Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

પરંપરાનું આટલું વળગણ ક્યારેક તો છોડવું પડશે ને?

  • પ્રકાશન તારીખ20 Jul 2018
  •  

પ્રકરણ – 7
નાસ્તા પછી જેમ્સે વિલીને પોતાનો પ્લાન સમજાવવા માંડ્યો.

'આપણે ફરીથી ચર્ચમાં જવું પડશે. ફેમિલી ટ્રીમાં આપણે ક્યાંથી અલગ પડીએ છીએ એ ચેક કરીએ. એટલે આપોઆપ તારું ફેમિલી ટ્રી સ્પષ્ટ થશે. તારા ફેમિલીમાં ક્યારથી આ પ્રકારે બદહાલી, ખુવારી અને અકાળે મૃત્યુનો સિલસિલો ચાલે છે એ સ્પષ્ટ થવું જરૂરી છે. એકવાર એ ખબર પડે પછી આપણે તેનું કારણ શોધવું પડશે અને કારણ મળે તો કંઈક નિરાકરણ સુધી પહોંચી શકાય. હું આ રીતે વિચારી રહ્યો છું. તું તેની સાથે સંમત છે?'

‘તારા ફેમિલીમાં ક્યારથી આ પ્રકારે બદહાલી, ખુવારી અને અકાળે મૃત્યુનો સિલસિલો ચાલે છે એ સ્પષ્ટ થવું જરૂરી છે. એકવાર એ ખબર પડે પછી આપણે તેનું કારણ શોધવું પડશે.’

વિલી વિચારમાં પડી ગયો. તેની આર્થિક સંકડામણ અહીંથી તો દૂર થવાની નથી. ઊલટાનું, અહીં આવીને નવી ઉલઝન શરૂ થઈ છે. હવે તેની પાસે બે જ વિકલ્પ હતા. તેણે મનોમન નોંધ કરવા માંડી.

નં. ૧: એ આ કોઈ જફામાં પડવાને બદલે નવેસરથી પોતાની તકલીફ દૂર કરવાના બીજા કોઈ રસ્તા ચેક કરે. તેનો પ્લસ પોઈન્ટ એ છે કે આમ કરવાથી તે નવી કોઈ ઉપાધિ વ્હોરી લેવાને બદલે આર્થિક ખેંચ અને નોકરી જેવી પોતાની મૂળભૂત તકલીફોના નિરાકરણ પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. જ્યારે માઈનસ પોઈન્ટ એ છે કે, આટલાં વખતથી આવતાં સપનાનું શું? શું ખરેખર આ સપનું તેનાં બાપ અને દાદા જેવી જ તેની નિયતિ તરફ આંગળી ચીંધે છે? જો એ આ બધું પડતું મૂકીને અહીંથી જતો રહે અને પછી ય સપનાંનો માનસિક ત્રાસ જારી રહે તો એ જીરવવા જેટલો એ સક્ષમ છે ખરો?

નં. ૨: તેની સામે બીજો વિકલ્પ એ છે કે, હવે તો આર યા પાર! જે હોય તે સામી છાતીએ લડીને, માથાં પટકીને ય હવે તો જાણવું જ રહ્યું. તેનો પ્લસ પોઈન્ટ એ રહેશે કે જો આ બધું એ માને છે એમ ખોટું નીકળશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. શક્ય છે કે એ પ્રયાસ દરમિયાન તેને આર્થિક તંગદિલી હળવી કરવાનો નવો કોઈ રસ્તો ય જડી આવે. માઈનસ પોઈન્ટ તો એક જ છે કે પોતાની માન્યતાથી વિપરિત અને તદ્દન અંધારી દિશામાં તેણે દોડવાનું થશે. એન્ડ ઈટ વૂડ બી અ લોંગ જર્ની.

કર્સ્ડ ફેમિલી યાને શાપિત પરિવારો, હોન્ટેડ હાઉસ એવું બધું તેણે બહુ સાંભળ્યું હતું. લંડનની ક્લબોમાં તો એવા ફેસ્ટિવલ પણ ઉજવાતા અને લોકો ડરામણાં કપડાં પહેરીને એકમેકને ડરાવવાનો આનંદ પણ માણતા. પણ એ તો ફક્ત મનોરંજન હતું. અહીં તો એ પોતે જ એવી વાસ્તવિક ભયાવહતામાંથી પસાર થઈ રહ્યો હતો. જેમ્સે કહ્યું તેમ, જો આ બધું ખોટું છે તો પણ એકવાર તો એ સાબિત કરવું જ રહ્યું, અને એ માટે એકવાર તો મથામણ કરવી જ પડશે, અને એ માટે એક વાર આ જેમ્સનો ભરોસો ય કરવો પડશે. બાળપણથી જ એકલપંડે જીવેલા વિલી માટે કોઈને અંગત ગણવાનું જરા મુશ્કેલ હતું, પણ હવે છૂટકો ન હતો.

લાંબા મનોમંથન પછી તેણે જેમ્સની ભૂરી આંખોમાં ક્યાંય સુધી તાક્યા કર્યું અને પછી સંમતિસૂચક ગરદન હલાવી દીધી.

*** *** ***

સ્કોટલેન્ડના આકાશની એ અનોખી તાસીર હતી. સળંગ બે દિવસ સુધી આકાશમાં મેઘાડંબર જામેલો રહ્યો હતો. ગમે ત્યારે વરસાદ પડી જતો હતો. નરમ પોચા હિમની બિછાત મકાનોનાં છાપરાં પર લટકીને નેવાંધાર વહી રહી હતી. ઓક અને પાઈનના સીધા, ટટ્ટાર, ઘેઘૂર વૃક્ષોની ડાળીઓ પર જાણે ચોમાસું ગરમાળો ખીલ્યો હોય એમ હિમની શુષ્ક સફેદી છવાઈ ગઈ હતી. ચર્ચ તરફ જતી પથ્થરની પગથારના ઢોળાવ પરથી દદડી રહેલું હિમ પગથારને વધુ લપસણી બનાવતું હતું.

‘તમે સતત ગન કેમ જોડે રાખો છો?’ જેમ્સના ઓવરકોટ હેઠળ ચેસ્ટબેલ્ટથી બાંધેલી ગનનો કુંદો જોઈને વિલીને ગઈકાલે ય સવાલ થયો હતો, પણ આજે તેણે પૂછી જ લીધું.

‘તારે ય રાખવી જોઈએ...’

વિલી ખડખડાટ હસવા માંડ્યો, ‘જરૂર એમાં ય કોઈક સ્કોટિશ ટ્રેડિશનની વાત હશે...’

‘તને ટ્રેડિશન શબ્દ સામે જ આટલો વાંધો કેમ છે?’

‘શબ્દ સામે નહિ, વળગણ સામે વાંધો છે’ વિલી હવે જેમ્સ સાથે ખૂલીને બોલતો થયો હતો. પોતાની આર્થિક તંગદિલી અહીં દૂર થવાની નથી એ તેણે સ્વિકારી લીધું હતું પરંતુ જેમ્સ પ્રત્યે તેને જે પોતીકાપણાંનો અહેસાસ થઈ રહ્યો હતો એ તેનાં માટે નવો હતો. બાળપણથી જ સાવ એકાકી રહેલો વિલી હંમેશાં નિષ્ફળતાઓના ભારથી મોંભેર પટકાતો રહ્યો હતો અને ક્યારેય કોઈ તેને ઊભો કરનાર ન હતું. પહેલી વાર કોઈએ તેની મુંઝવણ સમજીને તેની પીઠ પર જરાક હાથ પસવાર્યો હતો.

‘તને એમાં વળગણ કેમ લાગે છે?’

‘ગળા ફરતું વિંટાળેલું આ ચેક્સનું કપડું, શર્ટ પર, ઓવરકોટ પર, તમારી હેટ પર છાપેલો આ બિલ્લો, છાતી પર બાંધેલી ગન... આ બધું પરંપરાનું વળગણ નથી તો શું છે?’

‘વન્સ અગેઈન, તું કશું જાણ્યા વગર જ વળગણનો સિક્કો મારી રહ્યો છે.’

‘આમાં શું જાણવાનું હોય? આઈ કેન ગેસ, ફલાણો રાજા અને ઢીંકણું કારણ... એવું જ કંઈક હશે’ આવું કહી દીધું એથી જેમ્સ જરૂર ઉશ્કેરાશે એવું લાગવાથી તેણે તરત સુધારો કર્યો, ‘બટ સર્ટેઈનલી, જો તમે કશુંક કહો તો મને જાણવું પણ ગમશે જ...’ વિલીને એ હવે બરાબર સમજાઈ ગયું હતું કે જેમ્સને ઉશ્કેરવામાં નહિ, પંપાળવામાં જ સાર છે.

‘આઠમી સદીમાં કિંગ આલ્પાઈન પછી તેનો દીકરો ગ્રેગર સત્તા પર આવ્યો. ગ્રેગરને પાંચ દીકરા હતા. તેણે પાંચેય દીકરાને સ્કોટલેન્ડના ચાર અને આયર્લેન્ડના એક જીતેલાં પરગણાંની જવાબદારી સોંપી. એ દીકરાઓ મૅકગ્રેગર તરીકે ઓળખાયા. એમાંથી જ મૅક્લિન, મૅકેન્ઝી, કિનકેઈડ, કેમ્પબેલ જેવા વંશો આવતાં ગયા. એ દરેક ફ્રી-લાન્સર હતા. દરેકનું પોતાનું એક નાનકડું સૈન્ય હતું. જે ઊંચી કિંમત આપે તેના માટે લડવાનું. આજે તને નહિ સમજાય, પણ એ મધ્યયુગની આરંભિક અરાજકતાનો જમાનો હતો. એ વખતે દરેકની પોતાની એક આગવી ઓળખ હોવી અનિવાર્ય હતી. એ ઓળખ થકી જ આત્મ સન્માન, ગૌરવ અને ખાસ તો એકતા પ્રેરાતી હતી. એમાંથી જ આ દરેક પરંપરાની શરૂઆત થઈ.’

‘એ જ આવ્યું, જેની મને ધારણા હતી...’ વિલીથી તોય બોલ્યા વગર ન જ રહેવાયું.

‘તું જેને ઘેરા રંગનું ચેક્સનું કપડું કહે છે તેને આપણી પરંપરા ટાર્ટન કહે છે...’ વિલીના વ્યંગની પરવા કર્યા વગર જેમ્સે કહેવા માંડ્યું, ‘તું જેને બિલ્લો કહે છે કે એ કોટ ઓફ આર્મ છે. આપણા વંશનો સિમ્બોલ છે. એક સમયે આ પ્રતીકના સન્માન ખાતર કંઈક મૅક્લિન લડાકુઓ, તારા ને મારા બાપદાદાઓ યુદ્ધમાં ખપી ચૂક્યા છે. આ જે ગન છે...’


તેણે છાતી પર લેધર બેલ્ટ સાથે બાંધેલી ગન સલૂકાઈપૂર્વક ખેંચી. નિકલ મઢેલી પ્લેટ પર ઝીણું નકશીકામ, સ્ટિલનું છ ધારવાળું લાંબું નાળચું અને નાળચાની સરખામણીએ થોડો ટૂંકો કુંદો, કુંદા પર જંગલી પાડાના મસ્તકના આકારની જાડી હેમર...

‘એક જમાનામાં મર્ડોક મૅક્લિને આવી ગન ક્વિન એલિઝાબેથને ભેટ આપી હતી...’ તે એટલો ભાવપૂર્વક ગનને તાકી રહ્યો હતો જાણે સાક્ષાત મર્ડોક મૅક્લિન તેની સામે ઊભો હોય, ‘ત્યારથી એ મૅક્લિન્સ ગન તરીકે જાણીતી છે. શરૂઆતમાં એ ગનમાં બે બેરલ હતાં. મઝલલોડ હતી. હવે એ જ કદ અને આકારમાં આધુનિક પિસ્તોલ પણ બને છે.’

વિલીને ખરેખર ભારે તાજુબી થતી હતી. આ બુઢ્ઢો તો સાચે જ અજાયબ છે. લગભગ દરેક ઘરડો આદમી પોતાની જવાનીના સમયમાં જીવવા ટેવાયેલો હોય. નવી પેઢીની રીતરસમ તે આસાનીથી સ્વિકારી શકતો ન હોય. પણ આ આદમી તો પોતાના સમયથી ય બસ્સો વર્ષ પાછળ જીવતો હતો.

‘ઈટ્સ ઓકે... આઈ એગ્રી... પણ હવે તો જમાનો બદલાયો છે ને? હવે તો ગ્લોબલ વર્લ્ડમાં માનવું જોઈએ. ક્યાં સુધી આ પરંપરાઓનું વળગણ પાળવાનું હોય?’

‘તને એ વળગણ લાગે છે કારણ કે તું જે સમાજમાં ઉછર્યો છે ત્યાં આવી લોહીના સંબંધોની એકતાને, સર્વોપરિતાને હિણપત માનવામાં આવે છે. યુ મોડર્ન પીપલ બિલિવ ઈન ગ્લોબલ વર્લ્ડ, રાઈટ?’ વેલ, મને સમજાવ કે ક્યાં છે એ ગ્લોબલ વર્લ્ડ? કોઈ એવું ગ્લોબલ વર્લ્ડ લાવી શક્યું છે? હિટલર જર્મન ખૂનની સર્વોપરિતાનો સમર્થક હતો. તેને ઉતારી પાડ્યો, પછી આપણે, અમેરિકા, રશિયાએ શું કર્યું? મૂડીવાદ અને સામ્યવાદની સર્વોપરિતા ધરાર સ્થાપવાનો પ્રયાસ કર્યો. ઈરાકમાં સદ્દામે, લિબિયામાં ગદ્દાફીએ એવી વંશવાદી સર્વોપરિતા સ્થાપી, ત્યાંય એ જ થયું ને? માય ડિયર, ગ્લોબલ વર્લ્ડ કહે કે માનવવાદ કહે, એ સૌથી મોટી છલના છે.

એક પ્રકારની ભાવનાત્મક છેતરપીંડી છે. એ કદી થવાનું નથી. જો વંશપરંપરા એ સંકુચિતતા છે તો લોકશાહીનો રાષ્ટ્રવાદ એથી જરાક મોટા વર્તુળની સંકુચિતતા છે અને માનવવાદ વળી એથી મોટા કદનો પણ છે તો એક વાડો જ, તો પછી હું મારી વંશપરંપરાગત સંકુચિતતામાં જીવું એમાં શું ખોટું છે?’

કર્સ્ડ ફેમિલી યાને શાપિત પરિવારો, હોન્ટેડ હાઉસ એવું બધું તેણે બહુ સાંભળ્યું હતું. લંડનની ક્લબોમાં તો એવા ફેસ્ટિવલ પણ ઉજવાતા અને લોકો ડરામણાં કપડાં પહેરીને એકમેકને ડરાવવાનો આનંદ પણ માણતા.

આખા ય રસ્તે જેમ્સની દલીલો અને ખાસ તો એ દલીલોમાં વર્તાતું તેનું ઊંડું જોડાણ વિલી બહુ જ એકાગ્ર થઈને સાંભળી રહ્યો હતો. એ સહમત થઈ શકતો ન હતો, પણ જેમ્સની દલીલોનું મારણ પણ તેને સૂઝતું ન હતું.

‘પણ ક્યારેક તો આવું વળગણ છોડવું જોઈએ ને? ક્યાં સુધી આ પરંપરાઓનો ભાર ઉઠાવતા ફરશો?’

‘જ્યારે મૅક્લિન્સની નવી પેઢી પરંપરાનો આદર કરતી થશે ત્યારે જૂની પેઢી આપોઆપ ગ્લોબલ વર્લ્ડમાં માનતી થઈ જશે...’ જેમ્સે જરાક સ્મિત વેરીને જવાબ આપ્યો, ‘...પણ જ્યાં સુધી નવી પેઢી તેને વળગણ માનીને ઉતારી પાડશે તો અમે ઘરડાઓ વધુને વધુ જીદથી પરંપરાઓને વળગતા જઈશું’

બંનેના ચહેરા પર સ્મિત હતું, સ્મિતમાં હળવાશ હતી અને હળવાશમાં હતી એકાત્મતા... મૅક્લિન એસ્ટેટની પથરીલી પગદંડી પર કદાચ દાયકાઓ પછી બે પેઢી એક જ દિશામાં જઈ રહી હતી.

- જ્યાં જર્જરિત ચોપડાનાં જીર્ણ પાનાંઓમાં રવરવતી સદીઓ જૂની એક કહાની તેમની રાહ જોઈ રહી હતી.

(ક્રમશઃ)
dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP