Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'વાઘ કે દીપડાં કરતાં ય વધુ હિંસક તો આર્થર, આપણે છીએ'

  • પ્રકાશન તારીખ31 Jul 2018
  •  

અમરાળ, ખીણઘર, ગોડાવળી, તાઈઘાટ અને ધાંડેગઢ.

આકાશમાં સપ્તર્ષિના તારકવૃંદ જેવો જ આકાર ધરાવતું આ પાંચ ગામોનું ઝુમખું સહ્યાદ્રીના ઉત્તુંગ પહાડો વચ્ચે એવી સુંદર જગાએ આવેલું હતું કે અંગ્રેજોની પારખું નજરમાં વસી ગયું. આર્થર મૅક્લિને અહીં પગ મૂક્યો અને અહીં મૅક્લિન એસ્ટેટ વસાવી. એ પછી અહીં અંગ્રેજ અફસરોની આવ-જા વધી. આર્થર પછી છેક એંશી વરસે જ્હોન ચેસન નામના અંગ્રેજ અફસરે રૂસ્તમજી દુબાશ નામના પારસીની મદદથી અહીં જંગલો સાફ કરાવ્યા, પહાડો કોરાવ્યા, કેડીઓ અને પગદંડીઓ આંકી અને અંગ્રેજોને ઈંગ્લેન્ડ જેવો જ આહ્લાદ આપતાં હિલ સ્ટેશનનું નિર્માણ કર્યું.

એ સ્થળ એટલે આજનું પંચગની.

પંચગનીથી માંડ વીશ કિલોમીટર દૂર આવેલું એટલું જ બેનમૂન સ્થળ એટલે મહાબળેશ્વર. ભીષણ, કરાલ પહાડોના આકરા ઢોળાવો, કાચી સડક, ગાઢ જંગલોની નીરવ શાંતિને ભચડી ખાતી હિંસક પ્રાણીઓની કારમી ત્રાડો અને પર્વતમાળા વચ્ચેની સાંકડી, ઊંડી અને ડરામણી ખીણમાં પૂરપાટ વેગે વહેતી સાવિત્રી નદી. ક્રિષ્ણા નદીનું મૂળ પણ અહીં જ. ક્રિષ્ણા અહીં બાળસ્વરૂપે વહે છે તો સાવિત્રી ભરજુવાનીમાં મ્હાલતી માતેલી યુવતી બનીને સહ્યાદ્રીને પ્લાવિત કરે છે.

મુંબઈના હાકેમ તરીકે આર્થર મેલેટ મેક્લિને આ આખાય દુર્ગમ વિસ્તારને ધમરોળી નાંખ્યો હતો. છત્રપતિ શિવાજીના દેહાંત પછી પેશ્વાઈ શક્તિશાળી બની હતી, પરંતુ વારસાઈના ઝગડાના કારણે સતારાની મૂળ ભોંસલે ગાદી નબળી પડી ચૂકી હતી.

આર્થરે શરૂઆતમાં વેકેશન વિતાવવાની આરામગાહ તરીકે અહીં બ્રિટિશ પગપેસારો કર્યો. સહ્યાદ્રીના વ્યુહાત્મક સ્થાનોએ શિકારગાહો બનાવડાવી. એ બધી ખરેખર તો બ્રિટિશ ચોકીઓ જ હતી. ધોરી માર્ગ પર આર્થર ચોકીઓ તાણે તો પૂણેના પેશ્વા કે સતારાના ભોંસલેને તેના ઈરાદા પર શંકા ઉપજે.

આથી આર્થરે ધોરી માર્ગ પર નજર રહે અને જ્યારે પણ જરૂર જણાય ત્યારે સમૂળો રસ્તો જ બંધ કરી શકાય એ પ્રકારે આસપાસની દુર્ગમ પણ વ્યુહાત્મક જગ્યાઓ પર આરામગાહ, શિકારગાહના નામે ચોકીઓ બનાવવા માંડી. મહાબળેશ્વરની પહાડીઓ પર પણ તેણે આવી શિકારગાહો બનાવી હતી. અહીં એ કાચા-પાકા મકાનો બાંધે. ઘોડાર તૈયાર કરાવે. અનુચરોના સ્વાંગમાં ચોકી દીઠ આઠ-દસ સૈનિકોનો કાફલો મૂકી રાખે. હિંસક પ્રાણીઓથી રક્ષણના નામે હથિયારો ભરી રાખે.

પૂણેથી સતારા સુધીનો માર્ગ પેશ્વાએ, મરાઠા સરદારોએ દુર્ગમ ગણીને રેઢો મૂકી દીધો હતો, પણ આર્થરે અહીં ઠેરઠેર છૂપી ચોકીઓ સ્થાપીને ધોરી માર્ગની બંને તરફ બ્રિટિશ પલટણ તૈનાત કરી દીધી હતી.

પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદશાહના દુર્રાની, અફઘાન સૈન્ય સામે મરાઠાઓની ભૂંડી હાર થઈ તેના અનેક કારણોમાંનું એક કારણ એ હતું કે ઝનુનના મુદ્દે ભારે ચડિયાતા જણાતાં મરાઠાઓ શસ્ત્રોના મામલે ખાસ્સા જૂનવાણી અને નબળા પૂરવાર થયા હતા. મધ્યયુગના સમગ્ર વિશ્વના ઈતિહાસ પર નજર દોડાવો તો, ફ્રેન્ચ હોય કે મુઘલ, બ્રિટિશ હોય કે મરાઠા, અફઘાન હોય કે તાર્તાર... દરેક લડાયક જાતિની રણમેદાન પરની સફળતાનો એક જ આધાર રહ્યો છેઃ બારૂદ!

બારૂદના આવિષ્કારને જેમણે અપનાવ્યો, તરાશ્યો અને એ મુજબ સૈન્યને ઘડ્યું એ જીત્યા. આ અસ્ત્ર હતું. દૂરથી વાર કરી શકે એવું. ભારતીય યુદ્ધપ્રણાલિમાં હજુ પણ હાથમાં રહીને વાર કરે એવા શસ્ત્રોનું જ ચલણ હતું, જે દુશ્મનની તાકાત સામે ટકી શકે એમ ન હતું.

ઈસ.ની નવમી સદીમાં ચીનમાં બારૂદની શોધ થઈ એ પછી તેનો સંહારક ઉપયોગ કરી શકે તેવું શસ્ત્ર બનાવવામાં બીજા બસો વર્ષ લાગી ગયા. ચીનના યાંગ વંશના શાસન દરમિયાન પહેલી તોપ બની. કઢંગો આકાર, પારાવાર વજન, નિશાનના ઠેકાણા નહિ અને ફૂટવાનો સમય નક્કી નહિ એવી આઠ-દસ સિપાહીના ખભે રાખીને દાગવામાં આવતી તોપ એ આજના દરેક અત્યાધુનિક અસ્ત્રોની જનની ગણાય.

એ તોપમાં પછી તો અનેક આવિષ્કારો થતાં રહ્યા, પરંતુ જેણે આ નવતર શસ્ત્રને અપનાવ્યું, વિકસાવ્યું અને તેમાં મહારત હાંસલ કરી એનો દિગ્વિજય થતો રહ્યો. તોપના ઉપયોગમાં મુઘલો, દુર્રાનીઓ, અફઘાનો આગળ હતા. કારણ કે તેમણે તુર્કો પાસેથી આ વિદ્યા શીખી હતી. ભારતીય રાજાઓ હજુ ય તલવાર અને ભાલા, બરછીથી આગળ વધ્યા ન હતા એટલે મલેચ્છ આક્રમણો સામે પરાસ્ત થતા રહ્યા.

મુઘલો તોપ સુધી જ અટકી ગયા, પરંતુ યુરોપિયન પ્રજા એથી ય આગળ વધી. એક તોપ, એક સ્થળ, એક ધડાકો એવી મર્યાદાથી આગળ તેમણે વિચાર્યું. આવી નાની-નાની તોપો દરેક સૈનિકના હાથમાં આપી હોય તો? એ વિચારમાંથી બેરલ્ડ ગન, મઝલલોડ ગન અને રાઈફલનો આવિષ્કાર થયો, જે કાળક્રમે રિવોલ્વર અને પિસ્તોલના સ્વરૂપે નાનકડો અને વધુ મારકણો બનતો ગયો. યુરોપિયનોની આ કારીગરી સામે તુર્કો, અફઘાનો, મુઘલો ટૂંકા પડ્યા. માટે હિન્દમાં યુરોપિયનોને ખાળી શક્યા નહિ.

પાણીપતના ત્રીજા યુદ્ધમાં પણ દુર્રાનીઓએ બે વિશિષ્ટ અસ્ત્રોના ભારે સંહારક ઉપયોગ વડે મરાઠાઓને છિન્નભિન્ન કરી દીધા હતા. એ બે અસ્ત્રો હતા ઝમ્બુરાકી અને જેઝિલ. આ બે તોપનો માર ખાઈને પરાસ્ત થયેલા મરાઠાઓએ હવે બારૂદનું મહત્વ સ્વિકાર્યું હતું. પેશ્વાએ તોપ બનાવવા માટે મબલખ રૂપિયા આપીને અફઘાન સરદાર રહિમયારખાનને રોક્યો હતો અને તેનાં માર્ગદર્શન હેઠળ જોરશોરથી કારખાના ધમધમાવવા માંડ્યા હતા. આર્થર એ દરેક પ્રગતિની પાકી બાતમી રાખતો હતો અને પોતાની ચોકીઓને એ મુજબ શસ્ત્રસજ્જ કરતો રહેતો હતો.

રોબર્ટ ક્લાઈવે બંગાળના અનુભવના આધારે સમગ્ર હિન્દ પર રાજ કરવાની જે ઈમ્પિરિયલ બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી, આર્થર બહુ જ ચબરાકીથી તેને અનુસરી રહ્યો હતો. પૂર્વમાં બંગાળના નવાબને પરાસ્ત કરવામાં ક્લાઈવે જે સફળતા મેળવી એવી જ અપ્રતિમ સફળતા પશ્ચિમમાં પૂણેના પેશ્વા, સતારાના ભોંસલેને પરાસ્ત કરીને તે મેળવવા માંગતો હતો. હિન્દમાં બ્રિટિશરાજનો પૂર્વનો નાયક જો ક્લાઈવ હતો તો આર્થર પોતે પશ્ચિમ હિન્દનો સેનાની બનવા માંગતો હતો.

નવાબ આર્થર મેલેટ મૅક્લિન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા.

હિન્દમાં તેણે પગ મૂક્યો ત્યારથી અહીં સુધી સફળતા તેના કદમ ચૂમતી આવી હતી. પણ...

*** *** ***

મહાબળેશ્વરની રમ્ય ઘાટીઓ જોઈને ઈરમાની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી અને ગળામાંથી અવાજ નીકળતો ન હતો. આર્થરના ફૌજીઓ શિકાર માટે માંચડા બાંધી રહ્યા હતા. હાકલિયાઓ આગલી રાતથી જ સાવિત્રી નદીના સામા કાંઠે જાડા પાંદડાના મોટા ભૂંગળાઓમાં મોં ઘાલીને બૂમો પાડતાં, પિતળના ઝાલર-ત્રાંસા પર વજનદાર દાંડી પછડાવતાં પહાડીઓમાં ઘૂમી રહ્યા હતા.

સદીઓથી નિર્જનતાનું વરદાન ઓઢીને પોતાની લીલાશમાં રમમાણ જંગલ આ રીડીયારમણથી વ્યાકુળ બનીને દોટે ચડ્યું હતું.

'વ્હોટ ઈઝ ધીસ?' સામા કાંઠેથી આવતાં ભીષણ, ત્રાસદાયક અવાજોથી કંટાળેલી ઈરમાએ પૂછ્યું હતું.

'ઈટ્સ અ ટ્રિક...' લાંબી રાઈફલમાં પાતળો સળિયો પરોવીને ગ્રિસિંગ કરી રહેલાં આર્થરે જવાબ વાળ્યો, 'અ ટ્રિક ટૂ ડિસ્ટર્બ ટાઈગર્સ વર્લ્ડ... એમને ઘોંચપરોણા કરીએ ત્યારે એ પોતાની માંદમાંથી બહાર આવે અને તો આપણે તેનો શિકાર આસાનીથી કરી શકીએ...'

'અને તોય આપણે તેમને વાઈલ્ડ એનિમલ કહીએ છીએ...' ઈરમાએ સખત નારાજગીથી મોં મચકોડ્યું, 'પોતાના ઘરમાં બેઠેલાં નિર્દોષ પ્રાણીને તમે ખલેલ પહોંચાડો છો, બહાર કાઢો છો અને પછી તેનો શિકાર કરો છો...' આર્થરની સામે જોઈને ડોકું ધૂણાવતાં તેણે ઊંડો નિઃશ્વાસ નાંખ્યો, 'આ વાઘ કે દીપડાં કરતાં ય વધુ હિંસક તો આર્થર, આપણે છીએ... કોઈએ ખલેલ નહોતો પહોંચાડ્યો, તોય આપણાં ઘર ઈંગ્લેન્ડમાંથી આપણે બહાર નીકળ્યા અને અહીં આવીને કુદરતની આ અફાટ લીલાંને લોહીઝાણ કરી રહ્યા છીએ...'

'પ્લિઝ ઈરમા... ' આર્થર હવે સાચે જ છેડાઈ ગયો, 'ઈટ્સ ટ્રેડિશન... સદીઓથી શિકારની આ જ પરંપરા રહી છે, એન્ડ પ્લિઝ ડોન્ટ કનેક્ટ ઈટ વિથ અવર ઈન્વેઝન... પ્લિઝ... હું સાહિત્ય પણ ભણ્યો છું અને ઈતિહાસ પણ...' હન્ટર કોટના દરેક ખિસ્સામાં કારતૂસ, જામગરી ચેક કરીને ખભા પર બીજી બે ગન ઊઠાવતાં તેણે કદમ ઉપાડ્યા, 'તારાથી શિકાર ન જોવાય તો તું સામે ભેખડ પર બેસીને વિલીને રમાડ... આઈ વિલ જોઈન યુ સૂન...'

આગલી રાતે મૂશળધાર વરસાદ પડ્યો હતો. સામા કાંઠે અડાબીડ પહાડો વચ્ચેથી દદડતા ઝરણાઓનો મંજૂલ ખળખળાટ સાવિત્રી નદીના પટમાં પડતું મૂકી રહ્યો હતો. ખીણની ધાર પર ઝળુંબીને આર્થરે પોઝિશન લીધી અને બરાબર સીધમાં પહાડ અને નદીના સંધિસ્થાને નાળચુ માંડીને તેણે નજર ઘૂમાવવા માંડી.

હવે સામા છેડેથી હાકલિયાઓનો દેકારો વધ્યો હતો. એકધારી જોરશોરથી ઝાલર પડઘાઈ રહી હતી. એ જોઈને આ કાંઠે પહાડની ધાર પર ઝળુંબેલા હાકલિયાઓએ પણ દેકારા શરૂ કરી દીધા હતા. નીચેની બખોલમાં લપાયેલા વાઘ એકધારા અવાજથી ત્રાસીને બહાર આવી રહ્યા હોવાનો એ સંકેત હતો.

આર્થરે અછડતી ગરદન ઘૂમાવીને જમણી તરફ જોયું. ખીણની ધાર પર ઝળુંબતી એક આલિશન ભેખડ પર ઈરમા બેહદ સોહામણા રમતિયાળ ગલગોટા જેવા વિલિયમને તેડીને હવામાં ઉછાળતી હતી, ઝીલી લેતી હતી અને મા-દીકરો બેયના ગોરા, રતુમડાં ચહેરા પર ખુશહાલ કિલકારી ફરી વળતી હતી. ઈરમાના નમણા ચહેરા પર છવાયેલી વાત્સલ્યની આભાને એ ઘડીભર મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યો. માસુમ વિલીના ગોરાચીટ્ટા ભર્યાભર્યા ગાલ પર પડતા ખંજનને એ જોઈ રહ્યો.

બસ, આ છેલ્લો શિકાર... ઈરમાને નથી ગમતું તો ઘણું છોડ્યું, હવે આ પણ નહિ... કદી નહિ... તેણે મનોમન કહેવા માંડ્યું.

હવે તેની ડાબી તરફ શોરબકોર વધ્યો હતો. હાકલિયાઓની ત્રાડોની તીવ્રતા વધી હતી. તેણે નજર નીચેની તરફ માંડી. ત્રણ અલમસ્ત વાઘ ત્રાસદાયક અવાજોથી બ્હાવરા બનીને બખોલમાંથી બહાર આવીને સલામત જગા શોધવા ફાંફા મારી રહ્યા હતા.

ખભા પર રાઈફલનો કુંદો તેણે મજબૂતીથી કસ્યો, નાળચું નીચેની તરફ તાક્યું અને નિશાન લેવાની પેરવી કરવા માંડી.

એ જ વખતે તેના જમણાં પડખેથી કારમી ચીસ ઊઠી, 'આર્થરરરરરરરર.......'

સહજ પ્રતિક્રિયા સ્વરૂપે જ તેણે ગરદન ઘુમાવી એ સાથે સીધી તાળવામાં વીજળી પડી હોય એમ પગથી માથા સુધી તે હબકી ગયો.

તેનાંથી દસેક ફર્લાંગ જ દૂર વિલીને લઈને ઈરમા બેઠી હતી એ આખેઆખી ભેખડ ફસકી રહી હતી. આર્થરની આંખો ફાટી ગઈ. બંદૂક ફગાવીને એ ઊભો થવા ગયો એટલી વારમાં ભેખડ, ઈરમા અને વિલી મૂળથી નોંખા થઈને સીધા ઝિંકાયા નીચે સાવિત્રી નદીના ધસમસતા વહેણમાં...

ઈરમાઆઆઆઆઆઆ.... બેબાકળી રાડ પાડતો આર્થર ધસ્યો, પણ ત્યાં સુધીમાં ખાસ્સું મોડું થઈ ગયું હતું. માટીના વજનથી આમતેમ ફંગોળાતા મા-દીકરો પહેલાં પહાડની એક કરાડ સાથે અથડાયા અને પછી સીધા જ નદીના તોફાની પ્રવાહમાં ખાબક્યા. એમની પછડાટથી બેબાકળા વાઘ ઘડીક તો ચોંક્યા, પણ જળના પૂરપાટ પ્રવાહમાં માનવ આકૃતિ પારખીને તેની પાછળ લપક્યા.

ઈરમા હજુ ય ઉપરની તરફ જોઈ રહી હતી... મદદ માટે હાથ લંબાવી રહી હતી... વિલી ક્યાંય દેખાતો ન હતો. આર્થર હતપ્રભ થાંભલા જેવો થઈને જોઈ રહ્યો હતો અને નદીના વહેણમાં તણાતી ઈરમા અને વાઘ વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું.

હજુ ય એ હાથ ઊંચો કરતી હતી... હજુ ય એ સાવિત્રીના તોફાની પ્રવાહમાંથી ઉપર જોવા મથતી હતી... હજુ ય એ વિલીને શોધવા મથતી હતી...

આર્થર બ્હાવરો બનીને જોઈ રહ્યો અને ઈરમા દેખાતી બંધ થઈ ગઈ, પણ હજુ ય પહાડીઓના નૈસર્ગિક વળાંક પર વળ ખાતા નદીના પ્રવાહ પરથી કારમો ચિત્કાર સંભળાઈ રહ્યો હતો....

વિલીઈઈઈઈઈ.... વિલીઈઈઈઈઈ....

- અને બેબાકળો આર્થર આઘાતનો માર્યો બેહોશ થઈને ઢળી પડ્યો.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP