Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

‘તારે ઈન્ડિયા જવું જોઈએ એવું એને મેં કહ્યું હતું’

  • પ્રકાશન તારીખ06 Aug 2018
  •  

પ્રકરણ – 24

મૂળ નામ તો ક્ષેમપાલ વિષ્ણુપંત મિશ્રા, પણ બનારસથી બ્રિટનમાં આવીને કેમી મિશ્રા ક્યારે થઈ ગયો એની તેને ખુદને ય ખબર રહી ન હતી.સિત્તેરના દાયકામાં એ ઈરાન ખાતે બ્રિટિશ પેટ્રોલિયમના કર્મચારી તરીકે કામ કરતો હતો. ઈરાનમાં આયાતોલ્લાહ ખોમૈનીએ સત્તા પર આવ્યા પછી અમેરિકન, યુરોપિયન કંપનીઓને તગેડવા માંડી તેમાં બ્રિટિશ પેટ્રોલિયમના યુનિટ્સને ય તાળા લાગી ગયા. એ વખતે કર્મચારીઓને વળતર તરીકે બ્રિટનનું નાગરિકત્વ મળ્યું અને યોગ્યતા મુજબનું કામ પણ આપવામાં આવ્યું.

એ રીતે બ્રિટન આવીને નોબેલ રેકર્ડ ઓફિસમાં જોડાયેલો ક્ષેમપાલ ત્યાંથી જ નિવૃત્ત થયો હતો.


અચાનક આવેલા ફોનમાં ડગ્લાસ મૅક્લિનનો ઉલ્લેખ સાંભળીને એ ઘડીક તો સમજી ન શક્યો, અને કેટલીક સેકન્ડ મૌન સ્તબ્ધતામાં વિત્યા પછી તેણે જવાબ આપ્યો હતો, ‘યસ, વન્સ હી વોઝ માય ફ્રેન્ડ...’

*** *** ***

‘આમ જુઓ તો ફ્રેન્ડ કહી શકાય એવી ગાઢ આત્મિયતા નહિ, અને સાદી ઓળખાણ કહી શકાય એવું સાવ અતડાપણું પણ નહિ...’નમતી બપોરનો સમય, કૂણા તડકાની પાછળ નદી પારથી દોડતો આવતો ઠંડક ભર્યો પવન, પથ્થર જડેલી સમથળ ફૂટપાથ પર હારબંધ પાથરેલા બાંકડાઓ, સહેલાણીઓના વધી રહેલા શોરબકોરથી સહેજ દૂર મીડ-વે તરફ બેઠેલા ચાર જણાં - ત્રણ અંગ્રેજ અને એક ઈન્ડિયન અને તેમની વચ્ચે ટેબલ પર પડેલાં બિયરના મગ...

વિલિયમના ચહેરામાં આબાદ દેખાતી ડગ્લાસની ઝાંખી ભાવપૂર્વક જોઈને પછી ક્ષેમપાલે શરૂ કર્યું હતું, ‘હું એ વખતે રેકર્ડ ઓફિસના કોપીઅર સેક્શનમાં હતો. એ ત્યાં વારંવાર આવતો. રેકર્ડ ઓફિસની લાઈબ્રેરીમાં ય ખાસ્સો સમય બેસતો. લંચ અવરમાં મેં કેટલીય વાર તેને કોફીના એક મગની સાથે બન-બટર ખાતો જોયેલો. તેનો હુલિયો ય મને વિશિષ્ટ લાગતો. ખાસ કરીને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં વર્તાતો ખૌફ...’

તેણે સીધું જ મને પૂછી લીધું હતું કે આર યુ ઈન્ડિયન...? મેં હા પાડી એટલે તરત તેનો બીજો સવાલ હતો કે તમે મહાબળેશ્વર વિશે જાણો છો?

આટલું કહીને ક્ષેમપાલે સહેજ ત્રાંસી નજરે વિલી તરફ જોઈ લીધું. પહેલી જ ક્ષણે તેને વિલીની આંખોમાં ય ડગ્લાસ જેવો જ અકથ્ય, ભયજનક ભાવ તરવરતો લાગ્યો હતો.

‘એક દિવસ હું મારું કામ કરી રહ્યો હતો અને ઓચિંતો જ એ મારી પાસે આવી ચડ્યો. તેનાં હાથમાં રહેલી ફાઈલમાં કેટલાંક કાગળો હતા. તેણે સીધું જ મને પૂછી લીધું હતું કે આર યુ ઈન્ડિયન...? મેં હા પાડી એટલે તરત તેનો બીજો સવાલ હતો કે તમે મહાબળેશ્વર વિશે જાણો છો? મેં કહ્યું અફકોર્સ યસ, એ તો બહુ જાણીતું હિલ સ્ટેશન છે અને ચાર-પાંચ વર્ષ પહેલાં ઈન્ડિયા ગયો ત્યારે હું ત્યાં ગયેલો પણ ખરો...’

‘એ ઘડીક મને જોતો રહ્યો. કોણ જાણે કેમ, મને તેની આંખોના ભાવ બહુ ભેદી લાગતા હતા. સતત કોઈ આદમીનો છળી ઊઠેલો ચહેરો સાધારણ રીતે આપણે પસંદ નથી કરતા. તેની આંખોમાં સતત એવો ભાવ વર્તાતો હતો.’


‘તેણે તરત મારા ટેબલ પર જ પોતાના હાથમાં રહેલી એ ફાઈલ ખોલી અને કહેવા માંડ્યું, હી વોઝ આર્થર મૅક્લિન... ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મોટો અફસર હતો. મેં પાના ફેરવવા માંડ્યા. મને ય વાત તો રસપ્રદ લાગી. આર્થર પોઈન્ટ તરીકે ઓળખાતી એ અત્યંત ખૂબસુરત જગાએ હું પણ ગયો હતો. મને એ સ્થળ બરાબર યાદ હતું. પરંતુ તેની સાથે આવી દર્દનાક કહાની સંકળાયેલી છે એ મને ખબર ન હતી.’

‘તેણે મારી સામે જોઈને ઉતાવળા અવાજે કહી દીધું, તમે નહિ માનો પણ આર્થર મૅક્લિન મારો વડદાદો થાય... મારું નામ ડગ્લાસ મૅક્લિન!!’ ‘એ વખતે હું સાચે જ આશ્ચર્યથી ચકિત થઈ ગયો હતો. પહેલું કારણ તો એ કે મારા વતનમાં જાજરમાન ઈતિહાસ ધરાવતા એક અંગ્રેજના વારસદારને હું જોઈ રહ્યો હતો. બીજું કારણ એ કે અંગ્રેજ અફસરની કહાની ભારે કરુણ હતી અને ત્રીજું, કદાચ સૌથી વધુ મહત્વનું કારણ એ કે એક જમાનામાં હિન્દુસ્તાનમાં શાહી દબદબો ધરાવનારા હાકેમના વંશજને હું સાવ મુફલિસ હાલતમાં રઘવાયાની જેમ આમતેમ ઘૂમતો, કોરી બ્રેડ ખાતો જોતો હતો.’


‘એ પછી અમારી વચ્ચે નિકટતા વધી. એ દિવસે ઓફિસ અવર્સ પછી અમે મોડી સાંજ સુધી સાથે રહ્યા. એ દરમિયાન તેની કથની તેણે મને કહી. સપનાની વાત પણ કહી અને સપનામાં તેને જે સ્ત્રી દેખાય છે એ ઈરમા છે, જે નદી દેખાય છે એ મહાબળેશ્વર ખાતે સહ્યાદ્રીની ગોદમાં વહેતી સાવિત્રી નદી છે, જેનું કારમું આક્રંદ સંભળાય છે એ આર્થર-ઈરમાનો દીકરો વિલી છે એ સઘળી વાતો ય તેણે મને કરી.’

‘એ સઘળો વખત એ ભયંકર છળેલો હતો. તેના શરીરમાં જાણે કંપ-વા થતો હોય તેમ થોડી થોડી વારે ધ્રૂજારી ઉપડતી હતી અને આંખોમાં કશુંક ચળીતર જોઈ નાંખ્યાનો સ્થાયી ભાવ વધુ તીવ્ર બનેલો લાગતો હતો. અમે કોઈ નશો કર્યો ન હતો, પણ તોય છૂટા પડ્યા ત્યારે તેને ભાંગેલા, લથડિયા ખાતાં પગલે જતાં હું જોઈ રહ્યો.’


‘એ આખી રાત હું ચેનથી ઊંઘી શક્યો નહિ. મને સતત ડગ્લાસના જ વિચારો આવતા રહ્યા. તેની વાત માની શકાય તેમ ન હતી અને ખોટી જ છે એવું માનવા માટે પણ મારી પાસે કોઈ કારણ ન હતું.’

‘કેમ?’ પૂરી તલ્લિનતાથી ભારે રસપૂર્વક સાંભળી રહેલાં ઈયાને ઓચિંતો સવાલ કરીને ક્ષેમપાલને રોક્યો, ‘આ આખી વાતમાં માની શકાય એવી એક ચીજ મને તો દેખાતી નથી. તમને ય એવો સવાલ ન થયો કે ડગ્લાસ નાહકનો સપનાથી ડરી રહ્યો છે અને ખરેખર તો તેને મનોચિકિત્સકની જરૂર છે?’


એ વખતે ઈયાને પોતે પણ ડગ્લાસની આ સ્થિતિ જોઈ જ હતી. એ તો ડગ્લાસને વધુ લાંબા સમયથી અને વધુ નજીકથી જાણતો હતો. તો પણ તેને ડગ્લાસની વાતમાં વિશ્વાસ પડ્યો ન હતો, એ તદ્દન અજાણ્યા માણસને કેવી રીતે પડી શક્યો? ઈયાનના સવાલ પાછળ તેનો મૂળ મુદ્દો આ હતો.


‘એક શિક્ષિત વ્યક્તિ તરીકે ખરેખર તો પહેલો વિચાર મને એવો જ આવવો જોઈએ, અને સાચું કહું તો આવ્યો પણ હતો...’ ક્ષેમપાલે ઊંડો શ્વાસ લીધો અને ફરીથી ત્રણેયની તરફ જોયું. એ હવે જે કહેવા જઈ રહ્યો હતો તેમાં આ લોકોને શ્રદ્ધા નહિ જ બેસે એ તેને ખબર હતી, ‘ડગ્લાસના ભયને હું સાવ અકારણ કે ડિપ્રેશન ન ગણી શક્યો કારણ કે હું બનારસનો છું, જ્યાં મારા પરિવાર પાસે આવતાં અનેક કિસ્સાઓ મેં બાળપણથી જ જોયેલા છે.’

‘એટલે?’


‘એ બધું હું વિગતવાર તો તમને કદાચ નહિ સમજાવી શકું, કારણ કે મૂળભૂત રીતે એ મારો વિષય નથી. પરંતુ મારા દાદા, કાકા, પિતા અને એ સિવાયના પણ અનેક લોકોને હું જાણું છું જે આવી વાતોમાં પ્રચંડ વિશ્વાસ ધરાવે છે. એવો વિશ્વાસ ધરાવવા માટે તેમની પાસે પૂરતાં પ્રમાણો પણ છે. એ પ્રમાણોમાં ઊંડા ઉતરવાનું મારું ગજું નથી, પણ એ દરેકની ક્ષમતા પર મને વિશ્વાસ છે માટે હું ય માનું છું કે એ લોકો જો કહે છે કે આવું છે તો એ હશે જ.’

‘એક મિનિટ... એક મિનિટ... પ્લિઝ...’ હવે વિલી ય અકળાઈને બોલી ઊઠ્યો, ‘મને કશું જ સમજાયું નથી, તમે શું કહેવા માંગો છો. વિલ યુ ઈલેબોરેટ પ્લિઝ? કઈ વાતમાં પ્રચંડ વિશ્વાસ? કોણ ધરાવે છે પ્રચંડ વિશ્વાસ? એ લોકો કહે છે કે આવું છે તો એ આવું એટલે કેવું? ક્યા લોકો કહે છે? પ્લિઝ, જે કંઈ હોય એ સ્પષ્ટ રીતે કહો...’


ક્ષેમપાલના ચહેરા પર અવઢવ પારખીને વિલીએ ફરીથી ઉમેર્યું, ‘તમારી વાતમાં મને વિશ્વાસ નહિ બેસે તોય હું તમારો વિરોધ નહિ કરું, કારણ કે મને ખબર છે કે તમે મને ખોટી રીતે ભરમાવશો તો નહિ જ.’


‘આ આખી ય વાત સમજણના સામા છેડાની છે...’ ક્ષેમપાલે વિલીની તરફ જોયું, ‘આપણી સમજણ પૂરાવાથી ઘડાય છે, ઘટના માટેના કાર્ય-કારણ સંબંધ થકી આપણી સમજણ બંધાય છે. તું નદીમાં ભૂસકો મારે તો તારા વજન જેટલું જ પાણી ઉછળે એ તને ખબર છે. કારણ કે સદીઓ પહેલાં આર્કિમિડિઝે ભૂસકાનો અને પાણીના ઉછળવા વચ્ચેનો કાર્ય-કારણ સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો છે. આ એક એવી વાત છે જે સમજણના સામા છેડાની છે, કારણ કે તેના કોઈ પ્રમાણો હું આપી શકું તેમ નથી.’


આમાં વળી આર્કિમિડિઝ જેવો સેંકડો વર્ષ પહેલાંનો ગ્રીક વૈજ્ઞાનિક ક્યાં આવ્યો? વિલીને હજુ ય સૂઝ પડતી ન હતી, પણ એ ધ્યાનપૂર્વક ક્ષેમપાલને સાંભળી રહ્યો હતો. તેણે જેમ્સ તરફ જોયું. અગાઉ ચર્ચમાં જવા માટે એ તૈયાર થયો ન હતો ત્યારે જેમ્સે પણ કંઈક આવી જ દલીલ કરી હતી એ તેને યાદ આવ્યું. ત્યારે જેમ્સે કહ્યું હતું કે, પૃથ્વી ગોળ છે એવું ગેલિલિયોએ કહ્યું ત્યાં સુધી દુનિયાભરના લોકો પૃથ્વીને સપાટ જ માનતાં હતાં. એ જ રીતે, કેટલીક એવી ય ઘટનાઓ ય હોય જે આજે આપણી સમજની બહાર હોય અથવા તો આપણી સમજણ ટૂંકી પડતી હોય. પરંતુ ફક્ત એટલાં માટે એવું નથી જ એમ ન માની લેવાય. જેમ્સની એ દલીલ તેને બરાબર યાદ હતી.

જેમ્સ પણ એ વખતે સુચક નજરે વિલી તરફ જોઈ રહ્યો અને જરાક સ્મિત વેર્યું. ઈયાનના ચહેરા પર પારાવાર મૂંઝવણ હતી.

ત્રણેયના હાવભાવ બરાબર નીરખીને ક્ષેમપાલે ફરી શરુ કર્યું, ‘તારા બાપને એવો ડર હતો કે તેને જે સપનું આવે છે એ ઈરમાનું છે અને સપનાના માધ્યમથી ઈરમા સતત પોતાના દરેક વંશજોને કશુંક કહેવા માંગે છે. તેને કદાચ તમારી કશીક જરૂર છે, પણ એ કહી શકતી નથી અને તમે દરેક વંશજો એ સમજી શકતા નથી.’


‘પણ ફક્ત આટલી જ વાતથી એ ઈન્ડિયા જવા તત્પર બન્યો હતો?’ ઈયાનની ગડમથલ હજુ જારી હતી.


‘ના, તારે ઈન્ડિયા જવું જોઈએ એવું એને મેં કહ્યું હતું’ ક્ષેમપાલે જરાક ખચકાતા અવાજે કહ્યું, ‘એ તો કમનસીબે ન જઈ શક્યો, પણ હું બહુ જ દૃઢતાપૂર્વક માનું છું કે હવે વિલિયમ પણ જો એવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે ય હવે જરાય મોડું કર્યા વગર ઈન્ડિયા જવું જોઈએ..’


‘બટ વ્હાય?’ ઈયાને પૂછ્યું, ‘આવી તદ્દન અવૈજ્ઞાનિક, જાદુટોણાં જેવી આધારહીન...’

‘અવૈજ્ઞાનિક કદાચ કહી શકો...’ ક્ષેમપાલે અડધેથી જ ઈયાનને રોક્યો, ‘પણ આધારહીન તો ન જ કહેશો’


‘કેમ ન કહું? તમારી ખુદની પાસે આવી વાતોનું કોઈ પ્રમાણ ક્યાં છે?’

‘મારી પાસે નથી, પણ હું એવા અનેક લોકોને ઓળખું છું જે પ્રમાણ સાથે આ વાત સમજાવી શકે છે, ગળે ઉતરાવી શકે છે. પચ્ચીશ વર્ષ પહેલાં હું ય સંમત થયો હતો અને ડગ્લાસ પણ...’ તેણે ફરીથી વિલી તરફ જોયું, ‘મને ખાતરી છે કે વિલી પણ સંમત થશે જ...’


‘પણ ક્યા પ્રમાણ? ક્યા લોકો?’

(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP