Back કથા સરિતા
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 4)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

માન્જોના છોરાં યાદ રાખજો... આ ઋણ રહ્યું છે તમારા માથે...

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  

પ્રકરણ - 50


જેમ્સે અચાનક રૂખ બદલી, કારણ કે...:


વિનાયકરાવની કેફિયત સાંભળ્યા પછી જેમ્સના મનમાં તોફાન ફૂંકાઈ ગયું હતું. એક તરફ તે આર્થરની હેવાનિયત વિશે જાણીને બેહદ ક્ષુબ્ધ હતો અને બીજી તરફ તેણે વર્તમાનની સમસ્યા ય વિસરવાની ન હતી. વિલિયમ પર સળંગ બે હુમલા થયા હતા. (કારની ટક્કર વિશે તે વાકેફ ન હતો) વિલિયમને આવતાં સપના મારફત જ કશીક કડી મળશે એવી ધારણાના દોરવાયા તેઓ છેક આટલે દૂર ઈન્ડિયામાં આવી પહોંચ્યા હતા. અને હવે વિલી પોતે જ ઊભા થઈને ચાલવાનું તો દૂર, બોલવાની ય સ્થિતિમાં ન હતો. કદાચ તેને સપનું આવતું હોય તો પણ એ કશું કહી શકે તેમ ન હતો.


તો હવે શું કરવું?


મૅક્લિન એસ્ટેટનું ઠેકાણું મળી ગયું, ત્યાંથી કેટલીક ચીજો ય મળી પરંતુ તેમાંથી વિલિયમ આર્થર મૅક્લિનના નામના લોકેટને બાદ કરતાં બીજી એવી કોઈ ચીજ તેને એવી લાગતી ન હતી, જેમાં ઈરમાનો જીવ ચોંટેલો રહ્યો હોય. પરંતુ એ લોકેટ તેને બેહદ મહત્વપૂર્ણ લાગતું હતું, અને આવું તેને લાગવા માટે બે કારણ જવાબદાર હતા.


સૌથી પહેલું કારણ તો એ કે આવા લોકેટ સાથે સ્કોટિશ, ઈંગ્લિશ સહિત લગભગ તમામ ખ્રિસ્તિઓની આસ્થા સંકળાયેલી હતી. સ્કોટિશ પ્રજાનો સદીઓનો રિવાજ હતો, આજે ય એ છે જ. હિન્દુઓમાં જે રીતે બાળકોને યજ્ઞોપવિત આપવામાં આવે, ઈસ્લામમાં સુન્નત કરવામાં આવે એવું જ મહત્વ ખ્રિસ્તિ ધર્મમાં બેપ્ટિઝમનું હોય છે.


બેપ્ટિઝમ એટલે શુદ્ધિકરણ. બાળકના મસ્તક પર પવિત્ર જળ છાંટવામાં આવે. જીસસે તેને પોતાના સંતાન તરીકે સ્વિકાર્યો હોવાનું એ પ્રતીક. આ પ્રસંગે બાળકનું નામકરણ પણ થાય. હોંશીલા મા-બાપ બાળકની નેઈમ પ્લેટ બનાવડાવે. જીસસના આશિષ તરીકે ચર્ચના પાદરી તેમાં પરોવવા માટે સાંકળી આપે. મોટાભાગે એ નેઈમપ્લેટ ધાતુની હોય.

આર્થર વળી માલેતુજાર હતો, કંપની બહાદુરનો હાકેમ હતો એટલે તેણે સોનાની બનાવડાવી હોય.

જેમ્સે બહુ ધારી-ધારીને એ લોકેટ જોયું હતું. ખરેખર તો તેમાં સાંકળ પરોવેલી હોવી જોઈએ, પરંતુ એ ન હતી. સાંકળ પરોવવા માટેના કાણા હતા, પણ સાંકળ ન હતી. જેનો સીધો અર્થ એ થતો હતો કે આર્થર અને ઈરમાના દીકરા વિલિયમના બેપ્ટિઝમ માટે કદાચ તૈયારીઓ થઈ ચૂકી હતી, પરંતુ એ વિધિ થઈ ન હતી. આથી આસ્થાળુ ઈરમાનો જીવ કદાચ તેમાં ચોંટ્યો હોય એમ પણ બને.

જેમ્સનો આ તર્ક સાવ અધ્ધરતાલ ઘડાયેલો હતો એ તો એ પોતે ય જાણતો હતો. પરંતુ એ પછી જ્યારે ઈયાને પુણેની હોસ્પિટલમાં વિલીના ચહેરાના બદલાતા હાવભાવ, ઓટેરા કે ઓપેરા જેવા શબ્દના અસ્પષ્ટ ઉચ્ચાર વિશે કહ્યું હતું. ત્યારબાદ એ પણ કહ્યું હતું કે પછી મોડેથી વિલીના ચહેરા પર સ્મિત આવ્યું હતું.


ઈન્ટરોગેશનમાં માહેર જેમ્સે તરત જ એ ઉલ્લેખ પકડી લીધો હતો અને ઝીણી ઝીણી ખણખોદ કરવા માંડી હતી. ક્યા સમયે વિલીએ ઓટેરા, ઓપેરાનો ઉચ્ચાર કર્યો અને ક્યા સમયે તેના ચહેરા પર સ્મિત આવ્યું અને એ વખતે પંચગનીમાં પોતે શું કરી રહ્યો હતો તેનો તેણે મનોમન તાળો મેળવ્યો.


શબ્દના અસ્ફૂટ ઉચ્ચારણમાં તો કંઈ યોગાનુયોગની ગડ બેસી નહિ, પરંતુ વિલીએ જ્યારે સ્મિત વેર્યું ત્યારે વહેલી સવારનો સમય હતો અને એ જ વખતે તે પોતે હોટેલ સી-રોકની સહ્યાદ્રી ગેલેરીમાં જઈને મૅક્લિન એસ્ટેટનો પતો લગાવી રહ્યો હતો.


આ યોગાનુયોગની તેણે મનોમન ગંભીર નોંધ લીધી હતી. શક્ય છે કે તે મૅક્લિન એસ્ટેટની જગ્યાએ પહોંચ્યો, આર્થર-ઈરમાની કેટલીક ચીજો મેળવી એથી ઈરમાએ વિલીને કંઈક સંકેત આપ્યો હોય.


હવે બીજો મુદ્દો પેચીદો હતો. વિલી પર હુમલો કરનારા માન્જો હતા એ તો વિનાયકરાવે કહી દીધું. વેલી-રૂંગડાની વાત તેણે કહી, આર્થરે બેરહેમીથી ઢાળી દીધેલી લાશની ય વાત કરી અને ખુન કા બદલા ખુનના ન્યાયે જ માન્જો મૅક્લિનના દીકરાને ખતમ કરવા જીવ પર આવ્યા હતા એવી તેની ધારણા હતી.


પરંતુ જેમ્સનું દિમાગ જે મુદ્દા પર સતર્કપણે ચોંટેલું હતું એ મુદ્દો વિનાયકરાવના ધ્યાનમાં આવ્યો ન હતો. જો વિલીનું મર્ડર કરવું છે તો હોસ્પિટલમાં તેના ગળા પર છરી ફેરવવાને બદલે તદ્દન અણઘડ રીતે સાથળ અને પીંડીમાં છરી કેમ ભોંકી? ધારો કે એ રીતે ધોરી નસ કાપવાનો પ્રયાસ હતો તો ખાસ કાળજી રાખીને વિલીનું લોહી એક ગાભામાં એકઠું કરવાનો પ્રયાસ કેમ થયો? ગોકીરો થયા પછી પકડાઈ જવાની દહેશત છતાં ય હુમલાખોરોએ લોહીભીનું એ કપડું પ્લાસ્ટિકની કોથળીમાં નાંખવાની દરકાર લીધી હતી.


તેનો સીધો અર્થ એ થયો કે મામલો કંઈક બીજો છે... જરૂર કંઈક બીજો છે. મામલો ચોક્કસપણે કંઈક એવો છે જેમાં હત્યા ન કરી શકાય તો મૅક્લિનનું લોહી મળે તો પણ ચાલે. જેમ્સનું દિમાગ આ મુદ્દા પર ચોંટી ગયું હતું


અને વિનાયક અહીં ટૂંકો પડ્યો હતો. એક પોલીસ અને એક પત્રકાર વચ્ચેનો બહુ પાતળો પણ એટલો જ મહત્વનો એ તફાવત હતો.


પોલીસ જો આ મુદ્દાને આધાર બનાવીને પગેરું પકડી લેશે અને હુમલાખોરો ઝડપાઈ જશે તો માન્જોનો અસલી ઈરાદો કદી બહાર નહિ આવે. માટે તેણે પોલીસને કશી જ જાણ કર્યા વગર જાતે જ જોખમ ઊઠાવવાનું નક્કી કર્યું.


આર્થરના કરતૂતોનો તેને પારાવાર રંજ હતો, પરંતુ તેનું મુખ્ય લક્ષ્ય વિલીને આવતાં સપનાંનો ઉકેલ મેળવવાનું હતું, અને હવે વિલી બેહોશ છે, બદહાલ છે ત્યારે આ ઉકેલ કદાચ માન્જો જ આપી શકે.


એટલે જ તેણે આક્રમણને બદલે શરણાગતિના વ્યુહને વધુ અસરકારક માન્યો.


દાજીભાઉની વિચારધારા:


આવનારાં સામે લડી શકાય તેમ નથી. લડીએ તોય છેવટે તો મુશ્કેલીમાં મૂકાવાનું નક્કી જ છે. આવનારાંને એટલી જરૂર ખબર છે કે વિલિયમના હુમલાખોરો અહીં છે, પરંતુ એ હુમલો શા માટે કરવામાં આવ્યો એ કદાચ તેમને ખબર ન પણ હોય. એ જોતાં, અત્યાર સુધી હિંસક આવેગથી કામ લીધું, પણ હવે ઋજુ સંવેગથી જ સદંતર બગડી ચૂકેલો મામલો કદાચ પોતાની તરફેણમાં વાળી શકાય.


ભારે કશ્મકશ પછી દાજીભાઉ નિષ્કર્ષ પર આવ્યો હતો.


પુણેની પ્રેસ કોન્ફરન્સમાં વિલિયમે પોતાની સાથેના બંને અંગ્રેજની અછડતી ઓળખ આપી હતી. એમાં એક તેનો પરિવારજન હતો. આવનારો આદમી ય જો એ જ હોય તો, આર્થરના એ વારસદારોને આખી ય કથનીની ખબર પડે, સદીઓ જૂના આ વેરઝેર વિશે અને ખાસ તો માન્જોની મજબૂરી વિશે તેઓ જાણે એ તેને જરૂરી લાગતું હતું. આમને-સામને થયા પછી જો એ સીધો જ ભડાકા કરશે તો પછી માન્જો જવાનિયા ય ઝાલ્યા નહિ રહે, જેમાં છેવટે તો માન્જોએ જ બહુ મોટી કિંમત ચૂકવવાની થશે. એ આક્રમકતા દાખવે એ પહેલાં જ કોઈક રીતે તેને રોકવો રહ્યો.


પોલીસ તો હવે ગમે ત્યારે તેમને શોધતી આવી જ ચડવાની હતી. ફરી એકવાર માન્જો જવાનિયાઓની જિંદગી બદહાલ થશે. આઈની સદીઓની અતૃપ્તિ એમની એમ જ રહેશે. આવી તક બીજી વાર મળવાની ય નથી. હવે કદી એમ આસાનીથી મૅક્લિનનું લોહી હાથ લાગવાનું નથી.


તો પછી આવનારાને પીગળાવીને, તમામ સત્ય હકિકતથી વાકેફ કર્યો હોય તો?


જો એ પીગળે તો સૌથી પહેલાં તો સદીઓની પ્રતિજ્ઞા અને સદીઓની દર્દનાક પ્રથાનો અંત આવે. બીજું, કદાચ એ વિલિયમના હુમલાખોરોને માફ પણ કરી દે અને તો પોતાના સહિત કંઈક જવાનિયાની જિંદગી બરબાદ થતી અટકી જાય.


દાજી જંગલવાસી હતો, અનપઢ હતો, દેહાતી ગામડિયો હતો, પણ ગમાર ન હતો.


વીજળીના ઝબકારાની જેમ દિમાગમાં આવી ગયેલો આ તર્ક તેને બિલકુલ જચી ગયો એ સાથે જ તેને વેલી-રૂંગડાનું પરંપરાગત આખ્યાન સૂઝ્યું. માન્જો, કુઠારી, ગામિત જાતિઓમાં સદીઓથી આ આખ્યાન ભારે લોકપ્રિય હતું. દરેક પેઢી પોતાની પાછળની પેઢીને આ આખ્યાન શીખવતી. તીણા, બેહદ સૂરિલા અવાજે આખ્યાન ગાવામાં જૈતી ડોશી માહેર હતી. એટલે જ દાજીભાઉએ પહેલો સાદ તેના નામનો દીધો હતો.


યોગાનુયોગે, જેમ્સ અને દાજી બંને એક જ તર્જ પર વિચારી રહ્યા હતા અને બંને એથી બેખબર હતા.
*** *** ***


વરસાદનું જોર વધારે હતું કે ખેલૈયાઓનો તાનપલટો તીવ્ર હતો એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય એટલી હદે ટેકરીના લીલાછમ ઢોળાવ પર ખેલ જામ્યો હતો. વેલી-રૂંગડાની પ્રણયકથાના સોહામણા પ્રસંગો પછી હવે વેલીના અપહરણનું દૃશ્ય ભજવાયું. વેલીની કારમી ચીસો હવામાં વેરાતી રહી. આર્થરના આદમીઓ પર થયેલો હુમલો, એસ્ટેટના આંગણામાં ખેલાયેલો નાનકડો, બિલકુલ સમોવડિયાનો ન કહેવાય તેવો જંગ અને પછી વેલી-રૂંગડાની મરણછલાંગ...


ઢોલની થાપ અને પાવાના સૂરના સથવારે દેહાતી મરાઠીમાં વહેતો તીણો, પાતળો પણ સૂરિલો અવાજ હવે ધ્રૂસ્કે ચડ્યો હતો. ઢોલના તાલમાં હવે બુંગિયાની અને પાવાના સૂરમાં હવે રણભેરીની આક્રમકતા ભળી હતી અને ટેકરીઓ પાછળથી આવતો અવાજ જોરશોરથી લયબદ્ધ ગાઈ રહ્યો હતો...


વેલી અમારી મા છે... વેલી આમચી આઈ આહે... આમચી આઈ માંગે બલિદાન... ખૂન માંગે આમચી આઈ... હવસખોર હેવાનનું ખૂન... રૂંગડાની અધૂરી તડપનું તર્પણ... સપ્તર્ષિની રાહનું તર્પણ... જાવ માન્જો, તમે ય જોશો... સપ્તર્ષિની રાહ જોશો... રાહ જોઈ જોઈને ભટકશો... પહેલો હોય દીકરો... પહેલી હોય દીકરી... નહિ પામે એ પ્રેમને... તડપી તડપી ભટકી ભટકી... યાદ કરાવશે અધૂરી કહાણી... માન્જોના છોરાં યાદ રાખજો... આ ઋણ રહ્યું છે તમારા માથે...


બિહામણા સ્વરે લયબદ્ધ ગવાતા આ શબ્દોનો ભાવાર્થ વિશાખા ઝડપભેર અંગ્રેજીમાં જેમ્સને સમજાવી રહી હતી, પરંતુ છેલ્લાં વાક્યો વખતે તેનો અવાજ પણ રૂંધાવા લાગ્યો. તેની આંખો ય વિસ્ફારિત થવા લાગી.


અધૂરી રહી ગયેલી એક કહાનીના કારણે સદીઓથી અહીં એવી કેટલીય કહાનીઓ વેરાન થઈ રહી હતી! જ્યાં સુધી વેલી-રૂંગડાની ભટકતી રૂહને મૅક્લિનનું લોહી ચડાવવામાં ન આવે ત્યાં સુધી માન્જો, કુઠારી, ગામિતના ખોરડે જન્મેલો પ્રથમ દીકરો કે પ્રથમ દીકરી કદી લગ્ન કરી શકવાના ન હતા...!!


વિશાખાએ તૂટતા અવાજે દેહાતી મરાઠીના પદ્યનો ભાવાર્થ સમજાવ્યો ત્યારે જેમ્સની આંખો ય ચકરાઈ ગઈ અને તેના દિમાગમાં ઉજાસના એક પછી એક ઝબકારા થવા લાગ્યા.


એ જ ઘડીએ અચાનક પાવાના સૂર અટક્યા, ઢોલે ત્રણ થાપ મારી અને પછી સન્નાટો છવાઈ ગયો. ટેકરી પર વરસાદની વેગીલી વાછટ ઝિલતાં માન્જો ખેલૈયાઓ પૂતળું બનીને ઊભા રહી ગયા અને જેમ્સ તેમજ વિશાખાની આંખોના વિસ્ફાર વચ્ચે ટેકરીઓની ધાર પરથી નાનકડા ડુંગરા જેવો લાગતો એક ભારે ભરખમ આદમી પ્રગટ થયો.


ઢીંચણ સુધી બાંધેલો ધોતીનો તંગ કછોટો, ધોધમાર વરસાદ વચ્ચે પલળતું ઉપરનું ઊઘાડું બદન, ગજવેલ જેવી છાતી, માંસલ બાવડા અને એવો જ ખરજમાં ઘૂંટાયેલો ઘેઘૂર અવાજ...


ટેકરીઓની નીચે આવીને તેણે દૂરથી જ બૂમ પાડી,


'પોરી, પ્યાલા સાંગ કા વિલિયમ ચે હુમલાવર ત્યાંચે સ્વાગત કરીત આહે' (છોકરી, તેને કહે કે વિલિયમના હુમલાખોરો તેનું સ્વાગત કરે છે)

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP