ઓફબીટ / ગાંધીજીને ગમે એવા ગાંધી

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Apr 10, 2019, 03:34 PM IST

જુઠ્ઠું બોલનારને કાગડો કરડતો હોત તો આજ સુધીમાં આ ધરતી ઉપર વાયસની ચાંચે પાડેલા જખમ વિનાનો એક પણ માણસ જીવતો ન હોત અને તમામ કાગડાઓની ચાંચો તૂટી ગઈ હોત. લુચ્ચા શિયાળે કાગડાને કહ્યું હતું કે તમે બહુ સુંદર ગાઓ છો. હરખપદૂડો થઈને કાગડો ગાવા લાગ્યો અને તેના મોંમાંથી પૂરી પડી ગઈ. ઘણી બાળવાર્તાઓ, બોધકથાઓ અને નીતિકથાઓને રિહશ કરવાની જરૂર છે. કાગડાએ અડધા કે એક ચતુર્થાંશ ભરેલા કુંજામાં પોતાની ચાંચ વડે પકડી પકડીને કાંકરા નાખ્યા તેથી પાણી ઊંચે આવ્યું હતું? પ્રયોગશાળામાં શિક્ષકોએ અને નિશાળિયાઓએ આના, ગુજરાતી લોકપ્રિય સાપ્તાહિકોની ભાષામાં કહીએ તો લેખાંજોખાં લેવાં જોઈએ. જે કાગડો આવો આઇડિયા દોડાવી શકે એ જ કાગડો (એનો જાતભાઈ, ધેટ ઇઝ) એટલો ભોટ હોય, ભલાદમી કે તે પોતાના મુખમાંથી પૂરીને સરી પડવા દે? શિયાળ જુઠ્ઠું બોલીને કે છેતરીને પૂરી લઈને દોડ્યું તો કાગડો તેને ચાંચ વડે કરડ્યો કેમ નહીં? જુઠ્ઠું બોલનારને કાગડો કરડતો હોય તો આજે એ કાગડો કોને કરડે?’ આ શબ્દો છે હસમુખ ગાંધીના. ગુજરાતી પત્રકારત્વના બીલીપત્રસમાં ત્રણ નામો. 1. હરકિસન મહેતા, 2. હરીન્દ્ર દવે અને 3. હસમુખ ગાંધી. આજે હસમુખ ગાંધી અનાયાસે યાદ આવ્યા છે. એમની સાથે જીવેલા અને કામ કરી ચૂકેલાં કેટલાંય નામો આજે મારા કરતાં પણ વધારે એમના વિશે વાત કરી શકે. હું તો હસમુખભાઈ નામના વગડામાં મારી સાથે તમને ભૂલા પાડવા માગું છું. વિષયની માવજત પહેલા જ શબ્દથી એવી કે લેખ પૂરો થતાંમાં આપણને એમ લાગે કે હજુ વધારે લખ્યું હોત તો? પત્રકારનો ધર્મ શું છે? હસમુખ ગાંધી ઉવાચે છે.
‘પત્રકારત્વ એટલે જાણે ગાબુજી ગાબુજી ગમ ગમ હોય એમ સૌ તૂટી પડ્યા છે. પત્રકાર છે ક્યાં? બતાવો એક. તે ભણેલો હોવો જોઈએ. તેને ગ્રામર આવડવું જોઈએ. આજે તો છાપાંવાળાઓ અત્યંત સુંદરતા એમ કહે છે. અત્યંત તો ક્રિયા વિશેષ અવયવ (એડવર્બ) છે અને અત્યંત સુંદર કહેવાય, પણ અત્યંત સુંદરતા ન કહેવાય એ તેઓ સમજી નથી શકતા. વિશેષણ હંમેશાં નામને ક્વોલિફાય કરે, ક્રિયાવિશેષણ અવ્યવ હંમેશાં વિશેષણને મોડિફાય કરે એ વાત સમજની બહાર છે. જે પત્રકારની જોડણી અને તેનું અનુસ્વારનું જ્ઞાન પરફેક્ટ હોય એની નવા પત્રકારો મશ્કરી કરે છે: આ તો હ્રસ્વ ઈ દીર્ધ ઈવાળો છે. કેટલા ગુજરાતી પત્રકારોને આજે અંગ્રેજી કે ગુજરાતી ડિક્શનરી જોતા આવડે છે? કેટલાને માઇથોલોજીનું, સાહિત્યનું, આઝાદીની લડતનું, બંધારણનું કે અન્ય દેશોના રાજકારણનું ભાન છે? જનરલ નોલેજમાં અને આઇક્યૂમાં તેઓ ક્યાં ઊભા છે?’
મુકુલ ચોક્સીનું મુક્તક છે.
ડૂસકાં હૃદય મહીંથી દસ-બાર નીકળે છે,
લોહી નીતરતી આંખે ચિત્કાર નીકળે છે,
આ જેમતેમ વીતે બોઝલ ને ત્રસ્ત રાતો,
ત્યારે જ દોસ્ત સવારે અખબાર નીકળે છે.
આ અખબાર વિશે હસમુખ ગાંધી શું કહે છે? ‘આખરે તો સત્ય પ્રકાશે છે, ફરેબ ખુલ્લો પડે છે. સવારે ન્યૂઝ સ્ટોલ ઉપરથી વાચકોને ઉંબરે જે અખબાર અફળાય છે તે વાંચીને વાચકો દૂધ અને પાણીને છૂટાં પાડી શકે છે. વાચક આપણા મતદાર જેવો છે, તેની કોઠાસૂઝ ધીંગી છે, તેને કોઈ ઉલ્લુ બનાવી શકતું નથી.’
કેટકેટલા વિષયોને એમને અાવરી લીધા છે. ગાળો ઉપર એક આખો તંત્રીલેખ લખીને ચંદ્રકાન્ત બક્ષીને ટાંકીને તેઓ લખે છે કે ગાળો એ તો પુરુષનો શો-પીસ છે. ડાયટ પ્લાનની પાછળ પડનારા આ સમય માટે એમણે 13-6-1993માં ‘હુ ઇઝ અફેઇડ ઓફ વિટામિન્સ એન્ડ મિનરલ્સ?’ નામનો ગુજરાતીમાં તંત્રીલેખ લખ્યો છે. પોતાની તોફાની, જિનિયસ, તેજાબી, તોખીલી વાણીમાં પત્રકારો વિશે તેઓ લખે છે: ‘ગુજરાતી પત્રકારોનો શબ્દકોશ કંગાળ હોય છે. એક જણે બાગડોર શબ્દને જોરે 32 વર્ષ ખેંચી કાઢ્યાં હતાં તો બીજાએ દસ લાખ વખત આક્રોશ શબ્દને ખાંડ્યો હતો. એક જણ કાયમ દાદ માગતો અને અભિનયનાં અજવાળાં પાથરતો. બીજો વળી દરેક મરનાર વીઆઇપીને ચિરવિદાય આપતો હતો અને કોઈ પણ માણસ આગમાં મરી જાય ત્યારે તેનું ભડથું બનાવી દેતો હતો. ગુજરાતી પત્રકાર હજી હાકલા, અનુરોધ, નનૈયો, અપીલ અને રદિયામાંથી બહાર નીકળી શક્યો નથી. સરિયામ અનપઢપણું એ તેનો વોચવર્ડ છે. ગુજરાતી પત્રકારને ચાલાક માણસો બ્રેકફાસ્ટ કે લંચ ઉપર બોલાવીને જે બ્રીફિંગ આપે છે એ તેઓ સ્વીકારી લે છે. અણિયાળા પ્રશ્નો પૂછવા એ પત્રકારનો પ્રથમ ધર્મ છે.’
આજે મહાત્મા ગાંધી અને હસમુખ ગાંધી બંને હયાત હોત તો? ગાંધીજીને પણ વાંચવા ગમે એવા ગાંધી ‘મિસ’ થાય છે.
ઓન ધ બીટ્સ: આપણે આપણું કલ્ચર ગુમાવી દીધું છે અને પશ્ચિમે એને ઝીલી લીધું છે. - હસમુખ ગાંધી
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી