Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

હાથ લાંબો કરીને એ એકધારો બબડતો હતો, 'માન્જો... માન્જો વોઝ ધેર... માન્જો...!!'

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

હાકલિયાઓની બૂમરાણ અને ઝાલરના ટંકારાને લીધે જેમણે જોયું ન હતું કે દૂર હતા એમને પ્રથમ તો ખ્યાલ જ ન આવ્યો. પરંતુ તોતિંગ ભેખડ આટલે ઊંચેથી પાણીમાં પછડાઈ, બિહામણો છપાકો થયો અને પાણીની છોળો ઊડી ત્યારે હાકલિયાઓ સહિતના આર્થરના કાફલાને ખ્યાલ આવ્યો.

પછી તો પાણીના તોફાની વહેણમાં પૂરપાટ તણાતી ઈરમા ય દેખાઈ, તેનાંથી થોડે દૂર ડાબી તરફ માસુમ વિલી ય કોઈકને દેખાયો. તરત જ એ બંનેની પછવાડે બે વાઘે પણ નદીના વહેણમાં પડતું મૂક્યું એ જ્યારે કળાયું ત્યારે સૌનો હાયકારો નીકળી ગયો.

ઈરમાની ચીસ સાંભળીને આર્થરે પહેલાં ગરદન ઘૂમાવી ત્યારે ભેખડ ખસી રહી હતી, પણ એ ઊભો થઈને છલાંગ મારે ત્યાં સુધીમાં તો મધપૂડાનો લચકો છૂટો પડે એમ માટીનું મસમોટું ભગદાળુ જમીનમાંથી નોંખું થઈ ગયું હતું. નીચે ધસી જતી ઈરમાના હાથમાંથી વિલી છટક્યો એ પણ તેણે જોયું. એ વખતે ઈરમા આર્થર તરફ જ જોઈ રહી હતી. તેની આંખોમાં પ્રચંડ આઘાતના ભાવ હતા અને કંઠમાં કારમી ચીસ હતી.

બેય નીચે પાણીમાં પટાકાયા ત્યાં સુધી આર્થરની રઘવાઈ નજર તેમની પાછળ દોડી હતી, પણ પછી એ ત્યાં જ ખોડાઈ ગયો હતો. નદીના જોશીલા વેગમાં તણાતી ઈરમાને એ જોઈ શકતો હતો, પણ વિલી ક્યાંય દેખાયો નહિ. બ્હાવરો બનીને એ ત્યાં જ ફસકાઈ પડ્યો. તેની આંખો જળના પ્રવાહની દિશામાં જાણે સ્થિર થઈ ગઈ હતી અને સમગ્ર ચિત્તતંત્ર સ્તબ્ધ બની ગયું હતું.

ગોરી મેમસાહેબ બચ્ચા સાથે નીચે ઝિંકાઈ છે એવી સમજણ પડી કે તરત પહાડની કરાડ પરથી દેકારા કરી રહેલાં હાકલિયાઓ પૈકી કેટલાંક જાઁબાઝોએ તરત નદીમાં ઝંપલાવ્યું હતું, પણ રાતભર ઉપરવાસમાં પડેલાં ધોધમાર વરસાદને લીધે ખીણના આ નૈસર્ગિક ઢોળાવ પર સાવિત્રીનો પ્રવાહ જ એટલો વેગવાન હતો કે હાકલિયાઓ પહેલાં તો સંતુલન જાળવે, ઈરમાની દિશા સમજે અને પછી એ તરફ ગતિ કરે ત્યાં તો ઈરમા ક્યાંય આગળ જતી રહી હતી.

પણ છલાંગ મારીને કૂદેલા વાઘ એમ પીછો છોડતાં ન હતાં. વાઘ ઘડીક નદીના વહેણમાં તો કદીક લાગ જોઈને કાંઠાની ભેખડ પર તરાપ મારતાં સતત તેની પાછળ પડ્યા હતા. ચાલીશેક મીટર પછી ખીણના વળાંક પર નદીનો પ્રવાહ ઘૂમરાટા ખાઈને ચગડોળે ચડતો હતો. ઈરમા બરાબર એ જગ્યાએ ફસાઈ હતી. પાણીમાં વહેતાં બાવળના ઝરડા પકડીને એ સપાટી પર રહેવા મથતી હતી પણ ફુદરડીની જેમ ઘૂમરાઈ રહેલાં પાણીનું જોર તેને સ્થિર રહેવા દેતું ન હતું. તેની પાછળ કૂદેલા હાકલિયાઓ હજુ ખાસ્સા દૂર હતા અને વમળના ડરથી વાઘ પણ કાંઠાની ભેખડ ખૂંદતા આગળ દોડી ગયા હતા.

હડપચી સુધી ડૂબેલી હાલતમાં તરફડતી ઈરમાએ દિશાઓની ફક્ત અટકળના આધારે હાથ ઊંચો કર્યો, પરાણે આખું ય શરીર ઊંચકીને થોડીક બહાર નીકળી અને ગળુ ફાટી જાય એવો ઘોઘરો ચિત્કાર કર્યો, વિલીઈઈઈઈઈ... વિલીઈઈઈઈઈઈ....

બસ, એ તેનું આખરી દર્શન હતું.

**** *** ***

આસપાસના કસબાઓમાં માવળી કોમના તરવૈયાઓએ આખી રાત નદી ઉલેચી નાંખી. કાંઠાની બંને તરફના કસબાના જવાનિયાઓ હાથમાં મશાલ અને ફરશુ લઈને ઘૂમી વળ્યા. કાળુડિબાંગ અંધારુ, ભીષણ અવાજે વહેતી મદમાતી નદીનું રૌદ્ર રૂપ અને આટલું ઓછું હોય તેમ મોડેથી ફરી શરૂ થયેલો ધોધમાર વરસાદ.

એ આખી રાત એમ જ ઉચાટભેર વિતી.

વમળમાં ઘૂમરાતી, ચિત્કારતી ઈરમાને જોયા પછી આઘાતનો માર્યો બેહોશ થઈ ગયેલો આર્થર ખાસ્સી વારે હોશમાં આવ્યો હતો, પણ એ પછી ય તેને જાણે કોઈ સુધબુધ ન રહી હોય તેમ એ જ સ્થિતિમાં યંત્રવત્ત બેઠો રહ્યો હતો. મોડી રાતે વરસાદ ચાલુ થયો ત્યારે તેના આદમીઓએ ડરતા ડરતા આર્થરને કેમ્પમાં આવવા આગ્રહ કર્યો, પણ એ જાણે કશું સાંભળતો, સમજતો ન હોય તેમ શૂન્યમનસ્ક થઈને નદીના પ્રવાહ તરફ ફાટી આંખે એમ જ રાતભર પલળતો રહીને જોયા કર્યો.

સવારનો ઉજાસ વેરાયો એ સાથે માવળી તરવૈયાઓએ ફરીથી બેય કાંઠા ખુંદી નાંખ્યા. વાઘ તાણી ગયો હોય તો ચોક્કસપણે કાંઠાની જ કોઈ બખોલમાં ખેંચી ગયો હોય, પણ ક્યાંય તેના અણસાર મળતા ન હતા. નાનકડો વિલી ક્યાં, ક્યારે ઈરમાથી છૂટો પડ્યો અને પછી કઈ દિશામાં તણાયો એ કોઈના ધ્યાનમાં આવ્યું ન હતું. એ આખો દિવસ પણ એમ જ શોધખોળમાં વિત્યો. મોડી સાંજે આર્થરના બે લેફ્ટનન્ટ અફસરો નવા કાફલા સાથે ધસી આવ્યા હતા. અંગ્રેજ અફસરોએ હેઠવાસના ગામોમાં થાળી વગડાવીને સૌને ફરજિયાત ઉજાગરા કરાવ્યા, પણ એ સઘળા પ્રયાસો હવે નિરર્થક હતા એ સૌને ખબર હતી.

દરમિયાન, બીજા દિવસે ય આર્થર એમ જ હતપ્રભ દશામાં એ જ જગ્યાએ બેઠો રહ્યો. અંગ્રેજ અફસરોએ તેને ઘણો મનાવ્યો, સમજાવ્યો. ખાવા-પીવાનું ધર્યું. ઈરમા અને વિલી સહીસલામત જ હશે એવો ઠાલો આશાવાદ પણ તેના મનમાં ઠસાવવાની કોશિષ કરી જોઈ.

પણ આર્થરના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. આંખોમાં અને ચહેરા પર જાણે આઘાત મઢાઈ ગયો હોય તેમ એ સદંતર ભાવશૂન્ય દશામાં ત્યાં જ ખોડાયેલો રહ્યો.

છેક ત્રીજા દિવસે ખાસ્સે દૂર રેળાવ ગામ નજીક કાંઠના ગીચોગીચ ઝાંખરામાં ઈરમાએ પહેરેલાં ડ્રેસની ચીંદરડી, લીરા મળી આવ્યા. એ ચિંદરડીઓ આર્થરને બતાવવામાં આવી ત્યારે ઘડીક ફાટી આંખે એ જોઈ રહ્યો. પછી તેના ઓફિસરની સામે જોયું. તેની આંખોમાં ભયંકર વિવશતા ઊભરાતી હતી. સળંગ ઉજાગરાના કારણે આંખોમાં લોહી ધસી આવ્યું હતું અને ચહેરા પર જોવી મુશ્કેલ થઈ જાય એવી વિહ્વળતા છવાઈ ગઈ હતી.

ઘડીક ડ્રેસની ચિંદરડીઓ પર તેણે હાથ પસવાર્યો. ઘડીક તેમાં આંગળા પરોવ્યા કર્યો. અફસરની સામે ડોકું ધુણાવ્યા કર્યું અને પછી નદીના ધસમસતા વહેણ તરફ હાથ લાંબો કરીને ભયાનક અવાજે ચીસ પાડી...

ઈરમાઆઆઆઆઆ.... ઈરમાઆઆઆઆઆ....

ખડ્ડુસ, માથાફરેલા, તુંડમિજાજી અને અભિમાની ગણાતા આર્થરના આક્રંદથી ભીષણ પહાડોની કરાલતા ય જાણે પીગળી ગઈ અને નદીએ ય ઘડીભર પોતાનો પ્રવાહ રોકી દીધો.

કારમું કલ્પાંત કરીને આખરે એ બેહોશ થઈ ગયો હતો. એ રાતે તેને કેમ્પમાં ખસેડાયો. ત્રણેક દિવસ પછી એ બેઠો થયો અને ફરીથી એ સ્થળે આવ્યો. તેના ત્રણ-ચાર આદમી દૂર બેસની નજર રાખતા રહ્યા અને એ સ્થિર, એકધારી નજરે જળના પ્રવાહને તાકી રહ્યો હતો.

ઘડીક તેને ઈરમાનો અવાજ સંભળાતો હતો અને એ બ્હાવરો બનીને નીચે ઝૂકીને કાંઠો તલાશવા લાગતો હતો. અચાનક ઈરમા જાણે તેના કાનમાં કવિતાની પંક્તિ ગણગણી ગઈ હોય એવો આભાસ થતો હતો અને એ બેબાકળો બનીને પીઠ પાછળ જોયા કરતો હતો.

ઘડીક વિલીની રમતિયાળ કિલકારી તેને સંભળાતી હતી. ઘડીક જાણે વિલી તેના ખભા પર ચડીને તોફાન કરી રહ્યો હોય અને પોતે તેને ઉકસાવતો હોય તેમ તેના બેય હાથ માથા પાછળ બંધાઈ જતા હતા.

અચાનક એ અદ્ધર આકાશમાં તાકી રહે. ઘડીક પહાડોની કરાલતા સામે રોષભેર જોઈ રહે તો ઘડીક અસંબદ્ધ બબડતો રહે. તેના કંઠમાં બાઝી ગયેલા ડુસ્કાઓ વચ્ચેથી ધીમો તદ્દન અસ્ફૂટ ધ્વનિ નીકળ્યા કરે... ઈરમા... ઈરમા... વિલી... વિલી...!

રાત ઘેરાય, નદી કાંઠાની ભેંકાર નિર્જનતા પહાડીઓ ફરતી વિંટળાવા લાગે અને દીપડાની બિહમાણી યાળી પડઘાવા લાગે ત્યારે આદમીઓ પરાણે તેને કેમ્પમાં લઈ જાય. ત્યારે ય તેને બગલમાં હાથ નાંખીને રીતસર ઢસડવો પડે. એ તો સ્થળ, કાળ, દશા કે દિશાના ભાનથી પર થઈને સતત ગરદન ઘૂમાવીને એ જ તૂટેલી ભેખડ તરફ તાક્યા કરે.

કેમ્પમાં લઈ જવાયા પછી ય તેને ચેન ન પડતું. ઊંઘમાં ય ઈરમાનો અવાજ સંભળાતો. ગલગોટા જેવા વિલીનું તોફાની સ્મિત દેખાતું.

પણ એક રાતે તેણે ફરીથી બિહામણી ચીસ નાંખી. એ સાંભળીને આદમીઓ દોડી આવ્યા. એ પથારીમાં બેઠો થઈને વાંસના આડા ખપાટિયાથી બાંધેલા શણના બારણા ભણી ફાટી આંખે જોઈ રહ્યો હતો અને હાથ લાંબો કરીને એકધારો બબડતો હતો, 'માન્જો... માન્જો વોઝ ધેર... માન્જો...!!'

પોતાનું કામ, ફરજ, જવાબદારી બધું જ વિસરીને મહિનાઓ સુધી આર્થર આવી જ દશામાં અહીં પડ્યો રહ્યો. દિવસ આખો એ ભેખડ પર બેસીને ઈરમા, વિલીના નામની લવારી કર્યા કરતો હતો અને રાત્રે બેબાકળાપણે માન્જો... માન્જોની બબડાટી કર્યા કરતો હતો.

એ પાગલ થઈ ચૂક્યો હતો. તેને હવે તાકિદે ઈંગ્લેન્ડ મોકલી સારવાર આપવી પડે તેમ હતી.

આખરી કલકતાથી ગવર્નર જનરલનો આદેશ છૂટ્યો. મેજર કેમ્પબેલનો કાફલો અહીં આવી ચડ્યો. આર્થરને બેહોશ કરી દેવાયો અને પછી એ જ હાલતમાં મુંબઈ પહોંચાડી સ્ટિમરમાં ચડાવી દેવાયો.

હિન્દુસ્તાનના નવાબ બનવાના કોડ સાથે આવેલો આર્થર આખરે અહીં સાનભાન, સુધબુધ સહિત ભરીભાદરી જિંદગી મૂકીને પાછો ગયો.

મહાબળેશ્વર નજીક સહ્યાદ્રીના પહાડોની બિહામણી ધાર પર ખીણમાં ઘૂઘવતી સાવિત્રી નદીના કાંઠે એ તૂટી પડેલી ભેખડ આજે અઢીસો વર્ષ પછી પણ આર્થર પોઈન્ટ તરીકે વિખ્યાત છે. અહીં આવતાં ટુરિસ્ટ આર્થર પોઈન્ટનું પાટિયુ વાંચે છે, પોતાના કિલ્લોલમાં રાચતા રહે છે. પણ કહેવાય છે કે, આજે ય કોઈક મેઘલી સાંજે કાન દઈને સાંભળો તો નદીના એ તોફાની જળપ્રવાહમાં વહેતી ઈરમાની કાળી ચીસો અને ભેખડ પર ફસકાઈ પડેલાં આર્થરના મૂંગા ડુસ્કા સંભળાય છે.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP