જાનવરતા અને માનવતા વચ્ચે કશમકશ! આપણે કઈ સદીમાં જીવીએ છીએ?

article by gunvant shah

ગુણવંત શાહ

Oct 21, 2018, 12:09 PM IST

માનવી પૃથ્વી પર પેદા થયો તેનું મૂળ દ્રવ્ય જાનવરતા ગણાય. ઉત્ક્રાંતિને કારણે ધીરે ધીરે જાનવરતા ખરતી ગઇ અને માનવતા ઊગતી ગઇ. અગ્નિની શોધ થઇ ત્યારે એક મોટું ટર્નિંગ પોઇન્ટ આવ્યું. સદીઓ બાદ ચક્રની શોધ થઇ ત્યારે બીજું ટર્નિંગ પોઇન્ટ આવ્યું. કાકાસાહેબ કાલેલકરે ચક્રના શોધકને ‘ચક્રઋષિ’ તરીકે નવાજ્યો હતો. કોમ્પ્યુટરની શોધ થકી ત્રીજું પોઇન્ટ આવ્યું અને આજનો ‘નવો માનવી’ પેદા થયો એમ કહી શકાય. આ નવો માનવી કેવો હોય?


વર્ષ 2009માં ‘સ્લમડોગ મિલિયોનેર’માં સંગીત માટે વિખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનને ઓસ્કાર એવોર્ડ મળ્યો ત્યારે એનો સ્વીકાર કરતી વખતે રહેમાને જે શબ્દો ઉદ્્ગાર્યા, તેમાં ઉપર મૂકેલા પ્રશ્નનો જવાબ મળે છે. એમણે કહ્યું હતું:


મારા સમગ્ર જીવનમાં
મારી સામે પસંદગી હતી:
પ્રેમ અને ધિક્કાર વચ્ચેની પસંદગી.
મેં પ્રેમની પસંદગી કરી
અને હું અહીં (આવ્યો) છું.


એ. આર. રહેમાન જેવા મહાન સંગીતકારને ઋષિ કોણ કહેશે? ઉપરના શબ્દો કોઇ ઋષિના મુખમાં શોભે તેવા સત્ત્વશીલ છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આપણા દેશમાં ધિક્કારનો જથ્થો વધી ગયો હોય એવી લાગણી મનને પજવી રહી છે. ધિક્કારનો જથ્થો વધે તે માટે કોઇ એક પક્ષને દોષ આપવાનું યોગ્ય નથી, ‘બેવકૂફ’ પ્રજા પણ ઓછી જવાબદાર નથી.
પ્રજાકીય બેવકૂફીની આવી કડવી વાત ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુએ થોડાક સમય પહેલાં કરી હતી. એમણે કહ્યું હતું કે: દેશની 90 ટકા પ્રજા બેવકૂફ છે. આજે આ વાત ખોટી છે એમ કહેવાની હિંમત ક્યાંથી લાવવી? કોઇ નિર્દોષ મનુષ્યને અફવાને કે ઝનૂનને કે ગાયપ્રેમને કારણે માર મારીને મારી નાખવો એને માટે આજકાલ ‘લિન્ચિંગ’ શબ્દ પ્રચલિત થયો છે. આ શબ્દ છ મહિના પહેલાં મારા જેવા ઘણા લોકો માટે અજાણ્યો હતો. આજે ટોળાશાહીને કારણે આવી દુર્ઘટના લગભગ રોજ બનતી રહે છે. ગાયના પ્રેમમાં પાગલ બનીને શું માનવીની ક્રૂર હત્યા કરવાની? માનવતા પર જાનવરતાનો વિજય થાય ત્યારે જ આવું બની શકે. કદાચ આમ કહેવામાં જાનવરતાનું પણ અપમાન થાય છે. કોઇ વાઘ અન્ય વાઘની હત્યા કરતો નથી. કોઇ ભેંસ અન્ય ભેંસને હણતી નથી. કોઇ કૂતરો અન્ય કૂતરા સામે ભસે છે બહુ, પરંતુ તેની હત્યા કરતો નથી.

ગાયના પ્રેમમાં પાગલ બનીને શું માનવીની ક્રૂર હત્યા કરવાની? માનવતા પર જાનવરતાનો વિજય થાય ત્યારે જ આવું બની શકે. કદાચ આમ કહેવામાં જાનવરતાનું પણ અપમાન થાય

આવું કેમ બને છે? જવાબ ઝટ જડતો નથી. માનવીમાં જેમ સદ્્વૃત્તિ રહેલી હોય છે, તે જ પ્રમાણે દુર્વૃત્તિ પણ રહેલી હોય છે. સદ્્વૃત્તિ ધરાવનાર મનુષ્યને વેદના ઋષિ ‘ભદ્ર’ ગણાવે છે, જ્યારે દુર્વૃત્તિ ધરાવનાર મનુષ્યને ‘દુરિત’ (પાપી) ગણાવે છે. માનવ-ઇતિહાસ ભદ્ર અને દુરિત પરિબળો વચ્ચેની ખેંચાતાણીનો ઇતિહાસ છે. વેદના ઋષિનું આવું સ્પષ્ટ દર્શન પાંચ-દસ હજાર વર્ષ જેટલું પુરાતન છે, તોય સનાતન છે. ‘લિન્ચિંગ’ જ્યાં પણ થાય ત્યાં આ દર્શન સાચું પડતું જણાય છે.


જે હિંદુ લિન્ચિંગમાં સામેલ થાય તેને ‘હિંદુ’ ગણવાની જરૂર ખરી? જે મુસલમાન ઇસ્લામને નામે આતંકવાદને ટેકો આપે તેને ‘મુસલમાન’ ગણવાની જરૂર ખરી? ‘હિંદુ’ની મૌલિક વ્યાખ્યા ઋષિ વિનોબાએ આપી છે: ‘હિંસયા દૂયતે ચિત્તં યસ્ય’- એ હિંદુ કહેવાય. આમ જેનું ચિત્ત હિંસાથી દુભાય તે ‘હિંદુ’ કહેવાય. જો મુસલમાન આતંકવાદને મનોવૈજ્ઞાનિક ટેકો આપે, તો તત્ક્ષણ ‘મુસલમાન’ મટી જાય. પયગંબરને આ વાત જરૂર ગમી જાય. હજી આપણને એટલું પણ નથી સમજાતું કે ISISનો લીડર બગદાદી અને પાકિસ્તાનનો આતંકવાદી હફિઝ સૈયદ ‘મુસલમાન’ મટી ચૂક્યા છે. જે માણસ ગાયના નામે નિર્દોષ અજાણ્યા આદમીની હત્યા કરે, તે માણસ વિશ્વ હિંદુ પરિષદ, RSS, બજરંગદળનો સભ્ય હોય, તોય ‘બિનહિંદુ’ જ ગણાય. એ જ રીતે જે મુસલમાન અલ-કાયદા, જૈશ-એ-મોહંમદ, ઇન્ડિયન મુજાહિદ્દીન કે PFI સાથે સંકળાયેલો હોય તો તે ‘બિનમુસલમાન’ જ ગણાય. આવું કહેવા માટેનું કારણ શું? એ જ કે જે જાનવરની કક્ષાએ જ અટકી જાય, તેનો કોઇ મજહબ ન હોઇ શકે. શ્વાન, બળદ, બકરી કે હાથી કોમવાદથી પર હોય છે. કોમવાદી કે જ્ઞાતિવાદી મનુષ્ય જો હિંસામાં જોડાય, તો એની જાનવરતા નિંદનીય ગણાય.


મારા આવા વિચિત્ર લોજિક માટે ‘સેક્યુલર’ ગણાવાનો ધખારો પણ છોડવા જેવો છે. જેમ કોમવાદ અને જ્ઞાતિવાદનો સનેપાત હત્યાનું નિમિત્ત બને છે, તેમ ‘સેક્યુલર સનેપાત’ પણ હત્યાનો હાહાકાર સર્જી શકે છે. આપણે સેક્યુલર ફેશનને કારણે ‘સેક્યુલરિઝમ’ને પરિશુદ્ધ માનવતાનો પર્યાય બનાવી શક્યાં નથી. સ્વરાજ મળ્યું અને ગાંધીજીના ગયા પછી સેક્યુલર સનેપાત વધ્યો છે અને માનવતા ક્ષીણ થતી રહી છે. આવું બન્યું તે માટે કોંગ્રેસ કરતાંય લિબરલ બુદ્ધિખોર લોકો વધારે જવાબદાર છે. આ વાત કોણ માનશે?


મારા મહાભારતભાષ્યની લેખમાળા ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ થતી હતી, ત્યારે જૈન મુનિશ્રી વિજયશીલચન્દ્રસૂરી મહારાજે એક પત્ર તંત્રીને પાઠવીને પોતાનો પ્રતિભાવ પ્રગટ કર્યો હતો. ‘નવનીત-સમર્પણ’ (જુલાઇ 2015, પાન-129)માં એ પત્ર છપાયો, તેનો એક અંશ અહીં પ્રસ્તુત છે:
‘જૈન ગ્રંથો અનુસાર ભગવાન મહાવીરના કાળમાં આપણે ત્યાં પણ ગુલામોના વ્યાપારની પ્રથા ચાલતી હતી. ચંપાનગરીની રાજકુમારી વસુમતીને કૌશાંબીના વિજેતા સૈન્યનો કોઇ સૈનિક ઉપાડી જાય છે અને કૌશાંબીના બજારમાં તેને ગુલામ તરીકે વેચવા ઊભી રાખી છે, વેચી છે, તે વાત સુપ્રસિદ્ધ છે. વસુમતીને ખરીદનાર શ્રેષ્ઠી ધનાઢ્યે તેને ચંદનબાળા નામ આપીને પુત્રીવત્ રાખેલી, જે પછીથી ભગવાન મહાવીરની પ્રમુખ સાધ્વી આર્યા ચંદનબાળા નામે વિખ્યાત થઇ. મજાની વાત એ કે ગુલામ લેખે વેચાયેલી આ વસુમતી તે સ્વયં ભગવાન મહાવીરની મસિયાયી બહેન થતી હતી.’


જરાક જુદી રીતે વિચારવાનું રાખીએ તો સમસ્યાઓનો મૌલિક ઉપાય શક્ય છે. આ બાબતે જે હઠીલું પછાતપણું જામી પડ્યું છે, તે માટે સમગ્ર પ્રજાની બેવકૂફી જવાબદાર છે. હજી ક્યાંક નિર્દોષ માનવીનું લોહી વહે ત્યારે રાજકારણીઓનો બકવાસ શરૂ થઇ જાય છે. આઝમ ખાન અને અસુદીદ્દીન ઓવૈસી મંડી પડે છે અને હિંદુત્વના કોન્ટ્રાક્ટરોનો લવારો પણ શરૂ થઇ જાય છે. 2019ની સામાન્ય ચૂંટણી ધ્રુવીકરણને ચગાવશે અને ધિક્કારનો જથ્થો વધારશે. યાદ રાખવા જેવું છે કે દુનિયાના જે દેશોમાં લઘુમતી સુખી હોય, ત્યાં સમગ્ર દેશ પણ પ્રમાણમાં સુખી હોય છે.

પાકિસ્તાન પાસેથી નકારાત્મકપણે શીખવા જેવું છે, તે એ કે ત્યાંની લઘુમતી ભયમાં જીવે છે, તેથી બહુમતી પણ ભયમુક્ત નથી. કોણ જાણે કેમ, પણ ભારતની અન્ય લઘુમતીઓની સરખામણીમાં મુસ્લિમ લઘુમતીને ‘નોર્મલ નાગરિક’ હોવાનો અહેસાસ થોડોક ઓછો થાય છે. એ લઘુમતીમાં સુધારાનો સ્વીકાર મોટો ગુનો બની રહે છે. તીન તલ્લાક અને નિકાહે હલાલા જેવી વાતે માનવ-અધિકારવાદીઓ પણ મીંઢું મૌન સેવે છે. જે બે બાબતો એકવીસમી સદીમાં ટકી જ ન શકે તે અંગે મુસ્લિમ બૌદ્ધિકો પણ ચૂપ રહે છે. ઘણા હિંદુઓને આવી વિસંગતિ અંગે થોડોક વાજબી અણગમો રહેતો હોય છે. ચૂંટણી આવી પહોંચે ત્યારે એક જ શબ્દ ધ્રુવીકરણમાંથી પેદા થનારા ઉધમાતને સખણો રાખી શકે તેમ છે. એ એક શબ્દ છે: ‘વશેકાઇ.’ થોડુંક જતું કરવાની તૈયારી લઘુમતીએ પણ બતાવવી જોઇએ. હજી મુસ્લિમ પ્રજા એકવીસમી સદીમાં પ્રવેશ પામવા ઝાઝી ઉત્સુક નથી. આ કડવી હકીકત હિંદુ બહુમતીને ખૂંચે છે. આવી અનવસ્થાથી ભારતને ‘વશેકાઇ’ જ બચાવી શકશે. આજે તો ક્યાંય એનો પત્તો નથી. પાકિસ્તાનની ભૂલોમાંથી થોડુંક શીખીએ, તો લાભ જ લાભ છે! અન્યની ભૂલમાંથી શીખે તે શાણો ગણાય.

પાઘડીનો વળ છેડે
બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હૂઁ,
આદમી હૂઁ આદમી સે પ્યાર કરતા હૂઁ!
એક ખિલૌના બન ગયા દુનિયા કે મેલે મેં
કોઇ ખેલે ભીડ મેં, કોઇ અકેલે મેં
મુસ્કુરાકર ભેંટ હર સ્વીકાર કરતા હૂઁ|
મૈં બસાના ચાહતા હૂઁ સ્વર્ગ ધરતી પર
આદમી જિસમેં રહે આદમી બન કર
ઉસ નગર કી હર ગલી તૈયાર કરતા હૂઁ|
- કવિ ગોપાલદાસ નીરજ
(ફિલ્મ ‘પહચાન’માં સાંભળેલું ગીત, યાદદાસ્ત પરથી)
નોંધ: આટલા શબ્દો માનવીય એકતા માટે પૂરતા છે. કવિતા જોડે છે, ઝનૂન તોડે છે. રિલ્કે જેવા ચિંતકે તેથી કહેલું: ‘Poetry is existence.’ (કવિતા એ જ અસ્તિત્વ છે.)

Blog:http://gunvantshah.wordpress.comX
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી