Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

જેમ્સના મોંમાથી હરખભેર રાડ પડી ગઈ, 'ઈટ્સ મૅક્લિન એસ્ટેટ...'!!

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

પ્રકરણ - 47

વહેલી સવારે જેમ્સની આંખ સહેજ મિંચાઈ અને થોડી જ વારમાં એ આંખો ચોળતો ઊભો પણ થઈ ગયો. એ ભડભાદર આદમી લાંબો વખત માયુસ કે હતાશ રહેવા ટેવાયેલો ન હતો. આક્રમકતા, ખુમારી અને ગર્વ એ તેના વ્યક્તિત્વના સ્થાયી ભાવ હતા. આજે એનાં પર જ કુઠારાઘાત થયો હતો, પણ એ જીરવી ગયો હતો.


રાતભર સ્કોચ વ્હિસ્કી પીધા પછી હવે દિવસભર આમરાળની અજાણી જગાએ વધુ જોખમો વચ્ચે દડમજલ કરવાની હતી. એટલે હેંગઓવર ઉતારવા તેણે લેમન જ્યુસ ઓર્ડર કર્યું.


નાની ચૂસ્કીઓ ભરતો તે બારી પાસે ગયો અને સ્લાઈડિંગ વિન્ડો ખોલી એ સાથે હવાની ઠંડીગાર લહેરખી તેના ચહેરા પર ધસી આવી.

બહાર ઘેઘૂર વૃક્ષોના પાંદડાઓ પર ચમકતો વહેલી સવારનો ઉજાસ એ ઘડીભર જોઈ રહ્યો. આમરાળમાં તે માન્જોની વસાહતમાં જવા માંગતો હતો, પણ ત્યાં જઈને કોને મળવાનું છે અને શું કરવાનું છે એ વિશે એ સ્પષ્ટ ન હતો. ત્યાં જવું ચોક્કસપણે જોખમી જ હતું, પણ એ મક્કમ હતો. આર્થરના કુકર્મોની માફી માંગવી તો પડશે.


તેની આંખો એમ જ હવામાં તાકી રહી.


હોટેલ સી-રોકની પછીતે સહ્યાદ્રીની અફાટ ગીરીમાળાનો બેહદ મનોરમ્ય નજારો આપતો આ ફ્લોર મોટાભાગે વિદેશી સહેલાણીઓને જ ફાળવવામાં આવતો. અહીં રૂમની બારીની ડાબે-જમણે ઘેઘૂર વૃક્ષો દેખાતાં હતાં. નજરની સામે લગભગ ત્રણસો ફૂટ જેટલું લીલુંછમ મેદાન અને તેની પાછળ સીધી જ ખીણ દોડી જતી હતી. ખીણમાં વહેતી નદીનો ઘૂઘવાટ પણ સ્પષ્ટ સાંભળી શકાતો હતો.


લેમન જ્યુસનો ઘુંટડો ગળા હેઠળ ઉતારીને તેણે ઘડીયાળમાં જોયું. હજુ દોઢ-બે કલાક જેટલો સમય હતો. વિશાખા કદાચ હવે ઊઠી હોય. આમરાળ માટે તેણે વિશાખાને સ્પષ્ટ ના પાડી હતી, પણ હવે એ છોકરી તેનાં જ શબ્દો પરત કરી રહી હતી, 'યુ વીલ નીડ મી...'


હજુ તેને આર્થરની હેવાનિયતની બધી વાત કરવાની પણ બાકી હતી.


તેણે એ વિચાર મગજમાંથી કાઢવા બહાર નિસર્ગની સોહામણી તસવીર તરફ મનને વાળ્યું. હોટેલનો ગાર્ડન બહુ સફાઈદાર અને આયોજનબદ્ધ રીતે બનાવેલો જણાતો હતો. અહીં આથમતી સાંજે લોન પર ટેબલો ગોઠવાતા અને ધીમા મ્યુઝિકના સથવારે ઘટાદાર વૃક્ષોની લગભગ એકસરખી ઊંચાઈ પરથી ચળાઈને આવતાં હેલોજનના સંયમિત ઉજાસમાં સાંજ રોશન થતી રહેતી.


તેણે ફરી ડાબે-જમણે નજર ફેરવી. બંને તરફ લીમડો, આંબલી, બોરસલ્લી જેવા પહોળાઈમાં પથરાયેલા વૃક્ષોની હાર વચ્ચે કદમાં ખાસ્સા ઊંચા પણ પહોળાઈમાં મર્યાદિત એવા ત્રણેક વૃક્ષો તરફ તેનું ધ્યાન ખેંચાયું અને એ ચમક્યો.


ઘટાદાર વૃક્ષોની વચ્ચે આ સીધા, ઊભા ફેલાયેલા વૃક્ષો તો તરત નોંખા પડતાં હતાં. તેનાં પર પહેલાં ધ્યાન કેમ ન ગયું? તેણે આખી ય બારી ખોલી નાંખી અને ધ્યાનથી જોયું. તેની આંખોનો વિસ્ફાર અને ચહેરા પરનો ઉન્માદ ઝડપભેર વધતાં જતાં હતા.


ઈટ્સ રેવન... એ દોડીને રૂમની બહાર આવ્યો અને ડાબી તરફ ત્રણેક રૂમ પછીના ખુલ્લા પેસેજમાં પહોંચ્યો. અહીંથી એ વૃક્ષો બરાબર સીધમાં અને તદ્દન સ્પષ્ટ દેખાતાં હતાં.


યસ... ઈટ્સ રેવન... આ રેવન વૃક્ષ જ છે. સ્કોટલેન્ડની પીળી, ચીકણી માટીમાં રગદોળાઈને ઉછરેલો એ આદમી પોતાના વતનના વૃક્ષને જોઈને અચાનક ઘાંઘો થઈ ગયો. પેલા વયસ્ક ગાઈડે કહ્યું જ હતું, 'રેવનના વૃક્ષો હવે બહુ ઓછા બચ્યા છે, પણ હજુ ય એકલદોકલ છે ખરાં. જ્યાં રેવન દેખાય ત્યાં સમજો કે આસપાસમાં કોઈ સ્કોટિશનો બંગલો હોવો જોઈએ..'


લિફ્ટની પરવા કર્યા વગર એ બુઢ્ઢો આદમી સડસડાટ દાદરા ઉતરતો નીચે રિસેપ્શન પર પહોંચ્યો અને હાંફતી છાતીએ પૂછી નાંખ્યું, 'અહીં આ હોટેલ બની એ પહેલાં શું હતું?'

'પાર્ડન સર...' સવારના પહોરમાં હજુ નાઈટ ડ્યુટીનો સ્ટાફ જ રિસેપ્શન સંભાળી રહ્યો હતો. કસમયે કોઈ આવો અસંબદ્ધ સવાલ કરે એ તેમના માટે નિયત થયેલા ક્રમની બહારનું હતું.


'આઈ વોન્ટ ટુ મીટ પીઆરઓ...' રિસેપ્શનિસ્ટ પાસે તો આવી માહિતી હોય નહિ એ સમજાયા પછી જેમ્સ જરા ગુંચવાયો, 'ઓર ધેટ કાઈન્ડ ઓફ પર્સન... જે મને આ હોટેલ વિશે, તેની હિસ્ટરી વિશે કહી શકે...'


બહારથી આવનારા સહેલાણીઓ પંચગની, મહાબળેશ્વરની હિસ્ટરી વિશે જાણવા ઉત્સુક હોય. કોઈક મરાઠા સામ્રાજ્યની વાતો પૂછે. કોઈક બહુ ખણખોદિયા હોય તો અહીંની ભૂગોળ, સહ્યાદ્રી, સાવિત્રી નદી વિશે ય પડપૂછ કરે, પણ હોટેલની હિસ્ટરી? હોટેલની તો વળી શું હિસ્ટરી હોય?


મુંઝાયેલા રિસેપ્શન સ્ટાફે અંદર-અંદર ઘુસપુસ કરી. વિદેશી ટુરિસ્ટને ઉચ્ચક જવાબ આપવાનું ય પાલવે નહિ. એટલે સ્મિતભેર કહી દીધું, 'જસ્ટ અ મિનિટ સર, લેટ મી ચેક... અમારા નાઈટ પેટ્રન હજુ છે કે કેમ એ જોઈને કહું... પરહેપ્સ હી કેન સે...'


થોડી વાર આપસમાં ઘુસપુસ થતી રહી, ફોનના ડાયલ મચડાતા રહ્યા. જેમ્સ ઊંચા જીવે ટેબલ પર અસંબદ્ધ આંગળા ઠપકારતો ઊભો રહ્યો અને અચાનક સામેની ફોયરમાંથી પાકટ વયનો એક આદમી સ્મિતભેર પ્રગટ્યો.

'યસ સર, માયસેલ્ફ હેમંત તામ્હણે...' તેણે બહુ અદબભેર જેમ્સ સાથે હાથ મિલાવ્યા, 'આઈ એમ ટોલ્ડ ધેટ યુ હેવ સમ ઈન્ટરેસ્ટિંગ ક્વેરી...'


તામ્હણે મૂળ તો સતારાનો વતની. તેના બાપે અહીં નાનકડી હોટેલ ખોલી હતી, પણ પંચગની વિકસતું ગયું અને સ્ટાર કેટેગરીની હોટેલોનો જમેલો પથરાવા લાગ્યો એટલે તામ્હણેને ટકી રહેવું મુશ્કેલ લાગ્યું. હોટેલ મેનેજમેન્ટ તેની બાપીકી આવડત હતી એટલે પહેલાં એ હિલ્ટન ગ્રુપમાં અને પછી તરત નવી બની રહેલી સી-રોકમાં જોડાયો, ત્યારથી અહીં જ હતો. રિસેપ્શન કાઉન્ટર માટે તે સંકટ સમયની સાંકળ હતો. સોલ્વ ન થઈ શકે એવા ઈસ્યુ તેની પાસે જ આવતાં અને બહોળા અનુભવથી ઘડાયેલી કોઠાસૂઝ વડે તામ્હણે કંઈક ઉકેલ પણ લાવી દેતો.


પણ આજે જેમ્સનો સવાલ તેને ય મુંઝવી ગયો.


'પહેલાં તો કદાચ...' તેણે મનોમન અઢી દાયકા જૂનો સમય ફંફોસવા માંડ્યો, 'અહીં એક નાનકડી હોટેલ હતી... હોટેલ સિદ્ધિવિનાયક...'
'એથી પહેલાં?'


'એ પહેલાં તો...' તામ્હણેની યાદદાસ્ત મજબૂત હતી પણ આ સવાલ ભારે અઘરો હતો, 'અહીં છેક મેઈન રોડ પર એક બંગલો હતો કદાચ... મુંબઈના કોઈ ખટાઉ શેઠનો અને પાછળ ખીણની ધાર પાસે સિદ્ધિવિનાયક હતી, જે લોકેશન બેહદ સુંદર હતું પણ બ્રાન્ડિંગની આવડત ન હતી એટલે ખાસ ચાલતી ન હતી...'


'આ કેટલાં વરસ પહેલાંની વાત હોઈ શકે?' જેમ્સ લગાતાર સવાલો પૂછ્યે જતો હતો અને તામ્હણે લાગાતાર મુંઝાતો જતો હતો. આ ઘરડા ધોળિયાએ સખત ટચકાવ્યો છે એ તો તેને પહેલી નજરે જ કળાઈ ગયું હતું, પણ સવાર-સવારમાં આમ મેથી મારવા કેમ આવી ચડ્યા છે એ તેને બિલકુલ સમજાતું ન હતું.


'વરસ તો સમજો ને...' તામ્હણેએ મનોમન ગણતરી કરવા માંડી, 'સી-રોકને ત્રીશ વર્ષ થયા... એ પહેલાં સિદ્ધિ વિનાયક... તેને સાઠ-સિત્તેર વર્ષ થયા... પહેલાં એ બંગલો હોય તો તેને આશરે સો વર્ષ તો થયા હોવા જોઈએ...'


'ઓહ...' હજુ તો સો વર્ષ સુધી પહોંચવામાં જ આ માણસ હાંફી ગયો છે અને આપણે તો અઢીસો વર્ષ પહેલાંના સમયની વાત જાણવી છે... જેમ્સે સવાલનો પ્રકાર બદલ્યો, 'બહાર મેં એક રેવન ટ્રી જોયું...'


બંગલા મૂક પડતા અને હવે આ વળી ઝાડવા પર ચડી ગયો? કાર્યદક્ષતાને સમર્પિત તામ્હણેના ચહેરા પર કાયમ મઢાયેલું રહેતું સ્મિત પણ હવે તો ઓસરી રહ્યું હતું અને તેને અકળાયેલો જોઈને રિસેપ્શન કાઉન્ટર પર પણ મજાકિયા ઈશારાથી કાનાફૂસી થવા લાગી હતી.

'હા તો...?'


'ઈટ્સ રેવન ટ્રી, રાઈટ?' જેમ્સે ફરીથી કહ્યું.


'ઈટ મે બી...' તામ્હણેએ બે હાથ ફેલાવીને ખભા ઊંચક્યા, 'વૃક્ષો વિશે મારી જાણકારી બહુ મર્યાદિત છે...'


'એ સ્કોટિશ ટ્રી છે...'


'ફાઈન... તમે તો ખરેખર આવી બધી બાબતોના જાણકાર લાગો છો...' તેણે વાત પલટાવીને આ પીધેલાને રવાના કરવાની પેરવી કરવા માંડી, 'સાંજે અમારા મિ. માર્કંડેયની ઓળખાણ કરાવવી મને ગમશે. એમને ય ગાર્ડનિંગનો બહુ શોખ છે...'

'મને ગાર્ડનિંગનો બિલકુલ શોખ નથી...' જેમ્સને ય હવે ચટપટી વધતી હતી, 'પણ મેં સાંભળ્યું છે કે રેવન ટ્રી હોય ત્યાં આસપાસની જગ્યાએ જૂના વખતમાં કોઈ સ્કોટિશ બંગલા હોવા જોઈએ. અહીં રેવન વૃક્ષ મેં જોયા એટલે મને ખાતરી છે કે આ જગ્યા કોઈ સ્કોટિશ બંગલા પર જ બની હોવી જોઈએ...'


'ઓહ...' હવે તામ્હણેને કંઈક ગડ બેસી, 'બની શકે... ખટાઉ શેઠના બંગલામાં એક સરસ મજાનો શો-કેઈસ હતો, જેમાં અગાઉના બંગલાઓના કેટલાંક સોવેનિયર સચવાયેલા હતા. અમે એ જ શો-કેઈસમાં ખટાઉ બંગલાના ફોટોગ્રાફ્સ અને અન્ય રસપ્રદ ચીજો એકઠી કરીને નાનકડો હોલ બનાવ્યો છે. જો તમને રસ હોય તો...'
જેમ્સે હકાર ભણ્યો એટલે તામ્હણે તેને 'સહ્યાદ્રી ગેલેરી' એવું પિતળના મરોડદાર અક્ષરે મઢેલા પાટિયાની દિશાએ દોરી ગયો.


રિસેપ્શન કાઉન્ટરની બરાબર બાજુમાં જ એ હોલ હતો, જ્યાં હોટેલમાં આવતાં ટુરિસ્ટ પંચગની, મહાબળેશ્વરની હિસ્ટ્રી વિશે, સહ્યાદ્રીની રોચક તસવીરો, જોવાલાયક સ્થળો વિશે, જૂના વખતની રોનક વિશે જાણી શકે એવી તસવીરો, માહિતીપ્રદ સ્ટેન્ડી, શો-કેસમાં મઢેલા હુન્નરના નમૂનાઓ વગેરેનું નાનકડું મ્યુઝિયમ જેવું બનાવાયું હતું.


તામ્હણેએ દરવાજા પાસેની સ્વિચો ફટાફટ ઓન કરી એ સાથે પીળા પ્રકાશથી ઓરડો ઝળહળ થઈ ગયો. તામ્હણે સીધો જ તેને એક મોટા, ઊંચા શો-કેસ તરફ દોરી ગયો.

'આ શો-કેસમાં પંચગનીના મકાનો, બંગલાઓ અને ખટાઉ બંગલાના સોવેનિયર રખાયેલા છે, દરેકનું થોડુંક ડિસ્ક્રિપ્શન પણ છે...'


જેમ્સ બહુ ધ્યાનથી એક-એક ચીજો અવલોકવા માંડ્યો. એ સવાલો પૂછતો બંધ થયો એટલે તામ્હણેને ય હાશકારો થયો હતો.


ગુજરાતી ભાટિયા શેઠની જૂના જમાનાની એક પાઘડી, શ્રીનાથજીની નકશીદાર ચાંદીની મૂર્તિ, સહ્યાદ્રીના પહાડોમાં શિકાર કરતાં વાઘનું એક પેઈન્ટિંગ, કાંસાના થાળી-વાટકા, રેશમી બો-ટાઈ, પતરાંની જૂની પેટી, લાકડાનું એકઢાળિયું, બેરલ તૂટેલી એક-બે બંદૂકો, જ્વેલરી રાખવાનો ચાંદીનો નાનકડો સંદુક...


જેમ્સ બહુ જ ધ્યાનપૂર્વક એક-એક ચીજ જોઈ રહ્યો હતો. બંદૂકને તો તેણે કાચને છેક નાક અડાડીને નિરખી લીધી હતી.


'યુ કેન ઈવન વિઝિટ સમ અધર...' તામ્હણે કંઈક કહેવા જતો હતો ત્યાં જ જેમ્સે તેને હાથથી રોક્યો.
'તમે આ શો-કેસ ખોલાવવાની વ્યવસ્થા કરશો?' તેણે નજર ફેરવ્યા વગર જ કહી દીધું...


'અત્યારે?' તામ્હણેને સમજાતું ન હતું કે આ માણસને ખરેખર શું કામ છે, શું જોઈએ છે અને સવાર-સવારમાં આ મગજમારી કરવાનો તેનો હેતુ શું છે... તેણે મોંઢું બગાડીને બીજા એક ડ્રોઅરના ખાના ફંફોસ્યા અને ચાવીનું ઝુમખું કાઢ્યું, નંબર ચેક કરીને એક ચાવી લગાડી અને સિસમના કાળા પાટિયા પર જડેલા બેલ્જિયમ કાચનો જાજરમાન શો-કેસ ખોલ્યો.


શો-કેસ ખોલ્યો કે તરત જેમ્સના હાથમાં ઉતાવળ પ્રગટી હોય તેમ તેણે સીધો જ અંદર હાથ નાંખ્યો અને ખૂણા પર ચીપકાવેલું લોકેટ જેવું કશુંક ઊઠાવ્યું. તામ્હણેને એ ગમ્યું તો નહિ, પણ એ કશું બોલે એ પહેલાં જ જેમ્સે એ લોકેટને લેમ્પના અજવાળામાં ધર્યું...


- અને તેની આંખો ફાટી રહી.
તેણે ફરીથી ઉલટાવી-સૂલટાવીને જોયું... આશ્ચર્યથી ફાટી આંખે તામ્હણે તરફ જોયું... ફરી બીજા લેમ્પ પાસે ગયો અને ત્યાં જઈને જોયું...


ખાસ્સા ચારેક ઈંચ લાંબા સોનાના મજબૂત પતરા પર બંને ખૂણે સાંકળી પરોવવાના વિંધા હતા. પતરાંની પાછળની તરફ બંદૂક ખોસવાના ચેસ્ટ બેલ્ટનો વર્તુળાકાર હતો, તેની વચ્ચે કિલ્લાની એક રાંગ કોતરેલી હતી અને ઉપર હાથ-કારીગરીથી અક્ષર કોતરેલાં હતા... VIRTUE MINE HONOUR


- અને આગળની તરફ એવા જ મરોડદાર અક્ષરોમાં કોતરેલું હતું...
WILLIAM ARTHUR McLEAN !!!


સ્થળ-કાળ કે તામ્હણેની હાજરી કે અન્ય કશાયની પરવા કર્યા વગર જેમ્સના મોંમાથી હરખભેર રાડ પડી ગઈ, 'ઈટ્સ મૅક્લન એસ્ટેટ...'!!
*** *** ***


એ જ વખતે ત્યાંથી ખાસ્સા સવાસો કિલોમીટર દૂર હોસ્પિટલના બિછાને પડેલા વિલીનું બદન તંગ થયું હતું. રાતભર ત્યાં જ ખડેપગે રહેલો ઈયાન એથી ચોંક્યો હતો. ડોક્ટરને બોલાવવા તેણે બૂમ પાડી અને વિલીના ચહેરાને નિરખ્યો.


તેના ચહેરા પર સ્મિત હતું... સ્મિતમાં અજબ સુકુન હતું.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP