વિચારોના વૃંદાવનમાં / સરયૂ સાબરમતીને મળવા આવી છે ભારતીય સંસ્કૃતિ એટલે સત્ય સંસ્કૃતિ

article by gunvant shah

ગુણવંત શાહ

Mar 04, 2019, 03:32 PM IST

આજે આ કથામંડપમાં અયોધ્યાની સરયૂ નદી અમદાવાદ પાસે વહેતી સાબરમતીને મળવા આવી છે. આગળ વધીને એમ કહેવું હોય તો કહી શકાય કે મહુવાની માલણ નદી પણ આ બે નદીઓને મળવા આવી છે. આમ, આ મંડપમાં ત્રિવેણી તીર્થ રચાયું છે. મહાકવિ વાલ્મીકિએ રામને ‘સત્યપ્રતિજ્ઞ’ તરીકે ઓળખાવ્યા છે. મહાત્મા ગાંધીએ રામના મિજાજમાં કહ્યું: ‘મરતાં પણ સત્ય ન છોડવું.’ આમ રામરાજ્ય અને રાજઘાટને જોડતો સમયનો સેતુ વાસ્તવમાં સત્યસેતુ છે. ભારતીય સંસ્કૃતિ એટલે સત્ય સંસ્કૃતિ. ઉપનિષદના ઋષિને પૂછવામાં આવ્યું: ‘ઉપનિષદ એટલે શું?’ ઋષિએ ટૂંકો ને ટચ જવાબ આપ્યો અને કહ્યું: ‘ઉપનિષદ એટલે સત્યસ્ય સત્યમ્.’

  • 2600 વર્ષ પહેલાં બુદ્ધ અને મહાવીર દ્વારા શ્રમણ સંસ્કૃતિનો ઉદય થયો, જેમાં કરુણા અને અહિંસાનું પ્રતિપાદન થયું. મહાત્મા ગાંધીજીના જીવનમાં બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિનું સંગમતીર્થ રચાયું હતું

આદરણીય મોરારિબાપુનો ફોન આવ્યો: મેં કહ્યું: ‘બાપુ! ગઈ કાલે હું ડો. આંબેડકર યુનિવર્સિટીમાં ગયો ત્યારે મારા પ્રવચનમાં વાલ્મીકિ રામાયણનો એક પ્રસંગ કહ્યો હતો.’ તરત જ બાપુએ પૂછ્યું: ‘કયો પ્રસંગ? મારે તે સાંભળવો છે. મેં કહ્યું: ‘રામાયણનો પ્રસંગ હું આપને સંભળાવું? એ તો અવિવેક ગણાય.’ સહજભાવે બાપુએ કહ્યું: ‘મારે એ પ્રસંગ સાંભળવો છે. મને કહો.’ મેં એ પ્રસંગ કહ્યો. તમને સૌને સંભળાવું?
રાજા દશરથ મૃગયા માટે વનમાં ગયા. ત્યાં નદીને કિનારે એમનો પડાવ હતો. એમના શબ્દવેધી બાણથી શ્રવણની હત્યા થઈ. વાલ્મીકિ રામાયણ પ્રમાણે એ સરયૂ નદી હતી, (વાલ્મીકિ રામાયણ, અયોધ્યા કાંડ, સર્ગ-63, શ્લોક-20) જ્યારે મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’માં એ નદી તમસા હતી. (રઘુવંશ, 9-72) છાતીમાં તીર વાગવાથી શ્રવણ લોહીના ખાબોચિયામાં તરફડતો પડ્યો હતો ત્યાં રાજા દશરથ દોડતા આવ્યા. એમણે તપસ્વી જેવી મુદ્રા ધરાવનારા તાપસ કુમાર શ્રવણને તરફડતો જોયો. એમને ભારે ચિંતા થઈ, કારણ કે એમણે માની લીધું કે નક્કી પોતે બ્રહ્મહત્યા કરી છે. શ્રવણને રાજા દશરથની આ વ્યથાનો ખ્યાલ આવી ગયો. પોતાની પીડા ભૂલીને એમણે રાજા દશરથને કહ્યું:
હે રાજન્!
મારી માતા શુદ્રાણી છે
અને મારા પિતા વૈશ્ય છે
તેથી હું બ્રાહ્મણપુત્ર નથી.
હે રાજન્!
તમે બ્રહ્મહત્યા નથી કરી,
માટે એ વાતે પીડા ભોગવશો નહીં. (અયોધ્યાકાંડ, સર્ગ-63, શ્લોક-50)
શ્રવણના આવા શબ્દોથી રાજા દશરથને થોડીક શાંતિ પ્રાપ્ત થઈ. એ વાતે કે એમના દ્વારા બ્રહ્મહત્યાનું પાપ થયું ન હતું. પોતાની પીડા ભૂલીને ‘અબ્રાહ્મણ’ એવા શ્રવણે દશરથની પીડા દૂર કરવાનો પ્રયત્ન મૃત્યુની ક્ષણે કર્યો હતો.
આદરણીય બાપુએ શું કહ્યું: ‘ગુણવંતભાઈ, મને આ પ્રસંગની જાણ જ ન હતી.’ આવે પ્રસંગે અમારો કયો સાહિત્યકાર આવી સહજ સરળતા બતાવે? આવી સરળતા બતાવી તેમાં બાપુનું આભિજાત્ય સોળે કળાએ પ્રગટ થતું અનુભવ્યું. બીજી કોઈ સભામાં વાલ્મીકિ રામાયણનો મૂળ શ્લોક પણ મેં સભામાં વાંચી સંભળાવ્યો હતો.
વૈદિક ધર્મ સાથે જોડાયેલી યજ્ઞસંસ્કૃતિમાં પશુઓનો વધ થતો. આજથી લગભગ 2600 વર્ષ પહેલાં બુદ્ધ અને મહાવીર દ્વારા શ્રમણ સંસ્કૃતિનો ઉદય થયો, જેમાં કરુણા અને અહિંસાનું પ્રતિપાદન થયું. મહાત્મા ગાંધીજીના જીવનમાં બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિનું સંગમતીર્થ રચાયું. મારી આ વાતના ટેકામાં એક સાચો બનેલો પ્રસંગ કહું? સાંભળો:
ગાંધીયુગમાં બે મહાન સાધુઓ થઈ ગયા. 1. સ્વામી આનંદ અને 2. પૂજ્ય કેદારનાથજી. કેદારનાથજીને સમજવા હોય તો એમનું ઉત્તમ પુસ્તક ‘વિવેક અને સાધના’ વાંચવું રહ્યું. એક વાર કેદારનાથજી હરદ્વારથી ઋષિકેશ પગપાળા જઈ રહ્યા હતા. તેઓ મુંબઈમાં રહેતા હતા ત્યારે થોડાક લોકો સાથે નિયમિતપણે સત્સંગ થતો રહેતો. આદરપૂર્વક એ સંસારીજનો પૂજ્ય કેદારનાથજીને આદરભાવ સાથે ‘નાથજી’ કહેતા. હવે પ્રસંગ કહું?
નાથજી જ્યારે હરદ્વારથી ઋષિકેશ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં પાછળથી એક ઘોડાગાડી આવી અને પસાર થઈ ગઈ. એમાં મુંબઈના બે સદ્્ગૃહસ્થો બેઠા હતા. એમણે નાથજીને ઓળખી કાઢ્યા. બંને જણાએ ઘોડાગાડી ઊભી રખાવી અને નાથજીને વંદન કર્યા પછી કહ્યું: ‘નાથજી! આપ ઘોડાગાડીમાં બેસી જાઓ. જગ્યા ચારની છે અને અમે બે જ જણા બેઠા છીએ.’ નાથજીએ ના પાડી. છેવટે એ બે જણે નાથજીને કહ્યું: ‘નાથજી! આપ ઘોડાગાડીમાં બેસો, હવે ઘોડાગાડીવાળો પણ પ્રેમપૂર્વક આગ્રહ કરે છે.’ કેદારનાથજીએ મક્કમતા જાળવીને એ ગૃહસ્થોને કહ્યું: ‘તમારી વાત તો સાચી છે, પરંતુ તમે ઘોડાને પૂછી જોયું ખરું?’ એ ગૃહસ્થો પાસે કોઈ જવાબ ન હતો. ગાંધીયુગમાં પ્રસરેલી કરુણાનો બીજો પ્રસંગ પણ એટલો જ ભીનો છે. ગાંધીજીના પાંચમા પુત્ર ગણાતા જમનાલાલ બજાજનાં પત્ની જાનકીદેવી બજાજ વર્ધા સ્ટેશનથી બળદગાડામાં બેસીને સેવાગ્રામ કે પઉનાર વારંવાર જતાં ત્યારે એક કામ અવશ્ય કરતાં. બળદગાડું ચલાવનાર બળદને કાયમ કહેતા: ‘ભાઈ, આ પરોણી તને કોઈ શરીરમાં ખોસે તો તને કેવી પીડા થાય?’ ગાડી ચલાવનાર ભાઈને ગળે વાત ઊતરી જતી અને પોતાની પરોણી એ જાનકીદેવીને આપી દેતો. ગાંધીયુગમાં સત્ય સાથે પ્રેમ અને કરુણા જોડાયાં. આજે બાપુની કથામાં પણ આ ત્રણ શબ્દો પર ભાર મૂકવામાં આવે છે: સત્ય, પ્રેમ અને કરુણા. માટે મેં કહ્યું: આજે સરયૂ નદી સાબરમતીને મળવા આવી છે. બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ ગાંધીયુગમાં સમન્વય પામી છે. એ સમન્વયનો મંત્ર છે: સત્ય, પ્રેમ અને કરુણા. આજે સૌ રામભક્તોને વધારે શું કહેવું?
ભાઈ વિવેક દેસાઈની માવજતને કારણે જે ગ્રંથ હિન્દીમાં તૈયાર થયો છે તેનું મથાળું છે: ‘क्रांतिपुरुष गांधीजी’. એમાં પાન-18 પર आत्मनिवेदनम् પ્રગટ થયું છે. ગાંધીજી સાથે કોઈ બાબતે અસંમતિ હોય તેમાં કોઈ અવિવેક ખરો? દાદા ધર્માધિકારી ગાંધીવિચારના ઊંડા અભ્યાસી હતા એમણે કહ્યું છે: ‘વિચાર અપૌરુષેય હૈ.’ મને કહેવાનું મન થાય છે કે: અપ્રામાણિક સંમતિ કરતાં પ્રામાણિક અસંમતિ વધારે મૂલ્યવાન છે. ગાંધીજીને આ વાત જરૂર ગમે.

(તા. 27મી ફેબ્રુઆરીની સવારે અમદાવાદમાં યોજાયેલી રામકથામાં આપેલા ટૂંકા પ્રવચનનો સાર)
પાઘડીનો વળ છેડે
મને ભરત પ્રત્યે ખરો
પ્રેમ અને આદર ત્યારે થયો,
જ્યારે મારા કોલેજના દિવસોમાં
મેં રામાયણ અને મહાભારત જેવાં
મહાકાવ્યોનો અનુવાદ પહેલીવાર વાંચ્યો.
- લિન યુટાંગ (ચીનનો વિખ્યાત ચિંતક)
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી