Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

હાંફતી છાતીએ બેબાકળા ચહેરે વિશાખા રોડની વચ્ચે જ ઊભી રહી ગઈ

  • પ્રકાશન તારીખ16 Aug 2018
  •  

પ્રકરણ - 34

અજાણ્યા આદમીઓએ વિલી અને વિશાખાના ફોટા પાડ્યા, વોટ્સએપ પર કોઈકને ખરાઈ કરવા માટે મોકલ્યા. સામેથી જવાબ આવ્યો એટલી વારમાં સદંતર બેખબર એવાં આ બંને તો ખાસ્સા આગળ ચાલવા માંડ્યા હતા.


'ઈટ સીમ્સ રિઅલી ટફ...' વિલીને પણ હવે સમજાઈ રહ્યું હતું કે પંચગની તરીકે ઓળખાતી નિસર્ગની આ મનોરમ્ય લીલા સમયના ચાકડે ઘૂમતી રહીને અનેક નવાં આકારો ધારણ કરી ચૂકી છે. અહીં બે, અઢી સૈકા પહેલાંની એક ઈમારત શોધવી સહેજ પણ આસાન નથી.

'મોટાભાગના જૂના બંગલાઓએ અહીં નવા રૂપરંગ અને નામ ધારણ કરી લીધા છે એટલે અઘરું તો છે જ...' બપોર થવા આવી હતી, પણ ઠંડી હવાની ખુશનુમા તાજગી પર તડકાનો તેવર સહેજે ય ચડેલો જણાતો ન હતો. બપોર થાય એટલે ગાંવથણમાં બજાર ભરાવા માંડતું. નમતી બપોરથી મોડી સાંજ સુધી અહીં સહેલાણીઓ ઊભરાતા. એક તરફ પારસી પોઈન્ટ, સિડની પોઈન્ટ અને બીજી તરફ ટેબલ લેન્ડ, એડમન્ડ પોઈન્ટ એમ બરાબર વચ્ચેની માંચીમાં આવેલા ગાંવથણની ઢાળ ઉતરતી સડકો પર એક તરફ નીચે ધસી જતી ખીણ અને બીજી તરફ વાંસના માંચડા બાંધીને હારબંધ ઊભી કરેલી હાટડીઓ.


અહીં જાતભાતની ચીજવસ્તુઓ વેચાતી. ટૂંકા રોકાણ માટે આવેલા સહેલાણીઓ, ખાનગી મકાનો ભાડે રાખીને લાંબા સમય માટે રોકાવા આવતાં લોકો, ઉનાળો વિતાવવા આવતાં ખાનગી બંગલાના માલેતુજારો અને ખાસ તો પંચગનીમાં વર્તાતી મિની યુરોપની ઝલક માણવા આવતાં વિદેશીઓ સહિત સૌ કોઈ માટે ગાંવથણ ટહેલવા માટેની બહુ જ આકર્ષક જગા ગણાતી હતી.

'પણ મને એ નથી સમજાતું કે એ મૅક્લિન એસ્ટેટમાં જવાનો હેતુ શું છે?' ગ્રામ્ય પરિવેશમાં ઉછરેલી વિશાખાને વિલીની સમસ્યામાં રહેલાં ભેદભરમને લીધે ભારે રસ પડ્યો હતો, 'તને સપનું આવે છે અને સપનાના માધ્યમથી ઈરમા તને કશુંક કહેવા ઈચ્છે છે તો એ માટે મૅક્લિન એસ્ટેટ શોધવાની શું જરૂર?'

'ખરું પૂછો તો એ મને ય ખબર નથી...' ખીણની ધાર પર બાંધેલી પાળીએ પગ ટેકવીને વિલીએ શૂઝની વાધરી સરખી કરી અને કપાળ પર બાઝેલો પરસેવો લૂછ્યો. એ બ્રિટિશ આદમીને અહીંની ખુશનુમા હવામાં ય ગરમી લાગવા માંડી હતી.


'પંડિતજીએ એવું કહ્યું હતું કે ઈરમાનો જીવ જે-જે જગ્યાએ ચોંટેલો હોઈ શકે એવી દરેક જગ્યાએ તું એકવાર જા. એ જગ્યા મૅક્લિન એસ્ટેટ પણ હોઈ શકે, જ્યાં તેનું મોત નિપજ્યું હતું એ આર્થર પોઈન્ટ પણ હોઈ શકે. ત્યાં એ જ કશોક સંકેત આપે એવું બને...'


'ધારો કે મૅક્લિન એસ્ટેટ ન જ મળે તો?' પહેલાં પ્રયત્ને જ વિશાખાને હવે એ આશા ધૂંધળી જણાવા માંડી હતી.


'તો કદાચ...' આમ તો તેનો જવાબ વિલી પાસે ય ન હતો, છતાં ય તેણે કહ્યું, 'આર્થર પોઈન્ટ તો જવાનું જ છે...'

એ બહુ તાજુબીથી પાળીની સામેની તરફ મંડાઈ રહેલી હાટડીઓ અને અહીંના વાતાવરણને જોઈ રહ્યો હતો. બિલકુલ દેહાતી પણ ઘણેખરે અંશે લંડનના પિકાડેલી સર્કસ કે કનિંગહામ સ્ક્વેઅરને મળતો આવતો માહોલ તેને બહુ જ પરિચિત અને છતાં ય વેશભૂષા, ચીજવસ્તુ અને ખાસ તો ચહેરાઓના કારણે મોહક, વિશિષ્ટ લાગતો હતો.

હજુ બજાર ભરાવાની શરૂઆત હતી એટલે સડક ખાસ્સી ખુલ્લી હતી. ફૂલ-પાંદડી છાપેલી ભડકાઉ લીલા રંગની સાડીનો કછોટો મારેલી એક મહિલા માંચડા નીચેની દુકાનમાં રમકડાં, ઊનના કપડાં, રંગબેરંગી ચિતરામણ કરેલા સ્કર્ટ, બનાતની ગૂંથેલી ટોપીઓ, ગોગલ્સ ભેરવેલા લાકડાના પાટિયા વગેરે સામાન ગોઠવી રહી હતી. તેની બાજુની હાટમાં એક આદમી દોરી બાંધીને તેનાં પર કમરપટ્ટા, લીલાં-પીળાં મણકાની માળા, અકીક જેવા પથ્થરના હાર વગેરે લટકાવી રહ્યો હતો. વચ્ચેની એક ગલીમાંથી તેલમાં શેકાતાં લાલ મરચાં, લસણની તીવ્ર ગંધ અહીં સુધી પ્રસરતી હતી. એ અહીંની ખાણી-પીણી બજાર હતી. વડાપાંઉથી માંડીને પિઝા અને મૅક્સિકનથી લઈને થાઈ ફૂડ સુધીની આખી દુનિયાની વાનગીઓ, વિવિધતાઓ અહીં એકસરખાં સ્વાદમાં મળી રહેતી.


'જસ્ટ અ મિનિટ...' વિશાખા અચાનક સડકના સામા છેડે એક હાટ પર પહોંચીને ભૂરા, લીલા રંગના સ્ટોન પરોવેલી માળા જોવા લાગી. વિલીને એમાં રસ ન પડ્યો એટલે એ પાળી પાસે ઝૂકીને નીચે ઢાળ ઉતરતી લીલીછમ ખીણ અને છેક નીચે વહેતી નદીને જોઈ રહ્યો. પેલા આદમીએ ફોટા પાડ્યા અને આમતેમ ટહેલતા, હાટડીઓ જોતાં, વાતો કરતાં વિલી, વિશાખા અહીં પહોંચ્યા પછી વિશાખા હાટ તરફ ગઈ અને વિલી અહીં પાળી પાસે ઊભો એ બે વચ્ચે ખાસ્સી એકાદ કલાક વિતી હતી.

દરમિયાન, એ જ વખતે એકસાથે ત્રણ ઘટના બની, જેણે ગણતરીની સેકન્ડોમાં ક્રિયા-પ્રતિક્રિયાની હારમાળા સર્જી દીધી.

બપોરે ૧૨:૩૦:૧૮ વાગ્યે:


ઘટના ૧: વિશાખા સડકની સામી તરફ હાટ પાસે પહોંચી એટલે તેને બરાબર આડી આવે એ રીતે એક આદમીએ હાથલારી ગોઠવી અને એ ત્યાં જ ઊભો રહી ગયો.


ઘટના ૨: ખાણી-પીણીની લારીઓ જ્યાં ઊભી હતી એ ગલીમાંથી નીકળેલી એક વેગન-આર ગાડી રેવાલ ચાલે તદ્દન ચૂપકીદીથી સડક પર આવી અને હાથલારીની બરાબર સામે અટકી ગઈ. હવે આશરે ત્રીશેક ફૂટ પહોળા રોડ પર એક હાથલારી અને વેગન-આર વિશાખા અને વિલીની વચ્ચે આવી ચૂક્યા હતા.


ઘટના ૩: પાળીની નીચે જોઈ રહેલાં વિલી તરફ બે આદમી લપક્યા અને એક આદમીએ આંખના પલકારે તેની કમર ફરતી બાથ ભીડીને જમીનથી અદ્ધર કરી દીધો. અચાનક જ પગ તળેથી જમીન ખસકી જતાં ખીણ પર ઝળુંબી ગયેલા વિલીના ગળામાંથી અવાજ નીકળે એ પહેલાં બીજા આદમીએ લાલ ગમછાથી તેનું મોં બાંધીને ખભેથી તેને ઊંચકી લીધો.


બપોરે ૧૨:૩૦:૩૨ વાગ્યે:


'સહેજ પણ ઘાંઘો ન થઈશ...' અત્યંત દબાયેલા સ્વરે એક આદમીએ તેના જોડીદારને કહ્યું અને બંનેએ વિલીને વેગન-આરની પાછલી સીટ તરફ ઘસેડવા માંડ્યો, પણ કદકાઠીમાં મજબૂત બાંધાના જવાન વિલીને એમ બે જણા ઊંચકી જાય એ એટલું આસાન ન હતું.


પોતે ખીણમાં જોઈ રહ્યો હતો અને અચાનક જ હવામાં અદ્ધર થઈ ગયો એથી હેબતાઈ ગયેલો વિલી ઘડીક તો કશું સમજી જ શક્યો ન હતો, પરંતુ મોંઢાં ફરતો ગમછો વિંટળાયો ત્યારે તેને કંઈક સૂઝ આવી. એટલે ગાડીમાં તેને ઘૂસાડવામાં આવે એ વખતે તેણે હતી એટલી તમામ તાકાત વાપરીને શરીર છટપટાવ્યું. તેના હાથ, પગ અને મોં બે આદમી દ્વારા જકડાયેલા હતા પરંતુ હાઈટ ખાસ્સી વધુ હોવાના કારણે આખું શરીર છટપટાવાથી બે જણના હાથમાં એ રહી શકે તેમ ન હતો.


ખભામાંથી એ પકડાયેલો હતો એટલે હાથ છૂટા હતા. તેણે બંને હાથ તાકાતપૂર્વક જમણે-ડાબે વિંઝવા માંડ્યા. એટલે તેને ઊંચકનારા આદમી માટે સંતુલન જાળવવું મુશ્કેલ બની ગયું. એ જ રીતે તેણે ભયંકર તાકાતથી પગની લાત ફંગોળવા પ્રયાસ કર્યા એટલે આગળના આદમીને ય ફાંફા પડી ગયા.

બપોરે ૧૨:૩૦:૪૫ વાગ્યે:


વિલીને ઊંચકનારા બંને આદમીની કફોડી હાલત જોઈને હાથલારી લઈને ઊભેલો માણસ પણ દોડ્યો અને વિલીને ગાડીમાં ઘૂસાડવામાં મદદ કરવા માંડી. પરંતુ એ જે ઝડપે દોડ્યો એથી અકીકની માળા વગેરે સામાન વેચતા હાટડીવાળાનું ધ્યાન ત્યાં ખેંચાયું. તાબૂત જેવા એક આદમીને બે જણા ઊંચકીને ગાડીમાં નાંખી રહ્યા હતા એ દૃશ્ય તેણે જોયું, પણ ક્ષણાર્ધ પૂરતા આંખોએ ઝીલેલું દૃશ્ય મગજ સુધી પહોંચે અને મગજમાં તેનું અર્થઘટન થાય એ પહેલાં તો ત્રણેયે ભેગા થઈને વિલીને ગાડીમાં નાંખી દીધો હતો.


બપોરે ૧૨:૩૧:૦૨ વાગ્યે:


બોણી થવાની આશાએ વિશાખા સમક્ષ માળાઓના ગુણગાન ગાઈ રહેલો દુકાનદાર અચાનક ચૂપ થઈ ગયો એટલે ચમકેલી વિશાખાએ ગરદન ઊંચકીને તેની તરફ જોયું. એ આદમી તો વિશાખાની પીઠ પાછળ આંખો ફાડીને કશુંક જોઈ રહ્યો છે. તેના ચહેરા પર, જાણે પાછળથી ગાય ઢીંક મારવા ધસી આવતી હોય એવા આઘાતના ભાવ પણ સ્પષ્ટ વર્તાય છે.

એટલે ચોંકવાના ચેપથી પ્રેરાયેલી વિશાખાએ પણ સહજ પ્રતિક્રિયાથી પોતાની જગાએથી જરા બાજુ પર ખસીને ઝડપથી ગરદન ઘૂમાવીને પાછળ જોયું. પહેલાં તો વચ્ચે આવી ગયેલી હાથલારી અને વેગન-આરની હાજરીથી બેખર વિશાખાને પહેલાં તો વિલી ન દેખાયો એટલે તેણે આજુબાજુ નજર ફેરવી. એ જ ક્ષણે વેગન-આરની સામેની તરફ કશીક ઝપાઝપી કે હડબડાટી થતી હોય એમ ગાડીના હુડ પરથી કેટલાંક માથાં આમતેમ હલતાં દેખાયા. ફિલ્મિંગ કરેલાં ગ્લાસની આરપાર કોઈક આદમીને ઊંચક્યો હોવાનો આછો ખ્યાલ તેને આવ્યો એટલે તેણે આંખો ઝીણી કરી. એ જ ઘડીએ પાછલી સીટમાં લાંબા કદના વિલીને સમાવવા કમરમાંથી ઊંચકવો પડ્યો એટલે વિશાખાની રાડ ફાટી ગઈ.

'હેઈઈઈઈઈ....' હાથ લાંબો કરીને તેણે ત્રાડ નાંખી એથી હવે હાટડીવાળો પણ પોતે થોડીક સેકન્ડ પહેલાં જોયેલા દૃશ્યનો અર્થ સમજ્યો. આ તો કોઈક વિદેશીને પરાણે ઊઠાવાઈ રહ્યો છે...


એટલે એ પણ વિશાખાની રાડમાં જોડાયો. એટલી વારમાં હરણફાળ ભરતી વિશાખા વેગન-આર તરફ ભાગી હતી, પરંતુ વચ્ચે હાથલારી હોવાથી તેણે થોડો ચકરાવો મારવો પડ્યો.

બસ, આટલું જ છેટું રહી ગયું.


વિશાખા અને હાટડીવાળો બંને બોકાસા નાંખતાં રહ્યાં અને પાછલો દરવાજો પૂરો વાસ્યા વગર જ વેગન-આર ભાગી. બૂમરાણ મચાવતી વિશાખા ઘડીક તો ગાડીની પાછળ દોડી, પણ પૂરપાટ વેગે ભાગેલી ગાડી સર્પાકાર રસ્તા પર સડસડાટ દોડવા લાગી હતી. પેલો હાથલારી વાળો એમનો મળતિયો પહેલાં તો ભોળાભાવે ત્યાં જ ઊભો રહી ગયો હતો અને તેની સક્રિયતા વિશે કોઈને કંઈ ખ્યાલ આવે એ પહેલાં લારી ત્યાં જ પડતી મૂકીને એ ખાણી-પીણીની ગલીમાં કલ્ટી મારી ગયો હતો.


હાંફતી છાતીએ બેબાકળા ચહેરે વિશાખા રોડની વચ્ચે જ ઊભી રહી ગઈ. પૂરપાટ વેગે દોડી ગયેલી મોટરકાર અને પાછળ ચીસો પાડતી જવાન છોકરી... જરૂર કશુંક થયું છે એવું પારખીને આસપાસના હાટડીવાળા પણ એકઠા થવા લાગ્યા.


પણ....


બપોરે ૧૨:૩૦:૩૮ વાગ્યે જે ત્રણ ઘટનાઓ એકસાથે બની હતી, તેની બિલકુલ સમાંતરે એ જ સમયે અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર પેલી ફૂલવાળી આઈની હાટડીના વળાંક પર ચોથી એક ઘટના બની હતી.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP