Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'આ રિયુ....' અચાનક નૌતમલાલના ચહેરા પર હાસ્ય તરી આવ્યું, 'ઈટ ઈઝ હિઅર

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

પ્રકરણ - 23
ઈયાને લંબાવેલા હાથ તરફ જેમ્સ અને વિલની નજર ગઈ. રસ્તાની સામેની તરફ હેબ્રોન સ્ક્વેઅરના વળાંક પાસે એક સ્ટોર પર નિયોન લાઈટ્સના વળાંકદાર શબ્દોમાં લખ્યું હતું, 'ઈન્ડિયન સ્પાઈસીઝ એન્ડ ફ્લેવર્સ... ટ્રસ્ટેડ સિન્સ 50 યર્સ' !


ત્રણેયે એકમેકની સામે જોયું. દરેકના ચહેરા પર એકસરખા ભાવ હતા. પચાસ વર્ષ જૂનો ઈન્ડિયન સુપરસ્ટોર ઓફિસથી આટલો નજીક હોય ત્યારે રેકર્ડ ઓફિસમાં કામ કરનારો ઈન્ડિયન કર્મચારી ત્યાં નિયમિત જતો જ હોય. આ તુક્કો વધુ ધારદાર હતો. ત્રણેયે કશું બોલ્યા વગર નજરથી જ સંતલસ કરી લીધી અને રોડ ક્રોસ કરવા માંડ્યો.
*** *** ***


સ્ટોરની દરેક દિવાલો પર આકર્ષક ફ્રેમમાં મઢેલી મિથુન ચક્રવર્તીની વિવિધ સાઈઝની આઠ-દસ મોટી તસવીરો, ડિસ્કો ડાન્સર, સુરક્ષા, વારદાત જેવી ફિલ્મોના રંગીન પોસ્ટર્સ, ધીમા અવાજે સ્ટિરિયો પર વાગતું ગીત...


આજા રે મેરે સાથ... યે જાગી જાગી રાત
પૂકારે તુજે સૂન... સૂના દે વોહી ધૂન
જીમી જીમી જીમી... આજા આજા આજા


સ્ટોરના સેન્ટરમાં વિશાળ કાઉન્ટર પર ગીત સાંભળીને મંત્રમુગ્ધપણે તાલમાં ડોકું ધૂણાવી રહેલો એક પ્રૌઢ આદમી.


કપાળની બરાબર વચ્ચે પાડેલી પાંથી, પરાણે ડાઈના લપેડા ચોપડી ચોપડીને કાળાભમ્મર કરેલાં કાનથી બે આંગળ નીચે આવતાં વાળ, લાંબા થોભિયાને બદલે કાન પાસેથી જ કાપી નાંખેલી ટીશી અને પાછળ આખી ગરદન આવરી લેતા ઓડિયા, સહેજ શામળો પણ અણીદાર નાકને લીધે જરાક નમણો લાગતો પાતળો ચહેરો. ભડકામણા રંગનો પ્રિન્ટેડ શર્ટ અને એવા જ ફ્લોરોસન્ટ કલરનું પેન્ટ, સફેદ બેલ્ટ. પગમાં ચાંચવાળા જૂતા, હાથમાં સોનાની જાડી પહોંચી. ગળામાં ય એવો જ જાડો ત્રણ સેરનો ચેઈન.

૧૫ વર્ષની ઉંમરે જુનાગઢની જયશ્રી ટોકિઝમાં ડિસ્કો ડાન્સર જોયું ત્યારથી મિથુનનો ગાંડોતુર આશિક


નામઃ નૌતમ ગોવાણી, વતન જુનાગઢ, બ્રિટનમાં નિવાસ ૨૮ વર્ષથી અને ૧૫ વર્ષની ઉંમરે જુનાગઢની જયશ્રી ટોકિઝમાં ડિસ્કો ડાન્સર જોયું ત્યારથી મિથુનનો ગાંડોતુર આશિક.
'ઉમર પચપન કી, દિલ બચપન કા' જેવો શબ્દપ્રયોગ કેટલાંક લોકો સાચુકલા જ જીવતાં હોય છે. નૌતમલાલ તેમાં માપોમાપ ફિટ બેસે. કોઈ છોકરી જરાક હસે ત્યાં પાણી-પાણી થઈ જવાની આદત નૌતમલાલને પંચાવનના થયા પછી ય ગઈ ન હતી. અંગ્રેજી બોલવાનો એવો ડોડડિયો કે કાળવા ચોકના ગાંઠિયાવાળાને ય અંગ્રેજીમાં ઓર્ડર આપે, 'વન હન્ડ્રેડ એન્ટ ફિફ્ટી ગ્રામ રોલ્ડ ગાંઠિયા... જેને કે'વાય કે, હોટ હો... ટોટલ હોટ'!!


ડિક્શનરીમાં જોઈ જોઈને અઘરા અઘરા શબ્દો પાકા કરવા અને પછી વાતચીતમાં વાપરવામાં એમને અમેરિકાનું ડ્રોન વિમાન તોડી પાડ્યું હોય એવો પરાક્રમભાવ અનુભવાય. જેવી અંગ્રેજીની આદત એવી જ આદત 'જેને કે'વાય કે' બોલવાની. દરેક વાતમાં, દરેક વાક્યમાં આદતવશ તેમનાથી અચૂક શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં 'જેને કે'વાય કે' બોલાઈ જ જાય. બ્રિટનમાં સ્થાયી થયા પછી અંગ્રેજ ગ્રાહકો સાથે ડીલ કરતી વખતે પણ બેહિચક બોલી નાંખે, 'યસ મિ. એડમ, ઓલ ધ કન્સિક્વન્સિઝ આર ડિપન્ડ ઓન સર્કમસ્ટન્સિઝ.... બટ... જેને કે'વાય કે સર્કમસ્ટન્સિઝ મસ્ટ બી ઓ'ફૂલ, યુ નો!'


ભલે દે ઠોકમઠોક હોય, પણ અંગ્રેજી બોલવાની એકમાત્ર આવડતના જોર પર લંડનમાં કાકાનો જામેલો સુપરસ્ટોર સંભાળવા નૌતમલાલે ૨૮ વર્ષ પહેલાં બ્રિટનમાં પગ મૂક્યો ત્યારથી આજ સુધીમાં કંઈક અંગ્રેજોને તેમણે 'જેને કે'વાય કે' બોલતાં કરી દીધાં હતાં.


'ઈન્ડિયન સ્પાઈસ એન્ડ ફ્લેવર્સ'ના કાઉન્ટર પર બેસીને તાલબદ્ધ ડોલનશૈલીમાં ડોકું ધૂણાવી રહેલા નૌતમલાલે મિથુનના કેફમાં અડધી બિડાયેલી આંખે દરવાજામાંથી ત્રણ આદમીઓને પ્રવેશતા જોયા. તરત તેમણે સ્ટિરિયોનું વોલ્યુમ અત્યંત નીચું કરી નાંખ્યું અને ચહેરા પર સ્મિત ધારણ કરીને આજે સવારે જ પાકા કરેલાં અઘરા અંગ્રેજી શબ્દો તાજાં કરવા માંડ્યા.
*** *** ***


શરૂઆતમાં પોતે જેમને રોજિંદા ગ્રાહક સમજી બેઠા હતા એ ત્રણ મહાશયો તો કંઈક જૂદી જ સમસ્યા લઈને આવ્યા હતા. પચ્ચીશ વર્ષ પહેલાં રેકર્ડ ઓફિસમાં કામ કરતો કોઈ ઈન્ડિયન... તેમણે ક્યાંય સુધી માથું ધૂણાવ્યા કર્યું.


રેકર્ડ ઓફિસ જ નહિ, આસપાસની કેટલીય ઓફિસોમાં કામ કરતાં કે પાછળના રહેણાંક વિસ્તારોના અનેક ભારતીયોમાં આ સુપરસ્ટોર બહુ લોકપ્રિય હતો, પણ પચ્ચીશ વર્ષ પહેલાંનો કોઈ ભારતીય, જેનું નામ પણ ખબર નથી...


નૌતમલાલે ગરદન સહેજ ત્રાંસી કરીને ડાબા હાથથી વાળના ઓડિયા સરખા કર્યા. માળું આ તો બેઠું મિથુનની ફિલમ 'સુરક્ષા' જેવું જ થિયું હો... ત્રણ અજાણ્યા અંગ્રેજ લોકો ઓચિંતા આવીને મને પૂછે કે પચ્ચી વરહ પે'લાના ઈન્ડિયનનું નામ શું? મનોમન મ્હાલી રહેલા નૌતમલાલ મિથુનની માફક ગન માસ્ટર જી-9ની ભૂમિકામાં આવી રહ્યા હતા.


બીજો કોઈ દુકાનદાર હોય તો નમ્રતાથી ના પાડીને ત્રણેયને રવાના કરી દે, પણ આ તો નૌતમલાલ હતા... પારકી છઠ્ઠીના જાગતલ. કોઈ એડ્રેસ પૂછે તોય 'આવતા રિયો મારી વાંહોવાહ્ય...' કહીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી આવતાં કાઠિયાવાડનો આદમી...!


'પ્લિઝ સીટ ડાઉન પ્લિઝ...' મોંઘેરાં વેવાઈ આવ્યા હોય તેમ નૌતમલાલે ત્રણેયને બેસાડ્યા, 'ધો ઈટ ઈઝ ડિફિકલ્ટ બટ વી હેવ જેને કે'વાય કે વેરી બિગ ડેટા બેઈઝ ઓફ અવર ઈન્ડિયન કસ્ટમર. વન બાય વન જેને કે'વાય કે વી વિલ ગો થ્રુ ઈટ એન્ડ ટ્રાય ટુ રીચ અપ ટૂ પ્રોપર પર્સન'


નૌતમલાલે ડ્રોઅરમાંથી કેટલાંક ચોપડા કાઢ્યા. આમથી તેમ ઉથલાવ્યા. કેટલાંક નામો કાગળ પર નોંધ્યા. ચોપડા વળી ડ્રોઅરમાં મૂક્યા અને પછી કમ્પ્યૂટરના સ્ક્રિનમાં નજર જમાવીને કિ-બોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી.


વિલી આતુરતાથી નૌતમલાલની ચેષ્ટાઓ જોઈ રહ્યો હતો. અંગ્રેજી અતડાઈથી ટેવાયેલા ઈયાનને આ તદ્દન અજાણ્યા આદમીએ દાખવેલી હોંશથી તાજુબી થતી હતી અને જેમ્સ દિવાલો પર લગાડેલા મિથુનના ફોટાઓને કૌતુકથી જોઈ રહ્યો હતો.


'આ રિયુ....' અચાનક નૌતમલાલના ચહેરા પર હાસ્ય તરી આવ્યું, 'ઈટ ઈઝ હિઅર...'


એ સાથે ત્રણેયના ચહેરા પર લાલાશ ધસી આવી.


'વોટ આઈ ટોલ્ડ યુ, અવર ડેટા બેઈઝ ઈઝ વેરી રીચ. ધેર ઈઝ અ ઈડિયમ ઈન અવર લેંગ્વેજ, જેને કે'વાય કે, ફ્રૂટ ઓફ પેશન્સ આર ઓલ્વેઝ સ્વિટ'


નૌતમલાલે કમ્પ્યૂટરના સ્ક્રિન પર નામ વાંચવા માંડ્યા. અગાઉ ચોપડામાં લખવાની જૂનવાણી ટેવ હવે તેમણે કમ્પ્યૂટરની ડ્રાઈવ સુધી લંબાવી દીધી હતી, 'હરિવદન દલાલ, ડોક્ટર... અંશુમાન ગાયતોંડે, આર્કિટેક્ટ... એન. વેંકટરમણ, લો એક્સપર્ટ... સોરાબજી જીજીભોય, બિઝનેસમેન...'


એ ક્યાંય સુધી નામો વાંચતો રહ્યા. દરેક નામની સાથે તેમનું એડ્રેસ નોંધાયેલું હતું. મોટાભાગના નામોની સાથે વ્યવસાય પણ લખેલો હતો. નવો માલ આવે ત્યારે ગ્રાહકોને જાણ કરવા માટે કે એડવાન્સ ઓર્ડરની હોમ ડિલિવરી માટે આવી વ્યવસ્થા રાખવી અનિવાર્ય હતી.


પણ એકેય નામ એવું નીકળતું ન હતું, જે નોબેલ રેકર્ડ ઓફિસમાં નોકરી કરતો હોય. ઝડપભેર છતાં ચીવટપૂર્વક માઉસ સ્ક્રોલ કરતા જતા નૌતમલાલના ચહેરા પર તંગદીલી આવી રહી હતી. દોઢસોથી વધુ નામો ચેક કરી લીધા પણ...


અચાનક એક નામ પર તેમની આંખોમાં ચમકારો ઊભર્યો, ઈન્ડિયન એસોસિએશન ઓફ વેસ્ટર્ન લંડન.


'ઓત્તારી... તિયાં જ પૂછાય ને...' મનોમન બબડીને તેમણે કાગળ પર નંબર લખ્યો અને તરત ડાયલ કર્યો. એ ત્રણેય ભારે આતુરતાથી નૌતમલાલની ચેષ્ટા જોઈ રહ્યા હતા અને નૌતમલાલ સ્મિતભેર હાથનો પંજો આગળ કરીને તેમને સધિયારો આપી રહ્યા હતા.


'હા હેલ્લો... કૌન બોલ રહા હૈ?' સામેથી ફોન ઉપડ્યો એટલે નૌતમલાલે બોલવા માંડ્યું, 'મૈં નૌતમલાલ ગોવાણી ફ્રોમ સુપરસ્ટોર ઈન્ડિયન સ્પાઈસ એન્ડ ફ્લેવર્સ... મેરેકુ એક કામ હૈ, એક સાહબ પચ્ચીશ સાલ પહેલે યહાં નોબેલ રેકર્ડ ઓફિસમેં કામ કર રહે થે, લેકિન ઉનકા નામ-પતા કુછ હૈ નહિ... જેને કે'વાય કે એસોસિએશન મેં શાયદ રજીસ્ટર્ડ હો તો દેખિયે ના... અરે નહિ નહિ... અભી કા અભી ચાહિયે હમકો... યહાં ખાસ ઉનકા ખાસ કામ લેકર કુછ લોગ બૈઠે હૈ... દેખિયે ના ભાઈસાહબ, કિતના વક્ત લગેગા, કમ્પ્યૂટર મેં સિર્ફ નોબલ રેકર્ડ ઓફિસ હી તો ડાલના હૈ...'


પારકું કામ પોતાનું ગણીને કોઈક ત્રીજા જ અજાણ્યાને ભારપૂર્વક કહેતાં નૌતમલાલની ભાષા આ ત્રણેયને સમજાતી ન હતી. બાકી એ ઊભા થઈને ભેટી જ પડ્યા હોત.


ત્રણેયની આતુર આંખો તરફ ફરીથી હાથનો પંજો ધરીને તેણે ફોન કાન પર ખોસેલો રાખ્યો. થોડી વારમાં સામેથી કંઈક જવાબ આવ્યો. નૌતમલાલે વળી કંઈક કાગળ પર લખ્યું અને જાણે આદમી સામે બેઠો હોય તેમ ડોકું હલાવીને ફોનમાં કહેવા માંડ્યું, 'થેન્ક યુ... થેન્ક યુ વડીલ, મૈં વહાં ચેક કરતા હું.... હાં.. હાં... આપ કા રેફરન્સ ભી દુંગા... થેન્ક યુ હો, કભી આઈએ હમારે સ્ટોર પે... એકદમ તાજા મસાલે આ ગયે હૈ... હા જી હાજી...' કહીને તેણે ફોન મૂક્યો.


ત્રણેયની તરફ જોયા વગર જ 'જસ્ટ અ મિનિટ હો...' કહીને તેમણે વળી એક નંબર લગાવ્યો. એ કોઈ બીજા એસોસિએશનનો હતો, જેમાં બ્રિટિશ ગવર્ન્મેન્ટ કે લંડન બરો સાથે નોકરી કરતા કે અન્ય રીતે સંકળાયેલા ભારતીયો વધુ પ્રમાણમાં જોડાયેલા હતા. એ ફોન પર પણ ખાસ્સી લાંબી વાત કરીને કટ કર્યો ત્યારે તેના ચહેરા પર વિજયસ્મિત હતું.


'ઈટ્સ યોર પર્સન...' તેણે ત્રણ નામ અને નંબર લખેલી ચબરખી આગળ ધરી, 'આ ત્રણ જણા ઘણાં વરસ પહેલાં નોબેલ રેકર્ડ ઓફિસમાં કામ કરી ચૂક્યા છે. તમારે જોઈએ છે એ એમાંથી મળી શકશે.' ત્રણેયના ચહેરા પર પારાવાર હરખ ઊભરાઈ રહ્યો હતો. તદ્દન અશક્ય લાગતું કામ આ માણસની હોંશને લીધે થઈ રહ્યું હતું અને હજુ ય એ ધરાતો ન હોય તેમ પૂછી રહ્યો હતો, 'લાવો હું વાત કરાવી દઉં?'


અંગ્રેજી તહેઝિબની ઐસીતૈસી કરીને વિલીએ રીતસર નૌતમલાલનો હાથ પકડી લીધો અને ભાવવિભોર થઈને આભાર માન્યો.


'અરે એમાં સુઉઉઉ, ઈટ્સ માય ડ્યુટી... ફીલ ફ્રી ટૂ કમ એની ટાઈમ... જેને કે'વાય કે...'


અડધી કલાક પછીઃ
ત્રણેયને અધિરાઈ જ એટલી ફાટાફાટ થતી હતી કે પાર્કિંગ લોટમાં ગાડીમાં બેસીને તરત જ નંબર ઘૂમાવવા માંડ્યો. રિંગ જતી હતી અને દરેકના હૈયાના ધડકારા વધી રહ્યા હતા.
'હેલ્લો, મે આઈ સ્પિક ટૂ મિ. મિશ્રા?'


સામા છેડેથી હકાર આવ્યો એટલે વિલીએ બીજો સવાલ કર્યો, 'ઈન્ડિયન એસોસિએશનમાંથી મેં તમારો નંબર મેળવ્યો છે. તમે પચ્ચીશેક વર્ષ પહેલાં નોબેલ રેકર્ડ ઓફિસમાં કામ કરતા હતા?'


સામેથી ફરી હકાર આવ્યો એટલે વિલીએ થડકતા હૈયે પૂછી લીધું, 'એ સમયે તમે કોઈ ડગ્લાસ મૅક્લિનને ઓળખતા હતા?'
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP