Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'ભૂત-પ્રેત કે પછી આવા સપનાઓની માન્યતા પાછળ કોઈક આધાર તો હોવો જોઈએ ને?'

  • પ્રકાશન તારીખ07 Aug 2018
  •  

પ્રકરણ - 25
'ડગ્લાસને તો ખબર પણ ન હતી, પરંતુ તેની સમસ્યામાં મને જ એટલો રસ પડ્યો હતો એટલે મેં મારા પરિવારના લોકો સાથે વાત કરી...'

'વ્હાય યોર ફેમિલી?
'કારણ કે, મારો સમગ્ર પરિવાર વેદાંતશાસ્ત્રી તરીકે હિન્દુસ્તાનમાં જાણીતો છે..'
'એટલે... યુ મીન એક્સપર્ટ્સ ઓફ વિચક્રાફ્ટ?'
વિલીના સવાલથી ક્ષેમપાલ ખડખડાટ હસી પડ્યો, એથી વિલી જરા ઓઝપાઈ ગયો પરંતુ એકધારી ગંભીર ચર્ચાનો ભાર એ હાસ્યથી જરા હળવો થયો, 'ધે આર એક્સપર્ટ ઓફ લાઈફ... એક્સપર્ટ ઓફ એન્શ્યન્ટ ઈન્ડિયન ફિલોસોફી...'


'તો પછી આવી સુપરનેચરલ જેવી વાત એમને પૂછવાનો શું અર્થ?'
'કારણ કે જે જીવની ગતિને સમજવા મથે છે એ જ જીવની અવગતિ વિશે સમજાવી શકે. આધુનિક વિજ્ઞાન શરીરને ઓળખે છે, શરીરની દેહધાર્મિક ક્રિયાઓને જાણે છે માટે શરીરમાં થતા ફેરફારને સમજાવી શકશે. પરંતુ શરીરની અંદરના ચેતનત્વને હજુ વિજ્ઞાન પણ ઓળખી શક્યું નથી, તો પછી વિજ્ઞાન પાસે તેનો જવાબ ન હોય એ સ્વાભાવિક છે.'


'વિજ્ઞાન તો ભૂત, પ્રેત કે એવી તમામ વાતોને તીવ્રતાથી નકારી દે છે'
'આ જ વાક્ય હું જરા જુદી રીતે બોલું...' સહેજપણ ઉશ્કેરાયા વગર ઠંડકથી દલીલો કરવાની ક્ષેમપાલની ક્ષમતા ગજબ હતી.
'મતલબ?'


'હું એમ કહું કે ભૂત, પ્રેત એવી તમામ વાતોને વિજ્ઞાન સ્વિકારતું નથી...'
'કમ ઓન, બંનેનો અર્થ તો એ જ થયો ને?'


'ના બિલકુલ નહિ, સ્વિકારતું નથી તેનો અર્થ એવો થયો કે વિજ્ઞાનના માપદંડો મુજબ એ વાતો સમજી શકાતી નથી, પરંતુ અન્ય માપદંડો મુજબ એવું કદાચ હોય પણ ખરું. જ્યારે નકારે છે કહીએ તો તેનો અર્થ એવો થાય કે એકપણ માપદંડથી એવું કશું છે જ નહિ...' ઘડીભર દરેકના ચહેરાની પ્રતિક્રિયા જોઈને ક્ષેમપાલે સહજ સ્મિતભેર ઉમેર્યું, 'પણ મને નથી લાગતું કે વિજ્ઞાન એવી જીદ કરે...'


'ભારતમાં અત્યારે ઊંઘવાનો સમય થયો હશે...' દરેકના ચહેરા પર એકસરખી તંગદીલી અનુભવીને ક્ષેમપાલે ઘડિયાલમાં જોયું, 'બહેતર છે કે આપણે હવે મારા ફાધર સાથે વાત કરીએ...'
વિલી, જેમ્સ અને ડ્રાઈવિંગ કરી રહેલો ઈયાન ચકિત થઈને જોઈ રહ્યા અને ક્ષેમપાલે મોબાઈલમાં વ્હોટ્સએપમાં વીડિયો કોલિંગ શરૂ કરી દીધું. હજુ કોલ કનેક્ટ થઈ રહ્યો હતો.


'માય ફાધર્સ નેઈમ ઈઝ પંડિત વિષ્ણુપંત મિશ્રા. વેદપાઠી... સ્કોલર ઓફ વેદા તરીકે બહુ જાણીતા છે. એ પોતે કોલકાતા યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રાધ્યાપક હતા અને ફિઝિક્સના ગહન અભ્યાસ દરમિયાન તેમને વેદ-વેદાંત અને ઉપનિષદ જેવા ચાર-પાંચ હજાર વર્ષ પુરાણા ભારતીય તત્વચિંતનમાં રસ જાગ્યો. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ એમની વેદશાળામાં ભણ્યા છે, અત્યારે પણ ભણી રહ્યા છે. એમને ખાસ્સી ઉંમર થઈ છે પરંતુ હજુ ય સ્વસ્થ છે એટલે સરસ રીતે વાત કરી શકશે. યુ કેન આસ્ક એની ક્વેશ્ચન... આઈ એમ સ્યોર હી વિલ ક્લિયર ઓલ યોર ડા...'


ક્ષેમપાલનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ કોલ કનેક્ટ થયો એ સાથે સૌનું ધ્યાન સ્ક્રિન પર ચોંટ્યું. શરીર પર ધાબળો વીંટાળેલા જૈફવયના પંડિતજી બહુ જ હોંશપૂર્વક તેમની જબાનમાં દીકરાને કંઈક કહી રહ્યા હતા. ક્ષેમપાલે પ્રણામ કરીને શરૂઆત હિન્દીથી જ કરી, પછી બહુ ઝડપથી તેણે અંગ્રેજીમાં દરેકનો ટૂંકો પરિચય આપી દીધો. વિલિયમની પેઢીઓ જૂની સમસ્યાની ય વાત કરી અને આર્થર-ઈરમાની દર્દનાક કહાની પણ ટૂંકમાં કહી દીધી. પંડિતજી સમયાંતરે હોંકારો દઈને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.


'નાવ મિ. વિલિયમ, મિ. જેમ્સ અને મિ. ઈયાન વિલ આસ્ક યુ...' આટલું કહીને તેણે કારના ડેશબોર્ડ પર ફોન ગોઠવી દીધો.
'હુ ઈઝ વિલિયમ?' પંડિતજીએ પહેલો જ સવાલ કર્યો એટલે વિલી જરા આગળ આવ્યો. પંડિતજી તેને ધ્યાનથી જોઈ રહ્યા. કોઈ અજાણ્યા ચહેરા પરનું હાસ્ય આટલું હુંફાળું હોય એવું વિલીએ પહેલી જ વાર અનુભવ્યું.


'ઓકે માય સન, યુ કેન આસ્ક એનીથિંગ... વિધાઉટ હેઝિટેશન...'
'મારા ફાધર માનતા હતા તેમ...' વિલીએ ગળુ ખોંખાર્યું અને મક્કમતા એકઠી કરીને પૂછી લીધું, 'સપનામાં આવતી સ્ત્રી ઈરમા જ હોઈ શકે?'


'યસ, મને હમણાં જે કહેવામાં આવ્યું છે એ મુજબ તો એ જ હોઈ શકે...' નેવુ આસપાસની વય છતાં પંડિતજીના અવાજમાં નરવાઈ હતી અને અંગ્રેજી ઉચ્ચારોમાં પણ તેમનું સાક્ષરપણું વર્તાતું હતું.
'પણ આમ ભૂતપ્રેત વિશે તો કેમ માની કેમ શકાય?'
'તને ઈશ્વરમાં શ્રદ્ધા છે?'


'પાર્ડન પ્લિઝ...' સવાલની સામે સટ્ટાક દઈને ફેંકાયેલા વળતા સવાલથી વિલી ઘડીક વિચલિત થઈ ગયો એટલે પંડિતજીએ એવી જ સ્વસ્થતાથી પુનરોચ્ચાર કર્યો.
'તને ઈશ્વરમાં, જીસસમાં, મધર મેરીમાં શ્રદ્ધા છે?'
'અફકોર્સ યસ, હું એટલો બધો ધાર્મિક તો નથી, પણ આસ્તિક તો છું જ...'


'તેં ઈશ્વરને જોયો નથી તેમ છતાં તેની કૃપા યાને હકારાત્મક ઉર્જા તું સ્વિકારે છે, તો પછી એવી નકારાત્મક શક્તિ, નકારાત્મક ઉર્જાના અસ્તિત્વને પણ તારે સ્વિકારવું પડે. પરંતુ આપણે એ જ વાતને ચર્ચાના આધુનિક અભિગમથી સમજીએ.'


ત્રણેય બહુ જ ધ્યાનથી મોબાઈલના સ્ક્રિન પર તાકી રહ્યા હતા અને પંડિતજીએ ભીંતસરસી પીઠ ટેકવીને મોબાઈલને સામે કશાક ટેકા પર મૂક્યો અને વાત શરૂ કરી.
'શરીરની દેહધાર્મિક ક્રિયા તો તારામાં, મારામાં, તારી આસપાસના દરેક લોકોમાં એકસરખી જ થાય છે. તેમ છતાં આપણે સૌ એકબીજાથી અલગ છીએ. સ્વભાવ, ગમા, અણગમા, આવડત, નબળાઈ આપણને અલગતા બક્ષે છે. એ અલગતા ક્યાંથી આવે છે?'


'ડીએનએમાંથી અને રંગસૂત્રોમાંથી...'
'વેરી ગુડ...' વિલીએ તરત આપેલા જવાબથી પોરસાયેલા પંડિતજીના સ્વરમાં ઉત્સાહ તરી આવ્યો, 'પણ એ રંગસૂત્રોમાં ચેતનત્વ ક્યાંથી આવ્યું?'
'આઈ ડોન્ટ નો...' વિલીએ હોઠ મરડીને અન્ય બંને તરફ જોયું અને નનૈયો ભણી દીધો.


'ઈવન મોડર્ન સાયન્સ ડઝન્ટ નો...' પંડિતજીએ હળવું સ્મિત વેર્યું, 'અંડકોશ અને શુક્રકોશના ફલન પછી બંધાયેલા ગર્ભમાં અમૂક સમયના અંતરે આવતું ચેતનત્વ ક્યાંથી આવે છે તેનો સંતોષકારક ખુલાસો તો આધુનિક વિજ્ઞાન પાસે પણ નથી. એ ચેતનત્વ કેવું છે, ક્યાંથી આવે છે, દેહધાર્મિક ક્રિયાઓ બંધ થયા પછી યાને મૃત્યુ પછી તરત જ એ ક્યાં જતું રહે છે એ આપણને આજે ખબર નથી... પણ શક્ય છે કે હવે પછીના ભવિષ્યમાં કદાચ તેની ય ખબર પડે...'


ત્રણેય સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા હતા. ક્ષેમપાલ બહુ જ બારીકાઈથી ત્રણેયના હાવભાવ નિરખી રહ્યો હતો, અને પંડિતજી એટલી જ સ્વસ્થતાથી કહી રહ્યા હતા.
'હું તમને બીજું ઉદાહરણ આપું, આજથી બસો વર્ષ પહેલાં મેલેરિયા જીવલેણ રોગ ગણાતો હતો. સો વર્ષ પહેલાં ટીબીનો રોગ લા-ઈલાજ મનાતો હતો. એથી ય પહેલાં પાંચસો વર્ષ અગાઉ તો આવા રોગોની ઓળખ સુદ્ધાં ન હતી. પરંતુ આજે આપણે એ દરેક રોગોને ઓળખી શકીએ છીએ, તેની દવાઓ પણ સહજ પ્રાપ્ય છે. આજે હવે કેન્સર કે એઈડ્સ લા-ઈલાજ મનાય છે, પરંતુ શક્ય છે કે આવનારા દિવસોમાં તેનો ય ઈલાજ મળી આવે...'


એકધારું બોલીને ગળામાં બાઝેલી ખર્રાશ દૂર કરવા તેમણે બાજુમાં ટેબલ પર પડેલાં ત્રાંબાના લોટામાંથી થોડું પાણી પીધું. ખભા પરના ગમછાથી મોઢું લૂછ્યું અને ફરીથી પોતાની વાત આગળ વધારી.
'આઈ એમ સોરી માય સન, હવે ઉંમરને લીધે થોડું લંબાણથી બોલું તો જરા હાંફ ચડે છે, પણ હજુ હમણાં સુધી સળંગ ત્રણ-ત્રણ કલાક વ્યાખ્યાનો આપી શકતો હતો... ખૈર, ઉંમર તો ઉંમરનું કામ કરશે જ...' તેમણે બેહદ સોહામણું હાસ્ય વેર્યું,


'તો આપણે શું વાત કરી રહ્યા હતા? હા... જેમ સમયાંતરે રોગ ઓળખાયા, તેનો ઈલાજ ઓળખાયો કારણ કે એ સમય દરમિયાન વિજ્ઞાન પણ વિકસ્યું હતું. માઈક્રોસ્કોપ આવ્યું પછી વાયરસ, બેક્ટેરિયા ઓળખાયા. ટેલિસ્કોપ આવ્યું તો પછી દૂરના ગ્રહો, ગ્રહમાળાઓ, આકાશગંગાઓ અને છેક શનિના વલયો સુધી આપણી નજર પહોંચી. એ જ રીતે શક્ય છે કે જીવની ગતિને ઓળખી શકે એવું ટેલિસ્કોપ હાલ આપણી પાસે નથી. ભવિષ્યમાં શોધાશે ત્યારે એ પણ આપણે જાણી શકીશું.'


'પરંતુ ભૂત-પ્રેત કે વળગાડ કે પછી આવા સપનાઓનો કોઈક આધાર તો હોવો જોઈએ ને?' હવે ઈયાને પોતાની શંકા રજૂ કરી એ ક્ષેમપાલને પણ ગમ્યું.


'આધાર તો એક નહિ, અનેક છે, પણ એ આધારને સિદ્ધાંત તરીકે સ્વિકારી નથી શકાતાં કારણ કે તેમાં કેટલીક ઉણપ છે. એ આધારને આપણે ચિંતનના વાઘા પહેરાવેલા છે. કોઈક એ વાઘા હટાવે, વાર્તા તરીકે કે ફિલોસોફી તરીકે તેના પર ચડી ગયેલા પડળોને ઉખેળે તો કદાચ શક્ય છે કે તેમાંથી કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ મળી આવે'
'એટલે? મને સમજાયું નહિ...' વિલી ઉત્સુકતાભેર મોબાઈલની સાવ નજીક સર્યો.


'વેલ, હવે તમે ત્રણેય મને કહો કે વૈજ્ઞાનિક ઘટના એટલે શું? શા માટે આપણે ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ઘટના કહીએ છીએ પરંતુ તને આવતાં સપનાને વૈજ્ઞાનિક ઘટના કહેવા તૈયાર નથી?'
ત્રણેય અસમંજસમાં એકમેક તરફ તાકી રહ્યા એ જોઈને પંડિતજી મોકળાશથી હસી પડ્યા.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP