Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'તમારો ફ્લોર ઈન્ચાર્જ કંઈ પ્રિન્સ ચાર્લ્સ છે? વિન્સ્ટન્ટ ચર્ચિલ છે?'

  • પ્રકાશન તારીખ04 Aug 2018
  •  

પ્રકરણ - 22
નોબેલ રેકર્ડ ઓફિસમાં આવતાં દરેક મુલાકાતીએ પહેલાં પોતાના કામ સંબંધિત એક ફોર્મ ભરવું પડતું. એ પછી તેનાં કામના આધારે તેને વિઝિટર કાર્ડ કાઢી આપવામાં આવે. એ કાર્ડ સ્ક્રેચ કર્યા પછી જ ઉપરના મજલે આવેલી વિવિધ ઓફિસ તરફ જવાનો દરવાજો ખૂલે. કાર્ડની એક્સેસ પણ જેને જે મજલે જવાની આવશ્યકતા હોય એ મજલા પૂરતી મર્યાદિત.


તમામ પ્રકારના નાગરિક રેકર્ડ અહીં રહેતા હોઈ સારા એવા પ્રમાણમાં અહીં અવરજવર રહેતી, પરંતુ ઓનલાઈન સિસ્ટમ એટલી સરસ હતી કે ક્યાંય ભીડ ન થાય કે ખોટી લાઈનો ન લાગે.


અંદર પ્રવેશીને ત્રણેય પહેલાં તો દરવાજા પાસે જ ખોડાઈ ગયા અને આસપાસનું નિરીક્ષણ કરવા માંડ્યું. સામે જ મોટા બોર્ડ પર આખી ઓફિસનો લે-આઉટ દોર્યો હતો. ક્યા માળે કઈ ઓફિસ છે તેની વિગતો ય મોટા અક્ષરે લખેલી હતી. બંને દિશાએ નાનકડાં, આકર્ષક પાટિયા મારેલા હતા અને નીચે રિસેપ્શન કાઉન્ટર પર એક જાડી, ભદ્દી ચશ્માવાળી છોકરી બેઠી હતી. એ કાઉન્ટર સામે ઈયાન ઊભો રહી ગયો.


એ છોકરીએ સામે જોયું એટલે ઈયાને ચહેરા પર સ્મિત વેરીને કહ્યું, 'આઈ વોન્ટ ટુ મીટ અ ગાય...'


'નેઈમ પ્લિઝ...' ઈયાનનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ રિસેપ્શનિસ્ટે નજર ઊંચી કર્યા વગર જ પૂછી લીધું.
'ઈયાન સ્ટુઅર્ટ'

'અરે, તમને એમ્પ્લોયીનું નામ ખબર નથી, એ ક્યા સમયગાળામાં અહીં હતા એ જાણતા નથી

'ઈયાન સ્ટુઅર્ટ...' પેલીએ મનોમન બબડતી હોય તેમ નામનો પુનરોચ્ચાર કર્યો અને કમ્પ્યુટરના કિ-બોર્ડ પર ખટક ખટક કર્યું અને પછી ઈયાનની સામે જોયું, 'આઈ એમ સોરી, આ નામની કોઈ વ્યક્તિ અહીં નથી...'


'અરે...' ઈયાન છોભીલો પડી ગયો, 'ઈટ્સ માય નેઈમ... મને એમ કે તમે...'


ગોળ ચશ્મામાંથી ડોળા કાઢીને ઘડીક એ તાકી રહી અને પછી જમણી તરફ આંગળી ચિંધીને કહ્યું, 'ત્યાં કિઓસ્ક પર તમે જાતે જ સ્ટાફની વિગત મેળવી શકશો. ક્યા ફ્લોર પર એ મળશે એ પણ તેમાં હશે. એ પછી સામેના કાઉન્ટર પર ફોર્મ ભરશો એટલે વિઝિટર કાર્ડ કાઢી આપશે.' રોજની ટેવવશ એ ચહેરા પરથી સ્મિત એક મિલીમીટર પણ આઘુપાછુ કર્યા વગર સપાટ સ્વરે બોલી ગઈ.


'પણ મને એમનું નામ ખબર નથી અને એ તો અત્યારે રિટાયર્ડ થઈ ગયા હોવા જોઈએ...'


'કેટલાં વરસ પહેલાં?'


'એ તો ખાસ માહિતી નથી'


'અરે, તમને એમ્પ્લોયીનું નામ ખબર નથી, એ ક્યા સમયગાળામાં અહીં હતા એ જાણતા નથી અને ક્યારે રિટાયર્ડ થયા એ પણ ખબર નથી તો હું શું માહિતી આપી શકું?' અત્યાર સુધી શાલીનતાથી પેશ આવી રહેલી છોકરી આખરે અકળાઈ હતી.


વાત તો તેની સાચી હતી. પચ્ચીશ વર્ષ પહેલાં અહીં કામ કરતો એક ઈન્ડિયન એટલી જ માહિતીના આધારે તો પૂછપરછ પણ કેમ કરવી? ઈયાન બીજું પત્તું ઉતર્યો, 'અહીં કોઈ ભારતીય મૂળની વ્યક્તિ કામ કરે છે?'


'મિ. સ્ટુઅર્ટ...' પેલીને હવે સાચે જ ગુસ્સો આવી રહ્યો હતો, 'આ બ્રિટિશ સરકાર હસ્તકની ઓફિસ છે. અહીં બ્રિટિશ નાગરિકોને જ નોકરી મળે છે, પણ એ કોઈના મૂળ ક્યાંનાં છે એ અહીં નોંધવામાં કે પૂછવામાં નથી આવતું.'


'તો એ કેવી રીતે ખબર પડે?'


'મારા સહિત અહીં ત્રણસો બાર કર્મચારી છે...' તેણે ટેબલની સહેજ બહારની તરફ ખુરશી ઘુમાવી, 'મારા ત્રણ પેઢી પહેલાના વડવા ફ્રેન્ચ હતા, મતલબ કે હું ભારતીય મૂળની નથી. હવે ત્રણસો અગિયાર રહ્યાં. આપણે એક-એકને અહીં બોલાવીને લાઈનસર ઊભા રાખીને પૂછીએ તો કદાચ ખબર પડે'


'હમમમ...' તેણે વ્યંગમાં આપેલા જવાબથી ઈયાન જરાક બઘવાઈ ગયો.


'એક્સ્ક્યૂઝ મી...' ઈયાનને સહેજ હટાવીને હવે જેમ્સ આગળ આવ્યો, 'વોશરૂમ કઈ તરફ?'


જેમ્સને એ નવો મુલાકાતી સમજી હોય કે પછી તેની ઉંમરનો લિહાજ રાખ્યો હોય, ચહેરા પર તરત રિસેપ્શનિસ્ટને શોભે તેવું કૃત્રિમ સ્મિત મઢીને તેણે જવાબ આપ્યો, 'પ્લિઝ, ગો લેફ્ટ સાઈડ સ્ટ્રેઈટ એન્ડ ટર્ન લેફ્ટ સાઈડ એટ ફર્સ્ટ બ્લોક...'


'થેન્ક યુ...'


જેમ્સ અને વિલી એ દિશામાં ચાલતા થયા એટલે બઘવાયેલો ઈયાન પણ તેમની પાછળ દોરાયો અને રિસેપ્શનિસ્ટ ત્રણેયને કંટાળાના ભાવથી જોતી રહી.


રિસેપ્શન કાઉન્ટર પર થયેલા ફિયાસ્કાથી વિલીના ચહેરા સ્વભાવગત તણાવ પથરાવા લાગ્યો હતો અને જેમ્સને મનોમન હસવું આવતું હતું.


'આપણે કોઈપણ હિસાબે અંદર તો પ્રવેશ કરવો જ પડશે...' વોશરૂમ માટે લેફ્ટ ટર્ન લીધા પછી ઈયાને કહ્યું.


'અંદર પ્રવેશવા માટે વિઝિટર કાર્ડ જોઈશે, અને ધારો કે અંદર પહોંચી ગયા તો ય શું? પચ્ચીશ વર્ષ પહેલાં અહીં કામ કરતો એક ઈન્ડિયન એટલી માહિતીના આધારે આપણને કોણ જવાબ આપશે?' વિલીની મૂંઝવણ તો સાચી જ હતી.


'દરેક જગ્યાએ સીધી વાત કરવાથી સીધી માહિતી ન મળે...' લંડનમાં આવીને મનોમન સ્કોટલેન્ડ યાર્ડના દિવસો સ્મરી રહેલા જેમ્સે તરકીબ લડાવી, 'કાઉન્ટર પરથી આપણે ત્રણેય જુદાં જુદાં ફોર્મ લઈએ. ફોર્મમાં વિગત એવી રીતે ભરીએ કે દરેકને અલગ અલગ મજલે જવા મળે'


'ઓકે... પછી?'


'પછી આપણે દરેક ફ્લોર પર ફરીએ. એશિયન, ખાસ કરીને ઈન્ડિયન કે પાકિસ્તાની હશે તો ફેઈસ, ફિચર્સથી તમને ઓળખાઈ શકશે. જો તેમની નેઈમ ટેગ હશે તો કદાચ નામ પરથી પણ પારખી શકાશે...' જેમ્સનો આઈડિયા અદ્ધરતાલ જ હતો, પણ અત્યારે તીરના નામે તુક્કા જ લડાવવા પડે તેમ હતા.


'પણ અત્યારે અહીં કામ કરતો ઈન્ડિયન પચ્ચીશ વર્ષ પહેલાના ઈન્ડિયનને ઓળખતો જ હોય એ કંઈ જરૂરી થોડું છે? ઈયાનને હજુ ગડ બેસતી ન હતી.


'નહિ જ ઓળખતો હોય...' જેમ્સના ચહેરા પર નિર્ણયની મક્કમતા વર્તાતી હતી, 'પણ એકવાર પ્રયત્ન કરી જોઈએ, નહિ તો પછી જે મળે તેને આપણી જરૂરિયાત કહી જોઈએ, જો એ કંઈ મદદ કરી શકે તેમ હોય તો...'


રિસેપ્શન લાઉન્જ તરફ પાછા ફરીને તેમણે પહેલાં તો દરેક ફ્લોરની ઓફિસ નોંધી. એ મુજબ ફોર્મ પસંદ કરીને તેમાં આડીઅવળી વિગતો ભરી. કાઉન્ટર પર ફોર્મ જમા કરાવ્યા પછી વિઝિટિંગ કાર્ડ મળ્યા એટલે ત્રણેય મેઈન એન્ટ્રન્સ તરફ આગળ વધ્યા.


'જેને પણ શકમંદ વ્યક્તિ મળે એ તરત મને રિંગ કરે...' જેમ્સ જાણે રેઈડ પાડવા નીકળ્યો હોય એવા તોરમાં આવી ગયો હતો.


ફર્સ્ટ ફ્લોર પર વિલીઃ


દાદરની જમણી તરફ એ વળ્યો એટલે હારબંધ આઠ-દસ ક્યુબિકલ્સ અને સામે ઝીગઝેગ પેટર્નમાં પથરાયેલા વિવિધ કાઉન્ટર્સ. એ ઘડીક જોઈ રહ્યો. તેના સિવાય બીજા ય કેટલાંક મુલાકાતીઓ પોતપોતાના કામ મુજબના કાઉન્ટર્સ પાસે ઝુકીને ઊભા હતા.


વિલીએ પહેલી હારમાં એક રાઉન્ડ માર્યો. અહીં તો બધા જ તેના જેવા ગોરાઓ હતા. દરેકના કાઉન્ટરની ધાર પાસે સોફ્ટ ફ્લિપબોર્ડ પર કર્મચારીનું નામ લખેલું હતું. વિલીએ પહેલાં તો નામ વાંચવાના શરૂ કર્યા, પછી ચહેરાઓનું અવલોકન કરવા માંડ્યું.


કેટલાંક જવાન ઈન્ટર્ન હાર્ડ ડિસ્ક જોડેલા કમ્પ્યૂટરમાં કશીક એન્ટ્રી કરી રહ્યા હતા. કેટલીક મહિલાઓ ઓનલાઈન ક્વેરીનો જવાબ આપી રહી હતી અને કેટલાંક પ્રૌઢો એક મોટા ટેબલ પર લંડનનો નકશો પાથરીને સેક્શન મુજબ કશુંક કોડિંગ કરી રહ્યા હતા. આમાં કોઈ ચહેરે-મહોરે કે નામથી ઈન્ડિયન જણાતો ન હતો.


તેણે બીજી હાર તરફ કદમ ઉપાડ્યા.


સેકન્ડ ફ્લોર પર ઈયાનઃ


તેને જેમ્સના આ તુક્કા પર ખાસ વિશ્વાસ ન હતો. પેલી રિસેપ્શનિસ્ટ સાથે શરૂઆતથી જ કાચું કપાઈ ગયું, બાકી એ સીધો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જ જવાની ધારણા રાખતો હતો.


તેણે એક નજરે ફ્લોરનું અવલોકન કર્યું. આ જમેલામાં તો કેમ દરેકના નામ અને મોઢાં જોવા? તેણે પહેલાં જ કાઉન્ટર પર બેઠેલી એક લેડી સામે સ્મિત વેરીને પૂછી લીધું, 'મેડમ, આ ફ્લોર પર કોઈ ઈન્ડિયન એમ્પ્લોયી કામ કરે છે?' પછી તરત ભૂલ સુધારી, 'આઈ મિન એની એમ્પ્લોયી ઓફ ઈન્ડિયન ઓરિજિન?'


પેલી ઘડીભર સવાલિયા નજરે તેની સામે જોઈ રહી અને કશું ય બોલ્યા વગર અણગમાથી ડોકું ધૂણાવી દીધું.


ઈયાનને થયું કે આજનો દા'ડો જ તેનાં માટે ખરાબ છે. તે છોભીલા ચહેરે એ જ હારમાં આગળ વધ્યો. હવે નામ, ચહેરા જોયા વગર આરો ન હતો.


થર્ડ ફ્લોર પર જેમ્સઃ


ફ્લોરિંગ સાથે શૂઝ પછડાવાથી થતાં ધબધબ અવાજની પરવા કર્યા વગર જેમ્સ સીધો જ અંદરની તરફ ધસી ગયો. સામે પહેલાં જ કાઉન્ટર પર પહોંચીને તેણે રોજિંદા કરડા ચહેરે ભારેખમ અવાજે પૂછ્યું, 'મારે ફ્લોર ઈન્ચાર્જને મળવું છે...'


'યોર વિઝિટર્સ કાર્ડ પ્લિઝ...' કાઉન્ટર પર બેઠેલ જવાનિયાએ હાથ લંબાવ્યો એટલે જેમ્સે કાર્ડ ધર્યું.


તેણે એ સ્કેન કર્યું અને સ્ક્રિન પર નજર માંડીને કહ્યું, 'તમારે જે કામ છે એ માટે કાઉન્ટર નંબર ૨૩ પર જવાનું છે.

ફ્લોર ઈન્ચાર્જને મળવાની જરૂર જ નથી'


'પણ તોય મારે મળવું હોય તો?'


'તમે જે ફોર્મ ભર્યું છે એ મુજબ તમારે તો...' એ કર્મચારીને હજુ જેમ્સનો હેતુ સમજાતો ન હતો.


'મારે કમ્પ્લેઈન કરવી છે...' જેમ્સે એવા જ અવાજે દાટી મારવા માંડી.


'સામે જ કિઓસ્ક છે...' પેલાંને કશી અસર જ થતી ન હોય તેમ તેણે હાથ લંબાવીને દિશા ચિંધી, 'તમે ત્યાં કમ્પ્લેઈન રજીસ્ટર કરી શકશો'


'અરે આ તો રેકર્ડ ઓફિસ છે કે મિલિટરી ઈન્ટેલિજન્સ?' શિસ્તબદ્ધ રહેવાની જેમ્સની અવધિ બહુ લાંબી ન ટકતી. ભારે ઊંચી તહેઝિબ માટે જાણીતી અંગ્રેજીયત સાથે તેને કાયમી વેર હતું. તે વધુ ઊંચા અવાજે તાડુક્યો, 'તમારો ફ્લોર ઈન્ચાર્જ કંઈ પ્રિન્સ ચાર્લ્સ છે? વિન્સ્ટન્ટ ચર્ચિલ છે કે ફોર્મમાં ન ભર્યું હોય તો કોઈ તેને મળી જ ન શકે?'


'વોટ હેપન્ડ...' જેમ્સનો અવાજ ઊંચકાવાથી બીજા ય બે-ત્રણ કર્મચારીઓનું ધ્યાન ખેંચાયું.


રેકર્ડ નોંધાવવો અથવા નોંધાયેલા રેકર્ડનો દાખલો મેળવવો. એ સિવાય નાગરિક સેવાઓ, લાભો માટેના ફોર્મ્સ સબમિટ કરવા વગેરે પ્રકારનું શુષ્ક કામ કરતી આ ઓફિસમાં જો સિસ્ટમને અનુસરો તો ભાગ્યે જ કોઈને કંઈ પૂછવાની જરૂર પડે.


તેમ છતાં ય જેમ્સે ગરમી પકડી એટલે તેને નાછૂટકે ફ્લોર ઈન્ચાર્જ પાસે લઈ જવાયો. ફ્લેર ઈન્ચાર્જ તરીકે 'પ્રિન્સ ચાર્લ્સ' નહિ, પણ કોઈ 'લેડી ડાયેના' હતી.


જેમ્સ ફટાફટ બોલવા માંડ્યો.


પચ્ચીશ વર્ષ પહેલાં એક ઈન્ડિયન અહીં કામ કરતો હતો એવી અમારી ધારણા છે. તેનું નામ ખબર નથી, પણ હવે અમારે તેનું તાકિદનું કામ છે અને અહીંથી તેનું કંઈ ઠામઠેકાણું મળે એવી આશાએ અમે દરેક ફ્લોર પર ચક્કર મારીએ છીએ. બોલો, એમાં તમે કંઈ મદદ કરી શકશો?


એ લેડીએ તેને વ્યવસ્થિત નિરખ્યો, 'એ ક્યા ડિપાર્ટમેન્ટમાં હતો એ કંઈ ખબર છે?'


'આટલી જ વિગત છે મારી પાસે, જે મેં તમને કહી... આઈ નો, ઈટ્સ ટફ... પણ ગમે તેમ કરીને મારે તેને શોધવાનો છે...'


'આમ તો કોઈની પણ ઓળખ અમે એમ છતી ન કરી શકીએ, બટ લેટ મી ટ્રાય...' ફ્લોર ઈનચાર્જે અત્યંત શાલીનતાથી ધીમા અવાજે કહ્યું, 'હું ચેક કરાવું છું, પણ મને નથી લાગતું કે આટલી માહિતીના આધારે હું તમને કંઈ મદદ કરી શકું... '


તેણે કાગળ પર જેમ્સનું નામ, કોન્ટેક્ટ ડિટેઈલ્સ નોંધી અને સ્મિતભેર કહ્યું, 'જેન્ટલમેન, આઈ વિલ ઈન્ફોર્મ યુ ટુમોરો... '


જેમ્સ નીચે લાઉન્જમાં ઊભો રહ્યો. ખાસ્સી અડધી-પોણી કલાક બાદ પ્રથમ ઈયાન અને પછી વિલી ય ત્યાં આવી પહોંચ્યા. બેયના ચહેરા ધોયેલા મૂળા જેવા હતા એ જોઈને જેમ્સ હસવાનું રોકી ન શક્યો.


ઓફિસની બહાર નીકળીને સાંકડી ફૂટપાથ પર ઊભા રહી દરેકે પોતાના નિરીક્ષણનો અહેવાલ આપ્યો. એ તો સ્પષ્ટ જ હતું કે કોઈને જરાક સરખી ય કડી હાથ લાગી ન હતી.


'તો હવે?'


'હવે શું... રેકર્ડ ઓફિસનો રેકર્ડ વળી કઈ ઓફિસમાં રાખવામાં આવે છે એની તપાસ કરવાની...' જેમ્સના અવાજમાં કટાક્ષ હતો, કંટાળો હતો કે ખુદની હાલત પર હસવાની ચેષ્ટા હતી એ કળાતું ન હતું.


ફૂટપાથ પર વાતો કરતાં કરતાં તેમણે પાર્કિંગ તરફ ચાલવાનું શરૂ કર્યું. હેબ્રોન સ્ક્વેઅર એ મુખ્યત્વે મધ્યમવર્ગિય શોપિંગ ઝોન તરીકે જાણીતો વિસ્તાર હતો. આસપાસમાં ત્રણેય દિશાએ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ પથરાયેલા હતા એટલે દિવસભર અહીં પ્રમાણમાં ઘણી ચહલપહલ રહેતી.


અચાનક બોલતાં બોલતાં ઈયાન અટકી ગયો અને રસ્તાની સામેની તરફ ફૂટપાથ બાજુ આંગળી ચિંધીને ઊંચા અવાજે બોલી ઊઠ્યો, 'તુક્કા જ લડાવ્યા કરીએ છીએ તો એક ટ્રાય ત્યાં પણ કરી જોઈએ?'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP