Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

એવા જ પાશવી ખેલની આગમાં ભડભડ હોમાઈ ગઈ એક નિર્દોષ પ્રેમકહાની...

  • પ્રકાશન તારીખ23 Aug 2018
  •  

પ્રકરણ - 41

સહ્યાદ્રીની ગિરિમાળાનો નકશો ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે સાવિત્રી અને કૃષ્ણા નદીનો પ્લાવ વિસ્તાર સમભૂજ ત્રિકોણ જેવો આકાર રચે છે.

બબ્બે ભરચક નદીઓના કાંઠે પહાડોની ગોદમાં ઘેઘૂર જંગલોથી છવાયેલો આ વિસ્તાર ખરેખર તો નિસર્ગની અજાયબ રમ્ય લીલાનો આબાદ નમૂનો છે. હજારો વર્ષોના પહાડ, જંગલ અને નદીના સંવનને અહીંની ભૂમિને છુટ્ટા હાથે ફળદ્રુપતા બક્ષી છે. અહીંની હવામાં લીલીછમ જિંદગીની ખુશ્બુ ફોરે છે અને અહીંના પાણીમાં શુદ્ધતાની મીઠાશ વહે છે.

સાવિત્રી નદી અહીં ઉન્નત ષોડશી કન્યાની જેમ અલ્લડપણે દોડી જાય છે, તો કૃષ્ણા નદી ચાલતા શીખેલી બાળકીની ચંચળતાથી ક્યારેક ઝરણા સ્વરૂપે તો ક્યારેક ધોધ સ્વરૂપે કિલકારી કરતી વહી જાય છે. નદીઓના આ બે સ્વરૂપ વચ્ચેના ત્રિકોણાકાર ભૂપૃષ્ઠ પર સદીઓથી વસતો માનવી બહારની દુનિયાથી કપાયેલો રહ્યો. નદી અને પહાડની કુદરતી સીમા કદી ન ઓળંગેલા લોકોની પોતાની જ અનોખી દુનિયા હતી.

દેહાતી કોંકણીમાં માણજી એટલે ખૂણો અથવા ત્રિકોણ. માટે આ વિસ્તાર માણજી તરીકે ઓળખાતો, એ જ શબ્દ સમયાંતરે અપભ્રંશ થઈને માન્જો થયો અને આ વિસ્તાર તેમજ અહીં રહેનારાં લોકો બંનેને લાગુ પડ્યો. સદીઓ સુધી આ વિસ્તારને બહારની દુનિયાનો ચેપ લાગ્યો ન હતો અને અહીં વસનારાને નદી કાંઠા કે પહાડની સામે પાર પણ એક અનોખી, અલાયદી દુનિયા છે એવી ખબર નહિ હોય.

એકાદ હજાર વર્ષ પહેલાં બંને દુનિયા વચ્ચે અછડતો સંપર્ક સ્થપાયો હશે, પરંતુ ત્યાં સુધીમાં બહારની દુનિયા પોતાને સુસંસ્કૃત, સભ્ય માનતી થઈ ચૂકી હતી અને અહીં નદીના ત્રિકોણમાં વસતાં લોકો તેમને મન અબૂધ, જંગલી, હિંસક હતા. વ્યાખ્યા અલબત્ત એકપક્ષી હતી, અન્યાયી હતી, અધકચરી અને આપખુદ હતી. પરંતુ કપાળ પર મારી દેવામાં આવતો સિક્કો હંમેશા તાકાતના જોર પર મુસ્તાક બાહુબલિઓના હાથે જ લખાતો રહ્યો છે. એ જ ક્રમ માન્જોને પણ લાગુ પડ્યો.

જળ, જમીન અને જંગલની અપાર છત હતી એટલે કોઈએ હજુ સુધી નિસર્ગના પરમ આશિષ સમી આ જગ્યાએ અતિક્રમણ કરવાની જરૂર પડતી ન હતી. સરવાળે, બહારની દુનિયા અને માન્જોની દુનિયા વચ્ચેનું અંતર સતત વધતું જ ચાલ્યું હતું. બહારની દુનિયા તેમનાં પર માનવભક્ષી હોવાનું આળ મૂકતી હતી, માનવ બલિ ચઢાવનારા જંગલીઓ ગણાવીને તેમનો તિરસ્કાર કરતી હતી અને તેમનાંથી સલામત અંતર રાખતી હતી.

મારે તેની તલવારના એ અરાજક, અંધારિયા દૌરમાં બહારની દુનિયા ઉથલપાથલ મચાવી રહી હતી ત્યારે માન્જો પોતાની મસ્તીમાં ઓછામાં ઓછી જરૂરિયાતો, ઓછામાં ઓછા ખ્વાબો અને ઓછામાં ઓછી અભિપ્સાઓ, એષણાઓ, મહેચ્છાઓ સાથે જીવતા હતા. તેમનું એક માત્ર સુખ હતું: નિસર્ગને બાથ ભરીને, ખુલ્લુ આકાશ ઓઢીને ખળખળ વહેતી નદીના કાંઠે સૂવાનું. બસ, આ એક માત્ર તેમની જાહોજલાલી હતી, આ એક માત્ર તેમની જાજરમાની હતી અને માન્જોનો એક એક બચ્ચો તેનાંથી સંતુષ્ટ હતો.

બહારની દુનિયામાં ભવ્ય આર્ય પરંપરાએ દ્રવિડોને કાવેરીના સામા કાંઠે તગેડી મૂક્યા હતા. કાલાંતરે વેદકાલીન સમાજજીવન ક્રિયાકાંડોની બેડીઓમાં જકડાઈને બંધિયાર થઈ ચૂક્યું હતું. ઈસ્લામિક આક્રમકોની તલવાર સિંધના માર્ગે હિન્દનો રસ્તો પામી ચૂકી હતી. તુર્કી વંશની સલ્તનતે સદીઓના શાંત, નિર્મળ હિન્દુસ્તાન પર ભયંકર કુઠારાઘાત કરી દીધો હતો. પોતાના મૂળ વતનથી તગેડાયેલા મુઘલ વંશના બાબરે મામલૂક તુર્કોના આખરી સુલ્તાન ઈબ્રાહિમ લોદીને હરાવ્યો અને હિન્દુસ્તાનની છાતી માથે મુઘલ વંશના મંડાણ થયા.

ક્યાંય દૂર દિલ્હીની હકુમત પર થઈ રહેલો લોહીયાળ સત્તાબદલો હજારો વર્ષથી અહીં પોતાના નિજાનંદમાં મશગુલ માન્જોને પહેલો ખલેલ પહોંચાડવામાં નિમિત્ત બન્યો.

તુર્કી વંશના સરદાર મલિક અહમદે સત્તાની સાઠમારીમાં બહમની સરદાર જહાંગીરખાનને બૂરી રીતે રહેંસી નાંખ્યો અને તેના કબજા હેઠળના વિસ્તારમાં પોતાને નિઝામ જાહેર કરી દીધો એ સાલ હતી ઈસ. 1490 યાને મુઘલ વંશની સ્થાપનાના સાડા ત્રણ દાયકા પહેલાં. પોતાના નામથી તેણે અહમદનગર વસાવ્યું અને પશ્ચિમે કોંકણ કાંઠાથી છેક મધ્ય હિન્દના મેદાની વિસ્તાર સુધી પોતાની આણ ફેલાવી દીધી.

અહીં સુધી નિઝામવંશની ફતેહ બેરોકટોક હતી, પરંતુ હવે સમયનો સઢ ફર્યો હતો, પવન બદલાયો હતો અને તલવારની ધારથી લખાતા ઈતિહાસનું નવું પાનું આગળ આવવા ફરફરી રહ્યું હતું.

દિલ્હી હવે મુઘલોના કબજામાં આવ્યું હતું. ચતુરાઈ તેમજ વહીવટી કુશળતા અને આક્રમકતામાં તુર્કો કરતાં અનેકગણાં પાવરધા મુઘલો દખ્ખણમાં આગળ વધશે જ એવું પારખીને બુરહાનખાન નિઝામે તમામ વ્યુહાત્મક સ્થળોએ ચોકી મૂકવા માંડી અને વધી રહેલાં સૈન્ય ખર્ચને પહોંચી વળવા મહેસુલી વિસ્તાર પણ વધારવા માંડ્યો. એ વખતે પહેલી વાર દુનિયાથી કપાઈને જીવતાં માન્જો અડફેટે ચડ્યા.

માન્જોને તો બિચારાને ખબર પણ ન હતી, અને હજારો વર્ષોનો એમનો વસવાટ હવે નિઝામની માલિકીનો ગણાવા લાગ્યો હતો. એટલું જ નહિ, માન્જોએ પોતાની ખેતઉપજનો અમૂક હિસ્સો ય તેમને આપવાનો થતો હતો. કહેવાતા સભ્ય, સુસંસ્કૃત સમાજના લોકો, નગરવાસીઓ તેમને દગ્ધ, જંગલી, માનવભક્ષી, માનવબલિ આપનારા ગણાવીને તેમનું પારાવાર શોષણ કરતા હતા અને તેમને નાગરિક તો ઠીક, માણસ તરીકેના પણ કોઈ અધિકાર ન હતા. લગભગ એક સદી સુધી ચાલેલા અત્યાચાર અને શોષણના આ દોરમાં માન્જોની હજારો વર્ષોની નિર્દોષ પરંપરાનો કચ્ચરઘાણ નીકળતો રહ્યો.

બુરહાનખાન પછી નિઝામવંશની ગાદીએ આવેલા હુસૈન નિઝામશાહે આ આખાય વિસ્તારની સરદેશમુખી યાને મહેસુલ ઉઘરાવવાનો અધિકાર શાહજી ભોંસલેને સોંપી દીધો. એ પછી સૌ પ્રથમ વખત શાહજી ભોંસલેના પુત્ર શિવાજીએ માન્જોની આવડત અને કૌશલ્યને પારખ્યા. પારખ્યા એટલું જ નહિ, તરાશ્યા અને સન્માન્યા પણ ખરાં.

માન્જોનો દીકરો ચાલતા શીખે એ પહેલાં દોડતા શીખી જતો હતો અને દોડતા શીખે ત્યાં તો કરાલ પહાડની ધાર પર છલાંગ મારતો થઈ જતો હતો. નિસર્ગની વચ્ચે રહેવાના માન્જો જાતિને મળેલા આશીર્વાદ શિવાજીએ બખૂબી ઓળખ્યા.

અહમનદનગરની નિઝામશાહી, બીજાપુરની આદિલશાહી અને ગોલકોંડાની કુતુબશાહી વચ્ચે મરાઠાઓની હિન્દુપત પાદશાહી સ્થાપવી હશે તો હળ અને તલવારને સમાનાર્થી બનાવવા પડશે. સમાજજીવનની ટોચે ઊભેલા અને તળિયે ધરબાયેલાઓને સમાન સ્તરે લાવવા પડશે. એક ધ્યેય, એક લક્ષ્ય, એક સૂર અને એક તાનની એકાત્મતા કેળવવી પડશે.

પોતાના તમામ પૂર્વસૂરિઓથી વિપરિત, શિવાજીએ આ કલ્પનાને સાકાર કરવા માટે સદીઓથી તરછોડાયેલી માન્જો, માળવી, કુઠાર, ગામિત જેવી જાતિઓને એકજૂટ કરી. તેમના કૌશલ્યને બિરદાવ્યું અને પોતાના

દરબારમાં સ્થાન પણ આપ્યું.

માન્જો માટે આ સુવર્ણયુગ હતો. શિવાજીની છાપામાર યુદ્ધ પદ્ધતિમાં માન્જો અને માળવી અને કુઠાર જવાનિયાઓએ જાન રેડી દીધો. ૧૬ વર્ષનો લબરમૂછિયો શિવાજી તોરણાનો કિલ્લો જીતી આવ્યો અને સમયાંતરે છત્રપતિ શિવાજી મહારાજ બન્યો, વિધર્મી આક્રમણોના ભયાનક દૌરમાં પહેલી જ વખત હિન્દુપત પાદશાહીની સ્થાપના થઈ. હિન્દુસ્તાનના સમગ્ર ઈતિહાસની એ અપ્રતિમ સુવર્ણગાથાના પાયામાં આ તરછોડાયેલા, જંગલી, બર્બર તરીકે તિરસ્કૃત થયેલાઓનું પણ મહત્વનું યોગદાન હતું.

હવે માન્જો પણ પોતાની નૈસર્ગિક સીમા ઓળંગીને બહારની દુનિયાના ગાઢ સંપર્ક, અસર અને પ્રભાવ હેઠળ આવી ચૂક્યા હતા.

*** *** ***

આર્થર મૅક્લિને આ ભૂમિ પર પગ મૂક્યો ત્યારે શિવાજીને વિદાયને એક સૈકો વિતી ચૂક્યો હતો. હિન્દુપત પાદશાહીનું સ્વપ્ન પુણે અને સતારા એવી બે ગાદી વચ્ચે ઝોલા ખાવા માંડ્યું હતું. પાણીપતના ત્રીજા યુદ્ધમાં હારેલા મરાઠાઓ સમસમી ગયા હતા. પેશ્વાઈની આ આક્રમક ચડતી કળાના સમયમાં માન્જો, કુઠાર ફરી પાછા પોતાના જંગલોમાં મર્યાદિત રહેવા મજબૂર બન્યા હતા.

એ વખતે ત્રિકોણ પ્રદેશમાં આમરાળ, ખીંગર અને ધાંડેઘર નામે ત્રણ ગામ વસી ચૂક્યા હતા. એ સિવાય સાવિત્રીના સામા કાંઠે પહાડોની જરાક સમથળ તળેટીમાં તાઈઘાટ અને ગોડાવળી એવા બીજા બે ગામ હતા. આ પાંચેય ગામ માન્જોના ગણાતા. જંગલમાં થઈ શકતી ખેતી એ જ એમનો વ્યવસાય અને એ ઉપજમાંથી ભરાતું પેટ એ જ એમનું જીવનધોરણ હતું.

કુદરતે બેય હાથે વેરેલા સૌંદર્યને જોઈને આર્થર મૅક્લિન અભિભૂત બની ગયો. આ જગ્યાની મહેસુલી જવાબદારી મેળવીને તેણે અહીં ખીણની ધાર પર નીચે ઘૂઘવતી નદીના કાંઠે પોતાની આલિશાન એસ્ટેટ વસાવી, જેને સ્કોટલેન્ડની પિતૃભૂમિના સ્મરણમાં નામ આપ્યું હતું: મૅક્લિન એસ્ટેટ.

ઈરમા એ વખતે કલકત્તામાં હતી. પોતે નવોસવો આ આખાય વિસ્તારનો હાકેમ બન્યો હતો. જવાનીના હણહણાટમાં પોતે જોયેલા રોબર્ટ ક્લાઈવની ઐયાશી તેના ખ્વાબોમાં વસી ગઈ હતી. એ જ નકશેકદમ પર ચાલતા આર્થરે સહેલગાહોના નામે અહીં મનમાની કરવામાં કોઈ કસર ન છોડી.

પહાડી હવામાં ઉછરીને હરીભરી થઈ ચૂકેલી શામળી, અબૂધ, શરમાળ અને ડરથી કાંપતી છોકરીઓને વશ કરવામાં આર્થરને આખેટે ચડેલા હિંસક જાનવર જેવી મજા આવતી હતી. તેના મારાઓ દિવસભર સહ્યાદ્રીના પહાડોમાં ઘૂમતા રહે અને આર્થરને માફક આવે એવી છોકરીની તલાશ કરતા રહે. યોગ્ય છોકરી મળે એટલે આર્થરને ખબર પહોંચાડવામાં આવે.

શિકારે રઝળતો કે બ્રિટિશ હકુમત દૃઢ કરવા જંગલો ખૂંદતો આર્થર મૅક્લિન એસ્ટેટ પર સવારી લઈ આવે. પરાણે પકડી લવાયેલી છોકરીને લલચાવીને, ફોસલાવીને અને છેવટે ઢોર માર મારીને પણ કેળવવામાં આવે અને એમ આથમતી સાંજથી આર્થરનો પાશવી ખેલ શરૂ થાય.

એવા જ પાશવી ખેલની આગમાં ભડભડ હોમાઈ ગઈ એક નિર્દોષ પ્રેમકહાની...

પોતાના બળુકા પગ હેઠળ એક કૂમળી કહાની બેરહેમીથી કચડી નાંખનારો આર્થર તો સમયની ગર્તા હેઠળ ક્યાંય વિસરાઈ જવાનો હતો, પણ સદીઓ સુધી એ પ્રેમકહાની બહુ જ દર્દનાક પ્રથા સ્વરૂપે માન્જોની એક એક પેઢીનો એક એક બચ્ચો આંખમાંથી લોહીના આંસુ સારીને યાદ રાખવાનો હતો.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP