Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

અચાનક જાણે ઓતાર આવ્યો હોય એમ વિલી છલાંગ મારતો ભાગ્યો

  • પ્રકાશન તારીખ24 Jul 2018
  •  

પ્રકરણ – 11
ઈયાન ઘડીક તો કશું બોલી ન શક્યો. પહેલી અમુક સેકન્ડ તો તેને સમજતાં જ વાર લાગી કે સામા છેડે વિલિયમ હતો, ડગ્લાસ મૅક્લિનનો દીકરો વિલિયમ. પછી અમુક સેકન્ડ તેને પોતાનો રિસ્પોન્સ નક્કી કરવામાં લાગી.


ડગ્લાસના મોત પછી તેણે જ પોલીસ ઈન્ક્વેસ્ટથી માંડીને દરેક જરૂરી વિધિ પતાવી હતી. શહેર પ્રશાસન તરફથી મળેલ વળતરમાંથી જ વિલીના ઉછેર અને ભણતરની તેણે વ્યવસ્થા ગોઠવી દીધી હતી. ફોસ્ટર હોમ પર એ વિલીને મળવા પણ ક્યારેક જતો.

'તમે એમાં એવું કહ્યું છે કે મારા ફાધરને આખરી દિવસોમાં કશુંક બિહામણું સપનું આવતું હતું, જેને લીધે એ માનસિક રીતે બહુ જ પરેશાન રહેતા હતા'

વિલી સરસ છોકરો હતો. બાપના અવગુણ તેનામાં આવ્યા નથી એવું તેને લાગતું. વિલી સરસ ભણ્યો, યોગ્ય રીતે સેટલ થઈ રહ્યો હતો, પણ પછી સંપર્ક ધીમે ધીમે ઓછો થતો ગયો.

ધેટ વોઝ ફેર ઈનફ... હી ઈઝ લિવિંગ હીઝ ઓન લાઈફ. ઈયાનની ફરજ આટલી જ હતી.
આજે વળી ઓચિંતા તેનો ફોન? તાજુબી સાથે જ તેણે પ્રતિસાદ વાળ્યો, ‘યસ વિલી, વેરી ગ્લેડ ટૂ હિઅર ફ્રોમ યુ આફ્ટર સચ અ લોન્ગ ટાઈમ... હાઉ આર યુ?’
‘આઈ એમ ફાઈન, મિ. સ્ટુઅર્ટ.. હાઉ આર યુ?’
એમ શરૂઆતમાં બંને વચ્ચે થોડીક ઔપચારિક વાતો થતી રહી. છેવટે વિલી તરત મુદ્દા પર આવ્યો.


‘મિ. સ્ટુઅર્ટ, હું અત્યારે વેકેશન પર છું અને મારી પૈતૃક જાગીર મૅક્લિન એસ્ટેટ પર આવ્યો છું...’ મૅક્લિન એસ્ટેટનું નામ સાંભળીને ઈયાન જરાક ચમક્યો. ડગ્લાસ પણ કદાચ છેલ્લે છેલ્લે એસ્ટેટ પર જતો હતો એવું તેણે કહ્યું હતું, પરંતુ વિલી ય એસ્ટેટના સંપર્કમાં હતો એ વિશે કશો ખ્યાલ ન હતો. ઈટ્સ ઓકે.. તેની પેટર્નલ એસ્ટેટ છે તો એ ત્યાં જતો હોય... ડગ્લાસના મોત પછી એ પોતે પણ ગયો હતો. જૂના જમાનાની ઘસાયેલી જાહોજલાલી હજુ ય સાચવવા મથતી એ બહુ જ રોચક જગ્યા તેને લાગી હતી.


‘હિઅર આઈ વિઝિટેડ અવર એન્સેસ્ટ્રી ચર્ચ...’ ઈયાને મનોમન દોડતાં સ્મરણોને રોકવા પડ્યા. સામા છેડેથી વિલી કહી રહ્યો હતો, ‘... એન્ડ ધેર આઈ રીડ અ ડેથ નોટ ઓફ માય ફાધર...’

‘યસ, એ મેં જ ત્યાં જઈને લખાવી હતી...’
‘જી, એમાં તમારું નામ, એડ્રેસ પણ છે જ. તમે એમાં એવું કહ્યું છે કે મારા ફાધરને આખરી દિવસોમાં કશુંક બિહામણું સપનું આવતું હતું, જેને લીધે એ માનસિક રીતે બહુ જ પરેશાન રહેતા હતા’


‘હા...’ ઈયાન મનોમન અઢી દાયકા જૂના સ્મરણો ફંફોસવા માંડ્યો, ‘એવું તેણે મને કહ્યું હતું..’
‘વિલ યુ પ્લિઝ ઈલેબોરેટ ઈટ?’ વિલીના અવાજમાં રહેલી તાકિદ અનુભવાય તેમ હતી, પણ ઈયાનને હજુ સમજાતું ન હતું કે આટલા વરસે અચાનક જ આ વાત વળી કેમ આવી રહી છે?
‘એક્ઝેક્ટ તો મારે યાદ કરવું પડશે પણ, ડગ્લાસ મરી ગયો તેના થોડા સમય પહેલાં જ મારી પાસે આવ્યો હતો. એ વખતે એ એકદમ બેહાલ જણાતો હતો. માનસિક સ્થિતિ પણ બહુ જ ડામાડોળ લાગતી હતી. એ વખતે જ તેણે મને સપના વિશે કહ્યું હતું’
‘શું કહ્યું હતું?’

ઈયાનને પારાવાર અચરજ થતું હતું. ભાગ્યે જ સંપર્ક કરનારો વિલિયમ આજે સામેથી ફોન કરે છે અને અઢી દાયકા જૂની વાત ઉખેળી રહ્યો છે અને એમાંય આટલી ઝીણવટથી સવાલો પૂછે છે. તેણે દિમાગ કસ્યું અને બરાબર યાદ કરીને જવાબ આપ્યો.


‘ડગ્લાસે એટલું જ કહ્યું હતું કે કશુંક બિહામણું સપનું તેને પજવે છે. મેં કહ્યું કે એ તો ડિપ્રેશનમાં આવું થાય. તારે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. પણ એ કશું સાંભળવા તૈયાર ન હતો. એ કહેતો હતો કે તેના બાપ હેન્રીને ય આખરી દિવસોમાં આમ જ સપનું આવતું હતું. હેન્રીએ તો તેને કહેલું પણ ખરું. એ પોતાના બાપ હેન્રીની બદહાલી, સપનું અને મોતને એકસાથે જોડી રહ્યો હતો અને પોતાની પણ એવી જ હાલત થશે એવો તેને ડર હતો.’


ફોન લાંબો ચાલવાનો છે એવી ખાતરી થતાં ક્રેડલ નજીક તેણે ખુરશી ખસેડી.

‘સપનું શું હતું? તેમને શું દેખાતું હતું? એ વિશે એમણે કંઈ કહ્યું હતું?’ સામા છેડે વિલી ધાણીફૂટ સવાલો પૂછી રહ્યો હતો.


‘એટલી સ્પષ્ટ વાત તો કદાચ નહિ થઈ હોય, કારણ કે મને તો એ તીવ્ર ડિપ્રેશનમાં જ હોય એમ લાગતું હતું એટલે સપનાની વાતમાં મેં કોઈ ગંભીરતા દાખવી જ ન હતી. બટ હી વોઝ લૂકિંગ ડેમ્ન સિરિયસ..’


‘એ આવી ભેદી વાતને ય સિરિયસલી લેતાં હોય એવું કેમ લાગ્યું તમને?’
‘તેનો હુલિયો... તેના ચહેરાના હાવભાવ અને તેની વાતો પરથી. એ સતત કહેતો હતો કે મારા બાપ જેવી જ મારી દશા થવાની છે, અને આવું દઢતાપૂર્વક એ માનતો હતો કારણ કે તેને પણ તેના બાપની માફક સપનું આવતું હતું’

બંને વચ્ચે ઘડીક સન્નાટો છવાઈ ગયો. આ છેડે ઈયાન મનોમન વિલિયમને અચાનક જાગેલા સવાલોનું કારણ વિચારતો હતો અને સામેના છેડે ઈયાનના જવાબથી શરીરમાંથી પસાર થઈ ગયેલા ભયના લખલખાંને જીરવવા વિલી કોશિષ કરી રહ્યો હતો.


‘જો તમને સપના વિશેનો તેનો ડર એટલો મહત્વપૂર્ણ નહોતો લાગ્યો તો પછી તમે એન્સેસ્ટ્રી ચર્ચમાં એ વિશે કેમ કહ્યું?’ વિલીના સવાલો અટકતા ન હતા અને એ પોતે ય એ અંગે સભાન હતો. એટલે જ તેણે ઉમેર્યું, ‘ડોન્ટ માઈન્ડ પ્લિઝ, મિ. સ્ટુઅર્ટ... પણ હું આ ચોક્કસ કારણોસર પૂછી રહ્યો છું, એન્ડ ઈટ્સ વેરી ઈમ્પોર્ટન્ટ’


‘યાહ, નેવર માઈન્ડ માય સન, યુ કેન આસ્ક એનીથિંગ, પણ અચાનક આટલાં વરસે તને આ બધા સવાલો કેમ સૂઝે છે એ મને નથી સમજાતું.’
‘એ પણ કહીશ, પણ અત્યારે તો...’ વિલી જરા ખચકાયો, ‘પ્લિઝ, તમારી વાત આગળ વધારો...’

‘મને મળીને ડગ્લાસ ગયો એ પછી થોડાં સમયમાં જ તેનું મોત નિપજ્યું. નદીમાં બોટ ડૂબી જવાથી એ મૃત્યુ પામ્યો છે એવું મને જાણવા મળ્યું ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. તારો બાપ જબરો તરવૈયો હતો. થેમ્સ નદીમાં સામા પ્રવાહે બબ્બે કિલોમીટર તરતા મેં તેને જોયો છે. એ આવી રીતે ડૂબી મરે એ વાત જ મને તો ગળે નહોતી ઉતરી. હજુ ય નથી ઉતરતી. એ વખતે તો મેં બધી વિધિમાં ધ્યાન પરોવ્યું, પણ મારા મનમાં તેની સાથેની છેલ્લી મુલાકાત સતત ઘૂમરાતી રહી હતી.’
‘પછી?’

‘પછી તો બસ, ડગ્લાસના મોત માટે મળેલા વળતરમાંથી મેં તારા માટે ફોસ્ટર હોમની ગોઠવણ કરી હતી. ઘર ખાલી કરવું પડે એમ હતું એટલે તેનો બધો સામાન ઉપરછલ્લો ચકાસ્યો હતો. તારા કામનું હતું એ તને આપી દીધું હતું. એ સિવાય કાગળિયા, ડાયરીઓ, જૂની ફાઈલો, છાપાના કટિંગો એવું બધું હતું એ પેક કરીને એક પટારામાં ભર્યું અને એ બધું મૅક્લિન એસ્ટેટમાં મૂકાવી દીધું. ચર્ચમાં તેની નોંધ કરાવી. બસ... આટલું જ!’


‘મૅક્લિન એસ્ટેટમાં શું મૂકાવ્યું?’ વિલીના અવાજમાં ફાળ વર્તાતી હતી.

‘કેમ, મેં કદાચ તને કહ્યું હતું કે તારા બાપના સામાનની વધારાની ચીજવસ્તુઓ મેં એસ્ટેટના તારા ઘરના પહેલાં માળે મૂકાવી છે...’ ઈયાન મનોમન કોચવાઈ રહ્યો હતો, ‘હવે આટલાં વરસે તો બધું કેમ યાદ આવે, પણ લગભગ તો મેં તને એ કહ્યું હતું... ધો આઈ એમ નોટ સ્યોર...’
‘યાહ... બટ...’ આ ક્ષણે વિલીને માથા પટકવાનું મન થઈ આવતું હતું. ઈયાને તેને એક-બે વાર કહ્યું જ હતું. હવે તેને ય યાદ આવતું હતું. ફોસ્ટર હોમમાં તેને મળવા આવેલા ઈયાને વળતરના રોકાણની વિગતો એક કાગળમાં આપી હતી અને ત્યારે જ વધારાના નકામા સામાન અંગે પણ કહ્યું હતું. પણ આજ સુધી પોતે બાપ વિશે, પરિવાર વિશે એટલી હદે બેદરકાર રહ્યો હતો કે કદી એ સામાન ચેક કરવાની ય દરકાર તો શું, વિચાર સુદ્ધાં કર્યો ન હતો, ‘ઓકે મિ. સ્ટુઅર્ટ, થેન્ક યુ સો મચ...’


‘અરે પણ વાત શું છે એ તો કહે...’
‘આઈ વિલ કોલ યુ લેટર ઓન... થેન્ક્સ અગેઈન, મિ. સ્ટુઅર્ટ...’
ઈયાન કશું પૂછે એ પહેલાં ફોન કટ થઈ ગયો.
*** *** ***

જેમ્સ અધ્ધરજીવે વિલીની વાત સાંભળી રહ્યો હતો. વિલીની રાહ જોયા વગર વાઈનનો ગ્લાસ તેણે ક્યારનો ખાલી કરી નાંખ્યો, તોય વિલીની વાત ચાલતી રહી હતી, પણ એ જે રીતે સવાલો કરી રહ્યો હતો એ જોતાં સામેથી યોગ્ય માહિતી મળતી હોવાનું તેને અનુભવાતું હતું.
ફોન કટ કરીને વિલી ગણતરીની સેકન્ડો પૂરતો હવામાં તાકીને શૂન્યવત્ત ઊભો રહ્યો. એ હમણાં કંઈક કહેશે એમ ધારીને જેમ્સ તેને તાકી રહ્યો હતો.


અને અચાનક જાણે ઓતાર આવ્યો હોય એમ વિલી પરસાળના ઓટલા પરથી સીધો મુખ્ય બારણા તરફ છલાંગ મારતો ભાગ્યો, ‘લેટ મી ચેક ઈટ...’


‘અરે પણ શું ચેક કરવાનું છે? પહેલાં આ ડીનર...’ જેમ્સ બોલતો રહ્યો તેની પરવા કર્યા વગર વિલી સીધો ઉપરના મજલે જતાં દાદર તરફ દોડ્યો. દાદર પર અજવાળુ કરવાના ય તેને હોશ ન હતા એટલે અજાણ્યા પગથિયા પર એક-બે હડબડિયા ખાઈને તેણે કઠેડો પકડ્યો. હાથ ફંફોસીને સ્વિચ ઓન કરી અને ત્રણ-ત્રણ પગથિયા એકસાથે કૂદતો ઉપરની તરફ ભાગ્યો.

ઉપરના મજલાની બાંધણી જરાક અલગ હતી. વચ્ચે મોટો ઓરડો હતો. દાદરથી ડાબી તરફ બે વિશાળ બારણાં વાસેલાં હતાં. એ બેડરૂમ હોવા જોઈએ. ઓરડાની જમણી તરફ ખાસ્સું પહોળું બારણું આંગણામાં રવેશ તરફ ખૂલતું હશે. ઓરડાની દિવાલો પર જૂના સ્કોટિશ હથિયારો, કટાયેલી બંદૂકો, વજનદાર ભાલાઓ જડેલા હતા. એ સિવાય બીજા કોઈ સામાનનો અણસાર ન હતો.


એ ઘડીક મુંઝાયો. આમતેમ જોયું પછી બેડરૂમના દરવાજે લટકતા જૂનવાણી તાળાને તાકી રહ્યો. એટલી વારમાં જેમ્સ પણ તેની પાછળ કશુંક બોલતો ઉપર ચડી આવ્યો, પણ તેને કશું જ સંભળાતું ન હતું.
આની ચાવી ક્યાં હશે?

મનોમન બબડીને તેણે ભારે બેચેનીથી આમતેમ આંટા મારી લીધા અને પછી દિવાલ પર જડેલા ભાલાનું વજનદાર ફણું ઊઠાવ્યું અને ધડાધડ ઝિંકવા માંડ્યો તાળા પર...
‘અરે શું કરે છે આ... ચાવી ડિસ્ટલરી ઓફિસમાં જ હશે...’ તેને વારી રહેલો જેમ્સ કશું સમજી શકતો ન હતો.

'ડગ્લાસે એટલું જ કહ્યું હતું કે કશુંક બિહામણું સપનું તેને પજવે છે. મેં કહ્યું કે એ તો ડિપ્રેશનમાં આવું થાય. તારે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ. પણ એ કશું સાંભળવા તૈયાર ન હતો.'

જડની જેમ તાળા પર ભારેખમ ફણાના આઠ-દસ ફટકા મારીને તેણે તાળુ તોડી નાંખ્યું અને રૂમમાં પ્રવેશ કર્યો. ઓરડામાં પછીતે ખૂલતી બંધ બારીઓને અડીને લાકડાના પાટિયા જડેલો એક પલંગ પડ્યો હતો અને પલંગની નીચે બે-ત્રણ મોટા પટારા દેખાતા હતા.
તેણે ફણું ફગાવી દીધું અને પટારા ખેંચીને બહાર લાવ્યો. તેનું જોઈને બાકીના પટારા જેમ્સે પણ ઉંચક્યા અને પછી બંને ઓરડાની વચ્ચોવચ નવી વહુએ જાણે આણું પાથર્યું હોય તેમ બેઠાં.

જૂની ડાયરીઓમાં હિસાબો લખ્યા હતા. શેરબજાર વખતની હશે કદાચ... વિલીએ પાના ફરફરાવીને બાજુ પર મૂકી. કેટલીક ફાઈલોમાં સ્ટેમ્પ પેપરવાળા દસ્તાવેજો હતા. શેઅરની લે-વેચના જાતભાતના કાગળો હતા. ઉપરછલ્લી જોવાઈ ગયેલી ફાઈલ એ બાજુ પર મૂકતો જતો હતો અને પટારામાંથી નવી ફાઈલ, ચોપડાં ઊઠાવતો જતો હતો. વિલીએ મૂકી દીધેલી ફાઈલ, ચોપડા જેમ્સ જોતો હતો.

વિલીએ ભુરા રંગની એક ફાઈલ ઊઠાવી. અંદર કેટલાંક કાગળોની સહેજ ઝાંખી ફોટોકોપી હતી. પહેલાં જ પાને નોબલ રેકર્ડ ઓફિસનો લેટરહેડ હતો. તેના પર લખ્યું હતું, ધીસ ઈઝ ટૂ ઈન્ફોર્મ યુ ધેટ હિઅરવિથ વી આર ગિવિંગ ઈન્ફોર્મેશન અબાઉટ યોર...
માય ગોડ... આ તો પૂર્વજો વિશે જાણવા માટે ડગ્લાસે કરેલી અરજીનો જવાબ હતો. મતલબ કે તેનો બાપ પણ અહીં સુધી તો પહોંચ્યો હતો...


તેણે ફટાફટ પાના ફેરવ્યા. ચોથા પાને એક ફોટો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોકોપીમાં ખાસ્સો ઝાંખો લાગતો હતો. બે બાજુ કાતરા પાડેલી ઘેઘૂર દાઢી, વિશાળ તેજસ્વી કપાળ, પાણીદાર આંખોમાં સ્પષ્ટ વર્તાતો રૂઆબ, બંધ ગળાના કોટ પર બાંધેલા મેડલ્સ અને ખભા પર બાંધેલી હોદ્દો સૂચવતી પટ્ટીઓ...
વિલીએ અધિરાઈભેર નીચે નામ વાંચ્યું.
આર્થર મૅક્લિન
ગવર્નર ઓફ મુંબઈ રિજિયન,
ઈસ્ટ ઈન્ડિયા કંપની
(ક્રમશઃ)

dhaivat.trivedi@dainikbhaskar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP