વિચારોના વૃંદાવનમાં / એક બાજુ મોદી અને સામે બીજા બધ્ધા! સત્યનો વિજય થાય એવી પાકી શ્રદ્ધા

article by gunvant shah

ગુણવંત શાહ

Apr 01, 2019, 02:52 PM IST

આવનારી ચૂંટણીમાં જે રીતે જૂઠનો ધોધ વહે છે, તેથી તો એવું લાગે કે ગાંધીજી પૃથ્વી પર આવ્યા જ ન હતા! દેશના આમ આદમી પાસે અંદરની કોઠાસૂઝ હોય છે કે એ અંતે તો સત્ય તરફ જ ઢળે. 2019ની ચૂંટણી પછી 23મી મેને દિવસે જે સત્ય પ્રગટ થશે, તેમાં આમ આદમીની ઈશ્વરદત્ત કોઠાસૂઝ આબાદ પ્રગટ થવાની છે. આ બાબતે કોઈ શંકા સેવવાની જરૂર નથી. ગંગાજળમાં પ્રદૂષણ ભળે પછી પણ ગંગા પવિત્ર ગણાય છે ને? લગભગ આ જ તર્ક પ્રમાણે જનસામાન્યની કોઠાસૂઝ પવિત્ર ગણાય. રામરાજ્ય પણ બધી રીતે દોષમુક્ત ન હતું અને છતાંય રામરાજ્યનો મહિમા થતો
રહે છે.

  • દેશના આમ આદમી પાસે કોઠાસૂઝ હોય છે કે એ અંતે તો સત્ય તરફ જ ઢળે. 2019ની ચૂંટણી પછી 23મી મેને દિવસે જે સત્ય પ્રગટ થશે તેમાં આમ આદમીની ઈશ્વરદત્ત કોઠાસૂઝ આબાદ પ્રગટ થવાની છે

ચૂંટણીમાં એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને એમની સામે બીજા બધ્ધા ધનુષબાણ ધારણ કરીને તૈયાર ઊભા છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન આદરણીય મોરારજી દેસાઈ હતા ત્યારે બધી ગાળ ગાવાનો વિશેષાધિકાર એમણે જાળવી રાખ્યો હતો. એ વખતે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ભાઉસાહેબ હીરે હતા. જ્યારે મોરારજીભાઈ મુંબઈ છોડીને નેહરુની કેન્દ્ર સરકારમાં જોડાયા, ત્યારે અત્યંત જુનિયર કોંગ્રેસી યશવંતરાવ ચવાણનું ભાગ્ય જાગી ઊઠ્યું અને તેઓ મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બની ગયા. મોરારજીભાઈની વિદાયવેળાએ ચવાણની આંખમાં આંસુ હતાં અને અખબારોમાં પ્રગટ થયેલો એ ફોટો જોયાનું પાકું યાદ છે. મોરારજીભાઈએ જીવનમાં કદાચ પહેલી વાર અને છેલ્લી વાર મુત્સદ્દીગીરી બતાવી હોય, એવો એ નિર્ણય હતો. યશવંતરાવ ચવાણ પાછળથી પંડિત નેહરુના પ્રધાનમંડળમાં જોડાયા ત્યારે થોડાક દિવસો માટે મોરારજીભાઈના નિવાસે જ રહ્યા હતા એવું યાદ છે.

આ ચૂંટણીમાં શું થશે? નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે? એક વાત નોંધવા જેવી છે. હજી દેશના 50-55 ટકા લોકો એમને પ્રામાણિક ગણે છે, એવું ઘણાખરાં ચૂંટણી સર્વેક્ષણો બતાવે છે. મોદી કદી આર્થિક ભ્રષ્ટાચારમાં સંડોવાય એવી શક્યતા સ્વીકારવા હજી લોકો તૈયાર નથી. એવા લોકોમાં હું પણ એક નાગરિક છું. આવી શ્રદ્ધા પાંચ વર્ષ સુધી ટકાવી રાખવાનું સહેલું નથી. આવી શ્રદ્ધા લોકોને રાહુલ ગાંધી કે સોનિયાજી પર ખરી? એવી શ્રદ્ધાનું બાષ્પીભવન થયું તે માટે રોબર્ટ વાડેરા જેવા બદમાશ જમાઈરાજ જવાબદાર ગણાય. કોંગ્રેસના સમાજવાદી આદર્શ પર બે જણાનો ઓથાર માથે લટકી રહ્યો છે: 1. રોબર્ટ વાડેરા અને 2. કાર્તિક ચિદમ્બરમ્. હવે લોકો ‘ગાંધી-વાડેરા-કોંગ્રેસ’ જેવો ભયંકર શબ્દપ્રયોગ કરવા લાગ્યા છે. કોંગ્રેસની છબી ખરડાય તે માટે નરેન્દ્ર મોદીએ ઝાઝું કશુંય કરવાનું રહેતું નથી. આ બે (શરીફ) બદમાશો નરાજ લઈને પાયો ખોદવા લાગ્યા છે. ચૂંટણીનાં પરિણામોમાં આ બે જણાની મદદ મોદીને જરૂર મળશે એમાં કોઈ શંકા ખરી? મોદીની ગમે તેટલી ટીકા થાય અને થવી જ જોઈએ, પરંતુ મોદીને વાડેરા જેવા કોઈ સ્વજન નથી મળ્યા એ નક્કી.

તા. 22મી માર્ચે બપોરે આરામ પછી ઊઠ્યો ત્યારે ટીવી પર સામ પિત્રોડાનો ઇન્ટરવ્યૂ જોયો. એમણે બે મુદ્દા પર ભાર મૂક્યો: 1. પુલવામા જેવા બનાવો તો બનતા જ રહે છે. 2. મુંબઈમાં 26/11નો જે આતંકવાદી હુમલો થયો. 8-9 માણસો હુમલો કરે તે માટે તમે આખા દેશ પર તૂટી પડો તે યોગ્ય નથી. આતંકવાદને નોર્મલ બાબત ગણાવવાનો પ્રયત્ન લશ્કરને અન્યાય કરનારો છે. આવા ઇન્ટરવ્યૂને કારણે પાકિસ્તાની ટીવી ચેનલો પર TRPમાં ખાસો વધારો થવાનો. કોંગ્રેસે આ બાબતે ચોખવટ કરી નથી. આજના આવા શરમજનક ઇન્ટરવ્યૂને કારણે ભાજપને 15-20 બેઠકોનો ફાયદો નહીં થાય? મને થોડીક ખલેલ પહોંચી તે મેં લંડન ફોન જોડીને લોર્ડ ભીખુ પારેખને તાબડતોબ પહોંચાડી. મેં ‘પ્રોગ્રેસિવ બુદ્ધિજીવી’ની મૌલિક વ્યાખ્યા બાંધી છે: ‘જે મનુષ્ય જૈશ-એ-મોહંમદ અને અલકાયદાને પોતાના થકી કોઈ અન્યાય ન થાય તેની કાળજી રાખે, તેને ‘પ્રગતિશીલ બૌદ્ધિક’ કહેવાય. આવા નમૂનાઓને આતંકવાદીઓ પ્રત્યે એક પ્રકારનો સોફ્ટ કોર્નર રહેતો હોય છે. સામ પિત્રોડાએ આજે મોદીને તાસક પર મોટી ભેટ ધરી દીધી, એવું મેં ભીખુભાઈને જણાવ્યું. ભીખુભાઈએ સામ પિત્રોડાનો બચાવ કર્યો, પરંતુ તે મને ગળે ન ઊતર્યો. પિત્રોડાની દલીલબાજીમાં દમ ન હતો. આવી મિથ્યા દલીલબાજી માટે આદિ શંકરાચાર્યે ‘જલ્પ’ શબ્દ પ્રયોજ્યો છે. ’
જો નરેન્દ્ર મોદીની સરકારે ગેસના બાટલા ગરીબોને આપવામાં કે જનધન યોજના દ્વારા ગરીબો બેંકમાં ખાતાં ખોલાવે તેમાં કે સ્વચ્છતા અભિયાન હેઠળ ટોઇલેટ બાંધવામાં ગોટાળા જ કર્યા હોય, તો તેઓ અવશ્ય હારવા જોઈએ. ‘આયુષ્યમાન ભારત’ યોજના હેઠળ 50 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ સુધીનો વીમો મળે તેવી યોજનાના અમલમાં યોગ્ય કાર્યવાહી ન કરી હોય તો તેઓ હારવા જ જોઈએ. ચૂંટણી જેવી રાજકીય ઘટના પણ સત્યથી સંપૂર્ણ અપ્રભાવિત રહે એવું માનવાની જરૂર નથી. ભીખુભાઈએ સામ પિત્રોડાને ટેક્નોલોજીના મોટા જાણકાર ગણાવ્યા અને અભ્રષ્ટ પણ ગણાવ્યા. અસત્ય ક્યારેક વૈચારિક અપ્રામાણિકતાને દરવાજેથી માણસને ભ્રષ્ટ કરતું હોય છે. સામ પિત્રોડા આવા અસત્યથી મુક્ત ખરા? ગુરુદેવ રવીન્દ્રનાથના શબ્દોને પ્રયોજીને કહેવું હોય તો કહી શકાય કે તેઓ ‘સત્યભ્રષ્ટ’ થયા છે.

અરે ભાઈ! ‘ભારતમાતા કી જે’ સૂત્ર મૂળે કોનું છે? ‘વંદેમાતરમ્’ જેવું સૂત્ર મૂળે કોનું છે? આજે કોંગ્રેસ આ બે સૂત્રો બોલાવતા ખચકાય છે, કારણ કે એ બંને સૂત્ર કોંગ્રેસ પાસેથી ભાજપે હાઇજેક કરી લીધાં છે. ભાજપે સરદાર પટેલને, લાલબહાદુર શાસ્ત્રીને અને ડો. આંબેડકરને હાઇજેક કરી લીધા છે. નરસિંહ રાવ પણ એ જ માર્ગે છે. કદાચ મોરારજી દેસાઈ પણ એ જ માર્ગે છે. ગાંધી-વાડેરા પરિવાર સિવાય કોઈને મહત્ત્વ ન મળે તેની પૂરતી કાળજી કોંગ્રેસે રાખી છે. સરદાર પટેલે દેશનાં 562 રજવાડાંને ઇન્ડિયન યુનિયનમાં ભેળવી દીધાં. સરદારસાહેબની એક નિષ્ફળતા નોંધવા જેવી છે. તેઓ ગાંધી-વાડેરા નામનું એક રજવાડું દેશમાં ન ભેળવી શક્યા! એ ફ્યૂડલ રજવાડું 10-જનપથ પર ચોંટેલું જ રહ્યું.

ટોમ વડક્કન અને જિતિનપ્રસાદ જેવા કોંગ્રેસીઓ પક્ષ છોડીને ભાજપ ભણી અમથી નજર કરે તેનું કારણ શું? પરિવારવાદને કારણે કેટલાય કોંગ્રેસી નેતાઓને અંદરથી એવું લાગે છે કે રાહુલ ગાંધીની કોંગ્રેસ પોતાની અસલી સુગંધ ઝડપભેર ગુમાવી રહી છે. હવે એમાં રોબર્ટ વાડેરા નામની ગટર વહેતી થઈ છે. કોઈ સામે કશું કહેતું નથી, પરંતુ પ્રિયંકા વાડેરાનું સ્મિત પણ દુર્ગંધનો સામનો કરી શકે તેમ નથી. જમાઈરાજ લગભગ બેશરમ બનીને પરિવારને પજવી રહ્યા છે. નાટકનો અંત કેવો આવશે તે જોવાનું રહે છે.
સામ પિત્રોડા કમ્પ્યૂટરને સમજી શક્યા, દેશને સમજી ન શક્યા!

પાઘડીનો વળ છેડે
મારા કૂતરામાં
કોઈ પણ કમ્પ્યૂટર કરતાં
વધારે બુદ્ધિ હોય છે.
- નિકોલાસ નેગ્રોપોન્ટે
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી