Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

કોઈક તીણા સ્વરમાં બેહદ સૂરીલા અવાજે ગાઈ રહ્યું હતું...

  • પ્રકાશન તારીખ31 Aug 2018
  •  

પ્રકરણ - 49


પુલ વટ્યા પછી આશરે ત્રણેક કિલોમીટરની ઉબડખાબડ સડક પર હિંચકા ખાતી ગાડી આગળ વધી અને પછી એક જગ્યાએ અટકી ગઈ.


'અહીંથી હવે પગપાળા જ આગળ જવાશે...' ડ્રાઈવરે ખચકાતા અવાજે કહ્યું.


પંચગનીથી તેઓ નીકળ્યા ત્યારે ઝરમર વરસતો વરસાદ હવે ધોધમાર બનીને નદીના વહેતા જળ સાથે અડપલાં કરતો સહ્યાદ્રીની ભીષણ કરાડોને ઝકઝોરી રહ્યો હતો.


એન્જિન બંધ થવાથી વાઈપરનો એકધારો 'સપટ... સપટ...' અવાજ જંગલની સુમસામ સ્તબ્ધતાને ડહોળી રહ્યો હતો. આવા વરસાદમાં સ્થાનિક લોકો પણ જંગલોમાં જવું હિતાવહ ન ગણતાં હોય, પણ ટુરિસ્ટની વાયડાઈ કંઈ ઓછી નથી હોતી. અનુભવથી કેળવાયેલો ડ્રાઈવર સહદેવની માફક પૂછાય એટલા સવાલનો જ જવાબ આપવા ટેવાયેલો હતો.


કાચી સડકના કિનારે સહેજ ઢોળાવ પર ગાડી થોભી એટલે જેમ્સ અને વિશાખાએ આસપાસ નજર દોડાવી.


ઘટાટોપ જંગલનું જાણે નૈસર્ગિક પ્રવેશદ્વાર હોય તેમ અહીં કાળમીંઢ પથ્થરોની બેહદ સોહામણી ટેકરીઓના બે ફાંટા પડતા હતા અને વચ્ચેની પગદંડી સહેજ માંસલ, ઘાટીલી કમરના હિલોળા જેવો લોભામણો વળાંક લેતી જંગલની દિશામાં ફંટાતી હતી.


જાડી રસ્સી જેવા જંગલી વેલાથી વિંટળાયેલા તોતિંગ વૃક્ષો સદીઓથી અહીં સહ્યાદ્રીના પહેરેદાર બનીને બેઠા હોય તેમ જાજરમાન થડ પર ઘેઘૂર ડાળીઓ ઝુલાવતા મેઘ અને નદીના અડપલાને જોઈ રહ્યા હતા. નદીને લલચાવતા મેઘને જોવા કાંઠા પર લટકતી પહાડની વિકરાળ ધાર પરથી સાક્ષાત સહ્યાદ્રી ઈર્ષ્યાનો માર્યો ઝળુંબતો હતો. વૃક્ષોની આંખોમાં પ્રગટેલા તોફાન સામે છાશિયું કરતી અને સહ્યાદ્રીની ઈર્ષ્યાળુ ધાર સામે નટખટ ઉલાળો કરતી બેપરવા નદી મેઘની છાલકથી ઉછાંછળી બનીને ધસમસ ધસમસ દોડી જતી હતી.

જેમ્સે એક છત્રી વિશાખા તરફ લંબાવી, બીજી છત્રી પોતે ઊઠાવી અને ગાડીનો દરવાજો ખોલ્યો.


'એઝ આઈ ટોલ્ડ યુ...' તેણે ડ્રાઈવરને ઉદ્દેશીને કહ્યું, 'વળતી મુસાફરીમાં કદાચ હું ન પણ હોઉં, તો તારે વિશાખાને હોટેલ પરત પહોંચાડવાની છે, રાઈટ?'


'રાઈટ સર...' જંગલની સહેલગાહે તો અનેક ટુરિસ્ટ આવતાં. કેટલાંક વિદેશીઓ તો અહીં ઝાડ પર માંચડા બાંધીને રાત રોકાય અને કોઈક વળી તળેટીની ટેકરીઓમાં રાવટી ય તાણે.


પણ નોંખી નવાઈના આ બે છેક જંગલની મધ્યમાં માન્જોના પાળિયા જોવા જવા માંગતાં હતાં, અને એમાં પાછો આ ધોળિયો ડોસો તો શી ખબર અહીં ક્યાંક રોકાઈ જવાનો હતો. છોકરી એકલી જ પરત આવે એમ પણ બને. એમાં કશીક ગરબડ થાય તો તેમણે આપી રાખેલા એક નંબર પર કોઈ મિ. ઈયાન સ્ટુઅર્ટને ડ્રાઈવરે જાણ કરવાની હતી.

આવી બધી સૂચનાઓ સાંભળીને ડ્રાઈવર આખા રસ્તે મોં મચકોડતો રહ્યો હતો.


ગાડીમાંથી ઉતરીને જેમ્સે છત્રી ખોલી, ઊંડો શ્વાસ લીધો, વિશાખાની સામે જોઈને હુંફાળું સ્મિત વેર્યું અને તેના ખભા પર પોતાનો વજનદાર હાથ મૂકીને આગળ વધવા માંડ્યો.

વરસાદની વેગીલી વાછટ વચ્ચે ઝાડની ઊંચી ડાળીઓ પરથી કુદી કુદીને નીચે આવી રહેલાં વાંદરાઓ આ નવાગંતુકોને કુતુહલભરી દૃષ્ટિએ જોઈ રહ્યા હતા.


સદીઓની ઘરેડમાં બંધાયેલી નિસર્ગની સોહામણી કેડી પર આજે નવી પદચાપ દદડતા પાણીમાં 'છપ્પ... છપ્પ...' અવાજ કરતી આગળ વધી રહી હતી.
*** *** ***

એક ધોળિયો અને એક દેશી જવાન છોકરી આ તરફ આવી રહ્યા છે એવી ખબર પડી એ સાથે દાજીભાઉના ચહેરાની રેખાઓ તંગ બની હતી.


પહાડની પેલી તરફ મુખ્ય સડક ચાતરીને કોઈપણ વાહન નદી પરનો સાંકડો લક્કડિયો પુલ વટે એટલે તરત જ કસ્બામાં તેની જાણ થઈ જતી. પુલની જમણી તરફ ખીણની ટોચે સૌથી ઊંચી ટેકરીના ઢોળાવ પર શાકભાજીનું વાવેતર થતું. એ માન્જોની પહેલી ચોકી હતી.


એ પછી ઘેઘૂર વૃક્ષોના ઘટાટોપ વચ્ચે ચૂપચાપ લપાઈ રહેવું જંગલના છોરુંને કદી શીખવવું ન પડતું. શિવાજીના છાપામાર સૈન્યના યોદ્ધા તરીકે કંઈક કરાલ ગઢની રાંગ ઓળંગી ચૂકેલા માન્જો નિસર્ગના દરેક સ્વરૂપને માના ખોળાની માફક ખૂંદી જાણતા.


આવી રહેલાં આદમીઓ જો વિલિયમના જ સાથી છે તો તેના બે જ અર્થ થાય.


નં. ૧- પોલીસથી ય પહેલાં તેમને જાણ થઈ ગઈ છે કે વિલિયમ પર થયેલા હુમલાઓ પાછળ માન્જો સમાજ છે.


૨- માન્જોનો કસબો ક્યાં આવેલો છે એની ય તેમને જાણ છે.


એ સંજોગોમાં આવનારાઓ સામે પોતે હથિયાર ચલાવે તોય તકલીફ અને ન ચલાવે તોય મુશ્કેલી. કારણ કે, આવનારા પાસે હવે તેઓ ઉઘાડા પડી ચૂક્યા છે. એ આવ્યા છે તો હવે ગમે ત્યારે પોલીસ પણ આવવાની જ છે. દાજીભાઉ, સુરજભાઉ, ધંત્યો, પ્રતાપ, ભાનુ... તમામે જેલના સળિયા ગણવાના નક્કી છે. એક વિદેશી પર હુમલાનો, તેનો જીવ લેવાના પ્રયાસનો ગુનો છે એટલે સજા ય ગંભીર જ હોય. સંડોવાયેલા અને ન સંડોવાયેલા તમામની જિંદગી ફાંસીના ગાળિયે લટકી જવાની છે યા તો જેલમાં જ વિતી જવાની છે.


તો શું આઈનું પ્રણ, આઈની પ્રતિજ્ઞા સદીઓ પછી પણ ઝુરાપાના પાણે માથા પછાડતી અધૂરી રહી જવાની છે?

ચંદ સેકન્ડોમાં દાજીભાઉના દિમાગમાં વિચારોનો ઝંઝાવાત ફૂંકાઈ ગયો અને તેણે જોરથી માથું ધૂણાવી નાંખ્યું. સુરજ તીરંદાજોને તૈનાત કરવા કહેતો હતો. બચાવ માટેની માન્જોની એ સદીઓ જૂની ક્ષમતા હતી, પણ આજે એ કામ લાગવાની ન હતી.


અચાનક તે ઝાટકા સાથે ઊભો થયો. આકાશમાં ઘેરાઈ રહેલા મેઘની સામે જોયું. પીરની ટેકરી પર ખોડાયેલા સિંદુરના થાપાની હારમાળાનું સ્મરણ કર્યું અને જોરથી સાદ પાડ્યો,


'સુરજ... વિન્યા... અરે ઓ ધંત્યા... જલ્દી કરો, કોઈક કસ્બામાં જૈતી ડોશીને હાક મારો... જલ્દી...'

*** *** ***

આકાશમાં કાળાડિબાંગ વાદળોનો મેઘાડંબર, દસ-બાર માથોડા ઊંચા વૃક્ષોનો ઘટાટોપ, લીલીછમ વનરાજી ઓઢીને કાળમુખા ખડકોને છૂપાવી રહેલા પહાડો અને આગળ-પાછળ બંને તરફ ઊંડી, લપસણી, ડરામણી ખીણ...


આગળનું એક-એક ડગલું મુશ્કેલ બનતું હતું. વિશાખાનું હૈયું કાંપતું હતું પરંતુ જેમ્સના ચહેરા પરની સ્વસ્થતા યથાવત હતી. એ જાણે સ્કોટલેન્ડના બર્ફિલા પહાડો પર આરોહણ કરી રહ્યો હોય એટલી ટાઢકથી વિશાખાને સાવ લગોલગ જકડીને ચાલ્યે જતો હતો.


'મને હજુ ય તમારો વિચાર ગળે નથી ઉતરતો...' આખરે વિશાખાએ કંઈક વાત કરીને જંગલના ડરામણા સન્નાટાનો તોડવાનો પ્રયાસ કર્યો.

'એમાં ગળે ન ઉતરવા જેવું શું છે?' જેમ્સે સ્મિત વેરીને જવાબ આપ્યો, 'જેમ તમારી ટ્રેડિશન છે, એમ જ મારી ય એક ટ્રેડિશન છે... સદીઓથી ઘડાયેલી, કેળવાયેલી મારી ય એક પરંપરા છે...'


'પણ એ બીજી કોઈ રીતે ય થઈ શક્યું હોત...' વિલી પર થયેલા હુમલાની ભયાવહતા યાદ કરીને વિશાખા ધ્રૂજી જતી હતી, 'આ રસ્તો તો વધુ જોખમી નથી લાગતો?'


'જોખમી શા માટે?' જેમ્સ સપાટ સ્વરે બોલી રહ્યો હતો.

જોખમી નહિ તો બીજું શું? એ લોકો વિલિયમના અપહરણનો પ્રયાસ કરી ચૂક્યા છે. હોસ્પિટલમાંથી ય તેનું લોહી મેળવવાનો પ્રયાસ કર્યો છે, અને તમે ય મૅક્લિન જ છો એવી ખબર પડશે તો...'


'તો?' જેમ્સ તેની સામે જોઈને હસ્યો, 'અપહરણ તો તેનું જ થાય જે ભાગવા મથતો હોય...'
'એટલે... યુ મિન?' વિશાખા તેની સામે ચોંકીને જોઈ રહી.


'તે દિવસે આર્થરના ફૌજીઓ અહીં ક્યાંક...' જેમ્સે ગાઢ જંગલના વૃક્ષો તરફ આકાશમાં ઘેરાયેલા વાદળો જેવી ઘનઘોર આંખે જોયું અને આંગળી ચિંધી, 'અહીં જ ક્યાંક બંદૂક તાણીને ઊભા હશે અને એક-એક ધડાકે માન્જોના એક-એક આદમીની લાશો ઉથલી હશે...'


તેણે ફરીથી મ્લાન સ્મિત વેરીને વિશાખાના વાળમાં હાથ પસવાર્યો, 'માય ડીયર ગર્લ, એ દિવસે એ બિચારાને ભાગવું હતું તોય આર્થરની તાકાત સામે એમને રસ્તો જડે એમ ન હતો... હવે એ જ આર્થરનો... એ જ મૅક્લિનનો બચ્ચો હું સામેથી અહીં આવ્યો છું... મારી પાછળના તમામ રસ્તા બંધ કરીને...'


'પણ એ તમારી લાગણી નહિ સમજે તો? એ તો સાચે જ બહુ જીદ્દી, કંઈક અંશે નાસમજ, ભારે હિંસક અને જંગલી ગણાય છે...'


'જંગલમાં વસનારા એટલાં પૂરતાં જંગલી સાચા, બાકી હિંસક અને જીદ્દી તો મને લાગે છે કે એમનાંથી ય અનેક ગણાં આપણે છીએ..'

તેણે લીલાંછમ વૃક્ષોમાંથી ટપકતી ધારમાં મોં ધરીને ચહેરો ભીંજાવ્યો અને ભાર દઈને હાથ ઘસ્યો. તેના ગોરા, દાઢિયાળા, કરડા ચહેરા પર તરી આવેલી લાલાશ અને તેની ભીતરથી ઝલકતી અજાયબ કુમાશને વિશાખા ધ્યાનપૂર્વક નિરખી રહી.


ફરી ક્યાંય સુધી બંને વચ્ચે મૌન પથરાયેલું રહ્યું.


ઘનઘોર જંગલનો અંધારિયો, ડરામણો ઘટાટોપ... ચોતરફ ડાચું ફાડીને ઘુરકાટા કરતો લીલોછમ સન્નાટો... આકાશમાંથી જંગલની છાતી માથે ઝિંકાતી મેઘની ગડગડાટી અને તેને જવાબ વાળતી હોય તેમ ક્યાંકથી ઊઠતી હિંસક જાનવરની કારમી ત્રાડ...


અચાનક બિહામણા વાતાવરણને ચિરતો કશોક સૂરીલો અવાજ રેલાયો એટલે બંનેએ એકમેકની સામે જોયું. તીણી સિસોટી જેવો અવાજ... કોઈક સિટી વગાડી રહ્યું હતું કે એ તેમનો ભ્રમ હતો?


બંનેના ચહેરા પર હજુ અવઢવ પ્રગટે, ઓસરે એ પહેલાં ફરીથી એ અવાજ આવ્યો. આ વખતે એ વધુ તીવ્ર, વધુ સ્પષ્ટ અને એકધારો હતો. પરંતુ ભયંકર છળી ઊઠેલી વિશાખા જેમ્સની ગોદમાં રીતસર લપાઈ ગઈ. સિટી, સિસકારો એ હુમલા માટેનો કોઈ સંકેત પણ હોય...


જેમ્સના ચહેરા પર ઘડીક તંગદીલી પથરાઈ. તેના હોઠ દૃઢતાથી બિડાયા. ઘડીક તેણે આંખ બંધ કરીને અવાજની દિશાનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કર્યો અને પછી વિશાખાના ખભા ફરતો હાથ મજબૂતીથી વિંટાળીને તે ઝડપભેર આગળ વધવા માંડ્યો.


માંડ વીશેક ડગલાં તેઓ આગળ વધ્યા હશે ત્યાં ફરીથી એ અવાજ આવ્યો અને હવે આરોહ, અવરોહમાં વહેતો થયો એટલે જરાક ઓળખાયો...


ઈટ મસ્ટ બી અ ફ્લ્યુટ... તેણે વિશાખાની સામે સવાલિયા નજરે જોયું, કોઈક વાંસળી વગાડતું હોય એવું લાગે છે...


તેણે આસપાસ નજર દોડાવી. અહીં કેડી ત્રિભેટે ફંટાતી હતી, પણ ડાબી બાજુએ જંગલનો ઘટાટોપ આછો થઈ રહ્યો હતો અને એ તરફ કંઈક અજવાળું લાગતું હતું. તે ઉતાવળા કદમે એ તરફ આગળ વધ્યો.


હવે વાંસળીનો અવાજ વધુ તીવ્ર અને સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યો હતો અને હવે તેમાં ઢોલની થાપ પણ ધીમા ધીમા થપકારા સાથે ઉમેરાઈ રહી હતી. જેમ્સના ચહેરા પર આતુરતા હતી, વિશાખાના ચહેરા પર અજાણપણાંનો ડર અને અનિશ્ચિતતાનો ખૌફ વર્તાતા હતા. બંનેના કદમોમાં ઝડપ અને સતર્કતા હતી.


જરાક જ આગળ જઈને વૃક્ષોની હાર વચ્ચેથી સામે દેખાતી લીલીછમ ટેકરીઓના ઢોળાવ પર તેમણે જે જોયું એથી તેમની આંખો વિસ્ફારિત થઈ ગઈ...


ટેકરીનો ઢોળાવ જાણે રંગમંચ હોય તેમ ટેકરી પર અધૂકડો આડો પડેલો એક છોકરો જોડિયા પાવામાં સૂર ફૂંકી રહ્યો હતો. સામે ઝાડના થડને અઢેલીને ઊભેલી એક છોકરી કમર મટકાવતી, પગ થિરકાવતી ધીમે ધીમે નર્તન કરી રહી હતી.


અચાનક પાવાના સૂર બદલાયા અને હવે તેમાં નેપથ્યમાંથી ઢોલની જોશીલી થાપ આક્રમક તાલમાં રીડીબામ...રીડીબામ અવાજે ધબકાવા લાગી.


હવે ઢોલની થાપ અટકી, પાવો હજુ ય સહેજ ધીમા સૂરમાં છેડાઈ રહ્યો હતો અને કોઈક તીણા સ્વરમાં બેહદ સૂરીલા અવાજે ગાઈ રહ્યું હતું,


આઇકા આઈકા માનજો પોરાનું
ગોષ્ઠ આહે આપલયા વડીલા ન ચી
એક હોતા રુંગડા
તો હોતા વેલી ચા પ્રેમાત વેડા
આમરાલ ચા ધરતી વર પ્રેમા ચી ગોષ્ઠ
આમરાળ ચા ધરતી વર પ્રેમા ચા રક્ત્યા ચી ગોષ્ઠ
ધોન્ડુ ચા પોરગા પાન્ડુ સાંગતો
વેલી આણિ રૂંગડા ચ્યા પ્રેમા ચી ગોષ્ઠ


(સાંભળો સાંભળો માન્જો બચ્ચા
તમારા વડવાની વાતો...
વર્ષો પહેલાં એક હતો રૂંગડો
એ વેલી માટે હતો ગાંડો
આમરાળની ધરતી માથે
ગવાયેલા ગીતની આ વાતો
આમરાળની ધરતી માથે
વહેલા લોહીની આ વાતો
ધોન્ડાનો દીકરો પાંડુ કહે છે
વેલી-રૂંગડાનું આખ્યાન)


જેમ્સે પ્રશ્નાર્થ નજરે વિશાખા સામે જોયું અને આભી બનેલી વિશાખાએ ફટાફટ તેને તરજુમો સંભળાવ્યો એ સાથે જ નાટકનું દૃષ્ય બદલાયું હોય તેમ ટેકરીના રંગમંચ પર હેડી-હેડીના જવાનિયાઓ ધોતીને કછોટો મારીને અને ઘાઘરી-પોલકું પહેરેલી છોકરીઓ સાથે નાચવા લાગ્યા.


ઢોલની થાપ વધુ જોશભેર ધબકવા લાગી, હવે જાણે નાચતી છોકરીની વળ ખાતી કમરના લયમાં પાવાના સૂર પણ તાર સપ્તકને આંબવા લાગ્યા અને તીણો અવાજ વધુ જોશભેર પડઘાતો રહ્યો...


વેલી-રૂંગડાના પ્રણયની વાત છે
અધૂરા રહેલા મિલનની વાત છે
આકાશે દેખાતા સપ્તર્ષિની વાટ છે


લોહીમાં રેલાયેલા પ્રેમની આ વાત છે... લોહીમાં રંગાયેલા પ્રેમની આ વાત છે... ખાંભી થઈ ઊભેલા પ્રેમની આ વાત છે... પ્રેમની આ વાત છે... આ વાત છે હો વાત છે...


અઢીસો વર્ષના ફલકમાં પથરાયેલી કહાનીમાં હવે કોણ-કોનો ગુનેગાર છે એ નક્કી કરવું મુશ્કેલ લાગવાથી આજે પહાડ પણ જાણે મસ્તક ઝુકાવી ગયા હતા, બેબાકળો મેઘ પણ આકાશમાંથી મોં ફેરવી રહ્યો હતો અને લીલીછમ ઉત્સુકતા ઓઢીને આખું જંગલ ટેકરીના ઢોળાવ પર નજર માંડી રહ્યું હતું.


(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP