Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

‘કાલે સાંજે એ બેગ લઈને આ સરનામે આવી જજે, વૂડ લાઈક ટુ મીટ યુ’

  • પ્રકાશન તારીખ23 Jul 2018
  •  

શેરદલાલીમાં ખાસ્સું કમાઈને તગડાં થયેલા ઈયાનને હવે તો કોઈ મણા ન હતી, પણ આજથી ત્રીશ જ વર્ષ પહેલાં એ ફ્લિટ સ્ટ્રિટ પર ચણાતી દરેક નવી ઈમારતમાં માલસામાનનું ધ્યાન રાખતો મુકાદમ હતો.

બેઠી દડોનો બાંધો, માથા પર ટાલ, સહેજ આગળ આવી ગયેલું પેટ અને દીવાની અડધી બળેલી વાટ જેવી કાળીધોળી ફ્રેન્ચ કટ દાઢી... આજે ય દેખાવમાં તો એ મુકાદમ જેવો જ લાગતો, પણ નસીબનો બળિયો કહો કે લાગ આવ્યે સોગઠી મારવાની મહારત ગણો, તરક્કીની સીડી પર તેણે બહુ મોડો પગ મૂક્યો, પણ મૂક્યા પછી એ પગથિયાં ગણવા ય નહોતો ઊભો રહ્યો.

ફ્લિટ સ્ટ્રિટના ફોર્થ એવન્યુ પર એક એપાર્ટમેન્ટ, એપાર્ટમેન્ટમાં બે રૂમ, રૂમના ચાર ખૂણા અને એવો એક ખૂણો એટલે ઈયાનનું રહેણાંક. ફોલ્ડિંગ પલંગ પર ગંધાતું એક ગાદલું, ગાદલાની નીચે દબાવી રાખેલા બે જીન્સ, બે શર્ટ અને પલંગના ટેકે દિવાલ સાથે જડેલા પાટિયા પર રેક્ઝિનનો એક થેલો... આટલી હતી તેની અસ્ક્યામત.

  • પણ થેલાને તે પોતાની ખરી મૂડી ગણતો. એ આખો થેલો ભરીને તેમાં વિઝિટિંગ કાર્ડ પડ્યા રહેતા. ગમે તે આદમી એક જ વાર મળે એટલે તેનું વિઝિટિંગ કાર્ડ એ સાંજે ઈયાનના થેલામાં પડ્યું જ સમજો. તેના મિત્રો, પરિચિતો આ આદત માટે હંમેશાં તેની મજાક ઊડાવતા, પણ ઈયાન તેને ધ્યાન પર લીધા વગર આદમીના ચહેરા કરતાં ય તેના ખિસ્સામાં પડેલા વિઝિટિંગ કાર્ડને પહેલાં જોઈ લેતો.

આખરે એ જ લગાવ રંગ લાવ્યો.

થેલાને તે પોતાની ખરી મૂડી ગણતો. એ આખો થેલો ભરીને તેમાં વિઝિટિંગ કાર્ડ પડ્યા રહેતા. ગમે તે આદમી એક જ વાર મળે એટલે તેનું વિઝિટિંગ કાર્ડ એ સાંજે ઈયાનના થેલામાં પડ્યું જ સમજો.

એક દિવસ તેને એક આદમી મળી ગયો. ફ્લિટ સ્ટ્રિટમાં ઉતાવળી ચાલે ચાલ્યા જતાં એ આદમીનો હુલિયો તેને પ્રભાવિત કરનારો લાગ્યો. છ ફૂટથી વધુ ઊંચાઈ, ભર્યો-ભર્યો પણ મજબૂત બાંધો, સફાઈપૂર્વક ટ્રિમ કરેલી લાલ દાઢી, આંખો પર ઘેરા ગોગલ્સ, ભૂરા રંગનું ડેનિમ, સિલેટિયા રંગનો શર્ટ, ઉપર ઝીણી ચેક્સનો બ્લેક ચેસ્ટકોટ અને પગમાં પ્લેન ટો બ્રોગ શૂઝ.

દિવસભર ભારે ચહલપહલથી વ્યસ્ત રહેતી ફ્લિટસ્ટ્રિટના જમેલા વચ્ચે આ આદમી નોંખો તો પડતો જ હતો. સતત ઊંચે, ત્રાંસે, સામે જોતો એ કદાચ સ્ટ્રિટ નંબર કે બિલ્ડિંગના નામ ચેક કરી રહ્યો હતો.

‘એક્સ્ક્યૂઝ મી, સર...’ એ આદમી જરાક નજીક આવ્યો એટલે ઈયાને સડકની ધાર પાસે જઈને પૂછી લીધું, ‘તમે કંઈ એડ્રેસ શોધી રહ્યા જણાવ છો... મે આઈ હેલ્પ યુ?’

બંધ મોંઢામાં ગમ ચાવતો એ ઘડીભર ઈયાન તરફ જોઈ રહ્યો. તેના ચહેરા પર સ્વભાવગત બેપરવાઈ હતી, ‘યાહ, આઈ એમ લૂકિંગ ફોર ચેપ્લ્સ સ્ક્વેર, પણ મને લાગે છે કે હું ખોટી સ્ટ્રિટમાં વળી ગયો છું..’

‘યસ સર... ઈટ્સ ઓન ફોર્ટી સિક્સ એવન્યુ, એન્ડ ધીસ ઈઝ ફોર્ટી ટૂ... તમે એક નહિ, બે સ્ટ્રિટ આગળ આવી ગયા છો...’

‘ઓહ...’ એ આદમીએ સૌજન્યસભર સ્મિત વેર્યું, ‘તો હવે મારે પાછા ફરવું પડશે...’

‘નો સર, આગળ જનારા માણસે કદી પાછા ન ફરવાનું હોય, સામેના બિલ્ડિંગમાં એન્ટર થાવ અને તેના બેક ગેટમાંથી બહાર નીકળીને લેફ્ટ ટર્ન લેશો એટલે બરાબર સામે જ ચેપલ્સ સ્ક્વેર આવશે...’

એ આદમી ઘડીભર ઈયાનની સામે જોઈ રહ્યો. તેણે ગોગલ્સ ઉતાર્યા અને ફરીથી ઈયાનને નિરખ્યો અને પછી હળવું સ્મિત વેરીને કહ્યું, ‘થેન્ક યુ...’

‘ઈટ્સ ફાઈન, સર...’ ઈયાન માટે તો આટલી તક જ કાફી હતી, ‘મે આઈ હેવ યોર વિઝિટિંગ કાર્ડ, પ્લિઝ?’

ઈયાનના સવાલથી આગળ કદમ ઉપાડી રહેલો એ આદમી ત્યાં જ ખોડાઈ ગયો.

‘વોટ વિલ યુ ડૂ વિથ ઈટ?’ તેણે ફરીથી ઈયાનને પગથી માથા સુધી નિરખ્યો.

પણ ઈયાન માટે તો આવો તુચ્છકાર કે અવગણનાની નવાઈ ન હતી. એ કાર્ડ માંગે એટલે દસમાંથી આઠ જણાં આમ જ વર્તતા હતા.

તેણે એવું જ શાણું હસીને કહી દીધું, ‘હોય તો કોઈક દિવસ કામ લાગે ને, આજે તમને રસ્તો બતાવ્યો એમ જરૂર પડ્યે કોઈકને તમારું ય ઠેકાણું ચિંધી શકું...’

‘ઓહ... તો તો આવા ઘણાં કાર્ડ ભેગા કર્યા હશે’

‘અફકોર્સ... એક આખી બેગ ભરીને..’ કોઈક જરાક આંગળી આપે એટલે પહોંચો પકડી લેવાની તેને ફાવટ હતી.

તેની હાજરજવાબી પારખીને એ આદમી હસી પડ્યો. હિપ પોકેટમાંથી પર્સ કાઢ્યું અને ઈયાન તરફ કાર્ડ લંબાવ્યું, ‘કાલે સાંજે એ બેગ લઈને આ સરનામે આવી જજે, વૂડ લાઈક ટુ મીટ યુ ઓવર અ કપ ઓફ કોફી...’

ઈયાન સ્તબ્ધ થઈને તેને રોડ ક્રોસ કરતો જોઈ રહ્યો.

આ તદ્દન નવો અનુભવ હતો. તેણે કાર્ડ માંગ્યું હોય અને કોઈએ તેને મળવા આવવા કહ્યું હોય એવું તો આજે પહેલી જ વાર બન્યું હતું.

એ ડગ્લાસ મૅક્લિન હતો.

*** *** ***

ડગ્લાસ મૅક્લિને એ વખતે લંડન સ્ટોક એક્સ્ચેન્જનું રજીસ્ટ્રેશન મેળવ્યું હતું. ફાયનાન્શિયલ પ્લાનર તરીકે એ હજુ પગ જમાવી રહ્યો હતો. સ્વભાવથી એકદમ શાહી, મિજાજથી અદ્દલ સ્કોટિશ ડગ્લાસને એક એવા માણસની જરૂર હતી જે ડગ્લાસમાં ખૂટતી બાબતોમાં પૂરક બને.

એ પોતે તોછડો હતો, ગમે તે પ્રકારના લોકો સાથે ઘરોબો કેળવવામાં તેને વાર લાગતી. એરિસ્ટોક્રેટ ક્લાસમાં જેટલી આસાનીથી એ ભળી શકતો એટલી સહજતાથી એ મિડલ ક્લાસ સાથે દોસ્તી ન કેળવી શકતો. એ માટે તે કોઈક કાબેલ આદમીની શોધમાં જ હતો.

અને એમ જ તેને ઈયાન મળી ગયો. ઈયાનનું ભણતર ઠીકઠાક હતું, પરંતુ સડક પર જિંદગી ગુજારીને મેળવેલું ગણતર બરાબર પાક્કું હતું. ડગ્લાસને તેનો જ ખપ હતો. બેયની જોડી બરાબર જામી. શરૂઆતમાં ડગ્લાસના નોકરિયાત તરીકે જોડાયેલો ઈયાન પછી તો પોતે લાવે એ કામમાં પ્રોફિટ શેઅરિંગ પાર્ટનર પણ બની ગયો.

જેટલી ઝડપે ડગ્લાસનો કારોબાર વધતો હતો એટલી જ ઝડપે તેની સ્વભાવગત રંગીની પણ વધતી જતી હતી. લગભગ દર અઠવાડિયે છોકરી બદલવી એ તેની તાસિર બની ચૂકી હતી. કહો કે, એવી તાસિર પહેલેથી જ તેનામાં હતી.

અગાઉ એ જે સ્ટોક બ્રોકરને ત્યાં નોકરી કરતો હતો ત્યાં જ તેને ત્રણેક અફેર્સ હતા. એમાંની એક પેટ્રિશિયા... પેટ્સી. નોકરી જોઈન કર્યાના પહેલાં જ મહિને પેટ્સીને તેણે આંજી દીધી અને નમતી સાંજથી શરૂ થયેલી ડેઈટ

વીકએન્ડના 48 કલાક સુધી ડગ્લાસના ફ્લેટ પર ડબલ બેડમાં ઉન્માદભર્યા ઉંહકારા લેતી રહી.

જોકે સંબંધ બાંધી લેવાની ઉતાવળ આ વખતે ડગ્લાસને બહુ મોંઘી પડી હતી. બેપરવાઈના કારણે પેટ્સી ગર્ભવતી બની અને ડગ્લાસે ધરાર તેની સાથે લગ્ન કરવા પડ્યા, પણ ત્યાં સુધી તેને ખબર ન હતી કે પેટ્સીને તેના બોસ સાથે પણ અફેર હતું.

બહુ જલ્દી બંનેને સમજાઈ ગયું કે તેઓ કદી સાથે રહી શકે તેમ ન હતા. એટલે મળવામાં જેટલી ઝડપ હતી એથી ય વધુ ઝડપે તેઓ છૂટા પડી ગયા. દીકરા વિલિયમને છોડવા ડગ્લાસ તૈયાર ન હતો અને સાચવવા સક્ષમ પણ ન હતો. એ માટે તે કેરટેકરની વ્યવસ્થા ગોઠવતો રહ્યો.

હવે ક્યાંય કાયમી પળોજણમાં બંધાવું નથી એવી મનોમન ગાંઠ વાળીને એ મોજથી જીવતો હતો. મન પડે ત્યારે કપડાં બદલતો હતો, હેર સ્ટાઈલ બદલતો હતો અને મોજ પડે ત્યારે છોકરી ય બદલી નાંખતો હતો.

તમામ એશોઆરામ વચ્ચે ય તેને સ્કોટલેન્ડ યાદ આવ્યા કરતું. મૅક્લિન પરિવારના લંડનમાં રહેતાં સભ્યો સાથે તેને બહુ ફાવતું નહિ. લંડનની વેપારી હવા ખાઈને એ સૌ અસલના વખતનો દમ ગુમાવી બેઠા હોય તેમ તેને લાગતું.

ખબર નહિ, અચાનક જ તેના કારોબારમાં ભારે નુકસાની જવા માંડી. તેની તમામ ગણતરીઓ ખોટી પડવા માંડી અને રોકાણનું ધોવાણ થવા માંડ્યું. નાછૂટકે તેણે ઓફિસનો વીંટો વાળી દેવો પડ્યો. ક્લાયન્ટ્સને મૂડી પરત કરવાની તેની ત્રેવડ રહી ન હતી એટલે તેણે નાદારી ય નોંધાવવી પડી.

દરમિયાન, ડગ્લાસ પાસેથી શેરબજાર અને ઈન્વેસ્ટમેન્ટની આંટીઘૂંટી શીખી ચૂકેલો ઈયાન તો ડગ્લાસથી છૂટો પડ્યા પછી ય સડસડાટ પ્રગતિ કરતો રહ્યો હતો.

ઈયાનનું ભણતર ઠીકઠાક હતું, પરંતુ સડક પર જિંદગી ગુજારીને મેળવેલું ગણતર બરાબર પાક્કું હતું. ડગ્લાસને તેનો જ ખપ હતો. બેયની જોડી બરાબર જામી.

ડગ્લાસ તેને ક્યારેક મળતો. જ્યારે મળતો ત્યારે આગલા વખત કરતાં વધુ બદહાલ થયો હોય એવું ઈયાનને લાગતું. તેને પગભર કરવા ઈયાને ય ઘણી કોશિષ કરી જોઈ, પણ આફતનો સૂસવાટો આવે ત્યારે સહેજ વળવું પડે. સૂસવાટાના જોરની દિશામાં જરાક ઝૂકવું પડે. એવો વળવાનો કે ઝુકવાનો તેનો સ્વભાવ ન હતો. ડગ્લાસ પ્રત્યે ઈયાનને નૈસગિક લાગણી હતી. આખરે તેણે જ ઈયાનનું હિર પારખ્યું હતું. પણ ડગ્લાસના પતનની ઝડપ તેને રોકવાના ઈયાનના જોર કરતાં ઘણી વધુ હતી.

એ મર્યો તેનાં મહિના પહેલાં ઈયાનને મળ્યો હતો. એ વખતે લંડન શહેર પ્રશાસનના રોજમદાર તરીકે કામ કરતો હતો અને થેમ્સ નદીમાંથી શેવાળ કાઢવાનું મશીન ચલાવતો હતો. સાંભળીને ઈયાનને રીતસર હાયકારો નીકળી ગયો હતો.

આ વખતે તેને ડગ્લાસ બેહદ અલગ લાગ્યો. તેની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં કશોક ખૌફ તરવરતો હતો. એ સતત જાણે ફફડતો હોય તેવું લાગતું હતું. તેની વાતોમાં ય સનકીપણું સ્પષ્ટ વર્તાતું હતું.

તેને કશુંક બિહામણું, ભેદી સપનું આવતું હતું. આવું જ સપનું તેનાં બાપને ય આવતું હોવાનું તે કહેતો હતો. હમણાં હમણાં એ ચારેક વાર વતનમાં મૅક્લિન એસ્ટેટ જઈ આવ્યો હતો એ પણ એણે કહ્યું અને હવે તેને એક મોટી ટ્રિપ માટે નાણાંની જરૂર હતી.

ઈયાનને લાગ્યું કે સાચે જ તેનું હવે ચસકી ગયું છે. એ વખતે પહેલી જ વાર તેણે ડગ્લાસને મદદ કરવાનું ટાળ્યું.

બસ, એ પછીના જ અઠવાડિયે થેમ્સ નદીમાં તેની બોટ ડૂબી જતાં એ મરી ગયો.

*** *** ***

એ દિવસે નમતી સાંજે ઈયાન રોજિંદી જફામાંથી પરવારીને ક્લબમાં જવાની તૈયારી કરી રહ્યો હતો અને અચાનક તેનાં લેન્ડલાઈન ફોન પર રિંગ આવી. લેન્ડલાઈન ફોન મુખ્યત્વે ક્લાયન્ટ્સ અને ખાસ તો યલો પેજીસ માટે તેણે ફાળવી રાખ્યો હતો.

દિવસ પૂરો થયા પછી વળી ક્યો ક્લાયન્ટ ફોન કરે છે? ચહેરા પર અણગમાના ભાવ સાથે તેને રિસિવર ઉંચક્યું.

સામા છેડેથી કોઈ શાલીન અવાજે કહી રહ્યું હતું, ‘માયસેલ્ફ વિલિયમ મૅક્લિન, મે આઈ ટોક વિથ મિ. સ્ટુઅર્ટ?’

(ક્રમશઃ)

dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP