Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'ઈરમાએ ક્યાં જવાનું કહ્યું, મૅક્લિન એસ્ટેટ? કે પછી આર્થર પોઈન્ટ?'

  • પ્રકાશન તારીખ28 Aug 2018
  •  

પ્રકરણ - 46


ખાસ્સા સમય સુધી વિલીના ચહેરાના હાવભાવ બદલાતા રહ્યા અને પૂરેપૂરો સભાન હોય તેમ આંખો ખુલ્લી રહી. જોકે ડોક્ટર ભારપૂર્વક કહેતા હતા કે તે બિલકુલ ભાનમાં ન હતો અને એનેસ્થેશિયાની અસર હેઠળ પેશન્ટને આવી લવારી થાય તે સહજ છે.


પણ ઈયાન માટે આ ખુલાસો સંતોષકારક ન હતો.


છેવટે ફરજ પર હાજર ડોક્ટરે ઉપરી તબીબને ફોન કર્યો હતો.


સારવાર શરૂ થતાં પહેલાં જ બ્રિટિશ એમ્બેસીની મદદથી ઈયાને વિલીનો કેસ હોસ્પિટલના તંત્રને વિગતે સમજાવ્યો હતો. એ કોણ છે, શા માટે અહીં આવ્યો છે, કેવી તંગ મનોસ્થિતિમાં છે તેમજ લંડનમાં પણ તેણે મનોચિકિત્સકની સારવાર લેવી પડી છે એ તમામ બાબતો ઈયાને સ્પષ્ટ કરી હતી, જેથી વિલીનો કેસ હિસ્ટ્રી સમજવામાં સહાયતા રહે.


થોડી જ વારમાં ઉપરી તબીબ, સાઈકિયાટ્રિસ્ટ અને એનેસ્થેટિસ્ટ પણ દોડી આવ્યા. એ વખતે ય વિલીની છટપટાહટ ચાલુ જ હતી. જડબામાં ગંભીર ઈજા છતાં તેના બંધ ચહેરામાં તીવ્ર હાવભાવ વર્તાતા હતા. તેની ખુલ્લી ડાબી આંખમાં સ્પષ્ટ વિસ્ફાર હતો. એ કશુંક જોઈ રહ્યો હતો, કોઈકને સાંભળી રહ્યો હતો કે કશુંક કહેવા મથતો હતો? બિલકુલ સમજી શકાતું ન હતું.


ઈયાને ફરીથી ઉપરી તબીબને એક બાજુ પર બોલાવ્યા અને વિલીને આવતાં ભેદી સપનાંની વાત કરી. પુણે આવ્યા પછી વિવિધ અખબારો, ચેનલોમાં પણ આ વિગતો આવી ગઈ હોવાનું જણાવ્યું. હોસ્પિટલ રેકર્ડ પર આ વિગતો લેવાઈ હોવાથી તબીબને ઉપરછલ્લી માહિતી હતી જ, અને હવે ઈયાને આવેગપૂર્ણ રીતે કહ્યું એથી તેને ય ઉત્સુકતા જાગી. એક ડોક્ટર તરીકે એ કદાપી સંમત ન થઈ શકે, પણ વિલીની હાલત તો એ નજર સમક્ષ જોઈ રહ્યો હતો.


પેશન્ટની આવી હરકતથી તેને ય અચંબો થતો હતો. સર્જરી દરમિયાન એનેસ્થેશિયાનો ભારે ડોઝ અપાયો હોય. કેટામાઈન, પ્રોપોફોલ, બેન્ઝોડાઈઝેપાઈન કે બાર્બીચ્યુરેટ્સ જેવા ડ્રગ્ઝની અસર હેઠળ પેશન્ટનું અજાગૃત મન સંમોહન (હિપ્નોસિસ)ની સ્થિતિમાં આવે. એ દરમિયાન, તેનું મન ચોક્કસ વાત, વિચાર કે વર્તણૂંક માટે તીવ્ર એકાગ્ર બને, મનની ચંચળતા ઘટે. આ સ્થિતિમાં તેને સૂચનો આપવામાં આવે તો તેનું એ અનુકરણ કરે. કેટલાંક સંજોગોમાં એ પોતાની જાતે જ અજાગૃત મનમાં પડેલી કોઈ વાતને કે વિચારને અભિવ્યક્ત કરવા માંડે.


સાઈકિયાટ્રિસ્ટ અને એનેસ્થેટિસ્ટ સાથે ખાસ્સી વાર સુધી ચર્ચા કર્યા પછી આખરે ઉપરી તબીબે હિંમતપૂર્વક સાહસિક નિર્ણય લીધો અને વિલીના જડબાને કસીને રાખવા માટે ખસેડી શકાય એટલાં પાટા હટાવવામાં આવ્યા. હવે તેની ડાબી આંખ ઉપરાંત નાક, હોઠ, ડાબો ગાલ અને હડપચી ખુલ્લા હતા.


એ કશુંક બબડી રહ્યો હતો. તેની આંખ સતત એક જ જગાએ સ્થિર થયેલી હતી. ઘડીક એ હકાર ભણતો હોય તેમ તેના હાવભાવ પરથી લાગતું હતું, તો ઘડીક સરવા કાને કશુંક સાંભળી રહ્યો હોય તેમ સ્તબ્ધ થઈ જતો હતો.


'વિલી...' ડોક્ટરના કહેવાથી ઈયાન વિલીની સાવ નજીક ગયો અને કાન પાસે મોં માંડ્યું. તેના બેડની આસપાસ, સામે બીજું કોઈ જ નહિ અને ડાબી તરફ ફક્ત ત્રણ ડોક્ટરો હતા, 'વિલી, ઈરમા ક્યાં જવાનું કહે છે?'


ડોક્ટરની સુચના મુજબ ઈયાને હવે સીધા જ સવાલો પૂછવા માંડ્યા, જેનો વિલીના સપના સાથે સંબંધ હોય.


'વિલી... મને તો જવાબ આપ, આપણે હવે ક્યાં જવાનું છે?'


એ વખતે વિલીની નજર જરાક વાર માટે અવાજ જ્યાંથી આવતો હતો એ દિશામાં (ઈયાનની તરફ) ફરી અને પછી યંત્રવત્ત થઈ ગઈ. તેના હાવભાવ અને ખુલ્લી ડાબી આંખને અત્યંત ઝીણવટપૂર્વક નીરખી રહેલા તબીબોએ ઈશારો કર્યો એટલે ઈયાને એ જ સવાલ ફરી ફરીને પૂછવા માંડ્યો.


'આપણે અહીં ભારતમાં આવીને ક્યાં જવાનું છે એ વિશે ઈરમાએ કંઈ કહ્યું? આપણે મૅક્લિન એસ્ટેટ જવાનું છે?' વિલીના ચહેરા પર ફરી ગણતરીની સેકન્ડો પૂરતાં કશાક ભાવ ઉપસતાં વર્તાયા. એ હા કહી રહ્યો હોય એવું લાગ્યું? ડોક્ટરો એકબીજાની સામે જોઈ રહ્યા. તેના ચહેરા પર નિશ્ચિત ભાવ તો હતા જ. હોઠ પણ કશુંક ફફડવા મથતા હતા.


'વિલી...' ઈયાને પણ એ જ સવાલ દોહરાવવા માંડ્યો, 'આપણે મૅક્લિન એસ્ટેટ જવાનું છે? મૅક્લિન એસ્ટેટ ક્યાં આવી એ કહે તો અત્યારે જ આપણે જેમ્સને ત્યાં મોકલીએ...' તેના કાનની લગોલગ મોં ખોસીને ઈયાન ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલી રહ્યો હતો, 'ઈરમાએ ક્યાં જવાનું કહ્યું, મૅક્લિન એસ્ટેટ? કે પછી આર્થર પોઈન્ટ? આપણે આર્થર પોઈન્ટ જવાનું છે કે મૅક્લિન એસ્ટેટ? કે એ બંને જગ્યાએ? ત્યાં જઈને શું કરવાનું છે?'


'હી ઈઝ ટ્રાઈંગ ટુ સ્પિક સમથિંગ...' વિલીના કાન પાસે મોં ધરીને બેઠેલા ઈયાનના ખભા પર હાથ મૂકીને ડોક્ટરે કહ્યું, 'ટ્રાય ટુ લિસન હિમ...'

પારાવાર દર્દ થતું હોય તેમ વિલીનો ચહેરો તરડાતો હતો, પણ તોય હોઠ પરાણે ઊંચકાવા મથતા હતા. 'આપણે મૅક્લિન એસ્ટેટ જવાનું છે કે આર્થર પોઈન્ટ?' વિલીના હોઠના ફફડાટ પર નજર રાખીને ઈયાને ફરીથી સવાલ પૂછ્યો. વિલીના હોઠ અંગ્રેજી મૂળાક્ષર O આકારમાં ગોઠવાતા હતા અને તીવ્ર નબળાઈના કારણે તરત વિખરાઈ જતા હતા. ઈયાન તેના હોઠ પર નજર રાખી શકે એ માટે હવે ડોક્ટરે સવાલો પૂછવા માંડ્યા.


ક્યાંય સુધીની મહેનત પછી તેના હોઠનો ફફડાટ સહેજ વધ્યો.

તેનાં હોઠ પહેલાં સિસોટી વગાડવા જેવો જરાક અમથો ગોળાકાર ધારણ કરતાં હતા, પછી સ્મિતની મુદ્રામાં જરાક ખુલતા હતા, એ વખતે જીભ અંદર દાંતને સ્પર્શવાનો પ્રયાસ કરતી હતી અને પછી મોં સહેજ ખૂલતું હતું અને નીચલો હોઠ સહેજ નીચે જતો હતો.


ગળામાંથી હજુ અવાજ નીકળતો ન હતો, પણ હોઠના વંકાવાના આધારે, જરાક અમથા સિસકારાના આધારે માંડ એટલું સમજાયું કે એ કશુંક 'ઓટેરા' કે 'ઓપેરા' પ્રકારનો શબ્દ બોલી રહ્યો હતો. તેને વધુ શ્રમ આપવો હવે જોખમી હતો એટલે ડોક્ટરે નાછૂટકે ઈયાનને રોકી લીધો.


ઓટેરા... ઓપેરા... એ શું હશે? ઈયાનના ચહેરા પર તીવ્ર કશ્મકશ પ્રસરી ગઈ હતી.
*** *** ***


વિનાયક કદાચ હુમલાખોરનો આદમી જ હોય અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ થાય એમ ધારીને જેમ્સે વિશાખાને જરાક દૂરના એક ટેબલ પર ગોઠવી રાખી હતી. વિશાખાને તે સંકેત કરે અથવા તો સંકેત આપવાની ય ગુંજાઈશ ન રહે તો તેણે જાતે જ બ્રિટિશ એમ્બેસીને ફોન કરી દેવાનો હતો.


સદનસીબે એવી કોઈ નોબત જ ન આવી.


વિનાયક ભલે પોતાની લાલચ સાધવા માહિતી આપી રહ્યો હતો, પરંતુ માહિતી આપવા પૂરતો તો પ્રામાણિક રહ્યો હતો. જરાક પણ પેટ છૂપાવ્યા વગર જેમ્સને તેણે તમામ વિગતો ગળે ઉતરે તે રીતે કહી હતી. સુરજને એ કેમ ઓળખતો હતો, સુરજની પ્રોફાઈલ સ્ટોરી કરવા એ તેને ગામ ગયો હતો ત્યારે તેણે પાળિયા જોયા એટલે એક પત્રકારને છાજે એવી ઉત્સુકતાથી પૃચ્છા કરી હતી અને જવાબમાં આ કહાની સાંભળવા મળી હતી. એક અંગ્રેજ હાકેમના કારણે થયેલી શહીદીની વાત તેને ય રસપ્રદ લાગી હતી, પણ પછી નામ અને વિગતોનો વધુ કંઈ ખપ ન હતો એટલે એ વિસરી ગયો હતો.


પછી વિલિયમ મૅક્લિનની પ્રેસ કોન્ફરન્સમાં તેણે સુરજને જોયો ત્યારે નવાઈ લાગી હતી. બીજા દિવસે વિલિયમનું અપહરણ થયાની વાત આવી અને મધરાત પછી હોસ્પિટલમાં ય હુમલો થયો એટલે તેણે મનોમન તાર જોડવા માંડ્યા અને તેને પાક્કી ખાતરી થઈ ગઈ કે માન્જોના ગામમાં જોયેલા પાળિયા, આર્થર મૅક્લિન, પ્રેસ કોન્ફરન્સમાં સુરજની હાજરી અને વિલિયમ મૅક્લિન પર થતાં હુમલા આ બધું જ એકમેક સાથે જોડાયેલું છે.


જેમ્સે સંતોષપૂર્વક તેને બાકીના 2500 પાઉન્ડ આપી દીધા હતા. તું મને આમરાળ લઈ જા, હું તારો ચાર્જ ચૂકવી દઈશ એવી જેમ્સની ઓફર વિનાયકરાવે બહુ પ્રેમથી નકારી દીધી હતી. લાલચની મર્યાદા ક્યાંથી શરૂ થાય છે એની તેને પાક્કી સમજ હતી. એટલે જ આટલા વરસથી મધ્યાહ્ન સહ્યાદ્રી જેવા નગણ્ય અખબારમાં રહીને ય એ ગ્રામ્ય વિસ્તારનો ખેલાડી બન્યો હતો.


બડવાઈઝરની ત્રણ બોટલ બિયર ટટકાવીને ઢમઢોલ થયેલો વિનાયક ખિસ્સામાં 5000 પાઉન્ડનો ગરમાવો ભરીને ક્રેટાનું સ્ટિઅરિંગ ઘૂમાવતો રવાના થયો, પણ એ પછી જેમ્સ માટે સ્વસ્થ રહેવું બહુ જ અઘરું થઈ પડ્યું હતું. વિશાખાની ઉત્સુકતા ફાટાફાટ થતી હતી એટલે તેને ખપ પૂરતાં જવાબો આપ્યા. આમરાળનું લોકેશન ચેક કરવા કહ્યું. વિશાખાના કહેવા પ્રમાણે આ આખોય વિસ્તાર તાઈઘાટ અને ખીંગરની વચ્ચેનો હોય તો જૂનું આમરાળ ગામ કે માન્જોના કસ્બા અહીંથી દક્ષિણે હોવા જોઈએ.


માન્જોની વાતથી વિશાખા ય સ્તબ્ધ હતી, પણ એમાં રૂંગડા-વેલીની પ્રેમકહાણી વિશે અને આર્થરની હેવાનિયત વિશે કહેવા માટે જેમ્સની જીભ ઉપડતી ન હતી એટલે 'હું બહુ જ અપસેટ છું. વી વીલ ટોક ઓન ઈટ ટુમોરો...' એમ કહીને એ ટાળી ગયો હતો.


વિશાખાએ ઈયાન સાથે વાત કરી હતી. અહીં જેમ્સને કેટલીક રસપ્રદ વિગતો મળી છે અને કાલે સવારે આમરાળ જવાનું છે એ વિશે ય જાણ કરી દીધી. એ વખતે શસ્ત્રક્રિયા પૂરી થયા પછી વિલીને આઈસીયુમાં ખસેડાઈ રહ્યો હતો.


વિશાખાને નવાઈ તો લાગતી જ હતી. જેમ્સ ખાસ્સો સૂમસામ, મૂંગો, ભાવશૂન્ય લાગતો હતો, પણ પોતે અપસેટ હોવાનું તેણે જ કહ્યું હતું એટલે વિશાખાએ વધુ પૃચ્છા ટાળી. બીજા દિવસે સવારે આમરાળની અને માન્જોના કસબાની તલાશ કરવા જવાનું નક્કી કરીને બંને છૂટા પડ્યા.


'ક્લાન મેકગ્રેગર?' રૂમમાં પ્રવેશીને જેમ્સએ રૂમ સર્વિસને ફોન જોડીને પૂછ્યું હતું, પણ આ બ્રાન્ડ ન હતી એટલે નાછૂટકે તેણે ગ્લેન ગ્રાન્ટ ની બોટલનો ઓર્ડર આપ્યો. કહ્યું ન હતું તોય આદમી આઈસ ક્યૂબનું બકેટ, બાફેલા ચણા અને તળેલા કાજુની ટ્રે મૂકી ગયો એ જોઈને તેણે મોં મચકોડ્યું.


નો સોડા... નો વોટર... નો આઈસ... ઓન્લી સ્કોચ!


વ્હિસ્કીમાં કંઈપણ ઉમેરો કરવાથી સ્કોટિશ ગુમાનની તૌહિન થતી તેને લાગતી. તેની હાજરીમાં કોઈ સ્કોચમાં પાણી કે બરફ ભેળવે એ જોઈને જ તેનો પિત્તો છટકતો અને ઉગ્રતાપૂર્વક એ નાનુંસરખું ભાષણ આપી દેતો.


તેણે ગ્લાસમાં ખાસ્સો મોટો પેગ બનાવ્યો અને એકઝાટકે ગટગટાવી ગયો. વિનાયકરાવની વાતો સાંભળ્યા પછી તેનાં દિમાગમાં ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો.
આર્થરે આવું કર્યું? વ્હિસ્કીના ઘૂંટ સાથે સતત તેના મગજમાં આ સવાલ ઘૂંટાઈ રહ્યો હતો. એક મૅક્લિન બચ્ચો સાવ આવો? પોતાની સર્વોપરિતા પૂરવાર કરવા સાવ નિર્દોષ લોકોની સામુહિક હત્યા કરી નાંખે? ઈટ વોઝ નોટ વોર... નોટ એટ ઓલ... બરાબરીના જંગમાં ઝઝુમીને, જીવ પર આવીને લડવું એ બહાદુરી હતી,
પણ આ તો...


તેણે માથું ધૂણાવીને વધુ એક ગ્લાસ ભર્યો.


એક માણસ અહીંનો હાકેમ હોય, ગવર્નર હોય, એનો પડ્યો બોલ ઝિલાતો હોય એટલે આટલી હદે હવસખોરી કરવાની? સામ્રાજ્યવાદના યુગમાં અંગ્રેજોએ આચરેલા દમન, શોષણ, અત્યાચારની અનેક કહાની તેણે સાંભળી, ભણી કે વાંચી હતી. પણ આ તો જેના નામ પર પોતે આખી જીંદગી મૂંછે લીંબુ લટકાવ્યા હતા એ મૅક્લિનની ઔલાદ હતો.


વિજેતાઓ દ્વારા પરાજિતોનું શોષણ થાય એ સમયના ચક્રનો કાયમી ક્રમ રહ્યો છે, પણ આ શોષણ નથી... આ તો... આ તો હેવાનિયતની પરાકાષ્ઠા છે... સદીઓ પહેલાં થઈ હોય તો ય તેને માફ ન કરી શકાય...


ક્યાંય સુધી મનોમન તે બબડતો રહ્યો. તેના ચહેરા પર ઉગ્રતા, આક્રોશ, માયુસી, બેબસીના ભાવો પલટાતા રહ્યા. વ્હિસ્કીના ગ્લાસ ભરાતા રહ્યા, ખાલી થતાં રહ્યા.
તેણે છેલ્લો ગ્લાસ ભર્યો. ગ્લાસમાં ઠલવાયેલા સોનેરી ઝાંયને એ એકીટશે જોઈ રહ્યો. ગ્લેન ગ્રાન્ટની બોટલ પર લખેલા 'સ્કોચ વ્હિસ્કી'ના લેબલને અને સ્કોટલેન્ડની ભવ્ય પરંપરા વિશે બેહદ આકર્ષક, છટાદાર અંગ્રેજીમાં લખાયેલા ગૌરવશાળી લખાણને તે જોતો રહ્યો.


તેના હોઠ જરાક વંકાયા અને તેણે બકેટમાંથી બે આઈસ ક્યૂબ ઊઠાવીને ગ્લાસમાં ઠાલવ્યા.


જેમ્સ મૅક્લિનને દાયકાઓથી ઓળખનારા તેના સ્કોટિશ સાથીઓ, દોસ્તોએ આ દૃશ્ય જોયું હોત તો જરૂર બેહોશ થઈ ગયા હોત.


(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP