Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'બિકોઝ યુ આર મૅક્લિન...' તેણે વિલીની છાતી સામે આંગળી ચિંધીને ડોળા તગતગાવ્યા

  • પ્રકાશન તારીખ03 Aug 2018
  •  

પ્રકરણ-21

ડગ્લાસની બરબાદી અને બેહાલી એમિલિયાએ બહુ આઘાતપૂર્વક નજીકથી નિહાળી હતી. સંપન્ન બનવાના રસ્તે સડસડાટ દોડી રહેલો કોઈ માણસ અચાનક જ આમ બેહાલ થવા લાગે એ તેને ગળે ઉતરતું ન હતું. એક સમયનો ફાંકડો, મિજાજી અને બેપરવા ડગ્લાસ હવે સદંતર બદલાઈ ચૂક્યો હતો. ઊંડી ઉતરી ગયેલી આંખોમાં સતત છલકાતો ભય, ચહેરાના હાવભાવમાં ફડકો, બોડી લેંગ્વેજમાં પણ ડરપોકપણું...


એ ડ્રગ્ઝ લેતો હોવો જોઈએ એવી એમિલિયાને શંકા હતી. તેણે ઘણી તપાસ કરાવી, પણ એવું તો કશું જણાયું ન હતું. કશીક મદદ માટે એ મળવા આવે, એમિલિયા તેનો ઉધડો લે, ઠપકો આપે, બે-ચાર જગાએ કામની ભલામણ કરે અને થોડીક આર્થિક મદદ કરે. થોડા દિવસ તેનું સરખું ચાલે, પછી ફરી હતું એનું એ.


એમિલિયાએ બરાબર દિમાગ કસીને યાદ કરી જોયું.

'કેમ, ઈન્ડિયા જવાની ટીકિટ કઢાવી આપશે તને?' એમિલિયા ડગ્લાસનો આશય સમજી રહી હતી

તે દિવસે એ કદાચ આગોતરી જાણ કર્યા વિના જ આવી ચડ્યો એટલે તે બરાબર ગુસ્સે થઈ હતી. નીચી મૂંડી કરીને ચૂપચાપ સાંભળી લેતો ડગ્લાસ એ દિવસે તેને ગુસ્સો ન કરવા વિનવતો રહ્યો, 'પ્લિઝ એમિલિયા, ટ્રાય ટૂ અન્ડરસ્ટેન્ડ... મારી સાથે મારો એક દોસ્ત પણ છે, બહાર જ બેઠો છે. એ સાંભળશે તો...'


'તો? તો શું?' દોસ્તનું સાંભળીને એમિલિયા વધુ ભડકી હતી, 'તારા ખુદના ઠેકાણા નથી અને હવે દોસ્તોને ય ભેગો લઈને ફરે છે?'


'એવું નથી...' એમિલિયાનો ઊંચકાયેલો અવાજ વધુ મોટો થઈને છેક રિસેપ્શન લાઉન્જ સુધી સંભળાય એ પહેલાં ડગ્લાસ ફટાફટ બોલવા માંડ્યો, 'એક્ચ્યુઅલી હી ઈઝ હેલ્પિંગ મી...'
'ધેન ગો ટૂ હિઝ ઓફિસ, વ્હાય યુ કેઈમ હીઅર?'


'નો... નો...' ડગ્લાસ કાકલૂદી કરી રહ્યો હતો, 'તું જુદું સમજે છે. એ ઈન્ડિયન છે, આઈ નો હિમ સિન્સ અ લોંગ... મને જે સપનું આવે છે એ જગ્યા પણ ઈન્ડિયાની છે. માય એન્સેસ્ટર વોઝ ગવર્નર ધેર એટ ધ ટાઈમ ઓફ કોલોનિઅલિઝમ...'


'અગેઈન...' સપનાની વાતથી તો એમિલિયા વધુ ભડકી હતી, 'અગેઈન એન્ડ અગેઈન ધેટ સ્ટુપિડિટી... મેં તને લાખ વાર કહ્યું છે કે આ બધા ગપગોળામાં મને કોઈ જ રસ નથી... તારો આ ઈન્ડિયન દોસ્ત તને ભરમાવીને ખંખેરવાની ફિરાકમાં હશે. આ બધા ધતિંગમાં પડવાનું બંધ કર અને...'


'નો... નો...' ડગ્લાસે છળેલી આંખે ફરીથી બંધ દરવાજા તરફ જોઈ લીધું, 'ઈન્ડિયા જવાનું તો મને જરૂરી લાગે છે, એ તો ફક્ત મને ગાઈડ કરી રહ્યો છે...'


'કેમ, ઈન્ડિયા જવાની ટીકિટ કઢાવી આપશે તને?' એમિલિયા ડગ્લાસનો આશય સમજી રહી હતી.


ડગ્લાસ ઘડીક કંઈ બોલ્યો નહિ, પછી ખસિયાણું હસ્યો, 'એ તો રેકર્ડ ઓફિસનો કારકૂન છે. એ કેવી રીતે આપે?' પછી અવાજમાં રીતસર કાકલૂદી ઉમેરીને તેણે બેહદ આશાભારી આંખે એમિલિયાને જાણે કરગરતો હોય તેમ કહ્યું, 'બટ પ્લિઝ, ધીસ ઈઝ લાસ્ટ ટાઈમ... પ્લિઝ હેલ્પ મી... તને ગળે નહિ ઉતરે, પણ આખી વાત જ એવી ભેદભરમભરી છે કે કોઈને ગળે ન ઉતરે... બટ આઈ એમ સ્યોર, ઈન્ડિયા જવાથી મારી તમામ મુશ્કેલીઓનો અંત આવી શકે છે... ઈટ્સ ડેમ્ન નેસેસરી... પ્લિઝ એમી, બિલિવ મી... બિલિવ મી પ્લિઝ...'


એ ક્યાંય સુધી કરગરતો રહ્યો, છેવટે એમિલિયાએ 100 પાઉન્ડની નોટો પર્સમાંથી કાઢી અને તેને ધમકાવતા અવાજે કહ્યું, 'હવે પછી જો ઈન્ડિયા-બિન્ડિયાની વાત કરી છે તો અંદર પગ નહિ મૂકવા દઉં...'
*** *** ***


એસ્ટોન ક્લબની બહાર નીકળ્યા પછી સેન્ડહર્સ્ટ રોડ પર જગુઆર સડસડાટ દોડી રહી હતી. એરકન્ડિશનરની શીતળતામાં ત્રણે ય વચ્ચે મૌન ઘૂમરાતું હતું.


'ડગ્લાસે ઘણી જફા કરી જણાય છે...' છેવટે જેમ્સે મૌન તોડ્યું. એ સતત મૂંગો રહીને મનોમન છેડા સાંધી રહ્યો હતો.


'યસ...' ઈયાને માથું ધૂણાવ્યું, 'મને સાચે જ અફસોસ થાય છે કે એ વખતે મેં જરાક પણ ગંભીરતા ન દાખવી...'


ઈયાન પાસે હતી એથી વધુ માહિતી એમિલિયા પાસેથી મળી હતી. જે-તે સમયે એ બંનેએ ડગ્લાસની કાકલૂદીઓની ગંભીરતા પારખી ન હતી. આખું ય કમઠાણ જાણ્યા પછી તેનો વસવસો બેયને થતો હતો. બાકી, એમિલિયા જેવી ઓરત આટલી આસાનીથી પચ્ચીશ વર્ષ જૂની વાતમાં પડે જ શું કામ?


એ રાતે ઈયાનના ઘરે બેસીને ત્રણેયે ફરીથી તાળો મેળવવા માંડ્યો.


આર્થર મૅક્લિનના દીકરા એડવર્ડથી મુસીબતની શરૂઆત થઈ છે. આર્થર મૅક્લિનની પહેલી પત્ની અને નાનકડો દીકરો ભારતમાં એક જગ્યાએ ભેખડ તૂટી પડતાં મોતને ભેટ્યા હતા. એડવર્ડથી ફ્રેડરિક સુધીના પૂર્વજો બદહાલ થઈને કાચી વયે મોતને ભેટ્યા છે, પણ તેના કારણો ખબર નથી. પરંતુ હેન્રી અને ડગ્લાસને તો ભયાનક બિહામણું સપનું આવતું હતું એ સ્પષ્ટ થયેલું છે.


આખા ય વંશમાં માત્ર ડગ્લાસ જ તેના વંશને વળગેલા આ અભિશાપના મૂળ સુધી પહોંચવા પ્રયત્નશીલ રહ્યો હોય તેમ લાગે છે. તેણે ઘણી વિગતો મેળવી હતી. આર્થરની પત્ની અને દીકરાના કમોત વિશે પણ તેણે જ માહિતી મેળવી છે. છેલ્લે એ ઈન્ડિયા જવા માંગતો હતો, પણ જોગવાઈ થાય એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું.


અર્થાત્, હવે પછીનું સ્ટેપ એ હોવું જોઈએ કે ડગ્લાસ શા માટે ઈન્ડિયા જવા માંગતો હતો? એ જાણવા માટે ડગ્લાસના એ ઈન્ડિયન દોસ્તને શોધવો પડશે.


નિર્ણય પર આવ્યા પછી જેમ્સે જોરથી આળસ મરડી, મોટું બગાસું ખાધું અને પછી વ્હિસ્કીની બોટલ ઊઠાવી.


'બટ, આઈ શૂડ આસ્ક યુ...' વિલીએ ધીમા અવાજે કહ્યું એથી રૂમહિટરનું ટેમ્પરેચર સેટ કરી રહેલા ઈયાને સહેજ ગરદન ઘૂમાવી. જેમ્સ પણ વ્હિસ્કીની બોટલ ગ્લાસમાં ઠાલવતો અટકી ગયો.
'આ સપનું, ફેમિલીનો અભિશાપ, ઈરમા-વિલીનું કમોત, ઈન્ડિયા.... મને આ આખી ય વાત હજુ પણ ગળે નથી ઉતરતી પણ...' તેણે બંનેની સામે વારાફરતું જોયું, 'ધારો કે જો ઈન્ડિયા જવાનું થાય તો મારી પાસે એવી કોઈ જોગવાઈ નથી એ તમે બંને જાણો જ છો...' એ બેબસીથી નીચું જોઈ ગયો. તેના ચહેરા પરની વિવશતા અછતી રહેતી ન હતી.


'ઓહ કમ ઓન...' જેમ્સ ખુરશી પરથી સહેજ આગળ ધસી આવ્યો, 'ફોર વોટ આઈ એમ હિઅર? હું રિટાયર્ડ છું, પણ કંગાળ નથી'


'બટ વ્હાય શૂડ યુ સ્પેન્ડ સચ અ બિગ એમાઉન્ટ?'


'બિકોઝ યુ આર મૅક્લિન...' તેણે વિલીની છાતી સામે આંગળી ચિંધીને ડોળા તગતગાવ્યા, 'હવે ફરીથી આવો સવાલ ન પૂછતો... બ્લડ ઈઝ ઓલ્વેઝ થિકર ધેન વોટર...' તેણે ગ્લાસ મોઢે માંડ્યો અને એકશ્વાસે ગટગટાવી ગયો.


નો સોડા... નો વોટર... ઓન્લી વ્હિસ્કી... સ્કોચ વ્હિસ્કી!


સ્મિત વેરી રહેલો ઈયાન આ બુઢ્ઢાનું કુળાભિમાન જોઈ રહ્યો. વિલી હજુ ય ઊંચું જોવાનું ટાળતો હતો. જો તેણે જરાક જ ગરદન ઊંચી કરી હોત તો તેની આંખમાં તગતગી ગયેલા ઝળઝળિયા સ્પષ્ટ દેખાય તેમ હતા.


બાપના મોત પછી પહેલી જ વાર આજે એ બાપ હોવાના અહેસાસથી છલોછલ થઈ રહ્યો હતો.


વાઈફને બેડરૂમમાં મોકલીને ઈયાન પણ મોડે સુધી બેયની સાથે જોડાયો. ક્યાંય સુધી એક પ્રૌઢ અને બીજો આ બુઢ્ઢો પોતપોતાની જુવાનીની રંગત યાદ કરીને સમો સજાવતા રહ્યા. બેયના ઠહાકાને વિલી સ્મિતભેર જોઈ રહેતો હતો. ઘણાં... ઘણાં સમય પછી આજે તેને રાતે ડર નહોતો લાગતો.


કદાચ ઓછો લાગતો હતો.
*** *** ***

નોબલ રેકર્ડ ઓફિસ એ શબ્દ પોતે જ આમ તો ઘણી ગેરસમજ ઊભી કરતો હતો. નામમાં ઓફિસ શબ્દ હોવાથી એ ભ્રમ ઊભો થતો કે અહીં ત્રણ-ચાર ઓરડા હશે, એકાદ સુપ્રિન્ટેન્ડેન્ટ હોય, પંદર-વીશ કારકૂનો હશે. પણ હેબ્રોન સ્ક્વેઅર પર ઊભેલું અર્ધગોળાકાર તોસ્તાન મકાન જોઈને તરત જ એ ભ્રમ ખારિજ થઈ શકતો હતો.


આમ જુઓ તો બ્રિટનનો ઈતિહાસ એ જ નોબલ રેકર્ડ ઓફિસનો ઈતિહાસ. અથવા કહો કે, બંને એકબીજાના પૂરક. હવા જમીન અને પાણીમાં જીવાયેલી આ ટાપુપ્રદેશની છેલ્લા બે હજાર વર્ષની જિંદગીનો દસ્તાવેજ અહીં લખાતો હતો.


રોમન સમ્રાટ જુલિયસ સિઝરે આક્રમણ કર્યું ત્યાં સુધી આ નાના-અમથાં ટાપુઓ પર બર્બર, દગ્ધ, માનવભક્ષી આદિવાસીઓ વસતા હતા. એવું ય એક તારણ છે કે, રોમનોએ પોતાના આક્રમણોને યથાર્થ ઠરાવવા ટાપુઓ પર વસતી ભલીભોળી, નિર્દોષ પ્રજાને ધરાર જંગલી અને માનવભક્ષી તરીકે ઈતિહાસના પાનાઓ પર ચિતરી મારી હતી. એ જે હોય તે...


સિઝર પછી ઈસ. ૪૩માં સમ્રાટ ક્લોડિયસે ફરીથી આ ટાપુઓ પર નજર બગાડી અને કેન્ટના કાંઠે મહાકાય સૈન્ય ઉતાર્યું. એ યુદ્ધમાં આદિવાસી સમૂહનો ભયંકર સફાયો થયો અને રોમન યુગનો આરંભ થયો. રોમન સામ્રાજ્યની પડતી થવા લાગી ત્યારે દૂરનું આ સંસ્થાન પણ કાબૂમાં રાખવું અઘરું થઈ પડ્યું.


આખરે જર્મેનિક કૂળના યોદ્ધાઓએ રોમનોને હંફાવીને ટાપુ પર પોતાની આણ પાથરી. એ જર્મેનિક પ્રજાના મૂળ અડધા ઈંગ્લિશ અને અડધા ડેનિશ-જર્મન હતા, માટે તે એન્ગ્લો-સેક્સન તરીકે ઓળખાયા. બસ, એ એંગ્લો-સેક્સનથી શરૂ થયેલો બ્રિટનનો ઈતિહાસ આધુનિક કાળ સુધી દરેક પ્રદેશની દરેક શાસક પેઢી સુધી વિગતવાર નોંધવાની પ્રથા શરૂ થઈ. પછી તો તેમાં આયરિશ અને સ્કોટિશ વંશો ય ઉમેરાયા.


રાણી વિક્ટોરિયાના કાળમાં આ પ્રથાને વધુ સુવ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને આધારભૂત બનાવવામાં આવી. એ માટે અલગ મકાન, સ્ટાફ, બજેટની ફાળવણી થઈ અને નામ મળ્યું નોબલ રેકર્ડ ઓફિસ.


છેલ્લાં એક સૈકાથી આ જ ઓફિસમાં વસ્તી ગણતરી વિભાગને પણ જોડી દેવાયો હતો. એ પછી અહીં બિલ્ડિંગમાં ય વસતી વધી હતી. હવે આ ત્રણ મજલાના પહોળા, આલિશાન બિલ્ડિંગમાં ત્રણસોથી વધુ લોકોનો સ્ટાફ કામ કરતો હતો.


- અને એમાં પચ્ચીશ વર્ષ પહેલાં અહીં કામ કરી ગયેલા નામ વગરના એક ઈન્ડિયનને શોધવાનો હતો.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP