Back કથા સરિતા
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 4)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

હું મારી માની ભટકતી રૂહની મુક્તિ માટે આટલે દૂર આવ્યો છું...

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  

પ્રકરણ - 52

દિવસભર શાંત રહેલા વિલીને સાંજથી ફરી ઉત્પાત ચડ્યો હતો. જડબા પછી હવે પાંસળીની પણ સર્જરી થઈ હતી. એટલે તે ભયંકર પાટાપીંડીમાં લપેટાયેલો હતો. તેને જોઈને ઈયાનને ડુસ્કું આવી જતું હતું. બાપ ડગ્લાસની બદહાલી જોયા પછી ઈયાનના નસીબમાં વિલીની ય આવી ખરાબ હાલત જોવાની આવી હતી.


ડગ્લાસના સ્મરણથી એ જરા સતર્ક થયો. એ વખતે પોતે ડગ્લાસની વાતોમાં વિશ્વાસ મૂકી શક્યો ન હતો, પણ વિલીને તો એ કશું નહિ જ થવા દે. ઊંડો શ્વાસ લઈને એ ઊભો થયો. આઈસીયુમાં ડોક્ટર્સ સાથે ચર્ચા કરી. આગલી રાતના સળંગ ઉજાગરા પછી સવારે તેણે ચારેક કલાક આરામ લીધો હતો. એ દરમિયાન બ્રિટિશ એમ્બેસીના માણસો દેખરેખમાં રહ્યા હતા. અહીં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત હોવાથી એટલાં પૂરતી રાહત હતી.


પરંતુ સાંજે વિલીની માનસિક સ્થિતિ ફરી ચગડોળે ચડી હોય એમ તેના ચહેરાના હાવભાવ તીવ્રતાથી બદલાઈ રહ્યા હતા. ઈયાને ખાસ્સી વાર પ્રયાસો કર્યા. સવાલો પૂછ્યા, તેના હોઠનો ફફડાટ સાંભળવાનો ય પ્રયત્ન કરી જોયો, પણ એ બિલકુલ પ્રતિસાદ આપતો ન હતો.


મોડી રાત્રે જેમ્સનો ફોન આવ્યો ત્યારે ઈયાનને હાશ થઈ. જેમ્સે જે જુગાર ખેલવાનો નિર્ણય લીધો હતો એ ઈયાન જેવા વેપારી દિમાગના માણસને કદી ગળે ઉતરે તેમ ન હતો, પણ જેમ્સની વાત સ્વિકાર્યા વગર આરો પણ ન હતો. નમતી બપોરે જેમ્સ અને વિશાખા આમરાળ જવા નીકળ્યા ત્યારથી બેચેન રહેલા ઈયાનને મોબાઈલના સ્ક્રિન પર વિશાખાનું નામ જોઈને જ હળવાશ થવા લાગી.


પહેલાં વિશાખાએ અને પછી જેમ્સે વાત કરી. આદત મુજબ, જેમ્સ દરેક વાત વિગતવાર કહી રહ્યો હતો અને એક-એક વાક્યે ઈયાનની ચટપટી વધતી જતી હતી. આખ્યાન, માન્જોની પ્રતિજ્ઞા, જેમ્સે ચૂકવેલું ઋણ અને છેલ્લે ઓછરા...


ઈયાન બેહદ આભો થઈ ગયો હતો. મતલબ કે તે દિવસે વિલીએ બેહોશ હાલતમાં કરેલી બબડાટી સાચી હતી. ચોક્કસપણે ઈરમા જ તેને સપનામાં કશોક સંકેત આપી ચૂકી હતી અને હવે યોગાનુયોગે જેમ્સ પણ એ જ રસ્તે હતો.


'ઓહ જીસસ...' મનોમન બબડીને તેણે છાતી પર ક્રોસની સાઈન કરી નાંખી. તદ્દન પાંખી અટકળોના આધારે અને ભયાનક તોફાની ઘટનાઓ પછી તેઓ હવે ગજબનાક વળાંક પર આવી ઊભા હતા.
*** *** ***

રાત્રે ખાસ્સા મોડા હોટેલ પર પહોંચ્યા પછી જેમ્સને તીવ્ર ઘેન ચડ્યું હતું. સામી છાતીએ ફરશુનો ઘા ખાધા પછી તરત જ માન્જો છોકરાંઓએ કેટલીક વનસ્પતિ, વેલાંનો કૂચો કરીને તેના ઘા પર બાંધી દીધો હતો એથી લોહી વહેતું તો તરત અટકી ગયું હતું, પરંતુ બીજા દિવસે નવી દડમજલ કરવાની હતી. એટલે હોટેલ પર પરત ફર્યા પછી વિશાખાએ હોટેલની મેડિકલ સર્વિસને કન્સલ્ટ કરવાનો હઠાગ્રહ કર્યો હતો. છેવટે જેમ્સ માન્યો હતો અને ફરજ પરના ડોક્ટરે ડ્રેસિંગ કરીને ઝડપી રૂઝ આવે એ માટે એન્ટીસેપ્ટિક અને એનાલ્જેસિક મેડિસિન આપી હતી.


ઊંઘતી વખતે જેમ્સે ફરીથી મનોમન ઈરમાનું સ્મરણ કરીને કશોક સંકેત આપવા આહ્વાન કર્યું હતું, પરંતુ દિવસભરનો થાક, ઈજા અને દવાઓની અસરને લીધે એ ક્યારે ગાઢ ઊંઘમાં સરી ગયો તેની તેને જ ખબર ન રહી.


સવારે વિશાખા જ તેને જગાડવાની હતી, તો પણ રોજની આદત મુજબ આકરી શિસ્તમાં રહેતો એ સ્કોટિશ આદમી વહેલી સવારે ઊઠી ગયો. બારીની બહાર રેવનના ત્રણેય વૃક્ષોને તે ઘડીક ભાવપૂર્વક જોઈ રહ્યો.


સદીઓ પહેલાં અહીં આવેલા અંગ્રેજો કેટલી તીવ્ર મહત્વાકાંક્ષાથી દોરવાયા આવ્યા હશે... અજાણ્યો મુલ્ક, અજાણ્યો સમાજ, તદ્દન ભિન્ન વાતાવરણ... અહીં પોતાનો પગ જમાવવા માટે કેટલું ઝઝુમ્યા હશે. એક બાજુ તેને પોતાના પૂર્વજોના પરાક્રમો માટે અહોભાવ થતો હતો અને પછી તરત જ આર્થરે આચરેલી સંહારલીલા યાદ આવતાં તેને ગ્લાનિ થઈ આવતી હતી.


શૂરવીરતાની મધ્યયુગની વ્યાખ્યામાં રાચતો એ નખશીખ યોદ્ધો વિજેતાઓના હાથે થતાં પરાજિતોના શોષણની કહાનીથી સ્તબ્ધ બની જતો હતો. શક્તિ અને શોષણ અમૂક સ્તર પછી એકમેકના પર્યાયવાચી કેમ બની જાય છે? એકનો વિજય એ બીજાના શોષણનું કારણ કે નિમિત્ત બનતો હોય તો તેને બહાદુરી કેમ કહેવાય? એ તો જીવ બચાવવાની પેરવી અને જીવ બચ્યા પછીની આપખુદી ન કહેવાય? એકની શક્તિ બીજાના આત્મ સન્માનને હણવાનું નિમિત્ત બનતી હોય તો પછી એ ગૌરવગાથા કેવી રીતે ગણાય?


આ માન્જો... તેણે મનોમન ગઈકાલના દૃશ્યો તાજાં કરવા માંડ્યા. આર્થરે તેમના એક-એક ઘરમાં હાહાકાર મચાવ્યો હતો. એ પોતે ય પછી તો પોતાની તમામ નબળાઈ છતાં આર્થર જેવા શક્તિશાળી હાકેમને હણવા તત્પર હતા. પરંતુ એ જ માન્જો ભેખડ ધસી પડ્યા પછી ઈરમા અને બાળકને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. બહાદુરી તો એ ન કહેવાય?


એ વખતે ફેલાયેલી અંધાધૂંધી અને આર્થરની વિવશતાનો લાભ લઈને તેમણે તીર ભોંક દીધું હોત તો?


બહાદુરીની વ્યાખ્યા શું? આ કાંઠે હાકલિયાઓના દેકારા મરાવીને વાઘને બહાર કાઢતો અને પછી ગોળીએ દેતો આર્થર? અબૂધ, નિહથ્થા, નબળા માન્જોની કત્લેઆમ ચલાવતો આર્થર? કે પછી તમામ વેરને બાજુએ રાખીને સામા કાંઠેથી ઈરમાને, બાળકને બચાવવા નદીમાં ઝંપલાવતા માન્જો?


સવાલોના ઘમસાણથી ત્રાસીને તેણે માથું ધૂણાવી દીધું.

અહીં આવ્યા પછી બાળપણથી સેવેલી, દૃઢીભૂત કરેલી તેની વિચારધારાના કાંગરા ધીરે ધીરે ખરી રહ્યા હતા અને અજાણપણે એ તૂટતાં કાંગરાઓ રોકવા મનોમન હવાતિયાં મારી રહ્યો હતો.


અચાનક દરવાજો નોક થવાથી તેની તંદ્રા તૂટી. તેણે દરવાજો ખોલ્યો ત્યારે વિશાખા તૈયાર થઈને સ્મિત વેરતી સામે જ ઊભી હતી.
*** *** ***

પંચગની અને મહાબળેશ્વર એ ખરેખર તો અંગ્રેજોએ વિકસાવેલી જગ્યા છે એટલે આજે પણ મોટાભાગના ટુરિસ્ટ માત્ર અંગ્રેજોની આંખે જ આ બે સ્થળોની નૈસર્ગિક જાહોજલાલી જોઈને સંતુષ્ટ રહે છે. અન્યથા અંગ્રેજના નામ સાથે લાગેલા પોઈન્ટ સિવાયની જગ્યાઓએ પણ કુદરતે છૂટા હાથે રમ્યતા રમતી મૂકેલી છે.


સહ્યાદ્રીની ગિરિમાળા અહીં ઓતરાદી અને દખણાદી એવા બે ફાંટામાં વહેંચાયેલી છે. આશરે ત્રીશેક કીલોમીટર સુધી આ ફાંટા સંકડાતા, પહોળાતા રહીને જ્યાં એકઠા થાય છે એ જગાએ એક નાનકડો ડેમ બંધાઈ ગયો છે. અહીં સાવિત્રી અને કૃષ્ણા નદી ચારેક કિલોમીટર સુધી સહિયારી વહે છે અને પછી બેયના માર્ગ અલગ ફંટાય છે.


સામસામે ડાચા ફાડીને ઊભેલા મહારથીઓના વિકરાળ સૈન્ય જેવી ભીષણ કરાડો ડેમની પહેલાં એકમેકની સાવ સામે ધસી આવે છે અને નૈસર્ગિક રીતે જ સૌથી વધુ સાંકડો પટ રચી નાંખે છે એ જગ્યા એટલે ઓછરાની ગુફા.


આર્થર પોઈન્ટની સાવ સામેના કાંઠે, પણ આર્થર પોઈન્ટથી લગભગ અડધો કિલોમીટર ડાબી તરફ તીવ્ર વળાંક લેતી ખીણ પાસે આવેલી ઓછરાની ગુફા નિસર્ગની રમ્યલીલાનો અદભૂત નમૂનો છે. અહીં અડધા સુધીનો પહાડ જાણે કુશળ સલાટના હાથે કોરાયો હોય તેમ મોટા મોટા કમરાના કદમાં લગભગ એકસરખા આર્થર પોઈન્ટની સાવ સામેના કાંઠે, પણ આર્થર પોઈન્ટથી લગભગ અડધો કિલોમીટર ડાબી તરફ તીવ્ર વળાંક લેતી ખીણ પાસે આવેલી ઓછરાની ગુફા નિસર્ગની રમ્યલીલાનો અદભૂત નમૂનો છે. અહીં અડધા સુધીનો પહાડ જાણે કુશળ સલાટના હાથે કોરાયો હોય તેમ મોટા મોટા કમરાના કદમાં લગભગ એકસરખા માપમાં કપાયેલો જોવા મળે છે. હારબંધ આઠ-દસ માણસ પાળી પર બેઠા હોય તેમ બેસી શકે કે પછી એક જ લીટીમાં ત્રણ આદમી સૂઈ શકે એટલી લંબાઈ-પહોળાઈ ધરાવતી આ ભેદી કોતરણી પહાડના મધ્યથી શરૂ થઈ ખીણના છેડા સુધી સંકોચાતી જાય છે. નદીકાંઠા અને ખીણના સંગમસ્થાને અડતી પહાડની ધાર ક્યાંક દોઢ ફૂટ, એક કે અડધો ફૂટ અને ક્યાંક તો માંડ ત્રણ-ચાર આંગળી જાય એવા બાખોરા જેવી લાગે છે.


સ્થાનિકો આ ગુફાઓને ગૌતમ તથાગતના અનુયાયીઓની ભીષણ તપશ્ચર્યાઓ સાથે જોડે છે. બૌદ્ધ સાધુઓ કિરમજી રંગનો દુશાલો ઓઢે, એ દુશાલો દેહાતી ભાષામાં ઓછરો કહેવાય. માટે આ ભેદી, અજાયબ અને રમણિય સ્થળને ઓછરાની ગુફા તરીકે ઓળખવામાં આવતું.


આર્થર પોઈન્ટ પહોંચીને જેમ્સ જ્યારે એ જ ભેખડ પર ઊભો રહ્યો ત્યારે પગથી માથા સુધી તેને વીજળીના ઝાટકા જેવી તીવ્ર અનુભૂતિ થઈ આવી હતી અને અનાયાસે જ તેની આંખો મિંચાઈ ગઈ હતી. બંધ આંખોની ભીતર પુનઃ એ દૃશ્ય સજીવન થઈ રહ્યું હતું.


અત્યારે જ્યાં રેલિંગ બાંધેલું ચોકઠું છે ત્યાં ઈરમા વિલિયમને રમાડતી હશે. તેની ડાબી તરફ આર્થર ભોંયસરસો લેટેલો હશે અને અચાનક...


તેણે ઝાટકા સાથે આંખ ખોલી નાંખી અને જરાક સ્વસ્થ થયા પછી નીચે જોયું એ સાથે તેનું હૈયું ફફડી ગયું. ભેખડ ખરેખર ભયંકર જગ્યા હતી. નીચે સીધી 90 અંશના ખૂણે ધસમસતી નદી પર લટકતી આ ભેખડ ફસકાઈ હોય પછી બચવાની કોઈ શક્યતા જ ન રહે.


માન્જો આદમીઓની મદદથી આર્થર પોઈન્ટની ડાબી બાજુએથી એ નીચે ઉતર્યો. તેણે ના પાડી હતી તો પણ વિશાખા જીદ કરીને નીચે ઉતરવામાં તેની સાથે જોડાઈ. ભેખડની બરાબર નીચે આવીને તે ઘડીક ભાવપૂર્વક પથરાળ ખીણને અને ખીણની ધારને પખવાળતા સાવિત્રીના જળને જોઈ રહ્યો.


અહીં જ ક્યાંક કારમી ચીસ સાથે ઈરમા ઝીંકાઈ હશે... અહીં જ ક્યાંક તેનું વ્હાલસોયું બચ્ચું તેના હાથમાંથી છૂટીને અનંત કાળની ગર્તા ભણી વહેતું થયું હશે. ઈરમાનો એ ઝુરાપો... ઈરમાની એ વેદના આજે સદીઓ પછી ય જેમની તેમ ઊભેલી છે.


એ સહેજ ઝુક્યો, જમીનમાં આંગળા ફંફોસીને ભીની માટી ઊઠાવીને જેકેટના ખિસ્સામાં મૂકી અને સજળ આંખે હવામાં જોયું....


મા... ઈરમા... હું તારા વંશનો દીકરો તારા આત્માની તૃપ્તિ માટે, તારી મુક્તિ માટે અહીં અજાણી ભૂમિ પર માત્ર અટકળના આધારે આડેધડ આથડી રહ્યો છું... મને સંકેત આપ... મને કહે, હું શું કરું તો તારા આત્માની સદગતિ થાય? હું શું કરું તો તારી ભટકતી રૂહને ચેન મળે?


દાજીભાઉ સહિતના માન્જો જવાનિયા તાજુબીથી આ અલમસ્ત, ઝુઝાર અને લડાયક આદમીને ભાવવિભોર થતો જોઈ રહ્યા. સદીઓ પહેલાં અકાળ મોતને ભેટેલી નિર્દોષ વેલીને, પ્રણયઘેલા રૂંગડાને પોતે સંભારતા હતા એવાં જ ભાવ કદી ન જોયેલી પોતાની પૂર્વજ મા માટે એક વિદેશીના ચહેરા પર પથરાયેલા તેઓ નિહાળી રહ્યા હતા.


ભેખડ તૂટીને અહીં જ ક્યાંક વેરાઈ હોય એવી અટકળથી આસપાસ ઘૂમી રહેલો જેમ્સ ઘડીક આંખો ખોલતો હતો, ઘડીક આંખો મીંચીને સ્તબ્ધપણે ત્યાં જ ખોડાઈ જતો હતો અને તેના હોઠનો ફફડાટ સતત જારી હતો.


ઈરમા... ઈરમા... આઈ એમ યોર સન... અ પ્યોર મૅક્લિન બ્લડ... આઈ એમ હિઅર ટુ આસ્ક યુ... પ્લિઝ ગીવ મી સ્ટ્રેન્ગ્થ... ગીવ મી સાઈન... ઓ મધર મેરી, હું મારી માની ભટકતી રૂહની મુક્તિ માટે આટલે દૂર આવ્યો છું... મને કંઈક સંકેત આપો... મને સહાયતા કરો... હું સાવ લાચાર દશામાં અહીંતહીં હવાતિયાં મારી રહ્યો છું... મને નિશ્ચિત સંકેત આપો... હું શું કરું મા, હું શું કરું તો તમને સ્વર્ગ મળે...


મૌનરાગમાં એ સતત બોલતો જ રહ્યો અને ક્યારે તેનો મૂંગો ફફડાટ શબ્દ બનીને ગળા વાટે ફૂંકાવા લાગ્યો એ ય તેને ભાન ન રહ્યું. આંખોની ભીનાશ ક્યારે ડુસ્કાં બનીને ચોધાર વહી રહી એ ય તેને સમજાયું નહિ અને એ ભડભાદર આદમીને ચોધાર આંસુએ રડતો જોઈને ધસમસ વહેતી સાવિત્રી ય ઘડીભર થંભી ગઈ.
*** *** ***


બરાબર એ જ વખતે પુણેની હોસ્પિટલમાં વિલીનો ઉત્પાત બેકાબૂ બન્યો હતો. એટલી હદે એ પગ છટપટાવી રહ્યો હતો કે તેના પગ બાંધવાની ડોક્ટરને ફરજ પડી હતી. આટલી ગંભીર ઈજા અને સર્જરી પછી કોઈ પેશન્ટ એવું પાગલપન દાખવે એ બિના ડોક્ટર માટે ય ચોંકાવનારી હતી.


તેના ચહેરાના હાવભાવ સતત બદલાતા રહેતા હતા. ઘડીક એ કશુંક સાંભળતો હોય તેમ તદ્દન સ્થિર, નિર્જીવ પૂતળા જેવો થઈ જતો હતો અને પછી અચાનક જ જાણે તેને કંઈક કહેવું હોય અને કહી શકતો ન હોય એવી ગૂંગળામણથી છટપટાઈ ઊઠતો હતો.


ઈયાન સતત તેની બાજુમાં ખોડાયેલો રહીને તેના હાવભાવ, હોઠનો ફફડાટ પામવા મથતો હતો. તેના હોઠ સતત કંઈક બોલવા મથતા હતા, પણ કમજોરીને લીધે કે બેહોશીને લીધે તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો.

ઈયાને ફરી પૃચ્છા આદરી, 'વિલી, પ્લિઝ ટેલ મી... ઈરમા તને શું કહી રહી છે?'


આખા ય મોંઢે બાંધેલા પાટાની ભીતર વિલીના હોઠ સહેજ વંકાયા અને સદંતર ગૂંગણા, ધીમા અસ્પષ્ટ અવાજે માંડ માંડ ઈયાનને કશુંક સંભળાયું અને મોટા અવાજે તે પૂછી બેઠો,


'શું કહ્યું? વિલી ત્યાં છે એમ?'


જાણે સાવ સભાનપણે પ્રત્યુત્તર વાળતો હોય તેમ બેહોશ હાલતમાં વિલિયમ ડોકું હલાવવા મથતો હતો.


(આવતીકાલે સમાપ્ત)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP