Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

જેમ્સે નક્કી થયા મુજબ 2500 પાઉન્ડની નોટો ગણીને ટેબલ પર મૂકી દીધી

  • પ્રકાશન તારીખ21 Aug 2018
  •  

પ્રકરણ - 40
ફોન મૂક્યા પછી ક્યાંય સુધી ડોળા ચકળવકળ ફેરવતો જેમ્સ પથારીમાં એમ જ બેઠો રહ્યો.
સામા છેડેથી એક અજાણ્યા આદમીએ પોતાનું નામ કે અન્ય કશી ઓળખ આપ્યા વગર વિલીના હુમલાખોરો વિશે તમામ માહિતી આપવાની ઓફર કરી હતી અને બદલામાં 5000 પાઉન્ડ માંગ્યા હતા. એક સેકન્ડનો ય વિચાર કર્યા વગર એ જ વખતે જેમ્સે ઓફર સ્વિકારી લીધી હતી. હવે એ આદમીને સિ-રોકના બારમાં બપોરે ત્રણ વાગ્યે મળવાનું હતું.


તેણે તરત ઘડિયાળ જોઈ. હજુ દોઢેક કલાકની વાર હતી. તેના દિમાગમાં ઝડપભેર શક્યતાઓ અંકાવા માંડી.
ધારો કે તેણે કહ્યું હતું એમ એ આદમી ખરેખર હુમલાખોરોને જાણતો હોય, તેનો હેતુ જાણતો હોય અને પોલીસને કહેવાને બદલે મને આ વિગતો જણાવીને રોકડી કરવા માંગતો હોય.
ઈટ્સ ઓકે... પણ એવી તો શું વિગતો હોય? એ મને કહે કે મિ. એક્સ કોઈ એ, બી અથવા સી રિઝનથી વિલી પર હુમલો કરે છે તો હું શું કરવાનો? હું આ માહિતી પોલીસને જ આપવાનો ને? તો પછી આ વિગતો મેળવવા માટે હું 5000 પાઉન્ડ ખર્ચવા તૈયાર થઈ જઈશ એવી એને ખાતરી કેમ છે? ઊલટાનો એ તો કહેતો હતો કે સાંભળ્યા પછી તમને આ સોદો સસ્તો લાગશે!
તો શું એ માહિતી વિલીના સપના સાથે સંબંધિત હશે? આમ પણ આ તદ્દન અજાણ્યા દેશમાં વિલી પર થતાં હુમલાનું એકપણ કારણ તાર્કિક તો નથી જ લાગતું.


તેનાં હોઠ દૃઢતાથી બિડાયા. સમથિંગ મસ્ટ બી સિરિયસ... ડેમ્ન સિરિયસ!
પછી તરત તેણે બીજો વિકલ્પ ચકાસવા માંડ્યો.


એ આદમી હુમલાખોર ગેંગનો જ માણસ હોઈ શકે અને મારા માધ્યમથી વિલીને ફસાવવાની આ નવી ચાલ હોય. એ ચાલ શું હોઈ શકે?
તેમણે ગણતરીના કલાકોમાં વિલી પર બે એટેક કર્યા છે. બંનેમાં તેઓ નિષ્ફળ ગયા છે. હવે પોલીસ બંદોબસ્ત પણ ભારે ચુસ્ત છે. વિલીને હવે થોડી જ વારમાં પુણે ખસેડવામાં આવશે અને ત્યાં તો બ્રિટિશ એમ્બેસી પોતે જ ગાર્ડ ગોઠવવાની છે. એ સંજોગોમાં શક્ય છે કે જીવ પર આવેલા હુમલાખોરો મારું અપહરણ કરવા માંગતા હોય અથવા મને ભીંસમાં લઈને મારી મારફત વિલી સુધી પહોંચવાનો ઈરાદો ધરાવતા હોય.


વિચારમાત્રથી એ ઘડીભર કંપી ગયો. ઈટ્સ વાઈલ્ડ ગેસ... બટ નોટ ઈમ્પોસિબલ!
ખાસ્સી વાર સુધી એ એમ જ બેઠો રહ્યો. આદતવશ તેની મોટી, પહોળી, ભુરી આંખોના ડોળા ચકળવકળ થતાં આમતેમ ઘૂમતા રહ્યા. આખરે તે ઊભો થયો. શરીરને તંગ કર્યું અને વોશરૂમ તરફ ગયો.


બેમાંથી કોઈપણ વિકલ્પ હોય, હવે ઊંડા ઉતરવું જ પડે એમ છે.
ઊંઘ ઊડાડવાના પ્રયાસમાં ફળફળતા ગરમ પાણીથી તેણે ઘસી ઘસીને મોં ધોયું અને પછી વિશાખાને ફોન જોડ્યો. પોતાની સાથે એ છોકરીને ય જોખમમાં ઉતારી રહ્યો હતો, પણ તેની તેને ખાસ ચિંતા ન હતી. સિત્તેર પાર કર્યા પછી આજે પણ એ જેમ્સ મૅક્લિન જ હતો, જે આજથી વીશ-ત્રીશ વર્ષ પહેલાં હતો.


ડાર્ક બ્રાઉન કોર્ડ્રોય પર તેણે બ્લેક કલરનું ચસોચસ ટી-શર્ટ ચડાવ્યું. મર્ડોક ગનની ચેમ્બર ચેક કરી. સત્તાવાર રીતે એ 50 કારતૂસ લાવી શકે, પરંતુ એક્સ સર્વિસમેન હોવાથી તેને બીજા 20 કારતૂસની છૂટ મળતી હતી. હર હાલતમાં કોઈપણ જગ્યાએ ગન સાથે રાખવાની તેની આદત આજે તેને આશીર્વાદરૂપ લાગતી હતી.
ગનને એ ભાવપૂર્વક જોઈને બબડ્યો, 'નાવ ઈટ્સ માય ટાઈમ ટૂ એન્ટર ધ થિયેટર ઓફ વોર...'
*** *** ***


પચ્ચીશ વર્ષની કારકિર્દીમાં તેની નજર સામે તેનાં સમકાલીન સાથીદારો સકાળ, નવજ્યોત, સુપ્રભાત જેવા મોટા અખબારોમાં તંત્રી બની ચૂક્યા હતા અને તેણે આંગળી પકડીને જેમને રિપોર્ટિંગ શીખવ્યું હતું એ જુનિયર્સ અત્યારે ચેનલ, ન્યુઝ પોર્ટલના સ્ટાર જર્નલિસ્ટ ગણાવા લાગ્યા હતા, પણ વિનાયકરાવ હજુ ય મધ્યાહ્ન સહ્યાદ્રી દૈનિકની એ જ જૂની ઓફિસના ખખડધજ ટેબલ પર ન્યુઝ પ્રિન્ટના રદ્દી, પીળા, ખરબચડા કાગળ પર બોલપેનથી મેટર લખતો હતો.


બપોરના છાપા તરીકે મધ્યાહ્ન સહ્યાદ્રી ચાલીશેક વર્ષ જૂનું હોવાથી કટ્ટર હરિફાઈ વચ્ચે ય અસ્તિત્વ ટકાવી રહ્યું હતું એટલું જ. બાકી સર્ક્યુલેશનનો આંકડો ખાસ પૂછવા જેવો કે કહેવા જેવો ન હતો. માટે અહીં પગાર કે અન્ય સુવિધાના નામે અલ્લાયો જ મળતો. એમ છતાં ય વિનાયકરાવે કદી આ છાપું છોડવાનો વિચાર કર્યો ન હતો.


ના, એટલા માટે નહિ કે એ અખબારને વફાદાર હતો. વફાદાર તો એ... ખૈર, છોડો. એ બધી વાતમાં ખાસ પડવા જેવું નથી. મધ્યાહ્ન સહ્યાદ્રી અખબારના રિપોર્ટર તરીકે તેનો એવો કોઈ છાકો પડતો ન હતો. નવજ્યોત કે સુપ્રભાત દૈનિકનો રિપોર્ટર કાર્ડ મોકલે એટલે કલેક્ટર કે મિનિસ્ટર પોતાની ચેમ્બરની બહારની આવીને વેલકમ કરે એવી ધાક મધ્યાહ્ન સહ્યાદ્રીના રિપોર્ટરની કદી ન હોય.


પણ વિનાયકરાવને કલેક્ટરને ઊભો કરવા કરતાં મામલતદાર કે તલાટીને દોડતા કરવામાં વધુ રસ પડતો હતો. કારણ કે એમાં એકવાર દોડાવ્યા પછી દોડતા અટકાવવાના રૂપિયા મળતા હતા. પત્રકાર તરીકે પોતાની મર્યાદા બરાબર જાણતો વિનાયકરાવ ગ્રામ્ય વિસ્તારના પત્રકાર તરીકેના ફાયદાઓ અંકે કરવામાં પૂરતો પાવરધો હતો.


પુણે અને સતારા જિલ્લાના એક-એક ગામમાં નાનામાં નાના કોઠા-કબાડા પર તેની નજર રહેતી. નવાસવા ઊભરી રહેલા નેતાઓને પ્રસિદ્ધિની ખંજવાળ ભાંગવા માટે મધ્યાહ્ન સહ્યાદ્રી જેવા નાના છાપાઓમાં જ મોકો મળતો. એમાં કમાણીની ભરપૂર તકો રહેતી. આંદોલન કરવું, રેલી કાઢવી, દેખાવો કરવા એ દરેક માટે યુવા નેતાઓને મુદ્દા ય વિનાયકરાવ શીખવાડે અને પછી એ કાર્યક્રમની પ્રેસનોટ, ફોટા ય એ જ છાપે. બદલામાં તેને તેનો ભાવ આપી દેવાનો.


સુરજ ધોંતળે પણ એમાંનો એક હતો. દમદાર યુવા નેતૃત્વ તરીકે પોતાનો પ્રચાર કરાવવાના સુરજના ધખારા પારખીને વિનાયકરાવે તેનો ભરપેટ લાભ લીધો હતો. છાત્ર સંઘની ચૂંટણીમાં તે ઊભો રહ્યો ત્યારે પાના ભરીને મધ્યાહ્ન સહ્યાદ્રીને જાહેરાતો મળી હતી અને બદલામાં વિનાયકરાવે કોલમો ભરીને તેની વાહવાહી ય કરી લીધી હતી. એ ચૂંટણી તો થોડાંક મતથી હારી ગયો, પણ છોકરામાં દમ તો છે એવું વિનાયકરાવની પારખું નજરમાં કળાઈ ગયું હતું.


હોટેલ શ્રેયસ ખાતે બ્રિટિશ મુલાકાતી વિલિયમ મૅક્લિનની પ્રેસ કોન્ફરન્સમાં તેણે સુરજને જોયો ત્યારે એ ચોંક્યો હતો. એ અહીં શું કરતો હતો? તેણે બે-ત્રણ વખત જોયું હતું, પણ સુરજનું ધ્યાન પડ્યું નહિ. પ્રેસ કોન્ફરન્સ પછી એ ડ્રિન્ક લેવા માટે રોકાયો એટલી વારમાં સુરજ જતો રહ્યો હશે. હવે મળે ત્યારે પૂછીશ એમ ધારીને વિનાયકરાવે તો એ રાત્રે બધું વિસારે પાડી દીધું.
ગઈકાલે બપોરે પંચગની પોલીસના એક હવાલદારે તેને ફોન કરીને એક વિદેશીના અપહરણનો પ્રયાસ થયો હોવાની માહિતી આપી ત્યારે ય વિનાયકે તેને રૂટિન સમાચાર પૂરતાં જ ગંભીર ગણ્યા હતા. પરંતુ એ હવાલદારે જ્યારે વિદેશીનું નામ કહ્યું ત્યારે તેની આંખો ચમકી હતી.


સર આર્થર મેલેટ મૅક્લિનનો વંશજ પહેલી જ વાર ભારત આવે અને પંચગની જાય તો તેનું અપહરણ કોણ કરે એ સવાલ તેના મગજમાં ઘૂમરાવા લાગ્યો. તેણે હવાલદારને ફરીથી ફોન કરીને ઝીણવટપૂર્વક વિગતો એકઠી કરી અને કાગળ પર નોંધ કરી.


ના, આ કિસ્સો એકેય એન્ગલથી લૂંટના ઈરાદે થયેલા અપહરણનો નથી. એ શા માટે પંચગની ગયો હતો એ યાદ કરવાના પ્રયાસમાં તેને પ્રેસ કોન્ફરન્સ અને તેમાં દેખાયેલો સુરજ ધોંતળે યાદ આવ્યા.
એક બ્રિટિશ ટુરિસ્ટની પ્રેસ કોન્ફરન્સમાં સુરજ કેમ આવ્યો હતો? ત્યારે પૂછવાનું રહી ગયું અને પછી વિસરાઈ ગયું. તરત તેણે સુરજને ફોન લગાવ્યો પણ તેનો ફોન આઉટ ઓફ કવરેજ લાગ્યો. વોટ્સએપ ચેક કર્યું તો એમાં પણ લાસ્ટ સીન આગલા દિવસનું હતું.


કાલે સાંજે બીજા કોઈક સાથેની વાતમાં પણ સુરજનો અછડતો ઉલ્લેખ થયો હતો. એ કોની સાથેની વાત હતી? યસ... અમિત... અમિત ગાવડે, જયહિંદ કોલેજનો વિદ્યાર્થી નેતા. એક પ્રેસનોટ સંબંધે અમિતનો ફોન આવ્યો હતો. સુરજનો એ ખાસ જોડીદાર. તેના જ સમાજનો આદમી.


તરત તેણે પોતાની ડાયરીના પાના ફેરવવા માંડ્યા. રિપોર્ટર સહજ તેને એક આદત હતી. કોઈપણનો ફોન આવે ત્યારે વાત કરતી વખતે એ ડાયરીમાં બેધ્યાનપણે ચિતરામણ કરતો જાય. પત્નીનો ફોન હોય અને ઘરેલુ વાત થતી હોય તો પણ ડાયરીમાં તદ્દન ઝીણા અક્ષરે 'ભીંડાનું શાક... રોટલી... દીકરીને ફોન... રસ્તામાં દવા...' એવું લખી નાંખે.


પણ આવા વખતે એ આદત કામ પણ લાગતી, જે આજે ય લાગી. ડાયરીના પાના પર એક ખૂણામાં લખ્યું હતું... ગાવડે જયહિંદ... વૃક્ષારોપણ... ગામના છોરા... ડેક્કન જીમખાના...!
યસ, કાલે જ તેણે કહ્યું હતું કે ગામના છોકરાઓ આવ્યા છે. સુરજભાઉએ બોલાવ્યા છે એટલે ડેક્કન જીમખાના મૂકવા જવાના છે. બાકી તો રૂબરૂ એ પોતે જ પ્રેસનોટ આપવા આવ્યો હોત.
તેણે ફરી અમિતને ફોન લગાડ્યો અને રિપોર્ટર તરીકેની કિમિયાગીરી કામે લગાડવા માંડી. અમિત પાસેથી મળેલી માહિતી તેને રસપ્રદ લાગી હતી. સુરજ છેલ્લાં ત્રણેક દિવસથી દોડધામમાં હતો. પોતાને ગામ જવાનું કહેતો હતો. આગલા દિવસે તેના વતનમાંથી તેના સમાજના ચાર-પાંચ છોકરા પણ અહીં હતા અને યુનિવર્સિટી હોસ્ટેલમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી હતી. મોડી સાંજે ખુદ અમિત જ તેમને ડેક્કન જીમખાના પાસે મૂકવા ગયો હતો.


એ વખતે જ ખંધા વિનાયકરાવના દિમાગમાં ઝાલર રણકવા લાગી હતી. હોટેલ શ્રેયસ પણ ડેક્કન જીમખાનાની નજીક જ હતી.
સવારના સાત વાગ્યે ફરી પેલા બાતમીદાર પોલીસનો ફોન આવ્યો. વિલિયમ મૅક્લિન પર હોસ્પિટલમાં ય હુમલો થયો હતો. તે સ્તબ્ધ આંખે વિગતો સાંભળતો રહ્યો. ફોન કટ થયા પછી ય ક્યાંય સુધી સુમસામ બેઠો રહ્યો. પછી ઓફિસમાં સમાચાર લખાવ્યા. તેનું અખબાર બપોરે પ્રકાશિત થતું એટલે સવારથી જ કામગીરી શરૂ થઈ જતી. પોતે એક મોટા સમાચાર માટે પંચગની જઈ રહ્યો છે એવું કહીને તેણે ફટાફટ તૈયારી આદરી દીધી.


રોકડી કરવાનો આ જબ્બર મોકો હતો, પણ રોકડી કોની પાસેથી કરવી એ વિશે હજુ ય તેને અવઢવ હતી. પરંતુ પુણેથી પંચગની પહોંચતા સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયો હતો. કોઈ પૂરાવા વગર સુરજ એમ હાથ મૂકવા નહિ દે. ઊલટાનો, અધકચરા તર્કના આધારે તો એ સતર્ક થઈ જાય, સરવાળે ગોળી ય જાય અને ગોફણ પણ જાય.
હાલ તો ધોળિયાને જ ઓકાવવા જોઈએ. પછી જો ખરેખર સુરજ ભેરવાય તો એ ય ક્યાં નથી?
સેન્ટ જ્યોર્જ સ્કૂલ પાસેથી તેણે ક્રેટાને ઢાળ પર ચડાવી ત્યારે તેનું મોં હસું-હસું થઈ રહ્યું હતું. આખા વરસનો પગાર આજે એક દિવસમાં એ મેળવવાનો હતો.
*** *** ***


'ચિઅર્સ મિ. મૅક્લિન...' તેણે જેમ્સના મગ સાથે પોતાનો મગ ટકરાવ્યો અને પછી ગટગટ અવાજ સાથે બિયરના મોટા ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા. ધોળિયા હોય એટલે એ તો ગમે ત્યારે દારૂ પીવે જ અને દારૂ પીવે એટલે ચિયર્સ તો કરે જ એવી તેની સમજ હતી.


મુલાકાત થતાંની સાથે જ જેમ્સે નક્કી થયા મુજબ એડવાન્સમાં 2500 પાઉન્ડની નોટો ગણીને ટેબલ પર મૂકી દીધી ત્યારે વિનાયકરાવને રૂંવેરૂંવે હરખની હેલી ફૂટી રહી હતી.
'યુ નો, આઈ લાઈક બ્રિટન મચ એન્ડ વન્સ વોન્ટ ટુ વિઝિટ... વ્હેર ડુ યુ રિસાઈડ ધેર?' દારૂ પચાવવામાં તો એ પાક્કી ચણેલી ગટર જ હતો, પણ આજે તેને પાઉન્ડનો નશો ચડતો હતો.
જેમ્સના ચહેરા પર ભારોભાર સ્વસ્થતા હતી, પણ એ બહુ જ ધારદાર નજરે આ માણસને નાણી રહ્યો હતો.
'તમે મને કંઈક કહેવાના હતા...' છેવટે જેમ્સે જ શરૂઆત કરી.
'હમમમ...' ડ્રાય પનીર ચીલી મોંમાં ઓરીને ચાવતા ચાવતા વિનાયકરાવે જવાબ વાળ્યો, 'ઈટ્સ અ લોન્ગ સ્ટોરી...'
'નો પ્રોબ્લેમ... આપણને પૂરતો સમય છે...'


'ધેર ઈઝ અ લોકલ કમ્યુનિટી...' વિનાયકે આજુબાજુ જોયું અને ટેબલ પર સહેજ આગળની તરફ ઝુક્યો, 'વેરી સ્ટ્રોન્ગ... હલ્બે, ખારકે, ધોંતળે, ગાવડે, ગોંધાળી, મૈરાળ... આવી બધી અટકો તેમાં હોય... વર્ષો સુધી સહ્યાદ્રીના આ વિસ્તારના જંગલોમાં રહેતાં, હવે તો તેમનો સમાજ વોટબેન્ક તરીકે ખાસ્સો એકજૂટ થયો છે... એમના સમાજની એકતાને હવે કોઈ અવગણી શકે નહિ...'


'કેવો સમાજ?' જેમ્સ ધ્યાનપૂર્વક તેની વાતો સમજવાની કોશિષ કરી રહ્યો હતો.
'માન્જો... માન્જો...' પનીર ચીલી એક બાજુના ગલોફામાં દબાવીને તેણે સ્પષ્ટ ઉચ્ચાર કરવાની કોશિષ કરી, 'એ આખો સમાજ માન્જો તરીકે ઓળખાય છે'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP