Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

એ તમારી વ્હાલસોયી મા છે વિલિયમ, તેનાંથી ભાગો નહિ, તેને બોલાવો

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

પ્રકરણ – 26
‘વેલ...’ ઘડીક જેમ્સ તરફ તો ઘડીક ઈયાન તરફ જોઈને આખરે વિલીએ જવાબ વાળ્યો, ‘ચંદ્રગ્રહણ કેમ થાય છે તેના વૈજ્ઞાનિક કારણો, સિદ્ધાંતો છે. જ્યારે મને આવતાં સપના માટેના કોઈ કારણ ગળે ઉતરે તેવાં નથી...’


‘એક્ઝેક્ટલી ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ હિઅર...’ પોતાના જવાબથી પંડિતજી ઉશ્કેરાશે એવી ધારણા વચ્ચે એ તો ઉત્સાહથી સંમત થયા એથી વિલીનું આશ્ચર્ય બેવડાયું, ‘વિજ્ઞાન એને જ કહેવાય જે કાર્ય અને કારણ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે. બીજા શબ્દોમાં કહું તો, બનતી ઘટના માટેનું નક્કર સૈદ્ધાંતિક કારણ આપે. અથવા તો જે નક્કર સૈદ્ધાંતિક કારણ આપે એ મુજબની ઘટના બને. રાઈટ?’


તેમણે ઊંડો શ્વાસ લીધો અને ગળું ખોંખાર્યું, ‘ચંદ્રગ્રહણ થાય છે તેના માટે જવાબદાર વૈજ્ઞાનિક કારણો આપણે જાણીએ છીએ, પરંતુ અઢીસો વર્ષ પહેલાં મૃત્યુ પામેલી સ્ત્રી દરેક પેઢીને સપનામાં કેવી રીતે આવી શકે તેના કોઈ તાર્કિક કારણો આપણે જાણતા નથી. તારી આ દલીલ સાથે હું બિલકુલ સંમત છું...’


પંડિત વિષ્ણુપંત મિશ્રા તદ્દન સ્વસ્થ હતા. તેમના અવાજના આરોહ-અવરોહ એકદમ સંતુલિત હતા અને ચહેરા પર ક્યાંય ઉશ્કેરાટ કે આવેગ વર્તાતો ન હતો.


‘કેટલીક વાર ઘટના બનતી જ હોય, પરંતુ તેના માટેનું વૈજ્ઞાનિક કારણ આપણે સમજદારી, તર્કશક્તિ અને સુવિધા વધ્યા પછી શોધી શકીએ. ઉદાહરણ તરીકે, ન્યૂટનનો ત્રીજો નિયમઃ આઘાતબળ અને પ્રત્યાઘાત બળ સરખા અને પરસ્પરથી વિરુદ્ધ દિશાના હોય છે. ન્યૂટને આ નિયમ ઈસ. 1685 આસપાસ તારવ્યો હતો. તો શું એ પહેલાં દિવાલ સાથે અથડાતો દડો દિવાલ સાથે ચિપકી જતો હતો?’


સવાલ કરીને તેમણે ગણતરીની સેકંડ માટે સૌના ચહેરા તરફ જોયા કર્યું અને પછી પોતે જ જવાબ આપ્યો, ‘ના, દડો તો ત્યારે ય અથડાઈને પાછો જ ફેંકાતો હતો. મતલબ એ થયો કે, ઘટના તો બનતી જ હતી, પરંતુ તેનો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપણે જાણતાં ન હતાં. કાર્ય તો થતું જ હતું, પરંતુ તેના માટે જવાબદાર કારણની આપણને જાણ ન હતી. બોલો, આ વાત સાથે તો સંમત થાવ છો કે નહિ?’

વિલીને આ બુઢ્ઢા માણસની વાતોમાં શી ખબર, પણ ગજબનું સુકુન મળી રહ્યું હતું


ત્રણેયે એકમેકની સામે જોઈને ઈશારાથી જ હકાર ભણ્યો. વિલીને આ બુઢ્ઢા માણસની વાતોમાં શી ખબર, પણ ગજબનું સુકુન મળી રહ્યું હતું. જેમ્સ બેહદ તલ્લીનતાથી તેના સ્વભાવથી વિરુદ્ધ મૌનપણે સાંભળી રહ્યો હતો અને તર્ક કરવામાં પારંગત ઈયાનને પણ પંડિતજીની વાતોમાં રણકો વર્તાતો હતો.


‘હવે બીજું એક ઉદાહરણ આપું...’ પંડિતજીએ જરાક બેઠક બદલી, ખભા ફરતો ધાબળો વધુ ચુસ્તીથી સંકોર્યો, ‘કેટલીક વાર ઊંધું બને. વૈજ્ઞાનિક સિદ્ધાંત મળી ગયો છે, પરંતુ તેને અનુરુપ ઘટના બનવાની બાકી છે.’


‘એટલે?’ હવે ઈયાનથી સવાલ કર્યા વગર રહેવાયું નહિ, ‘એવું કદી હોઈ શકે?’


‘કેમ ન હોય? લાર્જ હેડ્રોન કોલાઈડર... આઈ એમ સ્યોર, તમે એ નામ સાંભળ્યું જ હશે...’


‘અફકોર્સ યસ...’ વિલી તરત ઉત્સાહપૂર્વક બોલી ઊઠ્યો, ‘બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે થયેલ ધડાકા જેવો જ ધડાકો કરીને પદાર્થના મૂળ કણને શોધવાનો પ્રયાસ છે. ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડની સરહદ પર કંઈક પચ્ચીશ-ત્રીશ કિલોમીટરની લંબાઈમાં ભૂગર્ભમાં આ પ્રયોગ ચાલી રહ્યો છે’


‘ધેટ્સ ઈટ...’ પંડિતજીએ મોબાઈલના કેમેરા સુધી હાથ લંબાવીને હોંશભેર થમ્સ અપની સાઈન દર્શાવી દીધી, ‘એ પ્રયોગ જેના આધારે થઈ રહ્યો છે એ હિગ્ઝ-બોઝોન થિયરી તો છેક ઈસ. 1964માં શોધાઈ ચૂકી હતી. પરંતુ છેક આઠ દાયકા બાદ તેનો પ્રયોગ કરવો શક્ય બન્યો. અહીં કારણ હતું, પરંતુ તેને અનુરૂપ કાર્ય થાય છે કે નહિ એ ચકાસવામાં વાર લાગી.’
‘બટ...’ હવે વિલીએ સહેજ અકળાઈને કહ્યું, ‘ડોન્ટ યુ થિન્ક વી હેવ બીન ડાયવર્ટેડ ફ્રોમ મેઈન ટોપિક?’


‘નોટ એટ ઓલ માય સન...’ પંડિતજીએ સહજતાથી જવાબ વાળ્યો, ‘ઓર લેટ મી સે, નાવ વી આર સ્ટાર્ટિંગ ટુ ડિસ્કસ એક્ચ્યુઅલ ટોપિક એન્ડ વોટએવર વી ડિસ્કસ્ડ વોઝ માય એફોર્ટ ટુ પ્રિપેર પ્લેટફોર્મ...’


તેમણે જરાક પોરો ખાધો અને પછી બોલવાનું શરૂ કર્યું, ‘જેમ પદાર્થના મૂળ કણ વિશેની થિયરી હતી, પણ પ્રેક્ટિકલથી સાબિત કરવાનું શક્ય બન્યું ન હતું એ જ રીતે જીવની ઓળખ કે જીવની ગતિ માટે પણ એવું જ હોઈ શકે કે નહિ?’


‘ના, ન હોઈ શકે...’ ઈયાને તરત આક્રમકતાથી જવાબ આપ્યો, ‘એવી કોઈ થિયરી જ ક્યાં છે?’


‘મેં અગાઉ કહ્યું તેમ...’ તેની આક્રમકતાથી જરાય વિચલિત થયાવગર પંડિતજીએ કહ્યું, ‘થિયરી તો અનેક છે, પણ તેનાં ઉપર હજારો વર્ષના વહાણાં વાઈ ચૂક્યા છે. એ વખતની ભાષા અલગ હતી, જે આજે સમજવી મુશ્કેલ છે. દેખીતો અર્થ અલગ હોય અને ગર્ભિત અર્થ કંઈક અલગ નીકળે એમ પણ બને. વળી હજારો વર્ષના અંતરાલને લીધે તેના પર ક્યાંક ચિંતનના તો ક્યાંક લોકબાનીમાં કહેવાયેલી વાર્તાઓના, દંતકથાઓના, બદલાતી રૂઢીઓના પડળ લાગી ચૂક્યા છે. કોઈક જો એ સાફ કરે, ઉમેરણને ઓળખીને દૂર કરે અને શુદ્ધ સત્વને બહાર આણે તો શક્ય છે કે એ સિદ્ધાંત પણ હોય’


ત્રણેયના ચહેરા પર વર્તાતી અધિરાઈ પારખીને તેમણે ઉમેર્યું, ‘તમે ચુસ્ત અંગ્રેજ છો તો તમે બાઈબલ વાંચ્યું જ હશે. હિબ્રુ બાઈબલમાં મેથુસલાહ પોતાનું લાંબું આયુષ્ય વરદાન છે કે અભિશાપ એવો સવાલ કરે છે ત્યારે ઈસા મસિહ જે જવાબ વાળે છે એ જીવની ગતિ અને અવગતિનું ચિંતન જ છે. એ ચિંતનના આધારે જ ખ્રિસ્તિ ધર્મમાં આસ્થાની સમાંતરે ભૂત, પ્રેત, પિશાચ જેવી નકારાત્મક શક્તિઓનો ય સ્વિકાર થયો છે.’


‘તો જીવની અવગતિ એટલે શું?’


‘બહુ સરસ સવાલ...’ પંડિતજીએ હકારમાં ડોકું ધૂણાવ્યું, ‘તેનો જવાબ ભારતીય વેદકાલીન ચિંતનમાં અથર્વવેદ બહુ જ સરસ રીતે આપે છે. અથર્વવેદની ભાષા સંસ્કૃત જ છે પરંતુ એ ખૂબ જ અઘરી છે. માટે એ જ સાર અન્ય પૂરાણોમાં સહેજ આસાન સંસ્કૃતમાં રજૂ થયો છે. જોકે તમને તો એ પણ સમજાવાનું નથી, છતાં હું કહીશ...’ આટલું કહીને તેમણે આંખો બંધ કરીને નિશ્ચિત સ્વરભાર સાથે ગાયું,


પ્રેતીભૂતાદ્વિજાતીનાં સમ્ભૂતે મૃત્યુવૈકૃતે
તેષાં માર્ગગતિસ્થાનં વિધાનં કથયામ્યહમ્


અહીં વિકૃત મૃત્યુની વાત છે, અકાળ મૃત્યુની વાત છે, અતૃપ્ત એષણાઓ, અભિપ્સાઓની તીવ્રતા જો બેહદ હોય તો આવું મૃત્યુ પામનાર વ્યક્તિનો આત્મા મૂળસ્થાનમાં પ્રવેશવાને બદલે ભટકતો રહે છે.’


‘અથર્વવેદ તો આત્મા અને શરીરનું જોડાણ તૂટ્યા પછી આત્માની ગતિની અવધિ યાને સમય પણ બહુ જ નિશ્ચિતપણે દર્શાવે છે. એ મુજબ, શરીરનો ત્યાગ કર્યા પછી જીવ અર્થાત્ આત્મા પ્રથમ સાત દિવસ પોતાના પ્રિય સ્થાન કે પ્રિય વ્યક્તિની આસપાસ ઘૂમે છે. એ પછી પાંચ દિવસ પૃથ્વીથી પરલોક પોતાના મૂળ સ્થાન તરફ પ્રયાણ કરે છે. પરંતુ ક્યારેક કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે સ્થળમાં જીવનો મોહ મૃત્યુ વખતે અતિશય તીવ્રપણે ચોંટેલો હોય તો એ મૂળસ્થાનમાં પ્રવેશ કરવાનું ટાળે છે. પરિણામે 12 દિવસ પછી આત્માના પ્રવેશ માટે ખૂલેલું મૂળસ્થાન બંધ થઈ જાય છે અને જીવ ભટકતો રહે છે. આવા જીવની અવગતિ થઈ હોવાનું અથર્વવેદ કહે છે.’


‘માય ગોડ...’ પહેલી વાર ઈયાનના ચહેરા પર આશ્ચર્ય તરી આવ્યું, ‘રિઅલી અનબિલિવેબલ...’


‘અનબિલિવેબલ તો હજુ ઘણું છે...’ પંડિતજીએ સ્મિત વેર્યું, ‘અવગતે ગયેલો જીવ પછી શું કરે તેનું ય બહુ જ વિશદ્ વર્ણન અથર્વવેદમાં અને તેના સરળ સ્વરૂપે પાછળથી રચાયેલ ગરુડપુરાણમાં આપ્યું છે. હું ફરીથી સંસ્કૃત ભાષામાં જ કહું તો...


પ્રતિષ્ઠા વાયુદેહેષુ શયનાંસ્તુ સ્વવંશજાન્
તત્ર યચ્છન્તિ લિંગાનિ દર્શયન્તિ ખગેશ્વર


અર્થાત્, અવગતિએ ગયેલો જીવ પછી વાયુ સ્વરૂપે, વિચાર કે સ્વપ્ન સ્વરૂપે પોતાના જ વંશજોને સંકેત આપતો રહે છે. તેમના મનોમય કોશ પર કબજો મેળવીને પોતાની અતૃપ્તિ પૂર્ણ કરવા વિનવતો રહે છે. હવે સમજાયું કે તને અને તારા પૂર્વજોને એકસરખું સપનું કેમ આવે છે?’


વિલીના ચહેરો લાલઘૂમ થઈ રહ્યો હતો. જેમ્સ આંખો ફાડીને મોબાઈલના સ્ક્રિન તરફ તાકી રહ્યો હતો અને ઈયાનનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું હતું.


‘હવે વધુ એક અનબિલિવેબલ વાત કરું, અવગતિએ ગયેલો જીવ સપનાં મારફત સંકેતો મોકલે ત્યારે જેને સપનું આવે છે તેની સ્થિતિ કેવી થાય...’ પંડિતજીએ આસપાસ જોયું અને એક પુસ્તક હાથમાં લીધું. પાનાઓ ફેરવ્યા અને પછી કહ્યું, ‘વિલિયમ, હવે હું જે કંઈ પૂછું તેનાં સાવ સાચા અને પ્રામાણિક જવાબ આપીશ?’


‘ય... યસ...’ હેબતાઈ ગયેલા વિલીથી માંડ આટલું કહેવાયું.


‘તને સપનાના ભયના કારણે કપડાં સુદ્ધાં ગંદા થઈ જાય એટલા ત્વરિત ઝાડા થઈ જાય છે, અથવા એટલું તીવ્ર સેન્સેશન આવે છે?’


‘હા...’ વિલીએ સહેજ ખચકાઈને જવાબ આપ્યો.


‘હવે મિ. જેમ્સ અને મિ. ઈયાન, તમે મને જવાબ આપો, વિલીની આંખોમાં ભયંકર લાગે તેવો, અકળ, ભેદી ભય વર્તાય છે? તેના ચહેરા પર સતત તંગદીલી, જાણે કશુંક શોધતો હોય એવો ચોંકેલો ભાવ સ્થાયી રહે છે?’


‘હાઆઆઆ...’ બંનેએ એકસાથે હા પાડી દીધી.


‘વિલિયમ, હવે તું કહે, તને મોડી સાંજથી જ પેટમાં ગૂંચળા વળતા હોય તેમ લાગે છે? પેઢુમાં જરાક દુઃખાવો અનુભવાય છે? હૈયું સતત ફફડતું હોય તેમ લાગ્યા કરે છે?’


‘હા’


‘જરાય સંકોચ વગર જવાબ આપજે, તારી જાતિય શક્તિ સાવ કુંઠિત થઈ ચૂકી છે?’


વિલી કશું બોલી ન શક્યો અને નીચું જોઈ ગયો. ‘તું તો નામર્દ છે...’ કહીને બધાની વચ્ચે તેનો ઉપહાસ કરી ગયેલી ગર્લફ્રેન્ડ તેને યાદ આવી ગઈ.


‘માય સન, પ્લિઝ ફીલ ફ્રી... હું તારા દાદા જેવો છું. મારો સંકોચ ન રાખીશ. આપણે તારી મુશ્કેલીનું નિરાકરણ શોધવાના આરે છીએ...’


વિલીએ કશું જ બોલ્યા વગર નીચી મૂંડીએ મોબાઈલના સ્ક્રિનમાં દેખાય એ રીતે ફક્ત ગરદન હલાવી. તેની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા.

‘તારી નિર્ણયશક્તિ ઘટી રહી છે? તર્ક કરવામાં તું નબળો પડી રહ્યો હોય એવું લાગે છે?’


વિલીએ ફરી ડોકું ધૂણાવ્યું.


‘મિ. ઈયાન...’ પંડિતજીએ અચાનક કહ્યું એટલે ઈયાન સહિત સૌ ચોંક્યા, ‘અનબિલિવેબલ વાત એ છે કે અવગતિએ ગયેલા જીવ પોતાના વંશજોને સંકેત આપે ત્યારે વંશજની કેવી સ્થિતિ હોય એ વિશે મેં તમે સાંભળો એમ વિલિયમને પૂછ્યું, જેમાં દરેકના જવાબ તેણે હામાં આપ્યા છે. હવે હું તમને કહું કે એ સવાલ મેં આ ગ્રંથમાંથી કર્યા છે...'


તેમણે મોબાઈલના સ્ક્રિન પર દેખાય એ રીતે પુસ્તક ધર્યું, 'આ ગ્રંથ આજથી આશરે અઢી હજાર વર્ષ પહેલાં લખાયેલો છે. તેનું નામ ચરકસંહિતા, અવગતિએ ગયેલો જીવ મનમાં વળગણથી ય વધુ તીવ્રતાથી ચોંટે ત્યારે ઊભા થતાં લક્ષણો, સંકેતો, નિદાન ઉપરાંત ઉપચાર વિશે પણ બહુ જ સ્પષ્ટ સ્વરૂપે આખા અધ્યાયો ભરીને કહેવાયું છે...'


'મતલબ કે, વૈદિક સાહિત્યમાં જીવની ગતિ અને અવગતિ વિશે બહુ જ સ્પષ્ટ વ્યાખ્યા છે. કારણો પણ એટલી જ સ્પષ્ટતાથી દર્શાવાય છે. તેનાં સંકેતો પણ છે અને તેનું નિરાકરણ પણ આપવામાં આવ્યું છે...' તેમણે ઘડીક પોરો લીધો અને પછી ઉમેર્યું, 'તો શું આ કોઈ સિદ્ધાંત કે થિયરી ન બની શકે, જે ભવિષ્યમાં કદાચ સાબિત થાય પણ ખરી?'


‘તો શું આ સપનાના કારણે મારા પૂર્વજો બદહાલ થઈને કમોતને ભેટ્યા છે?’


‘હા બેટા...’ પંડિતજીના અવાજમાં અને ચહેરા પર અજબ વ્હાલ વર્તાતું હતું, ‘આપણે માણસો અજાણ્યાપણાંથી બેહદ ભયભીત રહીએ છીએ. અજાણ્યો ચહેરો,અજાણ્યું સ્થળ, અજાણ્યો અનુભવ આપણને મનોમન ડરાવે છે. માટે સપનું આવે ત્યારે તું ડરી જાય છે. તારા પૂર્વજો ય ડરી જતા હતા. પણ અવગતિએ ગયેલો જીવ પોતાની ઈચ્છા પરિતૃપ્ત કરવા તમને કરગરવા આવ્યો છે. તમે ડરીને ભાગો છો, તેની સામે જોવાનું ટાળો છો. તેના આપેલા સંકેતો પારખતા નથી માટે એ જીવ વધુ જીદ્દીપણે તમારા મનોમય કોશ પર કબજો મેળવવા મથે છે.’


‘એ પ્રથમ તમારા મન પર કબજો જમાવે છે કારણ કે... સંકલ્પ વિકલ્પાત્મકો મનઃ મનનો સ્વભાવ જ સંકલ્પ, વિકલ્પ કરવાનો છે. પછી એ તમારી બુદ્ધિ પર કબજો જમાવે છે કારણ કે, નિશ્ચયાત્મિકા બુદ્ધિઃ દૃઢતા, નિર્ણયાત્મકતા એ બુદ્ધિનો સ્વભાવ છે. મન અને બુદ્ધિ પર કબજો મેળવીને એ તમારી પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવવા મથે છે. પણ તમે સાનભાન, સારાસારની વિવેકબુદ્ધિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ ગુમાવતા જાવ છો. એમાંથી જ બદહાલીની શરૂઆત થાય છે અને સૂઝબૂઝ એટલી હદે ગુમાવી બેસાય છે કે આમ કરવાથી મરી જઈએ એવી ખબર સુદ્ધાં રહેતી નથી.’


‘તો શું ઈરમાના કારણે...’


‘નોટ એટ ઓલ...’ પંડિતજીએ અડધેથી જ જરા ઊંચા અવાજે કહી દીધું, ‘બેટા, એ તો તમારી મા છે... બસો-અઢીસો વરસથી રઝળી રહેલી મા પોતાની અતૃપ્ત ઈચ્છા કહેવા માટે દીકરા પાસે ન આવે તો બીજે ક્યાં જાય? એ તમને કરગરી રહી છે, વિનવી રહી છે, પોતાની મુક્તિ માટે એ તમારા પર મીટ માંડી રહી છે બે સૈકાથી... અને તમે તેનાંથી સતત ડરતા રહો છો, બેહોશ અને બદહાલ થઈને મોતને ભેટતા રહો છો એટલે એની પીડા પણ બેવડાય છે અને મુક્તિનો માર્ગ પણ નથી મળતો. એ તમારી વ્હાલસોયી મા છે વિલિયમ, તેનાંથી ભાગ નહિ. તેને બોલાવ... એક દીકરો માને સાદ કરે એટલાં વ્હાલપથી તેનું આહ્વાન કર... તેનાં આંસું લૂંછીને તેને પૂછ કે મા, તારી ઈચ્છા શું છે? એ જ્યાં મોતને ભેટી છે... એ જ્યાં આજે ય ભમી રહી છે ત્યાં જા અને તેની તૃપ્તિ કર... તેને ગળે લગાડ... એ અઢીસો વર્ષથી ભટકે છે કારણ કે તમે તેનાંથી મોઢું ફેરવી રહ્યા છો...તેનું દર્દ સમજ...’


પંડિતજી એકધારું બોલતાં રહ્યા અને પ્રથમ જેમ્સ ભાંગી પડ્યો અને પછી વિલી.
બેયના હિબકા વચ્ચે ઈયાનની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા.
*** *** ***


સ્થળઃ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ખેડ તાલુકાનું સાવ ખોબા જેવડું કોપર્ડી ગામ.


સમયઃ રાતના બાર વાગ્યાનો.


સાધારણ રીતે આથમતી સાંજે જ્યાં રાતના ઘનઘોર જેવો સન્નાટો પ્રસરી જતો હોય તેને બદલે આજે તો અહીં અનોખો ઓચ્છવ મનાવાઈ રહ્યો છે. ચોરા પાસે ઝાડની ડાળીઓ પર લટકતા રંગીન કાગળ વિંટાળેલા બલ્બના લાલ, લીલા, ભૂરા, પીળા ઉજાસ તળે એકઠાં થયેલાં લોકો આનંદની ચિચિયારી કરી રહ્યા છે.


અચાનક ઢોલ પર થાપ પડે છે. હાર્મોનિયમના સૂરિલા સ્વરો હવામાં ફરી વળે છે. ઢોલ પર પડતી થાપની દ્રુત ગતિના તાલે બે છોકરી અદભૂત ભાવભંગીમા દર્શાવતી નૃત્ય આરંભે છે. હાર્મોનિયમ વગાડતી સ્ત્રી એવાં જ મીઠડાં સ્વરે ગીત ગાય છે,


તરુણપણાચ્યા રસ્ત્યાવરચં પહિલં ઠિકાણ નાક્યાચં
અન્ સોળાવં વરિસ ધોક્યાચં ગ સોળા વરિસ ધોક્યાચં...

(સોળ વર્ષની ઉંમરે પહેલું આકર્ષણ તો ગલીના નાકે જ ઊભું હોય છે, પણ આ ઉંમર બહુ છેતરામણી છે એટલે ચેતીને ચાલજે છોકરી...)


અચાનક જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ મેદની ચિચિયારી પાડતી ઝૂમી ઊઠે છે. બેતહાશા આનંદમાં મશગુલ થઈને નાચતી મેદનીને ચીરીને એક છોકરી સીધી છલાંગ મારીને ચોરા પર ચડી જાય છે અને નૃત્યાંગનાઓ સાથે નાચવા લાગે છે. ઢોલની થાપને હવે જાણે જુવાની વ્યાપી જાય છે...


પિસાટ વારા મદનાચા, પતંગ ઉડવી પદરાચા
તોલ સુટાવા અશી વેળ હી તરી ચાલણં ઠેક્યાચં
સોળાવં વરિસ ધોક્યાચં ગ સોળાવ વરિસ ધોક્યાચં...

(આ ઉંમરે રૂંવેરૂંવે કામનો સંચાર થાય છે. પાલવના છેડે જાણે પતંગ ઊડવા લાગે છે. તારા વર્તન પર લગામ રાખજે છોકરી, આ ઉંમર બહુ છેતરામણી છે...)

  • અને ઢોલની થાપ પર મદમાતી બનેલી એ છોકરી મન મૂકીને કમર મટકાવતી, આંખોના ઉલાળાથી તોફાન જગાવતી બેપરવાઈભેર નાચી રહી છે.

એ વિશાખા છે... વિશાખા આમરે.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP