Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

થડકતી છાતીએ, કાંપતાં શરીરે એ પથારીમાં વળ ખાતો રહ્યો અને...

  • પ્રકાશન તારીખ18 Jul 2018
  •  

વિશાળ પ્રેયરહોલમાં ડાબી તરફ હારબંધ પાટલીઓ, જમણી તરફ આવ-જા માટેનો ખુલ્લો પેસેજ, મધર મેરીએ કાખમાં તેડેલા બાળ ઈસુની સોહામણી પ્રતિમા અને તેની નીચેના લાકડાના ટેબલ ફરતી વળ ખાતી સ્તબ્ધતા...

‘તને કંઈ ડરામણાં સપનાં આવે છે?’ પાદરીએ સવાલ પૂછ્યો એ સાથે વિલીના હૈયામાં શારડી ફરી ગઈ. અસ્વસ્થતા છૂપાવવા ગમશૂઝની વાધરી સરખી કરવાના બહાને એ નીચે ઝૂકી ગયો.

સપનાં વિશે તેણે લંડનના સાઈકિયાટ્રિસ્ટ સિવાય કોઈને કશું કહ્યું નથી. ના, ગઈકાલે જેમ્સને પણ નથી કહ્યું. તો પછી આ સાવ અજાણ્યો પાદરી તેને સપના વિશે કેમ પૂછી રહ્યો છે? તેણે શું કરવું જોઈએ, કહી દેવું જોઈએ?

હા... કહી દે તો કદાચ કંઈક રસ્તો નીકળે. કોઈપણ પ્રકારે આ બંને ઘરડાઓને રાજી રાખીને જો એસ્ટેટમાંથી હિસ્સો મળતો હોય તો કંઈ ખોટું નથી.

ના રે ના... લંડનની આબોહવામાં પલોટાયેલી ઈંગ્લિશ લુચ્ચાઈ તરત તેને રોકવા માંડી. એમ બધું કહી દેવાથી આ બેય બુઢ્ઢાઓ શું તેમનાં ખિસ્સામાંથી પાઉન્ડની નોટો દઈ દેશે? ભાડમાં જાય ફેમિલી અને ચૂલામાં પડે ફેમિલી ટ્રી... મારે તો કંઈક રોકડી થતી હોય તો કામનું, બાકી એમ કંઈ ખોલ ન દઈ દેવાય.

‘તને કંઈ ડરામણાં સપનાં આવે છે?’ પાદરીએ સવાલ પૂછ્યો એ સાથે વિલીના હૈયામાં શારડી ફરી ગઈ.


વાધરી બાંધવાના નામે પળભરમાં મનોમંથન કરીને એ ઊભો થયો અને જાણે કશું સાંભળ્યું જ નથી એમ ત્રાંસી ગરદન કરીને જાડાં થોથાંના મરોડદાર અક્ષરોમાં લખાયેલા લખાણને જોવા માંડ્યો.

‘આ કોઈ એક જ વ્યક્તિએ લખ્યું હોય એમ નથી લાગતું...’ જાણે તેને કંઈ પૂછાયું જ નથી એ રીતે તેણે વાત પલટવાની કોશિષ કરવા માંડી, પણ બંને બુઢ્ઢાઓ તો જવાબની અપેક્ષાએ એકધારા તેના તરફ જ તાકી રહ્યા હતા.

‘ના, આ તો જે હાજર હોય તેણે લખ્યું હોય...’ પાદરીએ બિચારાએ ભોળાભાવે જવાબ આપી દીધો પણ જેમ્સ એમ જાળમાં આવે એવો ન હતો.
ભાવશૂન્ય ચહેરે, સ્થિર આંખોથી તાકીને સપાટ અવાજમાં તેણે પૂછી લીધું, ‘મિ. વિલિયમ, ફાધર ઈઝ આસ્કિંગ યુ સમથિંગ...’


‘હંઅઅ, યસ...’ સવાલ ભૂલાઈ ગયો છે યા તો પોતે સાંભળ્યું જ નથી એવો ડોળ કરીને તેણે વારાફરતી બંનેની સામે જોયું.

‘તને કંઈ ડરામણાં સપનાં આવે છે?’ પાદરીએ ફરીથી સવાલ દોહરાવ્યો. હવે જવાબ વાળ્યા વગર છૂટકો ન હતો.

‘યુ મીન નાઈટમેર?’ અંદરનો ફફડાટ છતો ન થઈ જાય એ માટે ચહેરા પર સહજ સ્મિત મઢેલું રાખ્યું, ‘આવે ક્યારેક... પણ ખાસ નહિ... કેમ, તેનું શું છે?’


‘નથિંગ સિગ્નિફિકન્ટ બટ, મને લાગ્યું કે મારે તને પૂછવું જોઈએ’


‘નો ફાધર...’ જેમ્સે વચ્ચે ઝુકાવ્યું, ‘તમે સ્પષ્ટ રીતે કહો કે તમને આ સવાલ પૂછવાનું કેમ જરૂરી લાગ્યું? આખરે તો મિસ્ટર વિલિયમની રિક્વાયરમેન્ટ માટે અમે અહીં આવ્યા છીએ. ઈટ મે હેલ્પ હીમ...’

અસ્પષ્ટ જવાબ વાળીને આડકતરી રીતે વિલીએ જવાબ આપવાની અનિચ્છા દર્શાવી દીધી એટલે પાદરીએ જવાબ મેળવવાનો આગ્રહ પડતો મૂક્યો. એ તેમની અંગ્રેજી તહેઝિબ હતી, પણ જેમ્સ એમ પડતું મૂકવા ટેવાયેલો ન હતો. એક પાદરી અને એક જન્મજાત પોલીસ વચ્ચેનો એ તફાવત હતો.

પણ એમાં વિલીના સ્ક્રુ ટાઈટ થઈ રહ્યા હતા. સપના વિશે પાદરીએ કેમ પૂછ્યું એ જાણવાની ચટપટી તો તેને ય હતી, પણ એમાં પોતાનો અનુભવ એ તરત જ, કશુંક ઠોસ જાણ્યા વગર કહી દેવા માંગતો ન હતો.

‘સી હિઅર...’ પાદરીએ ચોપડાના એક પાના પર આંગળી મૂકી એ સાથે જેમ્સ અને વિલી બંને ઝળુંબ્યા, ‘આ તારા ફાધર વિશેનું ડિસ્ક્રિપ્શન છે, જે કોઈ ઈયાન સ્ટુઅર્ટે આપેલું છે. તારા ફાધરનો કામધંધો શું હતો, એ ક્યાં રહેતા હતા, તારા નામનો પણ અહીં ઉલ્લેખ છે અને તારી મધર ડિવોર્સ લઈ ચૂકી છે એ પણ અહીં લખાયેલું છે.’


‘આટલું વિગતે લખવાનું કારણ શું?’ વિલીને સાચે જ તાજુબી થતી હતી. પાદરી જવાબ આપે એ પહેલાં જેમ્સે જવાબ આપ્યો.

‘જન્મ અને મરણની નોંધ તો ગવર્ન્મેન્ટ સિસ્ટમમાં થતી જ હોય અને એ જ લિગલ ગણાય, બટ ઈટ્સ અવર એન્સેસ્ટ્રી બુક, જેમાં આપણે આપણાં કૂળના દરેક પરિવારોનો શક્ય એટલો ઈતિહાસ જાળવીએ છીએ.’

‘બટ ધેટ મચ ડિટેઈલ્સ...’ વતનથી દૂર શહેરી હવામાં ઉછરેલા વિલીને હજુ ય ગળે ઊતરતું નહોતું, ‘કોઈની પર્સનલ બાબતમાં આટલાં ઊંડા ઊતરવાનો શું અર્થ?’

‘એ બધું આજે પર્સનલ લાગે છે, કારણ કે તું અને હું આધુનિક લોકતાંત્રિક કાનૂની હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ આશરે 12મી સદીમાં જ્યારે આ પરંપરા શરૂ થઈ ત્યારે સ્થિતિ બહુ જ અરાજક હતી. તું અને હું એકમેકના સાથમાં રહીએ તો જ સલામત હતા. માટે એ વખતે અંગતપણાં કરતાં કુટુંબના સહિયારાપણાંનો મહિમા વધુ હતો. એ બધું હું તને નિરાંતે સમજાવીશ. અત્યારે પહેલાં ફાધરને સાંભળીએ...’


વિલીના ચહેરા પર પ્રશ્નોની હારમાળા હતી. એ જેને સાવ સરળ મુંઝવણ ગણીને ઉકેલ માટે અહીં આવ્યો હતો એ જ મુંઝવણ અહીં તો અનેક ઉખાણામાંથી પસાર થઈને પોતે જ ગૂંચવાઈ રહી હતી.

‘ઈયાન સ્ટુઅર્ટે લખાવેલી વિગતો મુજબ, તારા બાપનું મૃત્યુ હોડી ડૂબી જવાથી થયું હતું. આખરી દિવસોમાં એ બેહદ તંગદીલીમાં હતો. તેને કેટલાંક અત્યંત બિહામણાં સપનાં આવતાં હોવાનું પણ તેણે સ્ટુઅર્ટને કહ્યું હતું, જે સ્ટુઅર્ટે અહીં લખાવ્યું છે. એ વિશે તમે સ્ટુઅર્ટને ય પૂછી શકો છો, જો એ જીવિત હોય તો. અહીં તેનું એડ્રેસ પણ છે.’

‘ઈટ્સ ઓકે...’ વિલી આ બંનેની અસંબદ્ધ વાતોથી મનોમન અકળાતો હતો, ‘એટલે તમે માની લીધું કે મનેય એવા સપનાં આવતાં હશે, રાઈટ?’


‘નો... નોટ એટ ઓલ...’ બહુ જ શાલીનતાથી જવાબ આપી રહેલો પાદરી મક્કમ પણ એટલો જ હતો, ‘અહીં એ પણ લખ્યું છે કે મૅક્લિન્સની આ બ્રાન્ચમાં અકારણ ખુવારી અને અકળ મૃત્યુ નોંધાયા છે, જે પૈકી ભેદી સપનાં આવતાં હોવાનો આ બીજો કેસ છે. એટલાં માટે મેં તને પૂછ્યું.

‘બીજો ઉલ્લેખ કોના માટે છે?’ વિલી કશું બોલે એ પહેલાં જેમ્સે જ પૂછી લીધું.

‘હેન્રી મૅક્લિન...’

‘હેન્રી ટૂ? એને પણ બિહામણાં સપનાં આવતાં હતાં?’ જેમ્સ આખી વાતને ભારે ગંભીરતાથી લઈ રહ્યો હતો.

‘એવું આ એન્સેસ્ટ્રી બુકમાં કોણ કહી ગયું?’ વિલીને મનોમન હસવું આવતું હતું અને બીજી તરફ પોતાની જાત પ્રત્યે જ ગુસ્સો આવતો હતો... મજબૂરીનો માર્યો એ ક્યાં આ ચક્રમોની વચ્ચે ફસાઈ ગયો..!

‘ડગ્લાસ મૅક્લિન હિમસેલ્ફ...’ પાદરીએ ચોપડામાં જોઈને કહ્યું, ‘હેન્રીનો દીકરો અને તારો બાપ...’ પછી આર્જવપૂર્વક વિલીના હાથ પર પોતાનો પંજો મૂકીને ઉમેર્યું, ‘હવે સમજાયું કે મેં તને સપનું આવે છે કે નહિ એ કેમ પૂછ્યું?’

વિલી રીતસર સ્તબ્ધ થઈ ગયો. ટેબલથી સહેજ દૂર જઈને એણે બેચેનીપૂર્વક ઘડીક આંટા માર્યા. તેને ન તો આ ચોપડામાં વિશ્વાસ હતો કે ન તો આ પેઢીઓની પરંપરામાં... બુલશીટ ઓલ્ડીઝ... દાંત ભીંસીને એ મનોમન બોલી ગયો. આ બેય બુઢ્ઢાઓએ તેનું દિમાગ ભરમાવી દીધું...

પરસાળમાં ખાસ્સી ઠંડી હવામાં ઊંડો શ્વાસ લઈને તેણે શરીરને તંગ કર્યું અને મનમાં વિચારનું ચગડોળ ફરી ઘૂમરાટી લેવા માંડ્યું.

પણ તો પછી સપનાંનું શું? તેણે ભલે કબૂલ્યું નથી, પણ ભયાનક ડરામણું સપનું તો તેને ય આવતું જ હતું. એવું જ સપનું તેનાં બાપને અને દાદાને ય આવતું હતું? ઈટ્સ રિઅલી સ્ટ્રેન્જ... એવું તો કેવી રીતે બની શકે?

બેય બાજુની દલીલોનું ઘમસાણ તેનાં મગજમાં મચી રહ્યું હતું. માનવું કે ન માનવું? ટૂ બી ઓર નોટ ટૂ બી? જો આ વાત સાચી છે તો સપનું શું સૂચવે છે? હું ય મારા બાપ અને દાદાની માફક કમોતે મરવાનો છું? પણ એવું તો કઈ રીતે કહી જ શકાય? તો પછી આ સપનાની આખી જફા છે શું?

પારાવાર મથામણથી ત્રાસીને પથ્થરની થાંભલી પર તેણે જોશભેર મુક્કો મારી દીધો. આર્થિક રાહત મેળવવાની આશાએ એ અહીં આવ્યો હતો અને ઊલટાનો અહીં તો એ વધુ ગોટે ચડી રહ્યો હતો.
*** *** ***


સાંજ ઘેરાઈ ત્યાં સુધી તે એસ્ટેટમાં આમતેમ ઘૂમતો રહ્યો. જેમ્સે તેને બે-ચાર મકાનો બતાવ્યા. પરાક્રમી મૅક્લિન વડવાઓની કબર પણ બતાવી. દરેક જગાએ મૅક્લિન વંશનો મોટો બિલ્લો જડેલો હતો. જેમ્સ તો વળી શર્ટના ચેસ્ટ પોકેટ પર પણ આવો બેજ ખોસીને ફરતો હતો.

જાડી ચેક્સનું કપડું ટાર્ટન તરીકે ઓળખાતું અને દરેક સ્કોટિશ કૂળની ઓળખ સમું આવું એક ટાર્ટન હતું. મૅક્લિન્સનું પણ હતું. શિલ્ડ આકારનું એ ટાર્ટન, ગોળાકારમાં કમરપટ્ટાની આકૃતિ, ગોળાકારની વચ્ચે પથ્થરિયા કિલ્લાનો મિનારો અને તેનાં પર લખેલાં ત્રણ શબ્દો... VIRTUE MINE HONOUR... બુઢ્ઢો જેમ્સ મૅક્લિન તો આ બેજ વિશે સમજાવતાં શુંય ભાવવિભોર થઈ ગયેલો, પણ વિલીને એમાં ખાસ કંઈ સ્પર્શતું ન હતું.

ડિસ્ટીલરીની કેન્ટિનમાં સોસેજ અને હેમ સેન્ડવિચ ખાઈને એ મકાન પર પાછો ફર્યો ત્યારે સાંજ ઘેરાઈ ચૂકી હતી. કાલે સવારે મળવાનું કહીને જેમ્સ તો ક્યારનો છૂટો પડી ગયો હતો. હિસ્સો નહિ મળે તો હું લિગલ નોટિસ મોકલીશ એવું પોતે કહ્યું ત્યારે બુઢ્ઢો અકળાઈ ઊઠશે એવી તેની ધારણા હતી. તેને બદલે એ તો સાલો એમ જ ડોળા કાઢતો કશું બોલ્યા વગર જતો રહ્યો હતો.

મકાનમાં પ્રવેશીને તેણે કમરો થોડોક ઠીકઠાક કર્યો. નમતી બપોરે એક મોટું ઝાપટું પાડીને શાંત થઈ ગયેલો વરસાદ હવે ફરી શરૂ થયો હતો. રાતભર ચાલે એટલાં લાકડાં વરંડામાંથી ઊઠાવીને તેણે ફાયરપ્લેસ આસપાસ ગોઠવ્યાં.

કોઈપણ રીતે એ ચર્ચની મુલાકાત કે સપનાંની વાત યાદ કરવા ઈચ્છતો ન હતો. એટલે દિમાગને બીજે વાળવા તેણે પાવરબેન્ક ચાર્જિંગમાં મૂકીને મોબાઈલ હાથમાં લીધો. અહીં લીધેલા કેટલાક ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા. વ્હોટ્સએપ મેસેજિસ ચેક કર્યા. નોકરી માટેની અરજી રિજેક્ટ થયાના આઠ-દસ મેઈલ જોઈને એ ફરી તંગ થઈ ગયો.

આખરે કંટાળીને રક્સેકમાંથી વ્હિસ્કીની બોટલ ઉઠાવી. ક્યાંય સુધી અન્યમનસ્કપણે બેઠાં બેઠાં તેની આંખો ઘેરાવા લાગી. મનમાં પારાવાર ફડકો હતો. હૈયામાં કશીક અજાણી ફાળ પડ્યા કરતી હતી. બ્લડપ્રેશર વધી જતું હોય તેમ છાતી પર, કપાળ પર પસીનો વળવા લાગતો હતો. આવું રોજ થતું હતું.

રજાઈમાં લપાઈને તે ઊંધો પડ્યો અને ઓશિકા વચ્ચે માથું ખોસી દીધું. આજે માર્થા? નો... ધેટ ફ્રેન્ચ ગર્લ? ગમતી છોકરી વિશે, તેનાં સંગાથ વિશેની હકીકત યાદ કરીને કે સંગાથની કલ્પના કરીને તેણે ઘેરાતી આંખને ગાઢ નિદ્રા ભણી ધકેલવા માંડી.

પણ હંમેશની માફક આજે ય એ નિષ્ફળ ગયો. તેનાં બંધ પોપચાંની ભીતર ફરીથી એ જ દૃશ્યોની ભૂતાવળ નાચી રહી હતી.

નદીના ધસમસતા લાલ હિંગળોક પાણી, કાંઠા પર લીલાછમ પહાડો, હિંસક પ્રાણીઓની ભૂખાળવી ત્રાડ, બાળકનું કારમું આક્રંદ અને નદીનાં પાણી પર ચાલી જતી સ્ત્રી...

થડકતી છાતીએ, થરથર કાંપતાં શરીરે એ પથારીમાં વળ ખાતો રહ્યો અને અચાનક પાણી પર ચાલી જતી એ સ્ત્રીએ ઝાડના ઠુંઠા જેવી ગરદન ઘૂમાવી એ સાથે તેનાં મોંમાંથી રીતસર ચીસ નીકળી ગઈ. એ પથારીમાંથી બેઠો થઈ ગયો. આખા ય શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. ફરીથી આંખો બંધ કરવાની હિંમત થતી ન હતી અને ગાઢ અંધારામાં અજાણ્યા ઓરડાની એકલતા કાળોતરા નાગની જેમ કરડતી હતી.

‘તું અને હું આધુનિક લોકતાંત્રિક કાનૂની હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ આશરે 12મી સદીમાં જ્યારે આ પરંપરા શરૂ થઈ ત્યારે સ્થિતિ બહુ જ અરાજક હતી. તું અને હું એકમેકના સાથમાં રહીએ તો જ સલામત હતા.’

ફફડતા હૈયે તેણે સૂવાની દિશા બદલી. ફાયરપ્લેસને બદલે વરંડાની બારી તરફ મોં ફેરવ્યું. ફરી ઓશિકામાં મોં ભીંસ્યું. આંખો બંધ કરી અને તરત ખોલી નાંખી... યસ, વરંડાની બારી પાસે કોઈ ઓળો હોવાનો તેને ભાસ થયો. તેણે ઘડીક તાકીને જોયું. વૃક્ષોની ડાળીનો એ ઓછાયો હશે? ના, આ તો ચહેરા જેવો જ આકાર વર્તાય છે...

તેણે ધ્રૂજતા હાથે રજાઈ માથા પર ખેંચી લીધી. માય ગોડ... આ શું થઈ રહ્યું છે તેની સાથે? તેનાં ગળામાંથી રીતસર હિબકાં નીકળી પડ્યાં. ભયાર્ત થઈને તેણે ફરી આંખો મીંચી. આંખ બંધ કરે તો એ સ્ત્રી દેખાતી હતી. તેણે ફરી રજાઈ હટાવીને જરાક આંખ ખોલી અને બારી તરફ જોયું એ સાથે તેનાં મોંમાંથી કારમી ચીસ નીકળી ગઈ.

એ ઓળો તેના તરફ ધસી આવતો હતો.

(ક્રમશઃ)

dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP