જીભ ખરબચડી, હૃદય સુંવાળું અને ચારિય સુગંધીદાર, એટલે સરદાર પટેલ

article by gunvant shah

ગુણવંત શાહ

Dec 16, 2018, 12:05 AM IST

ગાંધીજીના સુપૌત્ર અને સરદાર પટેલ પર યશવર્ધક મહાગ્રંથ લખનારા શ્રી રાજમોહન ગાંધીએ એક પ્રસંગ પોતાના ગ્રંથમાં નોંધ્યો છે. એ પ્રસંગમાં આખા ને આખા સરદાર પ્રગટ થાય છે. સરદાર કિસાનપુત્ર હતા તેથી કોઇ ભૂમિપુત્રને શોભે એવી અકૃત્રિમતાના માલિક હતા. અકૃત્રિમ હોવું એટલે સહજપણે સ્વચ્છ હોવું. જે હૈયે હોય તે જ હોઠો પર લાવવું એ જ ખરું ચારિય. જ્યાં દંભ હોય ત્યાંથી સત્ય ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે.

સરદારને નિખાલસ બનવાનું પાલવે, કારણ કે દંભવિહીન જીવનશૈલી વિના સત્યની ઉપાસના લગભગ અશક્ય ગણાય. સરદાર અકૃત્રિમ અને આખાબોલા હોવાને કારણે જ ગાંધીજીની વધારે નજીક હતા

સરદારને નિખાલસ બનવાનું પાલવે, કારણ કે દંભવિહીન જીવનશૈલી વિના સત્યની ઉપાસના લગભગ અશક્ય ગણાય. સરદાર મહાત્મા ન હતા, પરંતુ અકૃત્રિમ અને આખાબોલા હોવાને કારણે કેટલાય અનુયાયીઓ કરતાં મહાત્મા ગાંધીની વધારે નજીક હતા. આટલી ભૂમિકા પછી 1947ના સપ્ટેમ્બરની 13મી તારીખે બનેલો પ્રસંગ સરદારને સમજવામાં ઉપકારક બને તેમ છે. સાંભળો:


એ દિવસે દિલ્હીમાં ફરતાં ફરતાં ‘વલ્લભભાઇ ફૈઝ બજાર પોલીસ સ્ટેશન પાસે રોકાયા હતા, ત્યારે મુસ્લિમ માલિકીના મકાનમાંથી છૂટેલી ગોળી તેમના કાન પાસેથી સનસનાટી કરતી ગઇ. આખું મકાન ફૂંકી માર્યા સિવાય ગોળી છોડનાર હાથમાં આવશે નહીં તેવું પોલીસ અધિકારીએ કહ્યું, ત્યારે વલ્લભભાઇએ આદેશ આપ્યો, ફૂંકી મારો.’


આ પ્રસંગમાં ખરા સરદાર પ્રગટ થતા દીસે છે. શું મહાત્મા ગાંધી આવું કરે ખરા? ન કરે, ન જ કરે. શું સરદારે મહાત્મા કરે તેવું જ કરવાનું? સરદાર વારંવાર કહેતા રહ્યા: ‘ગાંધીજી મહાત્મા છે, હું નથી.’ એ દિવસો કેવા હતા? દિલ્હીમાં ખાકસારો દિલ્હી, અજમેર, અલીગઢ, હૈદરાબાદ પાકિસ્તાનમાં રહે તેવા ધખારા કાઢતા હતા. સરદાર ભારત જેવા દેશના ગૃહપ્રધાન હતા, વેડછી આશ્રમના અધિપતિ ન હતા. ગાંધીજન એવા જુગતરામકાકા હુલ્લડ થાય ત્યારે તોફાની ટોળા પર લાઠીચાર્જ કે ગોળીબાર ન કરે, પરંતુ ગાંધીજન એવા મુખ્યપ્રધાન બાબુભાઇ જશભાઇએ એવાં પગલાં માટે આદેશ આપવો પણ પડે.

ગીતાના બારમા અધ્યાયમાં કૃષ્ણ ભક્ત માટે ત્રણ શબ્દો એકસાથે ઉદ્્ગારે છે: ‘નિરપેક્ષશુચિર્દક્ષ.’ સરદાર નિરપેક્ષ, પવિત્ર અને દક્ષ હતા. આવા ગૃહપ્રધાન જ હૈદરાબાદ અને જૂનાગઢની સમસ્યા ઉકેલી શકે. એવી કટોકટીમાં અગરમગર કે કિંતુપરંતુમાં અટવાતો શાસક જરૂર નિષ્ફળ જાય. જો દેશને સરદાર મળ્યા ન હોત તો? તો આજના ભારતના નકશાનો આકાર કદાચ જુદો હોત. તો દેશ એક ન થયો હોત.

આવું સોલિડ કામ દેશનો અન્ય કયો નેતા કરી શક્યો હોત? શું અકૃત્રિમ હોવું અને દંભમુક્ત હોવું, એ જેવીતેવી સંપ્રાપ્તિ છે? સરદાર જે બોલે, તે અંગે શત્રુ પણ એવી શંકા ન રાખે કે તેઓ મનમાં હોય તેના કરતાં જુદું બોલે છે. શું આ વાતે તેઓ સત્યની અને સત્યના ઉપાસક એવા મહાત્માની વધારે નજીક ન હતા કે? કૃત્રિમ હોવું, એ જ સત્યની અવગણના ન ગણાય કે?


સરદારની જીભ ખરબચડી હતી, પરંતુ એમનું હૃદય સુંવાળું હતું અને એમનું
ચારિય સુગંધીદાર હતું. દંભી માણસ કદી પણ ચારિયવાન ન હોઇ શકે. સરદાર આખાબોલા હતા. આખાબોલા હોવું એટલે શું? એ જ કે બોલતી વખતે, ‘આખા ને આખા’ હોવું. આવી અખિલાઇ તો ચારિયની ખરી નિશાની છે. અંગ્રેજીમાં જેને integrity કહે છે તે શબ્દ તો ચારિયનો પર્યાય છે. કૃત્રિમ મનુષ્ય એટલે એવો મનુષ્ય, જે પોતે હોય તેવો પ્રગટ થવાને બદલે, પોતે જેવો દેખાવો જોઇએ, તેવો પ્રગટ થવામાં સફળ થાય છે.

આવી કહેવાતી સફળતામાં એનું ચારિય ભોંયભેગું થાય છે. દંભ કરવામાં વ્યક્તિત્વના ટુકડા પડે છે. પરિણામે વિભાજિત વ્યક્તિત્વ સમાજમાં બધેબધ હરતુંફરતું થાય છે. સરદાર અવિભાજિત વ્યક્તિત્વના સ્વામી હતા. એમની ભવ્ય પ્રતિમા સાધુબેટ પર ઊભી છે, તે વાતમાં ઔચિત્ય છે. અવિભાજિત વ્યક્તિત્વમાં જ ખરું સાધુપણું સમાઇ જાય છે. મને ક્યારેક લાગે છે કે સરદારને થોડોક અન્યાય ગાંધીજી તરફથી પણ થયો છે. મહાત્મા આખરે તો માણસ જ હોય છે. ગાંધીજી પૂર્ણપુરુષોત્તમ ન હતા. એમનું માનવીય પાસું ભૂલી જવામાં એમને પણ અન્યાય થાય છે. ગાંધીજી માનવીય હતા, ઈશ્વરીય ન હતા. માનવ માત્ર અપૂર્ણ જ હોવાનો!


વલ્લભભાઇએ પેલા ગુંડાના મકાનને ફૂંકી મારવાનો આદેશ આપ્યો તેથી તે વેળાના કેટલાક બૌદ્ધિક મહામૂર્ખોને જરૂર થયું હશે: ગાંધીજી આવું કરે? પંડિતજી આવું કરે? વળી ગુંડો જો મુસલમાન હોય, તો તો થઇ જ રહ્યું! સેક્યુલર ઇડિયટ્સ ત્યારે શું કહેવાના? સરદારને મન ગુંડો એટલે ગુંડો એટલે ગુંડો! એની કોમ ન જોવાય. એ ગુંડાએ છોડેલી ગોળી સરદારના કાન પાસેથી પસાર થઇ ગઇ. જો એ સરદારને વાગી હોત તો? તો તે જ દિવસે સરદારનું મૃત્યુ થયું હોત એ નક્કી.

આવા ગુંડાને હણવામાં વળી સેક્યુલરિઝમ વચ્ચે લાવવાનું કે? આવા તકલાદી સેક્યુલરિઝમે જે નુકસાન દેશને પહોંચાડ્યુ઼ં, તે આજે હિંદુઓની વોટબેંક સર્જી રહ્યું છે. અયોધ્યામાં આજે હિંદુ પ્રતિક્રિયાનું ગૂમડું ફદફદી રહ્યું છે. રામને ન ગમે એવું હિંદુઓ કરી રહ્યા છે અને રસૂલેખુદા (પયગંબર)ને ન ગમે એવું મુસલમાનો કરી રહ્યા છે. મુસલમાનો પોતાના હિતમાં પણ થોડીક વશેકાઇ બતાવવા તૈયાર નથી. બોર આપીને કલ્લી કઢાવી લેવામાં સ્વાર્થ રહેલો છે, એવું એમને કોણ સમજાવે? સરદાર જીવતા હોત, તો આ સમસ્યાનો ઉકેલ માત્ર એક કલાક છેટો હોત. હા, સમસ્યા નથી ત્યાં સમસ્યા સર્જે તેને જ બૌદ્ધિક કહેવો?


વર્ષ 1930માં સાબરમતી જેલમાં હતા ત્યારે સરદારે પોતાના હસ્તાક્ષરમાં લખેલી ડાયરી છપાઇને મારા હાથમાં અત્યારે આવી છે. તા. 07-03-1930(શુક્રવાર)ના દિવસે સરદારે લખ્યું: ‘રાતના આઠ વાગે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં બોરસદથી મોટરમાં ડેપ્યુટી સુ.મિ. બીલીમોરિયા મૂકી ગયા. (મને) પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ રોયો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઇ રહ્યો. સવારે ઊઠતાં આસપાસ બધે કેદીઓને જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું... આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો... કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા.... નવ વાગે વોર્ડરે મારા માટે ખાસ સગવડ પાયખાનાની કરી. બીજા બધા કામ પતાવી આવેલા, એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો.’


ગાંધીજીએ જેલમાં જવાની ઘટનાને ગૌરવવંતી બનાવી મૂકી. કઠણ જીવનની તાલીમશાળા એટલે જેલ. સરદાર જેલમાં રોજ પ્રાર્થના કરતા હતા. સરદારે ત્યાં 12મી માર્ચ (દાંડીકૂચના પ્રારંભ)ને દિવસે ગાંધીજી માટે વહેલી સવારે પ્રાર્થના કરી હતી. એમનું ગૌરવવંતું ‘સરદારપણું’ જેલમાં પણ અપ્રદૂષિત રહ્યું. સરદારના ચારિયને ક્યાંય અને ક્યારેય ગોબો ન પડ્યો, તે ન જ પડ્યો!

પાઘડીનો વળ છેડે
ડાયરીમાં સરદારે લખ્યું: એટલામાં જેલર અને સુપરિન્ટેન્ડન્ટ આવ્યા. તેમણે કંઇ જોઇએ છે, એમ ખબર પૂછી. તેમને કહ્યું: ‘હકથી શું મળે છે તે ખબર પડે, તો વિચાર કરું. મહેરબાનીથી કંઇ જ ન જોઇએ.’ આવા શબ્દોમાં પ્રગટ થતા સરદારનું હવે પુનરાગમન થઇ રહ્યું છે. રાહ જોઇએ.
Blog:http://gunvantshah.wordpress.comX
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી