Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

છોકરીઓનું રંગીન વાદળીઓ જેવું ઝુમખું ગોકિરો કરતું ઊભું થયું

  • પ્રકાશન તારીખ24 Aug 2018
  •  

પ્રકરણ - 42

બપોરે લગભગ ચારેક વાગ્યા પછી બધી ઔપચારિકતા પૂરી થઈ એટલે ઈયાને રાહતનો શ્વાસ લીધો. હવે એમ્બેસીના ઓફિસર વાહનની વ્યવસ્થા કરે એટલે પુણે જવા રવાના થવાનું હતું.

સરકારી હોસ્પિટલ જાણે જીલ્લા પોલીસનું હેડ ક્વાર્ટર હોય એવો તાયફો અહીં ચગ્યો હતો. સવારથી જ પુણે અને સતારાથી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આવી પહોંચ્યા હતા અને સતત બ્રિટિશ એમ્બેસીના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. તપાસનો ધમધમાટ બરાબર જામ્યો હતો.

નિયમ મુજબ હોસ્પિટલના દરેક મજલે સીસીટીવીના ભૂંગળા તો લટકેલા હતા જ, પણ તેની અંદરના કેમેરા કોઈક ચોરી ગયું હતું અને તેની ખબર પણ બ્રિટિશ એમ્બેસી ઓફિસરની હાજરીમાં આજે પડી રહી હતી એટલે ગિન્નાયેલા એસપીએ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર દત્તાજી સાવંતને ઘઘલાવી નાંખ્યો હતો.

ધૂંધવાયેલા દત્તાજીએ એ ખાર નીચેની પાયરી પર ઉતાર્યો હતો. સરવાળે સાવ બેઠાડું અને એદી થઈ ગયેલી પંચગની પોલીસ ફટાફટ કમરપટ્ટા તંગ કરીને હરકતમાં આવી ગઈ હતી.

હોસ્પિટલમાંથી ભાગી છૂટવામાં સફળ રહેલાં બંને હુમલાખોરોએ નજીકમાં જ ક્યાંક આશરો લીધો હોય એવી ધારણાના આધારે પોલીસે સંદેહાત્મક જગ્યાઓ પર છાપા મારવા માંડ્યા હતા. આસપાસની દુકાનોના સીસીટીવી ચેક કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો અને સાંજ સુધીમાં એકઠાં થયેલા દરેક સીસીટીવીનું ઝીણવટભર્યું ચેકિંગ થવાનું હતું. પંચગનીથી વાઈ અને મહાબળેશ્વર તરફ જતા રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી. દરેક હોટેલને છેલ્લાં એક અઠવાડિયાના રજીસ્ટર જમા કરાવવા આદેશ આપી દેવાયો હતો.

નાઈટ ડ્યુટી પર હાજર કોન્સ્ટેબલે ઊંઘરેટી આંખે જોયેલા હુમલાખોરના ચહેરાના આધારે ચિત્રો બનાવવામાં આવી રહ્યા હતા. સોલાપુરી ચાદર, પ્લાસ્ટિકની કોથળી, તેમાંથી મળેલ લોહીયાળ ગાભો અને છરાની ગંધ પકડેલા સ્નિફર ડોગ પણ હોસ્પિટલના બીજા માળે ઘૂમી વળ્યા હતા. વેઈટિંગ લાઉન્જમાં ત્રણ-ચાર આંટા

મારીને સ્નિફર ડોગ છેવટે વિલીના કોટ આસપાસ જ ઘૂમરાયા કરતો હતો. લોહીની ગંધ અને ખાસ તો આઈસીયુની હવામાં રહેલી દવાઓની ગંધની તીવ્રતાના કારણે સ્નિફર ડોગ અટવાયો હોવાનું પોલીસનું અનુમાન હતું.

તપાસનો ધમધમાટ તો ભારે તીવ્ર હતો, પણ એ બધું ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળું મારવા સમાન હતું.

દરમિયાન, ઈયાને એક જ હઠ પકડી હતી. બને તેટલી ઝડપથી વિલીને અહીંથી પુણે સ્થિત ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે. બ્રિટિશ એમ્બેસીમાંથી આવેલા સ્ટાફે બધી વ્યવસ્થા કરવા માંડી હતી એટલે ઈયાનને થોડીક ધરપત થઈ હતી. પરંતુ એ દરમિયાન જેમ્સનો ફોન આવ્યો અને તેણે જે કહ્યું એથી ઈયાન ચોંક્યો હતો.

કોઈક આદમી 5000 પાઉન્ડના બદલામાં હુમલાખોરો વિશે કશીક માહિતી આપવા માંગતો હતો! શરૂઆતમાં તો ઈયાને ઘસીને ના જ પાડી દીધી.

પોલીસને ચાતરીને આવી વાત કરવા માટે કોઈને મળવું એ જ ગૂનો હતો. અજાણ્યા દેશમાં આપણે આવી કોઈ ગતિવિધિમાં પડવું ન જોઈએ એવો તેનો સ્પષ્ટ મત હતો, પણ જેમ્સ મક્કમ હતો એથી તેને ભારે નવાઈ લાગી.

જેમ્સનું કહેવું હતું કે મામલો આપણે ધારીએ છીએ એટલો આસાન નથી. પોલીસ બહુ બહુ તો હુમલાખોરોને શોધી લાવશે, પરંતુ ભારત આવવાનો આપણો હેતુ વિલીને આવતાં સપના અને તેના નિરાકરણનો છે. ઈજાગ્રસ્ત, બેહોશ હાલતમાં સપના દ્વારા કંઈ સંકેત મળે તો પણ વિલી એ કહી શકવાનો નથી. શક્ય છે કે હુમલાખોરની ઓળખ મળે એને હુમલાનો હેતુ સ્પષ્ટ થાય તો તેમાંથી કદાચ વિલીની સમસ્યાનું પગેરું પણ મેળવી શકાય, અને જો એ આદમીની વાતમાં કંઈ ઠેકાણા નહિ હોય તો આપણે બહુ બહુ તો 5000 પાઉન્ડ ગુમાવવાના થશે.

સ્કોટલેન્ડ યાર્ડના સાર્જન્ટ તરીકે જિંદગી આખી કામ કરી ચૂકેલો જેમ્સ આ વિશે વધુ ઊંડાણથી વિચારી શકે એવું ધારીને ઈયાને નાછૂટકે સંમતિ તો આપી દીધી હતી, પણ તેનો જીવ બેહદ ઊંચો હતો. જેમ્સે વિશાખાને ય ત્યાં બોલાવી લીધી હતી અને વિલીને ટ્રાન્સફર કરવાનો થાય તો ઈયાને તેની સાથે પુણે જવા રવાના થઈ જવું. મીટિંગ પછી એ ફોન કરશે એવું તેણે કહ્યું હતું.

બપોરના સાડા ત્રણ વાગ્યા પછી એ સતત હાથમાં રાખેલાં મોબાઈલમાં જોયા કરતો હતો.

*** *** ***

પોતે અહીં આવીને ભૂલ તો નથી કરી ને?

વહેલી સવારે ઈયાનના ફોનથી જાગેલી વિશાખા હોસ્પિટલમાં વિલી પર ફરીથી હુમલો થયાનું જાણીને સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેને પહેલો જ સવાલ એ થયો હતો. અહીં તો ધારણા બહારના ભેદભરમ વમળની જેમ ઘૂમરાઈ રહ્યા હતા. વિલી સાથે ખાસ કોઈ ઓળખાણ-પીછાણ ન હતી, પણ કોઈકની મુસીબતને પોતાની ગણી લેવાનો તેનો સ્વભાવ અને ખાસ તો મિસ્ટિરિયસ એલિમેન્ટથી આકર્ષાવાની અને કૂદી પડવાની તેની પ્રકૃત્તિ... પણ હવે

વિશાખાને સાચે જ ભય લાગવા માંડ્યો હતો. ઘરે આઈને ય તેણે જાણ કરી ન હતી કે તે અત્યારે પંચગની આવી છે, અને અહીં તો ધડાધડ ઘટનાઓનો ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો.

બપોરે જ્યારે જેમ્સે તેને હોટેલ પર પરત આવવા કહ્યું અને આખી ય યોજના સમજાવી ત્યારે ઘડીભર તો તેને ના પાડી દેવાનું મન થઈ ગયું હતું. તે બોલી ન શકી પણ તેનાં ચહેરા પરની રેખાઓ વાંચીને જેમ્સે જ કહ્યું હતું,

'ઈફ યુ ફાઈન્ડ ઈટ ઈમ્પ્રોપર ઓર રિસ્કી, તું સ્પષ્ટ રીતે ના પાડી જ શકે છે...' જેમ્સના ચહેરા પર તેણે ભારોભાર મક્કમતા અંકાયેલી જોઈ હતી, 'જો બેટા...' તે વિશાખાની બાજુમાં બેઠો હતો. એ જે ભાવથી 'માય ડોટર...' કહેતો હતો એથી વિશાખાના હૈયે સાચે જ હેતાળવી લહેરખી અડી જતી હતી,

'બીઈંગ એન એક્સ પોલીસમેન, હું પણ જાણું છું કે આ જોખમી છે, બટ આઈ નીડ યુ... એટલિસ્ટ ફોર નાવ... આપણે એકબીજાને ઓળખતા નથી, પણ ખાતરી રાખજે કે તારા બાપને જેટલી તારી સલામતીની ફિકર હોય એટલી જ મને ય છે...'

વિશાખાએ બહુ નાની વયે બાપની છત્રછાયા ગુમાવી દીધી છે એ માહિતીથી બેખબર જેમ્સે ભાવપૂર્વક કહી તો દીધું, પણ એ વાક્યથી જ વિશાખા સંમત થઈ ગઈ હતી.

*** *** ***

હોટેલ સી-રોકના બારમાં નમતી બપોર પછી ભીડ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. મોટાભાગે અહીં હોટેલમાં ઉતરેલા ટુરિસ્ટ જ આવતાં, પણ અહીંનું લાઈવ મ્યુઝિક પણ ફેમસ હતું એટલે સાંજે બહારના લોકોની સંખ્યા પણ ખાસ્સી એવી વધતી. ગોઆનિઝ સિંગર્સ મોટાભાગે ક્લાસિક ફિમેલ બ્લ્યુઝથી શરૂ કરે અને જેમ જેમ સાંજ ઘેરાતી જાય એમ ફોકટ્રોનિકા થઈને જાઝ રેપ કે લિરિકલ હિપહોપ સુધી પહોંચે. પછી રાત પડતાં તો જે કંઈ વગાડો, પિયક્કડને બધું સરખું જ લાગે.

પહેલી પોણી કલાકમાં જ બડવાઈઝરની એક આખી બોટલ ખાલી કરી ગયેલા વિનાયકરાવે ખાલી ગ્લાસ હલાવીને સ્મિત વેર્યું એટલે જેમ્સે તરત બાર ટેન્ડરને ઈશારો કર્યો. શકલ પરથી સીધોસાદો, ઘરેલુ લાગતો વિનાયકરાવ કદમ પીવા બેસે ત્યારે પાક્કી ચણેલી ગટર બની જતો હતો. એમાં નાંખો એટલું જીરવી લે.

તેણે માન્જો સમાજની વાતને આર્થર મૅક્લિન સાથે જોડી કે તરત જેમ્સના ચહેરાની રેખાઓ તંગ બનવા લાગી હતી. નોબેલ રેકર્ડ ઓફિસમાંથી મેળવેલા દસ્તાવેજોમાં ભારતથી પરત ફરેલા આર્થર વિશે ઘણી વિગતો હતી, પરંતુ ભારતમાં આર્થરના કારનામાંની ખરી કહાણીઓ તો હવે જ ખૂલી રહી હતી.

વિનાયકરાવ માન્જો, કુઠારી વગેરે જંગલવાસી જાતિઓ, એમની પરંપરા, માન્યતા વિશે ખાસ્સી જાણકારી ધરાવતો હતો. છાત્ર સંઘની ચૂંટણી વખતે 20,000 રૂપિયાના બદલામાં સુરજ ધોંતળે વિશે પ્રચાર કરવાનું નક્કી થયું હતું ત્યારે સુરજ કેટલો ડાઉન ટૂ અર્થ છે અને કેવા સાધારણ પરિવારમાંથી આગળ આવ્યો છે એ દર્શાવવા વિનાયકરાવ તેના ગામની મુલાકાતે ગયો હતો. એ વખતે સહજ ક્રમમાં જ એક એવી કહાની તેણે માન્જોના મુખિયાઓ પાસેથી સાંભળી હતી કે એ સ્તબ્ધ થઈ ગયેલો.

એક અંગ્રેજના કારણે વેરાન થઈ ગયેલી એક પ્રેમકહાની અને તેની પાછળ હથિયાર ઊઠાવીને પાળિયા થઈ ગયેલા 78 માન્જો જવાનિયાઓ...

વિનાયકરાવ તો તેણે સાંભળેલી સપાટ વિગતો જ કહી રહ્યો હતો, પણ સમયની આંખે જોવાયેલા આજથી અઢીસો વર્ષ પહેલાંના એ દૃષ્યો તો કુમાશથી તરબતર અને નિર્દોષ સ્નેહની રંગીન નજાકતથી ભર્યાભર્યા હતા.

*** *** ***

ત્રણ ટેકરીઓની વચ્ચેના નાનકડાં પણ લીલાંછમ સમથળ મેદાન પર પંદરેક તરુણો ઊભા છે. બે-પાંચ ગલઢેરાં ય મસળેલી ગડાકુ ટીમલીના સૂકાં પાનમાં ઠાંસીને તેનો કશ ફૂંકતા ચારપાઈ પર ઊંધા પડીને આતુર આંખે હવામાં તાકી રહ્યા છે.

આટલાં લોકોની મોજુદગી છતાં કોઈ બોલાશ નથી, કોઈ હલનચલન નથી. જે કંઈ છે એ બસ, માટીમાં પગ ઘસીને બનાવેલા કુંડાળામાં ઊભેલો એક તરુણ, તેના હાથમાં તણાયેલી પણછ જેવી ગિલોલ, મિંચાયેલી એક આંખ અને સામે આંબલીના ઘટાટોપ ઝાડની ડાળીઓના ઝુંડ વચ્ચે બેઠેલી બે કાબર....

જવાનિયાઓનો આ રોજિંદો ક્રમ હતો. ચોમાસાના દિવસોમાં પહાડો પરથી સતત દદડતા પાણીના રેલા વચ્ચે ખેતરોના ઢોળાવમાં કામ કરવાનું શક્ય બનતું નહિ. એટલે નવરાંધૂપ પડેલાં જુવાનિયાઓ માટે બે જ પ્રવૃત્તિઓ મુખ્ય થઈ પડતી: ઘૂઘવતી નદીના વળ ખાતા ઘૂનામાં છલાંગ મારીને સામા કાંઠે પહોંચવાની હરિફાઈ માંડવી અને નમતી બપોર પછી આ ચોગાનમાં જાતભાતની સૂઝે એવી ચડસાચડસી પર ઉતરવું.

આજે વળી ખાસ્સા દૂર ઊભા રહીને ગિલોલ વડે પંખીને પાડી દેવાની હોડ જામી હતી.

આંકેલા કુંડાળા વચ્ચે ઊભેલો છોકરો કાબરના ગળાનું નિશાન લઈને ગિલોલ છોડે એટલી જ વાર...

- અને અચાનક વચલી ટેકરીની પછવાડેથી જાણે ભૂતાવળ પ્રગટી હોય તેમ પહેલાં ઓચિંતો ગોકીરો થયો હતો અને પછી ભાલા વછૂટ્યા હોય તેમ ચારે દિશામાં વજનદાર સણસણતા પથ્થરો ફેંકાયા હતા.

ગોકીરાના અવાજ સાથે જ કાબરો તો ઊડી ગઈ હતી, પણ પછી ફેંકાતા પથ્થરોના મારથી બચવાનું જવાનિયાઓ માટે મુશ્કેલ થઈ પડ્યું. કોઈકના માથા ટીચાયા, કોઈકને મોં પર કે છાતીમાં ગોળીની જેમ પથ્થરો વાગ્યા. ચારપાઈ પર લેટીને તમાશો જોઈ રહેલાં બુઢ્ઢાઓ ય પથ્થરોનો માર ખાઈને ગાળો બોલતા ઊભા થઈ ગયા.

ચોંકેલા જવાનિયા કંઈ સમજે એ પહેલાં તો વચલી ટેકરી પાછળથી એમની જ હેડીની છોકરીઓનું રંગીન વાદળીઓ જેવું ઝુમખું ગોકિરો કરતું ઊભું થયું. દોડતું મેદાન તરફ આવ્યું અને સૌથી આગળની છોકરીએ દોડતાં દોડતાં જ કુંડાળામાં ઊભેલા એ છોકરાને ગિલોલના ઘાથી વધુ બે પથ્થર ફટકારી દીધા.

તેને મન કાબર બચી જાય એ જ પૂરતું ન હતું, આ નવરીબજારો કાયમ માટે આ નિર્દયી ખેલ ભૂલી જવી જોઈએ.

મેદાનની ડાબી તરફના ઝાડ પાછળ છોકરીએ મોરચો માંડ્યો અને અહીં ખુલ્લા મેદાનમાં બઘવાઈને ઊભો રહી ગયેલો એ છોકરો એકલો...

'વેલી....' એ બે હાથ જોડીને કરગરવા લાગ્યો, 'ભૂલ થઈ ગઈ વેલી... મારો કોઈ વાંક નથી, આ વિઠ્ઠલ્યાએ મને પરાણે ગિલોલ પકડાવી દીધી હતી...' એ હાથ લંબાવીને કહી રહ્યો હતો પણ એ દિશાએ ઊભેલો વિઠ્ઠલ્યો તો ક્યારનો ગિલોલના ઘાથી બચવા પોબારા ભણી ગયો હતો.

'વિઠ્ઠલ્યો તો પહાડની ટોચેથી ભૂસ્કો મારવાનું ય કહે, તો શું તું ભુસ્કો મારીશ?' ગિલોલ છોડીને સપાટાભેર નવો પથ્થર ભેરવી રહેલી છોકરી સતત તેને આંટી જવાનો લાગ શોધતી હતી.

'વિઠ્ઠલ્યો કહે તો ભુસ્કો ન મારું...' સામેથી વછૂટતા પથ્થરોથી બચવા ઘડીક પીઠ ફેરવી જતો, ઘડીક ભોંયસરસો થઈ જતો એ છોકરો શરારતી અવાજે કહી રહ્યો હતો, 'પણ વેલી, તું કહે તો મારી જ દઉં હોં...'

એ સાથે ઝાડની પાછળ લપાયેલા છોકરાઓ અને વેલીની સાથીદાર છોકરીઓએ પણ મોટા અવાજે હુરિયો બોલાવી દીધો. ગિન્નાયેલી વેલીએ ગિલોલ પડતી મૂકીને વજનદાર પથ્થર ઊઠાવ્યા અને સીધી જ એ છોકરા તરફ ધસી ગઈ.

ચારપાઈ ઊભી કરીને તેની આડશમાં લપાઈ ગયેલા ગલઢેરાં બૂમો પાડતા રહ્યા અને બેય વચ્ચે ધમાચકડી મચી ગઈ.

આમરાળ ગામની સાંજનો એ કાયમનો ક્રમ હતો.

તંગ ચોલીમાં ફાટાફાટ થતી તરુણાઈના મદથી ઘેરાયેલી એ વેલી હતી અને સ્નાયુબદ્ધ બાવડાંમાં તોફાન ભરીને ઘૂમતો એ તેનો મંગેતર હતો... રૂંગડો!

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP