Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

હેડકી ઉપડી હોય તેમ તેના ગળાનો નઢિયો ઊંચકાતો રહ્યો

  • પ્રકાશન તારીખ25 Aug 2018
  •  

પ્રકરણ - 44


વાચકો માટે ખાસ નોંધ: ટેક્નિકલ ક્ષતિના કારણે પ્રકરણ - 43 ખાસ્સી વાર સુધી અધૂરું અપલોડ થયું હતું. રસક્ષતિ નિવારવા અને ઘટનાઓનું સાતત્ય જાળવવા પ્રકરણ - 43 ફરીથી એક વખત જોઈ લેવા વિનંતી. તકલીફ બદલ ક્ષમાપના.

ભડભાંખળું થવા આવ્યું ત્યારે જંગલની દિશાએ તલાશ કરવા ગયેલા જવાનિયાઓ વિલાં મોંએ પાછા ફરી ચૂક્યા હતા. નદીના ઘૂના, પહાડની બખોલ, ટેકરીઓના ઢોળાવ, ખેતરના ઝુંપડા બધું જ ફેંદાઈ ગયું હતું. ક્યાંય વેલીની ભાળ મળતી ન હતી.

આસપાસમાં વાઘ કે દીપડાંના ય કંઈ સગડ જોવા મળ્યા ન હતા. જંગલી જાનવર સાથે જંગલમાં વસતાં માન્જોની યારી બહુ વિશિષ્ટ હતી. જાનવરોને જંગલમાં જ પૂરતાં પ્રમાણમાં શિકાર મળી રહેતાં એટલે કસબાઓ પર હુમલો કરવાના બનાવો ભાગ્યે જ બનતાં. જાનવરો પોતે કોલાહલથી બહુ ડરે અને માણસ અંધારાથી. પરિણામે, દિવસભર જાનવર બહાર ન નીકળે અને રાત્રે માણસે જાનવરની આમાન્યા પાળવાની. એકબીજાની આ મર્યાદા તૂટે ત્યારે જ સૃષ્ટિના ક્રમમાં ખલેલ પહોંચે એ સત્ય નિસર્ગના ખોળે સદીઓથી ઉછરેલા માન્જોના લોહીમાં વણાઈ ગયું હતું.


તો વેલી ગઈ ક્યાં?


રાતભર ટોળે બેસીને માન્જો ઘરડાંઓ, પ્રૌઢો, આદમીઓ અને ઓરતો ગામમાંથી અગાઉ આવી જ રીતે ભેદી સંજોગોમાં ગૂમ થયેલી છોકરીઓ વિશે ઘૂસપૂસ કરતાં રહ્યાં. કોઈક જંગલી જાનવરને દોષ દેતું હતું. કોઈકને મન વળી છોકરીઓ જાતે જ ભાગી જતી હોવાનો તર્ક સૂઝતો હતો. માતાજી ખફા થયા છે અને કંઈક ભોગ માંગે છે એવી દલીલ પણ કોઈક કરતું હતું.


એમ જ રાત વીતી ગઈ અને સહ્યાદ્રીની ટોચેથી આછો ઉજાસ રેલાવા લાગ્યો. રૂંગડો હજુ ય એમ જ બેઠો હતો, સ્તબ્ધ અને નિષ્પ્રાણ હાલતમાં. તેની કોરી, સૂકી આંખોમાંથી વહેતો નર્યો સન્નાટો કોઈથી જોવાતો ન હતો. એ ઘડીક ઊભો થતો હતો, ઘડીક આકાશ સામે જોયા કરતો હતો, ઘડીક ખીણના સામા છેડે શૂન્યમાં તાકી રહેતો હતો. તેના ભેરુડાઓ તેના માટે નાળિયેરનું પાણી લાવે, પરાણે બે ઘૂંટડા ગળા નીચે તે ઉતારે, ન ઉતારે અને ફરી આકાશમાં તાકવા લાગે.


એ સમજણો થયો ત્યારથી વેલી તેની આંખોમાં અને પછી હૈયે વસી ચૂકી હતી.


કછોટો વાળીને એ પહાડની કરાલ ધાર પર સડસડાટ ચડી જતો ત્યારે વેલીની શરારતી આંખોમાં પોરસ અંજાઈ જતું. નદીના વળ ખાતા ઘૂનામાં કેટલાંય ચકરાવા લીધા પછી એ છાતી પછાડીને બેઠો થતો ત્યારે વેલીની આંખોમાં વણબોલાયેલી શાબાશી તેને વંચાતી. દિવસો સુધી કેળવેલી ચંદન ઘોને તેણે તળેટીમાં ઊભા રહીને દોરડાના ઝાટકાના ઈશારે ઘાટીની સૌથી ઊંચી ચટ્ટાનની ફાંટમાં ઘૂસાડી અને તેની પૂંછડીએ બાંધેલ રાંપો (ચાર ખુણાવાળું તિક્ષ્ણ, મજબૂત ઓજાર) એ ફાંટમાં ટેકવવામાં સફળતા મેળવી ત્યારે સૌથી પહેલી આનંદની ચિચિયારી કરનાર વેલી જ હતી.


એ પરાક્રમો કરતો જતો હતો અને વેલીની આંખમાં પોરસનો ચમકારો થતો જતો હતો. વેલીની આંખમાં પોરસનો ચમકારો થતો જતો હતો માટે તેને સતત પોતાની જવાની, પોતાના બાહુબળ, પોતાની ચબરાકી, પોતાની બેખૌફી પૂરવાર કરવાનું ઝનૂન ચડતું હતું.


તેને વેલીની આંખમાં, વેલીની નજરમાં સર્વશ્રેષ્ઠ બનવું હતું... અપ્રતિમ, અપરાજેય, અદ્વિતિય બનવું હતું... હંમેશા બની રહેવું હતું. તેનું સઘળું પુરુષાતન વેલી થકી અને વેલીને માટે જ હતું.


એક વાર એ ખીંગર તેના મામાના ઘરે ગઈ હતી અને ત્રીજા દિવસે ય પાછી ન આવી તો બે દિવસનો ઓશિયાળો રૂંગડો અડધી રાતે આખો પહાડ ઓળંગીને વહેલી સવારે ખીંગર પહોંચીને વેલી ઊઠી ત્યારે તેની આંખ સામે ઊભો રહી ગયો હતો. એ દિવસે એ કેવી કિલ્લોલ કરતી તેને બાઝી પડી હતી!


રૂંગડાને બસ, વેલીના એ કિલ્લોલની પરવા હતી.


એ તેનાં અસ્તિત્વનો, તેના રૂંગડાપણાનો પર્યાય હતી. એક વખત ચાંદની રાતે શાન્તુમાએ કહેલી વાર્તામાં આવ્યું હતું કે એકદંડિયા મહેલમાં રહેતાં રાજકુમારનો જીવ એક પોપટમાં હતો. પોપટની ડોક મરડો એટલે રાજકુમાર પણ ખતમ થઈ જાય. એ વાર્તા સાંભળીને રૂંગડો વેલીની સામે મરક્યો હતો.

તેનો જીવ વેલીમાં હતો.


વેલી ન હોય તો...


- વિચાર માત્રથી એ ફરી કંપી ઊઠ્યો.


એ જ વખતે કસબાના સામા છેડે નદીના કાંઠા તરફ કંઈક અવાજ વધ્યો હતો. રાતભર માછીમારી કરવા નદીમાં હોડી ફેરવનારો તુલ્યો અહીંની હકિકત જાણ્યા બાદ કહી રહ્યો હતો કે, સમી સાંજે તેણે નદીના કાંઠે લાલ ડાગલાવાળાઓને એક છોકરીને ટિંગાટોળી કરીને લઈ જતા જોયા હતા. છોકરીના મોં પર ડુચો માર્યો હતો એટલે ઓળખાઈ તો નહિ, પણ તેણે ઝડપથી હલેસા મારીને હોડીને કાંઠા તરફ વાળી ત્યારે એક ડાગલો તેને જોઈ ગયો અને ગંદી ગાળ સાથે તેણે બંદૂકનું નાળચું તેનાં તરફ માંડ્યું એટલે ડરી ગયેલા તુલ્યાએ ત્યાંથી જ હોડી પાછી વાળી લીધી હતી.


છોકરીના મોંએ ડૂચો માર્યો હતો. ટીંગાટોળી કરીને લઈ જતાં મજબૂતો હાથોમાંથી છૂટવા એ સતત છટપટાઈ રહી હતી, મતલબ કે એ બિમાર ન હતી. તેને સાપ કરડ્યો ન હતો. એ ઘાયલ થયેલી ન હતી. મતલબ કે, તેને પરાણે જ લઈ જવાતી હતી. તુલ્યાની કેફિયત સાંભળીને માન્જો જવાનિયાઓમાં હડકંપ મચી ગયો.


સૌ એકમેકની સામે સ્તબ્ધ આંખે જોઈ રહ્યા એ જ વખતે કસબાની દિવાલ કહેવાય એવી ઊંચી ધાર પરથી નદીમાં કોઈકના ઝિંકાવાનો છપાકો થયો અને કસબામાં રિડિયારમણ થઈ ગઈ, 'રૂંગડો નદીમાં કૂદ્યો... રૂંગડાએ નદીમાં ઝંપલાવ્યું...'!!


વેલી માટે રૂંગડો જો કંઈપણ કરી શકે તેમ હતો, તો રૂંગડા માટે કોઈપણ જોખમ ઊઠાવવા તેના જોડીદારો તૈયાર હતા. તરત માન્જો જવાનિયાઓએ દોડીને તીર-કામઠાં ઊઠાવ્યા અને ઘરડેરાં વારે, રોકે કે કંઈક કહે એ પહેલાં તો ધાર પરથી નદીમાં ઝીંકાવાના એક પછી એક છપાકા થવા લાગ્યા. માન્જોની પલટણ શિકારે ચડેલા વાઘની ત્વરાથી સામા કાંઠે લપકી રહી હતી.

લાલ ડાગલાં પહેરેલાં આદમીઓ એટલે પેલા ધોળિયા સાહેબની ફોજ એ તો માન્જોને ખ્યાલ હતો. વેલીને જો એમણે ઊઠાવી હોય તો હવે એ ધોળિયાના કિલ્લા જેવા મકાનમાં જ તલાશ કરવી પડે.


કાંઠે પહોંચેલા જવાનિયાઓએ રૂંગડાનો ઉશ્કેરાટ જરાક જકડી રાખીને સંતલસ કરવા માંડી. ધોળિયાનો કિલ્લો નજીક જ હતો. ત્યાં છાપામારી કરવી, જઈને પહેલાં પૂછપરછ કરવી, તીરનો વરસાદ વરસાવીને અંદર ધસી જવું વગેરે વિકલ્પો ચકાસાઈ રહ્યા હતા એ જ વખતે ઘોડાના ડાબલાની તબડાટી સંભળાઈ અને માન્જો છોકરાંઓ લપાવાની પેરવી કરે એ પહેલાં જ ધોળિયાના ત્રણ ફૌજી બંદૂકનું નાળચું તાકીને ઊભા રહી ગયા હતા.


'ચલો વાપસ જાવ...' મોખરાના અસવારે સીધો જ જવાનિયાઓની માથે ઘોડો ચડાવીને દાટી મારી દીધી, 'ઘર ભેગા થાવ, અહીં શું ઊભા છો?'

લાલ ડાગલાની આખા ય વિસ્તારમાં હાક હતી. ઘોડાના ડાબલા સાંભળીને જ મોટાભાગે તો આંતરિયાળ કસબાઓમાં સોપો પડી જતો. ફોજીઓનો એક હાંકોટો પડે ત્યાં સન્નાટો છવાઈ જતો. બંદૂક તો ઠીક, તલવારનું મ્યાન છોડવાની ય ભાગ્યે જ જરૂર પડતી. તેને બદલે આજે માન્જોના છોકરાંઓ ત્યાં જ ઊભા રહીને તગતગતી આંખે અસવારોને બેખૌફપણે તાકી રહ્યા.


'ડોળે કાય દાખવતોય...?' કોઈ આમ આંખમાં આંખ પરોવીને જોઈ રહે તેનાંથી અસવારને આઘાત લાગ્યો. આ જંગલી સમજી નથી રહ્યો એમ ધારીને તેણે મરાઠીમાં કહ્યું.

'વેલી કુઠે આહે?' રૂંગડાએ સીધી ઘોડાની લગામ પકડીને ઝાટકો માર્યો, 'ક્યાં છે મારી વેલી?'


ખુંખાર દિપડાની જેમ તેની આંખો ચમકી રહી હતી અને અવાજમાં પહાડની ચટ્ટાન જેવી દૃઢતા હતી, પણ આવું જોવું, સાંભળવું, સહેવું ફૌજીઓ માટે સદંતર અશક્ય હતું. રૂંગડાએ લગામ પકડી એથી એ અસવાર ભયંકર છંછેડાયો અને તેના પેટમાં લાત મારવા પગ ઊગામ્યો એ સાથે જ, આવું થશે તેની આગોતરી સમજથી તૈયાર રહેલાં રૂંગડાએ બીજા હાથે પીંડીમાંથી તેનો પગ પકડીને પોતાનો હાથ એવો તાકાતભેર ઉછાળ્યો કે હટ્ટોકટ્ટો અસવાર ઘોડા પરથી બીજી તરફ ઉછળી પડ્યો.

રૂંગડો તેની છાતી પર ચડીને મોં પર મુક્કાઓ વરસાવતો ભીષણ અવાજે બરાડી રહ્યો હતો, 'વેલી કુઠે આહે... બોલ હરામખોર, ક્યાં લઈ ગયા છો મારી વેલીને...?'


રૂંગડાએ અસવારને ઉથલાવી દીધો એ સાથે જ સાથી જવાનિયાઓએ જંગલની વચ્ચે વસીને ગળથૂથીમાં જ પીધેલી સમજ મુજબ હરોળ રચી નાંખી. બે જણાં દીઠ ચાર આદમી અને રૂંગડાની મદદમાં બીજા બે.


આંખના પલકારે નદીના કાંઠે ધમાચકડી મચી ગઈ. ભીની રેતીના ઊડતા લોંદા, હણહણતા ઘોડા, અસવારોની ગંદી ગાળો, માન્જો છોકરાંઓની ચિચિયારીઓ અને પછડાયેલા અસવારનું ગળું ભીંસીને કારમી ત્રાડ નાંખી રહેલો રૂંગડો...


ગરીબડાં ગણાતાં માન્જોનું ખમીર વરસો પછી એ દિવસે, એ ક્ષણો પૂરતું યાળ ઉછાળતું રણે ચડ્યું હતું. ખાસ્સી વાર સુધી હાથોહાથનો એ જંગ ચાલતો રહ્યો. નીચે પટકાયેલા બે અસવાર બરાબર ઘેરાઈને દબોચાઈ ચૂક્યા હતા પણ ત્રીજો અસવાર હજુ ય ઘોડા પરથી પટકી શકાતો ન હતો.

એ જોઈને માન્જોના બે જવાનિયા તેને પટકવા મથતા બીજા ચારની મદદે દોડ્યા.

પોતે ઘોડા પરથી પટકાશે તો તેનાં ય હાલ નીચે પડેલા આ બે જેવા જ થશે એ પારખીને ઘોડેસવાર ફૌજીએ ઝાટકા સાથે ઘોડાની લગામ ખેંચી તેને ઝાડ કર્યો. ઘોડાની લાતનો પ્રહાર થાય એ પહેલાં માન્જોએ દૂર ખસવા પીછેહઠ કરી એટલી વારમાં અસવારે બંદૂકમાં જામગરી ચાંપીને ભડાકો કરી નાંખ્યો.

એકધારી ચાલતી ખુંખાર અને લોહીઝાણ હાથાપાઈ ભડાકાના અવાજથી ઘડીક થીજી ગઈ. માન્જોનો એક જવાનિયો ઉછળીને નદીના પટમાં પટકાયો અને તેની છાતીમાંથી લોહીનો ફૂવારો ઊડ્યો.


એ જોઈને માન્જો છોકરાંઓના ઝનુનને જાણે આગ પ્રગટી હોય એમ કારમી કિલકારી કરીને તેમણે ઘોડેસવારને ઘેર્યો. ચકરાવો લેતો ઘોડો સંભાળવો, બંદૂકમાં બારુદ ભરવો, જામગરી ચાંપવી કે પ્રહાર કરી રહેલાં જવાનિયાઓને હટાવવા... કશ્મકશમાં ફસાયેલા ફૌજીએ ઘોડાના પડખામાં અણિયાળા જૂતાંની એડી મારી. કેળવાયેલો ઘોડો સાન સમજ્યો હોય કે પછી અચાનક શરૂ થઈ ગયેલા દેકારાથી, ધડાકાથી હેબતાયો હોય... પણ ઘોડાએ બે ત્રણ મોટા ચકરાવા મારીને પછી જંગલની દિશામાં મારી મૂકી.


હવે માન્જોના તમામ રોષનો ભોગ બનવા અહીં બે ફૌજી પટકાયેલા પડ્યા હતા.

*** *** ***

આખું ય મોં મુશ્કેટાટ બંધાયેલું હોવા છતાં તેના હોઠ કશુંક ફફડી રહ્યા છે એવું ઈયાનને લાગ્યું. તેની છાતી પર હળવો મસાજ કરી રહેલી નર્સને હડસેલીને એ નજીક ગયો અને તેના મોં પાસે કાન ધર્યો.

પાટાપીંડીના કારણે તેના ચહેરાના હાવભાવને તો કળી શકાતા ન હતા, પણ પાટાની બહાર રહેલી સાજી ડાબી આંખ સહેજ ખુલ્લી લાગતી હતી. એ જરાક હચમચી રહ્યો હતો. કંપવા ઉપડ્યો હોય તેમ તેના પગ છટપટાવા મથતા હતા. પેટનો ભાગ ગજબ રીતે સંકોચાતો હતો, વિસ્તરતો હતો અને છાતીનો હાંફ પણ ચોખ્ખો દેખાતો હતો.


'વિલી...' તેનાં પર ઝળુંબીને ઈયાને પૂછવા માંડ્યું, 'તને શું થાય છે વિલી?'

'ડોન્ટ વરી, વી વિલ કન્ટ્રોલ...' મોનિટર તરફ તાકીને ડોક્ટરે આદતવશ કહી તો દીધું, પણ પેશન્ટને આ શું થઈ રહ્યું છે એ તેને ય સમજાતું ન હતું.


એનેસ્થેશિયા આપ્યા પછી ઘેન ઓસરવાની શરૂઆત થાય ત્યારે પેશન્ટ લવારીએ ચડે, અસંબદ્ધ બબડાટ કરે. કેટલાંક વળી ગાળો ય બોલી નાંખે. પરંતુ આટલી ભારે સર્જરી અને ગંભીર ઈજાઓ છતાં કોઈ આમ આખું શરીર છટપટાવે એ અનુભવ ડોક્ટર માટે ય નવો હતો.

પેશન્ટના સગાંની હાજરીમાં પોતાનો ગભરાટ છૂપાવવા માટે ટેવાયેલા ડોક્ટરે ત્યાંથી સહેજ દૂર ખસીને તરત ઉપરી તબીબને ફોન લગાડ્યો.


લગભગ દસેક મિનિટ સુધી વિલી છટપટતો રહ્યો. જાણે હેડકી ઉપડી હોય તેમ તેના ગળાનો નઢિયો ઊંચકાતો રહ્યો. પૂરેપૂરો ભાનમાં હોય તેમ પાટાપીંડીની બહાર રહેલી ડાબી આંખ વિસ્ફારિત પણે હવામાં તાકેલી રહી અને ઈયાન સતત તેને પૂછતો રહ્યો, 'તને શું થાય છે વિલી, તારે શું કહેવું છે?'


ત્યારે ખરેખર તેને કંઈક કહેવું હતું, પણ એ કહી શકતો ન હતો. અત્યાર સુધી જે દૃષ્ય જોતાં જ એ છળી ઊઠતો હતો એથીય આગળના દૃષ્યો આજે બેહોશ હાલતમાં તેને દેખાઈ રહ્યા હતા.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP