દેશના જાહેરજીવનમાં નફટાઈની માત્રા વધતી જાય છે કે શું?

article by gunvant shah

ગુણવંત શાહ

Sep 23, 2018, 12:05 AM IST

વર્ષો પહેલાં સાકુરી દ્વારા કહેવાયેલી એક લોકકથા ન્યૂ યોર્કથી પ્રગટ થતા PARABOLA સામયિકમાં વાંચી હતી. સાંભળો:


એક વૃદ્ધ માણસ પર્વત પર તાપ અને ટાઢની પરવા કર્યા વિના સાવ ખુલ્લી હવામાં આકાશ નીચે પડી રહેતો હતો. ઇસુએ એને પૂછ્યું: ‘તું નાનું ઘર બાંધીને કેમ રહેતો નથી?’ જવાબમાં તે પહાડી માણસે જણાવ્યું: ‘હે મહાત્મા! આપના પહેલાં થઈ ગયેલા અવતારી મસીહાએ મને જણાવ્યું હતું કે મારું આયુષ્ય માત્ર 700 વર્ષનું જ છે. એથી આટલા ટૂંકા સમય માટે ઘર બાંધવાનું અને સ્થાયી વસવાટ કરવાનું મને યોગ્ય નથી લાગતું.’

ધર્મનાં સ્થાનકોની સંખ્યા અને ભ્રષ્ટાચારની માત્રા સમાંતરે વધતી જ રહે ત્યારે જાતને પૂછવું પડે: હું કયા ધર્મનો ગાફેલ અનુયાયી છું? કહેવાતો ધર્મ માણસને માણસ બનવાની પ્રેરણા કેમ નથી આપતો?

આ લોકકથા વિજય માલ્યાને, નીરવ મોદીને, મેહુલ ચોકસીને, લલિત મોદીને, ચંદા કોચરને અને નીતિન સાંડેસરાને અર્પણ કરવા જેવી છે. આ જ લોકકથા કાર્તિ ચિદમ્બરમ્, પિતા પી. ચિદમ્બરમ્, રોબર્ટ વાડ્રા તથા નેશનલ હેરલ્ડ કેસમાં જામીન પર છૂટેલાં સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને પણ અર્પણ કરવા જેવી છે. બધા જ કિસ્સામાં અપ્રામાણિક આમદનીના આક્ષેપોનું બખડજંતર કેન્દ્રમાં છે. નેતાઓ પાસે ઓછી અક્કલ નથી હોતી, પરંતુ એમને એક સીધીસાદી બાબત નથી સમજાતી કે પ્રામાણિકતામાં જે નિરાંત છે, તે અપ્રામાણિકતા કદી પણ આપી શકતી નથી. આવા બધા જ ગુનાઓના કેન્દ્રમાં લોભ રહેલો હોય છે અને લોભ ગુનો નથી ગણાતો. રાજકારણીઓની વગોવણી કરનારી પ્રજા પણ હરામની કમાણી પ્રત્યે સૂગ નથી સેવતી. સામાન્ય લોકોને પણ ભ્રષ્ટ કમાણી પ્રત્યે ગુપ્ત આકર્ષણ રહેતું હોય છે. જયપ્રકાશજી 1977ના અરસામાં ફરિયાદ કરતા રહ્યા: ‘ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન ગયા હૈ.’


જે શિક્ષણ મનુષ્યને પ્રામાણિક બનવામાં જ ખરી નિરાંત રહેલી છે, એવી પ્રતીતિ પણ ન કરાવે એવું શિક્ષણ શા કામનું? શું પ્રામાણિક બનવાનું અત્યંત કઠણ છે? શું હરામના પૈસા પ્રત્યે અણગમો પેદા થાય એવા સંસ્કાર કેળવવા માટે કોઇ ગુરુની આવશ્યકતા ખરી? મંદિરમાં જઇ આવ્યા પછી જો કોઇને છેતરવામાં ખચકાટ ન થાય તો ત્યાં જવાથી શો લાભ? જો મસ્જિદે જનારો મુસલમાન મસ્જિદેથી પાછા ફરતી વખતે હતો તેવો ને તેવો જ ઇમાન વગરનો રહેવાનો હોય, તો એની નમાજ વ્યર્થ ગણાવી જોઇએ. ચર્ચમાં જઇને ક્રોસ પર આરૂઢ થયેલા ઇસુનાં દર્શન કર્યા પછી પણ હૃદયમાં બેથલહેમની સુવાસ પ્રગટ ન થાય, તો ચર્ચના આંટાફેરા બેકાર ન ગણાય? કોઇ પણ મહાનગરમાં ધર્મસ્થાન વટાવ્યા વિના તમે ભાગ્યે જ એક-બે કિલોમીટર ચાલી શકો. ધર્મનાં સ્થાનકોની સંખ્યા અને ભ્રષ્ટાચારની માત્રા સમાંતરે વધતી જ રહે ત્યારે એક મિનિટ અટકી જઇને જાતને પૂછવું પડે: હું કયા ધર્મનો ગાફેલ અનુયાયી છું? કહેવાતો ધર્મ માણસને માણસ બનવાની પ્રેરણા કેમ નથી આપતો?


અંધશ્રદ્ધાનો ઇજારો માત્ર આસ્તિક અને ઈશ્વરથી ડરનારા ભક્તોનો જ હોય એવું પણ નથી. તમે નાસ્તિક એવા માર્ક્સવાદી બૌદ્ધિકની અંધશ્રદ્ધા નજીકથી જોઇ છે? અંધશ્રદ્ધાળુ ગણાતા ભક્તોને જેટલી શ્રદ્ધા હનુમાનજી પર હોય એટલી જ શ્રદ્ધા ડાબેરી માર્ક્સવાદી બૌદ્ધિકોને કાર્લ માર્ક્સ પર હોય છે. તમે આવા નમૂનાઓ સાથે ચર્ચા કરી જોજો. એમની તો અપ્રામાણિકતા પણ આદર્શના રંગે રંગાયેલી જણાશે. વાતે વાતે કાર્લ માર્ક્સ અને વાતે વાતે સમતાવાદી (ઇગેલિટેરિયન) સમાજનું સમણું! એમને નક્સલવાદી હત્યાકાંડ ન ખૂંચે કારણ કે એવા હત્યાકાંડમાં પણ ક્રાંતિનાં વૈતાલિક સાંભળવાની એ લોકોને ટેવ પડી ગઇ છે. અંધશ્રદ્ધા કેવળ ધર્મક્ષેત્રમાં પ્રવર્તે છે એવા વહેમમાં રહેવાની જરૂર નથી. આજે દેશમાં કાર્લ માર્ક્સના નામે ચાલતી હિંસામૂલક, જૂઠમૂલક અને દંભમૂલક અંધશ્રદ્ધાનો પાર નથી. મારી વાત ખોટી લાગે, તો પશ્ચિમ બંગાળમાં જઇને કોઇ સામ્યવાદી બિરાદરના ડ્રોઇંગરૂમમાં જઇને સ્તાલિનની છબી જોઇ આવજો. સ્તાલિન સાથે જોડાયેલી હત્યા સાથે ‘ક્રાંતિ’ શબ્દ જોડાઇ જાય, ત્યારે કત્લેઆમ પણ નિર્દોષ ગણાય? વાહ વાહ રામજી!


આપણા લોકોને ભ્રષ્ટ રાજકારણીઓની નિંદા કરવામાં ખાસી મજા પડતી હોય છે. ખરેખર તો એમાં પલાયનવૃત્તિ રહેલી જણાય છે. અભ્રષ્ટ પ્રજાને કદી પણ ભ્રષ્ટ નેતાઓ મળે ખરા? એ જ રીતે ભ્રષ્ટ પ્રજાને કદી અભ્રષ્ટ નેતાઓ નહીં મળે. આપણી ભ્રષ્ટ પ્રજા પણ સ્વચ્છ નેતાઓ પામવા ઝંખે છે. જેવી પ્રજા તેવા તેના નેતા! જૂઠું બોલનારો બદમાશ પણ સામેવાળો જૂઠું ન બોલે તેવી ઇચ્છા રાખે છે. લુચ્ચી સાસુ પણ નિખાલસ પુત્રવધૂ ઇચ્છે છે. લુચ્ચી પુત્રવધૂ પણ સરળ અને નિષ્કપટ સાસુ મળે તેવી અપેક્ષા રાખે છે. લોકતંત્રમાં અત્ર-તત્ર-સર્વત્ર અટવાતી આ મજાક આજકાલ ભારતના ખૂણેખાંચરે પ્રસરી ગઇ છે. ભ્રષ્ટાચારના ખાળકૂવામાં ડૂબકાં ખાનારો કર્મશીલ પણ વડાપ્રધાન મોદી પાસે સો ટચની અભ્રષ્ટ સરકાર મળે તેવી અપેક્ષા રાખે છે.


શ્યામલ ચટ્ટોપાધ્યાયના લેખમાં (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 26-05-2008) એક વાત વાંચી હતી. અકબરના સમયમાં એક ઉપનિષદ રચાયું હતું, જેનું નામ હતું: ‘અલ્લાહ ઉપનિષદ.’ સૂફી સંત મોઇનુદ્દિન ચિસ્તીને કોઇએ પૂછ્યું: ‘અલ્લાહની નજરમાં ભક્તિનું સૌથી ઊંચું સ્વરૂપ કયું?’ જવાબમાં સંતે જણાવ્યું:


- નદી જેવી ઉદારતા કેળવો
- સૂર્ય જેવી વિપુલતા કેળવો અને
- પૃથ્વી જેવી મહેમાનગતિ કેળવો.


આજકાલ એવું લાગી રહ્યું છે કે દેશના જાહેરજીવનમાં નફટાઇની માત્રા વધતી જાય છે. ભષ્ટાચાર પણ એક પ્રકારની નફટાઇ જ છે, જાત સાથેની નફટાઇ! રાહુલ ગાંધી મુસ્લિમ બૌદ્ધિકોને કહી શકે છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. અમિત શાહ ભાજપની કારોબારીમાં એવું કહી શકે છે કે આવતાં પચાસ વર્ષ સુધી ભાજપ શાસન કરશે. આવું કહેવામાં સત્તાની કૂખે જન્મેલા અહંકારની દુર્ગંધ વરતાય છે. કાલદેવતાની કરામત કોઇને છોડતી નથી. 2019ની ચૂંટણી લગભગ શિક્ષિકા બનીને આવી પહોંચી છે. જે દેશમાં મહાત્મા ગાંધી જેવા મહામાનવ જીવી ગયા, તે દેશના લોકો હજી ભ્રષ્ટાચારથી કંટાળ્યા નથી એ હકીકતને મજાક ગણવી કે શોકાંતિકા?


પાઘડીનો વળ છેડે
મેં ભગવાનને કેવળ એક જ
પ્રાર્થના કરી છે અને તે સાવ ટૂંકી છે:
‘હે પ્રભુ!
મારા શત્રુઓને હાસ્યાસ્પદ બનાવી દેજે.’
અને ભગવાને મારી પ્રાર્થના માન્ય રાખી છે.
- વોલ્તેયર
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી