Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

વિલીએ એ વખતે હા પાડીને બહુ મોટી ભૂલ કરી નાંખી

  • પ્રકાશન તારીખ09 Aug 2018
  •  

પ્રકરણ - 27

એ આખી રાત ત્રણમાંથી કોઈ ઊંઘી શક્યા નહિ. વિલીએ ભારત જવું જોઈએ એ વિશે હવે કોઈને કશી શંકા રહી ન હતી. રાત્રે ઈયાનના ઘરે પહોંચીને ત્રણેયે પહેલાં તો ક્યાંય સુધી પંડિતજીની વાતો પર જ ચર્ચા કરી. સપનામાં આવતી સ્ત્રી જો ઈરમા જ છે તો તેની કઈ અતૃપ્ત ઈચ્છા હોઈ શકે એ વિશે પણ તેમણે ચર્ચાઓ કરી. ભારત જેવા તદ્દન અજાણ્યા દેશમાં જવા માટે શું શું તકલીફો પડશે, કેટલું રોકાવું પડશે, કેવી વ્યવસ્થાઓ જોઈશે તેની ય ચર્ચાઓ થઈ.


છેવટે જેમ્સ અને ઈયાને ખર્ચનો અડસટ્ટો માંડ્યો. પંડિતજીની વાતો સાંભળ્યા પછી ભાવવિભોર થઈ ગયેલો જેમ્સ તમામ ખર્ચ ઊઠાવવા તૈયાર હતો. હું ભલે સીધી લીટીનો વારસદાર નથી, પરંતુ ઈરમા અને આર્થર મારા ય પૂર્વજ તો છે જ. તેમની મુક્તિ માટે મારી પણ ફરજ બને છે એવી જેમ્સની દલીલ વિલીને પણ સ્પર્શી ગઈ હતી.


શક્ય એટલાં વહેલાં નીકળી શકાય એ માટે તેમણે તૈયારીઓ કરવાની હતી. ત્રણેયે પહેલાં તો આવશ્યકતાઓનું લિસ્ટ બનાવ્યું અને પછી કામની વહેંચણી કરવા માંડી. જેમ્સ અને વિલીની સાથે ઈયાન પણ ઈન્ડિયા આવવા તૈયાર થઈ ગયો હતો.


'મારે તો પંડિતજીને મળવા માટે ઈન્ડિયા આવવું છે' એવું તેણે કારણ દર્શાવ્યું હતું, પણ ખરેખર તો એ જેમ્સ-વિલીને એકલા છોડવા માંગતો ન હતો. એથી ય વધુ તો, તેને પારાવાર અપરાધભાવ થતો હતો. ડગ્લાસે તેને સપનાનો ભય કહ્યો હતો, પોતે લાંબી મુસાફરીએ જવા ઈચ્છે છે એ પણ કહ્યું હતું. પરંતુ ઈયાને એ વખતે તેને એવો તોડી પાડ્યો હતો કે તે બિચારો મોકળાશથી પોતાની મુશ્કેલી કહી શક્યો નહિ. કદાચ તેણે એ વખતે જો ગંભીરતા દાખવી હોત તો શક્ય છે કે...


તેને સતત ડગ્લાસનો એ દયામણો, છળી ઊઠેલો, લાચાર, વિવશ અને બેબાકળો ચહેરો યાદ આવ્યા કરતો હતો.
'ના, આ અપરાધભાવનો બોજ આખી જિંદગી નથી વેંઢારવો. હવે હું કોઈ કસર નહિ રહેવા દઉં...'
ક્ષેમપાલથી છૂટા પડ્યા પછી તરત ઈયાને મનોમન નિર્ણય લઈ લીધો હતો.
*** *** ***


વિલી બહુ જ વિચિત્ર ભાવ અનુભવી રહ્યો હતો. પંડિતજીની વાતોએ તેને રીતસર સ્તબ્ધ કરી દીધો હતો. હવે ઈન્ડિયા જવું જ જોઈએ એ વિશે તો તેણે એ ક્ષણે જ નિર્ણય લઈ લીધો હતો.


બટ ઈન્ડિયા ઈઝ અ લાર્જ કન્ટ્રી... તેણે તરત મહાબળેશ્વર, મુંબઈ, સાવિત્રી નદી, મૅક્લિન એસ્ટેટ વિશે સર્ચ કરવા માંડ્યું. ભારતમાં મૅક્લિન એસ્ટેટ હોવા વિશે તેને કશી વિગતો મળતી ન હતી અને એ સિવાય વિગતોની એટલી ભરમાર હતી કે ઈન્ડિયા જઈને શું કરવું, ક્યાં જવું એ કશી જ તેને સમજ પડતી ન હતી.


એ અગાઉ જે સોફ્ટવેઅર કંપનીમાં હતો તેનું કેટલાંક કામનું આઉટસોર્સિંગ ઈન્ડિયાની એક કંપની સાથે હતું. ઈન્ડિયન ટીમ સાથે કો-ઓર્ડિનેશનની જવાબદારી વિલિયમની હતી. એ વખતે તેને કેટલાંક ઈન્ડિયન્સ સાથે નિયમિત કમ્યુનિકેશન રહેતું હતું. એ ટીમના કેટલાંક લોકો અહીં પણ આવી ચૂકેલાં હતાં. પરંતુ હંમેશના અતડા સ્વભાવ અને ખાસ તો એ પ્રોફેશનલ રિલેશન હોવાથી તેને કોઈની સાથે વિશેષ પરિચય ન હતો.


તેણે ફોનબૂક ચેક કરવા માંડી. તેમાંથી કેટલાંક નંબર્સ પર તેણે વોટ્સએપ મેસેજ પણ કર્યા. કદાચ એ રીતે ય કંઈક માહિતી મળી શકે તો....


સપનામાં આવતી સ્ત્રી ઈરમા જ હોઈ શકે એ વિશે તેને હવે ઝાઝી શંકા રહી ન હતી, પણ એ ખરેખર તેની પાસેથી કશુંક ઈચ્છી રહી છે?


સપનું આવવાનું શરૂ થયું એ પછી તે જે અનુભવતો હતો એ દરેક વિગતો અંગે પંડિતજીએ કરેલા સવાલોથી એ આભો બની ગયો હતો. ખરેખર તેની સ્થિતિ બિલકુલ એવી જ હતી અને પંડિતજી કહેતા હતા કે અઢી હજાર વર્ષ પહેલાંના કોઈ ગ્રંથમાં આવા લક્ષણો ઉપરાંત તેના ઈલાજ વિશે પણ કહેવાયું હતું.


તેણે માથું ધૂણાવી નાંખ્યું. આ વિશે એ જેટલું વિચારતો હતો એટલો વધુ અટવાતો હતો. સમી સાંજથી જ તેને રાબેતા મુજબ ફફડાટ વર્તાવા લાગ્યો હતો.


આજે તે સપનામાં આવતી સ્ત્રીને જોવા મક્કમ હતો, પણ મનમાં ઘૂમરાતા વિચારોના ઝંઝાવાતને લીધે એ એકાગ્ર થઈ શકતો ન હતો. એ ક્યાંય સુધી પડખાં ફેરવતો રહ્યો. અર્ધતંદ્રાવસ્થામાં ઘડીક તેને લીલાંછમ જંગલમાં વહેતી નદીનો ઘૂઘવાટ સંભળાતો હતો. જૂની ફિલ્મની ઘસાયેલી રિલની માફક રંગબેરંગી પટ્ટાઓ વચ્ચેથી ઝાંખાપાંખા, અસ્પષ્ટ દૃષ્યો દેખાતા હતા. એ તરત છળી ઊઠતો હતો અને બંધ પોપચાની ભીતરથી એ દૃષ્યો અલોપ થઈ જતા હતા.


એ તારી મા છે... એ તને કરગરી રહી છે... તેનાંથી ભાગ નહિ... તેને બોલાવ...


પંડિતજીના વાક્યો સતત તેના કાનમાં ઘૂમરાતા હતા પણ પેટમાં વળી રહેલાં ભયનાં ગૂંચળાં તેની મક્કમતા તોડી નાંખતાં હતાં. એમ જ, ફફડતા હૈયે રોજની જેમ જ માંડ તેની રાત વિતી હતી. તેને ખબર ન હતી, સહેજ દૂરના બેડ પર સૂતેલો જેમ્સ પણ રાતભર તેને ઝીણી નજરે અવલોકતો રહ્યો હતો.
*** *** ***


બીજા દિવસે સવારે કામની વહેંચણી મુજબ તેમણે શરૂઆત કરી દીધી. ઈયાને પોતાની ઓફિસની વ્યવસ્થાઓ ગોઠવવા માંડી. વિલી અને જેમ્સે વિઝા એપ્લિકેશન માટેની જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી. આર્થર મૅક્લિન વિશે શક્ય તમામ વિગતો માટેના સત્તાવાર અને લેટેસ્ટ ડોક્યુમેન્ટ્સ માટે ફરીથી નોબેલ રેકર્ડ ઓફિસમાં જવું પડે તેમ હતું. પરંતુ આ વખતે એ ફેરો આસાન હતો. કારણ કે ક્ષેમપાલે જરૂરી માર્ગદર્શન આપી દીધું હતું.


બંને હળવા મૂડમાં રેકર્ડ ઓફિસમાં પ્રવેશ્યા એટલે આજે ઓફિસનો બેઝમેન્ટ અને રિસેપ્શન કાઉન્ટર પણ તેમને ઉર્જાવાન લાગતા હતા. ક્ષેમપાલે કહ્યા પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર પર ફોર્મ ભરીને તેમણે સેકન્ડ ફ્લોર પર પ્રવેશ કર્યો. વિલીએ પોતાનો સિવિક કોડ આપ્યો એટલે થોડી જ વારમાં તેમને આર્થર મૅક્લિન વિશેનો તમામ રેકર્ડ સત્તાવાર લેટરહેડ પર મળી ગયો.


જરૂર પડ્યે ભારતની બ્રિટિશ એમ્બેસીની મદદ મેળવી શકાય એ માટે રેકર્ડ ઓફિસના દસ્તાવેજોના આધારે કેટલાંક મેઈલ કરવાના હતા. વિલિયમ મૅક્લિન એ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક સમયના ગવર્નર સર આર્થર મેલેટ મૅક્લિનનો વંશજ છે, આર્થર મૅક્લિનની પ્રથમ પત્ની અને નાનકડા પુત્રનું સાવિત્રી નદીમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. આથી વિલિયમ મૅક્લિન એ સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે વગેરે વિગતો સાથે સત્તાવાર ઈ-મેઈલ ભારત સ્થિત બ્રિટિશ એમ્બેસીને કરી દેવામાં આવ્યો અને તેની કોપી વિલિયમ ઉપરાંત અન્ય સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવી.


નોબેલ રેકર્ડ ઓફિસમાં ખાસ્સી વાર લાગી, પણ જરૂરી હતા એ દરેક ડોક્યમેન્ટ્સ મળી ગયા એટલે વિલી અને જેમ્સ ખુશ હતા.
*** *** ***


'ઈન્ડિયામાં તું કોઈને ઓળખે છે ખરો?' એકધારા મૌન પછી જેમ્સે પૂછ્યું એટલે વિલી પણ ચમક્યો.


'નો, એઝ યુ નો, ફર્સ્ટ ટાઈમ આઈ વિલ વિઝિટ...' વિલીને જેમ્સનો સવાલ સમજાતો ન હતો. આગલી રાતે જ એ વિશે ચર્ચા થઈ ચૂકી હતી. ત્રણમાંથી કોઈએ આ પહેલાં કદી ભારતનો પ્રવાસ કર્યો ન હતો.


'કોઈ લોકલ રેફરન્સ આપણે મેળવી શકીએ તો સારૂં રહે...' જેમ્સના મનમાં ઉચાટ એ હતો કે ભારત જેવા વિશાળ દેશમાં ખાસ કોઈ ઠોસ માહિતી વગર ભટકવાનું હોય ત્યારે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ હોવી ઘટે.


'બટ વી હેવ રેકમન્ડેશન લેટર ફોર બ્રિટિશ એમ્બેસી...' વિલીએ દલીલ કરી.


'માય સન, એમ્બેસી કેન ગાઈડ અસ ફોર અવર ટૂર પ્લાન ઓન્લી... પણ ત્યાં જઈશું એટલે તરત મૅક્લિન એસ્ટેટ કે મહાબળેશ્વર મળી નહિ જાય. ધારો કે મળી જાય તો પણ, ત્યાં જઈને શું કરવાનું છે એ ય નક્કી નથી...'


'એવી મુંઝવણ વખતે આપણે પંડિતજીને મળી શકીએ ને?' વિલીએ જવાબ તો આપ્યો પણ રાત્રે જ તેણે ચેક કરી લીધું હતું. મહાબળેશ્વરથી બનારસ આખા ય ઈંગ્લેન્ડનો બંને તરફનો સાગરકાંઠો પૂરો થઈ જાય એથી ય વધુ દૂર હતું.


'જોકે મારી અગાઉની એક કંપનીનું આઉટસોર્સિંગ ઈન્ડિયામાં હતું. મેં એ કંપનીના કેટલાંક લોકોને મેસેજ કર્યા છે, પણ હજુ કોઈના જવાબ આવ્યા નથી...' તેણે ફરીથી મોબાઈલ ચેક કર્યો, 'બટ આઈ ડોન્ટ થિન્ક, એ લોકો આપણને કંઈ મદદ કરી શકે...'
*** *** ***


સાંજે ઈયાન આવ્યો એટલે તેમણે તૈયારીને આખરી ઓપ આપવા માંડ્યો. બરાબર એ જ ઘડીએ એક સાથે બે ઘટના બની.


વિલીના મોબાઈલની લાઈટ ઝબકી. કશોક મેસેજ છે એવું પારખીને તેણે મોબાઈલ હાથમાં લીધો અને એ જ ઘડીએ મોબાઈલમાં રિન્ગ વાગી. તેણે ફોન રિસિવ કર્યો.


સામા છેડેથી કોઈક છોકરી સ્ટાઈલિશ ઉચ્ચારોમાં પૂછી રહી હતી, 'માયસેલ્ફ જુડી બ્રાઉન, મે આઈ સ્પિક ટુ મિ. વિલિયમ મૅક્લિન?'


વિલીએ એ વખતે હા પાડીને બહુ મોટી ભૂલ કરી નાંખી.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP