Back કથા સરિતા
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 4)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

ખાંભીઓની સામેથી ત્રાડ ઊઠી, ફરશુનો ચમકારો થયો અને જેમ્સની છાતીમાંથી લોહીનો ફૂવારો ઊડ્યો

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

પ્રકરણ - 51


એકધારી તડાપીટ બોલાવ્યા પછી હવે વરસાદ જરાક થંભ્યો હતો. આકાશમાં નીકળેલો ઊઘાડ ઢળી રહેલી સાંજના ઓછાયા તળે ધીમે ધીમે સાળ સંકોરતો જતો હતો. અહીં પીરની ટેકરી તરીકે ઓળખાતી જગાએ હારબંધ સિંદુરિયા પાળિયાની બાજુમાં અજીબ દૃશ્ય સર્જાયું હતું.


અઢીસો વર્ષ પહેલાં અહીં આવીને હાહાકાર મચાવી ગયેલા, લોહીની નીકો વહાવી ગયેલા આર્થર મૅક્લિનના કૂળનો આદમી અને માન્જો જાતિના લોકો એકસાથે ટોળે મળીને બેઠા હતા.


ઊંચા પહાડોમાંથી નીકળીને અહીંની ટેકરીઓ પરથી નદીની દિશામાં ધોધમાર વહી જતા ઝરણા, આથમતી સાંજ, ભીનાશથી તરબતર હવા અને લીલીછમ ટેકરીઓ પર જાણે કેસરવરણી ચાદર ઓઢાડી હોય એમ પથરાયેલી પાળિયાઓની હારમાળા...


જેમ્સ બહુ જ ભાવપૂર્વક પાળિયાઓને જોઈ રહ્યો હતો.


'આ જ જગ્યાએ આર્થરે હત્યાકાંડ આચર્યો હતો...' દાજીભાઉએ કહ્યું તેનો વિશાખાએ કરેલો તરજૂમો સાંભળીને જેમ્સે ગમગીન ચહેરે ડોકું ધૂણાવ્યું.


'એક-એક ઘરમાંથી ખેંચી ખેંચીને તેના ફૌજીઓ માન્જો જવાનો, તરુણો, ચાલી ય ન શકતાં વૃદ્ધોને અહીં ખેંચી લાવ્યા હતા અને સામે હાર ખડી થાય એટલે આર્થર તેના બંદૂકબાજોને આદેશ આપતો હતો. એક એક ધડાકા સાથે કારમી ચીસો ઊઠી હતી એ સાંજે...'


દાજીભાઉ સપાટ સ્વરે કહી રહ્યો હતો અને ત્યાં એકઠાં થયેલાં માન્જોના પુરુષો, મહિલાઓના ચહેરા પર પારાવાર ઉદાસી છવાઈ જતી જેમ્સને વર્તાતી હતી, જાણે આ ઘટના હજુ ગઈકાલની જ હોય!


સુરજ અને તેની ઉંમરના માન્જો છોકરાઓ કેળના પાનનો વિંટો બનાવી રહ્યા હતા. જેમ્સ એ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. કેળવાયેલા હાથે બનેલા વિંટાની વચ્ચે તેમણે ઘીમાં પલાળેલી રૂની વાટ મૂકી અને દીવડો પ્રગટાવ્યો. જોતજોતામાં દરેક ખાંભીની સામે દીવડાંઓ ઝગમગી ઊઠ્યા. ઘેરાતા અંધરા તળે ટેકરીઓના ઢોળાવ પર ઊભેલી ખાંભી, તેના પર થયેલા સિંદુરના થાપા અને ખાંભીના પાયા પાસે ઝગમગતા દીવડાં...


78 નિહથ્થા આદમીઓને મારવાની પાપલીલા એ દૃશ્ય થકી રોજ તાજી થતી હતી. આજે અઢીસો વર્ષ પછી પણ માન્જો આ કહાનીને અને મૅક્લિનના ખૂની પ્યાસને કેમ ભૂલ્યા નથી એ જેમ્સ હવે સાંગોપાંગ સમજી શકતો હતો.


અંધારૂં ઘેરાયા પછી હવે કસ્બાના ચોતરામાં બેઠક જામી છે. દૂર ઝુંપડાઓમાં જલતા ચૂલાઓ પર શેકાતી બાટીની સોડમ હવામાં ઘૂમરાઈ રહી છે. જેમ્સ ભલે મૅક્લિનનો દીકરો હોય, પણ હવે એ આપણો મહેમાન છે એવા દાજીભાઊના આદેશને લીધે ક-મને ય માન્જોની ઔરતોએ લીલી તુવેરનું શાક અને છડેલા ચોખાના ભાત ચૂલે ચડાવી દીધા છે.


'આજે આટલાં વરસે ય તમે આ આખી કથા યથાવત યાદ કેવી રીતે રાખી શક્યા છો? જેમ્સને આ ભોળા, મિલનસાર અને ખાસ તો નિષ્પાપ આદમીઓ પ્રત્યે સાચોસાચ અનુકંપા થઈ રહી હતી.


'અમે એ હત્યાકાંડને કદી વિસરાવા નથી દીધો...' ચોતરાની માથે પ્લાસ્ટિકનું બૂંગણ બાંધી રહેલા છોકરાઓને વધુ ફાનસ લાવવા કહીને દાજીભાઉએ જવાબ વાળ્યો , 'રૂંગડાનો એક સાથી હતો... પાંડ્યો... એ પાંડ્યો મૅક્લિન એસ્ટેટ પર હુમલો કરવામાં સાથે હતો. બીજા દરેક હુમલાખોરો પકડાઈ ગયેલા, પણ ઝાડના ઘટાટોપ વચ્ચે લપાયેલો પાંડ્યો કોઈના હાથમાં ન આવ્યો. એ પોતે તો બચી ગયો, પણ આ હત્યાંકાડથી ભયંકર વિક્ષુબ્ધ થઈને એ દિવસો સુધી કસ્બામાં પરત આવ્યો ન હતો. કેટલાંય સમય પછી પરત આવ્યો ત્યારે તેની પાસે આ આખ્યાન હતું... વેલી અને રૂંગડાની શોણિતભીની અધૂરી પ્રેમકથાનું આખ્યાન!'


'અને પહેલું સંતાન ન પરણે એનું કારણ?' વિશાખાથી પૂછ્યા વગર ન રહેવાયું. ગામડાંની ઘેરાતી સાંજ આવી જ હોય તેનાંથી બરાબર ટેવાયેલી વિશાખાને અહીં તો પોતાનાં ઘર જેવું જ લાગતું હતું, પણ આખ્યાનનો ભાર હજુ ય તેનાં મન પરથી હટતો ન હતો.


'વેલી અને રૂંગડો બંને પોતપોતાના મા-બાપનું પ્રથમ સંતાન હતા. અમારા રિવાજ મુજબ, ચોમાસા દરમિયાન આકાશ વાદળોથી ઘેરાયેલું રહે. ભાગ્યે જ તારલાઓ દેખાય. એમાં જ્યારે સપ્તર્ષિનું તારકવૃંદ સ્પષ્ટ ભાળી શકાય એ અમારે મન સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત. વેલી અને રૂંગડાના વિવાહ આડે બસ, આકાશમાંથી વાદળો જરાક હટે એની જ રાહ હતી. એ વખતે પાંડ્યાએ તેના આખ્યાનમાં લખ્યું કે હવે પછી માન્જોના કુટુંબમાં જન્મેલો પહેલો દીકરો કે પહેલી દીકરી કદી જ સપ્તર્ષિનો તારો જોઈ નહિ શકે. બસ, એમ જ ધારો પડી ગયો. ત્યારે આ હત્યાકાંડથી અમારા સમાજમાં ભયંકર આક્રોશ હતો. કોઈપણ પ્રકારે આર્થર મૅક્લિનને મારવાનું, તેનું લોહી ખાંભી પર ચડાવવાનું ઝનૂન અમારા વડવાઓના માથા પર સવાર હતું. આ પ્રણ, આ પ્રતિજ્ઞા તો બહુ જલદી પૂરી થઈ શકશે એવી કદાચ તેમની ધારણા હોય, પણ એ ખૂબ અઘરું હતું, કહો કે અશક્ય જ હતું. છેવટે એ જ પરંપરા આગળ વધતી રહી. આજે સદીઓ પછી ય માન્જોના સેંકડો લોકો આજીવન અપરિણિત રહે છે...'

અત્યાર સુધી સ્વસ્થ અવાજે કહી રહેલાં દાજીના સ્વરમાં જરાક કંપ આવ્યો અને તેણે ઉમેર્યું, 'એમાંનો એક હું પણ છું...'


'મતલબ કે...'

'હા, હું પણ પરણી શક્યો નથી...' ચોતરાની સામેના વળાંક પર ગાર-માટીના એક ઝૂંપડા તરફ અછડતી, ત્રાંસી નજર ફેરવીને તેણે કહ્યું, 'બાળપણથી જ મને બહુ ગમતી છોકરી સાવ સામે જ હોવા છતાં મારી કમભાગી આંખોને ય કદી સપ્તર્ષિનું મૂહુર્ત નસીબમાં આવ્યું નથી...'


'આ ઘન્ચ્યો... આ દનુ... પેલી ફૂલી... ત્યાં બેઠો છે એ દૂળો... આવી તો કેટકેટલીય કહાની અહીં ઘરે-ઘરે છે...' આટલું કહીને એ ચૂપ થઈ ગયો. ફાનસના આછા અજવાળામાં ભાળી ન શકાતી તેની આંખોની તગતગતી ભીનાશ જોકે તૂટેલા અવાજમાં વ્યક્ત થઈ જતી હતી.


ક્યાંય સુધી ટોળા વચ્ચે સ્તબ્ધ મૌન પ્રસરી રહ્યું. ઝાંખા, પીળા અજવાળામાં જેમ્સ એક-એક ચિમળાયેલા, ઉદાસ, ફિક્કા, નિઃસ્તેજ ચહેરાઓને જોતો રહ્યો. તેમનો દેહાતી પરિવેશ, શહેરી ઝાકઝમાળ સામે આંખોમાં સ્પષ્ટ વર્તાતું ડરપોકપણું, તેમના ભાવમાં વર્તાતી વણબોલી લઘુતાગ્રંથિ... સાવ નીજી, અનોખી અને અલાયદી દુનિયામાં જીવનારાં આ લોકોને એક પાગલ ક્ષણે જાગેલી હેવાનિયતે સદીઓ સુધી કેવાં નિર્જીવ પૂતળા બનાવી દીધા છે!


'આસ્ક હિમ પ્લિઝ...' દાજીના અવાજનો કંપ હવે જાણે જેમ્સના ગળામાં ભળ્યો હતો, 'વોટ કેન આઈ ડુ ફોર ધેમ? એમને પૂછ કે હું આર્થર મૅક્લિનનો સીધો વારસદાર તો નથી, પણ મૅક્લિનનો જ દીકરો છું. વિલિયમ પણ સાજો થયા પછી અહીં આવશે, પણ જો મનોમન એમણે માથા પર લઈ લીધેલો આ ભયંકર અભિશાપ જો ટળતો હોય તો હું મારૂં લોહી, મારૂં બલિદાન આપવા પણ તૈયાર છું...'


વિશાખા હજુ તરજૂમો કરે એ પહેલાં જ દાજીભાઉ આસપાસ વિંટળાયેલા સુરજ સહિતના કેટલાંક છોકરાંઓના ચહેરા પર હરખ તરી આવ્યો. તેમને પ્રશ્નાર્થભરી નજરે જોઈ રહેલાં દાજીભાઉને એમણે જ મરાઠીમાં સમજાવ્યું એટલે હવે દાજીના ચહેરા પર પણ હોંશ ઉમટી આવી.


'તમે ખરેખર બલિદાન આપશો?' દાજી ઊભો થઈ ગયો હતો, 'માન્જોનો દીકરો તમારા શરીર પર વાર કરશે... તમારા શરીરમાંથી વહેતાં લોહીથી તેની ફરશુ રંગાશે અને લોહીની એ ધાર...' ભાવવિભોર થઈને એ જેમ્સની સાવ લગોલગ આવી ગયો, 'તમે ખરેખર...'


'લેટ્સ ગો...' જેમ્સ પણ તરત ઝાટકાભેર ઊભો થયો.


કોઈ જ તરજૂમાની, અનુવાદની, ભાવાર્થની અહીં જરૂર ન હતી. અત્યંત સંપન્ન દેશના શહેરી સુવિધાઓથી લથબથ હવામાનમાં ઉછરેલો એક વિદેશી અને પહાડોની ગોદમાં જંગલનું ઘનઘોરપણું ઓઢીને સદીઓથી પોતાની દુનિયામાં જીવતાં આ લોકો... ભાષાના તમામ અંતરાલ ભૂંસીને એકમેકનો ભાવ સમજી શકવાની ભૂમિકાએ આવી રહ્યા હતા.


ખાંભીઓ પાસે પ્રગટાવેલા દીવડાંઓ કેળના પાનના વિંટા તળે હજુ ય આછેરાં ફગફગી રહ્યા હતા. જેમ્સને દોરીને દાજીભાઉ ટેકરીઓના ઢોળાવ પાસે પહોંચ્યો એ સાથે સ્તબ્ધ અંધકારને ચીરતો ઢોલનો રીડીયો વાતાવરણને ઘેરી વળ્યો.


માતેલા હાથે એક તરૂણ આંખ બંધ કરીને ઢોલ પર બેય હાથની બળુકી થાપ દઈ રહ્યો હતો. ટોળે વળેલા માન્જોએ લયબદ્ધ ગોકિરો મચાવવાનો ચાલુ કર્યો હતો.
એકસરખા લયમાં વધુ કારમી લાગતી ચિચિયારી, ઢોલનો ગાંડોતૂર અવાજ, બિહામણા ઓળા જેવા લાગતાં પાળિયાની હાર અને તેની સામે ઊભેલા બે તોસ્તાન આદમી...


જૈતી ડોશી તીણા અવાજે ગાઈ રહી હતી,


'માન્જોના પોયરા... આવશે એક દિન તમારો... અંગ્રેજની છાતી હશે... ફરશુનો વાર હશે તમારો... આમચી આઈના લોહીયાળ આંસુડા... રૂંગડાના લોહીયાળ ઓરતાં... માન્જોના પોયરા... સમો આવ્યે હાથ ન ધ્રૂજે તમારો...'


સદીઓ પૂરાણા આખ્યાનની કડીઓના સંગાથે જાણે અઢીસો વર્ષ પહેલાંના દૃશ્યો પાછા ફરી રહ્યા હતા. ઘોડાની તબડાટી બોલાવતો આર્થર માન્જો લડવૈયાઓની ઘેરાબંદી વચ્ચે આવી ગયો હતો. આર્થર બંદૂક કાઢવા મથતો હતો, પણ આજે તેનો સમય વિફર્યો હતો. બેવડ વળી ગયેલા નાળચામાં જામગરી પેટાવાતી ન હતી. અને ઘેરી વળેલા માન્જો હાથમાં તિક્ષ્ણ, ચળકતી ફરશુ ઘૂમાવતા તેની લગોલગ આવી ચડ્યા હતા.


જૈતીનો સ્વર બેહદ ઊંચો જઈ રહ્યો હતો. ઢોલનો અવાજ, માન્જોની બિહામણી ચિચિયારી અને...


'મૅક્લિનની ઔલાદ...' અચાનક ખાંભીઓની સામેથી ત્રાડ ઊઠી, ફરશુનો ચમકારો થયો અને જેમ્સની છાતીમાંથી લોહીનો ફૂવારો ઊડ્યો.


એ મરદના બચ્ચાએ એકપણ ઊંહકારો કર્યા વગર સામી છાતીએ ઘા ખાઈ લીધો હતો.


હરખઘેલા થઈ ગયેલા માન્જોના આદમીઓ દાજીના હાથમાં રહેલી ફરશુની ધાર પરથી લોહીના રગેડાં આંગળીઓ પર ઝીલીને હૈયાફાટ રૂદન કરતાં પોતપોતાના વડવાઓની ખાંભીએ સમર્પિત કરી રહ્યા હતા.


અને હબકી ગયેલી વિશાખા જોરથી જેમ્સને વળગી પડી હતી. તેના વાળમાં વ્હાલસોયો હાથ ફેરવતો જેમ્સ કહી રહ્યો હતો, 'ડોન્ટ ક્રાય માય ડોટર... આ રીતે ય જો આર્થરનું પાપ ધોવાતું હોય અને આ ફૂલડાં જેવા લોકોના જીવનમાં સદીઓથી ઘેરાયેલો અંધાર હટતો હોય તો હું મારું તો ઠીક, મૅક્લિન વંશના એક-એક આદમીને અહીં લાવીને તેમનું લોહી ચડાવવા તૈયાર છું...' તેણે હડપચીએ વિશાખાનો ચહેરો ઊંચક્યો અને ભાવપૂર્વક ઉમેર્યું, 'ભારત આવતો દરેક અંગ્રેજ હેવાન નથી હોતો..'
*** *** ***


જેમ્સના સ્વૈચ્છિક, મૌન સમર્પણ પછી એ રાતે માન્જોના કસબામાં જાણે દિવાળી આવી હતી. ચોતરાની સામે જ મોડે સુધી ઉજવણી ચાલી હતી.


'વિલીને આવતાં સપનાની વાતમાં કેટલું તથ્ય છે?' છેવટે દાજીભાઉએ મૌન તોડ્યું, 'ભારત આવવાનો તમારો હેતુ ફકત આટલો જ છે?'


'હેતુ તો એ જ છે પણ...' પોતાનો મુદ્દો સામે ચાલીને જ આવ્યો જાણીને જેમ્સે પણ મોકળાશથી કહેવા માંડ્યું.


તેણે વિલીના સપનાની વાત સાથે હિન્દુસ્તાન આવવાનો પોતાનો હેતુ કહ્યો. ઈરમાની શું અતૃપ્ત ઈચ્છા છે એ ખબર નથી. વિલી બોલી શકવાનો નથી અને પોતે સાવ અંધારામાં તીર મારી રહ્યો છે.


'અમારા વડવાઓ એ સમયે સામા કાંઠે જ ઊભા હતા...' દાજીભાઉએ આછા ઉજાસ વચ્ચે ટોળામાં આમતેમ નજર ઘૂમાવીને જૈતી ડોશીને શોધી, 'આખ્યાનના બીજા અંકમાં તેની ય વિગતો છે...'


'એટલે?' જેમ્સ સવાલ કરે એ પહેલાં વિશાખાએ જ પૂછી લીધું.


'આ ઘટના બન્યા પછી અમારા વડવાઓએ આર્થરને મારવા ઘણી મથામણ કરેલી, પણ એ અહીંનો બાદશાહ હતો અને અમારી કોઈ હેસિયત ન હતી. તોય અમારા વડવાઓ પ્રયત્ન છોડતા ન હતા. આર્થરની ફૌજમાં અમારા કેટલાંક આદમીઓ પેસી ગયા હતા. એ અહીં શિકાર કરવા આવે ત્યારે ગમે તેમ કરીને તેને તીર ભોંકી દેવાનું ય આયોજન થયું હતું. એ જ ક્રમમાં અમારા વડવાઓ એ દિવસે સામા કાંઠેથી તીર છોડવાનો લાગ શોધતા હતા અને અચાનક ભેખડ ધસી પડી હતી. આખ્યાન લખનારો પાંડ્યો ય તેમાં સામેલ હતો. તેણે ઘણી વિગતો આખ્યાનમાં કહી છે...'


દાજીએ ઈશારો કર્યો એટલે જૈતી ડોશીએ ગાવા માંડ્યું. વિશાખા તેને જરાક અટકાવીને જેમ્સને સમજાવતી રહી.


ભેખડ ધસી પડી અને તેમાં ઈરમા તેમજ આર્થરનો દીકરો નીચે પટકાયા એ જોઈને માન્જોના આદમીઓ ઘડીભર સ્તબ્ધ થઈ ગયા હતા.


બખોલમાંથી નીકળેલા વાઘ પણ સામેથી આવી ચડેલા આ બે શિકાર તરફ લપક્યા હતા. ઈરમા ઝડપભેર તણાઈ રહી હતી અને તેનું માસુમ બાળક બિચારું સાવિત્રી નદીના વમળમાં ઘૂમરાઈને ક્યાંય સુધી ફંગોળાતું રહ્યું હતું.


એ ક્ષણ જ એવી કારમી હતી કે માન્જોના આદમીઓ પોતાનું વેર ભૂલીને ઈરમાને, બાળકને બચાવવા નદીમાં ઝંપલાવી ચૂક્યા.


સામા કાંઠેથી આર્થરના માણસોએ ય નદીમાં પડતું મૂક્યું હતું, પરંતુ આ કાંઠે માન્જો તેની વધુ નજીક હતા. તેમણે બેબાકળી ઈરમાને સ્પષ્ટ જોઈ હતી.


તોફાની વહેણમાં ફંગોળાતી ઈરમા એકધારી પાછળ તણાઈ આવતાં, વમળમાં ઉછળતા, તોતિંગ પથ્થરો સાથે ટીચાતા બાળક તરફ હાથ લંબાવીને ચીસો પાડી રહી હતી. વાઘ સતત ઈરમાની પાછળ હતા એટલે તે સાવ નજીક હોવા છતાં માન્જો તેને બચાવી શકતા ન હતા.


ઈરમાએ ય માન્જો તરવૈયાઓને જોયા હતા. તેણે સતત ચીસો નાંખીને બાળક તરફ તેમનું ધ્યાન દોર્યું હતું. કદાચ એ ગમે તેમ કરીને બાળકને બચાવી લેવા વિનવી રહી હતી.


પણ માન્જોની કોઈ કારી ન ફાવી. ઓછરાની ગુફા સુધી માન્જો પાણીમાં છપકાતા રહ્યા. ત્યાં સુધી બાળકને તણાતાં તેમણે જોયું હતું, પણ પછી એ ક્યાં તણાયું તેની કોઈ ભાળ ન મળી.


'વેઈટ... વેઈટ... પ્લિઝ વેઈટ...' જેમ્સે તરત હાથ લંબાવીને એકધારી ગોખેલું આખ્યાન બોલી રહેલી જૈતીને રોકી, 'એમણે એક શબ્દ કહ્યો... પ્લિઝ રિપિટ...'
'વમળ?'


'ના... સમથિંગ લાઈક ઓટેરા ઓર ઓપેરા...'


'અરે ઓછરા... ઓછરા... ઓછરાની ગુફા સાવિત્રીના સામા કાંઠે બહુ ભીષણ જગ્યા છે...'


દાજીભાઉ બોલી રહ્યો હતો અને જેમ્સના ચહેરા પર હજારો સુરજનો અજવાસ રેલાઈ રહ્યો હતો.


(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP