Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

તીરની બૌછાર સામે ય અડીખમ ઊભેલો આર્થર એ નજરના ડામથી ધ્રૂજી ગયો

  • પ્રકાશન તારીખ27 Aug 2018
  •  

પ્રકરણ - 45

સાધારણ રીતે ભારે સુસ્તીથી ઊઘડતી મૅક્લિન એસ્ટેટની સવાર એ દિવસે ઝાટકા સાથે શરૂ થઈ હતી.

દૂરથી જ હાંકોટા કરીને આવી રહેલા અસવારે એસ્ટેટમાં પ્રવેશતાંની સાથે જ હો-હા મચાવી દીધી હતી. પાછળ માન્જો છોકરાઓના ઘેરા વચ્ચે તે જેને છોડીને નાસી આવ્યો હતો એ બંને સાથીઓ મોતને ઘાટ જ ઉતર્યા હોય એવું તે આસાનીથી સમજી શકતો હતો. કારણ કે માન્જોના અલમસ્ત બાવડામાંથી નીતરતું ઝનુન અને આંખોમાંથી ઉમટતો હિંસક ભાવ આજે તેણે અનુભવી લીધો હતો.


સિપાઈની કેફિયત સાંભળીને તેનો ઉપરી સુબેદાર ચોંક્યો હતો. આવું આ પહેલાં કદી બન્યું જ ન હતું. વિદ્રોહની વાત તો છોડો, કોઈએ કંપની સરકારના કાફલા સામે ઊંચી આંખ કરીને જોવાની ય હિંમત કરી ન હતી.


શું પુણેની પેશ્વાઈ કે શું અહમદનગરની આદિલશાહી, સતારાના ભોંસલે કે મુંબઈથી નવા નવા આવેલા આ લાલ મોંઢાળા વિદેશીઓ.. આંતરિયાળ ગામડાંના કે જંગલોમાં વસતાં અબૂધો માટે બધું સરખું જ હતું. દાયકાઓના અરાજક, હિંસક અને લોહિયાળ અનુભવો પછી મૂંગા મોંએ તાબેદારી સ્વિકારી લેવાની આદત હવે લોહીમાં વહેવા લાગી હતી.


એટલે જ આર્થર મુસ્તાક હતો. બંગાળમાં ય તેણે લોકોનો ખૌફ જોયો હતો. એટલે જ હાકેમ તરીકે અહીં આવ્યા પછી મનમાની કરવાનો તેનો ચાળો સતત વધતો જતો હતો, જે આજે બહુ ભારે પડવાનો હતો.


સુબેદારને ઘડીક તો સમજાયું નહિ કે પહેલાં શું કરવું, લાટસાહેબને વાકેફ કરવા કે કાંઠે માન્જોના ઘેરા વચ્ચે પટકાઈને પડેલા બે ફૌજીઓની સહાયતા માટે નવી કુમક મોકલવી? મોડી રાતે સૂતેલા લાટસાહેબને આટલા અસૂરા જગાડવા એ તો ભારે કપરું કામ, એટલે સુબેદારે તરત હાંક મારી અને સાંજે ઊઠાવી લાવેલ છોકરીને એસ્ટેટના વરંડા તરફ લઈ જવા સૂચના આપી.


રાતભર એ છોકરીએ ભારે પરેશાન કર્યા હતા. આર્થરની ઐયાશી માટે છોકરીઓ ઊઠાવવાની નવાઈ ન હતી. મોટાભાગની છોકરીઓ એકાદ દિવસ વિરોધ, રોકકળ, આજીજી કર્યા પછી ભયની મારી શરણાગતિ સ્વિકારી લેતી, પણ આ છોકરી નોંખી નીકળી. સમજાવટ, લાલચ, ધમકી, માર... શી વાતેય એ તાબે થતી ન હતી અને છંછેડાયેલી વાઘણની જેમ સામે થતી હતી. તેને નવડાવી, ધોવડાવીને આર્થર માટે તૈયાર કરવા આવેલી બે વડારણના ચહેરા તેણે નખોરિયા ભરીને લોહીઝાણ કરી દીધા હતા અને પઠ્ઠા જેવા બે ફૌજીને લાત મારી દીધી હતી. બીજે દિવસે રાતે તેને આર્થરની સામે લઈ જવાની હતી એટલે તેની પીટાઈ કરી શકાય નહિ. છેવટે તેને થાંભલા સાથે બાંધી દીધી હતી. આક્રમક માન્જો અહીં આવશે જ એવું ધારીને સુબેદારે પહેલાં તો છોકરીને વરંડામાં લઈ જવાની સુચના આપી દીધી.


સાવ સહજ સ્થિતિમાં અને કોઈ પડકાર વગર બેપરવા રહેતા પલટણના આદમીઓ પણ સવારના સમયે હજુ વેરવિખેર હતા. સુબેદારની હાંક પછી માહોલ જરાક ગરમાયો. હો-હા વધી એટલે ઉપરના મજલે સૂતેલો આર્થર પણ જાગ્યો. આજે નવી છોકરી ભોગવવા મળવાની હતી તેનાં ખ્વાબમાં ઘેરાયેલી આંખે ગુસ્સૈલ ચહેરે તે ઝરૂખામાં આવ્યો. આર્થરને જોઈને સુબેદારના ય ટાંટિયા થરકવા માંડ્યા અને ભયને ચહેરા પરની ઉગ્રતામાં વાળીને તે વધુ જોરથી હુકમો છોડવા માંડ્યો.


ઘોડારમાં બાંધેલા ઘોડાઓને ખરેરો થઈ રહ્યો હતો એ અટકાવીને નવા પાંચ અસવાર તૈયાર થયા અને જેમતેમ પલાણેલા ઘોડા તબડાવતા એસ્ટેટની બહાર નીકળ્યા. સુબેદાર અદબભેર ઊભો રહીને નીચે આવેલા આર્થરને મામલો સમજાવી રહ્યો હતો. તેના એક-એક શબ્દ સાથે આર્થરના ચહેરા પર તંગદીલી અંકાતી જતી હતી. નાફરમાની બિલકુલ સહી ન શકતાં આર્થર માટે પોતાના ફૌજીઓ પર જીવલેણ હુમલો થાય એ વાત જ પચવી અશક્ય હતી.


માન્જોને તો મિટાવી જ દઈશ, પણ પહેલાં તો આ નમાલા સુબેદારને જ ગોળીએ દઉં એવા વિચારથી એ ધમધમ કરતો અંદરના ઓરડામાં ગન લેવા ગયો. એ હજુ પગથિયા ચડી રહ્યો હતો ત્યાં તેની પીઠ પછવાડે કશોક સૂસવાટો થયો અને એ સૂસવાટાની સમાંતરે સુબેદારની રાડ સંભળાઈ.


આર્થરે પીઠ પાછળ જોયું તો સુબેદાર રાડો પાડતો સંતુલન જાળવવા મથતો હતો અને તેના પડખામાં તીર ખૂંપેલું હતું.


આ કારસ્તાન માન્જોનું જ હોય...


આંખના પલકારે આર્થરે પગથિયા પર છલાંગ લગાવી અને ગન લેવા માટે ઓરડા ભણી દોટ મૂકી, પણ ત્યાં સુધીમાં એસ્ટેટના વિશાળ ચોગાનમાં ધમાસાણ મચી ગયું હતું. માત્ર દસ-બાર માન્જો જવાનિયાઓએ સતત પોઝિશન બદલતા રહીને એકધારો તીરમારો કરીને કંપની સરકારની કેળવાયેલી પલટણને ઘડીભર બ્હાવરી કરી મૂકી હતી.


એસ્ટેટ પર આવો હુમલો થાય એ કલ્પનાતિત બાબત હતી, પણ ચબરાક અંગ્રેજો જ્યાં પણ જાય ત્યાં સુરક્ષા અને બચાવની વ્યવસ્થા સૌથી પહેલી કરવા ટેવાયેલા હતા. અહીં પણ આર્થરે પાઈન, રેવન જેવા સ્કોટિશ વૃક્ષોની સાથે દેશી પીપળા, લીમડા, આંબલી જેવા ઘટાદાર વૃક્ષોના જાડા થડની નૈસર્ગિક આડશ ઉપરાંત ચૂનો ભરીને કાચાપાકી ભીંત જેવી પથ્થરોની નાની આડશો ય ઠેરઠેર કરાવી રાખી હતી. આજે પલટણને એ કામ લાગી રહી હતી.


ઓરડામાંથી બહાર આવતાંની સાથે જ આર્થરે રાઈફલમાંથી ભડાકો કરી નાંખ્યો હતો. એ પછી એસ્ટેટની ડાબી તરફથી પણ બે ભડાકા ગાજ્યા હતા. જોકે એ એકેય ધડાકા-ભડાકાથી ડર ઊભો કરવાના પ્રયાસ સિવાય બીજો કોઈ અર્થ સરવાનો ન હતો. કારણ કે, માન્જોના હાથમાંથી છૂટતા તીર હવામાં સૂસવાટા બોલાવતા હતા, પણ એકેય માન્જો જવાનિયાનો ચહેરો દેખાતો ન હતો. છાપામાર હુમલાખોરી ગળથૂથીમાં પીને મોટા થતાં જંગલના છોરુની એ કાબેલિયત હતી.


હજુ એસ્ટેટના આગળના હિસ્સે મોરચો સંભાળી શકાતો ન હતો ત્યાં પાછળ વરંડા તરફથી ય તીર છૂટવા લાગ્યા એથી આર્થર મૂંઝાયો. પાછળની ખીણ ઓળંગીને માન્જોનો આખો કસ્બો આવ્યો છે કે શું?


બે ફૌજીને આગળનો મોરચો સંભાળવા ઈશારો કર્યો અને પરસાળની ધાર પર ઝૂકેલા રહીને તેણે વરંડા તરફ દોટ મૂકી. વરંડા તરફ જઈને તેણે જોયું... અને ફાટી આંખે જોતો જ રહ્યો. બંને વડારણોને વાળ ખેંચીને નીચે પટકી રહેલી છોકરી અને ખીણની ધાર પરના ઘેઘૂર ઝાડ પરથી 'વેલીઈઈઈઈઈ...' એવી કારમી ત્રાડ સાથે છલાંગ મારીને નીચે કૂદેલો એક છોકરો...


આક્રોશભેર વડારણને પીટી રહેલી એ છોકરી ચોંકી... તેણે પીઠ પાછળ જોયું અને બેબાક ચીસ નાંખી દીધી, 'રૂંગડાઆઆઆ...' તેના છેલ્લાં શબ્દો દર્દનાક હિબકામાં વિંટળાયેલા હતા.


છોકરાએ છોકરી તરફ અને છોકરીએ છોકરા તરફ... બંનેએ દોટ મૂકી એ જોઈને આર્થર હેબતાયો. એ બેહદ અંહકારી, તોરીલો અને ભયંકર તુંડમિજાજી હતો. આ રીતે કોઈ પોતાના ફૌજીને મારી નાંખે, પોતાની એસ્ટેટ પર હુમલો કરે, પોતે ઊઠાવેલી છોકરીને બચાવી જાય...


ગુસ્સાથી તપીને સાતમા આસમાને પહોંચેલા મિજાજે તેણે વરંડાની ભોંય પર પડતું મૂક્યું. એ જ વખતે તેની તરફ પણ તીર વછૂટવા લાગ્યા, પણ અનેક વખત જીવ સટોસટના જંગ લડી ચૂકેલો આર્થર પણ ઝનુની, કેળવાયેલો લડાકુ હતો.


ન દેખાતા તીરંદાજોને થાપ આપવા તેણે ભોંયસરસા રહીને ત્રણેક ગુલાંટો ખાઈ લીધી અને એ દરમિયાન સતત નજર એકમેક તરફ દોડી રહેલા છોકરા-છોકરી તરફ માંડેલી રાખી. બોરસલ્લીના ઝાડની હારના કારણે દોડી રહેલી છોકરી તરફ નિશાન તાકવું આસાન ન હતું, પણ ઝાડ પરથી કૂદેલો છોકરો તો તેની સાવ સીધમાં હતો.

વધુ એક ગુલાંટ ખાઈને તીરનું નિશાન ચૂકવ્યું અને મરણિયા બનેલા ચિત્તાની ઝડપે સવળો થયો. તેના દાંત કચકચાઈ રહ્યા હતા અને મગજમાં સનકારા બોલી રહ્યા હતા. તેણે ડાબા હાથના કાંડા પર નાળચું સખ્તાઈથી દાબ્યું, કુંદો ખભામાં મજબૂતીથી ખોસ્યો, એક આંખ મિંચી અને જમણાં હાથની પહેલી આંગળીથી ટ્રિગર દબાવી દીધું.


પહેલાં ધડાકાનો અવાજ થયો...


પછી તરત એ છોકરો ઢીંચણભેર ફસકાયો...


એ જ વખતે છોકરીના ગળામાંથી કારમી ચીસ નીકળી ગઈ...

એ જ વખતે સામે ઝાડની ડાળીઓ વચ્ચે લપાયેલા માન્જો તીરંદાજોએ આર્થરની દિશામાં બૌછાર વરસાવી દીધી. ખભામાં એક તીર વાગ્યું એથી વધુ ગિન્નાયેલા આર્થરે ભીંત પર લપકતી ગરોળીની જેમ ભોંય પર ક્રાઉલિંગ કરીને શરીરને દસેક ફૂટ આગળ ઘસડી લીધું અને એ દરમિયાન ફસકાઈ પડેલા છોકરાંને બીજી ગોળી ધરબી દીધી.

હવે એ છોકરી સાવ લગોલગ હતી. ફસકી પડેલા છોકરાને તેણે ઊઠાવ્યો, બાથમાં લીધો, ભીંસ્યો... લોહીઝાણ, બોઝિલ, દર્દભરી આંખે એ છોકરીની તરફ તાકી રહ્યો હતો


- અને હેવાન બનેલા આર્થરે વધુ એક ગોળી છોડી એ સાથે છોકરી ય છોકરાના લોહીથી લથબથ દેહ પર ઢગલો થઈને ફસકાઈ ગઈ. આર્થરે કરેલા એકધારા ત્રણ ધડાકા કર્યા એ દરમિયાન એસ્ટેટના આગળના ભાગેથી આવી ચડેલા ફૌજીઓએ ફાયરિંગ કરીને ઝાડ પર લપાયેલા ત્રણ જવાનિયાને પાડી દીધા હતા.

તીરનો ડર વિસરીને આર્થર ભોંય પરથી ઊભો થયો એ વખતે એ છોકરી ગોળી ખાવા છતાં છોકરાને કમરમાંથી ખેંચીને ખીણ તરફ આગળ વધી રહી હતી. ઝાડ પર લપાયેલા માન્જો છોકરાઓ પોતાની હાજરી છતી થઈ જવાની પરવા કર્યા વગર ચિચિયારી કરી રહ્યા હતા, બંદૂકના ધડાકાથી હેબતાયેલા કાગડા કાંઉ-કાંઉ કરતાં ઊડાઊડ કરી રહ્યા હતા, આર્થર એ બેઉની પછવાડે દોડતો બંદૂકના નાળચામાં કારતૂસ ઠાંસી રહ્યો હતો...


- અને ખીણની ધાર પર પહોંચેલી એ છોકરીએ ઝાટકા સાથે ગરદન ઘૂમાવી. વિખરાયેલા વાળ, રાતભરની જાગેલી આંખોની કારમી સૂજન, તરડાયેલા શ્યામ ચહેરાની તંગ રેખાઓમાં ભભૂકતા લાવા જેવો રોષ અને લાલઘૂમ આંખોમાંથી વછૂટતો ધિક્કાર...


તીરની બૌછાર સામે ય અડીખમ ઊભેલો આર્થર એ નજરના ડામથી ધ્રૂજી ગયો, અને એ છોકરીએ બિહામણી ચીસ સાથે છોકરાના નિશ્ચેતન શરીરને જકડેલું રાખીને ઊંડી, સીધી, કરાલ ખીણના કાળમીંઢ પથ્થરો વચ્ચે પડતું મૂક્યું. અને હજારો વર્ષથી અડીખમ ઊભેલા સહ્યાદ્રીના બિહામણા પહાડો ય તે ક્ષણે આંખ મિંચી ગયા.


એક હાકેમની બેમર્યાદ હવસના પાપે એક સાવ નિર્દોષ, અબૂધ, કલશોર કરતી પ્રેમકહાની રહેંસાઈ ગઈ હતી... એક અધૂરી રહી ગયેલી પ્રેમકહાની!

*** *** ***

'એ પછી ય પસ્તાવો કરવાને બદલે આર્થર વધુ ભૂરાયો થયો...' વિનાયકરાવ બોલી રહ્યો હતો પણ જેમ્સના ચહેરા પર સ્તબ્ધતા જડાઈ ગઈ હતી... નરી સ્તબ્ધતા...


'ફરીથી આવી હિંમત કોઈ કરી જ ન શકે એ માટે તે આમરાળ ગામમાં ધસી ગયો અને માન્જોના જવાનિયાઓને, બુઢ્ઢાઓને શોધી-શોધીને માર્યા. ચંદ ઘડીઓની તેની હેવાનિયતે સામટી 78 લાશો ઢા..'


'ઈનફ...' જેમ્સથી સાંભળી શકાતું ન હોય તેમ તેણે હાથનો પંજો ધરીને વિનાયકને બોલતો અટકાવ્યો, 'લેટ મી હેવ સમ બ્રિધિંગ સ્પેસ...'


કેટલીક મિનિટો સુધી બેયની વચ્ચે મૌન સ્તબ્ધતા ઊભેલી રહી. વિનાયક એકધારો જેમ્સના હાવભાવ જોઈ રહ્યો હતો. આ પઠ્ઠા જેવો અંગ્રેજ આદમી આટલો પોચટ બની ગયો તેની તેને નવાઈ લાગતી હતી. તેણે તો માન્જો મુખિયાઓના મોંઢે, સુરજની હાજરીમાં આ આખી ય કહાની સાંભળી હતી અને હારબંધ ખોડાયેલા માન્જો જવાનિયાઓના સિંદુરિયા પાળિયા ય જોયા હતા.


ગરદન ઝુકાવીને જેમ્સ ઘડીભર બિયરના મગ પર અકારણ આંગળા ફેરવતો રહ્યો અને શૂઝની એડી ફર્શ પર ઘસતો રહ્યો. તેના દિમાગમાં તુમુલ ચક્રાવાત ફૂંકાઈ રહ્યો હતો. તેના હોઠ અસ્પષ્ટ ફફડતા હતા, ગરદન જરાક ધૂણ્યા કરતી હતી અને આંખો અસ્થિરપણે ઘૂમરાતી હતી.


'આમરાળ ક્યાં આવ્યું?' અચાનક ગરદન ઊંચકીને તેણે પૂછી લીધું.


(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP