Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'લલકાર કર્યો જ છે તો હવે લડી લેવાનું છે, જે થશે એ જોયું જશે...'

  • પ્રકાશન તારીખ12 Aug 2018
  •  

પ્રકરણ - 30
પુણે પહોંચીને બપોરે ઘડીક આરામ કર્યા બાદ વિલીએ મોબાઈલ ઓન કર્યો. મુંબઈ લેન્ડ થયા પછી પુણે જતાં રસ્તામાં જ તેણે વિશાખાને મેસેજ કરી દીધો હતો. હવે નમતી બપોરે તેને ફોન કરી શકાશે એમ ધારીને તેણે ફોન સ્ટાર્ટ કર્યો અને પહેલો જ મેસેજ વિશાખાનો જોયો, 'વેલકમ ટુ ઈન્ડિયા સર વિલિયમ મૅક્લિન...'


અરે..! આ પણ સર કહી રહી છે? મતલબ...
તેનાં શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ અને ધ્રૂજતા હાથે તેણે વિશાખાએ મેસેજમાં મોકલેલી લિન્ક્સ ક્લિક કરી.
એ બંને લિન્ક્સ ભારતના કેટલાંક ન્યૂઝ પોર્ટલમાં લંડન ટાઈમ્સ, ડેઈલી મેઈલના હવાલાથી રજૂ થયેલા અહેવાલ સંબંધિત હતી. વિગતો એની એ જ હતી.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર રહી ચૂકેલા સર આર્થર મેલેટ મૅક્લિનનો વંશજ કંગાળ સ્થિતિમાં છે. તેની આગળની પેઢીના પૂર્વજો પણ આવી જ બદહાલીમાં અકાળે મોતને ભેટ્યા હતા. આર્થરની પત્ની અને નાના બાળકનું મહાબળેશ્વર ખાતે ભેખડ ધસી પડતાં ધસમસતી નદીમાં તણાઈ જવાથી મોત નિપજ્યું હતું. એ પિતૃ નડતર હોવાનું ધારીને વિલિયમ મૅક્લિન ભારત આવ્યો છે. બ્રિટિશ એમ્બેસીમાંથી મેળવેલી વિગતો મુજબ, મિ. મૅક્લિન પુણેથી મહાબળેશ્વર જશે અને પોતાના પૂર્વજ આર્થર મૅક્લિને એ જમાનામાં અહીં વસાવેલી એસ્ટેટનું પગેરું શોધવા પ્રયત્ન કરશે.


બંને અહેવાલ સડસડાટ વાંચી ગયા પછી વિલીના હૈયે ઘડીક તો કારમી શારડી ફરી ગઈ. તેની એક નાનકડી ભૂલે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે એ હવે તેને સમજાઈ રહ્યું હતું. ભલે તેનાંમાં કોઈને ઈન્ટરેસ્ટ કે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ હોવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો, પરંતુ લંડનની માફક અહીં ઈન્ડિયામાં પણ મીડિયા જો તેની પાછળ પડી જશે તો તેમનાંથી છાલ છોડાવવો મુશ્કેલ બની જશે.


અથવા તો પછી...
તે સફાળો ઊભો થઈ ગયો. તેના હોઠ દૃઢતાથી બિડાયા. એ જ મુદ્રામાં મુઠ્ઠીઓ ભીંસીને તેણે રૂમમાં જ ઘડીક આમ-તેમ આંટા માર્યા. ઘડીક ફોન હાથમાં લીધો, મૂકી દીધો. રૂમનાં ઈન્ટરકોમ તરફ ગયો અને પછી ત્યાં જ બેસી પડ્યો. તેનાં મનમાં કંઈક તીવ્ર વિચારણા ચાલી રહી હતી. થોડી વાર એમ જ ઈન્ટરકોમ પાસે બેઠેલો રહીને તે વિચારતો રહ્યો અને પછી ઊભો થઈ બાજુના રૂમમાં ગયો અને દરવાજો ખખડાવ્યો.


'પ્લિઝ જોઈન મી ઈન ઈયાન્સ રૂમ...'
થોડી વાર પછી ઈયાનના રૂમમાં એસીની આછી ઘરઘરાટી વચ્ચે તણાવની હવા ઘૂમરાઈ હતી. સોફા પર અધૂકડો બેઠેલો જેમ્સ ત્રાટક કરતો હોય તેમ ઈયાન તરફ તાકી રહ્યો હતો. ઈયાનના ચહેરા પર તંગદીલી હતી અને એ હવામાં તાકી રહ્યો હતો. વિલી એ બંનેની મુદ્રા વારાફરતી જોઈને કહી રહ્યો હતો,


'ઈટ્સ ધ ઓન્લી સોલ્યુશન, આઈ થિન્ક...'
બંનેએ પહેલાં વિલી તરફ જોયું, પછી એકબીજા તરફ જોયું અને પછી હકારમાં મૂંડી હલાવી.


'કન્ફર્મ?' વિલીએ ફરી વખત પૂછ્યું એટલે જેમ્સ સોફા પરથી ઊભો થયો. તેના ચહેરા પર ભારે ગંભીર ભાવ હતા. બારીનો પડદો ખોલીને તેણે બહાર લહેરાતાં લીલાંછમ વૃક્ષો પર નજર ફેરવી અને પછી ઘેઘૂર સાદે જવાબ આપ્યો, 'યાહ, ગો અહેડ... કમ વોટ મે...'
વિલીએ તરત ઈન્ટરકોમ ઊઠાવ્યું અને કહ્યું, 'આઈ વોન્ટ ટુ એડ્રેસ ધ પ્રેસ ટુડે, વિલ યુ પ્લિઝ એરેન્જ ઈટ?'
*** *** ***


પુણે પ્રેસ ક્લબના માધ્યમથી હોટલ શ્રેયસના ત્રીજા માળે લગભગ દરેક અગ્રણી માધ્યમોના પત્રકારો વચ્ચે માઈક સંભાળતી વખતે વિલીના હાથ ધ્રૂજી રહ્યા હતા. એ જોઈને જેમ્સ તેની બાજુમાં સરક્યો હતો.


'ઈટ્સ યોર થિયેટર ઓફ વોર, માય સન... એન્ડ ડોન્ટ ફરગેટ, યુ આર સન ઓફ મૅક્લિન્સ. આ એ ભૂમિ છે જ્યાં એક જમાનામાં આપણાં વડવા આર્થર મૅક્લિનના ઘોડાની તબડાટી હેઠળ ખુંદાતી જમીન પર યુનિયન જેક લહેરાતો જતો હતો. તું તો આ ભૂમિની પ્રાર્થના કરવા આવ્યો છે. લલકાર કર્યો જ છે તો હવે લડી જ લેવાનું છે, જે થશે એ જોયું જશે...' તેણે જોશપૂર્વક વિલીની પીઠ થપથપાવી હતી.


શરૂઆતમાં જ પત્રકારોએ ગોકીરો કરી મૂક્યો. દરેકની પાસે બ્રિટિશ માધ્યમોના અહેવાલ હતા, પરંતુ એ જ વિલિયમ મૅક્લિન પુણેમાં આવીને પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હોય તો પછી સ્કૂપ જેવું ક્યાં કંઈ રહ્યું?


'હા, હું જ સર આર્થર મેલેટ મૅક્લિનનો વારસ છું. જે સ્થળને તમે આટલાં વરસોથી આર્થર પોઈન્ટ તરીકે ઓળખો છો એ જગ્યા સાથે મારા પૂર્વજની સ્મૃતિ સંકળાયેલી છે.'
'ડેઈલી મેઈલનો રિપોર્ટ કહે છે કે...' એક પત્રકારે ઊભા થઈને સવાલ કર્યો, 'તમારી દરેક પેઢી બહુ નાની ઉંમરે બરબાદ થતી રહી છે, બેહાલ થઈને અકાળે મોતને ભેટી રહી છે...'


'યાહ, ઈટ મે બી અ કો-ઈન્સિડન્સ, બટ ઈટ્સ ટ્રુ...' વિલીએ બહુ જ મક્કમતાથી કહ્યું એટલે હોલમાં ઘડીક ખળભળાટ મચી ગયો.
'તમારું એજ્યુકેશન કહેશો?'
'આઈ એમ સોફ્ટવેઅર પ્રોફેશનલ...' વિલીને આ સવાલ પાછળનો હેતુ સમજાયો ન હતો.


'તો પણ તમે આવી અંધશ્રદ્ધામાં માનો છો અને તેનાંથી દોરવાઈને છેક બ્રિટનથી ઈન્ડિયા સુધી દોરવાયા છો?'
'ઈઝન્ટ ઈટ બેટર' વિલીએ હસતા ચહેરે તરત જવાબ વાળ્યો એટલે પત્રકારો ઘડીક ગોટે ચડી ગયા, 'અમારા બ્રિટિશ પૂર્વજો અગાઉ વેપારના આશયથી અને પછી રાજ કરવાના સપનાથી દોરવાયા અહીં આવ્યા હતા. તેમની સરખામણીએ હું તો મારા વડીલોની કર્મભૂમિને વંદન કરવાના આશયથી આવ્યો છું. તમે મારું સ્વાગત નહિ કરો?'


'અહીં આવીને તમે શું કરવા ધારો છો? પિતૃદોષ નિવારણ કરશો?'
'એવા કોઈ દોષની તો મને નથી ખબર, પણ અહીં હું મારા પૂર્વજ સર આર્થર મેલેટ મૅક્લિન સાથે સંકળાયેલ દરેક સ્થળોની મુલાકાત લેવા ધારું છું. જે સ્થળે સર આર્થરનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો ત્યાં પણ જઈશ અને મારા પરિવારના દિવંગતો માટે પ્રાર્થના કરીશ.'


'તમને કોઈ ભેદી, ડરામણું સપનું પજવે છે અને તેના નિરાકરણ માટે તમે અહીં આવ્યા છો...'
આ સવાલ ભારે અણિયાળો હતો. ઘડીક ઈયાનની હથેળીમાં પરસેવો વળી ગયો. તેને તંગ થતો જોઈને જેમ્સે તેનો હાથ ભીંસી દીધો.
'હા...' વિલિયમ તદ્દન સ્વસ્થતાથી જવાબ આપી રહ્યો હતો, 'સપનું તો ચોક્કસ આવે છે, પણ એ ડરામણું નથી.'


'પણ એ અંધશ્રદ્ધા તો કહેવાય જ ને?'
જવાબમાં વિલી જરાક હસ્યો, પછી તેણે પ્રશ્ન પૂછનાર પત્રકારની સામે આંગળી ચિંધી, 'તમારા મધર ક્યાં રહે છે?'
'મારે ગામ... ચીંચવાડ'


'એ તમને ફોન કરીને કહે કે મારી તબિયત ખરાબ છે અને તું મને મળવા આવ.. તો તમે શું કરો?'
'અફકોર્સ, હું તરત મારે ગામ જાઉં...'


'બસ, બિલકુલ એમ જ મને ય મારી મા બોલાવે છે. એક મા પોતાના દીકરાને સાદ કરે એ સપનું ડરામણું કહેવાય? એને અંધશ્રદ્ધા કહેવાય? એક દીકરો માના સાદથી દોરવાઈને હજારો કિલોમીટર દૂર અજાણી જગ્યા ખૂંદવા તૈયાર થઈ જાય તેને તમે ભારતીયો અંધશ્રદ્ધા કહેશો કે માતૃપ્રેમ?'


જેમ્સે ધ્યાનથી દરેકના ચહેરા ચકાસ્યા. ઈમોશનલ ટચ આપીને વિલી બહુ જ સરસ રીતે સૌના મનમાં સહાનુભૂતિ ખડી કરી રહ્યો હતો.
પોતે વિલીના છટકામાં આવી ગયો છે એવું પારખી ગયેલો પત્રકાર હવે સાથીઓ સમક્ષ છોભીલો પડી રહ્યો હતો, 'મારી મા તો જીવિત છે, જ્યારે તમારી મા બસ્સો-અઢીસો વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી'


'જીવિત કે મૃત, મા તો મા જ હોય છે... આજે, કાલે, હંમેશા...'
તદ્દન અનાયાસે એ વખતે ક્ષણભર માટે તેની આંખ મિંચાઈ ગઈ. બંધ આંખોની ભીતર લીલછમ હરિયાળી વચ્ચેથી વહેતી નદીના ધસમસતાં પાણી પર પગલાની છાપ ઉપસી રહી હોવાનો તેને ભાસ થયો અને તેણે તરત છળીને આંખો ખોલી નાંખી....


એ વખતે, તેણે જે ભાવસભર રીતે કહ્યું એથી પ્રભાવિત થયેલા કેટલાંક પત્રકારો તાળીઓ પાડી ઊઠ્યા હતા.
'પણ અમારા માટે તો આર્થર એક આક્રમક વિદેશી હતો...' વચ્ચેની હારમાં બેઠેલા એક પત્રકારે વિષયાંતર કર્યું એથી જેમ્સ અને ઈયાનને હાશ થઈ.


'પણ હું નથી...' વિલીએ એ પત્રકારની આંખમાં આંખ પરોવીને સ્મિત વેર્યું, 'આર્થર તમારા માટે આક્રમક વિદેશી છે પણ મારો તો પૂર્વજ છે. એ આક્રમક હતો, પણ એ વાત તો બસ્સો-અઢીસો વર્ષ પહેલાંની છે. હું તો ભારતની ભૂમિના ચાહક તરીકે, પ્રશંસક તરીકે આવ્યો છે. ધેટ વોઝ ડિફરન્ટ ટાઈમ, બટ નાવ વી આર લિવિંગ ઈન સિવિલાઈઝ્ડ એન્ડ મોડર્ન એજ. આઈ રિસ્પેક્ટ યુ, યોર કન્ટ્રી એન્ડ યોર ટ્રેડિશન... આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ હેલ્પ મી... સમયના ખંડેરમાં ખોવાયેલી પૂર્વજોના પગલાંની છાપ શોધવા અને એ મળે તો તેને વંદન કરવા હું આવ્યો છું અને તમારી મદદ મારે જોઈએ છે... મને મદદ કરશો ને?'


ભાવવિભોર અવાજ, આંખોમાં નરી બેબસી અને ચહેરા પર વિનવણી... સાચે જ ભાવુક થઈ ગયેલા વિલિયમ મૅક્લિને એ ક્ષણે પત્રકાર પરિષદ જીતી લીધી હતી.
છેવટે ચા-નાસ્તા વખતે તેને ઘેરી વળેલા પત્રકારોએ બહુ હળવાશથી તેની સાથે વાતો કરી. વિલીએ એટલી જ નિખાલસતાથી તેમને જવાબો આપ્યા. બ્રિટિશ માધ્યમોએ જે પ્રકારે વિષયાંતર કરીને ગોકિરો મચાવ્યો હતો એ અહીં વિલી આસાનીથી ટાળી શક્યો હતો.


એક પછી એક પત્રકારો પીછો કરતા રહે, તેના વિશે અવળાં-સવળાં અહેવાલો પ્રગટ કરતા રહે, એ બોલે તોય તકલીફ અને ચૂપ રહે તો વધુ તકલીફ એવી કફોડી સ્થિતિ નિવારવા સામેથી જ પત્રકારોને મળી લેવાનો તેનો નિર્ણય એકદમ સાચો ઠર્યો હતો.
- અથવા તો એ ઘડી પૂરતું તેને એવું લાગતું હતું.
*** *** ***


પત્રકારોનો જમેલો હજુ વિદાય લઈ રહ્યો હતો ત્યારે એક છોકરી હોલમાં પ્રવેશી.
સહેજ સાંવરો અને નમણો ચહેરો, હાઈટ સરેરાશ અથવા એથી ય થોડીક ઓછી, આઈ લાઈનર ખેંચીને વધુ મારકણી કરેલી મોટી કાળી આંખો, જોનારની આંખ ત્યાં જ થીજી જાય એવો બેહદ ઘાટીલો બાંધો અને ચાલમાં વર્તાતો આત્મવિશ્વાસ...


એક નજરે તેણે હોલની દિવાલો વચ્ચે દેખાતાં છૂટાછવાયા દૃષ્યોને આવરી લીધા. સામે ડાયસ પાસે બે પ્રૌઢ ધોળિયા બેઠા હતા. એક સહેજ ગોળમટોળ હતો અને બીજો લશ્કરની પરેડમાંથી સીધો જ આવ્યો હોય તેમ ટટ્ટાર સીનો તાણીને બેઠો હતો. પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગયાની ગવાહી પૂરતી વેરવિખેર ખુરશીઓ આમતેમ પડી હતી. ત્યાં ઊભેલાં કેટલાંક પત્રકારો ટોળું વળીને પગથિયા તરફ આગળ વધી રહ્યાં હતાં. બાજુના નાનકડા રૂમમાંથી બહાર નીકળતાં પત્રકારો રૂમાલથી મોં લૂછી રહ્યાં હતાં અને એક ફૂટડો અંગ્રેજ લાલઘૂમ ચહેરે હોંશભેર સૌની સાથે હાથ મિલાવી રહ્યો હતો.


ઓલિવ ગ્રીન રંગનું સાદું ટી શર્ટ, બ્લુ ડેનિમ, વ્હાઈટ સ્પોર્ટ્સ શૂઝ. હાઈટ ખાસ્સી સાડા છ ફૂટ જેટલી. ચહેરો સપ્રમાણ, આંખો સહેજ ઝીણી, સોનેરી ઝાંય ધરાવતા અવ્યવસ્થિત વાળ...
'એ જ છે... વિલિયમ મૅક્લિન...' વ્હોટ્સએપ ડીપીમાં દેખાતો ચહેરો મનોમન તેણે યાદ કરી લીધેલો. એક સમયે જે માણસ સાથે તેને ખાસ્સું એવું પ્રોફેશનલ કમ્યુનિકેશન રહ્યું હતું તેને પહેલી જ વાર મળતી વખતે પણ તેને કોઈ છોછ ન હતો.
એ સ્મિતભેર આગળ વધી.
*** *** ***


વિશાખા વિલીને ઉત્સાહપૂર્વક મળી રહી હતી અને વિલી તેની ઓળખાણ જેમ્સ તેમજ ઈયાન સાથે કરાવી રહ્યો હતો એ જ વખતે...


શ્રેયસ હોટલ તરફ જતો રસ્તો મુખ્ય સડક સાથે જ્યાં જોડાતો હતો એ અંગ્રેજી T આકારના જંક્શન પાસે એક ગાડી ઊભી રહી અને ત્યાં રાહ જોઈને ઊભેલા બે આદમીઓ તેમાં ગોઠવાયા.
'માલા આજુનં હી વિશ્વાસ બસત નાહિ' (મને ખરેખર હજુ ય માનવામાં નથી આવતું...) એ પૈકીનો એક આદમી રૂમાલ વડે ભાર દઈને ચહેરો લૂંછતા બોલી રહ્યો હતો.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP