Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

વિલીના અણધાર્યા હુમલાથી જેમ્સ ઘડીભર હેબતાઈ ગયો

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

પ્રકરણ - ૬

‘આ છોકરડો ચોક્કસ કશુંક છુપાવે છે...’ જેમ્સ મનોમન બબડી રહ્યો હતો.

વિલી સાથે હતો ત્યારે ય તે ખાસ બોલી શક્યો ન હતો, પણ હવે તેનાં મગજમાં સાર્જન્ટગીરી શરૂ થઈ ગઈ હતી. ફાધરે સપનાં વિશે પૂછ્યું ત્યારે તેણે સિફતપૂર્વક જવાબ ટાળવાની કોશિષ કરી હતી. એ વખતે જ જેમ્સને શંકા ગઈ હતી.

આખી જિંદગી સ્કોટલેન્ડ યાર્ડ જેવા દુનિયાભરના સૌથી ખંધા અને ચબરાક ગણાતાં પોલીસતંત્રમાં કામ કર્યું હોય ત્યારે રિટાયર્ડ થયા પછી શરીર પરથી વરદી ઊતરે, પણ મિજાજ પર ચડી ગયેલું પોલીસપણું કદી નથી ઊતરતું. જેમ્સ પણ તેમાંથી બાકાત ન હતો.

સ્વભાવે એ પૈદાઈશ ખડ્ડુસ હતો. બાળપણથી જ એ સ્કોટિશ ખૂનની સર્વોપરિતમાં માનતો અને ઘરડો થયો ત્યાં સુધીમાં એ માન્યતા પંપાળી પંપાળીને તેણે એવી ઢમઢોલ કરી મૂકી હતી કે હવે તેમાં કશો ફરક પડે તેમ ન હતો. જીભ ચાલે એથી વધુ તેના હાથ ચાલતા, અને જ્યારે જીભ ચાલતી ત્યારે સાંભળનારાના કાન ખેરવી નાંખતી.

આખી જિંદગી સ્કોટલેન્ડ યાર્ડ જેવા દુનિયાભરના સૌથી ખંધા અને ચબરાક ગણાતાં પોલીસતંત્રમાં કામ કર્યું હોય ત્યારે રિટાયર્ડ થયા પછી શરીર પરથી વરદી ઊતરે, પણ મિજાજ પર ચડી ગયેલું પોલીસપણું કદી નથી ઊતરતું. જેમ્સ પણ તેમાંથી બાકાત ન હતો.

બંને મુલાકાતના અંતે વિલી સાચે જ મુશ્કેલીમાં હોવાનું તેને લાગ્યું હતું, પરંતુ સપનાની વાત નીકળી ત્યારે એ જુઠું કેમ બોલ્યો? શૂઝની લેસ બાંધીને એ ઊભો થયો ત્યારે તેના ચહેરાના હાવભાવ બનાવટી હતા, અવાજનો ટોન પણ કૃત્રિમ હતો. જેમ્સ એકપળમાં જ પારખી ગયો હતો.

સાંજે પરત ફરતી વખતે વળી એ પાદરીને, ચર્ચને, પેઢીનામાના આ ચોપડાને અને સ્કોટિશ પરંપરાને ય ભાંડી રહ્યો હતો. એટલું ઓછું હોય એમ લંડન પહોંચીને લિગલ નોટિસ ફટકારવાની ધમકી આપતો હતો.

મૅક્લિનનું ફરજંદ હોય તો શું થયું, હવે આને સીધો દોર કરવો જ પડશે. એને ખુદને કદાચ ખબર નથી કે એ કેવડી મોટી ભૂલ કરી રહ્યો છે...!

એ જ વખતે જેમ્સે નિર્ણય લઈ લીધો.

અંધારું ઘેરાવા લાગ્યું કે તરત એ પાછો ફર્યો. ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમ્પાઉન્ડ વોલથી વરંડા તરફ જતી પથ્થર જડેલી પગદંડી પર અવાજ ન થાય એ માટે તેણે ગમશૂઝ ઉતારી નાંખ્યા અને ઝડપભેર પછીતે લપાઈ ગયો.

ઓરડામાં ફાયરપ્લેસનો ઉજાસ હતો એટલે વરંડાની તૂટેલી બારીમાંથી હવે તેને સ્પષ્ટ ભળાતું હતું. વિલી સોફા પર પડ્યો પડ્યો મોબાઈલ મચડી રહ્યો હતો. એ સદંતર બેધ્યાન હોવાની ખાતરી થાય એટલે બારીની લગોલગ લપાઈ જવાનું હતું. જમાનાના ખાધેલ જેમ્સ માટે એ રમતવાત હતી.

*** *** ***

સોફાની બરાબર સીધમાં જ પડતી વરંડાની બારીના કાચમાં પહેલાં તેને કશોક આકાર સર્જાતો અને પછી તરત લુપ્ત થઈ જતો હોય તેમ લાગ્યું. સપનાના ઓથાર તળે હવે ખુલ્લી આંખે પણ ભ્રમ થઈ રહ્યો છે એમ મન મનાવીને તેણે ફરી રજાઈમાં મોં તો ખોસી દીધું, પણ ડરનો ફફડાટ અજગરની આંખ જેવો હોય છે. ત્યાં નથી જોવાનું એવી ખબર હોય છતાં જોયા વગર રહી જ ન શકાય.

બંધ આંખોની ભીતર ચાલતી દૃશ્યોની ભૂતાવળ ખાળવા તેણે સહેજ ચૂંચી આંખે બારી તરફ જોયું. ફાયરપ્લેસમાં જલતા લાકડાનો આછો ઉજાસ ત્રાંસી દિશાએ વરંડાની બારી તરફ પહોંચતાં સુધીમાં સાવ ઝંખવાઈ જતો હતો. એટલે આ વખતે એ થોડોક સભાન હતો. તેણે સોફામાંથી ગરદન જરાક ઊંચકીને જોયું.

હા, કંઈક તો છે જ. તેનાં હૈયે ભયની શારડી ફરી રહી હતી. એ હજુ વધુ ખાતરી કરવા જાય ત્યાં તો એ ઓળો બારીમાંથી ખસીને સીધો જ અધખુલ્લા બારણામાંથી અંદરની તરફ ધસી આવ્યો.

અને તે કારમી ચીસ પાડી ઊઠ્યો.

ગળામાંથી નીકળેલી ચીસ હજુ હોઠ સુધી પહોંચે એ પહેલાં તો એ ભેદી ઓળો તેની માથે ઝિંકાયો હતો અને મજબૂત હાથે તેનું મોં દાબીને કહી રહ્યો હતો, ‘ચૂપ કર... હું છું... જેમ્સ...!’

*** *** ***

ઓરડામાં ફાયરપ્લેસના જલતા લાકડાંના ઉજાસમાં હવે બલ્બની રોશની ય ઉમેરાઈ હતી. વિલી લાલઘૂમ ચહેરે હાંફતી છાતીએ સોફાની ધાર પર ઊભડક બેઠો હતો. તેની આંખોમાં ભયાનક ગુસ્સો હતો. એ અવશપણે ગરદનની પાછળ હાથ પસવારતો હતો.

તેની બરાબર સામે ડાયનિંગ ટેબલની ખુરશી વચ્ચોવચ ખેંચીને જેમ્સ બેઠો હતો. તે એકીટશે, પણ કશું જ બોલ્યા વગર વિલી તરફ જોઈ રહ્યો હતો.

ભોંય પર પડેલી રજાઈ, ફાયરપ્લેસમાંથી ખેંચાઈને ઓરડામાં આવી ગયેલું બળેલાં લાકડાનું ઉંબાડિયું, મૂળ જગ્યાએથી ખસીને છેક દિવાલ તરફ ત્રાંસમાં ધકેલાઈ ગયેલું ડાઈનિંગ ટેબલ કશીક ઝપાઝપીની ચાડી ખાતાં હતાં.

જેને ભેદી ઓળો સમજીને પોતે છળી ઊઠ્યો હતો એ જેમ્સ છે એવું પારખી લીધા પછી વિલી જબ્બર ગિન્નાયો હતો.

‘સાલા તું મને બિવડાવવા આવ્યો છે?’ તેણે ત્રાડ નાંખીને જેમ્સને ગળેથી ઝાલ્યો હતો અને જમણા પગનો ઢિંચણ તેનાં પેટમાં ઝિંકવા માંડ્યો હતો.

વિલીના અણધાર્યા હુમલાથી જેમ્સ ઘડીભર હેબતાઈ ગયો, પણ બીજી જ પળે સ્વસ્થ થઈ ગયો. ઉંમરના કારણે તાકાતમાં વિલી તેના કરતાં ચડિયાતો હતો, પણ મહાવરો અને મિજાજ એ બેયમાં જેમ્સ સિત્તેર વટ્યા પછી ય એનો બાપ જ હતો.

‘કામ ડાઉન...’ આંખના પલકારે જેમ્સે ગળા ફરતે વિંટળાયેલા વિલીના બેય હાથને પીઠ પાછળ વાળીને તેમાં આગળિયાની જેમ પોતાનો હાથ ભીડી દીધો હતો, ‘હું તને બિવડાવવા નહિ, તારી બીક જોવા આવ્યો છું.’


પંદરેક મિનિટ વિલી એમ જ ધુંઆપુંઆ થતો બેઠો રહ્યો. આખરે જેમ્સે વરંડામાં મૂકેલા પોતાના બેકપેકમાંથી બે જાડા ચોકલેટ બાર ધર્યા.

‘ખાઈ લે...’ પછી એક સ્ટ્રિપ ફાડીને ટેબલેટ ધરી, ‘અને આ દવા લઈને આરામથી ઊંઘી જા, આપણે સવારે વાત કરીશું.’

વિલી સવાલભર્યા નજરે તેની સામે તાકી રહ્યો.

‘અરે, ક્લોનાઝેપામ જ છે... અ બેઝિક સિડેટિવ... તારે ઊંઘની તીવ્ર જરૂર છે. સહેજ પણ ચિંતા ન કરીશ. હું અહીં જ છું, તારી સાથે જ. આપણે સવારે આરામથી વાત કરીએ.’

*** *** ***

‘આ પરંપરા 800-1000 વર્ષ જૂની છે...’ જેમ્સે હેમબર્ગરનું મોટું બટકું દાંત વડે કાપીને ચાવવા માંડ્યું. વિલી ચૂપચાપ તેને સાંભળી રહ્યો હતો. ઘણાં સમય પછી રાતભર એ ઘસઘસાટ ઊંઘી શક્યો હતો તેની તાજગી ચહેરા પર વર્તાતી હતી.

તેની આંખ ઊઘડી ત્યારે જેમ્સ હેવી સ્નેક્સ અને ગરમાગરમ કોફીના વરાળ નીકળતા પોટ સાથે ડાઈનિંગ ટેબલ પર તૈયાર બેઠો હતો. વિલી ફ્રેશ થયો એ પછી બંને વચ્ચે વાત શરૂ થઈ હતી.

‘લગભગ 12મી સદીથી સ્કોટિશ વંશોએ પોતાની પરંપરા સાચવવા માટે એન્સેસ્ટ્રી ચર્ચની શરૂઆત કરી હતી. એમાં આપણે મૅક્લિન્સ એકલાં નથી, લગભગ દરેક સ્કોટિશ ક્લેન્સમાં એ થાય છે.’

'યાહ... મૅક્લિન્સ, મૅકગ્રેગર, મૅકઆર્થર, મૅકેન્ઝી, મૅકડર્મોટ... એવાં તો કંઈક સ્કોટિશ વંશો છે એ મને ખ્યાલ છે’, પહેલી વાર વિલીને પોતાની કૂળકથામાં જરાક રસ પડતો હતો, અથવા તો હવે રસ લીધા વગર તેનો છૂટકો ન હતો.

‘કંઈક નહિ... એક્ઝેક્ટ 21...’ જેમ્સને ય જાણે આજ માંડ શ્રોતા મળ્યો હતો, ‘કિંગ આલ્પાઈનના વંશજ હોય એવાં આપણે કુલ 21 કૂળ છીએ. એ પછી તો એમાં ઘણાં ઉમેરાયાં. સરદારો, ઉમરાવો, ખિતાબધારીઓ પણ આપણી પરંપરાનું અનુકરણ કરવા લાગ્યા.’


‘પણ આ રીતે વંશોનો ઈતિહાસ જાળવવાનો હેતુ શું?’ વિલીને હજુ ય એ થોથાં જેવો જૂનવાણી ચોપડો મગજમાંથી ખસતો ન હતો.

‘તારી ઉંમર કેટલી?’

‘32 વર્ષ...’

‘કેટલી વાર અહીં મૅક્લિન એસ્ટેટ પર તું આવ્યો?’

‘બાળપણમાં એકવાર ડૅડ સાથે સિંગલ ડે વિઝિટ પર આવ્યો હતો. એ પછી સીધો અત્યારે...’ વિલીને જેમ્સના સવાલ સમજાતા ન હતા.


‘છેક આજે તને તારા બાપદાદાની એસ્ટેટ યાદ આવી, કારણ કે તને એવી જરૂરિયાત ઊભી થઈ... પરંતુ આજથી ત્રણસો, ચારસો કે પાંચસો, સાતસો વર્ષ પહેલાં એવી જરૂરિયાત કાયમી હતી. પહેલાં કેલ્ટિક વૉર તરીકે ઓળખાતી આપણી આપસની લડાઈ, એ પછી પોર્ટુગલ, સ્પેન અને ફ્રાન્સ સાથેની દરિયાઈ હરિફાઈ અને શરૂ થયેલો સામ્રાજ્યવાદ, એ પછી આફ્રિકા-એશિયા સુધી પથરાઈ ગયેલું આપણું રાજ, તેનાં પછી આવેલી ઔદ્યોગિક ક્રાંતિ... લગાતાર એક હજાર વર્ષથી ચાલતી આ ઉથલપાથલમાં આપણે ટકવું હોય તો માથાં પટકીને રસ્તો કરવો પડે તેમ હતો. એક તસુ ય આગળ વધવા માટે આપણે ખુન વહાવવું પડતું હતું. એ માટે પારિવારિક એકતા જરૂરી હતી અને એકતા જાળવવા માટે એકમેકની ઓળખ, એકબીજાની જાણકારી જરૂરી હતી. એ માટે આ પરંપરા શરૂ થઈ’

જેમ્સ એકધારો બોલી રહ્યો હતો. તેનાં ચહેરા પર ગજબ રોમાંચ, અવાજમાં ઉત્સાહ અને આંખોમાં પૂરાતન ભવ્યતાનો ઝલઝલો છલકાતો હતો.

‘ઓહ...’ કદાચ પહેલી વાર વિલી પોતાની વંશ પરંપરાને સમજી રહ્યો હતો, ‘પણ એને મારા સપના સાથે શું લાગે-વળગે?’

‘અત્યારે હું વાત કરી રહ્યો છું એ કાલે સાંજે તેં કરેલી લવારીના અનુસંધાનમાં છે’

લવારી? વિલીને સમજાયું નહિ.

‘કાલે તેં કહ્યું હતું ને કે પરંપરાના નામે આ બધો નિરર્થક તાયફો છે... આવાં તો કંઈક ચોપડાં લંડનના પિટર્સલેક માર્કેટમાં પસ્તીમાં ફરે છે... તું ઘણું બધું બોલી ગયો હતો તેનો આ જવાબ છે.’

‘ઓહ...આઈ એમ રિઅલી સોરી...’ વિલીના ચહેરા પર નૈસર્ગિક ક્ષોભ તરી આવ્યો, ‘તમને હર્ટ કરવાનો મારો આશય ન હતો, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ મેઈનલી કન્સર્ન વિથ માય ઈસ્યુ, એન્ડ...’

‘યાહ, આઈ કેન...’ જેમ્સે ખુરશી સહેજ નજીક ખસેડી અને કોફીનો છેલ્લો ઘૂંટડો એકશ્વાસે પી ગયો, ‘પણ હવે તારે એ સ્વિકારવું જોઈએ કે તારા બાપ વિશે, તારા દાદા વિશે એન્સેસ્ટ્રી બુકમાં નોંધાયેલી વિગતો ખોટી નથી. હવે જો તને ય એવું સપનું આવતું હોય તો...’ વિલીની આંખમાં ધારદાર રીતે તાકીને તેણે ઉમેર્યું, ‘ઈટ્સ રિઅલી વેરી સિરિયસ...’

વિલીનો ચહેરો ફરીથી વિલાઈ ગયો. જેમ્સની વાતમાં દમ તો હતો જ. દરેક પેઢીનો આદમી બરબાદ થઈને કમોતે મર્યો હોય, દરેક પેઢીના આદમીને આખરી દિવસોમાં કશુંક બિહામણું સપનું આવતું હોય, પોતે ય બરબાદ થઈ રહ્યો હોય અને પોતાને ય સપનું આવતું હોય... પણ એવું શક્ય જ કઈ રીતે બની શકે? એ સાયન્સનો, ટેક્નોલોજીનો વિદ્યાર્થી હતો. ડેટા એનાલિસ્ટ હતો. એ કેવી રીતે આવા વંશપરંપરાગત યોગાનુયોગમાં માની શકે?

તેનાં ચહેરા પર હજુ ય અવિશ્વાસભરી અવઢવ જોઈને જેમ્સ તેની સાવ લગોલગ ખસ્યો.

‘હું નથી કહેતો કે તું જે માને છે એ ખોટું છે, અથવા તો હું માનું છું એ જ સાચું છે... રાધર લેટ મી સે, મેં જે સાંભળ્યું છે એ ય અધકચરું છે અને તારી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે એ અધકચરી વાતના મૂળ સુધી પહોંચી શકાય તેમ છે.’


‘પણ તમે શું સાંભળ્યું છે એ મને ક્યાં ખબર છે?’

‘યસ...’ જેમ્સે ઊંડો નિઃશ્વાસ નાંખ્યો, ‘મૅક્લિન્સની એક શાખા, વિક્ટર મૅક્લિન્સના વંશજો પૈકી પેઢીઓની એક આખી લાઈન શાપિત મનાય છે, પણ એ કેમ શાપિત મનાય છે, ક્યારથી મનાય છે, શા માટે મનાય છે એ કશી જ મને ખબર નથી’

‘માય ફૂટ...’ વિલી રીતસર છંછેડાઈ ગયો, ‘ક્યા જમાનામાં જીવો છો તમે? હું આ કશાં શાપિત-ફાપિતમાં માનતો નથી...’


‘પૃથ્વી ગોળ છે એમાં માને છે?’

‘હેં???’

‘હેં નહિ, જવાબ આપ... પૃથ્વી ગોળ છે એમાં માને છે?’

‘અફકોર્સ યસ...’ જેમ્સના અસંબદ્ધ સવાલોથી વિલી ફરી અટવાયો હતો.

‘તેં કેમ માની લીધું કે પૃથ્વી ગોળ છે?’

‘કારણ કે વૈજ્ઞાનિક રીતે એ સાબિત થઈ ચૂક્યું છે...’


'યાહ... મૅક્લિન્સ, મૅકગ્રેગર, મૅકઆર્થર, મૅકેન્ઝી, મૅકડર્મોટ... એવાં તો કંઈક સ્કોટિશ વંશો છે એ મને ખ્યાલ છે’, પહેલી વાર વિલીને પોતાની કૂળકથામાં જરાક રસ પડતો હતો.

‘ગેલિલિયોએ એ સાબિત કર્યું, રાઈટ?’

વિલીએ હકારમાં ડોકું હલાવ્યું.

‘એ પહેલાં હિબ્રુ બાઈબલ એમ કહેતું હતું કે પૃથ્વી સપાટ છે અને તેનાં ત્રણ સ્તર છે અને દુનિયા એ સાચું માનતી હતી. પછી પાયથાગોરાસે ડરતાં ડરતાં કહ્યું કે પૃથ્વી કદાચ સપાટ નથી. ગોળ છે એવું કહેવાની તેની હિંમત ન હતી. છેક સોળમી સદીમાં ગેલિલિયોએ કહ્યું. હિંમતભરે કહ્યું અને સાબિત પણ કર્યું. પછી એનું શું થયું, કેવી બદહાલીમાં એ મર્યો એ તું જાણે...’

‘ઓહ કમ ઓન પ્લિઝ... પ્લિઝ...’ વિલી ફરીથી તીવ્રપણે અકળાઈ ગયો, ‘એ બધી વાતને ક્યાં વચ્ચે લાવો છો? તમે કહેવા શું માંગો છો એ સીધું કહો ને...’

‘હું કહેવા એ માંગું છું કે કેટલીય બાબત એવી હોઈ શકે જે આપણને ગળે નથી ઊતરતી, કારણ કે આપણી પાસે તેની સમજુતી નથી, પૂરાવા નથી, ફક્ત અહેસાસ જ છે. આકાશ તો ગેલિલિયો પહેલા ય હતું, જમીન પણ હતી અને દરિયો ય હતો. પરંતુ ગેલિલિયોએ કહ્યું ત્યારે આપણે પૃથ્વી ગોળ હોવાનું સ્વિકાર્યું. સફરજન તો પહેલાં ય ઝાડ પરથી નીચે જ પડતું હતું. ન્યુટને કહ્યું ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની હાજરી સ્વિકારી. બિલકુલ એમ જ, અત્યારે તું શાપિતવાળી વાત નથી સ્વિકારી રહ્યો, કારણ કે તેનું કોઈ પ્રમાણ નથી...’

‘તો?’ વિલી સ્તબ્ધપણે તેને સાંભળી રહ્યો હતો.

‘તો એમ કે આપણે એ પ્રમાણ શોધવું પડશે. આપણે જ ગેલિલિયો બનવું પડશે, ન્યુટન બનવું પડશે... આવું કશું નથી જ એમ માનીને મથામણ કરીશું તો કદાચ એ શોધી શકીશું કે આવું કેમ છે? પણ એનાં માટે મથામણ તો કરવી જ પડશે. એમ ને એમ હાથ પર હાથ મૂકીને અહીં બેઠાં બેઠાં હું આમાં નથી માનતો બોલી દેવાથી નહિ પાલવે...’

‘યાહ... બટ...’ જેમ્સના એકધારા જુસ્સાભર્યા શબ્દોથી વિલી મંત્રમુગ્ધ થઈ રહ્યો હતો, ‘બટ હાઉ? કેવી રીતે એ ખબર પડશે?’
(ક્રમશઃ)
dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP