આ સૃષ્ટિ વિચારોની બનેલી છે, (પ્લેટો) વૃંદાવન એટલે જ વિચારોનું વૃંદાવન!

article by gunvant shah

ગુણવંત શાહ

Dec 02, 2018, 12:05 AM IST

આપણી લાડકી પૃથ્વી પર સદાય વિચારોનો જ પ્રભાવ રહ્યો છે. રામરાજ્ય એટલે શું? રામ આખરે તો એક વિચારનું નામ છે. વિચાર કદી મરતો નથી, તેથી વારંવાર કહેતો રહ્યો છું: વિચાર અમર છે, તેથી રામ અમર છે. રામજીના વિચારનું ગુરુત્વ મધ્યબિંદુ એટલે મર્યાદા. રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાયા. સૂર્ય મર્યાદા પાળે છે, સાગર મર્યાદા પાળે છે, આકાશગંગા પણ મર્યાદા પાળે છે અને અસંખ્ય તારાઓ પણ પોતપોતાની ભ્રમણકક્ષામાં જ ચકરાવા મારે છે અને એ રીતે મર્યાદા પાળે છે. મનુષ્યે પણ મર્યાદાપાલનમાં રહેવું જોઇએ. મર્યાદાનું પાલન એટલે અત્યંત સૂક્ષ્મ કક્ષાએ વિવેકની જાળવણી. વિવેક જળવાય, તો પૃથ્વી જળવાય. વિવેક જળવાય, તો વિશ્વશાંતિ આપોઆપ જળવાય.

એક પુરુષ લેખક પોતાના પુરુષ પતિને પુસ્તક અર્પણ કરે તે વાત જ ધ્રુજાવી જાય તેવી નથી? મનુષ્યને વિચારોની ધ્રુજારી છૂટે એ શું નાનીસૂની વાત છે? પ્લેટોની વાત ખોટી નથી. આપણી સમગ્ર સૃષ્ટિ વિચારોની બનેલી છે

રાજકીય અને સામાજિક વિચારો દ્વારા સામાજિક ક્રાંતિ થતી રહે છે. વિવેકનું ખરું વાહન શિક્ષણ છે. ‘અસ્પૃશ્યતા-નિવારણ’ એક વિચારનું નામ ગણાય. મહાત્મા ગાંધીએ એ વિચાર થકી સમાજપરિવર્તનનો યજ્ઞ શરૂ કર્યો. હજી અસ્પૃશ્યતા પૂરેપૂરી ગઇ નથી. એ બતાવે છે કે ગાંધીજીની 150મી જન્મજયંતીના વર્ષમાં પણ આપણે અભણ છીએ અને વળી બેશરમ પણ! વર્ષો પહેલાં હું મારાં સંતાનો માટે નવાં નવાં પુસ્તકો ખરીદીને લાવતો. પરદેશ જતી વખતે સાન્તાક્રૂઝ એરપોર્ટ પરથી ઉત્તમ પુસ્તકો ખરીદીને દુકાનદારને જ એ પુસ્તકો ઘરે મોકલવાની સૂચના આપતો. આ રીતે બાળકોને રવાના થયેલા એક પુસ્તકનું શીર્ષક હતું: ‘There is No Such Place As Far Away’ લેખક: રિચાર્ડ બેક. (એરપોર્ટ, મોકલ્યા તારીખ: 20-04-1982). આ જર્જરિત પુસ્તક અત્યારે મારા હાથમાં છે.


હવે વાત સાવ બદલાઇ ગઇ છે. હવે મોટાં થઇ ગયેલાં સંતાનો મને સારાં સારાં પુસ્તકો આપે છે. દીકરીએ ત્રણ પુસ્તકો થોડાક જ દિવસ પર મોકલી આપ્યાં. લેખકનું નામ છે: Yuval Noah Harari. આ લેખક મોટા ગજાના દાર્શનિક છે. એમણે લખેલાં ત્રણ પુસ્તકો વાંચીએ તો કદાચ તમ્મર આવી જાય એમ બને. ત્રણ પુસ્તકોનાં નામ છે! 1. Sapiens: ‘A Brief History of Humankind’ 2. Homo Deus: A Brief History of Tomorrow અને 3. 21 Lessons For the 21st Century. પ્રથમ પુસ્તકમાં વીતી ગયેલા ભૂતકાળનું દર્શન છે. બીજા પુસ્તકમાં માનવજાતના ભાવિનું દર્શન છે અને ત્રીજા પુસ્તકમાં વર્તમાનકાળની વાત થઈ છે. હવે લેખકનો ખરો પરિચય આપું? પુસ્તકની અર્પણનોંધના શબ્દો છે: ‘To my husband Itzik.’ વાંચનારને થાય કે લેખિકા પોતાના પતિને પુસ્તક અર્પણ કરી રહી છે, પરંતુ વાત સાવ જુદી જ છે. લખનાર પુરુષ છે. તો પછી એ પોતાના ‘પતિ’ને પુસ્તક અર્પણ કરે એ કેવું? લેખક GAY છે અને સજાતીય સેક્સ હોય એવાં યુગલો પરણે એની નવાઇ યુરોપ-અમેરિકામાં નથી રહી. બે પુરુષો ઘર માંડે તેમાં વળી એક પતિ હોય અને બીજો પત્ની હોય એવો ખેલ રચાય છે. હવે અર્પણનોંધની વાત સમજાઇ જશે. લેખકનો ખરો પરિચય પ્રથમ ધડાકે!


પ્રથમ પુસ્તકની વાત ટૂંકમાં કરું? ‘હોમોસેપિયન્સ’નો અર્થ થાય છે: શાણો માણસ. એક પ્રજાતિ તરીકે આપણો ભવ્ય ભૂતકાળ કેવો હતો? ઝાડ પર રહેનારાં ઇનસિગ્નિફિકંટ વાનરમાંથી આપણે આ પૃથ્વી પર વિહરતાં થયાં છીએ. લેખક કહે છે: 70 હજાર અને 30 હજાર વર્ષો પહેલાં એક મોટુંમસ કોગ્નિટિવ રીવોલ્યુશન થયું અને વિચારવાની તથા પ્રત્યાયન (કમ્યુનિકેશન)ની આવડતમાં મનુષ્યે વિકાસની હરણફાળ ભરી હતી. ત્યારે પછી ખેતીની શોધ થઇ પછી કૃષિક્રાંતિ થઇ. એ પછી વૈજ્ઞાનિક ક્રાંતિ સુધીનો વિકાસ થયો એમ કહેવાય. અનાજનો વેપારી મોટી ગૂણમાંથી હથેળીમાં દહેરાદૂન બાસમતી બતાવે તેમ હું માત્ર થોડાક દાણા જ વાચકો સામે અહીં ધરી રહ્યો છું.


હોમોસેપિયન્સનું ભવિષ્ય કેવું હશે? એક જગ્યાએ લેખક કહે છે: ‘મૃત્યુના અંતિમ દિવસો આવી પહોંચ્યા છે. મૃત્યુ એક ટેક્નિકલ પ્રોબ્લેમ છે, જે ભવિષ્યમાં ઉકેલાઇ જવાનો છે. આપણે હોમોસેપિયન્સમાંથી Homo Deus (God) બનવા તરફ જઇ રહ્યાં છીએ.’ આ વાત માનવામાં ન આવે તેવી છે છતાં લેખક તેને એવી કુશળતાથી રજૂ કરે છે કે આપણે વાત માની જ લઇએ. માનવત્વ તરફથી દેવત્વ ભણીની યાત્રા અંગે વાંચવાનો આનંદ મળે છે.


ત્રીજા પુસ્તકમાં 21મી સદીની અવનવી વાતો થઇ છે. એમાં આવે છે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ની અને મશિન-લર્નિંગની રંગીન વાતો. સાથે આવે છે એલ્ગોરીધમ અને બિગ ડેટા એનાલિટિક્સની વાતો. (વડોદરાના ભૂતપૂર્વ મેયર અને મૂળ લોકભારતીના વિદ્યાર્થી શ્રી ભરત ડાંગરને થોડાક જ સમય પર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ જેવા વિષય પર મ. સ. યુનિ. વડોદરા તરફથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઇ છે). લેખક તો ત્યાં સુધી કહે છે કે: ‘ઇન્ફોર્મેટિક્સ, બાયો-એન્જિનિયરિંગ અને બાયો-ટેક્નોલોજી આપણને એટલી હદ સુધી બદલી શકે છે કે ભવિષ્યમાં આપણે આપણી જાતને પણ નહીં ઓળખી શકીએ!’ ઇન્ફોટેક અને બાયોટેકમાં થઇ રહેલાં સંશોધનો આપણાં રાજકીય અને સામાજિક મૂળિયાંને ત્યાં સુધી હચમચાવી મૂકવાનાં છે કે આપણે તે બધાંને ક્યાં સુધી અપનાવી શકીશું એ એક મોટો પડકાર છે.


આ ત્રણ પુસ્તકો વાંચીને મને થયું કે મારી ઉંમર જો આજે છે તેના કરતાં 20 કે 30 વર્ષ નાની હોત તો! તો કદાચ મારા મૃત્યુની દાદાગીરી ઓછી હોત! બહુ સમજ ન પડે તેવાં આ ત્રણે પુસ્તકોમાં વિચારોનું એક સુંદર છતાં બિહામણું વૃંદાવન રચાયું છે. પરિવર્તનની ઝડપ આપણને થથરાવી મૂકે તેવી ભયાનક જણાય છે. એક પુરુષ લેખક પોતાના પુરુષ પતિને પુસ્તક અર્પણ કરે તે વાત જ ધ્રુજાવી જાય તેવી નથી? મનુષ્યને વિચારોની ધ્રુજારી છૂટે એ શું નાનીસૂની વાત છે? પ્લેટોની વાત ખોટી નથી. આપણી સમગ્ર સૃષ્ટિ વિચારોની બનેલી છે.

પાઘડીનો વળ છેડે
શમણાંના દ્રવ્યમાંથી
આપણ સૌ સર્જાયાં જી,
નાની શી આ જિંદગી,
તો ઊંઘનો આકાર જી!
‘ધ ટેમ્પેસ્ટ’ (શેક્્સ્પિયર રચિત નાટક) પ્રવેશ દૃશ્ય-1માં બોલાતી પંક્તિઓ.

Blog:http://gunvantshah.wordpress.comX
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી