તેને હવે દેખાતો હતો કિલકારી કરી રહેલો ગોરોચીટ્ટો, રમતિયાળ બાળક

maclean estate novel by dhaivat trivedi

Dhaivat Trivedi

Sep 13, 2018, 05:17 PM IST

પ્રકરણ - 53

'પ્લિઝ ટેલ ધેમ, આઈ વોન્ટ ટુ નો એક્ઝેક્ટ લાઈન્સ ઓફ ધેર પોએટ્રી...' ઓછરા ઘાટી તરફ રવાના થતી વખતે જ જેમ્સે વિશાખાને કહ્યું હતું.

વિશાખાએ સળંગ ત્રણ-ચાર વાર આખ્યાનની પંક્તિઓ સાંભળી અને પછી બહુ કાળજીપૂર્વક જેમ્સને અંગ્રેજીમાં સમજાવી હતી.

આઠ ચરણના આખ્યાનમાં દરેક ચરણ પછી એક પંક્તિ આવતી હતી, 'ધોન્ડુ ચા પોરગા પાન્ડુ સાંગતો...' અર્થાત્, ધોન્ડુનો દીકરો પાન્ડુ કહે છે... એ પાન્ડુરંગ રૂંગડાનો સાથી હતો. આર્થર ગમે તેટલો શક્તિશાળી હોય, પણ તેને મારવાના પ્રયાસો કરવા જ જોઈએ એવો માન્જો આદમીઓને પાનો ચડાવનારો ય એ જ.

મોટાભાગે મુંબઈ રહેતો આર્થર વરસમાં બેએક વાર અહીં આવે. અહીં પણ તેના સુધી પહોંચવાનું દેશીઓનું બિલકુલ ગજુ નહિ. આથી એ શિકાર પર જાય ત્યારે તેને તીર મારીને ખતમ કરી દેવાનું આયોજન પાન્ડુએ વિચાર્યું હતું.

સામા કાંઠે ત્રણ અલગ અલગ ઠેકાણે ઊંચા ઝાડની ડાળીઓ પાછળ દસેક માન્જો તીરંદાજો લપાઈને બેઠા હતા, પરંતુ શી વાતે ય લાગ આવતો ન હતો. વચ્ચે ખીણના ઊંડાણમાં ફૂંકાતી હવાના વેગને પાર કરતી વખતે તીર નિશાન ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી, અને જો નિશાન ચૂકાયું તો પછી આર્થર શું કરી શકે છે તેની માન્જોને બરાબર ખબર હતી. તેમ છતાં એ દિવસે જોખમ લીધું હતું.

પણ માન્જોના કમનસીબ ગણો કે સદનસીબ, અચાનક ભેખડ તૂટી પડી તેમાં બધો ય કારસો વિંખાઈ ગયો.

ખીણમાં ઝીંકાયેલા ઈરમા અને બાળક નદીના વહેણમાં તણાઈને સીધા સામા કાંઠે જ ફંગોળાયા હતા. આર્થરના આદમીઓ ઝંપલાવે અને અહીં પહોંચે એ પહેલાં તો બેય ધસમસતા પ્રવાહમાં ક્યાંય દૂર તણાઈને જતાં રહે.

માન્જો આદમીઓ જે ઝાડ પર લપાયા હતા ત્યાંથી એ અંતર પ્રમાણમાં ઓછું હતું. હવે શું કરવું તેની અવઢવમાં બીજા તીરંદાજો સ્તબ્ધ થઈને ડાળી પર ખોડાઈ રહ્યા હતા ત્યારે સૌથી પહેલો પાન્ડુ જ કૂદ્યો હતો, પછી તો તેનું જોઈને બીજા ય તરવૈયાઓએ ય ઝંપલાવી દીધું હતું.

તોફાની વહેણમાં ઈરમા સડસડાટ આગળ તણાવા લાગી હતી, પણ નાનકડું ફૂલ જેવું બચ્ચું કાંઠાના પથ્થરોની આડશમાં ઘડીક અટવાયેલું રહ્યું. એટલી વારમાં તેની અને ઈરમા વચ્ચે અંતર વધી ગયું હતું. ઈરમાએ તરવાનો પ્રયાસ કર્યો, સંતુલન જાળવવા ઘણાં ધમપછાડા કર્યા પરંતુ ઉપરવાસમાંથી આવતાં પૂરની તાકાત સામે એ ટૂંકી પડતી હતી.

પોતે હવે તણાઈ જ રહી છે અને બચવાની શક્યતા જ નથી એવો ખ્યાલ આવ્યા પછી તેણે ચીસો પાડવાની શરૂ કરી હતી. પાણીના ભયંકર તાણ સામે જેમતેમ હાથ-પગ પછાડીને ય એ સપાટી પર આવતી હતી. તેની નજર સતત પાછળ રહી ગયેલા બાળક પર મંડાયેલી હતી.

એવી ત્રીજી પછડાટ ખાઈને તેણે શરીર ઊંચક્યું ત્યારે માન્જોને તેણે જોયા હતા અને વિલીઈઈઈઈઈ... એવી કારમી ચીસો સાથે બાળક તરફ આંગળી ચિંધી હતી. પછી એ ભયંકર વમળમાં ફસાઈને ચકરાવે ચડી હતી. તેને વમળમાં ફસાયેલી જોઈને પાછળ લપકેલા વાઘ પણ કાંઠા પર ચડી ગયા હતા.

પાન્ડુ સૌથી મોખરે હતો, પણ વમળમાં ફસાયેલી ઈરમા અને તેની પાછળ પડેલા વાઘ તરફ તેનું ધ્યાન ચોંટેલું રહ્યું એટલી વારમાં તણાતું બાળક તેની નજરમાંથી નીકળી ગયું.

વમળમાંથી નીકળીને સડસડાટ ખીણના કુદરતી વળાંક તરફ જોશભેર ફેંકાયેલી ઈરમાએ છેલ્લી પછડાટ ખાધી હતી અને કાંઠાની દિશા તરફ તેનો હાથ લંબાયેલો પાન્ડુએ જોયો. પાન્ડુએ હતી એટલી તાકાત એકઠી કરીને અંતર કાપવાની કોશિષ કરી. વમળના ઘૂમરાટાને મહામુસીબતે તારતો એ વળાંક પર પહોંચ્યો, પણ ત્યાં પાણીનું તાણ અત્યંત તીવ્ર હતું. પાછળ આવતાં માન્જોના આદમીઓ એથી ય થોડાંક આગળ જઈ શક્યા. છેવટે તેમણે ત્યાં જ અટકી જવું પડ્યું.

ઓછરાની ગુફાથી સહેજ આગળ કાંઠા પર લટકતી ધાર ઝાલીને વિવશપણે એ સૌ અફાટ દરિયા જેવી થતી જતી ગાંડીતૂર નદીને જોઈ રહ્યા. ક્યાંય બાળકની ભાળ મળતી ન હતી. મળે તોય હવે નકામું હતું. આટલાં પાણીમાં ડૂબકા ખાઈને સવા વરસનો એ માસૂમ જીવ હવે ક્યારનો બદહાલ મોતને ભેટ્યો હોય.

ઈરમાના ય દૂર ક્યાંય સુધી કોઈ સગડ દેખાતાં ન હતાં અને માસૂમ ભૂલકાના નામની કારમી ચીસ અને એક અસ્પષ્ટ ઈશારો હવામાં વહેતો મૂકીને એક લાચાર માના અધૂરા ઝુરાપાને, અધૂરા વાત્સલ્યને પૂરપાટ વહેતી નદી જરાક પણ દયા દાખવ્યા વગર તાણી ગઈ ગઈ હતી.

*** *** ***

મૅક્લિનના દીકરાને જોઈને અઢીસો વર્ષ પહેલાં પોતે દાખવેલા નિર્દયીપણાં માટે જાણે ક્ષોભ અનુભવતી હોય તેમ આજે નદી ય શાંત ભાસતી હતી.

ઓછરાની ગુફાના વળાંક પાસે પહોંચીને જેમ્સ ઘડીક વિચારમગ્ન ઊભો રહ્યો. સામા કાંઠે પોતાના ડાબા હાથે દૂર દેખાતા આર્થર પોઈન્ટ તરફ તેણે નજર નોંધી અને ઈરમા, વિલીનો તણાવાનો માર્ગ મનોમન આંકવાની કોશિષ કરી.

ખીણના વળાંક પહેલાં ઈરમા વમળમાં ફસાઈ હતી એ યાદ કરીને તેણે એ દિશામાં જોયું અને ફરી એક વાર માન્જો આદમીઓને આખ્યાનનો એ હિસ્સો બોલવા કહ્યું. વિશાખાએ ફરીથી તરજૂમો કર્યો. જેમ્સ એક-એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યો.

પાન્ડુએ કરેલ વર્ણન જો ચોક્સાઈભર્યું હોય તો ઈરમા વમળમાં ચકરાવા ખાતી હતી એ દરમિયાન બચ્ચું તણાયે જતું હતું. તેનો અર્થ એવો થયો કે ઈરમા વમળમાંથી ફંગોળાઈ ત્યારે બાળક તેનાંથી આગળ હતું. અને તેમ છતાં વમળમાંથી બહાર નીકળીને જોરદાર તાણમાં ફંગોળાયેલી ઈરમાએ જે દિશામાં ઈશારો કર્યો એ દિશાએ બાળકને તેણે જોયું હોવું જોઈએ.

એ દિશા કઈ?

પાન્ડુ ય એમાં જ અટવાયો હતો, અને અત્યારે જેમ્સ પણ.

ઘડીભર સઘન વિચારોમાં અટવાયેલા જેમ્સે અચાનક જ જેકેટ ઉતાર્યું, શર્ટ પણ ઉતાર્યો. સિત્તેરની વયે પણ ગેંડાની ઢાલ જેવી લાગતી તેની મજબૂત છાતી પર બાંધેલો પાટો જોઈને દાજીભાઉને ય ગ્લાનિ થઈ આવી. એ વિસ્ફારિત આંખે આ અજાણ્યા ગોરા વિદશીના પોતાના પરિવાર માટેના, કુળ-કુટુંબ માટેના સમર્પણનો આ બીજો અનુભવ જોઈ રહ્યો.

પગમાંથી જૂતાં કાઢીને ઊઘાડા ડીલે જેમ્સે નદીમાં ઝંપલાવ્યું. ચકરાવો લેતાં વમળમાં ય પડ્યો.

જમીનમાં ખાસ્સું ઊંડું પોલાણ હોય ત્યાં આવા વમળ સર્જાતા હોય. જેટલો પ્રવાહનો વેગ વધારે એટલું વમળનું જોર વધારે. આજે પ્રવાહ શાંત હતો, તો વમળનો ચકરાવો ય ધીમો હતો. વમળમાંથી બહાર નીકળતી વખતે તેને જરાક જ ધક્કો વાગ્યો, પણ એ ધક્કાના આધારે તેણે ઈરમા ક્યાં ફંગોળાઈ હોય તેનો ક્યાસ કાઢ્યો.

તે દિવસે નદીમાં ભારે પૂર આવ્યું હતું. વમળનો ચકરાવો ફેરફૂદરડીની જેમ ફરતો હોય તો ઈરમા આટલે દૂર તો ફંગોળાઈ હોય એમ ધારીને તરતો તરતો તે થોડો આગળ ગયો. આવા વખતે પાછળ આવતા પાન્ડુ સહિતના માન્જો આદમીઓ ક્યાં હોય, કેટલાં દેખાતાં હોય તેનો અંદાજ તેણે માંડ્યો. તેની નજર સામે ગુફાઓના કુદરતી પોલાણો દેખાતા હતા.

ફરી એક ડૂબકી મારીને તે વધુ આગળ વધ્યો. ફરીથી અંતરનો અંદાજ લગાવ્યો. વિલીઈઈઈઈઈઈ... એવી ચીસ પાડી.

સામા કાંઠેથી માન્જો આદમીઓએ ચીસ સંભળાઈ હોવાનો સંકેત આપ્યો એટલે ફરી આગળ વધ્યો. આવું બે વાર કર્યું ત્યારે ત્રીજી ચીસ સંભળાઈ નહિ. આ રીતે તેણે ખાતરી કરી કે ઈરમા છેલ્લે અહીં ક્યાંક હોવી જોઈએ.

ધારો કે ઈરમાએ વિલિયમને આ તરફ ક્યાંક જોયો હોય અને એ માન્જોનું ધ્યાન એ બાજુ ખેંચવા મથતી હોય તેમ બની શકે?

કોરાયેલા પહાડોની ગુફાઓ, તેના પર બાઝેલા જંગલી વેલાઓ, વનસ્પતિઓ જોઈને તે એ દિશામાં લપક્યો. તેનું જોઈને દાજીએ ય પોતાના આદમીઓને પાછળ મોકલ્યા અને પોતે વિશાખાને દોરવતો કાંઠે કાંઠે એ દિશામાં આગળ વધ્યો.

બેય હાથે બળપૂર્વક પાણીને પાછળ ધકેલતો જેમ્સ કાંઠા પર પહોંચીને ખડકોની કુદરતી કોતરણીને જોઈ રહ્યો. અહીં સામેના કાંઠા સાથે સાવ સાંકડો પટ રચાતો હતો એટલે પાણીના હિલોળા કાંઠાથી ક્યાંય ઉપર છેક ખડક સુધી પછડાટ ખાતા હતા.

તે દિવસે નદીમાં પૂર હતું માટે જળની સપાટી અત્યારે છે એથી વધારે હોવી જોઈએ. પાણીમાં પડેલા રહીને જ તેણે ઉપરની તરફ જોયું. ટોચ પર ખાસ્સા પહોળા કમરા જેવા પોલાણો તળિયે આવતાં સુધીમાં સંકોચાઈને સાવ નાના બાખોરા જેવડા લાગતા હતા. જળસપાટીની એક નિશ્ચિત રેખા હવામાં ધારીને તેણે આસપાસ જોવા માંડ્યું.

પાણીનો વેગ વધારે હોય તો ખડકની દિવાલો સાથેની પાણીની પછડાટ પણ તીવ્ર હોય. એવે વખતે નાનું બાળક....

અચાનક જ જાણે તેને ઝાટકો લાગ્યો હોય તેમ તેણે કાંઠા પર છલાંગ લગાવી અને બીજા છોકરાઓને મદદે આવવા હાંકોટો કર્યો.

'ગો ધેર...' પાછળ આવી રહેલાં જવાનિયાઓને તેણે ઈશારો કર્યો, 'ચેક એવરી કેવ્ઝ એન્ડ ઈવન સ્મોલ હોલ્સ...'

લપસણા પહાડો પર હાથ ફંફોસીને તેણે એક ખાંચ શોધી અને આંગળીના ટેરવા તેમાં ખોસી બાવડાના જોરે જ શરીર ઊંચક્યું. પાણીમાં એ તરબોળ થયો હતો અને હવે શરીર ખેંચી રહ્યો હતો એથી આગલા દિવસનો માંડ રૂઝાયેલો ઘા ફરી ફાટ્યો હતો અને તેની આખી ય છાતી લોહીઝાણ થઈ રહી હતી.

પરંતુ પોતાના દર્દની પરવા કર્યા વગર એક ખડક પર પગ ટેકવીને તેણે સંતુલન જાળવ્યું અને એક એક બાખોરામાં આંગળા ખોસીને જાય એટલો હાથ અંદર નાંખવા માંડ્યો.

સદીઓથી માત્ર નદીના પાણી અને હવાનો જ સંસર્ગ પામતા રહેલાં બાખોરા આજે બાહ્ય સ્પર્શથી છેડાઈ રહ્યા હતા અને અંદરથી કાનખજૂરા, ક્યાંક સાપોલિયા તો ક્યાંક ઝેરી કાચિંડા, પાટલા ઘો બહાર આવી રહ્યા હતા. એથી ઉપરના સ્તરે સહેજ મોટા કદના પોલાણ તરફ તે આગળ વધ્યો અને નીચે જોયું. નદીનું પાણી આ સાંકડા પટમાં તે દિવસે આજે છે એથી પાંચ-સાત ફૂટ વધુ હોય તો કદાચ હજુ ય ઉપર ચકાસવું પડે.

તે ફરી એક તોતિંગ શીલાના પોલાણમાં પગ ટેકવીને ઉપર ચડ્યો. આ બાખોરાનું કદ લગભગ ચારથી છ ઈંચ પહોળાઈ ધરાવતું હતું. હાથ નાંખવાનું જોખમ લેવાને બદલે એક મજબૂત વેલો તોડીને તેણે અંદર ફેરવવા માંડ્યો.

ત્રીજું, ચોથું, પાંચમુ... પાંચમા બાખોરા પાસે એ અટક્યો.

અહીં વેલાની પાતળી ડાળખી સુદ્ધાં અંદર જતી ન હતી. એકધારા બાખોરામાં આ એક અંતરાય કેમ આવ્યો? એ ત્યાં જ થંભી ગયો અને તેણે ધ્યાનથી જોયું. જંગલી વનસ્પતિઓ તળે બાઝેલા માટીના થરની આસપાસ કશુંક નક્કર હોવાનું તેને કળાયું.

ઉતાવળા હાથે તેણે માટી ખોતરવા માંડી, વનસ્પતિ ખેંચવા માંડી. તેનું જોઈને બીજા જવાનિયા ય જોડાયા. એ માટી ખોતરતો જતો અને બીજા લોકો ફૂંક મારીને કે ડાળખા ખોસીને જગ્યા કરતા જતા હતા. જરાક હાથ પેસવા જેટલી જગ્યા કરીને તેણે અંદર હાથ નાંખ્યો, ફંફોસ્યો અને ટેરવાના સહારે આ સજ્જડ ફસાયેલી નક્કર ચીજ શું છે એ પારખવાનો પ્રયાસ કર્યો.

એક, બે, ત્રણ, ચાર અને પાંચમી સેકન્ડે જ તેના મોંમાથી ચિત્કાર નીકળી ગયો.

ગુફાના નાના અમથા બાખોરામાં મુશ્કેટાટ ફસાયેલી એ નક્કર ચીજ એકધારું બળ કરીને, આસપાસ થોડી જગ્યા કરતા જઈને તેણે આખરે બહાર ખેંચી કાઢી.

હવે તેના ચિત્કારમાં ધીમું ડુસ્કું ઉમેરાઈ ગયં હતું.

અંદર ફસાયેલી એ નક્કર ચીજ કોઈક હતભાગી બાળકની ખોપરી હતી!!

જેમ્સ ક્યાંય સુધી તાકી રહ્યો હતો. કદ, આકાર તેણે બારીકાઈથી અવલોક્યા હતા. દાજીએ અને અન્ય છોકરાઓએ ય ચકાસ્યું હતું. તાળવાનો ભાગ અંદર ફસાયેલો હતો. મતલબ કે, પાણીની પછડાટોમાં ફંગોળાતાં એ બાળકનું માથું ચત્તી સ્થિતિમાં જ અહીં ભરાયું હોય તેમ બની શકે.

એકધારી વિલિયમ પર નજર રાખી રહેલી ઈરમાએ તે જોયું હોય અને કમ સે કમ બાળક તો બચી શકે એવી આશાએ પાછળ આવતા માન્જો તરફ ઈશારો કર્યો હોય, પણ....

અઢીસો વર્ષ પહેલાની એ હોનારત મનોમન કલ્પી રહેલા જેમ્સની ગમગીની એકધારી આંખો વાટે વહી રહી હતી.

ખોપરી બે હાથમાં સંભાળપૂર્વક લઈને એ જેમતેમ ડગલાં માંડતો નદીના પાણીમાં ઉતર્યો અને વહેણની મધ્યમાં પહોંચ્યો નદીના સ્વચ્છ, નિર્મળ, વહેતા જળથી ખોપરી પર અભિષેક કર્યો અને જીન્સના ખિસ્સામાંથી સોનાનું લોકેટ કાઢી ખોપરી પર જેમતેમ ગોઠવ્યું અને એકધારું ભાવસભર આંખે જોઈ રહ્યો.

બેડોળ, ડરામણી ખોપરીની જગ્યાએ તેને હવે દેખાતો હતો કિલકારી કરી રહેલો ગોરોચીટ્ટો, રમતિયાળ બાળક... વિલિયમ આર્થર મૅક્લિન... મૅક્લિનનો બચ્ચો!

આંખમાં આંસુ, ચહેરા પર સ્મિત અને હૈયામાં વલોપાત... એવા મિશ્રભાવે જેમ્સ નદીમાં વધુ થોડો આગળ વધ્યો. આંખો બંધ કરી અને તેના હોઠ ફફડવા લાગ્યા.

ઈરમા... મને ખબર નથી કે મારી ધારણા કેટલી સાચી છે, કેટલી ખોટી છે... પણ તદ્દન અજાણ્યા મુલકમાં માત્ર અટકળના આધારે બુઢ્ઢા આદમીનો આ પ્રામાણિક પ્રયાસ છે... મારી મા, હું ય તારો દીકરો જ છું...

એક દીકરામાં તારો જીવ ભટકે છે તો તેની સદગતિ માટે તારા બબ્બે દીકરા અહીં આથડી રહ્યા છે... તારો એક દીકરો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે અને બીજો દીકરો છાતીએથી વહેતા લોહીની પરવા કર્યા વગર અહીં ઊઘાડા શરીરે નદીની વચ્ચોવચ ઊભો છે...

મા, તારા આત્માની શાંતિ માટે મારા આ પ્રયાસનો સ્વિકાર કરજે... તારા વ્હાલસોયાને બચાવી શકાયો નથી, પણ તેનામાં ભટકતા તારા જીવને હવે શાંત કર... મેં તેનાં આવડે એવા શુદ્ધિ સંસ્કાર કર્યા છે... તેનું નામકરણ કર્યું છે... આ જળની છાલક તરીકે પરમ કૃપાળુ જીસસની કરુણા તેના ચહેરા પર મેં છંટકારી છે... હું ય મૅક્લિનનો જ દીકરો છું... મારા તર્પણનો સ્વિકાર કરજે મા... મારા ભાઈઓ, ભત્રીજાઓ... તારા દીકરાઓને સુખી કરજે મા...

એ શું કરી રહ્યો હતો એ કશું સમજ્યા વગર દાજીભાઉ, સુરજ, તેના સાથીઓ અને વિશાખા દૂરથી જ તેને જોઈ રહ્યા હતા, અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો એ આદમી માથાબોળ ડૂબકી મારીને પાણીમાં ઉતર્યો, બહાર નીકળ્યો, ફરી ડૂબકી મારી અને બહાર નીકળ્યો. એવી ત્રીજી ડૂબકી વખતે તેના બંને હાથ છૂટા હતા અને એ હવામાં તાકીને છાતી પર પવિત્ર ક્રોસની સાઈન કરી રહ્યો હતો.

*** *** ***

બરાબર એ જ વખતે પુણેની હોસ્પિટલમાં ઈયાન ફાટી આંખે વિલિયમ ડગ્લાસ મૅક્લિનના બદલાતા હાવભાવને નિરખી રહ્યો હતો. ક્યાંય સુધી છટપટાતો રહેલા, બોલવા મથતા રહેલા વિલીનું અજાગૃત મન જાણે વલોવાઈ રહ્યું હતું. ઈયાનની અનેક કોશિષો છતાં એ હોંકારો ભણી શકતો ન હતો. તેના હોઠ ફફડતા હતા પણ ઉચ્ચાર થઈ શકતા ન હતા.

આખરે તેનું તંગ શરીર ઢીલું થવા લાગ્યું હતું. ચહેરા પર ઉદ્વેગ, તણાવના સ્થાને પારાવાર હળવાશ આવી હોય તેવી કુમાશ વર્તાતી હતી. બંધ આંખોની ભીતર સળવળતી કીકીઓ સ્થિર થઈ હોય તેમ એક જ દિશાએ મંડાયેલી હતી.

અચાનક તેણે જમણે હાથ ઊંચક્યો, કાંડામાંથી સહેજ વાળીને આગળ ધર્યો. તેના હોઠ પર હળવું સ્મિત હતું, તેનો હાથ ઘડીક અધ્ધર હવામાં રહ્યો અને પછી પરમ સંતોષથી મૂકતો હોય તેમ ધીમે ધીમે હાથ નીચે મૂકી રહ્યો હતો. તેના હાથ પર કોઈ અદૃશ્ય હોઠે વ્હાલપભર્યું સજળ ચૂંબન કર્યું હોય તેમ ત્યાં ભીનાશ છવાઈ ગઈ હતી.

હવે એ સ્મિતભેર છાતી પર ક્રોસનું પવિત્ર ચિહ્ન અંકિત કરવા મથતો હતો.

ઈયાન સ્તબ્ધ આંખે જોઈ રહ્યો.

*** *** ***

એક વરસ પછી...

સ્થળઃ એડિનબર્ગથી સહેજ આગળ મૅક્લિન એસ્ટેટ

અગાઉ અહીં કેવળ પથ્થર જડેલી પગદંડી હતી ત્યાં હવે આલિશાન દરવાજો છે. દરવાજા પર મૅક્લિન એસ્ટેટ લખેલું જાજરમાન પાટિયું મઢેલું છે. જર્જરિત, જૂના, એકલવાયા મકાનોમાં જાણે પ્રાણસંચાર થયો હોય તેમ નવા વાઘાં સજીને મધ્યયુગના સ્કોટિશ લડવૈયાઓની જેમ સજીધજીને બેઠા છે. મુખ્ય માર્ગ પરના દરેક મકાનોને એક એક ગેલેરીનું નામ અપાયું છે.

આર્થર ગેલેરી... હેન્રી ગેલેરી... રિચર્ડ... ફ્રેડરિક...

ક્યાંક સ્કોટિશ લડવૈયાઓના ડ્રેસિંગની સિરિઝ છે, ક્યાંક મધ્યયુગના આયુધો રખાયેલા છે, કોઈક ઠેકાણે રેખાચિત્રોની સ્ટેન્ડી પર ઈતિહાસ વર્ણવાયો છે અને દરેક ગેલેરીમાં પ્રવાસીઓ આમતેમ ઘૂમી રહ્યા છે.

વોકિંગ સ્ટિકના ટેકે પગદંડી પર ચાલી રહેલા, ગેલેરીના મુલાકાતીઓનું સ્મિતભેર અભિવાદન કરી રહેલા એક જવાન આદમીએ કમરથી નીચે લાલ, ભૂરા, કાળા ચોકઠાં મઢેલો પરંપરાગત સ્કોટિશ ટાર્ટન વિંટાળ્યો છે. છાતી પર વેસ્ટકોટ પહેર્યો છે અને ચેસ્ટ બેલ્ટમાં બાંધી છે મર્ડોક ગન...

એ વિલિયમ છે... વિલિયમ ડગ્લાસ મૅક્લિન!

*** *** ***

મૅક્લિન કૂળના ચર્ચમાં પાદરી એક વરસથી બરાબર ધંધે લાગેલો છે. રોજ ચોપડાં ફેંદવા પડે છે. રોજ જાતભાતના રેકર્ડ ચેક કરવા પડે છે. ભોંય પર બેઠેલો એક બુઢ્ઢો લેપટોપ પર આખો દિવસ મેઈલ ચકાસતો રહે છે... મેઈલ કરતો રહે છે અને આવેલી નોંધ પાદરીના હાથે ચોપડા પર ચીતરાવતો રહે છે.

મૅક્લિન્સના આ પેઢીનામામાં અત્યાર સુધી માત્ર પુરુષોના જ નામ લખાતા હતા. આ બુઢ્ઢાએ હવે સદીઓની પરંપરા બદલવાનું બીડું ઝડપ્યું છે. મૅક્લિનનું ગુમાન, મૅક્લિનનું ગૌરવ માત્ર પુરુષો જ શા માટે? અમારી મા, અમારી પત્ની, દીકરી, બહેન પણ એ ગૌરવની એટલી જ અધિકારી છે. હવેથી મૅક્લિનના પેઢીનામામાં માતાનું નામ પણ લખાશે એવો આદેશ તેણે સર્વત્ર ફેરવી દીધો છે.

પહેલું નામ તેણે ઉમેરાવ્યું હતું ઈરમા આર્થર મૅક્લિન અને પછી બીજું નામ લખાવ્યું હતું નોરા જેમ્સ મૅક્લિન!

હવે તે બ્રિટનમાં અને દુનિયાભરમાં વસતા મૅક્લિન વંશજોનો સંપર્ક કરીને મહત્તમ વિગતો મેળવી રહ્યો છે. એક વરસથી એ પાછળ પડેલો છે અને તોય એના જીવને ચેન નથી.

એ જેમ્સ મૅક્લિન છે.

*** *** ***

પીરની ટેકરી પાસે મેળા જેવું વાતાવરણ છે. પોતાને ગમતી છોકરી હવે તો ઘરડી થઈ છે તોય તેને પરણીને બેહદ ખુશખુશાલ રહેતા દાજીભાઉએ હવે સમાજની જવાબદારી સુરજના માથે નાંખી દીધી છે. આજે એ બહુ ઉલટભેર અનોખા મહેમાનની પરોણાગત કરી રહ્યો છે. એ અનોખા મહેમાન છે એક જવાન છોકરી અને તેની આઈ.

એ છોકરી 'ગાતાં ચંડોળની માફક' હોંશભેર ટેકરીઓ પર ઘૂમી વળી છે.

હવે એ પાળિયાઓના બેકગ્રાઉન્ડમાં સેલ્ફી લે છે અને વોટ્સએપ પર કોઈકને મોકલે છે. સામેથી જવાબ આવે છે અને એ લજાઈ જાય છે. સાનમાં મરકી રહેલાં મોબાઈલના સ્ક્રિન પર મેસેજ ટહુકો કરી રહ્યો છે,

'લંડન ઈઝ વેઈટિંગ...!'

(સંપૂર્ણ)

X
maclean estate novel by dhaivat trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી