Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

મા, મને સંકેત આપો... હું શું કરું તો તમારા આત્માને શાંતિ મળે?

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

પ્રકરણ - 37
વિલીનું અપહરણ થયું છે એવું બરાબર સમજાયા પછી વિશાખાએ તરત જ ઈયાનને ફોન જોડ્યો હતો. ઈયાનને ઘડીક તો માનવામાં આવતું ન હતું. તદ્દન અજાણ્યા દેશમાં દેખીતા કોઈ કારણ વગર આવું થાય એ સમજાતાં જ તેને વાર લાગી હતી. ઈયાને પહેલું કામ મુંબઈ સ્થિત બ્રિટિશ એમ્બેસીને જાણ કરવાનું કર્યું હતું.


અમસ્તા પણ જે-તે દેશની મુલાકાતે આવેલા બ્રિટિશ નાગરિકોની મદદ કરવી એમ્બેસીની ફરજ હોય, ત્યારે વિલી માટે તો લંડન ઓથોરિટી દ્વારા એમ્બેસીને ખાસ ભલામણ કરાયેલી હતી. એનું જ અપહરણ થયું એટલે એમ્બેસીએ તરત જ સતર્કતા દાખવી દીધી હતી. છેક દિલ્હી સુધી ફોનની રિંગ ગઈ હતી. મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ દ્વારા મહારાષ્ટ્ર સરકારને તાકિદ કરવામાં આવી હતી.


નસીબજોગે અપહરણકર્તાઓ શીખાઉ સાબિત થયા અને વગર તાકિદે હરકતમાં આવી ગયેલી પોલીસથી ડરીને વિલીને તેમણે ખીણમાં ફગાવી દીધો. રસ્તાની બંને તરફથી આવતી પોલીસની ગાડીઓએ વેગન-આરને પાળી પાસે પડેલી જોઈ. એન્જિન ચાલુ, દરવાજા ય ખુલ્લા, અંદર ડ્રોઅર સુદ્ધાં ખુલ્લું...


પોલીસની અનુભવી નજરને સમજતાં વાર ન લાગી. તરત જ વાયરલેસ ધણધણવા માંડ્યા. સ્નિફર ડોગ મંગાવવામાં આવ્યા. પોલીસની એક ટીમ નીચે ખીણમાં ઉતરી એટલે તરત જ એક વિશાળ પથ્થરની આડશમાં મરણતોલ ઘવાયેલો અર્ધબેહોશ વિલી મળી આવ્યો.


હવે અપહરણ કરનારાઓને પકડવાના હતા, પરંતુ એ કામ પોલીસને ખાસ મુશ્કેલ લાગતું ન હતું. તાણા-વાણા મેળવ્યા પછી પોલીસને ખાતરી થઈ ચૂકી હતી કે આ કામ કરનારાઓ નૌશીખીયા છે. બાકી, વેગન-આર જેવી સાંકડી, ઓછા એન્જિન પાવર વાળી ગાડી લઈને પંચગની જેવા પહાડી વિસ્તારમાં એક વિદેશીનું અપહરણ કરવા ન નીકળ્યા હોય. લૂંટના ઈરાદે અપહરણ એવી પોલીસે આદત મુજબ પહેલી સુઝેલી અને સૌથી સહેલી થિયરી સ્વિકારી લીધી હતી.
પોલીસ ત્યાં જ થાપ ખાઈ રહી હતી.
*** *** ***


સરકારી હોસ્પિટલમાં મોડી રાત સુધી વિલીની વિવિધ ટ્રીટમેન્ટ ચાલી હતી. જડબાની સારવાર માટે નજીકની જ મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલમાંથી નિષ્ણાત તબીબોને બોલાવવામાં આવ્યા હતા.


આ માત્ર વિદેશી ટુરિસ્ટ નથી પણ કોઈક વીઆઈપી છે એવું પારખી ગયેલા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે આવતીકાલે સવારે તેને પુણે ટ્રાન્સફર કરવા અંગે પણ મનોમન નિર્ણય લઈ લીધો હતો. હેલ્થ મિનિસ્ટ્રી અને હોમ મિનિસ્ટ્રી જેના માટે સતત ફોન કરે એવા પેશન્ટને આવી સાધન-સરંજામ વગરની હોસ્પિટલમાં રાખીને અકારણ જોખમ વહોરવાની એમની તૈયારી ન હતી.


વિશાખાને પોલીસ વાનમાં જ હોટેલ પર પરત મોકલી દીધા પછી ઈયાન અને જેમ્સ બંને હોસ્પિટલમાં જ રોકાયા હતા. બ્રિટિશ ધોરણ મુજબ, પેશન્ટના કોઈ સગાંવહાલાંએ હોસ્પિટલમાં રોકાવાની જરૂર હોય જ નહિ એવું ધારીને ઈયાને જેમ્સને પણ જવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ જેમ્સના મગજમાં ગજબ સનકારા વાગી રહ્યા હતા.


ફેરવી ફેરવીને તેણે વિશાખાને પૂછીને ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. પાછળ મૂકાયેલી હાથલારી સહેતુક હતી અને એ તેનો મળતિયો જ હતો એ વાતથી બેખબર વિશાખાએ પોતે નજર ફેરવી અને જે જોયું એ સઘળું તેને વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું, પણ એ પછી ય આખી વાત તેના ગળે ઉતરતી ન હતી.


'ઈટ ડઝન્ટ સીમ સિમ્પલ ક્રાઈમ...' પોલીસ ઓફિસર સાથે ખાસ્સી દલીલો કર્યા પછી પણ એ બબડતો રહ્યો હતો. પર્સ કેમ ન ચોરાયું એ માટે પોલીસની દલીલ એવી હતી કે બબ્બે પેટ્રોલવાન પીછો કરી રહી હતી એટલે લૂંટારા ઘાંઘા થઈને ભાગવાની જ વેતરણમાં રહ્યા હોય. જોકે જેમ્સે ડોકું ધૂણાવીને ભારપૂર્વક એ દલીલ નકારી કાઢી હતી.


મોડી રાત્રે ડોક્ટર્સ સાથે ચર્ચા કર્યા બાદ આખરે ઈયાન સૂઈ ગયો હતો, પણ જેમ્સને શી વાતે ય ઊંઘ આવતી ન હતી. તેણે સ્કોટલેન્ડ યાર્ડની આદત મુજબ મનોમન ઘટના અને અર્થઘટન નોંખા તારવવા માંડ્યા.


વિશાખા જરાક વાર માટે છૂટી પડી પછી જ અપહરણ થયું હતું.
મતલબ કે, અપહરણ કરનારાઓ અગાઉથી જ તેમનો પીછો કરીને લાગ શોધી રહ્યા હતા. જો ખરેખર એમ હોય તો તેનો અર્થ એવો થાય કે વિલી આજે અહીંથી આ સમયે નીકળવાનો છે એવી એમને ખબર હતી.


પરંતુ એવું તો કેવી રીતે શક્ય બને? એવી ખબર તો ખુદ વિલીને ય ન હતી. એણે તો જિંદગીમાં પહેલી વાર આજે સવારે પંચગનીમાં પગ મૂક્યો હતો. સવારે નક્કી કર્યા મુજબ એ અને વિશાખા મૅક્લિન એસ્ટેટની તલાશ કરવા ગાંવથણ તરફ ગયા હતા. તો પછી આ છોકરી....


તેનાં ચહેરાની રેખાઓ બહુ બિહામણી રીતે તંગ બની રહી હતી અને ડોળા સ્થિર થઈને શૂન્યમાં તાકી રહ્યા હતા. નો... નો... એ શક્ય નથી... એ છોકરી તો વિલીને મદદ કરવા આવી છે. પોતાના જ તર્કની તેને મનોમન શરમ આવી રહી હતી, પણ આ ઘટના જ એવી અણધારી છે કે તેમાં કંઈ સમજી શકાતું નથી.


તેણે ફરીવાર વિલીને થયેલી ઈજાઓ યાદ કરી જોઈ. તેને ખીણમાં ફંગોળવામાં આવ્યો ત્યારે એ પથ્થર જોડે ટીચાયો હોય એવું તો જડબાની, પાંસળીની ઈજાથી તેને સમજાતું હતું. પરંતુ છાતી પર અને ચહેરા પર અન્યત્ર પડેલા બિહામણા ચકામા, આંખ આસપાસની સુજન જોતાં તેને ફંગોળતા પહેલાં બેરહેમ માર મારવામાં આવ્યો હોવો જોઈએ એવું તેનું તારણ હતું.


લૂંટના ઈરાદે અપહરણ કરનારા કોઈ લૂંટારા આમ સીધા જ ગડદા-પાટું પર ઉતરી આવે કે તેને મોતનો ભય બતાવીને ખંખેરી લે અને તરત રવાના કરીને પોતે ય છટકવાની પેરવી કરે?
એ સફાળો પથારીમાંથી ઊભો થયો. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને ખાસ તેમના માટે એક સ્પેશિયલ રૂમ ફાળવી આપ્યો હતો. બાજુના બેડ પર ઘસઘસાટ ઊંઘી રહેલા ઈયાન તરફ નજર નાંખીને તેણે રૂમમાં ઘડીક આંટા માર્યા. પાણીનો જગ ઊઠાવીને બે ઘૂંટડા પાણી પીધું અને ફરી પથારીમાં બેઠો.


વિલીને જે પ્રકારે ઈજાઓ થઈ છે એ જોતાં તેને સાવ સાજો, હરતો-ફરતો થતાં તો વાર લાગશે. એટલો સમય અહીં શું કરવાનું? અહીં મૅક્લિન એસ્ટેટ ક્યાં હતી એ શોધવાનું આસાન નથી. અહીં આવીને વિલીએ સપનામાં મળનારો સંકેત ધ્યાનપૂર્વક સમજાવાનો હતો અને એ મુજબ ઈરમાની અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની હતી. એ ઈચ્છા શું હશે, સંકેત શું હશે, સંકેત મુજબનું સ્થળ ક્યાં હશે એ કશી જ કોઈને ખબર ન હતી. સાવ જ અદ્ધરતાલ, માત્ર અટકળના આધારે તેઓ છેક બ્રિટનથી અહીં આવી ચડ્યા હતા.


અને અહીં તો...
નવા વિચારે ચડીને પણ એ ફરીથી મનોમન અટવાઈ રહ્યો હતો.


આવી હાલતમાં વિલી હમણાં તો નરી આંખે ય જોઈ શકે તેમ નથી તો સપના તો શું જોવાનો? વિલીનો ભયંકર ઈજાગ્રસ્ત ચહેરો નજર સમક્ષ આવી જતાં તેનાં મોંમાંથી અસ્ફૂટ ડચકારો નીકળી ગયો. છોકરાની બિચારાની બેરહેમ પીટાઈ થઈ છે. મનોમન ધૂંધવાઈને તેણે હાથની મુઠ્ઠીઓ ભીંસી નાંખી. સાલા એક વાર હાથમાં આવે તો મૅક્લિનના બચ્ચાને આંગળી અડાડવાનો અંજામ બતાવી દઉં... એ બેહદ ઉશ્કેરાઈ રહ્યો હતો.


પણ હવે સપનાનું શું? વિલીને ઠીક થતાં તો ઘણો સમય લાગશે. તો શું ત્યાં સુધી અહીં રોકાવું? બ્રિટન પરત જતા રહેવું અને વિલી સાજો થાય પછી ફરીથી આવવું? પરંતુ પંડિતજીએ તો તાત્કાલિક નિરાકરણ શોધવા તાકિદ કરી હતી. એમણે ભલે સ્પષ્ટ કહ્યું ન હતું, પણ કદાચ મોડું કરવાથી વિલીના જીવ પર પણ જોખમ હોઈ શકે ને?


વિલી સિવાય કોઈને ઈરમા સપના દ્વારા સંકેત મોકલે? મને? હું ય છું તો મૅક્લિનનો જ દીકરો ને? પંડિતજીએ વિલીને કહ્યું જ હતું કે એ તારી મા છે, તેનાંથી ડર નહિ. તેનાંથી દૂર ન ભાગ. તેને બોલાવ... તેને પૂછ.


એ ફરીથી પથારીમાંથી ઊભો થયો અને વિચારમગ્ન દશામાં ઝડપભેર બે-ત્રણ આંટા મારી લીધા. હા, એમ જ... એમ જ કરવું જોઈએ... મનોમન વિચારીને તેણે ડોકું હલાવ્યું અને ફરી પથારીમાં બેઠો. ભારપૂર્વક આંખો બંધ કરી અને મનને એકચિત્ત કરવા માંડ્યું.


ઈરમા મારી ય મા હતી. ભલે હું આર્થર મૅક્લિનના વંશનો નથી, પણ છું તો મૅક્લિન જ. આર્થરની, મારી, વિલીની રગોમાં દોડતું ખૂન તો એક જ વંશનું છે. મા, એ મારી ય જવાબદારી બને છે કે હું તમારા આત્માને શાંતિ પહોંચાડું. આર્થર મારો ય વડદાદો જ હતો અને તમે મારી મા છો...


મનોમન બબડતો જતો જેમ્સ અનાયાસે જ ભાવવિભોર થતો જતો હતો. તેની બંધ આંખોના ખૂણામાંથી ભીનાશ બહાર સરી આવતી હતી.


મા, મને સંકેત આપો... હું મહાન વિક્ટર મૅક્લિનનો વંશજ, રિચર્ડનો દીકરો જેમ્સ તમારી યાતના પૂર્ણ કરીશ. એ મારી ફરજ છે... એ મારી જવાબદારી છે, મા... મને સંકેત આપો... હું તમારો દીકરો આટલે દૂરથી તમને પૂછવા આવ્યો છું મા, હું શું કરું તો તમારા આત્માની સદગતિ થાય? હું શું કરું તો તમારા દુઃખી, વિયોગી, બેબસ આત્માને શાંતિ મળે?


હું, તમારો દીકરો તમને વિનવું છું, મા... આટલા વરસ સુધી હું સદંતર બેખબર રહ્યો એ માટે મને ક્ષમા કરો, પણ હવે મને ખબર પડી છે ત્યારે હું કટિબદ્ધ છું. મને કહો મા, મને કહો... મને સંકેત આપો...


મનોમન તે રેકર્ડ ઓફિસની નોંધમાં વાંચેલી વિગતો સ્મરી રહ્યો હતો. એક કવિતાઘેલી છોકરી... પ્રેમમાં ગળાડૂબ રહીને આર્થરની તમામ અવળચંડાઈ વિસારે પાડી શકતી એ છોકરી... માસુમ દીકરાને નજર સામે તણાતો જોઈ રહેલી અને ખુદ પણ નદીના તોફાની વહેણમાં તણાઈ રહેલી એ છોકરી...


આર્થર જેવો એક વખતનો લાગણીશૂન્ય માણસ પણ જેનાં વિયોગમાં સાનભાન ગુમાવી દે એ છોકરીનું ઓજસ કેવું હશે? આર્થર હિન્દુસ્તાન આવ્યો ત્યારે પરંપરાગત મૅક્લિન જ હશે, પણ તેને આટલો સંવેદનશીલ, આટલો ઋજુ તો કદાચ ઈરમાએ જ બનાવ્યો હશે...


ઈરમાના સ્મરણની આડશમાંથી તેને બંધ આંખોની ભીતર તેની ખુદની માતા, સાવ બાળપણમાં જોયેલી દાદી, પરિવારની અન્ય સ્ત્રીઓનું સ્મરણ થવા લાગ્યું. જિંદગીભર એ મૅક્લિન વંશની સાખ અને શાન પર મુસ્તાક રહ્યો હતો, પણ પરિવારની સ્ત્રીઓના સમર્પણ વિશે તેણે કદી વિચાર્યું જ ન હતું.


તેનો બાપ રિચર્ડ મૅક્લિન ગ્લાસગોમાં જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ હતો તેનું તેણે આખી જિંદગી ગુમાન રાખ્યું, પણ તેની મા એલિઝાએ ત્રણેય સંતાનોને એકલે હાથે ઉછેર્યાં, બાપની પૈતૃક એસ્ટેટની સંભાળ રાખી એ કંઈ ઓછું હતું? તેની ખુદની પત્ની નોરા...


નોરાના સ્મરણથી તેનું હૈયું રીતસર થડકી ઊઠ્યું અને મનમાં ઝંઝાવાત ફૂંકાવા લાગ્યો. જવાનીમાં પોતે જડસુ વછેરા જેવો હતો ત્યારે નોરાના પ્રેમ અને કાળજીથી જ ઠરીઠામ થયો હતો. તોય એ બેજવાબદાર હતો, થોડોક બેપરવા પણ ખરો. લાગ મળ્યો ત્યારે લફરાં ય કરી લીધા. નોકરીના નામે ઘરથી દૂર રહીને થઈ શકે એ દરેક ઐયાશી કરી લીધી.


ઈરમાની જેમ નોરાને ય બધી ખબર હશે જ ને? તોય તેણે કદી કહ્યું નહિ, એક હરફ ન ઉચ્ચાર્યો અને પ્રેમની અદૃશ્ય દોરથી જ તેને બાંધતી રહી. ત્રણ સંતાનો ક્યારે મોટા થયા એય તેને તો ખબર પડી ન હતી. એ જ નોરા કશું ય માંગ્યા વગર આખરી શ્વાસ વખતે ય તેને કહેતી હતી કે, જેમ્સ તારું ધ્યાન રાખજે...!


દાદી, મા, પત્ની, બહેન, દીકરી.... જેને કદી તેણે મૅક્લિન વંશના ગૌરવમાં સમાન હિસ્સેદાર તરીકે વિચાર્યા સુદ્ધાં ન હતાં, ઈરમાને આહ્વાન કરવાના પ્રયાસોના કારણે એ સૌનાં સ્મરણથી એ ભડભાદર લડાકુ આદમીની આંખો ઊભરાતી રહી. મૂંગા ડુસ્કાથી છાતી દમ-બ-દમ ઊંચકાતી રહી. આ માત્ર ઈરમાનું જ નહિ, પરિવારની દરેક સ્ત્રીઓના સમર્પણનું તર્પણ હતું. મૅક્લિનના નામે છાતી ફૂલાવતાં દરેક પુરુષની એ ફરજ હતી.


- અને તેનાં હોઠ અવશપણે ફફડતા રહ્યા... કરગરતા રહ્યા...
મા, મને સંકેત આપો... મને કહો, હું શું કરું તો તમારા આત્માને શાંતિ મળે?
*** *** ***


પહેલાં ઈયાન ચમકીને બેઠો થયો, પછી તરત જેમ્સની આંખ ખુલી. કોઈ જોરશોરથી દરવાજો ભભડાવી રહ્યું હતું.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP