એક્સીલેટર સાથે બ્રેક ઉપરાંત વિવેક નામનું સ્ટિયરિંગ પણ જોઈએ

artilce by gunvant shah

ગુણવંત શાહ

Nov 25, 2018, 12:05 AM IST

‘પ્રતિજ્ઞા’ શબ્દ પવિત્ર છે, પરંતુ એ નિરપવાદપણે પવિત્ર નથી. મનુષ્યદેહે સ્વર્ગમાં પ્રવેશનારા એકમાત્ર મહામાનવ ધર્મરાજ યુધિષ્ઠિર હતા. એમની પ્રતિજ્ઞા હતી: ‘આહૂતો ન નિવર્તેયમ્.’ આવી પ્રતિજ્ઞાને કારણે તેઓ જુગાર રમવા માટેનું આમંત્રણ ઠુકરાવી ન શક્યા. તેઓ ખરેખર ધર્મરાજ હતા, પરંતુ જુગારપ્રેમની બાબતમાં લગભગ લાચાર હતા. પૂછવા જેવો પ્રશ્ન છે: જો પિતામહ ભીષ્મે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ન લીધી હોત, તો મહાભારતનું ભીષણ યુદ્ધ થયું હોત ખરું?

પ્રતિજ્ઞા આપણને બાંધે છે. વ્રત-નિયમ આપણને બાંધે છે. તો કરવું શું? સંયમ નામની ચીજને નેવે મૂકનારો સમાજ પણ પડે છે અને મોટું પતન એને ભોંયભેગો કરે છે, માટે વ્રત નહિ વિવેક પર ભાર મુકાવો જોઈએ

અર્જુન ઋજુ હૃદયનો ક્ષત્રિય વીર હતો. એની પ્રતિજ્ઞા હતી: ‘જો કોઇ ગાંડીવની નિંદા કરે, તો પોતે તેનો વધ કરશે.’ આવી નિંદા કરનાર મોટાભાઇ યુધિષ્ઠિરનો વધ કરવા માટે એ તત્પર બન્યો હતો. જો કૃષ્ણે બાજી સંભાળી લીધી ન હોત, તો ચાલુ યુદ્ધે અર્જુને યુધિષ્ઠિરનો વધ કર્યો હોત એ નક્કી! અરે! ભીમસેનની પ્રતિજ્ઞા ખાસ જાણી રાખવા જેવી છે. પ્રતિજ્ઞા હતી: ‘જો કોઇ એને પોતાનાથી વધારે ખાનાર માણસ બતાવશે, તો પોતે તેને મારી નાખશે.’ બોલો! પ્રતિજ્ઞા આવી વિચિત્ર પણ હોઇ શકે? (કર્ણપર્વ, 48,12). ‘મહાભારત’ જેવા વિરાટ કાવ્યમાં પ્રતિજ્ઞાનો અતિરેક જોવા મળે છે. આપણે એને ‘પ્રતિજ્ઞાપરાધ’ કહી શકીએ? સ્વામી સચ્ચિદાનંદજીએ પોતાનું એક પુસ્તક ભીમસેનને અર્પણ કર્યું છે. સ્વામીજી ભીમસેન પ્રત્યે આદર ધરાવનારા છે. ભીમસેનને અર્પણ થયું હોય એવું આ એકમાત્ર પુસ્તક ગણાય.


ડો. અમર્ત્યસેને પોતાના સમૃદ્ધ ગ્રંથ, ‘The Argumentative Indian’માં ગુરુદેવ ટાગોર અને ગાંધીજી વચ્ચેનો એક અદ્્ભુત પ્રસંગ નોંધ્યો છે. અહીં એ મારા શબ્દોમાં રજૂ કરું? જ્યારે ગાંધીજી શાંતિનિકેતન ગયા ત્યારે એક યુવાન સ્ત્રીએ ઓટોગ્રાફ બૂકમાં ગાંધીજીના હસ્તાક્ષર માગ્યા. ગાંધીજીએ હસ્તાક્ષર કર્યા પછી લખ્યું: ‘કદી વચન આપવું નહીં, પરંતુ એક વાર વચન આપ્યા પછી જીવનના ભોગે પણ એ પાળવું.’ ગુરુદેવે આ શબ્દો વાંચ્યા ત્યારે એમને એ ન ગમ્યું. એ વાંચીને ગુરુદેવ થોડાક ઉશ્કેરાયા. પછી એ જ બૂકમાં ગુરુદેવે બંગાળી ભાષામાં પંક્તિઓ લખી:
કોઇ પણ મનુષ્યને
માટીની બનેલી સાંકળ વડે
કાયમને માટે
કેદી બનાવી શકાય નહીં.
ગુરુદેવ ત્યાં અટક્યા નહીં. એમણે ગાંધીજી માટે અંગ્રેજી અનુવાદ પણ લખ્યો. શું લખ્યું: ‘તમે આપેલું વચન (પાછળથી) જો ખોટું જણાય તો એને ફંગોળી મૂકજો.’ (પાન-99)


મહાભારતના યુદ્ધ પહેલાં કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે યુદ્ધમાં શસ્ત્રો ધારણ નહીં કરે. આમ છતાં ચાલુ યુદ્ધે તેઓ રથનું પૈડું લઇને ભીષ્મ પિતામહને મારવા માટે ધસી ગયા હતા. ક્રોધે ભરાયેલા એવા કાળસ્વરૂપ કૃષ્ણનું પિતામહે ભક્તિભાવપૂર્વક અભિવાદન કર્યું હતું.
પ્રતિજ્ઞા અને વ્રત મનુષ્યને બાંધે છે. બ્રહ્મચર્યનું વ્રત લઇને જીવી રહેલા કેટલાય લોકો કેદીની માફક જીવે એને બદલે તંદુરસ્ત સેક્સ દ્વારા પ્રજા પેદા કરે, તો સમાજ મનદુરસ્ત બને. જ્યાં જુઓ ત્યાં વંચિતપણાની વિકરાળ પ્રતિક્રિયામાંથી સર્જાતા અદૃશ્ય ઉકરડા ગંધાતા રહે છે. આવો સડેલો સમાજ ક્યારેક ભક્તિને નામે લંગોટલંપટ મહારાજોનો આદર કરતો રહે છે. ખુશવંત સિંઘને હું ‘નિખાલસ સિંઘ’ કહું છું. સત્યને પ્રગટ કરતી વખતે ખુશવંત ઇમાનદાર હોય છે, ઇજ્જતદાર નહીં. એ બાબતે તેઓ ગાંધીજીની નજીક હતા. જીવનમાં સતત ઇમાન અને ઇજ્જત વચ્ચે ખેંચાતાણી ચાલ્યા કરે છે. એક અપૂર્ણ મનુષ્ય, બીજા અપૂર્ણ મનુષ્ય પાસે પૂર્ણતાની અપેક્ષા રાખે છે. ઇશ્વર સિવાય પૂર્ણતા અન્ય કોઇ પાસે નથી હોતી, ગાંધીજી પાસે પણ નહીં. મનુષ્યમાત્ર ખલનશીલ હોવાનો. કવિશ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓ મમળાવવા જેવી છે. સાંભળો:


સંપૂર્ણતા હુંથી પરી રહો સદા,
આનંદ માગું હું અપૂર્ણતાનો.
દમે દમે કૈંક થવા મથી રહું,
મથામણોની ન મણા હજો મને.
(‘સમગ્ર કવિતા’, પાન-459).


પ્રતિજ્ઞા આપણને બાંધે છે. વ્રત-નિયમ આપણને બાંધે છે. ગાંધીજીએ પ્રબોધેલાં અગિયાર વ્રતો પણ માનવીને બાંધે છે. તો કરવું શું? સંયમ નામની ચીજને નેવે મૂકનારો સમાજ પણ પડે છે અને મોટું પતન એને ભોંયભેગો કરે છે. ગોકુળ ગામમાં રાસલીલા હતી, પરંતુ અસંયમથી ખદબદતો બળાત્કાર ન હતો. કબીરે કહ્યું:


કબીરા કબીરા ક્યું કરો,
જાઓ જમુના કે તીર,
એક ગોપી કે પ્રેમ મેં
બહ ગયે લાખ કબીર!


मर्यादा જેવો શબ્દ હવે શબ્દકોશમાં જ રહી ગયો છે. આઇટેમ સોંગમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જોવા મળે છે. પ્રતિજ્ઞા અને વ્રત બાંધે છે, પરંતુ કાર ચલાવનારને એક્સીલરેટરની સાથોસાથ બ્રેક પણ જોઇએ અને વિવેક નામનું સ્ટિયરિંગ પણ જોઇએ. સ્ત્રી પોતે જ સ્ત્રી મટીને ‘ચીજ’ બનતી જણાય છે. દ્રૌપદી તેજસ્વિની, ઓજસ્વિની અને મનસ્વિની એવી નારીશક્તિ હતી. સદ્્ગત શ્રી ચિનુ મોદીએ દ્રૌપદીને કેન્દ્રમાં રાખીને ‘અન્યથા’ મથાળે નાટક લખ્યું છે. ચીનુભાઇએ પ્રેમપૂર્વક એ અપ્રગટ નાટકની હસ્તપ્રત મને કવિ મકરંદ મુસળે દ્વારા મોકલી હતી. અર્જુન જ્યારે સુભદ્રાને પરણીને પાછો ફર્યો, ત્યારે અર્જુનને દ્રૌપદીએ મણમણની સંભળાવી, પરંતુ અર્જુને ધીરજ રાખીને દ્રૌપદીના કડવા શબ્દો સાંભળી લીધા. છેવટે અર્જુન કહે છે: ‘તારું સાદૃશ્ય શોધવા નીકળેલો હું ખાલી હાથે પાછો આવ્યો છું, પાંચાલી! ઉલૂપીનું લાવણ્ય, ચિત્રાંદગાનું ઓજસ અને સુભદ્રાનું સ્ત્રીસહજ મૃદુપણું-બધું પામ્યો... પણ તોય ખાલી હાથ છું. તારું સાદૃશ્ય શોધવું અશક્ય છે, અનન્યા!’


આવો અપૂર્ણ અર્જુન કૃષ્ણની મિત્રતા પામી શકે, પરંતુ પોતાને સદ્્ગુણોનો ભંડાર માનતો તથાકથિત સાધુ કૃષ્ણથી ખાસો છેટો રહી જવાનો. ચીનુભાઇનો એ મૌલિક નાટ્યઅંશ, મેં યથાસ્થાને મારા મહાભારત-ભાષ્યમાં મૂક્યો છે, આભાર સહ.

પાઘડીનો વળ છેડે
સ્પેનનો ચિત્રકાર એલ ગ્રેકો
પોતાના ઘરનાં બધાં જ બારીબારણાં
બંધ કરીને બેઠો હતો.
એવામાં એનો ખાસ મિત્ર આવી ચઢ્યો.
મિત્રે ચિત્રકારને પૂછ્યું: ‘બહાર
આટલી સુંદર ઋતુ ખીલી હોય ત્યારે
તું બારીબારણાં બંધ કરીને કેમ બેઠો છે?’
જવાબમાં ચિત્રકારે કહ્યું:
‘મારે બારીબારણાં ખોલવાં નથી કારણ કે
ભીતરનો પ્રકાશ ઝઘારા મારી રહ્યો છે.
એ પ્રકાશ બહારના પ્રકાશથી ખલેલ પામે
એવું હું નથી ઇચ્છતો.’
Blog:http://gunvantshah.wordpress.comX
artilce by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી