Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'તારા દાદાના બંગલા એમ કંઈ રેઢા નથી પડ્યા...'

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

પ્રકરણ - 33
'એમને કહો દિક્ષિત, એવું કોઈ બિલ્ડિંગ કે પ્રોપર્ટી રેકર્ડ પર તો નથી...' તહેસીલદારે ચોપડાના એક-એક ખાના પર આંગળી ફેરવીને આખરે કહી દીધું.
એ સ્થળ હતું પંચગની નગર નિયોજન અને વહીવટી કચેરી અને સામે બેઠા હતા ત્રણ આદમી- બે અંગ્રેજ અને એક ભારતીય.


પંચગની પહોંચીને તરત તેમણે અગાઉથી નક્કી કરેલા આયોજન મુજબ કામની વહેંચણી કરી દીધી હતી. એ મુજબ વિલી અને વિશાખા પહાડી ઉતરીને આસપાસના બજારોમાં ફરવાના હતા. જ્યારે ઈયાન અને જેમ્સે હોટેલના હેલ્પ ડેસ્કમાંથી એક ગાઈડ માટે રિક્વેસ્ટ કરી હતી.


'માયસેલ્ફ વિજુ દિક્ષિત, એટ યોર સર્વિસ સર!' કહીને એ અદબભેર ઊભો રહ્યો ત્યારે ઈયાન અને જેમ્સ તેને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આરંભિક કેટલીક પૂછપરછ દરમિયાન દિક્ષિત તેમને ચબરાક અને જાણકાર લાગ્યો હતો. આમ પણ તેમને દિક્ષિતનો ખપ ગાઈડ કરતાં ય વિશેષ તો દુભાષિયા તરીકે વધુ હતો.


તેમણે સીધો જ પોતાનો હેતુ સ્પષ્ટ કરી દીધો. વિજુ ધ્યાનથી તેમને સાંભળતો રહ્યો. મૅક્લિન એસ્ટેટ વિશે તેને કશો ય ખ્યાલ ન હતો, પણ એ સ્વિકારવામાં તેને નાનપ લાગી હતી, જોકે તહેસીલદારે જ્યારે કહ્યું કે આવી કોઈ ઈમારત રેકર્ડ પર તો નથી ત્યારે દિક્ષિતને ય હાશકારો થયો હતો.


તેણે ઈયાન અને જેમ્સને તે જ વાક્ય અંગ્રેજીમાં સમજાવ્યું.
'રેકર્ડ પર કેટલાંક વર્ષ સુધીની વિગતો હોઈ શકે?' ઈયાને પૂછ્યું.


'આમ તો સો-બસો વર્ષ જૂની વિગત પણ હોય. જમીનના સાત હાથબદલા નોંધવાનો નિયમ છે. એટલાં હાથબદલામાં કેટલો સમય લાગ્યો હોય તેના પર આધાર રાખે...'


ગાઈડે સમજાવ્યા પછી ઈયાન અને જેમ્સ વિચારમાં પડી ગયા હતા. તહેસીલદારે જૂના અંગ્રેજ બંગલાઓનું લિસ્ટ બતાવ્યું હતું. મોટાભાગના બંગલાઓ સિત્તેર, એંશી કે સો વર્ષ સુધી અંગ્રેજોની માલિકીના રહ્યા બાદ તેમાં હાથબદલો થયેલો જણાતો હતો અને પછી એ હાથબદલો પ્રમાણમાં ઝડપી બનતો હતો. એમાં ક્યાંય આર્થર મેલેટ મૅક્લિન કે મૅક્લિન એસ્ટેટ તરીકે ઓળખાતી ઈમારત મળતી ન હતી.


ત્યાંથી ધોયેલા મૂળાની જેમ નીકળ્યા પછી ગાઈડે ફરી ફરીને ચારેક વખત બંનેના મુખેથી મૅક્લિન એસ્ટેટનું વર્ણન સાંભળ્યું હતું. એ બેય પણ શું વર્ણન કરે?
એમની પાસે ય નોબેલ રેકર્ડ ઓફિસના આઠ-દસ પ્રિન્ટેડ પાનાનો જ આધાર હતો. એમાં ય મૅક્લિન એસ્ટેટ વિશે તો ગણીને બે ફકરા માંડ હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સત્તાવાર દસ્તાવેજોમાં પણ મૅક્લિન એસ્ટેટ વિશે ખાસ કોઈ નોંધ પ્રાપ્ય ન હોવાનું નોબેલ રેકર્ડ ઓફિસે અગાઉથી જ કહી દીધું હતું.


અને નોબેલ રેકર્ડ ઓફિસ પાસે ફક્ત આટલી જ વિગત હતી,
પાંચ ગામોના ઝુમખાં આસપાસ આર્થર મેલેટ મૅક્લિને ખીણની ધાર પાસે કેટલીક જગ્યા સમથળ કરાવીને અદ્દલ સ્કોટિશ હાઈલેન્ડ સ્ટાઈલની ઈમારત બનાવી. સ્કોટલેન્ડથી મંગાવેલા સિલ્વર ઓક, પાઈન, રેવન જેવા વૃક્ષો ઉછેર્યા. બેહદ નયનરમ્ય એ જગ્યાને પોતાની પૈતૃક જાગીર પરથી નામ આપ્યુંઃ મૅક્લિન એસ્ટેટ!


હવે આટલી વિગતો પરથી એક અજાણ્યા દેશમાં અઢીસો વર્ષ પછી એક ઈમારત શોધવી કેવી રીતે?
અત્યાર સુધી ફક્ત ઈયાન અને જેમ્સ જ અટવાયેલા હતા, હવે ગાઈડનો ય તેમાં ઉમેરો થયો હતો.
'આપણે એક કામ કરીએ...' રસ્તાની ધાર પર ઊભા રહીને ક્યાંય સુધી વિચારતા રહેલા ગાઈડે આખરે કશોક તોડ કાઢ્યો, 'વામનદાદાને પૂછી જોઈએ...'


વામનરાવ કદમ એક જમાનામાં પંચગનીના ભોમિયા ગણાતા. મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગના અધિકારી તરીકે બદલી પામીને અહીં આવેલા અને પછી અહીં જ વસી ગયેલા વામનરાવ હવે તો ખાસ્સા ઘરડા થઈ ચૂક્યા હતા. તેમ છતાં તેમણે અંગ્રેજ મહેમાનો સાથે વાત શરૂ કરી.


'એવું તો નથી કે જેમ્સ ચેસને જ આ જગ્યા શોધી. તેનાં પહેલાં ઘણાં અંગ્રેજ અધિકારીઓ અહીં આવી ચૂક્યા હતા અને એમના બંગલા ય હતા...' પહોળા પને વાત કરવાની દાદાની આદતથી વાકેફ દિક્ષિતે ઈયાન અને જેમ્સને ધરપત રાખવા ઈશારો કર્યો, 'પણ ટુરિસ્ટ સ્પોટ તરીકે ખરો વિકાસ ચેસને કર્યો એ તો કબૂલવું પડે...'


'આપણે જ્યાં બેઠા છીએ એ વિસ્તાર અપર હિલ તરીકે ઓળખાય છે. અહીંથી જેમ જેમ તમે ઉપર જશો એટલે તમે ઉતર્યા છો એ સી-રોક જેવી વૈભવી હોટલ્સ, રિસોર્ટ અને ખાનગી બંગલાઓ આવશે. એ આખો ય વિસ્તાર આજથી સો-સવા સો વર્ષ પહેલાં અંગ્રેજ લાટસાહેબોના બંગલાઓનો હતો.'


'અપર હિલમાં ય બે ફાંટા પડે છેઃ સિલ્વર ઓક ટ્રેક અને બદામડી બાગ. સિલ્વર ઓક ટ્રેક એ અંગ્રેજોએ ઈંગ્લેન્ડથી લાવેલા વૃક્ષોને ઉછેરેલો વિસ્તાર છે. જ્યારે બદામડી બાગ એ ચેસનના વખતમાં હતું એ સહ્યાદ્રીનું મૂળ જંગલ છે. ચેસનની સાથે પંચગનીને વિસ્તારવામાં રૂસ્તમજી દુબાશ નામનો પારસી શેઠીયો ય હતો. તેણે અહીં બદામડી બાગ આસપાસ વિશાળ જમીન લીધી. ત્યાં પહાડો કોરાવ્યા. એ જ જગ્યાએ પછી તો પારસી શેઠીયાઓના બંગલા બંધાયા. એમાં સર ફિરોઝશાહ મહેતા પણ આવી જાય અને સર દિનશા પીટીટ, દિનશા વાચ્છા, અરદેશર ફરામજી અને જહાંગીર નુસરવાન પણ આવી જાય...'


'તું આમને દિનશા પીટીટનો બંગલો ધ રિટ્રીટ બતાડજે...' વામનદાદાએ દિક્ષિત તરફ જોઈને પછી અંગ્રેજ મહેમાનો તરફ નજર ફેરવી, 'પાકિસ્તાનના સ્થાપક મહંમદઅલી જિન્નાહ ત્યાં જ સર દિનશાની દીકરી રૂટીના પ્રેમમાં પડ્યા હતા...'


'દાદા...' દિક્ષિતને સમજાઈ ગયું કે દાદા આદતવશ આડી વાતે ચડી રહ્યા છે અને રોકવામાં નહિ આવે તો જેમ્સ ચેસન ખુદ જીવતો થઈને સામે ઊભો રહી જાય ત્યાં સુધી કહાનીઓ કહેતા રહેશે, 'દાદા, આ બંને મહેમાનોને આર્થર મૅક્લિને વસાવેલી મૅક્લિન એસ્ટેટનું કામ છે...'


'હા હું એ જ કહું છું...' દાદાને ય હજુ તંત છોડવો ન હતો, 'અપરહીલથી નીચેની તરફ જઈએ એટલે ગાંવથણ તરીકે ઓળખાતી બજાર શરૂ થાય. ચેસનને ખબર પડતી હતી કે માત્ર અંગ્રેજો અને પારસી શેઠિયાઓ બંગલા બાંધે એટલે સ્થળનો વિકાસ ન થઈ જાય. એ માટે તમામ વર્ણ જોઈએ. એટલે તેણે અપરહીલથી નીચે તળેટી તરફ જતાં દરજી, સઈ-સૂતાર, કુંભાર, માળી, આહિર એમ તમામ કોમને અહીં તેડાવી. મોટા મોટા મહોલ્લા ફાળવ્યા, સન્માનભેર એમની રોજી-રોટીની ગોઠવણ કરી આપી અને એમ આ પંચગની બન્યું.'


'હવે તમે ચેસનનું નમૂનેદાર પ્લાનિંગ જુઓ, અહીં અપરહિલ પર અંગ્રેજ લાટસાહેબોના બંગલા વચ્ચે ગાંવથણમાં સ્થાનિક વસ્તી અને તેની પાછળ અમરાળ અને ગોડાવળીની ઘાટી પર પણ અંગ્રેજોના બંગલા...'


'દાદા...' હવે દિક્ષિત સાચે જ અકળાઈ ગયો હતો, 'દાદા, તમે બિનજરૂરી લપ બહુ કરો છો... મૅક્લિન એસ્ટેટનું કહો ને....'
'હા, હું એ જ તો કહું છું... તમને આખા ય પંચગનીમાં સિલ્વર ઓક, પાઈન અને પોઈનસેટિયા જોવા મળશે, પણ રેવન વૃક્ષો માત્ર સ્કોટિશ બંગલાઓમાં જ જોવા મળશે...'
રેવન અને સ્કોટિશ... એ બે શબ્દોથી જ જેમ્સનો ચહેરો એકાગ્ર બન્યો.


'હવે તો ગણ્યાં-ગાંઠ્યા રેવન બચ્યા હશે. એ વૃક્ષ પછી દેખરેખના અભાવે અહીં ટક્યા નથી. છતાં જ્યાં ક્યાંક રેવન વૃક્ષ દેખાય તો સમજવાનું કે આસપાસમાં જ મૅક્લિનનો બંગલો હોવો જોઈએ...'
દિક્ષિત ફટ્ટાક કરતો ઊભો થઈ ગયો અને ચંપલમાં પગ ઘાલવા માંડ્યો. દાદાએ તો ખરેખર મગજનું દહીં કરી નાંખ્યું હતું.
*** *** ***


'કેમ છો આઈ...?' સડસડાટ ઢાળ ઉતરતા રસ્તાના વળાંક પર રેક્ઝિનનું છાપરું બાંધીને ફૂલનો ગજરો ગૂંથી રહેલી એક પ્રૌઢ ઓરત પાસે વિશાખા બિલકુલ દેહાતી સ્ટાઈલમા ઊભડક બેસી પડી એ જોઈને વિલીને ય હસવું આવી ગયું.


'મોટા ગજરાના ૪૦, નાનાનાં ૩૦ અને બે ફૂલની દાંડલી જોઈતી હોય તો ૨૦ રૂપિયા...'
'અરે, મેં તો તમને કેમ છો પૂછ્યું આઈ...' વિશાખાએ નાકનું ટિચકું ચડાવવાનો ડોળ કર્યો, 'અને તમે તો સીધા ભાવ જ કહેવા માંડ્યા?'
'કેમ છો પૂછીને ય તું ભાવ જ તો પૂછવાની હતી ને... તો પછી સીધી કામની વાત કર ને?' માથાફરેલી આઈ પણ તેની સામે ય જોવાની દરકાર કર્યા વગર કેળવાયેલા હાથે સોય-દોરામાં ફટાફટ ફૂલ પરોવી રહી હતી.


'લો બોલો... મેં તમને આઈ કહ્યા, કેમ છો પૂછ્યું, અને તોય તમને હું ઘરાક જ લાગી ને?'
'ક્યાંનું એડ્રેસ પૂછવું છે એ બોલી નાંખ હવે...'
'અરે...' અત્યાર સુધી ખોટું લાગવાનો ડોળ કરી રહેલી વિશાખા હવે સાચે જ તાજુબ થઈ ગઈ. આ આઈ તો મનના વિચારો વાંચી શકતી હતી કે શું?


'જો દીકરી...' હવે પહેલી વખત ગજરો ગૂંથતા તેનાં હાથ અટક્યા, 'તેં આઈ કહ્યું છે એટલે કહી જ દઉં, આ ત્રિભેટો છે. ઉપર બધી આલિશાન હોટેલો છે, રિસોર્ટ અને બંગલાઓ છે. પણ અહીં બંને તરફના રસ્તે બજાર અને સ્થાનિક વસ્તી છે. એ વટ્યા પછી ટેબલ લેન્ડ, પારસી પોઈન્ટ, એડમન પોઈન્ટ એમ બધે જવાય. મારી દુકાન આ વળાંક પર પહેલી છે એટલે ઉપરવાસથી આવનારા ટુરિસ્ટ સૌથી પહેલાં અહીં જ ઠેકાણા પૂછતા હોય છે. એટલે જ જો કંટાળીને મેં આ લખી રાખ્યું છે...'


આઈએ પાછળની તરફ આંગળી ચિંધી, જ્યાં અંગ્રેજી ઉપરાંત મરાઠી અને હિન્દીમાં ઢંગધડા વગરના અક્ષરોએ લખ્યું હતું, 'એડ્રેસની પૂછપરછ કરીને સમય બગાડવો નહિ!!!'


'સોરી આઈ...' વિશાખાને ય સમજાઈ ગયું કે આ તો પહેલાં જ પ્રયત્ને કાચું કપાઈ ગયું હતું, પણ એ ય ઓછી જીદ્દી ન હતી. હવે તો આઈ જ ઠેકાણું ચિંધશે... મનોમન બબડીને તેણે સૂર અને ભાવ પલટવા માંડ્યા, 'પણ આ તો આપણી મરાઠી અસ્મિતાનો સવાલ છે...' તેણે આપણી, મરાઠી અને અસ્મિતા એ ત્રણેય શબ્દો પર વ્યવસ્થિત ભાર મૂક્યો હતો, 'આ ધોળિયો એમની સાથે આવેલા લોકોથી વિખૂટો પડી ગયો છે અને હવે એ જગ્યા મળતી નથી'


'તો એમ બોલ ને... મને તો એમ કે તું કશુંક શોધી રહી છે....' વિશાખાનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું, 'ઓઈ ચિણ્યા... ઓ રે દાજી... અહીં આવો તો... આ છોકરી કોઈક...' તેમણે વિશાખાને પૂછ્યું, 'કઈ જગ્યાએ જવું છે આ ધોળિયાને?'
'મૅક્લિન એસ્ટેટ...'
'અરે... મૅક્લિન એસ્ટેટ ક્યાં છે રે?'


થોડી વારમાં તો આઈએ ટોળું એકઠું કરી દીધું અને અરસપરસ ગણગણાટ થવા માંડ્યો. કોઈક ડાબે જવા કહેતું હતું તો કોઈક જમણી દિશાએ આંગળી ચિંધતું હતું. કેટલાંકે વળી નદીના સામા કાંઠે આવું કંઈક હોવાની ય સાહેદી પૂરી દીધી હતી.


વિલી તો ચકળવકળ ડોળાં ઘૂમાવતો સૌને જોયા કરતો હતો, પણ ઘડીક ભારે આશાવાદી રહેલી વિશાખા છેવટે આ આડેધડ અટકળોથી કંટાળી હતી. કોઈને કશી ખબર જ ન હતી અને છતાં દરેકની પાસે ચિંધવા જેવું એક ઠેકાણું તો હતું જ.


'બસ... બસ આઈ... હવે મળી જશે...' આઈ કંઈ કામ તો લાગી ન હતી પણ તોય સાવ એમ જ ઊભા નથી થવું એમ ધારીને તેણે બે મોટા ગજરા ખરીદ્યા અને એક ગજરો વિલીના હાથમાં થમાવ્યો.


વિલી સવાલિયા નજરે તેને જોઈ રહ્યો એટલે વિશાખા હસી પડી, 'તારા દાદાના બંગલા એમ રેઢા નથી પડ્યા, હજુ આગળ ક્યાંક તપાસ કરવી પડશે...'


એ બંનેએ ઢાળ ઉતરવાનો શરૂ કર્યો.
એ વખતે તેમણે પાછળ નજર ફેરવી હોત તો બે જણા ઘૂસપૂસ કરતાં અચૂક નજરે પડ્યા હોત.
તેમણે પાડેલા આ બંનેના ફોટા કોઈકને વ્હોટ્સએપ પર મોકલ્યા હતા અને હવે ફોન જોડીને પૂછી રહ્યા હતા, 'દાદા, વ્હોટ્સએપ જુઓ તો... આ એ જ છે?'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP