમ જેમ્સ ઝડપભેર નોટપેડના એક પાને તારીખ સહિત નોંધ લખતો ગયો અને સામેના પાને ફેમિલી ટ્રી દોરતો ગયો.


‘હેન્રીનો બાપ ફ્રેડરિક, હોર્સ ટ્રેઈનર હતો. 35 વર્ષની ઉંમરે ઘોડારમાં જ મરેલી હાલતમાં મળી આવ્યો. પાગલ થયેલા ઘોડાએ છૂંદી નાંખ્યો હશે એવી ધારણા હતી.’


પાદરી એકધારી ગતિએ બોલી રહ્યો હતો ત્યાર જેમ્સે જરાક ગરદન ઊંચકીને ત્રાંસી નજરે વિલી તરફ જોયું. જવાબમાં વિલીએ પણ ડોકું હલાવ્યું. ફ્રેડરિક વિશે જેમ્સે કહ્યું હતું એ તેને યાદ આવ્યું.


‘ફ્રેડરિકનો બાપ ગ્રેહામ, ડ્યૂક ઓફ એડિનબર્ગનો ફર્સ્ટ એટેચી હતો. જાડી મૂછો અને દાઢીના અણિયાળા કાતરા રાખતો. ડ્યૂક સામેના કાવતરામાં ફસાયો. ભારે કડક સજા થઈ. ચાર વર્ષે ખબર પડી કે નિર્દોષ હતો. બહાર આવ્યો ત્યારે પાગલ થઈ ગયેલો. લાચાર હાલતમાં એડિનબર્ગની સડક પર મરેલો મળી આવ્યો. ત્યારે તેની ઉંમર હતી 33 વર્ષ.’


‘ગ્રેહામનો બાપ હેરલ્ડ. તેણે પણ કુમળી વયે બાપ ગુમાવી દીધો હતો. મૅક્લિન એસ્ટેટમાં સગાંઓની દેખભાળ હેઠળ બહુ કારમી સ્થિતિમાં ઉછર્યો હતો. આપબળે આગળ વધ્યો. અવ્વલ દરજ્જાનો તોપચી ગણાતો. અઢાર-ઓગણીશની ઉંમરે બેટલ ઓફ ક્યૂબેકમાં તેણે એક સાથે ત્રણ તોપનું સંચાલન કરીને ફ્રેન્ચ હમલાવરોને અફાટ એટલાન્ટિક વચ્ચે લાચાર, વિવશ કરી મૂક્યા હતા. એ પરાક્રમ પછી લંડનમાં રોયલ આર્ટિલરીનો ચીફ નેવિગેટર બન્યો. પણ જેટલી સડસડાટ તેણે પ્રગતિ કરી, એટલી જ ઝડપે એ બરબાદ પણ થયો. કારણ અહીં લખ્યું છે કે, એશિયામાંથી આવતાં શણના સટ્ટામાં એ ખુવાર થયો અને માથાના વાળ જેટલું દેવું થઈ જતાં તેણે આપઘાત કરી લીધો. તેની ઉંમર હતી 35 વર્ષ.’


પાનાઓ ઉથલાવતો પાદરી યંત્રવત્ત બોલ્યે જતો હતો, પણ નોટપેડમાં ઝડપભેર લખી રહેલાં જેમ્સના હાથની ધ્રૂજારી વિલી સ્પષ્ટપણે જોઈ શકતો હતો. તેને ખુદને ય સમજાતું ન હતું. પોતાની અગાઉની પાંચ-પાંચ પેઢીની બદહાલીની કહાની એ સપાટ ચહેરે, ભાવશૂન્ય આંખે સાંભળી રહ્યો હતો. ચોપડાના પાના એક પછી એક ફરફરતા જતા હતા અને મૅક્લિન્સની એક પછી એક પેઢીનું ખુવારીનામુ ઊઘડતું જતું હતું.


હેરલ્ડનો બાપ એડવર્ડ. દોમદોમ સાહ્યબીમાં ઉછર્યો હતો. તેનો બાપ લંડનનો ધનાઢ્ય ઉમરાવ ગણાતો. લંડનમાં, એડિનબર્ગમાં પુષ્કળ મિલકતો હતી. શીપિંગ સહિત કેટલીય કંપનીઓમા રોકાણ હતું. કોઈને પોતાની પ્રોપર્ટીનો કશો ય અતોપતો આપ્યા વગર લંડનના પોતાના ઘરમાં મરેલી હાલતમાં મળી આવ્યો. તેને નખમાં ય રોગ ન હતો. કોઈ તકલીફ ન હતી. ગળા ફરતા ભેદી નિશાન હતા, પણ કારણ જાણી શકાયું નહિ. તેની બધી જ મિલકત ભાગીદારોએ ફનાફાતિયા કરી દીધી. તેની પત્ની ય એક ભાગીદારને પરણી ગઈ અને બેસહારા થઈ ગયેલો તેનો નાનકડો દીકરો મૅક્લિન એસ્ટેટના આશરે જવા મજબૂર બન્યો.


પાદરીએ પાનું ફેરવ્યું. સહેજ નીચે ઝૂકીને ઝીણી નજરે જોયું. એ અટક્યો એટલે જેમ્સનો ય લય તૂટ્યો. વિલી તો એકધારો એ બંનેને જોઈ જ રહ્યો હતો. પાદરીએ વધુ ત્રણ-ચાર પાના ફેરવી નાંખ્યા.


‘ફિલિપ મૅક્... ના, આ તો આખી અલગ જ બ્રાન્ચ છે... રેજિનાલ્ડ... એલેક્સેઈ... ચાર્લ્સ...’ તદ્દન ધીમા અવાજે હિસાબ કરતા મહેતાજીની માફક ફકરાઓ પર આંગળી મૂકતો પાદરી ગણગણ બોલતો જતો હતો અને આ બંને તેને જોઈ રહ્યા હતા.


વળી પાદરીએ વજનદાર થોથો બંધ કરીને બહુ માવજતપૂર્વક શરૂઆતના પાના ખોલ્યા. અનુક્રમણિકા જોઈ. ફરી એ વચ્ચેના પાનાઓ પર ગયો અને ડોકું ધૂણાવ્યું, ‘ઓહ યસ, અહીં બસ આટલું જ છે...’


‘એટલે?’ એ અવાજ જેમ્સનો હતો, પણ એ જ સવાલ વિલીની આંખમાં ય વંચાતો હતો, ‘આટલું જ છે મતલબ?’


‘મતલબ કે આનાંથી આગળની પેઢીઓની નોંધ આ ચોપડામાં નથી’


‘પણ તમે તો કહ્યું હતું ને કે અહીં 800-1000 વર્ષથી નોંધ રખાય છે. પેઢીનામુ જ નહિ, જેટલી મળે તેટલી માહિતી નોંધાયેલી છે. તો પછી...’


‘એ સાચું જ છે...’ પાદરીએ ચશ્મા ઉતારીને એપ્રનની પહોળી બાંય વડે કાચ લૂછ્યા અને છાતીમાં શ્વાસ ભર્યો, ‘આ ચર્ચ 200 વર્ષ જૂનું છે અને ચર્ચ બંધાયું તેનાં ત્રીશ-પાંત્રિશ વર્ષ પછી એન્સેસ્ટ્રી બૂક અહીં રજીસ્ટર થવાની શરૂઆત થઈ.’


‘તો એ પહેલાંનો ડેટા? એ ક્યાંક તો હોવો જોઈએ ને? એઝ યુ સેઈડ ઈટ વોઝ અ સ્ટ્રિક્ટ ટ્રેડિશન...’


‘એ પહેલાં એન્સેસ્ટ્રી બૂક એડિનબર્ગ ખાતે મૅકઆર્થર ચર્ચમાં સચવાતી હતી’


‘હું સમજ્યો નહિ...’ આતુરતાથી થિયેટરમાં મૂવી જોતાં હોઈએ અને અચાનક ઈન્ટરવલ વખતે જ ધ એન્ડ આવી જાય અને ઉત્સુકતાથી ફાટાફાટ થતાં દર્શકની જે હાલત થાય... વિલીની સ્થિતિ તો એથી ય બદતર થઈ રહી હતી. પોતાની આંખે જ તેણે બાપદાદાઓની ખુવારી અને બદહાલીની ગાથા વાંચી હતી. હજુ માંડ તેને થોડીક ગડ બેસતી હતી અને અચાનક ચોપડો બોલતો અટકી ગયો હતો.


‘આમાં મારા ફાધર ડગ્લાસ અને દાદા હેન્રીની નોંધમાં સપનાનો ઉલ્લેખ છે, બીજાં કોઈમાં નથી. તો શું સમજવાનું?’ વિલીનો સવાલ મુદ્દાનો હતો.


‘એ તો માહિતી આપનાર પર આધાર રાખે છે. શક્ય છે કે તેને ખબર ન હોય. શક્ય છે કે ખબર હોય તો પણ પૂછાયું ન હોય એટલે કહ્યું ન હોય. એ પણ શક્ય છે કે ખબર હોય છતાં તેને એ વખતે આ માહિતી ગૌણ લાગી હોય’


‘પણ તમે તો મને પૂછ્યું, એ રીતે અગાઉના કેસમાં એવી પૂછપરછ ન થઈ?’


‘એમાં એવું છે...’ પાદરી કદાચ સંતોષકારક જવાબ નહિ આપી શકે એમ ધારીને જેમ્સે ઝુકાવ્યું, ‘કદાચ કોઈએ પૂછ્યું હોય. મૃતકની પછીની પેઢીને ય પૂછ્યું હોય, પણ સપના આવતાં હોવાનું એમણે ન પણ સ્વિકાર્યું હોય. આવું બની શકે ને?’


જેમ્સની દલીલ પછી વિલી મૌન થઈ ગયો. તેને ય સ્પષ્ટ પૂછાયું જ હતું, તેણે ક્યાં સાચી માહિતી આપી હતી?


‘બટ વોટ નેક્સ્ટ? અહીં જો નોંધ નથી તો હવે એડિનબર્ગ જવું પડશે?’


‘ના, એડિનબર્ગના ચર્ચમાં ત્રણ સ્કોટિશ કૂળની એન્સેસ્ટ્રી બૂક રહેતી હતી. ઈસ. 1910માં જ્યોર્જ પંચમ સાથે સ્કોટિશ સમજુતિ થયા પછી સ્કોટલેન્ડના દરેક ઐતિહાસિક દસ્તાવેજોની જાળવણી બ્રિટિશ ક્રાઉને સ્વિકારી હતી. ત્યારથી દરેક બૂક લંડનના રોયલ આર્કાઈવમાં સાચવવામાં આવે છે.’


‘તો આ બૂક કેમ અહીં?’ વિલી સતત ટ્રેક પર રહીને સવાલો કરી રહ્યો હતો એથી જેમ્સને મનોમન હળવાશ અનુભવાતી હતી.

‘કારણ કે, દરેક સ્કોટિશ ક્લાન પોતાના ચર્ચમાં નોંધ થાય તેવો આગ્રહ રાખે છે. પરંતુ આ બૂકમાં થયેલી નોંધની ફાઈનલ કોપી તો રોયલ આર્કાઈવમાં જ પહોંચે છે’

આતુરતાથી થિયેટરમાં મૂવી જોતાં હોઈએ અને અચાનક ઈન્ટરવલ વખતે જ ધ એન્ડ આવી જાય અને ઉત્સુકતાથી ફાટાફાટ થતાં દર્શકની જે હાલત થાય... વિલીની સ્થિતિ તો એથી ય બદતર થઈ રહી હતી.

‘પણ આપણે અહીં મુખ્ય મુદ્દો ચૂકી રહ્યા છીએ...’ પાદરી અને વિલી વચ્ચેની ચર્ચા ધ્યાનથી સાંભળી રહેલો જેમ્સ સતત પોતે નોટપેડમાં દોરેલા વંશવૃક્ષને તાકી રહ્યો હતો, ‘આપણે આ કસરત કરી તેનો હેતુ એ હતો કે કઈ પેઢીથી બદહાલીની શરૂઆત થઈ એ શોધી શકાય. પણ અહીં તો જેટલી પેઢીની નોંધ છે એ દરેક પેઢી એકસરખા બદહાલ મોતને જ ભેટી છે...’


‘યસ...’ પાદરીએ સંમતિસૂચક ડોકું હલાવ્યું, ‘યુ શૂડ ચેક એટ રોયલ આર્કાઈવ નાવ...’


ત્રણેય એકમેકની સામે ઘડીક જોઈ રહ્યા. પાદરીએ ચોપડો વ્યવસ્થિત બંધ કરીને યથાસ્થાને મૂક્યો અને અલ્ટર બોક્સ પાસેની બેન્ચ પર એ જેમ્સ સાથે વાતોએ વળગ્યો.


દરમિયાન, વિલીએ મોબાઈલ મચડવા માંડ્યો. બુઢ્ઢાઓની વાતોથી સહેજ દૂર ખસીને ખાસ્સી વાર સુધી એ મોબાઈલમાં મશગુલ રહ્યો. દૂર બેસીને ય જેમ્સ તેના પર નજર રાખી રહ્યો હતો. તેનાં ચહેરાના બદલાતા હાવભાવ, ખેંચાતી ભ્રુકુટી, તણાતાં નેણ, તંગ થતી આંખો એ જોઈ રહ્યો હતો.


અચાનક જ વિલીએ ગરદન ઘૂમાવી અને ચર્ચની મર્યાદાની પણ પરવા કર્યા વગર મોટેથી બૂમ પાડી, ‘ઈટ્સ હિઅર... હી વોઝ આર્થર... આર્થર મૅક્લિન...’
(ક્રમશઃ)
dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP