Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

અડધો ફૂટ... એક ફૂટ... બે ફૂટ... ત્રણ... ચાર... વિલી ફાટી આંખે જોતો રહ્યો

  • પ્રકાશન તારીખ14 Aug 2018
  •  

પ્રકરણ - 32
ગઢાળીથી આગળ નીકળેલી ઈનોવાએ શરૂઆતમાં ખાસ્સી સ્પિડ પકડી હતી, પરંતુ મુંબા સર્કલ પછી ડાયવર્ઝન શરૂ થતા હતા એટલે સ્પિડ ઘટવા લાગી હતી. આવા હિંચકા જેવા રોડથી ન ટેવાયેલા જેમ્સના ઝોંકા અટક્યા હતા અને સંતુલન જાળવવા માટે તેણે હોલ્ડર પકડી લીધું.


'ઈઝન્ટ ઈટ ટૂ મચ?' તેણે અણગમાના ભાવથી ડ્રાઈવર તરફ મોં ફેરવીને પૂછ્યું.
'ઈટ્સ કોમન પેચઅપ્સ...' વિદેશીઓ સામે ભારતના રસ્તાની છાપ ખરડાય એ વિશાખાને ગમતું ન હતું, પણ તેણે જૂદી રીતે બચાવ કરવા માંડ્યો, 'યુ સી, વી આર ડેવલપિંગ કન્ટ્રી એન્ડ યેટ વી હેવ ટૂ રીચ મેની અધર પ્રાયોરિટિઝ...'


'ધેન વ્હાય ડીડ યુ ફાઈટ ફોર યોર ઓન રૂલ?' ખબર નહિ કેમ, જેમ્સને આ મીઠડી છોકરીને છંછેડવામાં મજા આવતી હતી, 'જો તમે આ સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ ન હતા તો પછી અમારૂં રાજ શું ખોટું હતું?'


'તમારું રાજ સોનાનું હોય તો પણ એ ગુલામી હતી...' જેમ્સના સવાલથી ગિન્નાયેલી વિશાખા સીટની ધાર પર ધસી આવી, 'એન્ડ માઈન્ડ વેલ, 200 વર્ષ રાજ કર્યા પછી તમે અમને તળિયાઝાટક કરીને ગયા તો પણ આજે સિત્તેર જ વર્ષમાં અમે એટલાં સક્ષમ તો બની જ રહ્યા છીએ કે દુનિયાએ અમારી નોંધ લેવી પડે'


'આટલાં એટલે કેટલાં સક્ષમ?'
'આટલાં એટલે સુપરપાવર બનવાની લગોલગ...'
'અચ્છા?' જેમ્સે આંખોમાં તોફાન નચાવીને પૂછ્યું, 'સુપરપાવર તરીકે ડિક્લેર ક્યારે થશો?'


'સ્કૂલમાં હું એક સુભાષિત ભણી છું... ઈન અવર એન્શ્યન્ટ લેંગ્વેજ... नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते वने। विक्रमार्जितसत्वस्य स्वयमेव मृगेन्द्रता...'
ઉશ્કેરાયેલી વિશાખાના સાંવરા ચહેરા પર ઉશ્કેરાટ સ્પષ્ટ વર્તાતો હતો, 'જંગલના રાજા તરીકે સિંહનો રાજ્યાભિષેક નથી થતો, પણ તેની ત્રાડ જ તેને જંગલનો રાજા સાબિત કરી દે છે.... અત્યારે હસી લો, પણ અમે સુપરપાવર હતા અને અમે સુપરપાવર બનીશું...'


એ ઉશ્કેરાટભેર બોલી રહી હતી અને પાછલી સીટ પર અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલો વિલી ખડખડાટ હસી પડ્યો એટલે વિશાખાએ રોષભેર તેની સામે જોયું.


'નો... નો ઓફેન્સ, પ્લિઝ...' વિલીએ બંને હાથ આગળ કરીને શરણાગતી વ્યક્ત કરી દીધી અને પછી જેમ્સના શરારતી ચહેરા તરફ જોઈને ઉમેર્યું, 'મૅક્લિન મિજાજ કંઈ પેટન્ટેડ નથી હોં...'
'યસ...' જવાબમાં જેમ્સ પણ હસી પડ્યો, 'શી ઈઝ લાઈક ટિપિકલ મૅક્લિન ગર્લ...' પછી ઉશ્કેરાયેલી વિશાખા તરફ સ્નેહાળ નજરે જોઈને ઉમેર્યું, 'બેટા, હું તો ફક્ત તને ચિડવતો હતો, બટ આઈ એપ્રિશિયેટ યોર ટેમ્પરામેન્ટ...'


ઘડીભર અવિશ્વાસથી તેને તાકી રહેલી વિશાખા છેવટે માંડ સીટને ટેકો દઈને બેઠી.
હળવી મસ્તીમાં ડાયવર્ઝન પસાર કરીને ગાડી ફરી મેઈન રોડ પર ચડી રહી હતી. હવે રસ્તો ખાસ્સો સાંકડો થતો જતો હતો. સોહાળ નદીની સમાંતરે પસાર થતો રસ્તો આગળ જતાં નદીને ક્રોસ કરીને પછી શિરવાળની ઘાટી તરફ ફંટાવાનો હતો.
*** *** ***


'હોર્ન ન માર... બિલકુલ નહિ...' આઈશરમાં પાછળ બેસીને સતત સ્ક્રિન પર જીપીએસ ચેક કરી રહેલા આદમીએ ડ્રાઈવરને સૂચના આપી, 'પૂલ ઉપર ટ્રક દેખાય એટલે તરત સ્પિડ વધાર અને ઈનોવાની લગોલગ લઈ લે...'


આઈશરનું વજન વધે અને ઈનોવાને ભીંસ આપવામાં ફાવટ રહે એ માટે પહેલેથી જ પાછળ ઝાડના વજનદાર થડિયા ઠાંસી દેવાયા હતા. આગળ ત્રણ મોટી સો-મિલ હતી એટલે લાકડાં ભરીને જતાં વાહનોની આ રોડ પર કોઈ નવાઈ ન હતી. પરંતુ એથી મોટી તકલીફ એ હતી કે એક તો આઈશર અને એમાં વળી આટલું વજન, એટલે ડાઈવર્ઝનની ભરમાર છતાં ઈનોવાની સ્પિડને આંબવાનું મુશ્કેલ થતું હતું.


મોંસૂઝણું થઈ ચૂક્યું હતું, પણ ઊગતા સુરજનો ઉજાસ વાદળમાં ઘેરાયેલા મેઘને ચાતરવામાં હજુ ઘણો કુમળો પડતો હતો.


ઈનોવામાંઃ
ઈનોવાના ડ્રાઈવર માટે પણ આ રૂટ હથેળીની રેખાઓ જેટલો પરિચિત હતો. હોટલની કેબ સર્વિસમાં બંધાયેલો હોઈ નિયમિત રીતે તેણે ટુરિસ્ટને પંચગની, મહાબળેશ્વર લાવવાના થતાં હતા. સાધારણ રીતે એ ટુરિસ્ટને આરામથી અઢી કલાકમાં પંચગની ઉતારી દેતો. પણ આજે વળી ધોળિયા હતા એટલે તગડી ટીપની આશાએ એ ડાયવર્ઝનમાં બહુ જ સંભાળીને રોદાં તારવતો હતો.
પરંતુ એ કારણથી જ એન્જિન ધણધણાવતું આઈશર તેની બરાબર પાછળ દોડી રહ્યું હતું.


આઈશરમાંઃ
'સંભાળીને...' એ આદમીએ લગભગ અધૂકડા થઈને કહ્યું, 'ટ્રક ઊભેલો જ છે. તારે હવે સ્પિડ વધારીને ઈનોવાની લગોલગ થઈ જવાનું છે અને પછી તેને ડાબી તરફ ભીંસ આપવાની છે. ટ્રકને લીધે તેને તારવવાની જગ્યા નહિ મળે, પણ બરાબર ટાઈમિંગ જાળવજે....'


અંદર બેઠેલા દરેકના હૈયા થડકી રહ્યા હતા. દૂરથી જ ટ્રક દેખાયો એટલે ડ્રાઈવરે ડેશબોર્ડ પર મૂકેલા માતાજીના ફોટાને હાથ અડાડ્યો અને સહેજ ક્લચ દબાવીને એક્સલરેટર પર પગ ભીંસી દીધો.


ક્લચ દબાવેલો હોવાથી ભારેખમ વજનથી લદાયેલા આઈશરનું એન્જિન ભયંકર અવાજ સાથે રાઉસ થયું અને ડ્રાઈવરે ઝાટકા સાથે ક્લચ છોડ્યો એટલે માતેલા સાંઢની માફક ઝાટકાભેર આગળ વધ્યું.


ઈનોવામાંઃ
પુલ એકદમ સાંકડો હતો. સામેથી કોઈ વાહન આવતું હોય તો પણ ગતિ ધીમી પાડવી જ પડે. કારણ કે બેય તરફની રેલિંગ પણ વરસોથી તૂટીને હવે ન હોવા બરાબર થઈ ચૂકી હતી અને વીશેક ફૂટ નીચે નદી ઘૂઘવતી હતી.


દૂરથી જ એક ટ્રકને ઊભેલો જોઈને ઈનોવાના ડ્રાઈવરે મનોમન બબડીને સ્પિડ સહેજ ઘટાડવા માંડી. એ જ વખતે તેણે પાછળ રાઉસ થયેલા આઈશરની ઘરઘરાટી પણ સાંભળી એટલે તરત રિઅર વ્યૂ મિરરમાં જોયું. વજનદાર થડીયાં ભરેલું આઈશર સતત પાછળ જ હતું, પણ હવે અહીં સાંકડા પુલ પર વળી તેને શું શૂરાતન ચડ્યું?
આઈશર આગળ વધે એ પહેલાં ઊભેલાં ટ્રકને ઓવરટેક કરી જવા માટે તેણે સ્પિડ વધારી અને પછી જમણી તરફ લેવાની પેરવી કરી.


આઈશરમાંઃ
'નાઆઆઆઆ... સ્પિડ વાઢવ, તુઝા બાપ બાજુ લા યેઉન રાહિલાય.... (સ્પિડ વધાર, તારો બાપ જમણે આવી રહ્યો છે)' ઈનોવાની સ્પિડ અચાનક વધતી જોઈને એ આદમીએ ડ્રાઈવરને રીતસર ઠોંસો મારી દીધો.


ડ્રાઈવરે પણ એ જોયું જ હતું અને તે એક્સલરેટર પર હવે લગભગ ઊભો થઈ ચૂક્યો હતો. પરંતુ પહેલેથી જ અંતર એટલું વધારે હતું કે ઈનોવાના પીક-અપને પહોંચવામાં આઈશર ટૂંકું પડે તેમ હતું. તેમ છતાં તેણે ફરીથી ક્લચ દબાવ્યો, એન્જિનની તાકાત પિસ્ટનમાં જ ઘૂમરાવા લાગી એટલે ઝાટકા સાથે ક્લચ છોડ્યો અને આઈશરે છલાંગ લગાવી.
હવે એ ઈનોવાથી ગણતરીના ફૂટ છેટું હતું અને સાંકડા પુલ પર લગોલગ આવીને ભીંસ મારે એટલી જ વાર હતી...


ઈનોવામાંઃ
ડ્રાઈવરે ટ્રકને પાર કરવા માટે સ્પિડ વધારી પણ એ જ વખતે આઈશરે ય સ્પિડ વધારી.
'અરે, આ ગધેડો શું કરે છે?' આઈશરે અચાનક જ સ્પિડ વધારી એટલે ડ્રાઈવર મુંઝાયો. આટલી સાંકડી જગ્યામાં ય તેને ઓવરટેક કરવું છે? આવું તો શિખાઉ ડ્રાઈવર પણ ન કરે. તેની નજર સામે ટ્રક ઊભેલો દેખાતો હતો. પાછળ પૂરપાટ વેગે ધણધણાટી કરતું આવી રહેલું આઈશર દેખાતું હતું અને ડાબી તરફ ક્યાંય ઊંડે પુલની નીચે ઘૂઘવતી હતી નદી...


તેણે દાંત ભીંસીને પાવર સ્ટિઅરિંગને એક ઝાટકો માર્યો એ સાથે પહેલાં તો ઈનોવા જમણી તરફ ફંગોળાઈ. પાછલી સીટમાં બેસીને માથા પર આવી રહેલાં આઈશરને ભારે આઘાતથી જોઈ રહેલાં વિલિયમથી રીતસર ચીસ નીકળી ગઈ. એ વખતે આઈશર અને ઈનોવા વચ્ચે માંડ અડધા ફૂટનું છેટું હતું. પાંચ કે સાત સેકન્ડમાં જ આઈશરનો મોરો ઈનોવા પર ટીચાવા આવી રહ્યો હતો.


- અને ઈનોવાના ડ્રાઈવરે તરત સ્ટિઅરિંગને બીજો ઝાટકો ડાબી તરફ માર્યો અને હતી એટલી તાકાતથી એક્સલરેટર દબાવ્યું એ સાથે મદમાતી ઘોડીની માફક ઈનોવાએ ફાળ ભરી લીધી.
અડધો ફૂટ... એક ફૂટ... બે ફૂટ... ત્રણ... ચાર... વિલી ફાટી આંખે જોતો રહ્યો. જમણી તરફ ઊભેલા ટ્રકને લગભગ ઘસાઈને ભાગતી ઈનોવાને જેમ્સ મોં ફાડીને જોઈ રહ્યો. વચ્ચેની સીટ પર બેઠેલાં ઈયાન અને વિશાખા સ્ટિઅરિંગના બે ઝાટકાથી આમતેમ ફંગોળાઈ ગયા.


અને ડ્રાઈવરે ટ્રકને તારવીને પૂરપાટ વેગે પાછળ ધસમસતા આઈશર સાથેનું અંતર વધારી દીધું.
એ મનોમન આવડતી હતી એવી તમામ ભૂંડાબોલી ગાળો બોલી રહ્યો હતો. તેના હાથમાં રીતસરનો સળવળાટ ઉપડ્યો હતો. પુલ પૂરો થાય કે તરત ગાડી થોભાવીને સીટ નીચે મૂકેલ બેઝબોલ બેટ કાઢવા અને આઈશરના ડ્રાઈવરને ફટકારવા એ તલસી રહ્યો હતો.


ગણતરીની સેકન્ડમાં સર્જાઈ ગયેલા ધમાસાણથી ઘડીક હબકી ગયેલા જેમ્સે આખરે ત્રાડ નાંખી દીધી હતી. ડ્રાઈવરની સામે લાલઘૂમ આંખે અને કાળઝાળ ડોળા ફાડીને એ જોઈ રહ્યો એથી હેબતાઈ ગયેલા ડ્રાઈવરનો આઈશર પરનો ગુસ્સો સ્વબચાવમાં ઠરવા લાગ્યો.


'સોરી સર... રિઅલી સોરી... નોટ માય ફોલ્ટ... આઈશર ફૂલ સ્પિડ' ભાંગ્યાતૂટ્યાં વાક્યોમાં એ બબડવા લાગ્યો, 'મેડમજી આપ સમજાઈએના ઉન્હેં... વો આઈશર વાલેને અચાનક સ્પિડ બઢા દી... મેરી કોઈ ગલતી નહિ થી...'
સાચે જ, એ તેની ગલતી નહિ પણ કાબેલિયત જ હતી. બાકી, ઈનોવા ભૂંડે હાલ નદીમાં પછડાવાનું નક્કી જ હતું.


ચારેય જણા સ્તબ્ધ થઈને એકમેકને જોતા રહ્યા. નારાજ થયેલા ધોળિયા ટીપ તો નહિ જ આપે, પણ હવે ફરિયાદ કરશે તો નોકરી ય જશે એમ ધારીને ડ્રાઈવરે ય પેલાને ઢીબવાનો મનસૂબો જતો કર્યો અને દાંત ભીંસીને મનોમન ગાળો બબડતો રિઅર વ્યુ મિરરમાંથી ધીરા પડી રહેલાં આઈશરને જોતો રહ્યો.
*** *** ***


પંચગનીની હોટલ સિ-રોકમાં પહોંચીને વિલિયમનો કાફલો રૂમમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે અમરાળ ગામની સીમમાં કંઈક જુદો જ તાયફો મંડાયો હતો.


મોટા ઓટલા પર બેઠેલા તદ્દન નિષ્ઠુર લાગતા એક બળુકા આદમીએ આઈશરમાં બેસીને જીપીએસ ચેક કરેલા રહેલાં જણને ધક્કો મારીને પાડી દીધો, 'ડૂબુન મર મેલ્યા (ડૂબી મર નફ્ફટ)...' તેની આંખો ગુસ્સાથી ફાટાફાટ થતી હતી અને આવેશને લીધે ભારે ભરખમ શરીર પણ ધ્રૂજવા લાગ્યું હતું, 'એક છોટા સા એક્સિડેન્ટ કરતાં પણ નહિ આલા તુલા, આણિ મોઠા નેતા હોઈલ્યા નિઘાલાય? (એક નાનકડો એક્સિડેન્ટ કરતાં ય તને ન આવડ્યું અને મોટા ઉપાડે નેતા થવો નીકળ્યો છે...)'


'ચૂક ઝાલી દાદા (ભૂલ થઈ ગઈ દાદા...)' ધક્કાના જોરથી નીચે પટકાયેલો એ આદમી બેહદ છોભીલો પડીને કરગરી રહ્યો હતો, 'આઈચી શપ્પથ... આતા દુસરી વેળા નાહિ ચૂકણાર... (આઈની કસમ, હવે બીજો મોકો નહિ ચૂકું)'


'બીજો મોકો આવી રીતે મળશે તો ને?' પેલા નાનકડા ડુંગર જેવા માણસનો ગુસ્સો હજુ ય ઓસર્યો ન હતો, 'એક્સિડેન્ટ કરતાં તો આવડતું નથી, તો હવે શું ખુન કરીશ?'


'હા...' ઊભો થઈ રહેલો એ આદમી બોલ્યો. તેની આંખોમાં હિંસક જાનવર જેવું ભયાનક ઝનુન તગતગતું હતું, 'વેળ આલ્યા વર ખુન પણ કરીલ (જરૂર પડ્યે ખુન પણ કરીશ)... આઈની કસમ... તમારી કસમ દાદા'
એ સુરજ હતો... સુરજ ધોંતળે!
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP