Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

ગાર્ડનમાં તેણે ઓછામાં ઓછા ત્રણ રેવન વૃક્ષોને ઓળખી લીધા

  • પ્રકાશન તારીખ30 Aug 2018
  •  

પ્રકરણ - 48

સરકારી છાત્રાલયમાં રહીને સતારામાં એ હાઈસ્કૂલમાં ભણતો ત્યારથી જ આગેવાની લેવામાં એ શૂરો સાબિત થતો રહ્યો હતો. છાત્રાલયના ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરવા ગયેલા વિદ્યાર્થીઓની તેણે આગેવાની લીધેલી. સમાજ કલ્યાણ અધિકારીએ તોછડો જવાબ આપ્યો તો સુરજે તેના બેય હાથ પીઠ પાછળ બાંધીને સડી ગયેલા શાક, બળી ગયેલી રોટલી અને કીડા-મકોડાવાળી દાળના કોળિયા જબરજસ્તીથી અધિકારીના મોંમાં ભરાવ્યા હતા. એ ઘટના પછી સુરજનો સિક્કો વાગી ગયો હતો.


હાઈસ્કૂલ પાસ કરીને એ પુણે આવ્યો. અહીં એ પોતાની જાતિના સ્થાનિક નેતાઓના સંપર્કમાં રહીને મુદ્દાઓ ઓળખતા શીખ્યો. તેણે આર્થિક રીતે નબળા, સામાજિક રીતે ઉતરતા અને ખાસ તો નાના ગામડાંઓમાંથી આવતાં વિદ્યાર્થીઓમાં પગપેસારો કરવા માંડ્યો. છાત્રવાહિની નામે સેના બનાવવાનો ય ચાળો કરી જોયો. હેતુ ફક્ત એક જ: પોતે ચર્ચામાં રહેવો જોઈએ.


તેનું ગણિત બહુ પાક્કું હતું. પંચગનીથી છેક સતારા સુધીના બેલ્ટમાં તેનાં સમુદાયનું સંખ્યાત્મક પ્રભુત્વ હતું. એ સમાજના બિનહરિફ નેતા તરીકે જો તે ઉપસે તો બહુ ઝડપથી વિધાનસભા સુધી પહોંચી શકે. છાત્ર મહાસંઘની એક ચૂંટણી એ હાર્યો, પણ એ દરમિયાન ફંડ એકઠું કરવાનો કિમિયો એ બરાબર શીખી ગયો. યુનિવર્સિટી સેનેટ કે સિન્ડિકેટમાં ય તેની હાજરી નોંધપાત્ર ગણાવા લાગી. પુણેની રાજનીતિમાંથી એ કમાણી કરે, સંપર્કો ઊભા કરે અને તેનો ઉપયોગ પોતાના વિસ્તારમાં કરે.


આમરાળ અને આજુબાજુના ગામ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવા, રોગ નિદાન યજ્ઞના આયોજન માટે પુણેની એનજીઓને સાધવી, સરકારી દવાખાનાની સુવિધા વધારવી, સરકારી શાળાઓના શિક્ષકોને દબડાવીને વાલીઓમાં રોફ જમાવવો આ બધામાં હવે તે માહેર થઈ ચૂક્યો હતો.


પ્રશ્ન એક જ હતો, સમાજના મુખિયા તરીકે દાજીભાઉનો દબદબો એ તોડી શકે તેમ ન હતો. ગામમાં જ ખેતી કરતો દાજીભાઉ દાયકાઓથી માન્જો, કુઠારી સમાજનો આગેવાન ગણાતો હતો. સમાજમાં તેનો પડ્યો બોલ ઝિલાતો. એ હોય ત્યાં સુધી પોતાનો ગજ વાગવાનો નથી એવું પારખી ગયેલા સુરજે તરત દાજીભાઉને જ મોટાભાઈ બનાવી દીધા. તરક્કીની સીડી ચડવા માટે દાજીભાઉનો ખભો જરૂરી હતો, પણ નિઃસ્વાર્થભાવે સમાજને સમર્પિત દાજીભાઉના આશીર્વાદ મેળવવા આસાન ન હતા.


આખરે સુરજને એવી ય તક મળી ગઈ.


રાજકારણના રસિયા તરીકે નિયમિત રીતે છાપા, ચેનલ અને વેબપોર્ટલ જોવાની ટેવમાં એક સમાચારે તેનું ધ્યાન ખેંચ્યું. મુંબઈના ગવર્નર રહી ચૂકેલા સર આર્થર મેલેટ મૅક્લિનનો વંશજ પુણે આવવાનો હતો. બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત થયેલ સમાચાર એક મરાઠી ન્યુઝ પોર્ટલે ઊઠાવેલા એ ન્યુઝ વાંચીને સુરજની આંખમાં જાણે કણું ભોંકાયું હોય એવી ખંજવાળ ઉપડી હતી. આ એ જ આર્થર મૅક્લિન હતો, જેણે તેના સમાજ પર કરેલા અત્યાચારોની દર્દનાક કહાની માન્જોના એક એક બચ્ચાને બાળપણથી કહેવામાં આવતી હતી.


આ બહુ જ મૂલ્યવાન તક હતી પણ આર્થરનો વંશજ ક્યારે આવ્યો, ક્યાં રોકાયો, ક્યાં ગયો એ કેવી રીતે શોધવું એની તેને ગમ સૂઝતી ન હતી. સમાચારમાં આવે તો જ કંઈક ખબર પડે એવું ધારીને તેણે મીડિયાના ઓળખીતાઓને કહી રાખ્યું હતું. એમ જ તેને માહિતી મળી ગઈ: વિલિયમ મૅક્લિન પુણે આવી ચૂક્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો.


આ કલ્પનાતિત મોકો હતો. સદીઓથી જે પળ માટે માન્જોનો એક-એક પરિવાર રાહ જોતો હતો અને હવે તો ક્યારની આશા ય ગુમાવી દીધી હતી એ પળ સાવ અનાયાસે હાથવગી હતી. જો એમાં પોતે પાર પડે તો માન્જો, કુઠારીના યુવા નેતા તરીકે સુરજભાઉ ધોંતળે એક-એક ઘરમાં દેવની જેમ પૂજાવા લાગે.


તેણે ફટાફટ આયોજન કરવા માંડ્યું અને પછી દાજીભાઉને વિશ્વાસમાં લીધા. જમાનો જોઈ ચૂકેલા દાજીભાઉને ઘડીક તો વિશ્વાસ ન બેઠો, પણ સુરજે તેની હેડીના અન્ય જવાનિયાઓને પણ ભાવનાત્મક રીતે બરાબર ઉશ્કેર્યા એટલે હવે સાહસ કરવાની ના પાડવાથી દાજીભાઉ એકલો પડી જતો હતો. છેવટે નાછૂટકે તેણે ય હા ભણી દીધી.


પ્રેસ કોન્ફરન્સમાં સુરજે પોતે હાજર રહીને આયોજનની શરૂઆત કરી દીધી. એ વખતે વિલિયમ મૅક્લિનની સાલસતા, સરળતા અને ખાસ તો નોંધારાપણું અનુભવીને તેને આ કામ ખૂબ આસાન હોવાનું લાગતું હતું. ખાતરી થઈ ગઈ હતી. એટલે જ ત્યાંથી નીકળતી વખતે તેનાંથી કહેવાઈ ગયું હતું, 'માલા આજુનં હી વિશ્વાસ બસત નાહિ'


- પણ એ જ આત્મવિશ્વાસ તેને નડ્યો હતો.


મુદ્દાઓ શોધવા, દેકારો મચાવી દેવો અને પોતાનો ફાયદો અંકે કરી લેવો એ એક વાત છે અને એક હળાહળ ગુનાઈત કૃત્યને અંજામ આપવો એ બીજી વાત છે.


આમરાળના કાંઠેથી વહેતી સાવિત્રી ખીણમાંથી પસાર થતી એક પુલ પાસેથી પસાર થાય ત્યારે વિલિયમના વાહનને ટક્કર મારીને નીચે ઉથલાવી દેવું અને એ વખતે નીચે કાંઠે ઊભેલા સાથીઓની મદદથી તેને ઊઠાવી જવો.


ફિલ્મી સ્ટાઈલમાં 'જીંદા યા મુર્દા' પ્રકારનું આ આયોજન પાર પાડવામાં તેને નિષ્ફળતા મળી એટલે ગિન્નાઈને તેણે અપહરણનો પેંતરો રચ્યો. એમાં ય માર ખાધો એટલે હોસ્પિટલમાં હુમલો કરવાનું ભયંકર દુઃસાહસ કરી નાંખ્યું.


હવે સુરજનું અત્યાર સુધીનું તમામ કર્યું-કારવ્યું ધૂળમાં મળવાની તૈયારીમાં હતું. આ નિષ્ફળતાની નાલેશી એવી હતી કે તે જિંદગીમાં કદી નેતા બનવાની ખ્વાહિશ પૂરી કરી ન શકે. પરંતુ હવે જ્યારે સુરજ પોતે કશ્મકશમાં અટવાયો હતો ત્યારે દાજીભાઉ પોતે જ આ મહામોલી તક જતી કરવા તૈયાર ન હતો.


સુરજને ખબર ન હતી, એમાં દાજીભાઉનો પોતાનો ય સ્વાર્થ હતો.


*** *** ***

શો-કેસમાંથી વિલિયમ આર્થર મૅક્લિનનું નામ કોતરેલું સોનાનું લોકેટ ઉપરાંત બાઈબલની એક ફાટેલી, જર્જરિત પ્રત અને મૅક્લિન ખાનદાનનું પ્રતીક કોતરેલી લાકડાની નાનકડી પેટી... આટલો સામાન સ્પષ્ટપણે આર્થર મૅક્લિનનો જ હતો એવી તેને ખાતરી હતી.


ખાસ પ્રસંગોએ કે કૌટુંબિક મેળાવડાઓમાં સોનાના આવા બેજ છાતી પર બાંધવાનો સ્કોટિશ રિવાજ હતો. બેપ્ટિઝમની વિધિ પછી બાળકના નામના આવા બેજ તૈયાર કરવાની પરંપરા હતી. ખુદ જેમ્સના નામનો ય આવો એક બેજ હતો અને બાળપણમાં એ હોંશભેર પહેરતો.


લાકડાની નાનકડી પેટી બાઈબલ રાખવા માટે હતી. લગભગ દરેક સ્કોટિશ પરિવારમાં પેઢી દર પેઢી લાકડાની આવી કલાત્મક સંદુકમાં ઘરના દેવળમાં બાઈબલ રાખવામાં આવતું.


સી-રોકની સહ્યાદ્રી ગેલેરીના એ હોલમાં ખાસ્સી એવી ખણખોદ કર્યા પછી જેમ્સે ગાર્ડનમાં લટાર મારી હતી. ખાસ્સા મોટા, નૈસર્ગિક જંગલ જેવા જ લાગતાં એ ગાર્ડનમાં તેણે ઓછામાં ઓછા ત્રણ રેવન વૃક્ષોને ઓળખી લીધા. ઠંડા, હિમાચ્છાદિત પ્રદેશનું આ વૃક્ષ દેખાવમાં જ ઓળખાઈ જાય એવું હતું. ભારત જેવા ગરમ દેશમાં આવું વૃક્ષ પ્રયત્નપૂર્વક ઊગાડવામાં ન આવે તો એ સિવાય નૈસર્ગિક ક્રમમાં જ ઊગી નીકળે એ સંભવિત નથી.


મૅક્લિન એસ્ટેટની મૂળ જગ્યા ભારે વિશાળ હતી. કાળક્રમે તેમાં ફેરફારો થયા હોય, જુની ઈમારત તો ક્યારની ધ્વસ્ત થઈ ગઈ હોય. મૂળ પ્લોટ પણ અનેક હિસ્સામાં વહેંચાઈને હવે નવા બાંધકામો, રસ્તાઓમાં બદલાઈ ગયો હોય. પરંતુ ખીણની ધાર પરનું લોકેશન, કુલ ત્રણ રેવન વૃક્ષોની મોજુદગી અને ખાસ તો ખટાઉ બંગલાના વખતના શો-કેસમાંથી મળેલી ચીજોના આધારે હોટેલ સી-રોક એ જ મૅક્લિન એસ્ટેટ હોઈ શકે એવું તેનું સ્પષ્ટ તારણ હતું.


તેણે હોટેલ સી-રોકના મેનેજમેન્ટને વિનંતી કરીને એ ચીજો ભેટમાં મેળવી લીધી હતી. પોતાની હોટેલ જે જગ્યાએ ઊભી છે એનો એક વખતનો માલિક ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ગવર્નર આર્થર મેલેટ મૅક્લિન હતો અને હવે તેનો વારસદાર આ હોટેલમાં ઉતર્યો હતો એ બાબત જ હોટેલ મેનેજમેન્ટને પબ્લિસિટી માટે ભારે રોચક લાગી હતી. આર્થરની ચીજો પરત મળતી હોય તો રેવન વૃક્ષની પાસે ઊભા રહીને આઠ-દસ ફોટા પડાવવામાં કે બ્રિટિશ એમ્બેસી દ્વારા થેન્ક્સનો લેટર મોકલાવવામાં જેમ્સને વાંધો ન હતો.


પરંતુ ઈરમાનો જીવ આ પૈકી કઈ ચીજમાં હશે અથવા તો આ સિવાયની કોઈ બાબત પણ હોય એ વિશે તેની અવઢવ યથાવત હતી.


સી-રોક એ જ મૅક્લિન એસ્ટેટ હોવા અંગે તેણે ઈયાનને ફોન પર કહ્યું ત્યારે ઘડીક ઉત્સાહિત થયા પછી તેણે ય એ જ અવઢવ વ્યક્ત કરી હતી. જોકે ઈયાન ઘણો આશાવાદી હતો. રાત્રે વિલીના ચહેરાના બદલાતા હાવભાવ, ઓટેરા કે ઓપેરા જેવા શબ્દના અસ્પષ્ટ ઉચ્ચાર અને મોડેથી તેના હોઠ પર આવેલા સ્મિત વિશે તેણે જેમ્સને જાણ કરી હતી.


વિલી વહેલી તકે બોલતો થાય એ તીવ્ર જરૂરી હોવા અંગે બંને એકમત હતા.


એ બધું પતાવવામાં જ બપોર નમી ગઈ હતી. વિશાખાને તેણે વિગતવાર દરેક વાત કરી ત્યારે એ આભી થઈને સાંભળી રહી. તેણે પોતે પણ રેવન વૃક્ષ અને સહ્યાદ્રી ગેલેરીમાં આંટો માર્યો હતો.


આમરાળ અહીંથી જમણે સેન્ટ એડમ્સ સ્કૂલથી આગળના રસ્તે હોવાનું સમજી લીધા પછી તેમણે એક કેબ હાયર કરી હતી.


જેમ્સે છાતી સાથે ચેસ્ટ બેલ્ટની અંદર ખોસેલી ગનને જોઈને આ વખતે વિશાખાને ફફડાટ થતો હતો.


*** *** ***


'વ્હાઈટ કલરની એક ટેવેરા ગાડી લક્કડિયો પુલ ક્રોસ કરી રહી છે અને એક ધોળિયો તેમજ એક દેશી છોકરી ગાડીમાં છે...' એવું એક આદમીએ કહ્યું એ સાથે જ દાજીભાઉ ચોંક્યો હતો.


આર્થરના જમાનામાં ખીંગર, ધાંડેગઢ અને આમરાળના કસ્બાઓ વચ્ચે સાવિત્રી નદીનો સાંકડો પટ વહેતો હતો ત્યાં હવે તો પાકો પુલ બની ગયો હતો, પણ આઝાદી પહેલાં એ રસ્સીથી બાંધેલા લાકડાના સલેપાટથી બનેલો હતો એટલે સિમેન્ટ-કોંક્રિટનો પુલ પણ હજુ ય લક્કડિયા પુલ તરીકે જ ઓળખાતો.


કસ્બો ય હવે તો ખાસ્સો બદલાયો હતો. હવે તો અહીં પાકા મકાનો, પથ્થર જડેલી સરસ મજાની કેડીઓની બંને તરફ હારબંધ બજાર બની ગઈ હતી.


દૂરથી ભારે રળિયામણી લાગતી સહ્યાદ્રીની ઘાટીઓમાં અંદર પ્રવેશવું બહુ જ મુશ્કેલ હતું. ક્યારેક ઘાટીમાં ટ્રેકિંગ કરવા માંગતા જવાનિયા પુલ ઓળંગીને આ તરફ આવતાં. એ સિવાય જંગલમાં રોકાવા ઈચ્છતા વિદેશી સહેલાણીઓ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગોતરી મંજૂરી મેળવીને અમૂક હદ સુધી જઈ શકતા.


આ એવા કોઈ ટુરિસ્ટ હશે? દાજીભાઉને પહેલો વિચાર આવ્યો. વિલિયમ મૅક્લિનની સાથે પણ બે ધોળિયા અને એક જવાન દેશી છોકરી હોવાનું તે સૌ જાણતા હતા. આ બંને એ પૈકીના જ હશે?


કોઈ બીજાં ટુરિસ્ટ જ હોય તો તો કશો ફરક પડતો નથી, પણ ધારો કે એ બંને વિલિયમની સાથેના જ લોકો હોય તો પહેલો સવાલ એ ઊભો થાય છે કે એ અહીં સુધી પગેરું કેવી રીતે દબાવી શક્યા? વિલિયમ પર થયેલા હુમલામાં માન્જોની સંડોવણી છે એવું પોલીસથી ય પહેલાં તેમણે કેવી રીતે પારખ્યું?


સુરજે ધોળિયાને પ્રેસ કોન્ફરન્સ વખતે જોયો હતો અને બીજા બે આદમીઓએ વિલિયમનું અપહરણ કરતી વખતે છોકરીને જોઈ હતી. પરંતુ આટલે દૂરથી બંધ ગાડીમાં ચહેરા પારખી શકાવાના ન હતા.


'ટેકરીઓ પર આપણે ઝડપથી તીરંદાજોને મોકલવા પડશે'


'ના...' સુરજના સુચનને તરત જ દાજીભાઉએ ભારપૂર્વક નકારી કાઢ્યું, 'ખાતરી ન થાય ત્યાં સુધી કશું જ નહિ...'


આ લોકો અહીં સુધી આવ્યા છે મતલબ કે પોતાના પરના જોખમથી માહિતગાર હશે જ, માટે બીજા કોઈકને જાણ કરીને જ આવ્યા હોય. એવા સંજોગોમાં હુમલો કરવો એ તો ભયંકર મોટી ભૂલ સાબિત થાય.


અવઢવમાં અટવાયેલા દાજીભાઉએ કસ્બાના સામા છેડે ટેકરીઓ અને જંગલના સંધિસ્થાને ઊભેલી સિંદુરિયા પાળિયાઓની હાર તરફ ગરદન ઊંચી કરીને જોયું અને મસ્તક ઝુકાવીને જમણા હાથની પહેલી આંગળી હોઠ તેમજ કપાળ પર અડાડી.


આ તેની કાયમી આદત હતી. કફોડી સ્થિતિમાં કે નિર્ણય ન લઈ શકાય એવી ઘડીએ શહિદ પૂર્વજોનું સ્મરણ કરીને ઝંપલાવી દેવાનો એ સંકેત હતો.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP