Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'મારામાં ઈન્ટરેસ્ટ જ કોઈને નથી, તો પછી વેસ્ટેડ ઈન્ટરેસ્ટ તો કોને હોય?'

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

પ્રકરણ - 29

જુડીનો ફોન આવ્યો એ જ વખતે તેને વિશાખાનો મેસેજ મળ્યો હતો. ઈન્ડિયામાં અછડતા પરિચયવાળા જે ચાર-પાંચ લોકો હતા એ દરેકને તેણે મેસેજ કર્યો હતો. એક-બે મેસેજ ડિલિવર જ થયા ન હતા અને બીજાએ જોયો જ ન હતો. માત્ર એક જ જવાબ આવ્યો હતો અને એ વિશાખાનો હતો.


એ હજુ ય પૂણેમાં જ હતી અને એ જ કંપનીમાં કામ કરી રહી હતી. તેનું વતન પણ મહાબળેશ્વરથી નજીક છે એવું તેણે કહ્યું હતું અને પુણેમાં જો વિલીને સમય હોય તો એ ચોક્કસ મળશે, મહાબળેશ્વર જવા માટે પણ ગાઈડ કરી શકશે એવી હોંશ તેણે બતાવી હતી.


'રિઅલી અ નાઈસ ગર્લ...' તેના પ્રોફાઈલ ફોટોને જોઈને વિલીએ સ્મિત વેરી દીધું. ખાસ કોઈ ઓળખાણ વગર એ છોકરીએ રિસ્પોન્સ આપ્યો અને મદદ કરવાની તૈયારી પણ દર્શાવી એથી વિલીને ખુશી થતી હતી. તેણે વિશાખાને જવાબ આપ્યો અને પોતે પુણેમાં ક્યાં હશે એ બુકિંગ વગેરે કન્ફર્મ થયા પછી જાણ કરશે એમ લખ્યું.


સવારના છાપાએ છબરડો વાળ્યો એથી ઘડીક ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે વિલીને આ બંનેની ચિંતા સમજાતી ન હતી.
'ઈટ વોઝ નોટ માય ફોલ્ટ...' એ મક્કમતાથી દલીલો કરી રહ્યો હતો, 'એમાં મને શું ફરક પડી જવાનો હતો? મારી પાસે ક્યાં કંઈ એવું છે જ કે મને નુકસાન થાય?'


'પણ નુકસાન હંમેશા આર્થિક જ હોય એ જરૂરી નથી ને?' વિલી આમ છાપે ચડ્યો એ જેમ્સને સહેજે ય નહોતું ગમ્યું, 'મીડિયામાં એક્સ્પોઝ થવાથી વેસ્ટેડ ઈન્ટરેસ્ટ પણ એક્ટિવેટ થઈ શકે છે...'
'મારામાં ઈન્ટરેસ્ટ હોય એવાં લોકો જ કોઈ નથી, તો પછી વેસ્ટેડ ઈન્ટરેસ્ટ તો કોને હોય?'


એ જોકે જેમ્સ પણ સમજાવી શકે તેમ ન હતો, પણ એમ છતાં તેને ઊંડે ઊંડે અંદેશો થયા કરતો હતો. નાહકની આ પ્રસિદ્ધિ થવા જેવી ન હતી એવું તેને દૃઢપણે લાગતું હતું. તેના હાવભાવ પામીને વિલીએ ફરીથી કહ્યું,
'આપણે તો આજે જ નીકળી રહ્યા છીએ એટલે ક્યાં કશી ચિંતા છે? ભલે એક છાપામાં આવ્યું...'


જેમ્સે સમર્થનની આશાએ ઈયાન તરફ જોયું.


'મારી ચિંતા તો અત્યારે એરપોર્ટ પહોંચવા તરફ જ છે... એ સિવાયનું જોયું જશે...' ઈયાન મોબાઈલ, નોટપેડ, કમ્પ્યૂટર એમ એકસાથે ત્રણ ચાર મોરચા ખોલીને પ્લાનિંગમાં તેમજ બ્રિટિશ એમ્બેસી સાથે કમ્યુનિકેશનમાં વ્યસ્ત હતો.


ત્રણેયે ફટાફટ કામ વહેંચી દીધા. હજુ પૂરતો સમય હતો. આવશ્યક ચીજોનાં લિસ્ટ મુજબની ખરીદી માટે જેમ્સે બહાર જવાનું હતું. ઈયાને પ્લાનિંગ, કમ્યુનિકેશન કરવાના હતા અને વિલીએ ભૂલથી ય આજે બહાર નીકળવાનું ન હતું.
*** *** ***


ઈયાને રિસ્ટ વોચ લંડનના સમય મુજબની રાખીને મોબાઈલની ઘડિયાલ ઈન્ડિયન ટાઈમ મુજબ સેટ કરી. તેમની ફ્લાઈટ વહેલી સવારે પાંચ વાગ્યે મુંબઈ લેન્ડ થવાની હતી. તેણે નેટ પરથી ઓપ્શન્સ ચેક કરીને એરપોર્ટથી પુણે સુધી કેબ બૂક કરાવી. પુણેના નકશા મુજબ ડેક્કન જીમખાના વિસ્તાર તેને મહાબળેશ્વર અને મુંબઈની કનેક્ટિવિટી માટે યોગ્ય લાગ્યો. એટલે એ વિસ્તારની હોટેલ્સ, એમ્નિટિઝ, રેટિંગ ચેક કરીને આખરે તેણે હોટેલ શ્રેયસમાં બુકિંગ કરાવ્યું.


દરેક વિગત વ્યવસ્થિત નોંધીને પછી સેફ્ટી ઓપિનિયન માટે બ્રિટિશ એમ્બેસીને મેઈલ કર્યો. થોડી જ વારમાં બ્રિટિશ એમ્બેસીએ ઓલરાઈટનો જવાબ આપી દીધો એટલે તેને હાશ વળી. હવે બસ, શાંતિથી દિવસ પસાર થઈ જાય એટલે રાહત.


પણ એમ જંપીને બેસે તો પત્રકારો શાનાં?
જેમ જેમ સુરજ ઊગતો ગયો એમ એમ વિલિયમના મોબાઈલ પર ફોન આવવાનું પ્રમાણ વધવા લાગ્યું. ફલાણું અખબાર, ઢીંકણું મેગેઝિન, વેબપોર્ટલ, ચેનલ... એ જવાબ આપી આપીને કંટાળ્યો. કેટલાંક પર ગુસ્સે ય થઈ ગયો, છેવટે કંટાળીને તેણે મોબાઈલ જ સ્વિચ્ડ ઓફ કરી દીધો.


પેલી છોકરીની વાતમાં આવીને તેણે કારણ વગરની ઉપાધિ વ્હોરી લીધી હતી. મનોમન ધૂંધવાઈને એ છોકરીને ગાળો દેતાં દેતાં તેણે ફરી અખબારના પાના પર નજર ફેરવી.


'ગજબ ઉસ્તાદ છે આ લોકો તો...' જેટલી વાર તેણે અહેવાલ તરફ આંખ માંડી એ દરેક વખતે તેના મોંમાંથી ડચકારો નીકળી જતો હતો. પોતે એ છોકરી સાથે ફક્ત ફોન પર જ વાત કરી હતી તેમ છતાં ય અહેવાલમાં તેના ચાર-પાંચ ફોટા મૂકાઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર અપલોડ કરેલા ફોટા વ્યવસ્થિત રીતે ફેંદીને તેમણે ખાસ એવા પોઝ પસંદ કર્યા હતા જેમાં વિલિયમ મૅક્લિનની એક શાહી વારસ તરીકેની છબી ઉપસે.


'માય ફૂટ...' એને અકળામણ થઈ આવતી હતી, 'હું પોતે જ જાણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ગવર્નર હોઉં એવી છાપ આ જૂના ફોટાઓથી ઉપસાવે છે અને પછી એવું લખે છે જાણે હું કંગાળ થઈને બિગ બેન ટાવરની નીચે ભીખ માંગતો હોઉં...'


ઠીક છે, એ છોકરી નોબેલ રેકર્ડ ઓફિસમાં કરેલી એપ્લિકેશન પકડી લાવી હતી એટલે તેણે એ કબૂલી લીધું, પણ પછી તેની વાતોમાં આવીને તેણે પરિવારની બદહાલી અને ડરામણા સ્વપ્નની વાત કરવા જેવી ન હતી. તેને લીધે જ હવે બીજા સૌને રસ પડી રહ્યો હતો.


તેણે માથું ધૂણાવી દીધું, પરંતુ હવે તેમાં કશો ફરક પડે તેમ ન હતો.
જોકે અત્યારે તે જવાબ ન આપે તો પત્રકારો પોતાની જાતે શું-શું કરી શકે તેમ હતાં એ તેને આ એક અહેવાલ પરથી સમજી શકાતું હતું. હવે તેઓ તેના જૂના ઠેકાણાં શોધશે, નોકરીના સ્થળોએ ય જઈ ચડશે. જૂના સાથીદારો પાસેથી કંઈક કઢાવશે અને ગમે તેમ કરીને વાતનું વતેસર કરશે.


સ્વભાવગત નબળાઈથી તેને ફફડાટ થઈ આવ્યો. હવે જલ્દી ઈન્ડિયા જવા માટે નીકળી જવાય તો સારું.. મનોમન બબડીને તેનાંથી અનાયાસે જ ઘડિયાળમાં જોવાઈ ગયું.
'સર વિલિયમ મૅક્લિન...' રૂમમાં પ્રવેશી રહેલાં ઈયાનના ચહેરા પર તોફાની સ્મિત હતું, 'તું તો સેલિબ્રિટી થઈ ગયો...'
વળી નવું શું થયું? વિલીએ થડકા સાથે તેની સામે જોયું.


'મોટાભાગની ચેનલ્સ અત્યારે તારી સ્ટોરી પબ્લિશ કરી રહી છે'
'ઓહ માય ગોડ...' તેણે ડરના માર્યા આંખો મીંચી દીધી. એક છોકરીને સહજ ભાવે કીધેલી વાત ફરતી ફરતી કેટલી હદે વિકૃત થઈ રહી હતી! કેટલીક ચેનલ્સ તેના જૂના રહેઠાણોએ પહોંચીને ત્યાંના ફૂટેજ દર્શાવી રહી હતી, તો કેટલીક વળી તેના જૂના સાથીદારોની બાઈટ્સ લઈ રહી હતી.


'અ કૂલ ગાય, બટ અલ્ટિમેટલી હી વોઝ અ લૂઝર...' તેની જૂની ઓફિસની એક છોકરી કહી રહી હતી.
'પણ ત્યારે તને ખબર હતી કે એ સર આર્થર મૅક્લિનનો વંશજ છે?'


'નોઓઓઓ...' તેણે ગળું ફૂલાવીને નનૈયો ભણ્યો.
'તો શું હવે તું તેની ગર્લફ્રેન્ડ બનવાનું પસંદ કરીશ?' રિપોર્ટર છોકરી મર્માળું સ્મિત વેરીને બેશરમીથી પૂછી રહી હતી.


'એ જ્યોર્જ પંચમનો વારસદાર હોય તો પણ નહિ...' સામે પેલી ય જાણે આજે જ કંકોત્રી લખાવાની હોય એવી ગંભીરતાથી જવાબ વાળતી હતી.
'બટ વ્હાય? પરહેપ્સ હી કેન અર્ન બિગ ટ્રેઝર ઓફ હીઝ એન્સેસ્ટર ફ્રોમ ઈન્ડિયા'


'હુ કેઅર્સ ઓફ ટ્રેઝર? આઈ નીડ અ મેન...' પેલી બાવડા ફૂલાવવાનો ડોળ કરીને કહી રહી હતી, 'અને મેં સાંભળ્યું છે કે એ તો નામર્દ હતો...'
પહેલાં આંખો અને હવે કાન સુદ્ધાં બંધ કર્યા વગર વિલીને આરો ન હતો. સરેઆમ તેનાં ધજ્જિયા ઊડી રહ્યા હતા. મૂળ વાત શું હતી અને આ મીડિયાવાળા ક્યાંના ક્યાં વાતને ખેંચી રહ્યા હતા!
*** *** ***


'આપણે પાછા ય આવવાનું છે કે ઈન્ડિયામાં જ સેટલ થઈ જવાનું છે?' ઈયાને આપેલ લિસ્ટ મુજબની ખરીદી કરીને પરત આવેલા જેમ્સે આવતાંની સાથે જ બળાપો કાઢ્યો હતો, 'આટલો બધો તે કંઈ સામાન હોય? હું તો એક જોડી કપડાં અને ચેસ્ટ બેલ્ટમાં ગન બાંધું એટલે આખી દુનિયા ધમરોળી આવું. તેં તો જો કેટકેટલું મંગાવ્યું છે!!'


પ્લાનિંગમાં પાવરધા ઈયાને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઝીણી ઝીણી આવશ્યકતાઓની કાળજી લીધી હતી. ઈન્ડિયામાં અત્યારે ચોમાસું હશે. પુણે, મહાબળેશ્વર વિસ્તારમાં વધુ વરસાદ પડે છે એ ચેક કર્યા પછી ઈયાને કપડાં, શૂઝ, રેઈનકોટ, છત્રી અને પ્લાસ્ટિક રેપ સહિતની ચીજો મંગાવી હતી. એનાલ્જેસિક, સિડેટિવ્ઝ, એન્ટેસિડ, ડોમ્પેરિડોન પ્રકારની પ્રાથમિક દવાઓ ય મંગાવી લીધી હતી.
ઈન્ડિયામાં મૅક્લિન એસ્ટેટ ક્યાં છે એ શી વાતે ય તેને નેટ પરથી મળતું ન હતું. રેકર્ડ ઓફિસ મુજબ એ પંચગની આસપાસ ક્યાંક આવેલી હતી. આજે કદાચ ખંડેર હોય અથવા તો ખંડેર સુદ્ધાં ન હોય તેમ બને. અથવા તો આજે એ સ્થળ વળી કોઈ બીજા જ નામે ઓળખાતું હોય.


મહાબળેશ્વર પહોંચ્યા પછીની એ રઝળપાટ કદાચ અનિશ્ચિત બનવાની હતી. એટલે તેણે બે મોટા ટેન્ટ, પાવરફૂલ ટોર્ચ, વધારાના સેલ્સ, દોરડા પણ મંગાવ્યા હતા.


સામાન બેશક ઝાઝો હતો, પણ જેમ્સને ખરી વાર ખુદની જીદના કારણે લાગી હતી. પોતે ગન સાથે રાખી શકે એ માટે જેમ્સનો આગ્રહ હઠાગ્રહની કક્ષાએ હતો. ઈયાને તેને ઘણું સમજાવ્યો હતો. આપણી પાસે સ્પેનિશ નાઈફ હશે. એ સિવાયની ચીજો આપણે ત્યાં જઈને મેળવી શકશું એવી દરેક સમજાવટ છતાં જેમ્સ માન્યો ન હતો.


'આઈ વિલ હેવ માય વેપન ઓન્લી...' તે વાતવાતમાં મર્ડોક ગનને પંપાળ્યા કરતો હતો, જાણે તેમાંથી મધ્યયુગના મૅક્લિન લડવૈયાઓનો જીન પ્રગટવાનો હોય.


તેણે ઓનલાઈન લાયસન્સ કોપી સહિતના પોતાના ડોક્યુમેન્ટ્સ એકઠા કરી લીધા હતા. એર લાઈન્સમાં ફોન કરીને મળેલી સુચના મુજબ ડોક્યુમેન્ટ્સ અને 50 કારતૂસોનું પેકિંગ તૈયાર કરાવ્યું હતું.
એ બધો સામાન ગોઠવીને આખરે તેમણે છેલ્લી નજર નાંખી ત્યારે રાત ઢળવા આવી હતી. વિલીને નમતી સાંજથી જ પેટમાં ગોટા વળવાના શરૂ થઈ ગયા હતા અને ડોળા ચકળવકળ થવા માંડ્યા હતા. ગઈ આખી રાત પણ તે સરખું ઊંઘી શક્યો ન હતો.


એરપોર્ટ પર પહોંચીને તેમણે સિક્યુરિટી ચેક-ઈન કર્યું. લગેજ સ્કેન કરાવ્યો અને બોર્ડિંગ પાસ મેળવ્યો ત્યારે તેઓ ફ્લાઈટ ટાઈમ કરતાં પોણા કલાક જેટલાં વહેલા હતા. વેઈટિંગ લાઉન્જમાં બેઠક જમાવીને જેમ્સ ત્રણેય માટે કોફી લેતો આવ્યો. વિલીએ અનિચ્છાએ કોફીનો કપ હાથમાં લીધો.


તેની સામેની ચેર પર બેઠેલાં ત્રણ-ચાર લોકો ધારી ધારીને તેને જોઈ રહ્યા હતા એ તેને અજૂગતું તો લાગતું હતું. આખરે એ પૈકીનો એક માણસ હિંમત કરીને તેની પાસે આવ્યો અને સ્મિત વેરીને પૂછ્યું, 'આઈ એમ સોરી ટૂ ડિસ્ટર્બ, બટ યુ આર મિ. વિલિયમ મૅક્લિન, રાઈટ?'


વિલી તો ઠીક, જેમ્સ અને ઈયાન પણ તેને તાજુબીથી જોઈ રહ્યા એટલે એ અજાણ્યા આદમીએ સામેની દિવાલ પર લટકતા ટીવી સ્ક્રિન તરફ આંગળી ચિંધીને ફોડ પાડ્યો, 'થોડી વાર પહેલાં જ ચેનલ પર તમારી સ્ટોરી આવતી હતી...'


'ઓહ શટ અપ પ્લિઝ...' હવે જેમ્સ બરાબર ગિન્નાયો હતો. તેણે એ આદમીને બળપૂર્વક દૂર હડસેલી દીધો અને તરત તેમણે બેઠક બદલી નાંખી.


ત્યાં તો બેઠક બદલી, પણ ફ્લાઈટમાં શું કરવાનું? ફ્લાઈટમાં ગોઠવાયા પછી પણ આસપાસની સીટમાંથી કેટલાંક લોકો ઊંચા થઈને તેને જોઈ રહ્યા હતા. અંદર અંદર થોડી ઘુસપુસ પણ થઈ રહી હતી. આખરે અહીં ય એક જણ બોલી ઊઠ્યો, 'તમારી સ્ટોરી અમે જોઈ હતી... રિઅલી અ વેરી સ્ટ્રેન્જ...'


ત્રાસી ગયેલા વિલીએ ઘડિયાળમાં જોઈ લીધું, 'હવે વહેલી તકે ઈન્ડિયા આવે તો સારું...' એ મનોમન બબડ્યો એ સાથે ફ્લાઈટે ટેક ઓફ કર્યું.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP