આજે સખાવત દિવસ પણ છે!

article by divyesh vyas

દિવ્યેશ વ્યાસ

Sep 05, 2018, 12:05 AM IST

આજે 5મી સપ્ટેમ્બર, ભારતમાં શિક્ષક દિન ઊજવાશે. દેશના વિશ્વપ્રસિદ્ધ શિક્ષણવિદ્્ અને રાષ્ટ્રપતિ જેવું સર્વોચ્ચ પદ શોભાવનારા ‘ભારત રત્ન’ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે આપણે ત્યાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જોકે, 5મી સપ્ટેમ્બરની તારીખ બીજા એક વિશ્વપ્રસિદ્ધ ‘ભારત રત્ન’ સાથે પણ જોડાયેલી છે, જેમનું નામ છે - મધર ટેરેસા! મધર ટેરેસાએ 5 સપ્ટેમ્બર, 1997ના રોજ અંતિમ શ્વાસ લીધો હતો. નોંધનીય બાબત એ છે કે રાધાકૃષ્ણનના જન્મ દિન શિક્ષક દિન તરીકે ઊજવાય છે તો મધર ટેરેસાનો નિર્વાણ દિન સખાવત દિવસ તરીકે મનાવાય છે! આમ, આજે માત્ર શિક્ષક દિન જ નથી, પરંતુ સખાવત દિવસ પણ છે.

આપણે આજે શિક્ષક દિન ઊજવીશું, પરંતુ દુનિયાભરમાં 5મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સખાવત દિવસ તરીકે પણ મનાવાય છે

મધર ટેરેસાના મૃત્યુ દિનને સખાવત (ચેરિટી) દિવસ તરીકે મનાવવાનો નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2012માં કરવામાં આવ્યો હતો. 2012માં યુએનની સામાન્ય સભામાં મધર ટેરેસાની યાદમાં ઇન્ટરનેશનલ ડે ઑફ ચેરિટી મનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં આ ઠરાવનો પ્રસ્તાવ રાખનારા 44 દેશોમાં સ્વાભાવિકપણે ભારતનો પણ સગર્વ સમાવેશ થયો હતો. દર વર્ષે ચેરિટી ડે નિમિત્તે જુદાં જુદાં ક્ષેત્રે સેવાકાર્યો કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓને આર્થિક અનુદાન આપવા માટે અમીર લોકો અને મોટી મોટી કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.


કોઈ પણ સેવા કાર્ય કરવા માટે નાણાં-સંસાધનો હોવા અનિવાર્ય છે. સેવાકાર્યો કરતી સ્વૈચ્છિક, સામાજિક અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા જુદા જુદા સ્રોત પાસેથી આર્થિક મદદ મેળવવામાં આવે છે. આમ, મોટા ભાગની સેવાભાવી સંસ્થાઓ ચેરિટી પર નિર્ભર હોય છે. ‘ચેરિટી’ અંગ્રેજી શબ્દ છે, તેના માટે ગુજરાતી કોશમાં જે શબ્દો આપવામાં આવ્યા છે તેના પર નજર નાખવા જેવી છે : ‘માનવ જાત પ્રત્યે સદ્્ભાવ, પ્રેમ, ઉદારતા, મોટું મન, પરોપકાર, સખાવત, દાનધર્મ, ભિક્ષા આપવી તે, અનાથ ઇત્યાદિને મદદ કરનારી ધર્માદા સંસ્થા, દાન, દીનવાત્સલ્ય, અનુકંપા, પ્રીતિભાવ, અનુરાગ, ઉદાર દૃષ્ટિકોણ, મનની મોટાઈ, ઔદાર્ય, ખેરાત.’


ભારતમાં પહેલીથી દાનવૃત્તિને પ્રોત્સાહન મળે છે. દાનેશ્વરી રાજાઓની અનેક કથાઓ આપણને સાંભળવા-વાંચવા મળે છે. બીજું, ભારતમાં ધર્માદાથી ચાલતી સંસ્થાઓની એક મોટી પરંપરા રહી છે. આ પરંપરાને જ આગળ વધારી હતી, મધર ટેરેસાએ.


ચેરિટીનું નામ પડે એટલે મધર ટેરેસા જરૂર યાદ આવે. આપણે જાણીએ છીએ કે મધર ટેરેસાએ સેવાકાર્યોમાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી હતી. મધર ટેરેસાની સંસ્થા દુનિયાના 130થી વધારે દેશોમાં કાર્યરત છે અને ગરીબો-અનાથ વગેરે જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહી છે. મધર ટેરેસાનાં સેવાકાર્યોમાં સ્નેહ અને સમર્પણ ભળેલા હોવાથી તેમની પ્રવૃત્તિ દીપી ઊઠી હતી.
મધર ટેરેસાએ પોતાની ભાવના અને ભગીરથ પ્રયાસોથી ચેરિટીનાં કાર્યોને એક ઊંચાઈ બક્ષી હતી, કારણ તેમણે સમાજમાં જેમનું કોઈ નહોતું, જેઓ તિરસ્કૃત હતા, જેમને બે ટંક રોટલો ખવડાવવા પણ કોઈ તૈયાર નહોતું, તેવા લોકોની સેવા કરી હતી.

તેમનાં સેવાકાર્યોને કારણે જ તેમને રોમન મેગ્સેસેથી માંડીને નોબેલ સહિતનાં સન્માનો પ્રાપ્ત થયાં હતાં. મધર ટેરેસાનું જીવનકાર્ય જોતાં તેમની યાદમાં ચેરિટી દિવસની ઉજવણી કરવામાં આવે તે બધી રીતે યોગ્ય જણાય છે. મધર ટેરેસાએ ચેરિટી સંદર્ભે એક સુંદર વાત કરી હતી, ‘આપણે કેટલું આપીએ છીએ એ નહિ, પરંતુ જે કંઈ આપીએ છીએ એ કેટલા પ્રેમભાવથી આપીએ છીએ, એનું જ મહત્ત્વ હોય છે.’


ચેરિટીની વાત નીકળે ત્યારે ગાંધીજીનો વાલીપણાનો સિદ્ધાંત (ટ્રસ્ટીશિપ) પણ યાદ આવી જાય છે. ગાંધીજીએ સંપત્તિના માલિક નહીં પરંતુ વાલી બનીને તેનો ઉપયોગ સદ્્પ્રવૃત્તિઓ-સેવાકાર્યો તથા વંચિત-પછાત લોકોના જીવનોદ્ધાર માટે કરવાની સલાહ આપી હતી. આજે વોરન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા ‘ધ ગિવિંગ પ્લેજ’ નામની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અબજોપતિઓ પોતાની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો સામાજિક-સેવાભાવી પ્રવૃત્તિઓ માટે દાન આપવા માટે સંકલ્પબદ્ધ થાય છે. આ ઝુંબેશમાં 22 દેશોના 184 અબજોપતિ પરિવારો જોડાયા છે. આ ઝુંબેશ દેખીતી રીતે જ મહાત્મા ગાંધીના વાલીપણાના સિદ્ધાંતને અનુસરે છે, એવું કહી શકાય.


દુનિયામાં અપાર-અફાટ અસમાનતાઓ જોવા મળી રહી છે ત્યારે અમીર-સાધનસંપન્ન લોકોએ ઉદાર હાથે દાન કરીને પાછળ રહી ગયેલા લોકોની મદદ કરવી જ રહી. 5મી સપ્ટેમ્બર આપણને ફરી ફરી દાન આપવાની, ધર્માદો કરવાની, સેવાકાર્યોમાં સહભાગી બનવાની યાદ અપાવે છે અને નિમિત્ત પૂરું પાડે છે.


મધર ટેરેસાને વંદન અને ઉદાર હાથે દાન કરનારા, પરોપકારની પ્રવૃત્તિ કરનારાઓને અભિનંદન!
[email protected]

X
article by divyesh vyas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી