Divya Bhaskar

Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

વેગીલા પવનમાં ઊડતા સફેદ વસ્ત્રોનો ફરફરાટ તેના કાન સુધી પહોંચતો હતો અને...

  • પ્રકાશન તારીખ13 Aug 2018
  •  

પ્રકરણ – 31


ત્યારે એ તેર વર્ષની હતી. એક કાળમુખી વહેલી સવારે આઈએ તેને હડબડાવીને જગાડી હતી. ‘તુજે વડિલ શેતી પાસુન આલે નાહિયે..’ (તારા બાપુ ખેતરેથી હજુ આવ્યા નથી) ઘાંઘી થયેલી આઈએ આંખો ચોળતી તેર વર્ષની છોકરીને પરાણે જગાડીને નાનો ભાઈ ભળાવી દીધો અને પોતે ઊઘાડા પગે દોટ મૂકતી ખેતર તરફ ભાગી. થોડી જ વારમાં ઘરમાં હો-હા મચી ગઈ. ગામલોકો દોડી આવ્યા. નાનકડી વિશાખા માએ ભળાવેલા બિટ્ટુને કાખમાં તેડીને અચરજથી જોતી રહી અને ખેતરેથી પરત આવેલી આઈ આંગણામાં પછડાટ નાંખીને કારમું કલ્પાંત કરી રહી હતી. ત્યારે નાનકડી વિશાખાને કશું જ સમજાયું ન હતું.


ખેતીના નામે સુક્કી ભઠ્ઠ જમીનનો તરડાયેલો ચિત્કાર, કૂવાના તળમાંથી પડઘાતી ભેંકાર પ્યાસ, શેઢે ઘૂમરાતા શિયાળવાનું ડરામણું રૂદન અને કપાયેલા વૃક્ષોના ઠુંઠા થડમાં મુરઝાઈ ગયેલી લીલાશ.. એક પછી એક કારમા દુષ્કાળને લીધે માથા પર ચડી ગયેલું દેવુ ઓઢીને એ રાતે તેના બાપે દવા પી લીધી હતી. આંખો ચોળતી ઊઠેલી વિશાખા એ દિવસ પછી કદી બેફિકરાઈથી ઊંઘી શકી ન હતી. દૂરથી જલતી જોયેલી બાપની ચિતાના તડતડ અવાજ કરતાં લાકડા અને ઝર્રઝર્ર અવાજ સાથે ઊડતા તણખાએ તેને કૂમળી વયે જ જવાબદારીનો અહેસાસ કરાવી દીધો હતો.


ભણવામાં એ અવ્વલ સાબિત થઈ, વ્યવહારમાં એટલી જ મક્કમ. માથા પરથી બાપનું છત્ર ઊઠી જવું એટલે શું એ એક દીકરા કરતાં ય દીકરી વધુ કડવી રીતે જાણતી હોય છે.

ઓશિયાળા કરવા મથતાં સગાંઓ, દાટી મારી જતા લેણિયાતો, સધિયારાના નામે હાથ ફેરવી જતાં લોલુપો અને ઉંબરની બહાર પગ મૂકો સાથે એ ડોળા ફાડીને ઊભા રહેતા પ્રશ્નાર્થો...

નાનપણથી જ વાઘ-વરુ અને શિયાળવા વચ્ચે ઉછરેલી વિશાખાએ શબ્દશઃ માથું મારીને રસ્તો કર્યો હતો.


પહેલાં અહમદનગર, સતારા અને પછી નાગપુર જઈને એ સોફ્ટવેઅર એન્જિનિયર બની. પુણેની મલ્ટિનેશનલ કંપનીમાં તગડા પગારથી નોકરી મળી એ દિવસે વર્ષો પછી તેનાં ઘરમાં પીળા, ફિક્કા ઉજાસના સ્થાને દૂધિયા રંગની રોશનીએ હાસ્ય વેર્યું હતું. વિલિયમ મૅક્લિન સાથે કમ્યુનિકેશન પ્લેટફોર્મ પર કામ પૂરતી જ ઓળખાણ હતી. વિલીયમે એ કંપની છોડી દીધી પછી તો કોઈ સંપર્ક સુદ્ધાં ન હતો. એમ છતાં પોતે ઈન્ડિયા આવે છે અને મહાબળેશ્વર જવા માંગે છે એવું કહ્યું કે તરત વિશાખાએ જવાબ વાળ્યો હતો અને પોતે શક્ય તમામ મદદ કરવાની તત્પરતા ય દર્શાવી હતી. કારણ કે ખરેખર જરૂર હોય ત્યારે મદદનું મૂલ્ય એ બહુ સારી રીતે આંકી શકતી હતી.


સવારે તે ઊઠી ત્યારે જ વિલિયમનો મેસેજ આવી ગયો હતો. લોન્ગ વિકએન્ડ પરથી પરત આવ્યા પછી ઓફિસે જવામાં તેને જોર તો પડતું હતું. પરંતુ ઓફિસે પહોંચ્યા પછી રોજની આદત મુજબ ચાર-પાંચ ન્યૂઝપોર્ટલ ચેક કર્યા અને વિલિયમના આર્થર મૅક્લિન અને વિખ્યાત આર્થર પોઈન્ટ સાથેના કનેક્શન વિશે જાણ્યું ત્યારે એ આભી બની ગઈ હતી. મળ્યા પછી ક્યાંય સુધી તેણે વિલિયમને સવાલો કર્યા હતા.


‘યુ શૂડ જોઈન મીડિયા, વિસાકા...’ તેના હજુ ય ન અટકતા સવાલો માટે છેવટે જેમ્સે હસીને કહી દીધું હતું.
‘વિશાખા... વિ..શા..ખા...’ જેમ્સ સતત તેનું નામ ખોટી રીતે બોલતો હતો એ તેને ગમતું ન હતું.
‘યાહ, વિ..સા..કા...’ શી વાતે ય જેમ્સની જીભે ‘શ’ અને ‘ખ’નું સંયોજન ચડતું ન હતું, એથી વિશાખા વધુ અકળાતી હતી.

ડિનર પછી પણ વિશાખા મોડે સુધી એમની સાથે રોકાઈ હતી. બીજા દિવસે એ લોકોને પંચગની જવાનું હતું.સિડની પોઈન્ટ નજીક હોટેલ સી-રોકમાં તેમનું બુકિંગ હતું. પંચગનીમાં તો કોઈ વાંધો ન હતો, પરંતુ પછી એમને આર્થરના વખતની મૅક્લિન એસ્ટેટ શોધવાની હતી, અને એ સહ્યાદ્રીના વિકરાળ પહાડો વચ્ચે ચણોઠીનો દાણો શોધવા જેવું કઠિન હતું.‘અમરાળ, ખીણઘર, ગોડાવળી, તાઈઘાટ અને ધાંડેગઢ...’ જેમ્સે હાથમાં થમાવેલા નોબેલ રેકર્ડ ઓફિસના ડોક્યુમેન્ટ્સમાં અન્ડરલાઈન કરેલો હિસ્સો વિશાખાએ વાંચ્યો, ‘આ પાંચ ગામોની આસપાસ ક્યાંક આર્થરે મૅક્લિન એસ્ટેટ વસાવી હતી, પણ...’ એ જરાક અટકી, ‘આ તો બહુ જૂની વાત છે અને અત્યારે તો આમાંનું કશું નહિ હોય ત્યાં...’


‘યસ..’ ઈયાને ખુરશી સહેજ આગળ ખસેડી, ‘બસો-અઢીસો વર્ષ પછી એ ઈમારત આજે પણ હોય એ શક્યતા બહુ જ ઓછી છે...’
‘ના, એમ તો પંચગનીમાં અંગ્રેજોના જૂના બંગલાઓ તો ઘણાં છે...’
‘જો હોય તો કદાચ નામ અને તમામ રંગ-રૂપ બદલાયા હોય તેમ પણ બને’ ઈયાને પોતે કરેલી નોંધ ચેક કરવા માંડી, ‘ત્યાં પહોંચીને આપણે મૅક્લિન એસ્ટેટ શોધવા માટે ચોક્કસ સ્ટ્રેટેજી બનાવવી પડશે.’


જેમ્સ, વિલી અને વિશાખા તેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.‘આપણે બે દિશાએ પ્રયત્નો કરવા જોઈએ. એક તો ઓફિશિયલ રેકર્ડ મેળવવા માટે લોકલ એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કરીએ અને બીજો રૂરલ એરિયામાં રખડપટ્ટી કરીએ. પહેલો રસ્તો એકદમ પરફેક્ટ છે. જો રેકર્ડ પર હશે તો તરત મળી જશે. પરંતુ જો નહિ હોય તો ત્યાંથી વિશેષ કશી આશા રાખી શકાશે નહિ. બીજો રસ્તો બ્લાઈન્ડ ફાયર સમાન છે’


‘પણ સૌથી મોટી સમસ્યા ભાષાની થશે...’ વિશાખાએ કહ્યું, ‘પુણે સુધી બરાબર છે, પણ રૂરલ એરિયામાં અંગ્રેજી સમજનારા, બોલનારા બહુ જૂજ હશે અને તમારે ફરવાનું છે એ સઘળા વિસ્તારો સાવ આંતરિયાળ છે, જ્યાં જવા માટે રસ્તા ય ચોખ્ખા નહિ હોય..’વિશાખાના સવાલથી ત્રણેયે એકમેક સામે જોયું અને પછી વિલીએ જ પૂછી લીધું, ‘કેન યુ જોઈન અસ?’

*** *** ***

મોડેથી વિશાખા રવાના થઈ હતી. તેણે ઘણી ના પાડી છતાં વિલીએ તેને મૂકવા જવા અને સવારે પરત લેવા માટે હોટેલના હેલ્પ ડેસ્ક પરથી જ કેબની વ્યવસ્થા કરી આપી હતી. સવારે વહેલા ઊઠવાનું હતું એટલે ઈયાન અને જેમ્સ પણ તૈયારીઓ પર છેલ્લી નજર નાંખીને સૂવા જતા રહ્યા હતા.ભારત આવ્યા ત્યારથી વિલીને અજીબ રોમાંચ અનુભવાતો હતો. જિંદગીમાં કદી તેણે પોતાના નામ પાછળ લટકતી અટકને ગંભીરતાથી લીધી ન હતી, પણ છેલ્લાં કેટલાંક દિવસોના અણધાર્યા ઘટનાક્રમે તેની સમૂળી વિચારધારા બદલી નાંખી હતી. પોતે મુશ્કેલીમાં છે તો એથી કંઈ ડરી જવાની કે હામ હારી જવાની જરૂર નથી એવો અહેસાસ થયા પછી તે આફતનો સામનો કરવા અને તેનું નિરાકરણ શોધવા મક્કમ બન્યો હતો.


પરંતુ એકલો પડ્યો કે તરત તેને પેટમાં આંતરડા ખેંચાવાના શરૂ થઈ રહ્યા હતા. પંડિતજીએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે તને સપનું આવે છે, સપનામાં બિહામણા દૃષ્યો વચ્ચે કોઈ સ્ત્રી દેખાય છે તો તેનાંથી ડરવાની જરૂર નથી. એ તારી મા છે. તેનાંથી ભાગ નહિ, તેને બોલાવ... તેને સાંભળ... એ તને કંઈક કહેવા આવે છે. તેણે પડદા ખોલી નાંખ્યા, રૂમની લાઈટ બંધ કરી અને પથારીમાં લંબાવ્યું. હોટેલના ચોથા માળની બારીએ અડતી વૃક્ષોની ટોચ બંધ કાચની ભીતર ડોકિયા કરતી લહેરાઈ રહી હતી. બારી બહાર દેખાતા ઓળા તરફ અછડતી નજર નાંખીને આંખ મિંચવાનો પ્રયાસ કર્યો.


જેમ્સ સાથે એ ચર્ચમાં ગયો અને નાછૂટકે પ્રેયરમાં જોડાયો હતો ત્યારે ક્ષણાર્ધ માટે સપનાના દૃષ્યો ધોળા દિવસે ખુલ્લી આંખે દેખાઈ ગયા હતા. પણ એ વખતે બિહામણું વાતાવરણ તેને કંઈક નોંખું, થોડુંક સૌમ્ય લાગ્યું હતું. કદાચ ત્યારે એ મધર મેરીની પ્રાર્થના કરી રહ્યો હતો એટલે? આજે સાંજે પત્રકાર પરિષદમાં પણ એ જ્યારે માના સાદ વિશે કહી રહ્યો હતો ત્યારે એકાદ સેકન્ડ માટે સપનાનો ઝબકારો તેની આંખો સમક્ષ થઈ ગયો હતો. પંડિતજીએ કહ્યું હતું કે તારું અજાગૃત મન જ તને કંઈક સંકેત આપશે, પણ એ સંકેત કઈ રીતે ઓળખાશે?


વિચારમાં જ તેની આંખો ઘેરાવા લાગી. શ્વાસ જરાક લયબદ્ધ થયા અને નરમ પથારીમાં શરીર જરાક ઢીલું પડ્યું. મન શાંત થવાની અને ઊંઘનું ઘારણ વળવાની એ પૂર્વાવસ્થા હતી.


તેની આંખોના બિડાયેલા પોપચા તળે ધીમે ધીમે દૃષ્યોની હારમાળા આકાર લેવા લાગી હતી. પહેલાં તેને કાળાડિબાંગ, કરાલ અને બિહામણા પહાડો દેખાવા લાગ્યા. પહાડોની ધાર પર લટકતી હિંસક પ્રાણીની ત્રાડ સાથે એ પોતે અદૃષ્યપણે જાણે ખીણમાં પછડાતો હોય તેમ આંખ હેઠળના દૃષ્યો ફાસ્ટ ફોરવર્ડમાં બદલાવા લાગ્યા, નદીના પાણીમાં તીવ્ર છપાકો તેને સંભળાયો અને એ જ વખતે સાવ બાજુમાં જ જાણે જંગલી પ્રાણી ત્રાટક્યું હોય એવી કારમી ગર્જનાની સમાંતરે નદીના પાણી પરથી બેબાકળી ચીસ ઊઠતી સંભળાઈ... વિલી.... વિલીઈઈઈઈ...


ચીસની પાછળ પાછળ પાણી પર દોડતી કોઈકની પગલી તેને ભળાવા લાગી હતી. વેગીલા પવનમાં ઊડતા સફેદ વસ્ત્રોનો ફરફરાટ તેના કાન સુધી પહોંચતો હતો અને હવે એ પગલીઓએ પાણી પર આંકેલી કેડી પર આગળ દોડી જતી હતી એક સ્ત્રી...


કરડી ખવાયેલા ખભો, છૂંદાયેલા અડધા ચહેરામાંથી વછૂટતી લોહીની ધાર અને નદીના કાંઠે ડાબી તરફ જોઈને પારાવાર દર્દથી ફાટી ગયેલી આંખો... અચાનક તેણે ઝાડના ઠુંઠા જેવી સુક્કી ગરદન ઘુમાવી, તેના ચહેરાના હાવભાવ બદલાયા. કશુંક કહેવા તેણે મોં ખોલ્યું, પણ તૂટી ગયેલા જડબામાં દર્દનાક કડાકો બોલ્યો હોય તેમ તેનો ચહેરો ભયંકર રીતે વંકાયો, વિકૃત થયો, દર્દથી હબકી ગયેલી આંખે તેણે જોયું...


અને છળી ઊઠેલો વિલી પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો.


પોતે ભારતમાં છે, પુણેની હોટેલના કમરામાં છે એ સ્વસ્થતા આવી એટલે તેણે મન મક્કમ કરીને ફરીથી આંખો મીંચી. અગાઉ લંડનના સાઈકિયાટ્રિસ્ટે સૂચવ્યા પ્રમાણે ઊંઘ આવે એ માટે મનગમતા વિચારો શરૂ કર્યા. થોડીક વાર પછી જરાક આંખ ઘેરાઈ એટલે ફરી બંધ પાંપણોમાં દૃષ્યાવલિઓ રચાવા લાગી, પણ આ વખતે તેમાં સાતત્ય કે સ્પષ્ટતા વર્તાતી ન હતી.પહાડોમાંથી કોરાયેલી કાચી સડક જેવું કશુંક દેખાતું હતું અને લીલાંછમ ઘાસ પર કોઈના દબાયેલા પગલાં દોડી જતાં હોય એમ લાગતું હતું. સાવ ઝાંખા ધબ્બા જેવા આકારમાં ખીણની ધાર પર કશોક મકાન જેવો આભાસ વર્તાતો હતો. અને ફરીથી તેની આંખ ખુલી ગઈ.

*** *** ***

વહેલી સવારે વિશાખા પહોંચી ત્યારે આ ત્રણેય તૈયાર જ હતા. બ્રેકફાસ્ટ લઈને તરત તેઓ કેબમાં ગોઠવાયા. ડ્રાઈવરે અંગ્રેજી ટી જંક્શન પરથી જમણી તરફ મુખ્ય માર્ગ પર ગાડી લીધી એ જ વખતે ત્યાં ઊભેલા એક આદમીએ મોબાઈલ ફોન લગાવ્યો હતો. સામા છેડેથી હોંકારો આવ્યો એટલે તેણે સ્પષ્ટપણે સંભળાય એ રીતે એક એક અક્ષર છૂટો પાડીને કહેવા માંડ્યું, ‘એમ-એચ-12-સી-એક્સ-નાઈન-થ્રી-ફાઈવ-ફોર... પર્લ વ્હાઈટ ઈનોવા’મૈત્રી ઉદ્યાન પાસે એક પેટ્રોલ પંપ ખૂલ્લો હતો એટલે ડ્રાઈવરે ત્યાં જ ટાંકી ફૂલ કરાવી લીધી અને ચાફેકર માર્ગ પરથી હાઈ-વે તરફ વાળી.

‘લગભગ અઢી કલાકમાં આપણે પહોંચી જઈશું...’ જેમ્સે ઘડિયાળમાં જોઈને કહ્યું. મોડી રાતે ઝરમર વરસેલા વરસાદની ભીનાશ હજુ સડક પર વર્તાતી હતી. રાતભર જંપી ગયેલું પુણે ધીમે ધીમે આળસ મરડી રહ્યું હતું ત્યારે સડસડાટ દોડતી ઈનોવા હાઈ-વે પર પહોંચી ચૂકી હતી. આગળની સીટ પર બેઠેલો જેમ્સ ઝોકે ચડ્યો હતો. વચ્ચેની સીટ પર ઈયાન વિશાખાને પુણે વિશે પૂછપરછ કરી રહ્યો હતો અને વિલી હજુ ય રાત્રે જોયેલા સપનાના ભારથી તંગ મનોસ્થિતિમાં હતો.

કોઈનું ધ્યાન ન હતું અને ગઢાળી ગામના પાટિયા પાસેથી ઊભેલા એક આદમીએ દૂરથી જ ઈનોવા જોઈને બેય હાથ ઊંચા કર્યા. જાણે એ કશોક સંકેત હોય એમ એ જ વખતે રસ્તાની ધાર પર પાર્ક થયેલી આઈશરનું એન્જિન ઘરઘરાટી કરતું ચાલુ થયું અને ત્રણ આદમી સપાટાભેર તેમાં ગોઠવાયા.

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP