Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

તેણે ડોળા તગતગાવ્યા, 'રંગે હાથ પકડાઈને મારે મરવું નથી...'

  • પ્રકાશન તારીખ18 Aug 2018
  •  

પ્રકરણ - 36
'પાછળ પોલીસ છે'
સાંભળીને જાણે હાથમાં હાઈડ્રોલિક બ્રેક ફિટ કરી હોય તેમ વિલીને ધોલાઈ કરી રહેલાં બેય આદમીના હાથ હવામાં થંભી ગયા, મોંઢાં ખુલ્લા રહી ગયા અને આંખો ફાટી ગઈ.


ભાવાવેશમાં આવીને તેમણે 'અરે અપહરણ જ તો કરવાનું છે ને... એમાં કઈ મોટી વાત છે' કહીને બીડું તો ઝડપી લીધું હતું, પણ હવે કેટલાં વીશે સો થાય તેનો પાક્કો દેશી હિસાબ સમજમાં આવી રહ્યો હતો. એમ કોઈને શું ખબર પડે એવાં અતિઆત્મવિશ્વાસમાં રાચીને એક વિદેશીને ઊઠાવવાની તેમણે હિંમત કરી હતી અને હવે પોલીસ પાછળ જ આવી રહી હતી.
ડરના માર્યા એ ત્રણેયના હૈયા છાતી ફાડીને બહાર આવી જાય એટલી તીવ્રતાથી ફફડવા લાગ્યા હતા. એક તરફ આ વિલી કાબૂમાં રહેતો ન હતો અને હવે માથે પોલીસનો ભય તોળાઈ રહ્યો હતો.


'એક કામ કર...' લીડર જેવા લાગતા આદમીએ ઢીંચણ વાળીને તેના વજન હેઠળ વિલીને દબોચ્યો અને કાચમાંથી આસપાસ જોઈને પોતે ક્યાં છે તેનો ક્યાસ કાઢ્યો, 'ખીંગર તરફ લઈ લે...'
તેણે ફટાફટ મનમાં ભૂગોળ આંકવા માંડી. ખીંગર તરફ જતી સડક કાચી છે, પણ એ રસ્તે બેલોશીના જંગલ તરફ જો છટકી શકાય તો પછી પોલીસ જખ મારે છે.
'સુરજભાઈને ફોન લગાવ...' સતત છટપટાતા વિલીને પાંશરો કરવા માટે તેણે ધડાધડ લાફા વળગાડી દીધા. તેનું જોઈને બીજો આદમી પણ વિલીના મોં પર ગમછો મજબૂતીથી કસીને જેમ લાગ આવે તેમ ધોલાઈ કરવા માંડ્યો.


ખાડા, ટેકરાંની કશી પરવા કર્યા વગર ધમધમાટ ગાડી ભગાવી રહેલાં ડ્રાઈવર માટે આવા રસ્તા પર આટલી સ્પિડ વચ્ચે સ્ટિઅરિંગ સંભાળવું અને ફોન પણ લગાડવો એ પારાવાર મુશ્કેલ તો હતું જ, પણ એ વગર બીજો વિકલ્પ પણ ન હતો. તેણે ગાડીને સહેજ ધીમી પાડીને મુસીબતથી ફોન લગાડ્યો અને હેડફોન એટેચ કર્યા. હવે ડ્રાઈવિંગમાં આસાની હતી.
સામા છેડે જાણે ફોનની રાહ જ જોવાઈ રહી હોય તેમ પહેલી જ રિંગમાં ફોન કનેક્ટ થઈ ગયો.


'ફતેહ?'
'હેં?' ઘાંઘો ડ્રાઈવર અત્યારે ટૂંકમાં સમજે એમ ન હતો.
'કામ પત્યું? પેલાને ઊઠાવ્યો?' સામા છેડેથી પૂછાઈ રહ્યું હતું.
'હા સુરજભાઈ, પણ...' ઊઠાવ્યા પછી શું થયું એ કહેવામાં તેનાં ટાંટિયા ધ્રૂજી રહ્યા હતા, 'એક મિનિટ ભાઈ, વિઠ્ઠલને આપું...'


વિઠ્ઠલને કઠ્યું તો ખરું, પણ નેતાગીરી લેવી હોય તો નિષ્ફળતાની જવાબદારી ય લેવી પડે. વિલીને ધડાધડ વધુ બે-ચાર વળગાડીને તેણે હેડફોન કાનમાં ભરાવ્યા અને પોતાના પરાક્રમમાં રહી ગયેલી કચાશની ગૌરવગાથા ડરતા સાદે કહેવા માંડી.


એ સાંભળીને સામા છેડેથી ઘડીક તો ભૂંડા બોલી ગાળોનો વરસાદ વરસી ગયો અને વિઠ્ઠલ સહિત તેની સાથેના બંનેની સાત પેઢીનું સ્મરણ પલકમાત્રમાં કરાવી દેવાયું.
'તો હવે શું કરશો?' ગાળોની નવિનતા ખૂટી એટલે સામા છેડેથી પૂછાયું, પણ એથી તો આ વિઠ્ઠલ વધુ મૂંઝાયો. હવે શું કરવું એ પૂછવા જ તો પોતે ફોન કર્યો હતો.


'અમારી પાછળ પોલીસ છે દાદા...' વિલીને બેરહેમ માર મારીને ખુદના જ દુઃખી રહેલાં હાથ દબાવતા તેણે થોથવાતા અવાજે કહ્યું, 'અમે બેલોશીની સડક સુધી પોલીસને આંબવા નહિ દઈએ...' ચાલુ વાતે તેણે સંમતિ માટે ડ્રાઈવરને ય ઠોંસો મારી દીધો. જવાબમાં ડ્રાઈવરે જેમતેમ ડોકું ધૂણાવી દીધું, 'જો બેલોશીથી એકવાર અંદર વળી જઈએ પછી તો પો...'
'પોલીસસસસ....'


પોતે બોલવા જતો હતો એ જ શબ્દ ડ્રાઈવર બોલી ગયો, પણ એ આમ ચીસ પાડીને કેમ બોલી ઊઠ્યો એ વિઠ્ઠલને ન સમજાયું. એ હજુ ય પાછળ ક્યાંય દૂર ઊડતી ધૂળની ડમરી તરફ નજર માંડી રહ્યો હતો એટલે ડ્રાઈવરે ફરી ચીસ નાંખી,
'સામે પોલીસ છે...'


એ બોલ્યો એ વાક્ય વિઠ્ઠલના કાન સુધી પહોંચ્યું અને મગજે તેનું અર્થઘટન કર્યું એ ભેગી તેને પેટમાં તીવ્રવેગે ચૂંક ઉપડી. કાચી સડક પર બરાબર સામેથી પોલીસની બીજી એક વાન આવી રહેલી દેખાતી હતી. સાલાઓએ વાયરલેસ કરીને બેય બાજુથી તેમને ભીંસી લીધા હતા.
ઘડીક આગળ પોલીસ... ઘડીક પાછળ પોલીસ અને હવે સામે પોલીસ... મહારાષ્ટ્રનું તંત્ર સાલું આટલું સાબદું ક્યારથી થઈ ગયું?


જાણે ચળીતર જોઈ લીધું હોય એવા છળી ઊઠેલા ચહેરે વિઠ્ઠલે ફોન કટ કરી નાંખ્યો અને ચકળવકળ ડોળા ફેરવીને વિચારી રહ્યો.
બેરહેમ માર ખાઈને અધમૂઓ થઈ ગયેલો વિલી હજુ ય શાંત પડતો ન હતો અને તેને દબાવીને માથે ચડી બેઠેલા આદમીને ઉથલાવવા મથી રહ્યો હતો.
પાછળ પોલીસની ગાડી ભલે ખાસ્સી દૂર, પણ પાછળ જ હતી અને હવે સામેથી ય પોલીસ આવતી હોય તો...


તેણે આસપાસનો માહોલ નિરખ્યો.
કાચી સડકની જમણી તરફ પાળીઓ બાંધેલી હતી અને તેની નીચે કાટકોણ ત્રિકોણના કર્ણ જેવા આકારમાં જમીન સાથે આશરે ૪૫ અંશનો ખૂણો બનાવતી કાળમીંઢાળા પથ્થરોનાં કદરૂપાપણાંને લીલાંછમ ઘાસ તળે છૂપાવતી ખીણ સડસડાટ નીચે નદીને આંબવા દોડતી હતી.


સડકની ડાબી તરફ વગડાઉ ઘાસથી છવાયેલી ઊંચી-નીચી ટેકરીઓ અને તેની પાછળ દૂરથી જ દેખાતું ઘટાટોપ જંગલ હતું.
'ગાડી થોભાવ...' આસપાસ જોઈને અચાનક જ એ કશાક નિર્ણય પર આવ્યો હોય તેમ તેણે ઘાંટો પાડ્યો અને પોતે વિલીના બેય પગ ખેંચીને પોતાની બાજુ તાણવા માંડ્યો.
'પણ પાછળ તો પોલીસની ગાડી આવી રહી છે...' ડ્રાઈવરને હજુ તેનું મન કળાતું ન હતું.


'સવાલ-જવાબની પત્તર ન ખાંડ, હું કહું એમ કર...' તેણે અચાનક વિલીને બારણા તરફ ખેંચ્યો એટલે પાછલી સીટ પર બેઠેલો બીજો આદમી તેનો ઈરાદો સમજી ગયો.
'પાળી પાસે ગાડી રોક... અમે આ સંપેતરાને અહીં જ ફંગોળી દઈએ છીએ...'
તેણે ઈરાદો સ્પષ્ટ કર્યો એટલે ડ્રાઈવર ચમક્યો, 'પણ સુરજભા...'


'ભાડમાં જાય સુરજભાઈ...' તેણે ડોળા તગતગાવ્યા, 'રંગે હાથ પકડાઈને મારે મરવું નથી...'
તેણે બરાબર જ વિચાર્યું હતું. વિલીને ઊઠાવતાં તેમને કોઈએ જોયાં નથી. વિલી તો ચહેરેથી ઓળખી જાય એ શક્ય નથી. એ સંજોગોમાં આફતના એ મૂળને જ છોડી દીધું હોય તો પછી પકડાઈ જવાય તોય બચવાની શક્યતા રહે.


કચવાતા મને ડ્રાઈવરે ગાડી જમણી તરફ દબાવીને ઝાટકા સાથે ઊભી રાખી એટલે જે રીતે આખો ય માંચડો અંદર ઘાલ્યો હતો એ જ રીતે બહાર કાઢ્યો.
મોંઢા પર બાંધેલો ગમછો હટાવવા વિલી હજુ ય ચહેરાને ઝાટકા મારતો હતો એટલી વારમાં બંને આદમીઓએ તેને પૂરી તાકાતથી ઊંચક્યો, હવામાં બે હિંચકોલી ખવડાવી અને પછી જાણે મમરાની ગુણ ફંગોળતા હોય તેમ પાળીની નીચે ફગાવી દીધો.


'હવે ભાગો...' ગાડીમાંથી ગન ઊઠાવીને તેણે પાટલૂનના નેફામાં ખોસી. ડ્રોઅર ખોલીને જોઈ લીધું અને ગાડી એમ જ પડતી મૂકીને ત્રણેય મુઠ્ઠીઓ વાળતાં ટેકરીઓ ભણી ભાગ્યા.
ત્યારે ઘડીયાળમાં બપોરના પોણા બારની માથે પાંચ મિનિટ થઈ હતી. કાચીપાકી તૈયારીએ ઢંગધડા વગરના આયોજનને લીધે ત્રણેય જણાએ ફક્ત વીશ મિનિટમાં કંઈક મોટી ઉથલપાથલ સર્જી દીધી હતી.
*** *** ***


તાઈઘાટ અને ગણેશપેઠને જોડતાં રસ્તાના વળાંક પર આવેલી સરકારી હોસ્પિટલમાં એ સાંજે ભારે ધમાલ મચી હતી. લોબીમાં ઊભેલો જેમ્સ લાલઘૂમ ચહેરે પોલીસ અધિકારીને કશુંક કહી રહ્યો હતો. ઈયાનના ચહેરા પર ભારોભાર તણાવની રેખાઓ અંકાયેલી હતી. અડધી ખુલ્લી બારીમાંથી એ સતત અંદરના ઓરડામાં જોવા મથતો હતો. વિશાખા પોતે જ એટલી ભયંકર આઘાતમાં હતી કે તેને આસપાસ શું ચાલી રહ્યું છે, કોણ ક્યાં છે એ સમજવાના, જોવાના ય હોશ ન હતા. એ એકલી પતરાંની જાળી જડેલી હારબંધ ખુરશીમાં ગુમસુમ બેઠી હતી.
એ સિવાય લોબીમાં નર્યો સન્નાટો હતો.


પણ અંદરના ઓરડામાં એ સન્નાટાનું સાટુ વાળવાનું હોય એવી તીવ્ર ચહલપહલ જામી હતી. એક પછી એક ડોક્ટરો આવ-જા કરી રહ્યા હતા. બારણાની સીધમાં જ ઊભેલા ઈયાનને બાજુ પર ખસવા ઈશારો કરીને મેટ્રન ઓક્સિજન સિલિન્ડરની ટ્રોલીને હડસેલો મારતી અંદર પ્રવેશી હતી.


ઓરડામાં ટેબલ પર સુવડાવેલા આદમીને આઠ-દસ ડોક્ટરો ઘેરી વળ્યા હતા. તેની હાલત નિહાળીને સૌના મોંમાંથી વણબોલાયેલો ડચકારો ગળે અટકી જતો હતો.


ચહેરા સામે નજર ન માંડી શકાય એટલી હદે તેનો જમણો હિસ્સો છુંદાયેલો હતો. જમણા લમણે ખાસ્સો ઊંડો ઘા પડેલો હતો અને તેમાંથી વહેતા લોહીએ આખો ય ચહેરો વધુ બિહામણો કરી દીધો હતો. ચેક્સના બ્લ્યુ શર્ટ ક્યાંથી કેમ કરતાં ફાટ્યો હશે એ સમજી જ ન શકાય એવી વિચિત્ર રીતે તેના લીરા ઊડેલા હતા. તંદુરસ્ત, ગોરી, મજબૂત છાતીના ભાગે ચારેકોર ચકામા હતી અને જમણી બાજુ પાંસળીઓ તરફ પણ ભયંકર લાગતો ઘાવ પડ્યો હતો.


અકસ્માત કે ઈજાગ્રસ્ત શરીરો સાથે રોજનો પનારો પાડનારા ડોક્ટરો પણ આ પેશન્ટને જોઈને છળી ઊઠ્યા હતા.
એ વિલી હતો.
એક મુસીબતના નિરાકરણ માટે છેક બ્રિટનથી અહીં આવીને બિચારો વગર સમજ્યે બીજી એક નવી મુસીબતમાં ફસાઈને મરણતોલ હાલતમાં સ્ટ્રેચર પર બેહોશ પડ્યો હતો.
*** *** ***


'નો... આઈ વિલ નોટ...' જેમ્સે ભારે મક્કમતાથી નનૈયો ભણી દીધો, 'હું અહીંથી ખસવાનો નથી...'
રાત્રે પોતે રોકાશે એમ કહીને ઈયાને વિશાખા તેમજ જેમ્સને હોટલ પરત જવા કહ્યું એ સાથે એ તાડુક્યો હતો. તદ્દન અજાણ્યા દેશની સાવ અજાણી જગાએ કોઈક વિલીને ઊઠાવી જાય એ તેને ગળે ઉતરતું ન હતું. જોકે પોલીસ અધિકારીનો તર્ક સાવ સીધો હતો.


જેમ્સ પાસેથી તેણે પ્રાથમિક વિગતો મેળવી હતી. ત્રણેય જણાં પહેલી જ વાર ભારતમાં, પંચગનીમાં આવ્યા હતા. વિશાખાએ પણ જણાવ્યું હતું કે ઓચિંતા જ કેટલાંક લોકોએ વિલીને ઊઠાવીને ગાડીમાં ખદેડ્યો હતો. મતલબ કે, કોઈની સાથે અણબનાવ કે ઝગડો કે એવું કોઈ કારણ તો નથી જ.


વિદેશી સહેલાણીને લૂંટવાના કિસ્સા ક્યારેક અહીં બનતાં. આ પણ એવો જ કોઈક પ્રયાસ હશે એવું પોલીસ અધિકારી કહ્યું ત્યારે જ એ જેમ્સને ગળે ઉતર્યું ન હતું.
તેની પાસે રૂપિયા કે પાઉન્ડ ભરેલો થેલો કે ઘરેણાં કે એવું કશુંક છે એવી ખાતરી કર્યા વગર ફક્ત વિદેશી ચહેરો જોઈને કોઈ સીધુ જ એમ લૂંટના ઈરાદે અપહરણ કરી નાંખે? જો એવું જ હોય તો વિલીના જીન્સના હિપ પોકેટમાં પર્સ અને પર્સમાં રહેલાં કાર્ડ્સ, કરન્સી વગેરે તો સલામત જ છે.


તેણે સામો સવાલ કર્યો ત્યારે પોલીસ ઓફિસર પણ ઘડીક ચૂપ થઈ ગયો હતો અને વધુ તપાસ કરીએ છીએ. પકડાયેલી વેગન-આર વિશે વિગતો આવે એટલે આગળ ખબર પડશે એવો સધિયારો આપીને તેણે ચાલતી પકડી હતી.


ડોક્ટર્સ હજુ પ્રાથમિક સ્તરનું નિદાન કરી રહ્યા હતા. વિલીના જડબામાં મલ્ટિપલ ફ્રેકચર હતા. કહો કે, જમણી તરફનો ચહેરો લમણાંથી છેક જડબા સુધી ઓળખી શકાય નહિ એટલી હદે ઈજાગ્રસ્ત બન્યો હતો. ખીણમાં ફેંકાયા પછી જમણાં પડખે જ એ કાળમીંઢ પથ્થરો જોડે અથડાયો હોવો જોઈએ, કારણ કે જમણા ચહેરા ઉપરાંત જમણી પાંસળીઓ પણ તૂટેલી હતી. છાતીમાં પણ આકરા મારના ચિહ્નો હતા.


ખાસ્સી વાર સુધી તેને આઈસીયુમાં ખસેડ્યા પછી ચીફ મેડિકલ ઓફિસરે ત્રણેયને બેસાડીને શાંતિપૂર્વક વિલીની ઈજાઓ અંગેની વિગત આપી હતી અને બહુ જ ગંભીરતાથી કહી દીધું હતું કે આજની રાત તેના માટે બહુ જ ક્રિટિકલ છે.


ડોક્ટર તો જોકે તેની ઈજાઓના આધારે ક્રિટિકલ હોવાનું કહી રહ્યા હતા. એ સિવાય પણ વિલી માટે એ રાત ક્રિટિકલ જ હતી.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP